પ્રશંસા-જળનો છંટકાવ – મોહમ્મદ માંકડ

કેટલાંક કામો એવાં હોય છે જેની કદી કોઈ પ્રશંસા જ નથી કરતું. એવા કેટલા માણસો હશે જેમણે સફાઈ કામદારના કામની પ્રશંસા કરી હશે ? દરરોજ રસ્તા વાળવાના, દરરોજ ગંદકી સાફ કરવાની અને ઉપરથી દરરોજ મુકાદમોના ઠપકા જ સાંભળવાના !

આવી જ સ્થિતિ કુટુંબમાં સ્ત્રીની હોય છે. અમારા એક મુરબ્બી ઘણી વાર હસીને કહે છે કે, ‘પુરુષને આખી જિંદગીમાં માત્ર એક જ વાર સુવાવડ આવતી હોત તો ખબર પડી જાત ! સહન કરનાર અને કુટુંબના ભલા માટે જ જીવનાર, બીજાને જમાડીને જમનાર અને કુટુંબના બીજા સભ્યોને બધી જ સગવડ કરી આપ્યા પછી વધીઘટી સગવડ સંકોચથી ભોગવનાર, જિંદગીભર એકધારાં નીરસ કામો અત્યંત રસપૂર્વક કરનાર અને છતાં એ કામો માટે પણ – રસોઈમાં મીઠું તો વધારે નહીં પડી ગયું હોય ને ? ઘરમાં કચરો તો નહીં રહી ગયો હોયને ? સ્કૂલે કે ઑફિસે જવાનું કોઈને મોડું તો નહીં થાયને ? એવો – કદાચ ફફડાટ અનુભવનાર, સેવાને માટે જ જાણે જન્મ ધારણ કર્યો હોય એવી ભારતીય સ્ત્રીની પ્રશંસા કેટલાં કુટુંબોમાં થતી હશે ? પત્નીને સારી સાડી લઈ આપનાર, પિતા કે માતાને જાત્રાએ મોકલનાર પુત્ર પોતે જાણે કેવુંય મોટું કામ કરી નાંખ્યું હોય એવો પોરસ અનુભવે છે; પરંતુ નિરંતર પ્રેમપૂર્વક સેવા કરનાર સ્ત્રીની આંગળીના નખ જેટલું પણ એ કામનું વજન થઈ શકતું નથી.

પ્રેમનો જોકે કોઈ બદલો હોઈ શક્તો નથી, પરંતુ પોતાના તરફથી આભાર તો માણસ પ્રગટ કરી શકે છે અને એ માટે ‘આભાર’ બોલવાની કોઈ જરૂર નથી હોતી. આભાર માણસના કામ અને વર્તનમાંથી પ્રગટ થાય છે, પ્રશંસાનાં બે વેણમાંથી પ્રગટ થાય છે. અને એવાં બે વેણ, આપણે માની પણ ન શકીએ એવી જીવનશક્તિનું સામી વ્યક્તિમાં સિંચન કરી શકે છે.

બાળકના જીવનો તો જાણે વિકાસ જ મોટેરાંઓની પ્રશંસા પર અવલંબિત હોય છે. પુખ્ત ઉંમરના માણસો પ્રશંસા અને નિંદાથી અલિપ્ત રહીને જીવી શકે છે, પરંતુ બાળક એવી રીતે વર્તી શકતું નથી. નાનકડી વેલ જેવી એની સ્થિતિ હોય છે. એને તમારે ટેકો આપવો પડે છે. યોગ્ય પ્રશંસાના વાતાવરણમાં ઊછરેલા બાળકમાં અને સદાય નિંદા, ઉપહાસ ને ટીકાઓ વચ્ચે ઊછરેલ બાળકમાં બહુ મોટો તફાવત હોય છે. ઘણી વાર તો બાળકને જે કાંઈ મળે છે એ જ મોટી ઉંમરે એ સમાજને પાછું આપે છે. સારા સમાજની ખેવના રાખનારે બાળકોના ઉછેરની ખેવના રાખવી જોઈએ. અને સારા ઉછેર માટે યોગ્ય પ્રશંસા ખૂબ જ જરૂરી હોય છે.

આપણી ફરિયાદો પાર વિનાની છે, સરકાર સામે, સમાજ સામે, કુટુંબજીવન સામે ફરિયાદોની મોટી યાદી આપણી પાસે હોય છે. પરંતુ એક વાત આપણે સમજી લેવી જોઈએ કે સારો સમાજ, સારું કુટુંબજીવન, સારું લગ્નજીવન એ કોઈ બજારમાં વેચાતી રેડીમેઈડ ચીજો નથી. સારા મકાનની જેમ એનું પણ આપણે ચણતર કરવું પડે છે. એટલું જ નહીં એ ચણતર લગભગ દરરોજ, જીવનની પ્રત્યેક ક્ષણે કરવું પડે છે. સારો બગીચો બનાવવા માટે ઘાસ અને જાળાંઝાંખરાં આપણે દૂર કરીએ છીએ. જીવનનો બગીચો ખીલવવા માટે પણ બીજાના અવગુણોને બાજુ પર રાખી દઈને એમના ગુણોને પ્રશંસાના જળનો થોડો છંટકાવ કરી લેવો જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કામમાં સુવાસ – ઈશ્વર પેટલીકર
બુફેની ડીશ – ડૉ. શરદ ઠાકર Next »   

11 પ્રતિભાવો : પ્રશંસા-જળનો છંટકાવ – મોહમ્મદ માંકડ

 1. Hiral Thaker "Vasantiful" says:

  Nice article.!

 2. ashalata says:

  સરસ ક્રુતિ !

 3. અતુલ જાની (આગંતુક) says:

  જીવનનો બગીચો ખીલવવા માટે પણ બીજાના અવગુણોને બાજુ પર રાખી દઈને એમના ગુણોને પ્રશંસાના જળનો થોડો છંટકાવ કરી લેવો જોઈએ.

  ગુલાબના કાંટાને જોવાને બદલે તેની સુગંધ અને નજાકતતાનો આનંદ માણવો તેમાં જ શાણપણ છે. અલબત કેટલાએક માણસો એવા હોય છે કે જેમને પોતાની પ્રશંસા ગમે છે પરંતુ તેઓ બીજાની પ્રશંસા કરી શકતા નથી તેમને માટે શ્રી મોહમ્મદભાઈ નો આ લેખ અંગુલી-નિર્દેશ કરનારો બની રહેશે.

  આવો સુંદર લેખ આપવા બદલ મોહમ્મદભાઈ આપને ખુબ ખુબ ધન્યવાદ. અલબત આપ તો મોટા ગજાના લેખક છો અને પ્રશંસાના જળના છંટકાવના જ નહીં પરંતુ પ્રશંસાના જળથી સ્નાન કરવાના અધિકારી છો, પરંતુ અમે અમારી યોગ્યતા મુજબ અમને જેવો આવડે તેવો પ્રશંસાના જળનો છંટકાવ કરીએ છીએ તો તેને સ્વીકારશો.

 4. ભાવના શુક્લ says:

  બહુ સુંદ અને મજાની વાત લઈને આવેલો આ લેખ છે. પ્રશંસા એટલે માત્ર વખાણ કરવા એવુ ને બદલે નાના-મોટા કાર્યો માટે આભારની લાગણી માત્ર વર્તણુકથી પણ દર્શાવી શકાય છે. દરેક કાર્ય માટે મહેનતતો સરખીજ લાગે છે પરંતુ જો જરાસરખા આભારથી ભરેલા બે શબ્દો કે નજર દર્શાવી શકાયતો મહેનતનો થાક આપોઆપ ૯૦% (હાશ!!! કરીને) હળવો થઈ જાય છે. મારા પપ્પાને આદત હતી કોઇ પણ વાતને સકારાત્મક રિતે કહેવાની કે જેનો બોજ ના લાગે અને ભુલ હોય તો ધ્યાન દોરાય. નાનપણમા નવી નવી રસોઈ શિખતી ત્યારે જો મીઠુ વધુ હોયતો પ્રેમ થી કહેતા “બેટા મીઠુતો બરાવર છે શાક થોડુ ઓછુ પડ્યુ મીઠામા..બાકી બહુ સરસ છે” સહકુટુંબ ભોજનમા હળવો ટહુકો ને હસા હસ અને ફરી ભુલ ના થાય તેનો મનોમન નિર્ણય..

 5. SURESH TRIVEDI says:

  સ્ત્રેી કે સ્ત્રેીજાતિ ને પગનેી જુતેી સમજનાર કેવો બેવકુફ ગનાય!
  God has created woman only to spread ocean of LOVE to mankind without any kind of reward.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.