બુફેની ડીશ – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ માંથી સાભાર.]

એનાથી એક પળ બનું ગાફેલ, નથી એને પસંદ,
ઊંઘ આવી છે, તો સ્વપ્નામાં જગાડ્યો છે મને.

‘આવો છો ને આ શનિવારે અમારી સાથે ?’ થોડા દિવસ જ થયા છે આ સંવાદને. મારા અંગત લેખક મિત્રે મને પૂછ્યું.
‘હા, આવું છું. કેટલા વાગ્યે નીકળવાનું છે ?’ મેં કાર્યક્રમનો નકશો માગ્યો. ‘સવારે ત્રણ વાગ્યે ઊઠવાનું છે. પાંચ વાગ્યે તો આપણે અમદાવાદ છોડીને નીકળી જવું પડશે. ત્રણસોએક કિલોમીટર જેટલું છેટે જવાનું છે. સાહિત્યનો કાર્યક્રમ છે. દિવસ આખો વાર્તામેળામાં વીતાવાનો છે અને રાત શાયરીના જામમાં ડૂબવાની છે પણ આ વખતે એક શરત છે. આવવાનું પાક્કું હોય તો જ “હા” પાડજો, બાકી દર વખતની જેમ છેલ્લી ક્ષણે ફસકી જતા નહીં.’ મિત્રે નકશાના બદલામાં મારી પાસે પાકી પહોંચ માગી. મેં આપી.

એમની વાત સાચી હતી. છેલ્લા એકાદ વર્ષની જ વાત કરું તોપણ લગભગ ચાર-પાંચ બહારગામના અને દસ-બાર સ્થાનિક સમારંભોમાં જવાનું છેક છેલ્લી ઘડીએ રદ કરવું પડ્યું હતું. એકવાર તો અમરેલી જવા માટે બેગ લઈને ગાડીમાં બેસવા જતો હતો અને ‘ઈમરજન્સી પેશન્ટ’ આવી જવાથી બેગ સહિત ઓપરેશન થિયેટરમાં કામે લાગી જવું પડ્યું હતું. આવું બને ત્યારે મને હતાશા ઘેરી વળે એ સ્વાભાવિક છે. હતાશા ચેપી હોય છે. મિત્રોને પણ એની અસર થાય છે. પણ આ વખતે હું મક્કમ હતો. મેં “હા” પાડ્યા પછી એમને વિશ્વાસ આપ્યો : ‘આ વખતે હું નરસિંહરાવની જેમ ઢચુપચુ નથી, સરદાર વલ્લભભાઈની જેમ દઢ છું. સવારે પાંચ વાગ્યે હું તમારી સાથે કારમાં હોઈશ. હું ભૂલી જઈશ કે હું ડૉક્ટર છું. ખુદ ઈન્દ્ર ભગવાન પણ એમની ઈન્દ્રાણીની સારવાર કરાવવા આવે તોયે ના પાડી દઈશ.’

મિત્રે મજાક કરી : ‘સારવારના બદલામાં ફી તરીકે ઈન્દ્રાસન આપે તો પણ ?’
‘ના. ઈન્દ્રાસન તો શી ચીજ છે, ખુદ ઈન્દ્રાણીને આપી દેવા તૈયાર થાય તો પણ નહીં. બોલો હવે કંઈ કહેવું છે ?’ હું મક્કમતાના શિખર પર હતો. મિત્ર પ્રસન્ન હતા. એ કેટલાયે વખતથી મને આગ્રહપૂર્વક બહારગામના સમારંભોમાં જવા માટે તૈયાર કરતા હતા. પણ હું મારા નર્સિંગ હોમને ગળે વળગાડીને ફરતો હતો. તબીબી જિંદગી મને પડછાયાની જેમ વળગેલી રહે છે, એવો પડછાયો જે અંધકારમાં પણ મારો સાથ નથી છોડતો. મારી વ્યસ્તતા મને ગમે છે એની ના નથી, પણ ક્યારેક એ જીવન મારી સાથે ક્રુર રમત રમે છે. મારી જિંદગી બુફેની ડીશ જેવી બની જાય છે. ડીશ નાની છે અને ભોજનની વિવિધતા મોટી છે. વાનગીઓના સ્વાદ એકબીજા સાથે ભેળસેળ થઈ જાય છે. પરિણામે ક્યારેક બે ઑપરેશનોની વચ્ચેના સમયમાં મારે લેખ લખવો પડે છે અને કોઈના ઘેર બેસવા ગયો હોઉં કે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હોઉં ત્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપવું પડે છે. એક મારો શોખ છે, બીજી મારી ફરજ છે. પણ જ્યારે ડીશમાં લીધેલી મીઠાઈના ચકતામાં ઊંધીયાનું તેલ લાગી જાય ત્યારે ભોજન બેસ્વાદ થઈ જાય છે.

પણ આ વખતે મેં પાક્કો નિર્ધાર કરી લીધો. એકવાર અમદાવાદ છોડીને બહાર નીકળી જાઉં એટલે મારા નામની આગળ લાગેલી ડૉક્ટર તરીકેની ઓળખને હું દાટી દઈશ. દુનિયામાં કંઈ હું એકમાત્ર તબીબ નથી. આપણે ત્યાં કોઈ દરજી કે સુથાર આપણને મળવા આવે કે કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા આવે તો એને એમ કે કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા આવે તો એને એમ કહી શકાતું નથી કે, ‘ભઈલા, આવ્યો છે તો જરા આ ચાદર ઓટી આપ કે કલાક બેસી રહેવાને બદલે બાથરૂમમાં નહાતી વખતે બેસવાનો પાટલો બનાવી આપ.’ એક ડૉક્ટરી જ એવો વ્યવસાય છે કે જેમાં…! પણ હવે એ બધું પૂરું થઈ ગયું. મેં જાણે મારો ચહેરો નેપકીનથી લૂછીને કોરોકટ કરી નાખ્યો. ચહેરા પરથી ડૉક્ટરનું મહોરું ઉતરડીને ફેંકી દીધું. હવે હું ખુદ બીમાર પડું તોયે મારી સારવાર નહીં કરું. દુનિયામાં બીજા ડૉક્ટર્સ ક્યાં ઓછાં છે ?

શનિવારે સવારે પાંચ વાગ્યે જે શરૂ થઈ એને સફર ન કહેવાય, એને તો કાયાપલટ કહેવાય. હવે મારી આસપાસ દરદીઓ ન હતા, દવાઓ નહોતી, બીમારીઓ નહોતી. એને બદલે સાહિત્યની દુનિયા હતી, ગઝલોનું વિશ્વ હતું, લેખક મિત્રો હતા, શ્રેષ્ઠ રંગભરી વાતો હતી, મન્ટો અને ચેખોવ હતા, ગીતો હતા, રૂબાઈઓ હતી, જીવનદર્શન હતું. મનને પાંખો ફૂટી હતી. સતત અહેસાસ થયા કરતો હતો કે દુન્યવી ઓળખ ઓગળી ગયા પછીની આ જિંદગી હતી. એ જ સાચી જિંદગી હતી. મીરાંની રહી ગયેલી મહેંકને જીવની જેમ જતન કરી રહેલા લેખક મિત્ર પણ સાથે હતા. મને અચાનક પૂછવા લાગ્યા : ‘ડૉક્ટર, હમણાં થોડા દિવસ પહેલાં મને હર્પિસ થયેલું એને કારણે બરડાનો દુખાવો થઈ શકે ખરો ?’ મેં બહેરા માણસની જેમ એમની સામે જોયા કર્યું. એ હસી પડ્યા. સમજી ગયા કે મારી વિદ્યા કર્ણના રથના પૈડાની સાથે ધરતીમાં ગળી ગઈ છે.

જિંદગીના વિવિધ રંગોને બિલોરી કાચમાંથી નિહાળનાર લેખક મિત્ર પણ સાથે હતાં. માર્ગમાં લાઠી ગામ આવ્યું. એમણે પૂછ્યું : ‘આ કલાપીનું ગામ. જોવું છે ને ?’ અમે સૌએ ‘હા’ પાડી. લગભગ બે કલાકનો સમય અમે કલાપીના કેકારવમાં ઓગાળી દીધો. કલાપીનો મહેલ, દરબારગઢ, મહેમાનો માટેનો ભવ્ય આવાસ, કલાપીની સમાધિ, રમાબાના મહેલનું અધવચ્ચેથી અટકી ગયેલું બાંધકામ ! એક વખત અહીં કેવી ભવ્ય જાહોજલાલી હશે ? પણ અત્યારે તો તદ્દન બીસમાર હાલત હતી. એને જોઈને કોઈ એમ પણ ન કહી શકે કે ‘ખંડહર બતા રહા હૈ કી ઈમારત બુલંદ થી.’ કલાપીના સમાધિસ્થળની આસપાસ ચારેબાજુ વિષ્ટાના ઉકરડા ઠલવાયેલા હતા. આખા ગામના ખુલ્લા સંડાસની વચ્ચે મસ્તક પર કલગી ધારણ કરેલો એક વખતનો મત્ત મયૂર સૂતેલો છે એ જોઈને ધૂમકેતુ યાદ આવી ગયા. આને માટે વિનિપાત શબ્દ ટૂંકો પડે, ઘોર વિનિપાત કહીએ તો જ કંઈક ઠીક લાગે.

‘શું વિચારો છો ?’ મેં બિલોરી રંગના આ લેખક મિત્રને પૂછ્યું.
‘જે તમે વિચારો છો તે જ. મન આખું વિષાદયોગમાં ડૂબી જાય છે ને આ બધું જોઈને ? મને તો પેલો ઉર્દૂ શેર યાદ આવી જાય છે : જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે ? હુએ નામવર બેનિશાં કૈસે કૈસે ?’ સાંભળીને મનનો વિષાદ બેવડાઈ ગયો.
ફરી એકવાર પેલા મિત્ર મને પૂછવા લાગ્યા : ‘ડૉક્ટર, મારે બે દિવસ પછી ડાયાબિટિસની તપાસ કરાવવાની છે. તમે મને સમજાવશો કે એ તપાસ ક્યારે કરાવવી – જમ્યા પછી ?’ હું ફરીથી ફિલસૂફવત્ બની ગયો. એ સમજી ગયા કે આના ખોળિયામાંથી ડોક્ટરે વિદાય લઈ લીધી છે. હવે એ બીજાનાં તો શું પણ ખુદ કલાપીના ડાયાબિટિસની પણ સારવાર નહીં કરે ! મેં એમને સમજાવી દીધું કે હમણાં મારી બુફેની ડીશમાં હું ગુજરાતી સાહિત્યનું એક અતિ રોમેન્ટિક પ્રકરણ મૂકીને આરોગી રહ્યો છું. હું અત્યારે અહીં છું જ નહીં. આજથી સો વર્ષ પહેલાંની એ રંગીનીમાં ચાલ્યો ગયો છું. અહીં કલાપી બેસતા હશે, અહીં ગઝલો લખાતી હશે, અહીંથી એક સાથે કલાપીની બે-બે જાન ઊઘલી હશે, આ ભૂમિ પર મોંઘી વડારણ શોભનાબા બનીને મોરલાની ઢેલ બન્યા હશે, અહીં ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખ્યો હશે, અહીં આમ બન્યું હશે… અહીં તેમ બન્યંસ હશે…. અને આ ટપકાંઓની વચ્ચેના શૂન્યાવકાશમાં એક રાજવી કવિ ટહુકાઓ કરતો કરતો અચાનક શાંત થઈ ગયો હશે…. કે પછી એને શાંત કરી દેવામાં આવ્યો હશે ? બે કલાકને અંતે અમે લાઠી છોડ્યું. પણ આનંદની ક્યાં કમી હતી ? અમરેલીમાં લયનો કામાતૂર રાજવી રાજવી હતો, સોનલ કાવ્યોનો સોના જેવો સર્જક હતો, તો સાવરકુંડલા કે જ્યાં આ કાર્યક્રમ હતો ત્યાં તો જાણે કે સાહિત્યકારોનો મેળો હતો. બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી મહેફિલ જ્યારે અંતના આગોશમાં ઢળી ત્યારે ઘડિયાળમાં રાત્રિના અઢી વાગ્યા હતા. કવિઓ અને લેખકોનો મધપુડો હતો અને શ્રોતાઓ જાણે કે મધમાખો !

મહેફિલ ડૂબી ગઈ. આંખોમાં ઉજાગરો આંજીને અમે સૌ ઊભા થયા પણ હજુ આંખોને અને ઊંઘને બાર ગાઉનું છેટું હતું. વચ્ચે મુગ્ધ વાચકો પહાડની જેમ ઊભા હતા. બધાં જ ઓટોગ્રાફવાંચ્છુ ! હાથ થાકી જાય એટલાં ઓટોગ્રાફસ હું આપતો રહ્યો. આજે મારા કન્સલ્ટિંગ રૂમની ચાર દીવાલો વચ્ચેથી બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે મારી સાહિત્યસાધના મને ક્યાં સુધી લઈ ગઈ છે ? દુશ્મનોને ઈર્ષ્યા થાય અને સાચા મિત્રોને પોરસ થાય એવી ભીડ હતી. દરેક પ્રશંસકને હું બે-ત્રણ લીટીઓનું પ્રસંગોચિત્ત લખાણ લખી આપતો હતો અને પછી નીચે મારી સહિ કરી આપતો હતો. એ પણ ખુશ હતા, હું પણ ! આ ‘ગ્લેમર’ હતું મારા માટે ! મારી લેખનશક્તિનો વાચકો દ્વારા થતો સ્વીકાર હતો આ ! મનના પાતાળકૂવામાંથી દર્પનું મવાણ ફૂટી નીકળે એ સ્વાભાવિક હતું. એની છાલક ચહેરા પરથી કળાઈ ન જાય એ માટે મારે મહેનત કરવી પડતી હતી.

એવામાં મારી સામે એક કોરો કાગળ ધરવામાં આવ્યો. મેં નજર ઉઠાવી. એ કોઈ કૉલેજ કન્યા નહોતી, એક વૃદ્ધ મારી સામે તગતગતી આંખે જોઈ રહ્યો હતો. એની આંખોમાં મારા પ્રત્યેના અહોભાવ ઉપરાંત કોઈ બીજી પણ લાગણી ડોકાતી હતી. કાગળનો છેક નીચેનો હિસ્સો બતાવીને એણે મને કહ્યું : ‘બેટા, તારા અક્ષર અહીં પાડી આપ.’ મેં મારી સહિ કરી. પછી એને પૂછ્યું : ‘બોલો કાકા ! ઉપરના કોરા ભાગમાં હું તમારા માટે શું લખી આપું તો તમને ગમશે ?’ મેં તો ખાલી પૂછવા ખાતર જ પૂછ્યું હતું. વાસ્તવમાં હું વિચારવા માટેનો સમય મેળવી રહ્યો હતો. પણ એમણે જાણે કે ગોખી રાખેલો હોય એમ જવાબ આપ્યો : ‘એમાં તું દવા લખી આપ, દીકરા…’

હું ઝાટકો ખાઈ ગયો. મારી બુફેની ડીશમાં ફરીવાર વાનગીઓની ભેળસેળ થઈ જતી હતી. મેં વિરોધ કરવા પ્રયત્ન કર્યો : ‘જુઓ કાકા, હું અહીં ડોક્ટર તરીકે નહીં, પણ…’
પણ એ વૃદ્ધના કંપતા સ્વરે મને રોક્યો : ‘બેટા, મારે એક જ દીકરો છે. એને પરણાવ્યે પાંચ વરસ થયાં. વહુને ત્રણ વાર સારા દિવસ રહ્યા અને ત્રણેય વાર કસુવાવડ થઈ ગઈ. દીકરા, આ બુઢ્ઢો તારો વાચક છે. તને મળવા અમદાવાદ સુધી આવવાનું તો મારાથી બને એમ નથી, પણ આજે ભગવાને જ તને અહીં મોકલી આપ્યો છે. હું બાજુના ગામડેથી એકલો આવ્યો છું. તું આવવાનો છે એની મને કાંઈ જ ખબર નહોતી, પણ તને જોયા પછી ખાધા-પીધા વગરનો બાર કલાકથી હું અહીં બેઠો છું. ક્યારે તું નવરો પડે ને ક્યારે તને મળું ? દરદીને તપાસ્યા વગર પણ તું દવા લખી આપ. ભગવાનને કરવું હશે તો તારા હાથમાં જશ આપશે ને મારા હાથમાં મારા દીકરાના દીકરાને ઘોડિયામાં હીંચકાવવાનું સુખ ! ક્યારે મારી આંખ મીંચાઈ જાય એ….!’

મેં ફરીથી પેનનું ઢાંકણ ખોલ્યું. મારી ડીશમાં મીઠાઈના ચકતા ઉપર લગભગ બધી જ વાનગીઓ ઢળી પડી હતી. પણ છતાંયે મીઠાઈ કોણ જાણે કેમ મીઠી જ લાગતી હતી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રશંસા-જળનો છંટકાવ – મોહમ્મદ માંકડ
એપ્લિકેશન કે અપીલ ? – કીર્તિબેન પરીખ Next »   

36 પ્રતિભાવો : બુફેની ડીશ – ડૉ. શરદ ઠાકર

 1. Rajan says:

  Again, typical Dr. Sharad Thakar story. Loves the way he describes the story & the most important its end. Thank you Sharadbhai & Mrugeshbhai for giving me chance to read such a nice gujarati literature…..

 2. JITENDRA TANNA says:

  very good

 3. ગાંડાભાઈ વલ્લભ says:

  સરસ.

  થોડું અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં થતા ઉપયોગ અને લખાતા ઉચ્ચારો વિષે.
  buffetનો ઉચ્ચાર બુફે લખ્યો છે, Gujaratilexiconમાં બફેટ લખ્યો છે, અહીં એનો ઉચ્ચાર મેં તો બફે સાંભળ્યો છે. આવું જ ઘણા અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં લખેલા ઉચ્ચારો બાબત જોવામાં આવે છે. બહુ જ પ્રચલિત ASTHMA શબ્દનો ઉચ્ચાર બધા જ લોકો ગુજરાતીમાં અસ્થમા લખે છે, પણ અહીં એનો ઉચ્ચાર એસ્મા કરવામાં આવે છે.
  અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં અપનાવી લેવાની લઢણ(TRENDS-આ શબ્દ ગુજરાતીમાં વપરાતો જોવામાં આવ્યો છે, પણ એના કરતાં આપણો શબ્દ શું ખોટો છે? ) વધતી જાય છે, પરંતુ જે ગુજરાતી શબ્દો આપણા કહેવાનો અર્થ સચોટ રીતે રજૂ કરી શકતા હોય તે માટે પણ અંગ્રેજી શબ્દો વાપરવામાં આવે તે કેટલી રીતે યોગ્ય ગણી શકાય? હા, જે અંગ્રેજી શબ્દ માટે આપણી પાસે શબ્દ ન હોય તે અપનાવી લેવો બરાબર છે. જો કે એને માટે નવો ગુજરાતી શબ્દ ઉપજાવી પણ શકાય. જેમ કે બફે માટે મુક્ત ભોજન કે જમણ. કેમ કે એમાં તમને જે વાનગી જોઈતી હોય અને જેટલી જોઈતી હોય તે તમે તમારી મેળે લઈ શકો છો. કોઈ પીરસનાર નથી. ટેબલ પર બધી જ વાનગીઓ પહેલેથી મૂકવામાં આવેલી હોય છે. તમારે જમવા માટે કોઈ એક જગ્યાએ બેસી રહેવાનું નથી હોતું. જ્યારે ઈચ્છો ત્યારે પાછા જે જોઈતું હોય તે લઈ શકો છો.
  એ રીતે જોઈએ તો આ વાર્તામાં બફે શબ્દપ્રયોગ બંધબેસતો નથી, કેમ કે આ કાકા નવી વાનગી લઈને પીરસવા(!?) આવ્યા.

 4. Pooja Shah says:

  ઘનુ જ ઉત્તમ.મે આનિ પેહલા તમારા કોઇ લેખ મે વાન્ચયા નથિ.પન સામ્ભલ્યુ ચે.મજાક મા પન કામ નિ ગમ્ભિરતા નો અનુભવ થા ચે

 5. અતિ ઊતમ…….સરસ…..

  મને આ વાર્તા ની “લઢણ” ખૂબ ગમી…..આવા લેખો જ શરદભાઈને મારા પ્રિય લેખક બનાવે છે.
  મને આ લેખ ખૂબ જ ગમ્યો…..

 6. Maharshi says:

  ખુબ સરસ…..

 7. Pradyumna says:

  kalapi missed you! Lathi part was best!

 8. RUPAL says:

  Very nice. Dr. Sharad Thakar’s all the stories are always very good. I put all my work on the side & read it.

 9. RUPAL says:

  Very nice. Dr. Sharad Thakar’s all the stories are always very good. I put all my work on the side & read it.

 10. Vijay says:

  Excellent!!! You made my day!

 11. ભાવના શુક્લ says:

  હંમેશની જેમ હળવો અને મજેદાર લેખ. ડોક્ટરના જીવનની વિટંબણાઓ સમજી શકાય તેવી છે.
  પુરીમા શેરડીનો ટુકડો મુકીકે બન્ને નો આનંદ લેવો પડે.

 12. અતુલ જાની (આગંતુક) says:

  મેં ફરીથી પેનનું ઢાંકણ ખોલ્યું. મારી ડીશમાં મીઠાઈના ચકતા ઉપર લગભગ બધી જ વાનગીઓ ઢળી પડી હતી. પણ છતાંયે મીઠાઈ કોણ જાણે કેમ મીઠી જ લાગતી હતી !

  પોતાના કર્મો કરી સિદ્ધિ મેળવવી
  પ્રભુ અર્થે કર્મો કરી સિદ્ધિ મેળવવી (સરળ ગીતા)

  યોદ્ધાઓ વચ્ચે રણમેદાનમાં પણ કોને ખબર ક્યારે ગીતા કહેવી પડે?
  ડાયરામાં કલાકારોના કાફલામાં પણ કોને ખબર ક્યારે દવા લખવી પડે?

  ગીતા અમર થઈ ગઈ અને કદાચ વૃદ્ધને પારણા ઝૂલાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ હોય.

 13. અતુલ જાની (આગંતુક) says:

  ભાવનાબહેન,

  ઘણા વખતે મળીને આનંદ થયો. તમે તો થોડા જ વખતમા ચારે બાજુ ચોક્કા અને છગ્ગા ફટકારી દીધા.

 14. Ashish Dave says:

  Doctorsaheb is the best…

 15. Hiral Thaker "Vasantiful" says:

  As usual Excellent..!

 16. paresh says:

  સરસ વાર્તા che mann ne aanad avi jay che tamari વાર્તા vanchi ne.

 17. bhavesh says:

  ડોક્તર શરદ ઠાકર i love you.

  હુ તમરો ખાસ ફેન છુ.

  plz call me sharad takar on (079)22808197 my name is bhavesh patel

  my id is bhaveshdip@yahoo.co.in

 18. varsha says:

  hello sir
  very very gud story as always……

  i m very big fan of urs….from last 7 years i have not misssed any of ur article

 19. Hitendra says:

  dear all

  see .., savarkundla ,,,as described by dr.ji is very loving town which is full of liturature intrested people than any other town of same catagory

  my Fanship for sharad thakat also started at savarkundla

  As usual another Heartfull story by Dr.Sharad Thakar

 20. rajesh says:

  As usual, I dont still make up mind if Dr. Thakar is a great doctor or a great writer. Hats off to you Dr. But I will tell you that one has to play all the roles in his life which he has been given and you are one of them who has been very well and pleasantly playing the roles of your life.

 21. Naresh Dholakiya says:

  There is a spark at the end of the the narration …Everyman has to change the decision looking into circumstances. Rigidity will never play when it comes to social service or service to huminity…

 22. Naresh Dholakiya says:

  There is a big spark in the story… indecisive stage …to break the pledge or not…service to humanity won the game

 23. dipika says:

  very true,
  We can not ignore our Karma. The more we try to avoid it, the more it comes closer. Feeling the same now a days – in my own routine..Want to do something else but have to do something else. Waiting for long break..

 24. nayan panchal says:

  ડૉક્ટર શરદભાઈ,

  તમે વાચકોના મનને જે રીતે આરોહ અવરોહ કરાવો છો તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ઉપરછલ્લી રીતે જોઉં તો આ લેખમાં એક ડૉક્ટર કોઈક સાહિત્ય સભામાં એક ગરીબ માણસને પ્રિસ્ક્રીપ્શન લખી આપે એટલી વાત છે. પરંતુ એ તમારી કલમની તાકાત જ છે કે જે સીધી વાંચકોના હ્રદય સાથે જોડાઈ જાય છે અને જ્યારે એક એક શબ્દ વાંચીએ ત્યારે એવુ લાગે છે કે બધુ હ્રદય પર કોતરાતુ જાય છે અને એનો વ્હેર (ભૂકો) આંખોમાંથી બહાર આવે છે.

  ખૂબ જ સરસ.

  નયન

 25. Narendra says:

  ડો.શરદ ઠાકરની વાર્તાઓ વીંછીના ડંખ જેવી હોય છે. જે રીતે વીંછીની પુંછડી માં ડંખ હોય છે તે રીતે ર્ડો.શરદ ઠાકર ની વાર્તાઓના અંતમાં જે ડંખ હોય છે તે ખૂબજ સંવેદનશીલ હોય છે.અને તે મનને વિચારતા કરી દે છે.

  —– નરેન્દ્ર

 26. hetal patel says:

  ખુબજ સુન્દર .મન્ને સ્પર્શિ જૈ તેવો લેખ્.
  શરદ્ભૈ સચેજ બહુ સરસ લખે છએ.
  અમના લેખ વાચવનો જ્યરે સમય મલે છે હુ ચુક્તિ નથિ.

 27. Amol says:

  ખૂબ જ સરસ્…….

 28. JAWAHARLAL NANDA says:

  uttam ! ati uttam ! ! ! baapu, no ball ma shu sixer mareli chhe ?? hasta ramta jivan ni ati gambhir vaat kehvama dr. sharad thakar shreshth masteri-control dharave chhe!! bahuj majaa aavi, saras, ati saras.

 29. Gargi says:

  khoob ja saras,,,,,,,very very very nice……….

 30. Veena Dave,USA. says:

  વાહ્ , ખુબ સરસ.

 31. priyanki says:

  dr sarad thaker,

  khub j saras che aa varta,tamri ek ek varta khubj raday sparshi hoy che!ane aap ni pase thi aavi j apeksha che ke ze aap ni pase aave te khali hathe na jay,aakhre saras maza nu sahitya gyan to li j jay.well dr ,our blessing with you.

 32. vikrant says:

  excellent !!!!!!!! of course no word to describe ,,,,keep it up

 33. Jagruti says:

  ખુબજ સરસ …..

 34. vibha says:

  such a good story !

  Dr. Thaker is always d best
  ek budhha bap ni vedna nu schot nirupan kryu che very nice.i also talk u for this metter.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.