- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એપ્લિકેશન કે અપીલ ? – કીર્તિબેન પરીખ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ કીર્તિબેનનો (દુબઈ, U.A.E) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kirtidasp@rediffmail.com ]

લગભગ બે કલાકથી હું સમાચારપત્રો ટેબલ ઉપર બિછાવીને બેઠો હતો. કંઈ કેટલીયે જગ્યાઓ ઉપર મેં ટીકમાર્ક કર્યું અને ક્યાંક વળી કુંડાળા પણ માર્યા. મારી બાજુમાં ‘ચા’નો કપ પડેલો હતો. ‘ચા’ ક્યારની ઠંડી થઈને પડેલી હતી. બટાકાપૌંઆની પ્લેટ પણ એમને એમ પડેલી હતી. પૌંઆમાંથી આવતી લીંબુની સુગંધે ફિક્કાશ પકડવા માંડી હતી. મમ્મી મને ત્રણેક વખત ‘ચા’ અને નાસ્તા માટે યાદ કરાવી ગઈ, પરંતુ મારું ધ્યાન માત્રને માત્ર સમાચારપત્રોમાં છપાએલી કલાસિફાઈડમાં આવતી નોકરી મેળવવાની કૉલમ પર સ્થિર થઈ ગયું હતું.

એક સમય એવો હતો કે હું મારા ક્વોલિફિકેશન પ્રમાણે મારું સીલેક્શન ગોઠવતો હતો. પરંતુ એ સમય ક્યારનોય જતો રહ્યો… સમાચારપત્રોની અંદર ‘હાઈલાઈટ’નાં કુંડાળા કરી-કરીને હું થાકી ગયો હતો. MBA પૂર્ણ કર્યાને મને લગભગ બે વર્ષ પૂરાં થવા આવ્યાં પરંતુ આજ સુધી હું સમાચારપત્રોમાંથી જ બહાર આવી શક્યો નથી.

શરૂઆતમાં તો મને ખૂબ જુસ્સો હતો તેથી વહેલી સવારે ઊઠીને હું ગુજરાતી તથા અંગ્રેજી સમાચારપત્રો લાવીને મારા લાયક નોકરી શોધવા પ્રયત્ન કરતો. એ સમયે મને મારા ભણતર પર ગર્વ હતો. હું MBA છું અને તે પણ સારામાં સારી ઈન્સ્ટીટ્યૂટમાંથી. તેથી મને સારામાં સારી નોકરી તો મહિનાઓમાં મળી જશે ! દેશની પ્રખ્યાત મોટી કંપનીનો મોટો પગારદાર રિસ્પોન્સીબલ ઓફિસર હું બનીશ. કંપનીની પ્રગતિ મારે લીધે હશે… આવા કંઈ કેટલાયે સ્વપ્નાંઓ મને આવતાં હતાં. તેથી સારામાં સારી અને ઊંચી આવકવાળી નોકરીની જાહેરાત ઉપર હું ટીકમાર્ક કરતો અને ત્યારપછી મારી C.V. પોસ્ટ કરતો. એ પછી હું ઈન્ટરવ્યૂ કૉલની રાહ જોતો. અને આ કારણને લીધે હું બીજા ચાર-પાંચ દિવસ સમાચારપત્ર પણ જોતો નહતો કેમ કે મને લાગતું હતું કે મને ઈન્ટરવ્યૂમાં બોલાવે કે તરત મારી નોકરી પાક્કી જ છે. આટલો બધો વિશ્વાસ મને હતો !

પરંતુ એવું કશું જ ન બન્યું. સારી પ્રખ્યાત નામી કંપનીઓમાંથી ક્યારેય કૉલ ન મળ્યો. એ સમયે થોડો ગુસ્સે પણ થઈ જતો અને ત્યારે કંઈ કેટલીયે વાતો મારા દિલમાંથી સરી પડતી. એવું વિચારતો કે કોઈ અનુભવીને નોકરી મળી હશે અથવા તો કોઈ ઓળખાણવાળાએ ઘૂસ મારી હશે. 26વર્ષનો થનગનતો યુવાન હોવાથી વારંવાર હૈયાવરાળ નીકળી જતી એ સ્વાભાવિક હતું. પરંતુ આ બધું સાંભળનાર માત્ર મારી મમ્મી જ હતી. એ હંમેશા મને ભરપૂર આશ્વાસન આપતી અને મારા મનને શાંત કરવા પ્રયત્ન કરતી. પપ્પા માત્ર હું શું કરી રહ્યો છું એની જાણકારી રાખતા. ઈન્ટરવ્યૂ અંગે જરા કંઈક પૂછી લેતા. કારણ કે એ એમનાં કામમાંથી ક્યારેય નવરા પડતાં ન હતાં. પરંતુ મમ્મી મને ગજબની સાંત્વના આપતી. તેને લીધે મારા મનને ટાઢક વળતી. નોકરી ન મળવાની નિરાશામાં હું ઘણીવાર મમ્મીની વાત નકારી કાઢું તોય મમ્મી સૌમ્યતાની મૂર્તિની જેમ મારામાં અતૂટ વિશ્વાસ રાખતી. મારા દરેક મતમાં તે સાથ આપતી.

આમને આમ થોડા મહિનાઓ પછી મેં મારું ‘સ્ટાન્ડર્ડ’ જરા નીચે ઊતાર્યું. નાની-નાની કંપનીઓમાં પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મારી વૃત્તિઓ બદલાવા લાગી. હવે મારે મન પૈસાનું મહત્વ એટલું નહતું. મને મારી બેકારીનો બોજો લાગતો હતો. મનમાં એમ થયા કરતું હતું કે ક્યાંક કામની શરૂઆત કરું. જ્યાં પણ કામ કરીશ એ કંપનીમાં મને અનુભવ મળવાનો તો શરૂ થશે જ. ભલે નાની જગ્યા હોય, તેનો મને કોઈ વાંધો નથી. અનુભવ ગણાતો થશે તો એના આધારે એક દિવસ કોઈ મોટી પ્રખ્યાત કંપનીમાં મને નોકરી મળી જ રહેશે. મારું ભવિષ્ય ચોક્કસ સુધરશે. મેં ઘણી નાની-નાની કંપનીઓનું લિસ્ટ બનાવ્યું અને બધે C.V. મોકલ્યા. મારા આશ્ચર્ય વચ્ચે મને ઈન્ટરવ્યૂ કૉલ મળવા લાગ્યાં.

હવે તો રોજ સવારે તૈયાર થઈ, ટાઈ પહેરી, ફાઈલ લઈ મારે નીકળી પડવાનું. રસ્તામાં બુટ-પૉલિશ પણ કરાવી લઉં જેથી દેખીતી કોઈ કચાશ રહી ન જાય. ઈન્ટરવ્યૂ વખતે ઉમટેલાં ટોળાઓ જોઈને હંમેશા મારું દિલ ધડકી ઊઠતું. એવું થઈ આવતું કે આટલાં બધા લોકોની વચ્ચે મારું સ્થાન ક્યાં છે ? આવનાર ઘણા લોકો ટોળે વળીને ગપ્પા મારતાં દેખાતાં. પરંતુ એમને ગપ્પા મારવામાં શું વાંધો હોય ? એ લોકો પહેલેથી જ કોઈ નાની જગ્યામાં કામકાજ કરી રહ્યા હતા અને અહીં તો કોઈ સારી તક મળે એ માટે નસીબ અજમાવવા આવ્યા હતાં. એ લોકો કંઈ મારી જેમ બેકાર નહોતાં. તેથી એ લોકો રિલેક્સ મૂડમાં હસી મજાક કરતાં દેખાતાં. હું હંમેશાં દૂર ખૂણામાં ઊભો રહી બસ ઈન્ટરવ્યૂમાં શું કરીશ ? અને મારું શું થશે ? એ જ ખ્યાલમાં ગૂમસૂમ થઈ ચૂપ રહેતો અને મારો વારો ક્યારે આવશે તેની ચોકસાઈ રાખતો ઊભો રહેતો. મને હતાશા ત્યારે મળતી જ્યારે ઈન્ટરવ્યૂ ટેબલ પર માત્ર અનુભવ અંગે પૂછવામાં આવતું. દિલને જબરજસ્ત ચોટ લાગતી, પરંતુ બેકાર યુવાન પાસે લાચારી સિવાય બીજું શું હોય ? એ બીજું શું કરી શકે ?

આમ ને આમ મહિનાઓ પસાર થતાં જાય છે. રોજ સવાર, રોજ નવી શોધ, એ જ સમાચારપત્રો. હું પેન લઈ ગોળ-ગોળ દોરું અને માથું દબાવી બેસી રહું. ધીમેધીમે મેં મારી જાતને એટલી બધી નીચે ઉતારી દીધી કે હું હવે દરેક જગ્યા માટે એપ્લિકેશન કરવા માંડ્યો. એ પછી એકાઉન્ટન્ટની હોય, સેલ્સમેનની કે ગમે તે નોકરી હોય, મેં ઢગલાબંધ એપ્લિકેશનો કરવા માંડી. ભણતર ઉપર મને ભરોસો રહ્યો ન હતો. કોઈ તુક્કો વાગે અને મારું કામ ચાલે એ જ આશાએ હું ભટકવા લાગ્યો. ઈન્ટરવ્યૂ પણ ઢગલાબંધ આપવા લાગ્યો. હવે તો એવી સ્થિતિ આવી ગયેલી કે કોઈપણ મને કામ આપે તો હું જોડાઈ જાઉં. સમયજતાં ધીમે ધીમે મને ઘણું નવું જોવા મળ્યું. હવે હું જ્યાં પણ નોકરી માટે જતો, એ નાની હોય કે મોટી કંપની, હું દરેકનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કરતો અને જ્યારે પૂરી માહિતી જાણતો ત્યારે ચોંકી ઊઠતો. મોટી મોટી ખ્યાતનામ કંપનીઓમાં રિટાયર્ડ ઑફિસરો, બેંકમાંથી નિવૃત્ત થયેલાં લોકો કે જેમની પાસે અનુભવનો ખજાનો છે, ઠરેલ બુદ્ધિ છે – એવા લોકોની કતાર લાગવા લાગી હતી. નિરાશાએ મને થોડો વિચારક બનાવી દીધો. તેથી દરેકની હકિકત થોડે ઘણે અંશે જાણવા પ્રયત્ન કરતો. ઈન્ટરવ્યૂ આપાવા કોણ આવે છે ત્યાંથી લઈને નોકરી કોના હાથમાં જાય છે ત્યાં સુધી જાણવાની કોશિશ કરતો.

મને એ જાણીને ભારે દુ:ખ થતું કે નિવૃત્ત લોકો કે જેઓ લાખોની ગ્રેજ્યુટી લઈ સાથે પ્રોવિડન્ડ ફંડ મેળવતા હોય છે, બેંકમાં એકઠી કરેલી રકમોમાંથી વ્યાજ પણ મેળવતાં હોય છે અને આટલી બધી આવક છતાં એ લોકો શા માટે નોકરી મેળવવા આવે છે ? એમનો જવાબ પણ મને મળી જતો કે ઘરે બેસીને એ લોકોનો સમય પસાર થતો નથી. તબિયત ઘણી સારી છે તેથી કામ કરવાની તેમને હોંશ છે. ઘેર ખાલી બેસી રહેવું એનાં કરતાં ઓછા પગારવાળી નાની કંપનીઓમાં તેઓ જોડાઈ જાય છે અને અમારા જેવા યુવાનવર્ગ ઉપર બેકારીનું લેબલ પાક્કું કરતાં જાય છે.

આ બધી ઘટનાઓ બન્યાં પછી મને કોઈ આશાનું કિરણ દેખાતું નથી. પપ્પાના પૉકેટમાંથી નીકળતાં સમાચારપત્રોનાં પૈસા પણ હવે મને મોંઘા પડતાં જાય છે. બે કલાકથી ઠંડી પડેલી ‘ચા’ મેં મોઢે માંડી. ઠંડા પડી ગયેલા બટાકાપૌંઆ સામે જોયું. કશાપણ સ્વાદની આશા વિના બંનેને ન્યાય આપ્યો. જાહેરાતનું બનાવેલું લિસ્ટ કાઢીને મેં એપ્લિકેશન કરવાની શરૂઆત કરી ત્યારે નોંધ્યું કે આ રીતે એપ્લીકેશન કરતાં કરતાં મને પૂરાં બે વર્ષ નીકળી ગયાં છે. હું શું કરી રહ્યો છું ? શું માત્ર એપ્લિકેશન કર્યા કરવાનું જ મારા ભાગે રહેશે ? હવે તો ખાસ કોઈ સ્વપ્નાંઓ બચ્યાં નથી. હા, અફસોસની હારમાળાઓની લાંબી કતાર જરૂર લાગી ગઈ છે. MBA ભણ્યાની, મહેનતકર્યાની, ઈમાનદાર રહ્યાંની હારમાળાઓ મને ગળે ફાંસો દઈ રહી હતી. મારી આંખમાંથી આંસુ સરી પડ્યાં. બે વર્ષમાં આજે પહેલી જ વાર હું ભાંગી પડ્યો હતો.

સમાચારપત્રો જોઈ મારી નજર શૂન્ય બની. મેં કલમ ઉપાડી પરંતુ એપ્લિકેશન કરવા માટે નહીં. આજે કંઈક અલગ દાવાનળ મારા દિલમાં ખદબદી રહ્યો હતો. મારે એપ્લિકેશન નહીં પરંતુ ‘અપીલ’ કરવી હતી. મેં એક પત્ર લખવાની શરૂઆત કરી કે જે હું સમાચારપત્રનાં માધ્યમદ્વારા પ્રકાશિત કરાવવા માંગતો હતો. મારો પત્ર આ પ્રમાણે લખાયો :

માનનીય તંત્રીશ્રી,

હું આશા રાખું છું કે આપશ્રી મારો આ પત્ર મારા જીવનની વ્યથા સ્વરૂપે અથવા કડવી સચ્ચાઈ સમજીને જરૂર પ્રકાશિત કરશો. તમે આ પત્ર એટલાં માટે પ્રકાશિત કરશો કારણ છેલ્લાં બે વર્ષથી હું તમારા સમાચારપત્રો દ્વારા જિંદગી બનાવવાની કોશિશ કરી રહ્યો છું. તમારા સમાચારપત્રોના આધારે નોકરી મેળવવાની મારી ચાહ સાથે મેં કંઈ કેટલાયે સ્વપ્નાઓ જોયા હતાં. બે વર્ષ સુધી લગાતાર તમારા સમાચારપત્રો દ્વારાજ મેં મારા દરેક દિવસની શરૂઆત કરી હતી. કલાકો તેમાં વિતાવ્યાં છે. આ રીતે આપણી બન્ને વચ્ચે એક અતૂટ જોડાણ થયું છે, એક લગાવ થયો છે, આત્મીયતા બંધાઈ છે.

તેથી હું આશા રાખું કે એક વાચક માટે તમારી પણ કંઈક મારા માટે ફરજ બને છે. કાંઈ પણ કાપકૂપ વિનાં મારો આ પત્ર તમે તમારા સમાચારપત્રમાં પ્રકાશિત કરશો એવી આશા રાખું છું, કારણ કે વાચનાર મળશે તો જ તમારું સમાચારપત્ર વંચાશે, અને હું એ જ વાચક છું જે તમારા સમાચારપત્રને ચલાવવામાં ભાગીદાર છે.

વળી, હું કોઈ વ્યક્તિ કે વ્યક્તિવિશેષ સમુદાયને આ પત્ર લખતો નથી. સમાજના એ વ્યક્તિઓ માટે આ પત્ર છે જે મારા હાર્દને સમજશે. 26 વર્ષનો MBA થયેલો યુવાન છું. બે વર્ષથી નોકરીની તલાશમાં ભટકું છું. છેલ્લા બે વર્ષથી હું એપ્લિકેશન અને ઈન્ટરવ્યૂની વચ્ચે બેકાર અવસ્થામાં લગાતાર ઝોલા ખાઉં છું. મને નોકરી ન મળવાનાં અનેક કારણો છે. જેની વિગતો આપ સામે મુદ્દાસર રજુ કરું છું.

[1] મારી પાસે અનુભવ નથી. પરંતુ અનુભવ શું મને ઘેર બેઠાં મળશે ? કોઈ મને નોકરી આપવાની શરૂઆત કરશે તો જ હું અનુભવને પાત્ર થઈશ ને ? આ માત્ર મારી સમસ્યાં નથી, દેશનાં થનગનતાં દરેક નવયુવાનની સમસ્યાં છે.

[2] મેં જ્યારે જ્યારે કોઈ સારી કંપનીમાં ઈન્ટરવ્યૂ આપ્યો છે, ત્યાં મને બીજું કારણ લાગવગનું જોવા મળ્યું છે. દરેક વ્યક્તિ ઓળખાણ અને તે પણ ‘હાઈ-લેવલ’ની ક્યાંથી લાવે ? તે વખતે માત્ર સગાવાદ, ઓળખાણવાદ ચાલે છે. ત્યારે ત્યાં અનુભવની કોઈ જરૂરત રહેતી નથી ! કેટલી હાસ્યાસ્પદ સ્થિતિ છે ! મારી પાસે અનુભવ નથી કે ઓળખાણ પણ નથી. જો ઓળખાણની જ બોલબાલા હોય તો મારા MBA થયાંનો મતલબ શું ?

[3] મારી ઈમાનદારી એ મારું ત્રીજું કારણ. ગાંધીબાપુએ જે ઈમાનદારીની નીવ પર આખા દેશને ખડો કર્યો એ જ ઈમાનદારી મને રોકે છે. અનુભવનાં ખોટા સર્ટિફિકેટો, આડા-ટેઢા કોર્ષોનાં પ્રમાણપત્રો એકઠાં કરવાનો ક્યારેય મેં પ્રયત્ન કર્યો નથી. સચ્ચાઈનો હાથ પકડનાર જો આવી રીતે ફંગોળાઈ જશે તો દેશ કયા આધારે આગળ વધશે ?

[4] આ ચોથું કારણ તો દરેક નવયુવાનને મૃત્યુના કિનારા ઉપર લાવી દે એવું છે. મેં જ્યાં ઈન્ટરવ્યૂ આપ્યાં ત્યાં એવા લોકોએ વધુ પ્રમાણમાં નોકરી મેળવી છે કે જેઓ નિવૃત્ત છે, જેમણે આખી જિંદગી કમાણી કરી છે. કમાણીને સારા પ્રમાણમાં બચાવી રાખી છે. ફિક્સ ડિપોઝીટો જેમની આવકમાં સતત વધારો કરી રહી છે. એવા સ્વસ્થ ઑફિસરો માત્ર એટલા માટે નોકરી મેળવે છે કારણ કે તેમને સમય પસાર કરવો છે ! અનુભવનો ખજાનો લઈને એ લોકો આવે છે અને ગમે એટલા પગાર સાથે જોડાઈ જવા તૈયાર હોય છે. એ લોકોને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. હવે જો આ લોકો ફરી ફરી જોડાઈ જશે તો નવયુવાનો ક્યાં જશે ? એ લોકો બિલકુલ જાણતાં નથી કે એ લોકો નવયુવાનોની જિંદગી રોકી રહ્યાં છે. શું સમય પસાર કરવા માટે નોકરી એ જ ઉપાય છે ? ક્યાં સુધી એ લોકો પોતાની જિંદગીના શ્વાસને આવક સાથે બાંધી રાખશે ? એ લોકો શું નથી જાણતાં કે તેઓ પૈસાનો વધારો કરીને પોતાનાં જ નવયુવાન પુત્રો, પ્રપૌત્રોને પાંગળાં બનાવી રહ્યાં છે.

ઓ જાગો મારા દાદાઓ ! તમારા સમય પસાર કરવાનાં મારી પાસે ઘણાં રસ્તા છે. તમે માત્ર તમારા ઘર તરફ જ નજર ન કરો. સમાજની સામે પણ જરા જુઓ. કંઈ કેટલાય લોકોને તમારી જરૂર છે. સમાજસેવાની આપણા દેશમાં કંઈ કમી નથી. જેટલી અંતરમનની ઈચ્છા રાખશો એવું કામ તમને મળી જશે. અસિમિત ગરીબી છે, અભણ લોકોનું મોટું ટોળું છે, જેમને તમારી આવડતથી તમે સહાય કરી શકો છો. બાલમજૂરોના સાચા માર્ગદર્શક બની શકો છો. તમારા જ મિત્રોનું સંગઠન બનાવીને તમે અસહાય લોકોની વિનામૂલ્યે મદદ કરી શકો તેમ છો. શા માટે એ તરફ તમારી નજર જતી નથી ? તમને કોણ રોકે છે ? ક્યાં સુધી તમે માત્ર તમારી પેઢીઓનું જ વિચાર્યા કરશો ?…. જરા જવાબ આપો… તમારી અંદર જીવતાં મનુષ્ય માટે પણ જરા જીવતા શીખો. છેલ્લા શ્વાસ સુધી કમાણી જ કર્યા કરશો તો અમારા જેવા નવયુવાનો ક્યારે પગભર થશે ? ક્યારે લગ્ન કરશે ? ક્યારે ઘર બનાવશે ? એ તો ઊભા થતા પહેલાં જ ભાંગી પડશે.

આથી મારી સર્વને વિનંતિ છે. અમારા માટે વિચારો. સરકારનું કાર્ય માત્ર સત્તા મેળવીને પોતાનું કલ્યાણ કરવું એટલું જ છે, પરંતુ દરેક નાગરીકની એક ફરજ હોય છે. દેશનો દરેક નાગરિક જો આ રીતે વિચારશે તો જરૂર અમારા જેવા યુવાનો જીવી જશે. તેથી હું પ્રાર્થના કરું છું કે અમને જીવવા દો. અમને મળેલી અમારી અમૂલ્ય જિંદગીનો મર્મ સમજવાની તક આપો. અમે ભિખારી નથી કે આવી રીતે જાહેરપત્ર લખીને તમારી પાસે નોકરી માંગીએ, પરંતુ ક્યાંક કોઈ સમજદાર વ્યક્તિ અમને સમજી શકે તો અમારા યુવાનોનાં જૂથમાંથી કોઈ યુવાનની જિંદગી પાટા ઉપર આવશે.
છેલ્લે, આ સમાચારપત્રનો હું આભારી છું કે જેમનાં થકી છેલ્લાં બે વર્ષથી કોઈ દિશા તરફ મારું પ્રયાણ તો થયું. એકાદ જગ્યાએથી કોઈ મારી વાતને પોતીકી માનશે અને સમજશે, એ સમયે એકાદ ફોન પણ મને મળશે તો હું ગદગદ થઈ જઈશ.

લિ.
એક વાચકમિત્રના વંદન.

રોજની જેમ સવારે હું ફાઈલ લઈને ઘરેથી નીકળ્યો. મમ્મીને થયું કે આજે પણ મારું કોઈક ઈન્ટરવ્યૂ હશે તેથી રસ્તામાં આવતા મંદિરે પગે લાગવાની મને સલાહ આપી. હું હસી પડ્યો અને મનમાં એટલું જ બોલ્યો કે ‘માં તારી શ્રદ્ધાને મારા કોટિ-કોટિ નમસ્કાર.’ આજે મારું કોઈ ઈન્ટરવ્યૂ નહોતું. હું સીધો જ સમાચારપત્રના એડિટરની ઑફિસે જઈને પત્ર આપી આવ્યો. ખબર નથી કે એ મારો પત્ર પ્રકાશિત કરશે કે પછી કચરાની ટોપલીમાં નાંખી દેશે, પરંતુ રૂબરૂ જઈને આપી આવ્યાનો મને સંતોષ હતો. થોડીવાર જઈને બગીચામાં બેઠો. એવું લાગતું હતું કે થોડો હળવો થયો છું. કંઈક અંદર ઊકળી રહ્યું હતું તે ઠલવાઈ ગયું હતું. હળવાશનો અનુભવ ઘણા સમયે થયો હોય તેમ ભાસતું હતું.

મોડી સાંજે ઘેર આવી સૂઈ ગયો. સવાર પડી પણ હું મોડો ઊઠ્યો. આજે ‘ચા’ પણ ગરમ પીધી અને નાસ્તો પણ બિલકુલ ઠંડો થવા ન દીધો. ધ્રૂજતા હાથે સમાચારપત્ર ખોલ્યું અને મારા આશ્ચર્ય વચ્ચે સામે જ મારો પત્ર મુખ્ય પાના પર પ્રકાશિત થયો હતો. મન રોમાંચિત થઈ ઊઠ્યું. MBA ના રિઝલ્ટ બાદ આજે પહેલી જ વાર નાનકડી ખુશીએ દસ્તક દીધી હોય એવું લાગ્યું. રોજની આદત પ્રમાણે મારા એ જ પ્રકાશિત પત્ર પર મેં મોટું કુંડાળું પણ કરી દીધું ! એટલામાં જ ફોનની ઘંટડી રણકવા માંડી….. જાણે મને નોકરી મળ્યા જેટલો આનંદ થયો અને હું ફોન ભણી ભાગ્યો….