- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નર્મદાને કિનારે – અજયસિંહ ચૌહાણ

[‘અખંડઆનંદ’ માંથી સાભાર.]

નર્મદા નામ કાને પડતાંની સાથે મન ચંચળ બની જાય છે. દોડવા માંડે છે. દૂર દૂર પહાડો, જંગલો, કસ્બાઓમાં. એ નામનું આટલું આકર્ષણ ! જરૂર ગયા જન્મનો કોઈ નાતો હશે. નાનપણમાં સુરત મામાના ઘરે જતી વખતે વચ્ચે એક લાંબી નદી આવતી. દર વખતે નદી આવવાની થાય ત્યારે બસની બારીમાં ચોંટી પડતો અને અચૂક રૂપિયાનો સિક્કો નીચે નાખતો. અત્યારે પણ નર્મદા પરથી પસાર થતાં અંદર બેઠેલું બાળક જાગી જાય છે, અને તરત રૂપિયાનો સિક્કો ઉછાળી દે છે. નાનપણથી નર્મદા સ્નાનનો મોકો શોધતો પણ કેમેય કરી કદીયે પાર પડતો નહીં. જ્યારે પણ કોઈ નદી-ઝરણું જોતો તો નાહવા કૂદી પડતો. મમ્મી કહેતી કે તું ચોક્કસ ગયા જન્મમાં કાચબો હોઈશ. ત્યારે હું કહેતો કે કાચબો તો ખરો પણ નર્મદામાં જ રહેતો હોઈશ.

ઘણાં વર્ષો પછી વિદ્યાનગર મારી જોડે ભણતા મિત્રની સાથે એના ગામ જવાનું થયું. એનું ગામ રાજપીપળાનું ધમણાચા નર્મદાને કિનારે. તેની સાથે નદીકિનારે ગયો. જતાં જ નાહવા કૂદી પડ્યો. નર્મદામાં એ મારું પ્રથમ સ્નાન. નર્મદાજળનો સ્પર્શ થતાં એક જુદા પ્રકારનો રોમાંચ અનુભવ્યો. હું બહારથી તો નાહી રહ્યો હતો, અંદરથી પણ ભીંજાતો હતો. નર્મદાષ્ટક ગાઈ મનોમન પ્રાર્થના કરી, ‘મા નર્મદે, જ્યારે પણ જીવનમાં જાકારો મળે, તારા કિનારે આવીશ, તું મને સ્વીકારજે.’ સાંજ પડતાં સુધી કિનારે બેસી રહ્યો. દૂર દૂર સુધી કમનીય વળાંકો લેતી નર્મદાને જોઈ રહ્યો. પછી તો લઘુશોધનિબંધમાં અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના પ્રવાસગ્રંથો પસંદ કર્યા અને સતત નર્મદાની સાથે રહેવાનો મોકો મળ્યો. પરિક્રમાનાં પુસ્તકો પર એમ.ફિલ. કરતો, તેથી પરિક્રમાના અનુભવ ખાતર વારંવાર નર્મદા કિનારે જતો. એકલોઅટૂલો ફર્યા કરતો. જબલપુર પાસે ભેડાઘાટમાં ઉછાળા મારતી નર્મદા ને માર્બલ રૉક્સમાંથી શાંત શિલ્પીની જેમ પથ્થરોને કંડારતી નર્મદાને મેં જોઈ છે. તો ગુજરાતમાં ધીમે પગલે વહી સમુદ્રમાં એકાકાર થતી નર્મદાનાં અનેક રૂપોને જોયાં છે. શિયાળુ રાત્રિની નીરવતામાં નર્મદાનો રવ સાંભળ્યો છે, તો એ જ રાત્રિએ ધુઆંધારના હાંજા ગગડાવતા હાકોટા સાંભળ્યા છે.

નર્મદા વધારે નજીકથી જોવા-જાણવા એક દિવસ બે મિત્રો પ્રશાંત અને જિગ્નેશ સાથે નીકળી પડ્યો પરિક્રમા પર. પરિક્રમા માટે માર્ગ પસંદ કર્યો નારેશ્વરથી કબીરવડ નર્મદાનો દક્ષિણતટ. વહેલી સવારે અમે નારેશ્વર નર્મદામાં સ્નાન કરી હોડીથી સામે કિનારે ગયા. શરૂઆતમાં એક કિલોમીટર સુધી તો રેતાળપટમાં કિનારે કિનારે ચાલ્યા, પણ પછી સીધી ભેખડો શરૂ થતાં અમારે ઊંચાઈ પરથી ચાલવું પડ્યું. એક પગદંડી પર ચાલતા હતા. એ પગદંડી અમને ઝાડીઝાંખરાંમાંથી કેળનાં ખેતરોમાં અને ત્યાંથી એક ગાડાવાટ રસ્તા પર લઈ ગઈ. ત્યાં અમારી આગળ આગળ ‘ખખડ થતી ને ખોડંગાતી જૂની ડમણી’ જતી હતી. શિયાળાનો દિવસ હતો એટલે તાપ તો નહોતો લાગતો પણ ભૂખ ખૂબ લાગી હતી. આગળ ભદ્રા ગામ આવ્યું. ત્યાં નવા બંધાતા મંદિરની પાછળ બેસી સીંગસાકરિયા ખાઈ આગળ વધ્યા.

ચાલતાં ચાલતાં બે પરિક્રમાવાસી સંન્યાસી મળી ગયાં. મેં મહાત્માને પૂછ્યું : ‘ક્યાંથી નીકળ્યા છો ?’ તો કહે ‘અમરકંટક સે આઠ મહિને પહેલે નીકલે થે.’ તેમની સાથે ચાલતાં ચાલતાં મેં મારી વાત પણ ચાલુ રાખી. ‘અમરકંટક સે યહાં તક આયે ઉસમેં આપકો સબસે અચ્છી જગા કૌનસી લગી ?’ તો કહે ‘હમ તો સંન્યાસી હૈ. જહાં બેઠ જાતે હૈ વહી હમારે લિએ અચ્છી જગહ હૈ.’ એ સંન્યાસીની ચાલવાની ઝડપ અમારા કરતાં વધારે હતી. એટલે ‘નર્મદે હર’ કરી એ આગળ નીકળી ગયા. અમે કૃષ્ણપુરી ગામ વટાવી ભાલોદ જતા હતા. ત્યાં નર્મદાકિનારે એક બાબાની કુટિર આવી. બાબા પોતાનાં કપડાં ધોઈ રહ્યા હતા. અમારા જેવા લબરમૂછિયા યુવાનોને ચાલતા જોઈ ખુશ થયા. અમને તેમની કુટિર પાસે લઈ ગયા. નાની પણ સ્વચ્છ કુટિર. આજુબાજુ નાના ફૂલછોડ વાવેલા. તેમની સાથે વાત કરતાં ખબર પડી કે તે બેંગલોર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ ઈકોનૉમિક્સ થયેલાં. વાતવાતમાં મેં પૂછ્યું : ‘આપને નર્મદા પરિક્રમા કી હૈ ?’ તો કહે, ‘પરિક્રમા કરને વાલા તો યહાં ઐસી જગા પર કુટિયા લગા કર બૈઠ સકતા હૈ. ઔર કોન બેઠેગા ?’ એક ક્ષણ માટે મનમાં વિચાર આવી ગયો. કેવું હશે એ નદીનું આકર્ષણ ? એક ભણેલોગણેલો માણસ જગતનાં બધાં ભૌતિક સુખો ત્યાગી આવા એકાંતમાં એકલો એક જુદા સુખને માણી રહ્યો છે. બાબાના અવાજથી મારી વિચારમાળા તૂટી. બાબાના હાથની ચા પી ચાલવા લાગ્યા.

ધરતી પર અંધકારનું આવતરણ ઊતરવા માંડ્યું હતું અને નર્મદા પણ જાણે અંધકારના આવરણમાં અમારી જેમ વિરામની તૈયારી ન કરતી હોય તેવી લાગતી હતી. રાત ભાલોદમાં રહેવાનું નક્કી કર્યું. લોકોને પૂછતાં પૂછતાં ગામને છેવાડે આવેલી ધર્મશાળામાં પહોંચ્યા. ‘નર્મદે હર’ ની હાંક મારી પણ કોઈ દેખાયું નહીં. આથી અમે એક બાંકડા પર બેસી ગયા. ત્યાં એક ગ્રામવાસી ભાઈ આવ્યા. અમને કહે : ‘કેમ અહીં બેઠા છો ?’
અમે કહ્યું ‘અમે વિદ્યાર્થી છીએ અને નર્મદાને વધારે નજીકથી જોવા-જાણવા કિનારે કિનારે નારેશ્વરથી કબીરવડ પગપાળા જઈ રહ્યા છીએ.’
આ સાંભળી તે કહે : ‘તમે તો પરિક્રમાવાસી છો. તમારા માટે હું જમવાનું મોકલાવું.’
અમે કહ્યું : ‘અમે કોઈ ધાર્મિક શ્રદ્ધાથી પરિક્રમાએ નીકળ્યા નથી.’
તો કહે : ‘નહીં. તમે આમ નીકળ્યા છો એજ મોટી વાત છે.’ કહી ચાલ્યા ગયા. થોડી વારમાં ધર્મશાળાના પાછળના ભાગમાંથી એક માજી આવ્યાં. બહુ હેતથી અમને ધર્મશાળાની પડસાળમાં સૂવાની વ્યવસ્થા કરી આપી. એટલામાં એક ભાઈ અમારે માટે ત્રણ ટિફિન લઈને આવ્યા. મેં પૂછ્યું તો કહે : ‘માધવભાઈએ મોકલ્યા છે.’ અમે પૈસા આપવા લાગ્યા તો કહે : ‘પૈસા તો તેમણે આપી દીધા છે.’

હજારો વર્ષોથી આ પરિક્રમાઓ આવી વિરલ વ્યક્તિઓને કારણે ટકી રહી છે. આ લોકોને મન નર્મદાની પરિક્રમા કરનાર દરેક વ્યક્તિ પવિત્ર છે. આવી આતિથ્યભાવના એક દિવસ માટે હોય તો ઠીક, પણ આવા તો હજારો પરિક્રમાવાસીઓની આ જ નિષ્ઠાથી સેવા કરવી એ અશક્ય નહીં તો કપરું તો છે જ. રાત્રે સૂતા હતા ત્યાંથી થોડે દૂર નર્મદા પણ શાંતિથી સૂતી હતી, જાણે અમારી જેમ એને પણ ચાલી ચાલીને થાક ન લાગ્યો હોય ! ઉપર આકાશમાં ચોથનો ચંદ્ર અમારી સામે મરક મરક સ્મિત રેલાવતો હતો. એ પણ આજે હોડી જેવો લાગતો હતો, જાણે હમણાં નર્મદામાં ઊતરી પડવાનો હોય. આખા દિવસના થાકથી ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. સવાર પડતાં ફરી પાછા આશ્રમનાં માજીને ‘નર્મદે હર’ કરી કબીરવડ તરફ નીકળી પડ્યા….