એક પ્રશંસનીય નિર્ણય – હંસા દવે

[‘અખંડઆનંદ’ માંથી સાભાર.]

ઘણા વખત પછી બહાર નીકળી એટલે એક લાંબુ ચક્કર મારીને પછી નિરાંતે બગીચામાં લીલાછમ ઘાસ પર બેઠી. ઘાસની મુલાયમતા અને ભીનાશ માણતી હતી. ત્યાં દૂરથી સેજલને જોઈ. તેની નાનકડી દીકરીને લઈને તે પણ બગીચામાં આવી હતી. હાથમાં બે ભરચક ભરેલા થેલા હતા. એક થેલામાંથી થોડાંક રમકડાં ડોકાતાં હતાં. મા અને દીકરી બંને ખુશ હતાં. જાણે સ્વર્ગમાં વિહરતાં હોય ! મેં દૂરથી જોઈ. કૂદકો મારીને દોડતી દોડતી તે મારી પાસે આવી. તેની પાછળ પાછળ સેજલને આવતી જોઈ. જાણે કે તે સેજલ જ નહોતી. કાયમ ઉદાસ રહેતી અને ચાલવા કરતાં દોડવામાં જ તેને રસ હોય તેમ સદાય તે દોડતી જ હોય. એક મોટી નેશનલાઈઝડ બૅન્કમાં બ્રાન્ચ મેનેજરના પદે ગોઠવાયેલી હતી. આ પદ તેને તેની હોશિયારી તથા ત્વરિત નિર્ણય લેવાની શક્તિને આધારે મળ્યું હતું. સિનિયોરિટીમાં તેના કરતાં આગળ અનેક પુરુષોએ જે પદ લેવાનું સ્વીકાર્યું નહોતું એવું અત્યંત જવાબદારીભર્યું પદ તેણે સ્વીકાર્યું હતું. અનેક અવરોધોને પાર કરીને તેણે બ્રાન્ચ મૅનેજર તરીકે સારી એવી નામના અને સફળતા પણ મેળવી હતી. કઠોર પરિશ્રમનો કોઈ જ પર્યાય નથી એ વાત તેની બાબતમાં સંપૂર્ણ સાચી પડી હતી. આ બધી વાતો મનમાં રમતી હતી ત્યાં જ સેજલ આવી પહોંચી.

‘હાશ !’ કહીને હાથમાંના બંને થેલા નીચે મૂક્યા અને મારી બાજુમાં બેસી ગઈ. સેજલ મારી લાડકી શિષ્યા. તેની પ્રગતિના તાજા અહેવાલ મને અવારનવાર મળતા રહેતા. અને ‘ઈચ્છેત્ પુત્રાત્ શિષ્યાત્ પરાજયમ્’ એ કહેવત અનુસાર હું ગૌરવ અનુભવતી.
‘અરે સેજલ ! આજે ચાલુ દિવસે અહીંયાં બગીચામાં અત્યારે ?’ સદાય કામમાં પરોવાયેલી રહેતી સેજલ પાસે સમય સિવાય બધું જ રહેતું. ભર્યા ભર્યા સંસારમાં તેની પાસે ન હોય તેવી એક જ ચીજ હતી અને તે હતો સમય. સમયની તેને હંમેશાં તાણ રહેતી. એટલે મારાથી તેને સાહજિક રીતે પુછાઈ ગયું.
‘બસ ! હવે તો રોજ ભવ્યા સાથે અહીં આવું છું.’
‘કેમ ? હમણાં રજા પર છો કે શું ?’
‘બસ ! હવે કાયમ રજા !’ તે ધીમું ધીમું મલકાતાં બોલી. તેના મલકાટ પાછળનો આનંદ છૂપો ન રહ્યો. મેં તેને કહ્યું : ‘હવે ઉખાણાં મૂક ને શું છે તે વાત કહે.’

અને તેણે માંડીને વાત કરી. તેનો સાર આ હતો. પિયરમાં તેઓ બે જ બહેનો. ઘરના સંજોગો વિપરીત એટલે મા સવારમાં રસોઈ-બસોઈ કરીને પેટિયું રળવા નીકળી જાય. તે સાંજના કે કોઈક વાર રાત્રે મોડેકથી પાછી ફરે. બંને બહેનો પોતાની મેળે તૈયાર થઈ ઘર બંધ કરીને નિશાળે જાય. નિશાળેથી છૂટીને પાછા ઘેર આવે અને તાળું ખોલીને ઘરમાં જાય. સેજલને ઘેર આવ્યા પછી સૌથી કપરું કામ તાળું ખોલવાનું લાગે. સતત તે ઝંખે કે તેઓ ઘરે આવે ત્યારે ઘર ખુલ્લું હોય અને મમ્મીના હાથનો ગરમ ગરમ નાસ્તો ખાવા મળે. પણ તે ઝંખના ક્યારેય પૂરી ન થઈ. કામકાજમાં માની વ્યસ્તતાથી તેણે બાળપણમાં માની સાથે રહેવાનો લહાવો ગુમાવ્યો. સખત મહેનત કરતી અને કુટુંબનો વહેવાર સાચવતી અને બાળકોના ઉછેરની ભણતરની તમામ જવાબદારીઓ નિભાવતી મા વિરુદ્ધ તેને કોઈ ફરિયાદ નહોતી. ઊલટું, મા માટે તેને ગૌરવ હતું. માએ ઘર છોડવું પડતું તે તેની લાચારી હતી. દીકરીઓને એકલી મૂકવી પડતી અને રૂપિયા રળવા જવું પડતું તે તેની મજબૂરી હતી. ભણવામાં સેજલ અને સોનલ બંને હોંશિયાર. આપમેળે બંનેએ ભણી-ગણીને પોતપોતાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. જવાબદારીપૂર્વક વર્તવાની અને સખત પરિશ્રમ કરવાની તાલીમ તેઓને ગળથૂથીમાં મળી હતી. પ્રામાણિકતા અને નિષ્ઠાનો માનો વારસો તેઓએ નિભાવ્યો હતો અને દીપાવ્યો પણ હતો.

બૅન્કમાં નિમણૂક થયા પછી સખત મહેનત કરીને એક પછી એક પરીક્ષાઓ પસાર કરીને તે મેનેજરની પોસ્ટ સુધી પહોંચી. તેના કામથી તેણે ઉપરી અધિકારીઓ તથા હાથ નીચેના સ્ટાફને પણ ખુશ રાખ્યો હતો. તેને ડિવિઝનલ મેનેજરની પોસ્ટ મળવાની હતી. તેટલામાં તો પોતાનું રાજીનામું આપીને તેણે સૌને સ્તબ્ધ કરી મૂક્યા. ઉપરીઓ તરફથી પ્રેમપૂર્વકનું દબાણ આવ્યું. પણ પોતાના નિર્ણયમાં સેજલ અટલ રહી.

‘અને તેં નોકરી છેવટે છોડી જ દીધી કેમ ?’
‘હા ! મારી માના વિપરીત સંજોગોને લીધે માનું સાંનિધ્ય મને બાળપણમાં મળ્યું નહોતું. માના સાંનિધ્યની ખોટ મને જિંદગીભર સાલી છે. હવે જીવનમાં પ્રાપ્ત કરવા જેવું બધું જ મેળવી લીધા પછી જો હું નોકરીનો તથા પગારનો લોભ કરું તો મને મારી દીકરીનું સાંનિધ્ય પણ ન મળે. નોકરી છોડવાનો નિર્ણય કરતાં પહેલાં મેં એકાદ મહિનાની ચડેલી રજા લઈ લીધી. ટ્રાયલ બેસીઝ પર નિવૃત્તિ પછીનું જીવન ફાવશે કે નહીં તે ચકાસી જોયું. સોહમના તથા ભવ્યાના પ્રતિભાવો જાણી લીધા. જાત સાથેનું એડજસ્ટમેન્ટ પણ જોઈ લીધું. મહિનાને અંતે ફાઈનલ નિર્ણય કરી લીધો. નોકરી છોડવી જ. અને છેવટે રાજીનામું મૂકી દીધું.’ એકીશ્વાસે બોલતી સેજલે થોડો પોરો ખાધો.
‘પણ સોહમ કંઈ ન બોલ્યો ?’
‘ના ! એણે તો તમામ મારા પર અને ભવ્યા પર છોડ્યું. આમ અમારી રીતે અમે સુખી છીએ. સોહમનો પગાર કંઈ સાવ ઓછો નથી.’
‘પણ બચતનું શું ?’
‘બચતનું તો એવું છે કે પગાર ગમે તેટલો વધારે હોય બચત ન થાય. બચત તો કરકસર કરવાથી જ થાય. થોડી-ઘણી બચત છે. થોડી-ઘણી કરીશું. અને જિંદગીમાં બધું જ રૂપિયા-આના-પાઈથી થોડું તોળાય છે ?’
‘તને હવે ઘરમાં આખો દિવસ ગમશે ખરું ? જે કામ તું સવારે એક કલાકમાં કરતી તે માટે હવે તને આખી સવાર મળશે. અને ભવ્યા સ્કૂલે જશે, સોહમ ઓફિસે જશે ત્યારે બોર નહીં થાય ?’

‘અરે હોતા હશે ? ઘર તો ધરતીનો છેડો ગણાય. દુનિયા આખીથી થાકેલો-હારેલો માનવી ઘરે આવે ત્યારે હાશ થાય. પહેલાં સ્ત્રીઓ ઘરમાં જ રહેતી ને ! વળી મારી મનગમતી પ્રવૃત્તિઓ જે સમયના અભાવે હું નહોતી કરી શકતી તે કરવાનો હવે જ તો સમય મળશે. આજે જ સુગમ સંગીતના વર્ગની તપાસ કરી આવી છું. મારો ગાવાનો શોખ પૂરો કરવા.’
‘પછી આપણે તારા સુગમ સંગીતનો એક કાર્યક્રમ મોટા પાયે રાખશું’ મેં જરાક હળવી મજાકના ટોનમાં કહ્યું.
પણ સેજલે તો આ વાતને ગંભીરતાપૂર્વક લીધી. ‘સંગીત મારો પહેલો શોખ. સ્કૂલમાં કાયમ પ્રાર્થના ગાવા જતી. મારી હલક પર મારા મિત્રો ફિદા. કેટલાક મજાકિયા ટોનમાં લતા મંગેશકર પણ કહેતા. પણ પછી સમયના અભાવે આગળ રિયાઝ શક્ય જ નહોતો. એટલે તે પ્રવૃત્તિને તાળાં લાગી ગયાં. હવે મને રિયાઝ કરવાનો પુષ્કળ સમય મળશે.
‘વળી કંઈક મેળવવા કંઈક ગુમાવવું તો પડે જ ને ? મારો દર મહિને જમા થતો પગાર જતો કરતાં મને સામું કેટલું મળશે તેનો હિસાબ માંડીએ તો મળવાનું પલ્લું જરૂર ભારે થાય. વળી જે સમયનો અભાવ મને હંમેશાં સતાવતો તે હવે નહીં રહે. અંગ્રેજી કહેવત Time is money અનુસાર હું જગતની સૌથી ધનવાન સ્ત્રી હોઈશ. કારણ કે મારી પાસે સમય જ સમય હશે.’
‘તું જ્યારે સિદ્ધિના ઉચ્ચતમ શિખર પર પહોંચવાની હતી ત્યારે જ કેમ પાછળ હઠી ગઈ ?’ મારાથી પૂછાઈ ગયું.

‘હું પાછળ હઠી નથી. વળી હું તો માનું છું કે સફળતાના શિખરે પહોંચીને જ નિવૃત્તિ લેવી જોઈએ. વળી અહીં તો યોગ્ય સમયે નિવૃત્તિ લેવાની વાત હતી. ભવ્યા હવે અમારી સાથે કેટલો સમય ? પાંખો આવ્યે તે પણ ઊડી જશે પોતાનો માળો બાંધવા. તો પછી મને તેની સાથે રહેવાનો લહાવો ક્યારે મળે ? પ્રવૃત્તિ માટેનો મારો સંતોષ ચરમ સીમાએ પહોંચી ગયો છે. હવે નિવૃત્તિનો, સંતાન સાથે રહેવાનો, કુટુંબના સભ્યોને નાની નાની વાતે સંતોષ આપ્યાનો પરમ સંતોષ મારે માણવો છે. અને મારી મનગમતી પ્રવૃત્તિ મારે કરવી છે.
‘બહેન ! એક વાત તમને કહું. સ્ત્રીનો પરમ સંતોષ એટલે સુખી પરિવાર. ઘરની તમામ વ્યક્તિઓની તમામ સગવડ સાચવવી. તેમને મનગમતાં ભોજન આપી તેમની બદલાતી જતી રેખાઓને નિહાળવી તેમાં જે સુખ છે તે કેરિયર બનાવવામાં નથી. આ મારો જાતઅનુભવ છે. કેરિયરમાં સર્વોચ્ચ સ્થાને બિરાજનાર અનેક સ્ત્રીઓના ગૃહજીવનને છિન્નભિન્ન થતું મેં મારી નજરે જોયું છે. હું નસીબદાર છું કે મને પ્રેમાળ કુટુંબીજનો મળ્યાં છે. તેમની સાથે રહી મારે મારું પરમ સૌભાગ્ય પળે પળે માણવું છે. કેમ બરાબર ને ?’

‘તું તો સવાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નીકળી. ગુજરાતીના સર્વોત્તમ નવલકથાકાર, સરસ્વતીચંદ્રના સર્જકે પણ બેંતાળીસ વર્ષની ઉંમરે ધીકતી વકીલાત છોડીને ક્ષેત્રસંન્યાસ સ્વીકાર્યો હતો. તેં પણ તેમનાથી નાની ઉંમરે ક્ષેત્રસંન્યાસ સ્વીકાર્યો.’ મેં તેની તરફનો મારો અહોભાવ શબ્દોમાં વ્યક્ત કર્યો.

તેનું આ પગલું કેવળ યોગ્ય અને પ્રશંસનીય જ નહીં પણ અનુકરણીય પણ હતું. મારી મંજૂરીની મહોર લાગી ગઈ એટલે તે ઓર ખુશ થઈ અને આનંદના અતિરેકમાં બોલી, ‘મને હતું જ કે તમે મારી સાથે સંમત થશો. ચાલો, ઊઠો, આપણે મારી નિવૃત્તિને Celebrate કરીએ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી
માનસ રોગ – શ્રીરામચરિતમાનસ Next »   

24 પ્રતિભાવો : એક પ્રશંસનીય નિર્ણય – હંસા દવે

 1. મૌલિક says:

  સરસ.

 2. BHAUMIK TRIVEDI says:

  nice.

 3. JITENDRA TANNA says:

  VERY GOOD

 4. બે-ચાર ઘણી મહત્વની બાબતો અભિપ્રેત થઈ છે આ લેખમાં… એક તો બાળક માટે માંનો સમય ખુબ જ મહત્વનો છે તે .. આજના સમયમાં વર્કીંગ વીમેન્સ પણ બાળક આવ્યા પછી પોતાનો બધો સમય એને આપી શકે એ અપેક્ષિત છે… પતિના એક જ પગારમાં સંતોષ મેળવવાની બન્ને જણાની સંમતિ અને સમજ એના માટે જરૂરી બને …

  અને બીજી વાત એ કે સફળતાના શિખરે પહોંચવાના સમયે નિવૃત્તિ લેવાની વાત …

  ત્રીજી વાત એ કે આપણે પોતાના શોખ અને મનગમતી ચીજ ને કેટલો ન્યાય આપી શકીએ..

  ચોથી વાત એ કે ઘરે રહીને સમયને માણવાની વાત .. ઘણા લોકોને ઘરે એમ ને એમ બેસવાનુ નથી ગમતું .. કુટુંબીજનો સાથે સમય ગાળવા ને બદલે બહાર જઈને પાનને ગલ્લે કે મહોલ્લાની ટોળકી સાથે બધો સમય ગાળે છે … એ પણ થઈ શકે પણ ઘરમાં રહેવું પણ એટલું જ મહત્વનું છે …

 5. અતુલ જાની (આગંતુક) says:

  વાર્તાનું નામ જ “એક પ્રશંસનીય નિર્ણય” છે ત્યારે પ્રશંસા તો કરવી જ રહી. બુદ્ધિપુર્વકના બહુજન હિતાય – બહુજન સુખાય માટે કરેલા નિર્ણયો પ્રશંસનીય જ હોય છે.

 6. sajid says:

  સરસ કામ કરો છો, Keep it up.

 7. Ani says:

  બહુ સ્રરસ

 8. જીવનના કેટલાક નિર્ણયો આપણા પોતાના હોય છે અને કેટલાક ઊછીના…….પણ કયો નિર્ણય કેટલો સાચો છે એ આપણા સિવાય કોઈ ના કહી શકે…..

  આજના સમયમાં so called “Career oriented” માં બાપ માટે આંખો ખોલી દે તેવી સરસ વાત….

  મ્રુગેશ્ભાઈ …..સરસ

  આમ જ જલસા કરાવતા રહો….

 9. Jayesh says:

  Thanks…It’s good story…I was thinking this for very long …and wanted my wife to concentrate on family and her hobbies…I wanted her to look and feel happy and satisfied…Money is secondary and can be earned or saved later but the time ..a quality time…not possible…

 10. Meera says:

  Hats off to all ‘ Homemakers”. Story mirrors the mindset of evey mother and wife. Time is so important factor for kids.

 11. Tarang Hathi says:

  “એક પ્રશંસનીય નિર્ણય” સુન્દર વાર્તા આપવા બદલ મ્રુગેશ ભાઈ નો આભાર

 12. Hiral Thaker "Vasantiful" says:

  Same desire of my life

  “સેજલને ઘેર આવ્યા પછી સૌથી કપરું કામ તાળું ખોલવાનું લાગે. સતત તે ઝંખે કે તેઓ ઘરે આવે ત્યારે ઘર ખુલ્લું હોય”

  Before couple of years, in place of little Sejal, I am there. And right now also I am in place of sejal but without any responsibility…only that is the difference. 🙂

 13. JYOTI GALA says:

  સરસ વારતા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.