- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી

[રીડગુજરાતીના યુવાન વાચકમિત્ર શ્રી તરંગભાઈ હંમેશા કંઈક જુદા પ્રકારનું અને વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય લખે છે. તેમના લેખ પાછળ ઘણો અભ્યાસ અને મહેનત હોય છે. આ સુંદર કૃતિ મોકલવા બદલ તરંગભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો hathitarang@gmail.com પર સંપર્ક કરી શકો છો.]

દરેક દેશને પોતાના સ્થળકાળ અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારની રમતો હોય છે. આપણા મુરબ્બીઓ એમના બાળપણમાં જે પ્રકારની રમતો રમતા હતા તે પ્રકારની રમતો આજે રમાતી નથી. અવિનાશ વ્યાસનું ગીત ‘હતુતુતુ….’ સાંભળી નાનું બાળક પૂછી બેસશે કે આ ‘હતુતુતુ’ કઈ વસ્તુનું નામ છે ? કોમ્પ્યુટર ગેઈમ્સ, ક્રિકેટ, ટેનીસ, બેડમિંગ્ટન આદિથી પરિચિત આજના બાળકોને ‘હતુતુતુ’ કે ‘ખો..ખો’ વિશે ખ્યાલ ન હોય તે સમજાય તેમ છે !

એક જમાનામાં આપણે નાના હતા ત્યારે આપણા વતનની ભૂમિમાં આપણે કેવી કેવી રમતો રમતા તેની યાદી નોંધવા જેવી છે. આપણી બા પાસે બેસી રમાતી અડકો દડકોથી શરૂ કરીને ગીલ્લી ડંડા, ભમરડા, લખોટીઓ, લંગસીયા, ખૂચામણી, સાત તાળી, નદી કે પર્વત, લોખંડ કે લાકડું, થડ થડ, કલર… કલર… કયો કલર.. ?, ચલકચલાણી, ઈંડું, પકડદાવ, ચોર-પોલીસ, સતોડિયું, કબ્બડી, ખો-ખો, આઈસ-પાઈસ, લંગડી, થપ્પો, કુંડાળા-પગથિયાં વગેરે જેવી આનંદદાયક રમતો આપણે રમતા. એ રમતોને કારણે આપણને શારીરિક કસરત મળતી, માનસિક સાવધાની વિકસતી, ખરા ટાણે કુનેહપૂર્વક નિર્ણય લેવાની દ્રષ્ટિ કેળવાતી અને વિશેષ તો સમુહ જીવનની તાલીમ મળતી. આપણા સાથીદારને મદદરૂપ થવાની વૃત્તિ કેળવાતી. આ રમતોની વિશેષતા એ હતી કે તેમાં કોઈ રમતના સાધનોની જરૂર ઓછી પડતી. કબડ્ડી કે ખો-ખો રમવા માટે ક્યા સાધનની જરૂર પડે ? લંગડી તો માત્ર એક પગથી જ રમવાની શરૂ કરી શકાય ! કોઈપણ પ્રકારના સાધનો વિના રમી શકાય તેવી રમતો આપણે રમતાં. ન કોઈ સાધનો, ન તો કોઈ વિશિષ્ટ ગણવેશ, ન તો કોઈ મેદાન વગેરેની જરૂરિયાત. સાવ સરળ અને સહજ !

વળી, આજકાલ ક્રિકેટમાં ચાલે છે તેવાં ઝીણાં-ઝીણાં નિયમો પણ નહીં. દિવસના કોઈપણ ભાગમાં અને સપાટ જમીન પર રમી શકાય તેવી આ રમતો આપણા જેવા વિકસતા દેશ માટે સ્વાભાવિક હતી. ક્યાં મોંઘા ટેબલ-ટેનિસ, વિડિયો ગેમ્સ, વીજળીથી ચાલતાં રમકડાં અને ક્યાં આપણી લાકડાંની નાની ગીલ્લી અને દંડો ! મળ્યો તો ઠીક નહીંતર ચીંથરે વિંટ્યો દડો ! અરે, સતોડિયામાં તો માત્ર ઠીંકરાઓનો જ ઉપયોગ. ઘણાં બાળકોને તો બાકસની છાપો, ફિલ્મના ફોટાઓ, ફિલ્મની પટ્ટીઓ વગેરે ભેગો કરવાનો જબરો શોખ. પછી આપમેળે તેની કોઈ નવી રમત બનાવીને વગર સાધને રમ્યા કરે. આમ ઓછામાં ઓછા ખર્ચ સાથે વધુમાં વધુ નિર્દોષ આનંદ આપતી આપણી જુની રમતો આપણે વિસરી ગયાં છીએ.

આવો, આજે આપણે આમાંની કેટલીક રમતો રમવાની રીતોનું સ્મરણ કરીએ.

[1] અડકો-દડકો : બે હાથની આંગળી અંગુઠાં સહિત જમીન પર રાખી ‘અડકો દડકો દહીં દડુકો….’ ગાતાં ગાતાં ‘સાકર શેરડી ખજૂર….’ એમ બોલીને જેના હાથ પર ખજૂરનો ‘ર’ આવે તે હાથ પાછળની તરફ વાળી લેવામાં આવતો. આમ, રમનાર બધાના હાથ પાછળ વળી જાય ત્યારે રમત પૂરી થઈ ગઈ કહેવાય.

[2] ગીલ્લી દંડા : લાકડાંની નાની પણ થોડી મજબુત લગભગ ચાર ઈંચની લાકડીની ગીલ્લી બનાવવામાં આવતી અને તેના જેવી લગભગ બાર ઈંચની લાકડીનો દંડો બનાવવામાં આવતો. ઠીકરાં પર ગીલ્લી ગોઠવી તેના એક ખુલ્લા છેડા પર લાકડીનો પ્રહાર કરી હવામાં ગીલ્લીને ફટકારી દૂર સુધી પહોંચાડવામાં આવતી અને જો હવામાં ઉછળતી ગીલ્લીને સામે ઊભેલ ખેલાડી દ્વારા કેચ કરવામાં આવે તો ગીલ્લીને ફટકારનાર ખેલાડીનો દાવ પુરો થઈ ગયો ગણાતો.

[3] ભમરડા : લાકડાનો શંકુ આકારનો ભમરડો, તેની મધ્યમાં લોખંડની આરી (ધરી). ભમરડાના માથે દોરી ભરાવી ગોળ ગોળ આરી સુધી વીંટી અને ઝાટકા સાથે નીચેની તરફ ફેંકી જમીન પર ફેરવવામાં આવતો અથવા હવામાં ફેરવી હથેળી પર ફેરવવામાં આવતો.

[4] લખોટી : એક કુંડાળું કરી તેમાં રમનાર પોતાની પાસેની લખોટીઓ મુકે છે. કુંડાળાથી થોડે દૂર એક રેખા ખેંચવામાં આવતી. અને રેખાની બહાર ખેલાડીઓ પોતાની પાસે રહેલ લખોટી દ્વારા કુંડાળામાં રાખેલી લખોટીને નીશાન તાકીને બહાર લાવતા. બહાર આવેલ લખોટી તે ખેલાડીની માલીકીની ગણાતી. લખોટીની રમતોમાં અલગ અલગ પ્રકારો પણ છે.

[5] લંગસીયા : ઉત્તરાયણ પતી ગયા બાદ વધેલી દોરીને એક ઠીકરાં સાથે બાંધી લંગસીયું બનાવવામાં આવતું. ખેલાડીઓ લંગસીયા હવામાં ગોળ ગોળ ફેરવી એક બીજાના લંગસીયામાં ભેરવી ખેંચતા. જેનું લંગસીયું તૂટી જાય તે હારી ગયો કહેવાય. ટેલીફોનના તાર પર આવું જ એક લંગસીયું ભરાવવામાં આવતું અને તેના બીજા છેડે બીજું એક ઠીકરું બાંધવામાં આવતું. ઠીકરાં પછી દોરીનો છેડો છુટ્ટો રાખવામાં આવતો. છુટ્ટા છેડાથી ઠીકરાંને ગોળ ફેરવી છુટ્ટું મુકવામાં આવતું અને ત્યાર બાદ જેના હાથમાં છેડો આવે તેને દાવ મળતો.

[6] ખૂચામણી : વરસાદના સીઝનમાં આ રમત ખાસ રમવામાં આવતી. લોખંડનો સળીયો લગભગ બાર ઈંચ. ભીની માટીમાં કુંડાળું કરી ઝાટકા સાથે ખોસવામાં આવતો. જો ખેલાડી ખોસવામાં સફળ ન થાય તો બીજાનો વારો આવતો.

[7] સાત તાળી : જે ખેલાડીનો દાવ હોય તેના હાથ પર બીજો ખેલાડી સાત વાર તાળી આપી ને ‘છુટે છે’ કહી ભાગવાનું. દાવ દેનાર ખેલાડી દોડી અને બીજાને પકડી લે તો તે આઉટ ગણાતો અને આઉટ થયેલ ખેલાડીનો દાવ આવતો.

[8] નદી કે પર્વત : ઓટલા ને પર્વત ગણવામાં આવતો અને જમીન ને નદી. હવે આ રમતમાં દાવ દેનાર ખેલાડીને અન્ય ખેલાડી દ્વારા પૂછવામાં આવતું કે નદી કે પર્વત. ખેલાડી જો ‘પર્વત’ કહે તો ઓટલા ઉપર ઊભા રહેવાનું અને ઓટલા પર આવનાર અન્ય ખેલાડી ને પકડી લે તો તે આઉટ જાહેર કરવામાં આવતો. એવી જ રીતે ‘નદી’ કહે તો અન્ય ખેલાડી ઓટલા પર ઊભો રહે અને દાવ દેનાર જમીન પર.

[9] લોખંડ કે લાકડું ? : દાવ દેનાર ખેલાડીને પૂછવામાં આવતું ‘લોખંડ કે લાકડું ?’ જવાબમાં લોખંડ કહેવામાં આવે તો અન્ય ખેલાડીઓ લોખંડને પકડી ઉભા રહેવાનું. લોખંડમાં બારીની ફ્રેમ, હિંચકાનો સળીયો, ગ્રીલ વગેરે. અને લાકડું હોય તો તેમાં બારી, હિંચકો, આસપાસના વૃક્ષો વગેરે. લોખંડ કે લાકડું પકડવામાં કોઈ નિષ્ફળ જાય તો આઉટ જાહેર કરવામાં આવતો અને પછી તેનો દાવ આવતો.

[10] કલર.. કલર કયો કલર.. ? : કલર કલર કયો કલર – એમ પૂછી દાવ લેનાર કોઈ એક કલરનું નામ કહે અને આસપાસમાં તે કલર દેખાય તો તેને સ્પર્શ કરીને ઊભા રહેવાનું. કલર ન મળે તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

[11] ચલકચલાણી : ચાર ખુણે ચાર ખેલાડી ઊભા રહે. દાવ દેનાર કોઈ એક ખુણે જઈને પૂછે ‘ચલકચલાણી’ તો તેના જવાબમાં ખેલાડી તેની વિરુદ્ધની ખુણાને ઉદ્દેશીને જવાબ આપે કે ‘પેલે ઘેર ધાણી’ આમ, ખેલાડી બીજી દિશામાં જાય કે તરત ખુણા પર રહેલા ખેલાડી પોતાના ખુણા બદલી લે. જો એમ કરતાં વચ્ચેથી જ દાવ દેનાર ખેલાડી પકડી લે તો તે આઉટ જાહેર થાય.

[12] ઈંડું : ચલકચલાણી જેવી જ રમત પણ થોડી જુદી. ચોરસ જગ્યા પર બે આડા અને ઊભા પાટા બનાવવામાં આવતા. પાટા જ્યાં ક્રોસ થાય ત્યાં નાનું ચોરસ બનતું અને તેમાં રમનાર ખેલાડીઓ પ્રમાણે ટાઈલ્સના ટુકડા રાખવામાં આવતા. દાવ દેનાર ખેલાડી પાટાની અંદરના ભાગમાં રહેતો અને બાકીના ખેલાડીઓ ખુણાના 4 ચોરસમાં ઊભા રહેતા. દાવ દેનાર ખેલાડી પહેલાં પાટાના છેડાઓને સ્પર્શ કરવા જાય તે સમય દરમ્યાન બાકીના ખેલાડીઓ ટાઈલ્સના ટુકડાને લઈ લે. અને તેમ કરતા કોઈ ખેલાડી ઝડપાઈ જાય તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

નવા જમાનાની રમતોમાં નિયમો અને યંત્રો મહત્વનાં બની ગયાં છે. આવા નિયમોની જટાજુટમાં રમતના સાત્વિક આનંદની ગંગા ખોવાઈ ગઈ છે. ક્રિકેટની રમતમાં દડો બાઉન્ડ્રીની બહાર ગયો કે નહીં, ફિલ્ડરનો પગ બ્રાઉન્ડ્રીને ટચ થયો કે નહીં તે ખાસ પ્રકારના કેમેરા દ્વારા ત્રીજો ઍમ્પાયર બતાવે છે. આવી રમતોમાં યંત્ર અને નિયમોના બંધનને લીધે રમતની યુક્તિનો આનંદ ઓછો થઈ જાય છે. જૂની રમતોમાં આકાશ જેવી વિશાળતા અને ધરતી જેવી વ્યાપકતા હતી. પવનસમી મુક્તિ હતી. પંચમહાભુતના બનેલા આપણે પંચમહાભુત સાથે એકરૂપ થઈ જતાં. ‘લગાન’ નો ભુવન અને ધોની કેવા ભિન્ન લાગે છે ! ભુવનમાં રમતની સાહજિકતા હતી અને આજના ખેલાડીમાં ફોટોજેનીક ઉત્સાહ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આમ, આપણી જુની રમતો આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી હતી. સાદગી, સંઘભાવના અને સુમેળમાં રહી રમાતી એ રમતો આજે ભુલાઈ ગઈ છે. વિડીયો ગેઈમ્સ અને કોમ્પ્યુટર ગેઈમ્સના જમાનામાં આવી રમતોને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. જુની રમતોને પુન:જીવીત કરવી જરૂરી છે કેમ કે વિડિયો ગેઈમ્સ, કોમ્પ્યુટર ગેઈમ્સ અને ટીવી પર ચેનલ સર્ફીંગ કરતી આપણી બાળપેઢી શું જુએ છે તે આપણે જાણીએ છીએ. આજની ઉછરતી પેઢી આપણા આંગણામાં ફુટબોલ કે વોલીબોલ જેવી રમતો તો ખરી પણ વિસરાઈ ગયેલી રમતો પણ રમતી હોય તે જરૂરી છે. આ પ્રકારની રમતો અંગકસરથી ભરપૂર છે. આધુનિક રમતોમાં બાળકો બહાર જવાનું ટાળે છે, આખો દિવસ સ્ક્રીન સામે બેસી રહે છે અને બેઠાડુ રમતોના પરિણામે સ્થુળતાનો ભોગ બને છે. ઈન્ટરનેટ પર મોટા પ્રમાણમાં ગેઈમ્સ ઉપલબ્ધ છે. કેટલીક તો ડાઉનલોડ કરીને રમી શકાય છે, તો કેટલીક ઓનલાઈન રમાય છે. બાળકોમાં મોબાઈલ ગેમ્સ પણ પ્રચલિત છે. પરંતુ આ બધાના પરિણામે બાળકોમાં આંખોની તકલીફ અને ચશ્માનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. બાળકની આંખ ગ્રાફિક્સને ઓળખે એ પહેલાં તે તરત બદલાઈ જાય છે. મારધાડથી ભરપુર ગેઈમ્સને કારણે બાળક મટકું મારવાનું પણ ભૂલી જાય છે.

વાસ્તવિકતા એ છે કે જે બાળકો મારધાડથી ભરપુર કોમ્પ્યુટર ગેઈમ્સ નથી રમતાં તેની ગણના ‘દેશી’માં કરવામાં આવે છે. આવી દેખાદેખીને કારણે બાળપણની રમતો રમાતી નથી. ઓલિમ્પ્લિક્સ, એશિયન અને કોમનવેલ્થ જેવી પશ્ચિમી સંસ્કૃતિ પર આધારિત રમતો તો ખરી જ પણ તે ઉપરાંત દરેક દેશની સુગંધ અનુભવાતી હોય તેવી દેશની વિલક્ષણ રમતો રમાય તો રમતવિશ્વનો વિસ્તાર થશે.