- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનસ રોગ – શ્રીરામચરિતમાનસ

[ઉત્તરકાંડ દોહા-120 પછી ચોપાઈ નંબર : 14 થી આગળ.]

સુનહુ તાત અબ માનસ રોગા | જિન્હ તે દુખ પાવહિં સબ લોગા ||

હે તાત ! હવે માનસરોગ સાંભળો, જેનાથી બધા લોકો દુ:ખ પામ્યા કરે છે.

મોહ સકલ બ્યાધિન્હ કર મૂલા | તિન્હ તે પુનિ ઉપજહિં બહુ સૂલા ||
કામ બાત કફ લોભ અપારા | ક્રોધ પિત્ત નિત છાતી જારા ||

બધા રોગોનું મૂળ મોહ (અજ્ઞાન) છે. તે રોગથી વળી બીજાં અનેક શૂળ (દુ:ખ) ઉત્પન્ન થાય છે. કામ વાત (વાયુ) છે, લોભ અપાર (વધેલો) કફ છે અને ક્રોધ પિત્ત છે જે સદાય છાતી બાળતો રહે છે.

પ્રીતિ કરહિં જૌં તીનિઉ ભાઈ | ઉપજઈ સન્યપાત દુખદાઈ ||
બિષય મનોરથ દુર્ગમ નાના | તે સબ સૂલ નામ કો જાના ||

જો ક્યારેક આ ત્રણેય ભાઈ (વાત,પિત્ત અને કફ) પ્રીતિ કરી લે (એટલે કે ભેગા થાય) તો દુ:ખકારક સન્નિપાત રોગ ઉત્પન્ન થાય છે. કઠિનતાથી પ્રાપ્ત (પૂર્ણ) થનારા જે વિષયોના મનોરથ છે, તે જ સર્વે શૂળ (કષ્ટદાયક રોગ) છે, એમનાં નામ કોણ જાણે છે ? (અર્થાત્ તે અપાર છે.)

મમતા દાદુ કંડુ ઈરષાઈ | હરષ બિષાદ ગરહ બહુતાઈ ||
પર સુખ દેખિ જરનિ સોઈ છઈ | કુષ્ટ દુષ્ટતા મન કુટિલઈ ||

મમતા દાદર છે, ઈર્ષા (ડાહ) ખૂજલી છે, હર્ષ-વિષાદ ગળાના રોગોની અધિકતા છે (ગલગંડ, કંઠમાળા કે ઘેઘા આદિ રોગ છે.); પારકાં સુખોને જોઈને જે જલન થાય છે, તે જ ક્ષય (ટી.બી.) રોગ છે. દુષ્ટતા અને મનની કુટિલતા જ કોઢ છે.

અહંકાર અતિ દુખદ ડમરુઆ | દંભ કપટ મદ માન નેહરુઆ ||
તૃસ્ના ઉદરબૃદ્ધિ અતિ ભારી | ત્રિબિધિ ઈષના તરુન તિજારી ||
જુગ બિધિ જ્વર મત્સર અબિબેકા | કહઁ લગિ કહૌં કુરોગ અનેકા ||

અહંકાર અત્યંત દુ:ખ આપનારું ડમરું (ગાંઠનો) રોગ છે. દંભ, કપટ, મદ અને માન નાડીનો રોગ છે. તૃષ્ણા ઘણો ભારે ઉદરવૃદ્ધિ (જલોદર) રોગ છે. ત્રણેય પ્રકાર (પુત્ર, ધન અને માન)ની પ્રબળ ઈચ્છાઓ પ્રબળ ત્રિજારી (ત્રણ દિવસે આવતો તાવ) છે. મત્સર અને અવિવેક બે પ્રકારના જ્વર છે. આ પ્રકારના અનેક નરસા રોગો છે, જેમને ક્યાં સુધી કહું ?

દો. એક બ્યાધિ બસ નર મરહિં એ અસાધિ બહુ બ્યાધિ |
પીડહિ સંતત જીવ કહુઁ સો કિમિ લહૈ સમાધિ ||

એક જ રોગને વશ થઈને મનુષ્ય મરી જાય છે, પછી આ તો ઘણા જ અસાધ્ય રોગ છે. એ જીવોને નિરંતર કષ્ટ આપતાં રહે છે. આવી દશામાં તે સમાધિ (શાંતિ) ને કેવી રીતે પ્રાપ્ત કરે ?

દો. નેમ ધર્મ આચાર તપ ગ્યાન જગ્ય જપ દાન |
ભેષજ પુનિ કોટિન્હ નહિં રોગ જાહિં હરિજાન ||

નિયમ, ધર્મ, આચાર (ઉત્તમ આચરણ), તપ, જ્ઞાન, યજ્ઞ, જપ, દાન તથા બીજા પણ કરોડો ઔષધો છે, પરંતુ હે ગરુડજી ! તેનાથી આ રોગો જતા નથી.

એહિ બિધિ સકલ જીવ જગ રોગી | સોક હરષ ભય પ્રીતિ બિયોગી ||
માનસ રોગ કછુક મૈં ગાએ | હહિં સબ કેં લખિ બિરલેન્હ પાએ ||

આ રીતે જગતમાં સમસ્ત જીવ રોગી છે, જે શોક, હર્ષ, ભય, પ્રીતિ આદિ દ્વન્દ્વોને લીધે વિયોગી-દુ:ખી થઈ રહ્યા છે. મેં આ થોડાક જ માનસરોગો કહ્યા છે. આ છે તો સૌને, પરંતુ આને જાણી શક્યા છે કોઈક વિરલા જ.

જાને તે છીજહિં કછુ પાપી | નાસ ન પાવહિં જન પરિતાપી ||
બિષય કુપથ્ય પાઈ અંકુરે | મુનિહુ હૃદયઁ કા નર બાપુરે ||

પ્રાણીઓને બાળનારા આ પાપી (રોગ) જાણી લેવાથી કંઈક ક્ષીણ અવશ્ય થઈ જાય છે, પરંતુ નાશને પામતા નથી. વિષયરૂપી કુપથ્યને પામી એ મુનિઓના હૃદયમાંય અંકુરિત થઈ જાય છે, તો બિચારા સાધારણ મનુષ્ય તો શું ચીજ છે ?

રામ કૃપાઁ નાસહિં સબ રોગા | જૌં એહિ ભાઁતિ બનૈ સંજોગા ||
સદગુર બૈદ બચન બિસ્વાસા | સંજમ યહ ન બિષય કૈ આસા ||

જો ઈશ્વરકૃપાથી એ પ્રકારનો સંયોગ બની જાય તો આ સર્વે રોગ નષ્ટ થઈ જાય. સદગુરુરૂપી વૈદ્યના વચનમાં વિશ્વાસ થાય, વિષયોની આશા ન રાખે; આ જ સંયમ (ચરી) છે.

રઘુપતિ ભગતિ સજીવન મૂરી | અનૂપાન શ્રદ્ધા મતિ પૂરી ||
એહિ બિધિ ભલેહિં સો રોગ નસાહીં | નાહિં ત જતન કોટિ નહિં જાહીં ||

ભગવાની ભક્તિ સંજીવની જડી છે. શ્રદ્ધાથી પૂર્ણ બુદ્ધિ જ અનુપાન (દવાની સાથે લેવામાં આવનાર મધ આદિ) છે. આ પ્રકારનો સંયોગ થાય તો તે રોગ ભલે જ નષ્ટ થઈ જાય, નહીં તો કરોડો પ્રયત્નોથી પણ નથી જતા.

જાનિઅ તબ મન બિરુજ ગોસાઁઈ | જબ ઉર બલ બિરાગ અધિકાઈ ||
સુમતિ છુધા બાઢઈ નિત નઈ | બિષય આસ દુર્બલતા ગઈ ||

હે ગોસાઈ ! મનને નીરોગી થયું ત્યારે જ જાણવું જોઈએ, જ્યારે હૃદયમાં વૈરાગ્યનું બળ વધી જાય, ઉત્તમ બુદ્ધિરૂપી ભૂખ નિત્ય નવી વધતી રહે અને વિષયોની આશારૂપી દુર્બળતા મટી જાય.

બિમલ ગ્યાન જલ જબ સો નહાઈ | તબ રહ રામ ભગતિ ઉર છાઈ ||
સિવ અજ સુક સનકાદિક નારદ | જે મુનિ બ્રહ્મ બિચાર બિસારદ ||
સબ કર મત ખગનાયક એહા | કરિઅ રામ પદ પંકજ નેહા ||
શ્રુતિ પુરાન સબ ગ્રંથ કહાહીં | રઘુપતિ ભગતિ બિના સુખ નાહીં ||

(આ પ્રમાણે સર્વ રોગોથી છૂટીને) જ્યારે મનુષ્ય નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરી લે છે, ત્યારે તેના હૃદયમાં ઈશ્વરભક્તિ છવાઈ રહે છે. શિવજી, બ્રહ્માજી, શુકદેવજી, સનકાદિક અને નારદ આદિ બ્રહ્મ વિચારમાં પરમ નિપુણ જે મુનિ છે, હે પક્ષીરાજ ! તે સર્વેનો મત આ જ છે કે શ્રીરામજીના ચરણકમળોમાં પ્રેમ કરવો જોઈએ, શ્રુતિ પુરાણ અને સર્વે ગ્રંથ કહે છે કે ઈશ્વરની ભક્તિ વિના સુખ નથી.

કમઠ પીઠ જામહિં બરુ બારા | બંધ્યા સુત બરુ કાહુહિ મારા ||
ફૂલહિં નભ બરુ બહુબિધિ ફૂલા | જીવ ન લહ સુખ હરિ પ્રતિકૂલા ||

કાચબાની પીઠ પર ભલે જ વાળ ઊગી આવે, વાંઝણીનો પુત્ર ભલે જ કોઈને મારી નાખે, આકાશમાં ભલેને અનેક પ્રકારનાં ફૂલ ખીલી ઊઠે; પરંતુ શ્રીહરિથી વિમુખ થઈને જીવો સુખ પ્રાપ્ત નથી કરી શકતા.

તૃષા જાઈ બરુ મૃગજલ પાના | બરુ જામહિં સસ સીસ બિષાના ||
અંધકારુ બરુ રબિહિ નસાવૈ | રામ બિમુખ ન જીવ સુખ પાવૈ ||
હિમ તે અનલ પ્રગટ બરુ હોઈ | બિમુખ રામ સુખ પાવ ન કોઈ ||

મૃગતૃષ્ણાના જળને પીવાથી ભલેને તરસ છીપાઈ જાય, સસલાના માથા પર ભલેને શિંગડાં ઊગી જાય, અંધકાર ભલેને સૂર્યનો નાશ કરી નાખે; પરંતુ શ્રીરામથી વિમુખ થઈને જીવ સુખ નથી પામી શક્તો. બરફથી ભલેને અગ્નિ પ્રગટ થઈ જાય (આ સર્વે અસંભવ વાતો સંભવ ભલે થઈ જાય) પરંતુ ઈશ્વરથી વિમુખ થઈને કોઈ પણ સુખ નથી પામી શકતા…

દો. બારિ મથેં ધૃત હોઈ બરુ સિકતા તે બરુ તેલ |
બિનુ હરિ ભજન ન ભવ તરિઅ યહ સિદ્ધાંત અપેલ ||

જળને મથવાથી ભલેને ઘી ઉત્પન્ન થઈ જાય અને રેતી (ને પેરવા) થી ભલેને તેલ નીકળી આવે; પરંતુ શ્રીહરિના ભજન વિના સંસારરૂપી સમુદ્રને તરી શકાતો નથી, આ સિદ્ધાંત અચળ છે.