- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એ છોકરો – મૅક્સિમ ગૉર્કી

[મૂળ લેખક : મૅક્સિમ ગૉર્કી (રશિયા) અનુવાદ : વિજય શાસ્ત્રી. ‘વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ’ (1996) પુસ્તકમાંથી સાભાર.]

કહેતાં મુશ્કેલી પડે એવી છે આ નાનકડી કથા. સીધીસાદી કથા. ત્યારે તો હું હજી નાનો જ હતો. ઉનાળાના વાસંતી દિવસો દરમિયાન કે પછી કોઈ રવિવારે છોકરાઓને ભેગા કરીને દૂર ખેતરો વટાવી જંગલમાં લઈ જતો. પંખીઓની પેઠે ચણચણતા છોકરાઓના ઝુંડમાં તેમના દોસ્ત બનીને ફરવામાં મને આનંદ પડતો.

શહેરની ધૂળ અને ગલીઓની ગિર્દીમાંથી મુક્ત થઈ આ રીતે દૂર જવું છોકરાઓને પણ ગમતું. એમની માતાઓ એમને ભાથું બાંધી આપતી. હું થોડીક ખટમીઠી ટીકડીઓ ખરીદી લેતો, કવાસની બાટલી ભરી લેતો અને નાનકડું ઘેટું જેમ મોટાંઓની પાછળ ચાલ્યા કરે તેમ હું આ નફિકરા ટોળાની પાછળ પાછળ ચાલ્યા કરતો. ક્યારેક શહેરની મધ્યમાં તો ક્યારેક ખેતરોની પાર ઘેઘૂર વનો તરફ – જ્યાં વસંતે પોતાનું મુગ્ધ સામ્રાજ્ય ફેલાવ્યું હોય ત્યાં અમે ચાલી નીકળતા.

સાધારણ રીતે તો ભળભાંખળું થતાં જ દેવળોની ઘંટડીઓનો રણકાર થતો હોય એ અરસામાં છોકરાઓના પગથી ઊડતી ધૂળવાળા રસ્તા પર અમે ચાલવાનું શરૂ કરી દેતા. બપોરે સૂર્ય માથા પર આવે અને છોકરાઓ રમીકૂદીને લોથ થઈ જાય ત્યારે જંગલને એક ખૂણે ભેગા થતા. સાથે લાવેલું ભાથું ખાઈને કેટલાક છોકરાઓ તો ત્યાં ઘાસ પર જ વૃક્ષોની છાંય હેઠળ લંબાવી જતા. સહેજ ઉમરવાન છોકરાઓ મારી ચારે બાજુએ વીંટળાઈ વળતા અને મને વાર્તા કહેવા ફરજ પાડતા. હું વાર્તા શરૂ કરતો અને એવો જુસ્સામાં આવી જતો કે મારા મિત્રો, યુવાનીનો દમામ અને પોકળ અભિમાન – એ બધાંની વચ્ચે પણ મને કોઈ વિદ્વદપરિષદમાં બેઠા હોવાનો અનુભવ થયો.

અમારી ઉપર અનંત આકાશ ઝૂમી રહ્યું છે, સામે જ જંગલની વિવિધતા પડી છે – એક નીરવ ચૂપકીદીમાં ઘેરાયેલી હવાનો એક સપાટો બાજુમાંથી સડસડાટ કરતો પસાર થાય છે. જંગલના સુગંધિત પડછાયાઓ થરથરે છે અને ફરીથી એક અજબ શાંતિ મારા આત્મા ઉપર છવાઈ જાય છે. આકાશના ભૂખરા પટમાં ધોળાં ધોળાં વાદળાં મંદ ગતિએ તરી રહ્યાં છે. સૂરજના તાપથી તપ્ત ધરાને જોઈ આકાશ શીતલ બને છે અને ઓગળતાં વાદળાંને કારણે રમ્યતા ધારણ કરે છે…. અને મારી ચારે બાજુએ નાના નાના છોકરાઓ છે, જેમને જિંદગીનાં દુ:ખો અને આનંદો બતાવવા હું અહીં લાવ્યો છું. મઝાના દિવસો હતા. ખરી ઉજાણીઓ એને જ કહેવાય. જિંદગીના બોજથી કંટાળેલું મારું મન બાળકોની નિર્વ્યાજ સુંદર ગમ્મતો અને લાગણીઓના નિર્દોષ ઝરામાં નહાતાં પ્રફુલ્લિત બની જતું.

એક દિવસ શહેરની ભીડમાંથી આવી જ રીતે બહાર નીકળીને અમે એક ખેતરમાં પહોંચ્યા તો ત્યાં અમને એક અજાણ્યો છોકરો મળ્યો – એક કિશોર વયનો યહૂદી છોકરો. તેના પગ ઉઘાડા હતા. ખમીસ મેલું હતું, શરીર દૂબળું હતું અને માથાના વાળ વીખરાઈને લઘરવઘર થઈ ગયા હતા. એ કોઈ કારણથી દુ:ખી હોય એમ જણાઈ આવતું હતું. એને જોતાં જ કલ્પી શકાય કે એ ક્યારનો રડી રહ્યો હતો. એની નિર્દોષ આંખો સૂઝી ગઈ હતી અને લાલ થઈ ગઈ હતી. અને ભૂખથી બેસી ગયેલા ગાલમાં તે વધારે તીક્ષ્ણ લાગતી હતી. છોકરાઓની ભીડમાંથી માર્ગ કરીને તે ગલીની વચ્ચોવચ્ચ ઊભો રહ્યો. એણે પોતાના પગ સવારની ટાઢી જમીનમાં દઢતાપૂર્વક ખોડી દીધા હતા અને એના સુઘડ ચહેરા પરના બે હોઠ ભયથી ઊઘડી ગયા. બીજી જ ક્ષણે એક છલાંગ મારીને તે ફૂટપાથ ઉપર ચાલ્યો ગયો.

‘પકડો એને !’ બધા છોકરાઓ બૂમ પાડી ઊઠ્યા : ‘એ યહૂદી છોકરો છે, પકડો એને !’
મને એમ હતું કે એ ભાગી જશે. પણ એમ ન થયું. એ તો ઊભો જ રહ્યો. એના મોટી મોટી આંખોવાળા ક્ષીણ ચહેરા પર એક ભયની રેખા અંકાયેલી હતી અને તેની હાંસી કરનાર છોકરાઓના ટોળાના શોરબકોરની વચ્ચે તે ફસાઈ ગયો હતો. એ વારંવાર પગના પંજા ઉપર ઊભો થઈ થઈને બધાથી ઊંચે આવવાનો પ્રયાસ કરતો હતો. રસ્તા પર એક બાજુએ આવેલી દીવાલ સાથે ખભા ટેકવી, બંને હાથ પાછળ નાખી, સ્વયંબદ્ધ દશામાં તે ઊભો હતો. અને એકદમ તે બોલી ઊઠયો : ‘હું તમને એક ખેલ બતાવું ?’ એનો અવાજ અત્યંત તીક્ષ્ણ હતો. પહેલાં તો મને લાગ્યું કે એ પોતાની જાતને બચાવવાનો કોઈ કીમિયો હશે. છોકરાઓને એના કહેવામાં રસ પડવા લાગ્યો અને બધા એનાથી થોડેક દૂર હટી ગયા. કેટલાક મોટા છોકરાઓ જોકે હજીય તેના ભણી શંકાની નજરે જોતા હતા. અમારી શેરીના આ છોકરાઓ બાજુવાળા મહોલ્લાના છોકરાઓ સાથે લડ્યા કરતા. આથી એમના મનમાં એવું વસી ગયું હતું કે અમારા સિવાય બીજા કોઈની પણ તરફ તેઓ ઉપેક્ષા અને તિરસ્કારનો જ ભાવ રાખતા.

પણ નાના છોકરાઓ તો ખુશ ખુશ થઈ બોલી ઊઠ્યા :
‘ખેલ બતાવ, બતાવ !’ એ મોહક છોકરો દીવાલ પાસેથી આઘો ખસ્યો. એણે પોતાના નાનકડા શરીરને પાછળની બાજુએ કમાનની પેઠે વાળ્યું અને આંગળાં જમીનને અડકાડ્યાં અને એક ધક્કો આપી બંને પગ ઊંચે – આકાશ તરફ – કરી દીધા અને શીર્ષાસનની દશામાં હાથ પર ઊભો રહ્યો ! પછી તેણે ગોળગોળ ફરવા માંડ્યું. જાણે કોઈ આંતરિક શક્તિ તેને ઊલટાવી પલટાવી રહી હોય તેમ તે હાથપગની ચાલાકીથી ખેલ બતાવતો રહ્યો. એના મેલા ખમીસમાંથી એનો પાતળો દેહ, કાળી ચામડી, ખભા, ઘૂંટણો અને કોણી બહાર આવી જતાં હતાં. એવું લાગતું કે જો વધુ એક વાર તે નીચો વળ્યો તો ચોક્કસ એનાં હાડકાંની ગાંસડી તૂટી જશે. એને પરસેવો વળવા લાગ્યો. પીઠ પાછળથી ખમીસ ભીનું થઈ ગયું હતું. દરેક ખેલ પૂરો થતાં તે છોકરાઓની આંખોમાં જોતો – બનાવટી, ફિક્કા હાસ્યથી, એની ફિક્કી આંખો મોટી કરતો ત્યારે તેમાં કોઈક પીડા વરતાતી. કોઈ વિલક્ષણ રીતે તે આંખો પટપટાવતો. એની નજરમાં એક તાણ હતી – એક છોકરાની આંખમાં ન હોઈ શકે એવી તાણ. છોકરાઓ શોરબકોર કરીને એને પાનો ચડાવતા હતા. કોઈ કોઈ તો એનું અનુકરણ પણ કરવા લાગ્યા.

એકાએક આ મનોરંજન કાર્યક્રમ પૂરો થયો. એ છોકરો પોતાની ખેલબાજી છોડી દઈ સીધો ઊભો થઈ ગયો અને કોઈક પીઢ કલાકારની પેઠે છોકરાઓ ભણી જોવા લાગ્યો. એના પાતળા હાથ લંબાવીને કહેવા લાગ્યો :
‘કંઈ આપો !’
બધા ચૂપ થઈ ગયા.
‘પૈસા ?’ કોઈકે પૂછ્યું.
‘હા.’ છોકરાએ જવાબ દીધો.
‘લે, જોયું ? ભાઈને પૈસા જોઈએ છે ! પૈસા જ લેવા હોયને તો તો ભાઈ ! અમેય આવાં નખરાં કરીએ, શું ?’
અને હસતા-કલરવતા, ગાળો બોલતા છોકરાઓ ખેતરો ભણી દોડી ગયા. વાસ્તવમાં તેમાંના કોઈનીય પાસે એક કાણી કોડીયે નહોતી. મારી પાસે ફક્ત સાત કૉપેક હતા. મેં એમાંથી બે સિક્કા તેની ધૂળધોઈ હથેળીમાં મૂક્યા. છોકરાએ એને આંગળીથી ચપ કરતા ઉપાડી લીધા અને થોડુંક હસીને બોલ્યો :
‘ધન્યવાદ !’ એમ કહી તે જવા માટે પાછળ ફર્યો તો મેં જોયું કે એની પીઠ પર કાળા કાળા ઘાનાં નિશાન પડ્યાં હતાં.
‘થોભ ! આ શું છે ?’
તે થોભી ગયો. એણે મારી તરફ ધ્યાનથી જોયું અને ખૂબ શાંતિપૂર્વક હસતો હસતો બોલ્યો :
‘આ ? પીઠ ઉપર ? એ તો ઈસ્ટરના મેળામાં એક ખેલ કરતાં અમે પડી ગયા હતા – બાપુ તો હજી ઘેર ખાટલામાં જ પડ્યા છે. પણ મને મટી ગયું તરત.’

મેં એનું ખમીસ ઊંચકીને જોયું તો એની પીઠની ચામડી પર ડાબા ખભાથી માંડીને તે છેક સાથળ સુધી એક કાળો લાંબો ઘા પડ્યો હતો, જેના પર હવે પોપડા બાઝી ગયા હતા. અત્યારે ખેલ બતાવતાં બતાવતાં એ પોપડો વળેલી ચામડી ઉઝરડાઈ ગઈ હતી અને ત્યાંથી લોહી ફૂટી આવ્યું હતું !
‘બહુ ચચરતું નથી જોકે’ તે બોલ્યો : ‘હવે સારું છે. દુ:ખતુંયે નથી. માત્ર ખંજવાળ આવે છે એટલું જ.’ અને પછી કોઈક વીર ‘હીરો’ ની અદાથી તેણે મારી સામું જોયું. અને કોઈ ઘરડા-પીઢ માણસની અદાથી બોલ્યો :
‘તમે શું એમ માનો છો કે આ બધું હું મારે પોતાને માટે કરું છું ? સોગંદથી કહું છું કે આ કંઈ મેં મારે ખાતર નથી કર્યું. મારા બાપુજી… અમારી પાસે એક પૈસોયે નથી અને મારા બાપ સખત રીતે ઘવાયા છે એટલે એક જણે તો કામ કરવું જ રહ્યું-કમાવું જ રહ્યું. વળી પાછા અમે રહ્યા યહૂદી. બધાં જ અમને હસે-ચીડવે, ધુત્કારે… ચાલો, આવજો !’

એ ખુશખુશાલ રીતે વાતો કરી ગયો. આગળ આવી ગયેલાં જુલ્ફાંને આંચકો મારી, પાછળ લાવી, તેણે અભિવાદન કર્યું અને ચાલ્યો ગયો – છેક ખુલ્લા દરવાજાઓવાળાં મકાનોનીય પાર – જે પોતાની કાચની આંખોથી એને તિરસ્કારદષ્ટિથી વીંધી રહ્યાં હતાં.
આ કિસ્સો કેટલો સામાન્ય છે ?
પણ તેમ છતાં મુશ્કેલીઓને સમયે હજીય હું કૃતજ્ઞતાપૂર્વક એ છોકરાના ‘સાહસ’ ને યાદ કરું છું ત્યારે મને રોમાંચ થાય છે.