શિયાળુ તડકાનું કૂણું-કૂણું ગીત – રીના મહેતા

વર્ષો પહેલાં અમારા ઘરમાં હંમેશાં એકાદ પાળેલી બિલાડી તો આંટા માર્યા કરતી જ હોય. ચોમાસામાં એના શરીર પર બે-ચાર છાંટા પડતાં જ એ ગભરાઈને સંકોચાતી લપાઈ જતી. ઉનાળામાં એનું લયસભર શરીર લાંબુપહોળું કરી હીંચકા નીચે એ ઘોરતી હોય અને આવા જ બરબર જામેલા શિયાળામાં અડધી રાતે છાનીમાની પગ આગળ ગોદડામાં ભરાઈ જતી. ઠંડીના દિવસોમાં અમારી ઘરની બારણાં જેવડી મોટીમસ બારીમાંથી આઠ-નવ વાગ્યે કુમળો-કુમળો તડકો હળુહળુ કરતો ઘરમાં આવતો. કડકડતી ટાઢમાં નહાયા પછી એ કૂણા તડકામાં બેસવાનું મન થતું. પણ પહેલાં જ ઘણું કરીને પેલી બિલ્લીબાઈ ત્યાં અડ્ડો જમાવીને બેસી ગઈ હોય.

સૂર્યસ્નાનને રુંવેરુંવેથી માણતી બિલાડીને જોવાનો-નિરીક્ષવાનો કેવો સુખદ સુંદર અનુભવ હતો એ. ઘણુંખરું તો એ આંખ મીંચીને ઊંઘી ગઈ હોય. કદીક ગેલમાં હોય તો મોજાં પહેરેલા હોય એવા પંજાથી પોતાની પૂંછડી પકડવાનો રમૂજપૂર્ણ વ્યર્થ પ્રયત્ન કરતી. કદીક બારીની જાળીના ડિઝાઈનવાળા પડછાયા સાથે પણ ખેલતી. થોડીથોડીવારે બેસવાની મુદ્રા પણ બદલ્યા કરતી. તડકામાં તડકતી માંજરી આંખ ઉઘાડી તડકા જેવી જ સોનેરી રૂંવાટી જીભ વડે ચાટી-ચાટીને સ્વચ્છ કરતી. સારી પેઠે તપી ગયા પછી અને થોડી મીઠી નીંદર માણ્યાં પછી આગળ-પાછળ લાંબી-ટૂંકી આળસ મરડીને શરીર ખંખેરી, પૂંછડી ઊંચી કરી મ્યાઉં બોલતીકને એ ફરી રસોડાના સુગંધભર સામ્રાજ્યમાં પુન:પ્રવેશ કરતી. તડકો પણ પછી સમેટાઈને છત પર પહોંચી જતો.

બિલાડી અને શિયાળુ તડકાની આ રમ્ય ગોષ્ઠિમાં ભંગ પાડવાનું હું તો ઘણું ખરું માંડી વાળતી, પણ દાદીમા… અમારા નાજુક શરીરવાળાં ઘરડાં દાદીની વાત્સલ્યથી હરીભરી કરચલીઓમાં તો શિયાળો બોખા મોઢે હસી પડતો. નાની અગાસીના જર્જરિત બાથરૂમમાં નહાઈને દાદી ધ્રૂજતાં શરીરે ધોળું લૂગડું સંકોરતા – માથે ઓઢતાં આગલા રૂમમાં આવતાં. એમની પ્રિય એવી લાકડાના હાથાવાળી ખુરશીમાં બેસવા જતાં જુએ તો પેલાં બિલ્લીબાઈ મોજથી તડકો ખાતાં હોય. ‘મૂઈ ઊઠ અહીંથી…’ કહી કૃત્રિમ ગુસ્સો કરીને દાદી બિલાડીને ત્યાંથી ઉઠાડી પોતે ખુરશી પર બેસી માળા કરતાં હોઠ ફફડાવતાં. સોનેરી તડકો દાદીના ગોરા, કરચલિયાળાં સૌમ્ય મુખ ઉપર અદ્દભુત આભા પાથરતો. બિલાડી નીચે લાલ-પીળી ટાઈલ્સ ઉપર શરીર લંબાવતી અને કાણી આંખે દાદીને કતરાઈને તાકતી. અગિયારેક વાગ્યા પહેલાં દાદીની માળાના મણકા સ્થિર થતા. દાદી અને બિલાડીનું તડકા-સ્નાન લગભગ સાથે જ પૂર્ણ થતું.

દાદીમા અને બિલાડીની જેમ જ સવારે તડકામાં જઈ બેસવાનું મન થાય એવી મોસમ હમણાં ચાલી રહી છે. તડકો હવે જૂના ઘરની બારીને બદલે મારા વાડાના બારણામાંથી આવે છે. દાદીમા અને પેલી બિલાડી બંને હવે ક્યાંય નથી. રાત આખી ટાઢું ટબૂકલું મારા ઘરનું બારણું ઠોકતું રહ્યું છે. દાદીના અવાજમાં ધ્રૂજતી ટાઢા ટબૂકલાની વાર્તા મને અડધીપડધી જ યાદ છે. પણ બાળપણમાં બાપુએ અપાવેલો લાલ કાશ્મીરી કોટ – એમાં ભરેલાં ઝીણા ભરતના હેતાળ સ્પર્શ જેટલો જ યાદ છે. એ લાલ કોટ પહેરી માથે પીળો સ્કાર્ફ બાંધી હું સવારની શાળાએ જતી. બાપુએ મને ત્યારે ખાસ્સો મોંઘો લાગે એવો કોટ અપાવેલો એનું છાનું ગૌરવ એના બચૂકડાં ખિસ્સામાં હજી ધબકતું લાગે છે. વર્ષોના વર્ષો પછી ફરતોફરતો એ કોટ દ્વિજાને પહેરવા કામ લાગે તેથી ફરી મારા ઘેર આવ્યો અને શાળાની બેન્ચ પર મારી જોડે બેઠેલા કુમળા તડકામાં એના લાલ રંગના છૂટતા ફુવારા યાદ લાવ્યો. મનોમન તડકાની આંગળી ઝાલી હું શાળાના મેદાનમાં દોડી જાઉં છું.

હવે તો વહેલી સવાર અને ઢળતી સાંજે શિયાળો સ્વેટર-ટોપી-મફલર-શાલમાં વીંટળાઈ-વીંટળાઈને ખુદ ઊનના દડા જેવો થઈ ગયો છે. દડાનો એક છેડો મને મળતો જ નથી. વૃક્ષો, પર્ણો, ફૂલો અને શાળાનું મેદાન હજી ઝાકળની ભીની શાલ ઓઢી ઠંડીમાં ફરફરતા હસે છે પણ મારા બરડ મનને એની ખબર જ નથી પડતી. બાળકોના ફાટી ગયેલા ગાલ ઉપર જાહેરખબરિયા કોલ્ડ ક્રીમ લગાવું છું પરંતુ સવારે પૂર્વ દિશામાં મારા પેલા લાલ કોટના પ્રતિબિંબાતા રંગનો ફુવારો છૂટે છે એ જોવા જેટલી હામ મારામાં બચી નથી. કામની વ્યર્થ દોડધામ વચ્ચે પેલો વહાલો કુમળો તડકો બિલ્લીપગે બારણામાંથી ક્યારે ઘરમાં પ્રવેશી જાય છે અને આકરો થઈ પાછો જતો રહે છે એની પણ સરત રહેતી નથી.

છતાં કદીક-કદીક દાદીની દુખતી કમ્મર તાપવા બાએ સળગાવેલી પેલી સગડીનો ધુમાડો અને કોલસાનો લાલ-કેસરી રંગ વર્ષોને પાર કરી મારા મનની ઠંડી રાત પાસે આવીને બેસે છે અથવા તો પેલા બિલ્લીબાઈ કુમળા તડકામાં તપેલું એનું સુંદર શરીર મારા શરીર સાથે ઘસે છે ત્યારે આખું વિશ્વ મને શિયાળુ તડકા જેવું જ હૂંફાળું અને હેતાળ લાગે છે. તડકીલી લાગતી એ ક્ષણોમાં હું બિલાડીની સુંવાળી રૂંવાટી પહેરી લઉં છું અથવા તો ટૂંકો પડી ગયેલો પેલો લાલ કાશ્મીરી કોટ ! ઠંડીથી ઠરી ગયેલાં તન-મન-હૃદય ઉપર એ ક્ષણો પીંછાની જેમ ફરે છે અને પીળાં-સોનેરી સૂરજમુખી ઉગાડે છે. શિયાળુ તડકાનું કુદરતે લખેલું કૂણું-કૂણું ગીત જ્યારે એ ગાય છે ત્યારે મને ખબર ન પડે એમ મારું મન બિલાડીની જેમ જરીક ઝોલે ચઢી જાય છે પણ પછી ગીત પૂરું થઈ જાય છે અને તડકો આકરો બની જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એ છોકરો – મૅક્સિમ ગૉર્કી
બાટલીનું ઉદઘાટન – જ્યોતીન્દ્ર દવે Next »   

13 પ્રતિભાવો : શિયાળુ તડકાનું કૂણું-કૂણું ગીત – રીના મહેતા

 1. હવે તો શિયાળો, ઉનાળો અને ચોમાસુ બધુ ફ્લેટના રવેશમાં થી જોવુ પડે છે….ગામ જેવુ ધરનું આંગણુ, ઓશરી……ખોવાઈ ગયા છે
  અને સાથે તડકામાં મજા માણતા બીલાડી ને ખીસકોલી પણ…..
  બદલાતા સમય સાથે હવે આપણે પણ બીલાડીની જેમ ઓફીસ થી ધર ને ધર થી ઓફીસ..

  ઋતુઓ તો “મૌસમ ની જાણકારી” માં જ બદલે છે…
  કાશ…..તડકાનું ગીત હજીય એમજ મળે…..

 2. Meera says:

  વાચતા વાચતા અમે પન શિયાળા મા ખોવાઈ ગયા……..

  પન આજના પિઝ્ઝા યુગ મા આવો આનન્દ મળતો બન્ધ થઈ ગયો છે.

 3. ભાવના શુક્લ says:

  રહેણી કરણી કે ખાણી પિણી બદલાઈ ગયા હોય પણ કુદરતતો હજી તે ની તે જ છે.
  રીનાબહેનની શબ્દોમા શિયાળો બહુ હુફાળો લાગ્યો. કારણ અનેક સ્મરણો પણ તેની સાથે હૃદયની કુણી હુફ માથી સળવળ્યા.

 4. અતુલ જાની (આગંતુક) says:

  આ વખત નો શીયાળો તો ભાઈ ભારે આકરો છે, તડકાનું કુણુ કુણુ ગીત બસ સાંભળતા જ રહીએ એમ થાય છે.

 5. Bhupendra Pandya says:

  ખરેખર ખુબ સરસ. વાંચતા વાંચતા બાળપણનો શિયાળો યાદ આવી ગયો.

 6. Pankaj says:

  બહૂજ સારુ લાગયુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.