બાટલીનું ઉદઘાટન – જ્યોતીન્દ્ર દવે

મગજની ઉશ્કેરાયેલી સ્થિતિમાં હું આ લખવા બેઠો છું. કાલે સવારે લેખ તૈયાર કરીને આપી દેવાનો છે એટલે અત્યારે લખવાનું શરૂ કર્યા વગર છૂટકો નથી.

મારી સામે શીશી પડી છે – દવાની. શીશી બંધ છે. પેલી કવિતામાંના કરોળિયા પેઠે મેં છ વાર પ્રયત્ન કર્યો. કરોળિયો તો છઠ્ઠે પ્રયત્ને સફળ થયો, પણ હું તો છયે છ પ્રયત્નોમાં નિષ્ફળ જ ગયો. જિંદગીમાં જેને શીશી ઉઘાડવી નહીં પડી હોય એવા મનુષ્યો કોઈક જ હશે. અને દરેક વખતે પહેલે જ પ્રયત્ને શીશી ઉઘાડી શક્યા હોય એવા મનુષ્યો તો કોઈ પણ નહીં હોય.

દવાની બાટલી નવી જ લઈ આવ્યો હતો. દવા પી લઈને પછી લખવા બેસું એમ વિચાર કરી હું શીશીની ઉદ્દઘાટન ક્રિયા કરવાને પ્રવૃત્ત થયો. પ્રીતિનું પાન કરવા સારું હૃદયનાં દ્વાર ઉઘાડવા બાહ્ય સાધનોની જરૂર ભલે ન હોય, પણ દવાનું પાન કરવા ખાતર શીશી ઉઘાડવા માટે બાહ્ય સાધનોની અપેક્ષા રહે છે એ હું જાણતો હતો, છતાં કેવળ આત્મશ્રદ્ધા ને ભુજબળ પર આધાર રાખી મેં શીશી ખોલવા પ્રયત્ન કર્યો. ઘણી મહેનત કર્યા પછી, શીશીએ ને મેં જાત જાતના વાંકવળાંક લીધા પછી, બ્રહ્માંડની રહસ્યકથા પેઠે શીશી પણ અણઊઘડી જ રહી; એટલે મેં બાહ્ય સાધનોનો આશ્રય લઈને ફરી પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું.

આમ તો શીશી શું પણ એથીયે ઘણી મજબૂત વસ્તુ ઉઘાડવાનાં ને તોડવાનાં સાધનો મારી પાસે હું રાખું છું. અને મેં એ સૌ તરત જડી આવે એવે ઠેકાણે સાચવીને મૂક્યાં છે. ઘણી વાર એ મને જડી પણ આવ્યાં છે, પણ ત્યારે એનો મારે કોઈ ખપ નહોતો. આજે ખૂબ ખૂબ શોધવા છતાં એમાંનું એકે સાધન જડી શકાયું નહીં. પહેલાં હું ઘણાં કામો કરવાનાં હોય તે ભૂલી જતો ત્યારે એક નાની ડાયરીમાં એ બધું નોંધી રાખતો, પણ મોટે ભાગે એ ડાયરી જ જરૂર પડે ત્યારે ખોવાઈ જતી, તેવી જ સ્થિતિ આજે પણ થઈ. આખરે પાડોશમાંથી શીશી ખોલવાનાં ત્રણેક અદ્યતન સાધનો મેળવી શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઈ રણમેદાનમાં જતા યોદ્ધોની અદાથી હું શીશી સમીપ આવ્યો, બે પગ વચ્ચે શીશીને દબાવી એનું માથું પકડી પહેલાં એને જરા નરમ કરી પછી બૂચ ને શીશીનો વિયોગ જુદાં જુદાં સાધનો વડે કરાવવાનો પ્રયત્ન કર્યો.

પૂર્વાશ્રમમાં મેં ‘સ્પ્રિંગ ડમ્બેલ્સ’ ની કસરત થોડોક વખત કરી હતી. પણ હાથ એમ કરતાં વધારે પડતા દુખવા માંડ્યા એટલે ‘હું સ્પ્રિંગ દબાવું તેથી કાંઈ જગતનું કલ્યાણ થાય એવો સંભવ જરાય નથી.’ એવી પ્રતીતિ થતાં એ પ્રયોગ મૂકી દીધો હતો. બાટલી ઉઘાડવા જતાં એવો જ અનુભવ થયો ને મેં એ પ્રયત્ન મૂકી દીધો. પ્રારબ્ધમુત્તમજના: ન પરિત્યજન્તિ. ‘શ્રેષ્ઠ પુરુષો આરંભેલું કામ અધવચ્ચે છોડી દેતા નથી.’ એમ એક પ્રાચીન કવિએ કહ્યું છે તે કેટલીક બાબતમાં મને પણ લાગુ પડે છે – ‘કેટલીક બાબતમાં,’ કારણ કે ઘણાં જરૂરી કામો હું આરંભીને અધવચ મૂકી પણ દઉં છું, પણ નજીવી વસ્તુમાં તો બીજાં ગમે તેટલાં મહત્વનાં કામો વાટ જોતાં પડ્યાં હોય તો તેમને એમનાં એમ રહેવા દઈને પણ એ આરંભેલું હલકું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી મને ચેન પડતું નથી.

એક વાર એક જણે હથેળીમાં પેન્સિલ અધ્ધર ઊભી રાખી હતી. તે જોઈને મને પણ એમ કરવાનું મન થયું. મેં જમણા હાથની હથેળી પહોળી કરી તેની બરાબર વચ્ચે ડાબા હાથ વડે પેન્સિલ મૂકી, પણ પેન્સિલ આખો દહાડો કામ કરીને એવી થાકી ગઈ હતી કે એ મારી હથેળીને પથારી સમજી એમાં સૂઈ ગઈ. પેન્સિલ ફરી હથેળીમાં ઊભી કરી, પણ જાણે એના ટાંટિયા ભાંગી ગયા હોય એમ ફરી પડી ગઈ. જમવાનો વખત થઈ ગયો હતો. રસોડામાંથી નિમંત્રણનો સુકોમળ અવાજ વારંવાર આવ્યા કરતો હતો, પણ એ સર્વની અવગણના કરી અર્ધા-પોણા કલાકે જ્યારે એક ક્ષણ માટે પણ હું પેન્સિલને હથેળીમાં ઊભી રાખી શક્યો ત્યારે જ મને કાંઈ નિરાંત થઈ.

દવા પીવાની મને કાંઈ અધીરાઈ નહોતી. છ મહિના સુધી હું એ દવા ન પીઉં તો પણ ચાલે એમ છે. શીશી એક વરસ સુધી એમની એમ પડી રહી હોત તોયે મને કાંઈ થાત નહીં. પણ એક વાર શીશી ખોલવાનો યત્ન કર્યા પછી એ અણઊઘડી રહે, એ મારાથી કોઈ રીતે ખમી શકાય એમ નહોતું, એટલે થોડી વાર આરામ લઈ મેં એક પાન બનાવીને ખાઈ લીધું. એમ કહેવાય છે કે સાપ સાથે લડતાં નોળિયો જ્યારે થાકી જાય છે, ત્યારે એ લડાઈ પડતી મૂકી કોઈક ઠેકાણે ચાલ્યો જાય છે ને કોઈક વનસ્પતિનાં પાંદડાં ખાઈ લે છે; એથી એનામાં ફરી શક્તિનો સંચાર થાય છે અને પછી એ ફરી લડવા માટે આવી પહોંચે છે. હું પણ જ્યારે કાંઈક કામ કરતાં થાકી જાઉં છું અથવા હું ધારું છું કે મને થાક લાગ્યો છે ત્યારે હું પાન ખાવા બેસી જાઉં છું. એ પ્રમાણે પાન ખાઈ લઈને તાજો બની ફરીને મેં શીશી-સંગ્રામ આરંભ્યો. અમારાં વચ્ચે ખૂબ ખેંચતાણ અને રકઝક ચાલી. પણ જડ તે જડ ને ચેતન તે ચેતન. આખરે મેં નમતું આપ્યું !

થોડી વાર આરામ લઈ ફરી એક પાન બનાવીને ખાઈ લીધું ને બાંય ચડાવીને મેં બાટલી પર ચોથો હુમલો કર્યો. આ વખતે મેં જુદી જ યુક્તિ અજમાવી. નોકર પાસે શીશી પકડાવી મેં પક્કડ વડે બૂચને સજ્જડ ભિડાવીને ઊભા રહીને બને તેટલા બળપૂર્વક એને ઉપર ખેંચ્યો. ‘મારા સાથી આ કૂતરાને છોડીને હું સ્વર્ગમાં નહીં જાઉં’ એવી ધર્મરાજાની પ્રતિજ્ઞાનું બૂચને સ્મરણ થયું અને એણે પણ શીશી વિના ઊર્ધ્વગમન ન કરવાનો નિશ્ચય કર્યો. પકડ સાથે બૂચ ને શીશી બન્ને ખેંચાઈ આવ્યાં. નોકર અધૂકડો બેઠો હતો તે ગબડીને ચત્તો થઈ ગયો અને વિધાતા ફરીથી લેખ લખવા આવી પહોંચ્યા હોય એમ શીશી આવીને મારા કપાળ સાથે ભેટી પડી ને આખો બૂચ મારા કપાળમાં પેસાડી દેવા જાણે મથી રહ્યાં.

દરમિયાન હું શીશી ઉઘડવા બેઠો છું એ વાત બધે પ્રસરી ગઈ હતી એટલે ઘરનાં સૌ મારી આસપાસ ભેગાં થઈને એ યુદ્ધલીલા જોવા ઊભાં રહેલાં હતાં. એમાંથી કોઈકે કહ્યું : ‘આવી બધી માથાફોડ કરવા કરતાં શીશીને ગરમ પાણીની તપેલીમાં થોડી વાર મૂકી રાખો; એટલે બૂચ એની મેળે ઊઘડી જશે.’ પરાક્રમશાળી પુરુષ આવી ભેદયુક્તનો આશ્રય ન લે પણ હું થાક્યો હતો ને મને વાગ્યું પણ હતું એટલે મેં એ સૂચનાનો સ્વીકાર કર્યો.

એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં બાટલી મૂકી. પરંતુ પરિણામે શીશી ગરમ થઈને પાણી ઠંડું પડી ગયું. એથી વધુ કાંઈ થયું નહીં. મને લાગ્યું કે શીશીમાં દવા નહીં, પણ ગુંદર હોવો જોઈએ. ફરી છેલ્લો પ્રયત્ન મેં કરી જોયો. આપબળ સમાન બળ નહીં એ કહેવતને અનુસરી મેં બીજાં સાધનોનો ત્યાગ કરી દાંત વડે બૂચને પકડી એને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. એથી મને દવાના તો નહીં પણ બૂચના સ્વાદનો થોડોક અનુભવ થયો. વધારે પ્રયત્ન કરીશ તો શીશીમાંથી બૂચ નહીં, પણ મોમાંથી દાંત નીકળી આવશે એમ લાગતાં એ પ્રયાસ કરવો રહેવા દઈ શીશી સામે થોડી વાર ત્રાટક કરીને, ‘ઊઘડ ! ઊઘડ !! એકદમ ખૂલી જા !!!’ એમ મનમાં ને મનમાં બૂચને સંબોધન કરતો હું બેસી રહ્યો. પરિણામે શીશી નહીં, પણ મારું મોં ઊઘડ્યું ને એમાંથી થોડાંક વિશેષણો સરી પડ્યાં.

મને યાદ આવ્યું કે મારે અત્યારે ગમે તેમ કરીને લેખ તૈયાર કરવાનો છે એટલે શીશીના ઉદઘાટનનું કાર્ય મુલતવી રાખી આખરે હું લેખ લખવા બેઠો. લખવા તો બેઠો, પણ બાટલીનો બૂચ મારાથી ખોલી નથી શક્યો એ વાત કેમે કરી મારા મગજમાંથી નીકળી શક્તી નથી. વર્ષાની વાટ જોતી સંતપ્ત બનેલી ધરતી સમી મારી મનોદશા છે. વરસાદ પડે નહીં ત્યાં સુધી ધરતીનો ઉકળાટ શમે નહીં, તેમ બૂચ ખૂલે નહીં ત્યાં સુધી મારું મન શાંત થાય એમ નથી.

આખરે અમારા મહોલ્લાની ચોકી કરતો ગુરખો સલામ ભરવા ને પાળો ઉઘરાવવા આવી ચડ્યો હતો, તેને બોલાવી મેં શીશી ઉઘાડી આપવાનું કહ્યું : ‘આવું મામૂલી કામ મને સોંપો છો ?’ એમ કહેતો હોય એવી મુખમુદ્રા કરી એણે ટચલી આંગળીએ શ્રીકૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો એવી લીલાથી એક હાથે શીશી ઊંચકી બીજે હાથે બૂચ ઉઘાડવા પ્રયત્ન કર્યો. પરંતુ રાવણ કૈલાસ પર્વત ઊંચકવા ગયો ત્યારે શંકરે પોતાના પગના અંગૂઠાથી જરા ભાર મૂક્યો ને રાવણ પર્વત હેઠે દબાઈ ગયો ને છોભીલો પડી ગયો તેવી સ્થિતિ એની થઈ. એના બન્ને હાથ કરતાં શીશી ને બૂચનું બળ ઘણું વધારે છે તથા ‘જેને પ્રભુએ ભેગાં કર્યાં છે તેને છૂટા પાડવાની હિંમત રખે કોઈ કરે’ એમ પતિ ને પત્નીને માટે કહેવામાં આવ્યું છે તે કોઈક વાર શીશી ને બૂચને પણ લાગુ પડે છે એની ખબર એ ગુરખાને નહોતી; એટલે ઊભા ઊભા જે નથી થઈ શકતું તે બેઠા બેઠા થઈ શકશે એમ માની એ જમીન પર બેસી ગયો ને પછી શીશી ને બૂચને છૂટાં કરવા પ્રયત્ન કરવા લાગ્યો. અમારા ઘરમાં શરૂ થયેલું આ પ્રથમ ગુરખાયુદ્ધ જોવા આસપાસથી બાળકો આવીને ઊભાં રહ્યાં. ‘જો બૂચ નહીં ખૂલે તો આ બાળક આગળ મારું માન નહીં રહે’ એમ લાગવાથી ગુરખાએ લગભગ મરણિયા બનીને શીશી પર હલ્લો કર્યો. એક હાથે શીશીને બોચીમાંથી પકડી બીજે હાથે બૂચનું માથું ઝાલી એણે ખૂબ વેગપૂર્વક શીશીને નીચે ને બૂચને ઊંચે ખેંચ્યાં. પરિણામે ‘આવડી બધી જીદ !’ એવો આશ્ચર્યભાવ દર્શાવતા હોય એમ એના બન્ને હાથ પહોળા થઈ ગયા ને ગોફણમાંથી છૂટેલા ગોળાની ગતિથી એના હાથમાંથી છૂટેલી શીશી પહેલાં ભીંત સાથે અને પછી પૃથ્વી પર અફળાઈ. રણભૂમિ લોહી જેવા દવાના લાલ રંગે રંગાઈ ગઈ. શીશીના કાચના વીણ્યા વિણાય નહીં ને ગણ્યા ગણાય નહીં તેટલા કટકા થઈ ગયા. પરંતુ બૂચ હજીયે શીશીના સાંકડા મુખ સાથે સંલગ્ન જ હતો. આંખમાં તેમ જ મુખ પર ઊડેલા દવાના છાંટાને બે હાથ વડે સાફ કરી પોતે કાંઈ અપરાધ કર્યો હોય એવી રીતે ગુરખાએ પહેલાં ભાંગેલી શીશીના કટકા સામું ને પછી મારી સામું જોયું.

‘કાંઈ નહીં. શીશી ભાંગી તેથી કાંઈ ખાસ નુકશાન થયું નથી, પણ વાગ્યું તો નથી ને ?’ મેં એને પ્રશ્ન કર્યો.
‘ના, ખાસ નથી વાગ્યું.’ એમ કહી એ રણમેદાન છોડી ગયો.
એકાએક મારું મન શાંત થઈ ગયું. વર્ષાની પ્રથમ હેલી વરસે ને તપેલી પૃથ્વી શીતળ બની જાય ને એમાંથી મીઠી સુવાસ પ્રસરી રહે એમ ક્ષણ પહેલાં ઉત્તપ્ત થયેલું મારું માનસ શીતળતા અનુભવવા લાગ્યું. અને કોક અકથ્ય સંતોષ ને આનંદની લહેર માર ચિત્તને સ્પર્શી ગઈ.
‘આટલી શીશી પણ મારાથી ન ખોલી શકાય ? આવું સામાન્ય ને નજીવું કાર્ય પણ હું કરી શકતો નથી ?’ આવા વિચારથી થોડી વાર પહેલા હું ક્ષોભ ને નાનમનો અનુભવ કરતો હતો તેને બદલે હવે મને લાગ્યું કે શરીરબળમાં મારાં કરતાં ઘણો ચડિયાતો એવો આ ગુરખો પણ શીશીને હાથે શિકસ્ત પામ્યો તો પછી મારાથી શીશી ન ખૂલે તેમાં મારે કાંઈ શરમાવા જેવું નથી. આપણાથી જે કાર્ય નથી થઈ શકતું તે આપણા કરતાં ચડિયાતા માણસોથી પણ થઈ શકતું નથી એમ જાણી કુદરતી રીતે જ આપણને આનંદ થાય છે. આપણા કરતાં મોટાઓ સાથે આપણી જાતની તુલના મનમાં ને મનમાં કરીને અને એ તુલનામાં આપણે ઓછા નથી ઊતરતા એમ લાગતાં આપણા અહમને સ્વાભાવિક રીતે જ સંતોષ થાય છે. એ કાર્ય માટેની આપણાં કરતાં મોટાઓની અયોગ્યતા જોઈને આપણી અયોગ્યતા આપણે નિરાંતે વીસરી શકીએ છીએ. મોટાઓની લઘુતા જાણે આપણી લઘુતાને મોટાપણું આપતી હોય એમ લાગે છે. પરંતુ આ કાંઈ સાત્વિક આનંદ કે અભિમાન કહી શકાય નહીં. શક્તિમાનની અશક્તિ જોઈને રાચનારા અશક્ત જીવો પામર કોટિના છે, એમ પણ કોઈને કહેવું હોય તો કહી શકે.

મોટાઓની લઘુતાના ભાનથી સંતોષ પામવો તેના કરતાં નજીવા કાર્યને મહત્વ આપીને એ ન થઈ શકે તેથી નાનમ ન અનુભવતાં એના ગૌરવનો સ્વીકાર કરવો ને એ રીતે સંતોષ મેળવવો એ વધારે સારું છે. દાખલા તરીકે ગુરખાથી શીશી ન ઊઘડી તેથી મને એવો વિચાર આવ્યો કે આના જેવો મજબૂત માણસ પણ આ કામ કરી શક્તો નથી એટલે મારાથી ન થાય તેમાં મારે શરમાવા જેવું નથી; તેને બદલે હું એવો વિચાર કરી શકત કે શીશી ઉઘાડવાનું કામ સામાન્ય પ્રકારનું નથી. એ મારા ને ગુરખા જેવા માણસો વડે ન થઈ શકે, તો જેમ એવરેસ્ટ પર આરોહણ કરનારા નિષ્ફળ જતાં નાનમ નહોતા અનુભવતા પણ એક અત્યંત મુશ્કેલ કાર્ય કરવાનો પોતે નિષ્ફળ તો પણ પ્રયાસ તો કર્યો એમ માની ગર્વ ધારણ કરતા હતા, તેમ અમારે પણ ભલે આ મહાભારતકાર્ય અમે પાર પાડી ન શક્યા પણ પ્રયત્ન તો કર્યો એમ માની અભિમાન ધારણ કરવું જોઈએ.

‘શીશી ઉઘાડવાના કાર્યને એવરેસ્ટના આરોહણ સાથે સરખાવવું એ બહુ વધારે પડતું છે. ક્યાં એવરેસ્ટ પર ચડવા જવું અત્યંત દુર્ઘટ કાર્ય ને ક્યાં શીશી ઊઘાડવા જેવું તુચ્છ ને મામૂલી કામ ? એ બેની સરખામણી કરવાનો વિચાર પણ શી રીતે થઈ શકે ?’ આમ કદાચ કોઈને લાગશે. પરંતુ એવરેસ્ટ પર ચડવા ઈચ્છનારાઓ કેટકેટલાં સાધનો લઈને, કેટકેટલી તૈયારીઓ કરીને પછી એ કાર્યનો આરંભ કરે છે ને શીશી ઉઘાડવા મથનાર કાંઈ પણ તૈયારી કર્યા વગર એકદમ ઝંપલાવે છે એનો પણ વિચાર કરવાનો છે. ઉપરાંત શીશી ઉઘાડવાનું કાર્ય એવરેસ્ટ ચડવા કરતાં ઓછા મહત્વનું નથી. ખરું પૂછો, તો વધારે મહત્વનું ને વધારે જરૂરનું છે. એવરેસ્ટ પર કોઈ પણ માણસ કોઈ પણ દિવસ ન ચડે તો કોઈને કાંઈ પણ નુકશાન નહીં થાય, ઊલટું થોડાક જાન બચે એવો સંભવ છે, પરંતુ કોઈ પણ માણસ કોઈ પણ દિવસ કાંઈ પણ દવા ન લે તો સંસારમાં કેટલી અવ્યવસ્થા પ્રસરી જાય તેનો ખ્યાલ કરી જોયો છે ? દરદીઓ ને ડોક્ટરો બન્નેના હાલહવાલ થઈ જાય, આખી વૈદ્યક વિદ્યાનો નાશ થઈ જાય ને સંસારમાં જ્યાંત્યાં માંદા ને મરવા પડેલાં માણસો જણાય. આમ એવરેસ્ટ ચડવા કરતાં માનવજીવનમાં દવા પીવાનું ને તે માટે શીશી ઉઘાડવાના કાર્યનું મહત્વ ઘણું વધારે છે.

સામાન્ય રીતે નજીવી લાગતી વસ્તુઓ જ ખરી રીતે વધારે મહત્વની હોય છે અને તેથી ઊલટું બહુ મોટી લાગતી વસ્તુઓ, સાચી રીતે જોતાં, મહત્વ વિનાની હોય છે. રણમાં-મૃગજળનો વિસ્તાર ઘણો મોટો ભાસે છે પણ વસ્તુત: ત્યાં પાણીનું ટીપુંયે હોતું નથી. આકાશ બહુ જ મોટું આખી પૃથ્વીને વ્યાપી રહેલું હોય એવું દેખાય છે અને તારાઓ તો જાણે એના એક ખૂણામાં પણ નાનકડા ભાગમાં ક્યાંય સમાઈ ગયા હોય એવા અત્યંત નાનાસરખા દેખાય છે. પણ હકીકતની દષ્ટિએ આકાશ જેવું કાંઈ છે જ નહીં અને તારાઓ તો આપણી પૃથ્વી ને સૂર્ય કરતાં પણ ઘણા મોટા છે. આ જ પ્રમાણે જીવનની ક્ષુદ્ર ભાસતી ઘટનાઓ મહત્વની હોય છે. બટન શોધવાનું કામ આમ તો બહુ સાધારણ દેખાય છે, પણ બટનની શોધ સનમની શોધ કરતાં ઓછા મહત્વની નથી. સનમ તો શોધ્યા વગર પણ મળી આવે, બટન તો શોધવા છતાંય કદાચ ન જડે. સનમને એક વાર શોધ્યા પછી વારંવાર શોધવા જવું પડતું નથી, બટનની શોધ તો ઘણાને માટે લગભગ દિનચર્યાના એક અંગ સમી થઈ પડે છે. સનમ વિના બહાર નીકળી શકાય, બટન વગર બહાર નીકળવું મુશ્કેલ બને છે.

અને કદાચ જીવનની નજીવી ઘટનાઓનું મહત્વ આપણી તર્કબુદ્ધિને પ્રતીત ન થાય તો ચેસ્ટર્ટને એના એક નિબંધમાં દર્શાવ્યું છે તેમ કલ્પનાને બળે જીવનની નજીવી ઉપાધિઓ ને ઘટનાઓને કોઈક મહાકાર્ય સાથે સરખાવી તેના જેવું જ એને મહત્વ આપી એ કામ કરતાં કાવ્યાનંદ સમો આનંદ પણ માણી શકાય. એના એક મિત્રના ટેબલનું ખાનું ઉઘાડતાં હંમેશ દમ નીકળી જતો ને ટેબલના ખાનાને છાપી ન શકાય એવી એ ગાળો દેતો. તેને તેણે સમજાવ્યું કે, ‘આ ટેબલનું ખાનું ઉઘાડે છે એમ માનતો નહીં પણ કોઈ મહાપ્રતિપક્ષી સાથે સંગ્રામ ખેલી રહ્યો છે. કોઈક ડૂબતા મનુષ્યને દરિયામાંથી બહાર કાઢવા મથી રહ્યો છે. અથવા તો દોસ્તદારો સાથે ‘ટગ ઑફ વૉર’ ની રમત રમી રહ્યો છે – એમ ધારીને પ્રવૃત થઈશ તો આ ક્રિયાથી તને દુ:ખ થવાને બદલે ઊલટો આનંદ આવશે.’

આમ કોઈ નજીવી ઉપાધિને તર્કથી કે કલ્પના વડે મહત્વ આપવાથી અથવા તો તેને કોઈક રમત કે ખેલ સરખી ગણી કાઢવાથી એનું ઉપાધિપણું જતું રહી એના આનંદજનક તત્વનો લાભ આપણે લઈ શકીએ છીએ. કેવળ વાસ્તવિક દષ્ટિએ જોનારા તર્કની અપ્રતિષ્ઠા માત્ર તત્વચિંતનના પ્રદેશમાં જ નહીં. પરંતુ જીવનની સામાન્ય ઘટનાઓમાં પણ કરવા જેવી છે. અને તર્કની અપ્રતિષ્ઠાને કલ્પનાની પ્રતિષ્ઠા કરી સર્વ ઉપાધિને લીલા કૈવલ્યમ્ – કેવળ રમત ગણી કાઢનારને તો સંસારની ઉપાધિ પણ જતી રહેતાં બ્રહ્મત્વનો સાક્ષાત્કાર થાય ને એ કેવળ આનંદનો ભોક્તા બની શકે છે.

આપણે આટલે દૂર સુધી જવાની જરૂર નથી. કદાચ નાની ઘટનાઓને મોટું રૂપ પણ આપણાથી આપી ન શકાય, તો પણ એને રમત ગણી કાઢવી એ કાંઈ મુશ્કેલ કામ નથી. અને સહેલાઈથી મુશ્કેલ કામ સિદ્ધ થતું હોય તો શા માટે ન કરવું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિયાળુ તડકાનું કૂણું-કૂણું ગીત – રીના મહેતા
આવું પ્રજા આગળ મૂકીએ ? – અજ્ઞાત Next »   

21 પ્રતિભાવો : બાટલીનું ઉદઘાટન – જ્યોતીન્દ્ર દવે

 1. ગાંડાભાઈ વલ્લભ says:

  ખૂબ જ રમૂજી છતાં જીવનનું મહત્ત્વનું તત્ત્વજ્ઞાન પણ સાથે સાથે પીરસનાર હાસ્યલેખ. સાત્ત્વિક હાસ્ય પીરસનાર જ્યોતિન્દ્રભાઈ દવે જેવા કોઈ લેખકની મને જાણ નથી. મારી વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ મારા પ્રિય લેખક રહ્યા છે. હા, માત્ર એક વાર એમને પ્રત્યક્ષ સાંભળવાનો અનેરો લહાવો મળેલો.
  આવો ઉત્તમ લેખ રજૂ કરવા માટે મૃગેશભાઈને હાર્દિક ધન્યવાદ.
  મૃગેશભાઈ, ખરેખર આ લેખ મૂળ લખાણ મુજબ જ છે? મને લાગે છે કે આજનું ગુજરાતી થોડું બદલાયું છે. જેમ કે,
  “સાધન જડી શકાયું નહીં” એ બરાબર લાગતું નથી. ખરેખર તો
  “સાધન જડી ન શક્યું.” કે “સાધન શોધી શકાયું નહિ.”
  “પ્રારબ્ધમુત્તમજનાઃ” પણ સાચું લાગતું નથી. પ્રારબ્ધ એટલે નસીબ, અહીં પ્રારંભની વાત છે, માટે “પ્રારંભમુત્તમજનાઃ” હોવું જોઈએ.
  આ સિવાય પણ કેટલાક ફેરફારો જણાયા છે, પણ લંબાણના ભયે બધું લખતો નથી. ખાસ એક શબ્દઃ “મહત્વ” નહીં પણ “મહત્ત્વ” કેમ કે એ શબ્દ “મહત્” અને “ત્વ” વડે બન્યો છે.

 2. Tarang Hathi says:

  હું જ્યારે શાળામાં ભણતો ત્યારે આ કથા ભણવા માં આવતી તે સમયે બહુ મજા આવતી એટ્લી જ મજા આજે પણ આવે છે.

  ફરી થી મ્રુગેશ ભાઈ આભાર

 3. આપણાથી જે કાર્ય નથી થઈ શકતું તે આપણા કરતાં ચડિયાતા માણસોથી પણ થઈ શકતું નથી એમ જાણી કુદરતી રીતે જ આપણને આનંદ થાય છે.

  સામાન્ય રીતે નજીવી લાગતી વસ્તુઓ જ ખરી રીતે વધારે મહત્વની હોય છે અને તેથી ઊલટું બહુ મોટી લાગતી વસ્તુઓ, સાચી રીતે જોતાં, મહત્વ વિનાની હોય છે.

  આ તો હાસ્યમાં સમજણ છે…સાન માં સમજો જીવન ના પાઠ
  ધન્યવાદ મૃગેશભાઈ

 4. Maharshi says:

  બહુ મજા આવી ગઈ!

 5. ભાવના શુક્લ says:

  એઝ યુઝવલ ……જ્યોતિન્દ્રભાઈનુ નામ જોતા જ મન મરક મરક થઈ ગયુ…ચાલ ઝડપથી વાચી નાખુ એવા ભાવ સાથે એકીશ્વાસે લેખ વાચી નાખ્યો અને થાકી ગઈ. મનમા થયુ કેમ થાક લાગ્યો????? ત્યારે સમજાયુ કે બાટલી ખોલવાના તમામ પ્રયત્નોમા અભાન પણે અને અશરીરી સાથ આપવા જતા આમ થયુ… જ્યોતિન્દ્રભાઈના શબ્દોની આજ તો કમાલ છે….

 6. અતુલ જાની (આગંતુક) says:

  જીવનની સામાન્ય લાગતી ઘટનાઓમાંથી અસામાન્ય ઉચ્ચ કક્ષાના હાસ્ય-લેખો આપવાની કળા જ્યોતિન્દ્રભાઈએ જેવી રીતે સિદ્ધ કરી છે તેવી રીતે કોઈએ સિદ્ધ કરી હોય તેવું મારી જાણમાં નથી.

 7. Hiral Thaker "Vasantiful" says:

  😀

 8. Kamlesh Patel says:

  ખુબ જ સરસ હાસ્યલેખ છે જ્યોતિન્દ્રભાઈ મારા પ્રિય લેખક છે ૧૯૯૨ મા FYBA મા આ લેખ વાચ્યો હતો. ભુતકાળ તાજો થઈ આવ્યો..!!!!

 9. Ashvin Chaudhary_9228815093 says:

  બધુ જ લખાણ ખુબ જ ગમ્યુ

 10. Rasik prajapati says:

  પ્રાથમિક શાળામા હતો ત્યારે આ લેખ મારે ભણવામા આવતો હતો. તાજુ થઇ ગયુ. મજા આવી ગઇ

 11. Rasik prajapati says:

  ફરી થી મ્રુગેશ ભાઈ આભાર બધુ જ લખાણ ખુબ જ ગમ્યુ ભુતકાળ તાજો થઈ આવ્યો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.