આવું પ્રજા આગળ મૂકીએ ? – અજ્ઞાત
એક વાર ગાંધીજીએ પોતાના રાજકીય ગુરુ ગોખલેજીના લેખોનો ગુજરાતી અનુવાદ છપાવીને પ્રગટ કરવાનો મનસૂબો કર્યો. અનુવાદનું કામ નરહરિભાઈ અને મહાદેવભાઈને સોંપાયું હતું. પણ ગુજરાતના એક જાણીતા સાક્ષરે ગોખલેના કેળવણી-વિષયક લેખો તથા ભાષણોનો અનુવાદ કરવાની ઈચ્છા બતાવી, એટલે એ ભાગના લેખો તે સાક્ષરને સોંપવા ગાંધીજીએ નરહરિભાઈને સમજાવ્યું. નરહરિભાઈએ તેમ કર્યું.
નરહરિભાઈ તથા મહાદેવભાઈનું ભાષાંતર તૈયાર થઈ ગયું. પેલા સાક્ષરનું ભાષાંતર પણ આવ્યું. નરહરિભાઈને એ અનુવાદ ગમ્યો નહીં, પણ પ્રસિદ્ધ ગુજરાતી લેખકને નાખુશ કરવાની તેમની હિંમત ચાલી નહીં. આખું પુસ્તક છપાઈ ગયું. નરહરિભાઈએ તેના છપાયેલા ફરમા વાંચીને ગાંધીજીને તેની પ્રસ્તાવના લખી આપવા વિનંતી કરી.
પેલા સાક્ષરે કરેલો અનુવાદ ગાંધીજીએ વાંચ્યો. તે બિલકુલ ચાલે તેવો નહોતો. તેમણે નરહરિભાઈને ઠપકો આપતાં કહ્યું : ‘આવી તરજુમિયા ભાષા કોણ સમજશે ? આ મુદ્દલ નહીં ચાલે !’ મહાદેવભાઈ તથા કાકાસાહેબનો પણ એ જ મત પડ્યો.
ગાંધીજીએ નરહરિભાઈને પૂછ્યું : ‘આખું પુસ્તક છપાઈ ગયું છે ?’
‘હા જી.’
‘તો પણ આપણે તો પુસ્તક રદ જ કરવું પડશે.’
‘પણ આટલા કામનું લગભગ સાતસો રૂપિયા તો બિલ થયું હશે. એટલું બધું ખર્ચ નકામું જવા દેવાય ?’
‘ત્યારે શું આની ઉપર પુસ્તક બાંધવા વગેરેનું ખર્ચ કરી વધારે પૈસા બગાડાય છે ? સાતસો શું – પણ સાત હજાર રૂપિયા નકામા જતા હોય તો યે હું જવા દઉં. હું તો પાઈ પાઈની ગણતરી કરું, અને પ્રસંગ આવ્યે આવા ખર્ચની પરવા પણ ન કરું. આપણે પૈસા ખર્ચ્યા છે, તે માટે શું આવું પુસ્તક પ્રજા આગળ મૂકીએ ? એ તો બેવડો વ્યય થાય !’
પોતાની નાહિંમતથી અને ગફલતથી સાતસો રૂપિયાનું નુકશાન થયું, તે નરહરિભાઈને ડંખ્યું. તેમણે સાતસો રૂપિયા ભરપાઈ કરીને આ કામમાંથી રાજીનામું આપ્યું. બાપુએ રાજીનામું વાંચી કહ્યું : ‘આવા ગાંડા ન થાઓ ! તમારે હાથે સાતસોનું તો શું પણ સાત હજારનું નુકશાન થાય તેથી શું હું તમને છોડી દઉં ? એમ કરું તો મારું કામ કેમ ચાલે ?’
પુસ્તકની છપાયેલી બધી નકલો ગાંધીજીએ બળાવી નાખી. પછી મહાદેવભાઈ તથા નરહરિભાઈએ જે તરજુમો કર્યો તે છપાવવા આપ્યો.
Print This Article
·
Save this article As PDF
નાનકડા લેખમાંથી ઘણી બધી બાબતો શીખવા મળી.
૧. કાર્ય કરનાર ગમે તેટલો પ્રસિદ્ધ હોય તો પણ તેનું કોઈ કાર્ય બરાબર ન હોય તો માત્ર તે પ્રસિદ્ધ હોવાને લીધે જ તેનું કાર્ય ન ચલાવી લેવાય.
૨. નબળા કાર્ય પાછળ ઘણો બધો ખર્ચ થયો હોય તો પણ તેને જતું જ કરવુ જોઈએ, કારણ કે નબળી બાબતોને ટકાવવા જતા સરવાળે તે કાર્ય વધારે મોંઘુ પડતું હોય છે.
૩. કાર્ય કરનાર દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો કાર્યકરે તેની જવાબદારી સ્વીકારી ને પોતે જે તે જવાબદારી માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી લઈને પોતાના દ્વાર થયેલ ભૂલનો અફસોસ વ્યક્ત કરવો જોઈઍ.
૪. કાર્યકરો દ્વારા ક્યારેક ભૂલ થાય તો તેને હળવાશથી લઈને જે તે કાર્યકરની ભૂલ માફ કરી તેને વધારે ઉત્તમ રીતે કાર્ય કરવા પ્રોત્સાહીત કરવો અને ફરી પાછો પુરા ઉત્સાહથી તે કાર્યમાં જોડાઈ રહે તેવી વ્યવસ્થા કરવી.
લેખ ગ્મ્યો પણ તેના વિશેની ખરી સમજ “comment” માથી મળી.
Thank you Atulbhai.
વેલ સેઈડ…..