આવું છું તારે દ્વારે… – ઉષા
[તંત્રીનોંધ : જેમના નામની ઓળખ ત્રણ પ્રકારના વિશેષણ – સંત, ઋષિ અને આર્ચાયથી કરવામાં આવે છે એવા પૂ. વિનોબા ભાવેના પવનાર (વર્ધા, નાગપુર પાસે) આશ્રમમાં વર્ષોથી સેવાકીય કાર્ય અને સાહિત્ય, ચિંતન-મનન કરતાં 70 વર્ષીય ઉષાબેનને ગઈકાલે વિનોબા ભાવેના વડોદરા આશ્રમે મળવાનું થયું. શ્રી વિનોબા ભાવેના જીવનચરિત્ર, ભૂદાનયજ્ઞ, તેમની 14 વર્ષની ભારતની પદયાત્રા સહિત આધુનિક વિજ્ઞાન અને અધ્યાત્મને એક સાથે લઈને ચાલવાની વિચારધારા વિશે વિસ્તૃત વાતચીતનો લાભ તેમની પાસેથી મળ્યો. રીડગુજરાતીને તેમના પુસ્તકો ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આજે તેમના એક પુસ્તક ‘આવું છું તારે દ્વારે….’ માંથી માણીએ કેટલીક સુંદર વાતો.]
[1]
ચીજવસ્તુઓનું આકર્ષણ
દેહની આળપંપાળ
મનના ઉધામા
બુદ્ધિની બહુશાખિતા
કર્તવ્યની ભુલભુલામણી
બધું યે શાંત થયા વિના
માહ્યલો મુખરિત થતો નથી
આત્માના ઉંબરે પહોંચાતું નથી.
[2]
કસોટી રૂપે તારી કૃપા અવતરતી હોય છે
એ સંકેત પારખવાની
અને પચાવવાની
તાકાત વિકસિત થાય
તેટલી તેટલી કસોટીની અગ્નિ-પરીક્ષા
અંદરના સત્વને વિશુદ્ધ કરી
ચરિત્રને ઊંચું ઉઠાવતી જાય
ચારિત્ર્યને ઉજ્જવળ કરતી જાય.
[3]
સગવડ બહેકાવે.
આફત અકળાવે.
સગવડ કે આફત
જે કાંઈ હોય
તેની પાછળ તારો દોરીસંચાર છે
એ શ્રદ્ધા, એ પ્રતીતિ વિકસે,
તો સગવડ નમ્ર બનાવે
આફત મજબૂત બનાવે.
[4]
પ્રકૃતિના સાહચર્યમાં
નિબિડ અરણ્યોની ઘનછાયામાં
મારી અનંતની યાત્રા ચાલી રહી છે.
વચ્ચે વચ્ચે, એકલ-દોકલ
ફૂલના પમરાટમાં
હું મહેકી ઊઠું છું.
તો ક્યારેક,
કોઈ વહેતા ઝરણાના
કલકલ નિનાદમાં
સંગીતના સૂર રેલાવી આવું છું.
કદીક વળી
કોઈક નિર્જન મંદિરના
એકાંત ખૂણે દીપશિખા રૂપે પ્રકટી આવું છું.
તો ક્યારેક
ગાતા-કલ્લોલતા પક્ષીના રૂપે
ગગનમાં પાંખ ફફડાવી આવું છું.
મારી અનંતની યાત્રા
કેટકેટલી રમણીયતાથી સબાહ્યાભ્યંતર ભરી ભરી છે !
[5]
કૃતજ્ઞતા, કૃતકૃત્યતા, કૃતાર્થતાથી
મહેકતું જીવન
કોઈપણ ક્ષણે,
મૃત્યુના સ્વાગત માટે તૈયાર હોય છે.
[6]
ભાર હોય છે કર્તાપણાનો
ન કે કર્મનો.
કર્તાપણું હટ્યું કે
કર્મ હલકું ફૂલ બની જાય છે
અને ધરતીની પુણ્યગંધની જેમ
એની સુગંધ
વાતાવરણને મહેકતું કરી દે છે.
[7]
ચિત્રકારની પીંછીમાં
કવિની કલમમાં
સંગીતજ્ઞની સિતારમાં
તું ક્યારેક ઝળકી ઊઠે છે.
સંધ્યાના રંગોમાં
આકાશની નિ:શબ્દતામાં
નદીના ખળખળ વહેતા નીરમાં
તું અધિક મુખરિત થાય છે.
પરંતુ હૃદયગુફાની શાંત સમાધિમાં
તારું જે સ્વરૂપ પ્રકટે છે
તેને કોણ આલેખે,
કોણ વર્ણવે,
કોણ આલાપે ?
[કુલ પાન : 88. (નાની સાઈઝ) કિંમત : 20. પ્રાપ્તિ સ્થાન : કાન્તિ શાહ, યજ્ઞ પ્રકાશન સમિતિ. ભૂમિપુત્ર. હુઝરતપાગા. વડોદરા-390 001.]
Print This Article
·
Save this article As PDF
ખૂબ જ સરસ….Really loved it from the bottom of the heart
કેટકેટલા રૂપમાં, કેટકેટલી અભિવ્યક્તિઓમાં તે ઝળકે છે પણ આપણે તેને ક્યાં ઓંળખી શકીએ છીએ??
અને
કૃતજ્ઞતા, કૃતકૃત્યતા, કૃતાર્થતાથી
મહેકતું જીવન
કોઈપણ ક્ષણે,
મૃત્યુના સ્વાગત માટે તૈયાર હોય છે.
કાશ જ્યારે મારે જવાનું થાય ત્યાં સુધી અને ત્યારે આવી ભાવનાઓ મનમાં સાચવી શકું…
શબ્દો માણસ વિશે ઘણું કહી જાય છે……ઉષાબેનને ધન્યવાદ
પ્રભાતના ઉષાકાળે જ જો સ્મરણ થઈ જાય કે પ્રભુ આખોયે દિવસ હરી-ફરીને સંધ્યા સમયે તો આવવાનું છે તારે જ દ્વારે તો જરૂર ઉષાબહેને રજુ કર્યા તેવા ભાવો આખોયે દિવસ ટકી રહે.
અને હા પ્રભુ, કેટલીએ વાર ઉષા કાળે મે તને કોલ દીધા કે બસ આ વખતે તો જરૂર તારે દ્વારે આવવું જ છે પરંતુ સાંજ ઢળતા સુધીમાં તો બધું ક્યાંય વિસરાઈ જાય છે અને ફરી પાછો જઈ ચડુ છુ ઍક અજાણ્યા દ્વારે.
હે, પ્રભુ આ વખતે તો તું જ મને તારા દ્વાર સુધી પહોંચવા માટે માર્ગદર્શક બનજે.
ઉષાબહેને રજુ કરેલા ભાવો મને મારા કોઈક આંતરજગતમાં લઈ જાય છે કે જેની મે હંમેશા ખેવના કરી છે પરંતુ કોઈક અગમ્ય કારણસર ત્યાં પહોંચી શકાતું નથી.
ખુબ જ સરસ્.
“તો સગવડ નમ્ર બનાવે
આફત મજબૂત બનાવે.”
“પરંતુ હૃદયગુફાની શાંત સમાધિમાં
તારું જે સ્વરૂપ પ્રકટે છે
તેને કોણ આલેખે,
કોણ વર્ણવે,
કોણ આલાપે ?”
કુન્દિન્કાબેનની “પરમ સમીપે” ની યાદ અપાવી ગયી.
બહુ સરસ…એક બારી ખુલે આકાશ તરફની ને જે વિશાળતા ભરાય મન વચન મા તેટલી સુંદર વાતો. વિનોબા ભાવે વિશે વધુ વાતો મુકશો તેવી મૃગેશભાઈને મોટા કામ માટેની નાની વિનંતી!!!