રેવડી – સંકલિત

[1]
પંખી ઘરડું થાય તોય ઊડી શકે છે. વહેલ માછલી ઘરડી થાય તોય તરી શકે છે. હરણ ઘરડું થાય તોય દોડી શકે છે. સિંહ ઘરડો થાય તોય ગર્જના કરી શકે છે. વૃક્ષ ઘરડું થાય તોય લીલું રહી શકે છે. માણસ ઘરડો થાય તોય વિચારી શકે છે. સભાનતાની છેલ્લી ક્ષણ સુધી એનું વિચારવાનું અટકતું નથી. યૌવનનો સંબંધ મનની વૃત્તિ સાથે હોય છે. વિચારને ઘડપણ હોતું નથી. આપણા કોઈ ઋષિ ઘરડા ન હતા. તેઓના ચિર યૌવનનું રહસ્ય એમના બ્રહ્મભાવમાં પડેલું હોવું જોઈએ. જીવનની છેલ્લી ક્ષણ સુધી કૃષ્ણ યુવાન હતા. તેઓ યુવાન હતા કારણ કે તેઓ યોગેશ્વર હતા. – ગુણવંત શાહ.

[2]
હૃદયની ભીનાશ બાહ્ય કર્મમાં નહીં હોય તો તે સ્વધર્માચરણ સૂકું રહેશે. તેને નિષ્ફળતાનાં ફળફૂલ નહીં બેસે. ધારો કે આપણે માંદાની સારવારનું કામ માથે લીધું. પણ એ સેવાકર્મની સાથોસાથ દિલમાં કોમળ દયાભાવ નહીં હોય તો રોગીની સેવાનું એ કામ કંટાળો આપનારું અને નીરસ થઈ જશે. એ એક બોજો લાગશે. ખુદ રોગીને પણ તેનો ભાર લાગશે. એ સારવારમાં મનનો સહકાર નહીં હોય તો એ સેવામાંથી અહંકાર પેદા થયા વગર નહીં રહે. હું આજે એને ઉપયોગી થાઉં છું માટે એણે મને ઉપયોગી થવું જોઈએ; એણે મારાં વખાણ કરવાં જોઈએ; લોકોએ મારી કદર કરવી જોઈએ; એવી એવી અપેક્ષા ચિત્તમાં ઉત્પન્ન થશે. અથવા આપણે આટલી સેવા કરીએ છતાં આ રોગી નાહક ચિડાઈને કચકચ કર્યા કરે છે, એમ આપણે કંટાળીને બબડ્યા કરીશું. માંદો માણસ કુદરતી રીતે ચીડિયો થઈ જાય છે. તેની કચકચ કરવાની આદતથી જેના મનમાં સાચો સેવાભાવ નહીં હોય તેવા સેવા કરવાવાળાને કંટાળો આવશે. – વિનોબા.

[3]
ઓરિસાનું એક નાનું સ્ટેશન, ગાંધીજી અને ઠક્કરબાપા પ્લૅટફોર્મ પર ગાડીની રાહ જોતા ઊભા હતા. એટલામાં એક વૃદ્ધ ફાટેલા કપડા પહેરેલ આદિવાસી એમની પાસે આવ્યો અને ગાંધીજીના ચરણોમાં પડી ગયો. આ દશ્ય જોઈને ઠક્કરબાપાને ખૂબ આશ્ચર્ય થયું. બાપુ એ આદિવાસીને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા. શરીર પર માત્ર એક લંગોટી, ઊંડી ઊતરી ગયેલી આંખો, શરીરમાં ન લોહી કે ન માંસ, જાણે જીવતું-જાગતું હાડપીંજર ! એ એવો જ હતો.

આદિવાસીએ ગાંધીજીના ચરણોમાં એક પૈસો પણ મૂક્યો. બાપુની આંખો ચમકી ઊઠી. એ બોલી ઊઠ્યા : ‘અરે ભાઈ ! આ પૈસો શું કરવા આપે છે ?’
આદિવાસી બોલ્યો : ‘બાપુજી, દેવદર્શન જઈએ છીએ ત્યારે એમને કંઈક તો ધરવું જોઈએ. આ અમારો વારસાનો રિવાજ છે.’
બાપુએ પૂછ્યું : ‘પણ ભલા ભાઈ ! આ એક પૈસાને હું શું કરું ?’ આદિવાસીએ જવાબમાં કહ્યું : ‘કોઈ મારાથી વધુ ગરીબને આપજો.’

‘ઠીક છે.’ કહી બાપુએ પૈસો લઈ લીધો. અને બાજુમાં ઊભેલા પોતાના એક નિ:સ્વાર્થ સેવક ગોપબન્ધુ દાસને કહ્યું : ‘આ લોકો ભારતનો આત્મા છે, આવો ફટેહાલ કંગાલ આદિવાસી પણ પોતાનાથી વધુ ગરીબોને મદદ કરવાને પોતાનો ધર્મ માને છે. એનું શરીર ભલે દુર્બળ છે પણ એનો આત્મા તો બળવાન છે. – (હિન્દી પરથી અનુવાદિત. ‘હિતરક્ષક’ જાન્યુઆરી 2007.)

[4]
ઘણી વાર પ્રાર્થના કર્યા પછીયે અમારી તકલીફો જેમની તેમ રહે ત્યારે અમે અધીર થઈ જઈએ છીએ કે : અરે ! ભગવાન તો કાંઈ સાંભળતો નથી; આટલી વિનંતિ કરી, પણ ભગવાને સહાય તો કરી નહિ.

અમારે તો તત્કાળ ઉકેલ જોઈતો હોય છે – આજે ને આજે જ, અને વળી અમારી રીતનો ઉકેલ જોઈતો હોય છે – અમારી સઘળી સામાન્યતાઓ, ક્ષુદ્રતાઓ, મૂર્ખતાઓ સાચવી રાખીને અમે તમારી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ. પણ – તમને કશી વાતની ઉતાવળ નથી. જવાબ આપવાની તમારી પોતાની રીત છે. જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે. અમે ઉતાવળ કરીએ તેથી કાંઈ વળતું નથી. અમે તો માત્ર શાંત થઈ, ધીરજથી પ્રતિક્ષા કરી શકીએ.

તમે એકી સપાટે બધાં વિધ્નો દૂર કરી દો એમ બને, અથવા ખબર પણ ન પડે એમ ધીરેથી સંજોગ બદલી નાખો એમ પણ બને. અથવા વિધ્નોને ઓળંગી જવાની અમને શક્તિ આપો એમ બને, અથવા કોઈ અગ્નિ-સ્પર્શથી અમારી ચેતનાનું એવું રૂપાંતર કરો એ વિધ્નો અમને વરદાન લાગે, એમ પણ બને. બધી મહાન ઘટનાઓ ચુપચાપ બને છે. તમારી સમજ પણ અમારા હૃદયમાં ચુપચાપ ઊતરે છે. પણ અમને એટલી તો ખાતરી જ છે કે અમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો, તમારી સહાય મળ્યા વગર રહેતી નથી; પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય ! – કુન્દનિકા કાપડીઆ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મગર અને શિયાળ – ગિજુભાઈ બધેકા
સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ Next »   

12 પ્રતિભાવો : રેવડી – સંકલિત

 1. Hiral Thaker "Vasantiful" says:

  “અમારે તો તત્કાળ ઉકેલ જોઈતો હોય છે – આજે ને આજે જ, અને વળી અમારી રીતનો ઉકેલ જોઈતો હોય છે – અમારી સઘળી સામાન્યતાઓ, ક્ષુદ્રતાઓ, મૂર્ખતાઓ સાચવી રાખીને અમે તમારી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ. પણ – તમને કશી વાતની ઉતાવળ નથી. જવાબ આપવાની તમારી પોતાની રીત છે. જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે. અમે ઉતાવળ કરીએ તેથી કાંઈ વળતું નથી. અમે તો માત્ર શાંત થઈ, ધીરજથી પ્રતિક્ષા કરી શકીએ.”…….

  ખુબ જ સરસ…!

 2. BHAUMIK TRIVEDI says:

  really…excellent …..

 3. અતુલ જાની (આગંતુક) says:

  સંકલિત રેવડી મમળાવવાની બહુ મજા પડીઃ-

  બ્રહ્મભાવમાં પડેલુ ચિર યૌવનનું રહસ્ય સમજાવતા શ્રી ગુણંવત શાહ,

  બાહ્ય કર્મમાં હ્રદયની ભીનાશને ઉમેરવાથી જ સ્વધર્માચરણ સુકુ બનતું અટકે છે તેવી સુંદર સમજણ આપતા શ્રી વિનોબાજી,

  ફટેહાલ કંગાલ આદિવાસી કે જે પોતાનાથી વધુ ગરીબોને મદદ કરવાને પોતાનો ધર્મ માને છે. જેનું શરીર ભલે દુર્બળ છે પણ એનો આત્મા તો બળવાન છે. આવા બળવાન આત્માના દર્શન કરવાની દૃષ્ટિ આપતા ગાંધિજી,

  ઉંડી આરતથી પ્રાર્થના કરીએ તો, પ્રભુની સહાય મળ્યા વગર રહેતી નથી; પછી ભલે એનું સ્વરૂપ આપણી કલ્પના પારનું હોય તેવી સદબુદ્ધિ આપાણામાં ખીલવનાર શ્રી કુંદનિકાજી

  સર્વનો ખુબ ખુબ આભાર.

 4. આ લોકો ભારતનો આત્મા છે, આવો ફટેહાલ કંગાલ આદિવાસી પણ પોતાનાથી વધુ ગરીબોને મદદ કરવાને પોતાનો ધર્મ માને છે. એનું શરીર ભલે દુર્બળ છે પણ એનો આત્મા તો બળવાન છે

  ….આ આત્માનો અવાજ આજકાલ દબાઈ ગયો છે ???…

  અમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો, તમારી સહાય મળ્યા વગર રહેતી નથી; પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય

  ………..કદાચ રાહ જોવા માં જ આપણી ધીરજ જવાબ દઈ જાય છે…..

 5. Rajni Gohil says:

  #1 teaches us that youth is free of age barrier.
  #2 teaches us how to avoid tiredness-by action with love.
  #3 By giving one paisa to Gandhipapu, adiwasi shows his big-rich heart. It will be unfair to call him poor. help others,God will help you.
  #4 teaching way of true “Prarthna”

  All are worth implementing in life.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.