અંતરંગ ઘટનાઓ – કલ્પેશ ડી. સોની

[ શ્રી કલ્પેશભાઈ અભ્યાસે ફિલોસોફીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પદવી ધરાવે છે. વ્યવસાયે તેઓ વ્યાખ્યાતા અને લેખક છે. ભારતીય સંસ્કૃતિના પાયાના તત્વો પર ચિંતન રજૂ કરતાં તેમના બે સુંદર પુસ્તકો પ્રકાશિત થયેલ છે. તેમના જીવનની અંતરંગ ઘટનાઓની પ્રેરક વાતોને રજૂ કરતો તેમનો એક લેખ રીડગુજરાતી પર થોડાક સમય પહેલાં મૂકવામાં આવ્યો હતો જેમાં એક વાચકના પ્રતિભાવથી પ્રેરાઈને તેમણે 22 લેખોની સંપૂર્ણ લેખમાળા તૈયાર કરીને મોકલી આપી છે. આ લેખમાળામાંથી પસંદ કરેલા બે લેખ અહીં આપવામાં આવે છે, અને લેખમાળાની સંપૂર્ણ ફાઈલ આપ અહીંથી (ડાઉનલોડ વિભાગ) કલીક કરીને PDF માં વાંચી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા માટે કલ્પેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

[1] આર્મીમેનની બુદ્ધિ

ધો.8 થી 10ના મારા અભ્યાસ દરમિયાન એક પિતા વગરના સહપાઠીની સાથે મારી મૈત્રી થવાથી તેના સંગે હું પણ ઘરે-ઘરે છાપાં નાંખીને કમાણી કરતો થઈ ગયો હતો. દરરોજ સવારે પાંચ વાગે સ્ટેશનેથી છાપાં લઈને બાંધેલાં ગ્રાહકોના ઘરે નાખી આવવાના. રસ્તામાં આખો મિલિટરી વિસ્તાર ફરીને જવાનું. રૂટ બહુ લાંબો હોવાથી મેં વિચાર્યું કે મિલિટરી વિસ્તારમાં થઈને નીકળી જઈએ તો રોજની દસ મિનિટ અને થોડું પેટ્રોલ બચે. એ રસ્તે મિલિટરી સીક્યુરીટીનાં ત્રણ ગેટ આવે. અત્યંત ખાનગી વિસ્તાર હોવાથી પ્રવેશનિષેધ તીવ્ર હતો છતાં હું મારું લ્યુના લઈને એ રસ્તે નીકળ્યો, વિચાર્યું, ‘ના પાડશે તો પરત ફરી જઈશું ને નહિ તો આ ટૂંકા રસ્તે જઈશું.’

મંદ અંધકાર હતો. એક મિલિટરી યુવાનને ઑવરટેઈક કરીને હું પસાર થયો. એણે બૂમ પાડી. પહેલા તો હું કાંઈ સમજ્યો નહિ. આગળ જતાં-જતાં મારા કાનમાં પડઘાયું કે એણે મને સવારની સલામી આપી હતી. મને સમજાઈ ગયું કે એ યુવાન મને એનો ઉપરી સમજતો હતો. શિસ્ત ચૂકી જવાના ડરથી આ યુવાનો ગમે તેને સલામી ઠોકી દેતાં હોય છે. ત્યારબાદ મને દૂરથી આવતો જોઈને દરેક ગેટના બબ્બે ચોકિયાતોએ ગેટ ખુલ્લા કરી દીધા. હું સરળતાથી નીકળી ગયો. શિયાળો હોવાથી મારા શરીર પર ભૂરા રંગનું જેકેટ રહેતુ હતું. ચોકિયાતો મારા પહેરવેશ પરથી અને મારી છાતી પર એવોર્ડના કેટલા બિલ્લા ચોંટાડ્યા છે તે શોધવાની લ્હાયમાં ક્યારેક સાવધાનીની મુદ્રામાં રહીને, તો ક્યારેક સેલ્યુટ ઠોકીને મને નવાજતા.

એક વખત છેલ્લા ગેટના ચોકિયાતોએ ગેટ ખોલવાને બદલે મને છેક ગેટની નજીક આવવા દીધો. મેં લ્યુના પાર્ક કર્યું. ચાલીને ગેટ સુધી જાઉં તે પહેલા તેઓએ ગેટ ખોલી નાખ્યાં અને સલામી ઠોકી. મેં ફરીથી લ્યુના પર મારું સ્થાન લીધું અને નીકળી ગયો. આવું લગભગ પંદરેક દિવસ ચાલ્યું. મેં વિચાર્યું, “આ યુવાનો ડરના માર્યા, સિનિયરનો અપરાધ ન થઈ જાય એવી સાવધાનીથી રોજ સવારે મને સલામ ઠોક્યા કરે છે. જે દિવસે ભોપાળું પકડાશે તે દિવસે સારી પેઠે મને ઠમઠોર્યા વિના નહિ મૂકે.” અને એ ટૂંકા રસ્તે જવાનું મેં છોડી દીધું. મને લાગે છે કે એ યુવાનો પોતાને સિનિયર ઓફિસરની કસોટીમાંથી પાર ઉતરેલા જાણીને જરૂર રાજી થયા હશે. કારણ કે સિનિયર ઓફિસરે વહેલી સવારમાં તેઓનું ચેકિંગ કરવાનું છોડી જો દીધું હતું !

[2] જેવી દષ્ટિ તેવો હું

સવિતા, અમારા ઘરની કામવાળી બાઈ. સદાય હસતી. એને બોલીને અથવા ઘરના સ્ત્રી-સભ્યોને અડપલા કરીને વારે ઘડીએ તેમની સાથે મસ્તી કરવા જોઈએ. કોઈ વાર એ કામ પર ન આવી હોય તો હું સ્કૂટર પર એના ઘેર જઈને એને લઈ આવું. એક દિવસ એ કામ પર આવી અને ખૂબ હસવા લાગી. મેં એને હસવાનું કારણ પૂછ્યું તો જવાબ આપવાને બદલે એ વધુ જોરથી હસવા લાગી. પછી કહે, ‘કલ્પેશભાઈ, કાલે તમે મને લેવા આવ્યા તે જમાદારનો ડ્રેસ પહેરીને આવ્યા હોત તો બહુ મજા પડી જાત’
મેં પૂછ્યું, ‘કેમ?’
તો કહે, ‘તમે સાદા કપડામાં આવો છો તો પણ તમને પોલીસવાળા સમજીને અમારા વાસ(રહેઠાણ)નો કલાલ(દારુ ગાળીને વેચનાર) એનો બસો-પાંચસો લીટર દારૂ ઢોળી નાંખીને માટલાં ફોડી નાંખે છે, તો જમાદારના ડ્રેસમાં આવો તો એ શું કરે?’
મને થયું, મારી ભારેખમ કાયા ને ચહેરા પરની ગંભીરતા જોઈને કોઈને હું જમાદાર લાગું છું, તો મિલિટરીના યુવાનો મને સિનિયર સમજીને સલામ ઠોકે છે. ટ્રેન દ્વારા અપ-ડાઉન કરતો ત્યારે ચાલુ ટ્રેનમાં ક્યારેક બાથરૂમ તરફ જતો હોઉં તે વખતે ડબામાં ટિકીટ વગરના, એક જગ્યાએ બેસવાને બદલે આમ-તેમ ફર્યા કરતા મુસાફરો, ટ્રેન ધીમી હોય તો મને જોઈને ડબામાંથી કૂદી પડતા, અન્યથા મને સલામ ઠોકતા તો કોઈ ‘કેમ છો સાહેબ?’ કહીને લાગવગ લગાવતા.

કૉલેજમાં તો વળી જુદી જ સ્થિતિ હતી. ટેમ્પરરી લેક્ચરર હોવા છતાં યુનિવર્સિટી-ઓફિસમાંથી અથવા બીજી કૉલેજમાંથી આવેલા માણસો સ્ટાફ-રુમમાં સીધા હું જ્યાં બેઠો હોઉં ત્યાં મને હેડ સમજીને મળવા આવી જતા. હું તેઓને મારી બાજુમાં બેઠેલા મારા હેડ પ્રો.દવેસાહેબને મળવાનું કહેતો. આ દૃશ્ય જોઈને હિન્દી વિભાગના હેડ પ્રો.ભટ્ટસાહેબ મોટેથી બોલતા, ‘સોનીસાહેબ હેડ લાગે છે અને દવેસાહેબને તેઓ ઢાંકી દે છે.’” તે વખતે હું ગાંગો તેલી ને રાજા ભોજનું દૃષ્ટાંત મનોમન યાદ કરી લેતો.

એક વાર ભાલેજ નજીકના એક અંતરિયાળ ગામડાં તરફ ત્રણ કિલોમીટર પગે ચાલીને જતો હતો ત્યારે પગદંડીની બાજુમાં એક ઝુંપડીની બહાર ગરીબ માના ખોળામાં કોકડું વળીને બેઠેલો સૂકલકડી છોકરો મારા પસાર થવાની સાથે દબાતા અવાજે એની માને કહેતો હતો, “કેવડો મોટો રાખસ(રાક્ષસ) જાય છે!” મેં ધીરેથી માથું ઘુમાવીને એ છોકરાના ચહેરાના ભાવ વાંચવાની કોશિશ કરી હતી.

[3] કૂતરી-બિલાડી

ધો. 10 થી 12ના અભ્યાસ દરમિયાન અમે નવી નર્મદા યોજના વસાહતના કેટેગરી -3ના 20મા બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં હતાં. એક વાઘણ જેવી કૂતરી દરરોજ સવાર-સાંજ અમારે આંગણે આવતી. એને રોટલી ખવડાવવાનું મને ગમતું. એ ખૂબ શાંત હોવાથી મને બહુ ડાહી લાગતી. ઘરની રક્ષા કરવામાં એ ખૂબ પાવરધી હતી. ન જોઈતા વ્યક્તિ અને પ્રાણીને એ દૂર સુધી મૂકી આવતી. એક બિલાડી પણ અમારા આંગણે આવતી. હું એને પણ ખાવાનું આપતો. એક વાર બન્ને ભેગા થઈ ગયા એટલે સ્વભાવ પ્રમાણે કૂતરી બિલાડી તરફ ધસી. મેં મોટા અવાજે એને ખખડાવી એટલે એ અટકી ગઈ. બિલાડી પણ ડરીને ચાર પગે ઊંચી થઈને શરીરે વાંકી વળી ગઈ હતી અને તેના શરીરના બધા વાળ ઉભા થઈ ગયા હતા. કૂતરી પાછી વળી એટલે બિલાડી સ્વસ્થ થઈ ગઈ.

ફરી બન્ને જ્યારે ભેગા થઈ ગયાં ત્યારે કૂતરીએ બિલાડીની હાજરી સામે અણગમો બતાવતા મોઢામાંથી થોડાં સીસકારા(દબાયેલો અવાજ) કાઢ્યા. મેં એને ટપારી એટલે એ શાંત થઈ ગઈ. એની હાજરીમાં બિલાડી નિર્ભય રીતે હરતી-ફરતી થઈ ગઈ હતી. પછી તો હું કૂતરીની કસોટી પણ કરતો. એ આવીને ઊભી હોય, મારા હાથમાં રોટલી હોય છતાં હું તરત એને રોટલી આપું નહી. એટલામાં બિલાડી આવે તો તેને રોટલી આપી દઉં. કૂતરી એક બાજુ બેસી જાય અને બિલાડી શાંતિથી રોટલી ખાઈ શકતી. આવું દૃશ્ય ભજવાતું હોય ત્યારે કેટલીક વખત દરવાજો બંધ કરીને તેની તિરાડમાંથી કૂતરીના ચહેરા તરફ જોતો અને તપાસતો કે મારી ગેરહાજરીમાં તેના વર્તનમાં ફર્ક થાય છે કે નહિ. કૂતરી એમ જ શાંત બેસી રહેતી. પછી તો બિલાડીની હિંમત એટલી બધી વધી ગઈ કે કૂતરીને આપેલું ખાવાનું પણ તરાપ મારીને તે ખાઈ જવા લાગી. મને ખાતરી હતી કે કોઈ દબાણમાં આવીને નહિ પરંતુ સહજ રીતે કૂતરી બિલાડીનાં વર્તનને ચલાવી લેતી હતી. બિલાડી માણસથી નિર્ભય થઈ જાય તો એ માણસનાં શરીર સાથે ઘસાઈને વારંવાર ચાલ્યા કરે છે. મારી ઇચ્છા એવી હતી કે બિલાડીનો કૂતરી સાથે આવો સંબંધ થાય. પરંતુ અમે પછી અમારા પોતાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા એટલે આ પ્રયોગ અહીં અટકી ગયો.

નોંધ : કોઈ પશુ-પક્ષીને પાળવાના નામે તેના ગળામાં પટ્ટો નાંખીને કે તેને પીંજરામાં પૂરીને તેની સ્વતંત્રતા છીનવી લેવાના પક્ષમાં હું નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ
પાણીચું – ગિરીશ ગણાત્રા Next »   

10 પ્રતિભાવો : અંતરંગ ઘટનાઓ – કલ્પેશ ડી. સોની

 1. રીડ ગુજરાતીના તમામ વાચકોને વસંત પંચમીની શુભેચ્છાઓ….

 2. જીવનમાંથી જડેલી સત્યકથાઓની મજા જ ઓર હોય છે.

 3. કલ્પેશ says:

  “કેવડો મોટો રાખસ(રાક્ષસ) જાય છે!” 🙂

  કલ્પેશભાઇ, પોતાના પર આવી વાત લખવી અને લોકોને હસાવવા બદલ આભાર

  મૃગેશભાઈ, લેખકો/લેખિકાઓ ના ફૉટો પણ લેખની સાથે મૂકો તો?

 4. જીવનની સચ્ચાઈમાં કદાચ તમે spice શોધો તો ના મળે પણ એનો Taste જાણીતો જ લાગવાનો……સરસ લેખ

 5. અતુલ જાની (આગંતુક) says:

  લેખ વાંચ્યા પછી કલ્પેશભાઈની સાથે હું પણ સહમત થયો છુ કે અનુકુલતા હોય તો લેખકનો ફોટો પણ મુક્યો હોય તો વધારે મજા પડે.

  ત્રણેય લેખમાં મને તો લેખકનું કાલ્પનિક ભરાવદાર અને કદાવર શરીર જ દેખાય છે કે જે આર્મીમેન ને સીનીયર ઓફીસર જેવું ભાસે છે, દારુ વેચવાવાળાને જમાદાર જેવું લાગે છે, કોલેજમાં અજાણ્યા માણસોને હેડ જેવું લાગે છે, નાનકડા છોકરાને રાખસ જેવું લાગે છે, ખુદાબક્ષોને ટીકીટ ચેકર જેવું લાગે છે. કુતરાઓ પણ જેની આજ્ઞાને અવહેલવાનું સાહસ નથી કરતા અને બીલાડી પણ જેને પોતાનો અંગરક્ષક સમજે છે તે કદાવર શરીરનો મહિમા જ કે બીજું કશું?

 6. nayan panchal says:

  સરસ. નાની નાની પણ મજેદાર વાર્તાઓ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.