સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ

સાંજના ઑફિસો છૂટવાના કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી. આસપાસની કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ, ઘરે પહોંચવાની ઉતાવળમાં ગૃહિણીઓ, ખભે પાકીટ લટકાવીને આખો દિવસ દોડધામ કરી થાકેલા સેલ્સમેનો અને બીજા કેટલાય પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જામી હતી. શિયાળના દિવસોમાં અંધારું વહેલું થતું હોવાથી સૌ કોઈની નજર સત્વરે ઘરે પહોંચી જવાય એ માટે ઘડિયાળ તરફ જતી રહેતી, પરંતુ હંમેશની જેમ નિર્ધારીત સમય કરતાં ટ્રેન પંદર મિનિટ મોડી હતી. બધા પોતાની નોકરી-વ્યવસાયની વાતો કરવામાં મશગુલ હતાં અને બાંકડે બેઠો બેઠો હું તેઓની રસપ્રદ વાતો સાંભળતા મેગેઝીનના પાનાં ઊથલાવી રહ્યો હતો.

એટલામાં દૂરથી ટ્રેન આવતી દેખાતાં જાણે આખું પ્લેટફોર્મ સજીવન થઈ ઊઠ્યું ! બધા યોગ્ય જગ્યાએથી ચઢવા મળે એ માટે સ્થળાંતર કરવા લાગ્યા. ફેરિયાઓ આમથી તેમ દોડવા માંડ્યા. બાળકો મમ્મીની આંગળી પકડીને સતર્ક થઈ ગયા. યુવાનો જાણે ‘યા હોમ’ કરીને પડવાનું હોય એવી ચપળતા દેખાડી રહ્યા હતા. ‘ટ્રેન પૂરી ત્રણ મિનિટ ઊભી રહેવાની છે તોય લોકોને શાંતિ નથી’ એમ કહી વડીલો ભીડને શાંત રાખવા મથી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહેતાં રોજની જેમ ભારે કોલાહલ અને ધક્કામુક્કીનો માહોલ સર્જાયો. એક જગ્યાએથી ચઢવામાં સફળ ન જતાં લોકો બીજા ડબ્બાના બારણા પાસે દોડાદોડી કરવા લાગ્યા.

એક ડબ્બા પાસે ગરદીમાં ધક્કા ખાઈને હું ચઢવામાં સફળ થયો ત્યારે જાણે જંગ જીત્યા હોય તેવી ‘હાશ’ થઈ. અંદર જગ્યા મળવાનો તો સવાલ જ નહોતો પરંતુ હું જ્યાં ઊભો હતો તે સીટ પાસે બેઠેલા એક ભાઈને તેના મિત્રે બીજા ડબ્બામાં બેસવાનું નિમંત્રણ આપતાં મને અનાયાસે જગ્યા મળી ગઈ. અનેક જન્મોનાં પૂણ્ય ભેગા થાય ત્યારે કદાચ આવી સુખદ ઘટના બનતી હશે ! રસ્તે જતાં માણસને અચાનક રાજાના સિંહાસન પર બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલો આનંદ મનમાં થયો….. ટ્રેન હવે ધીમી ગતિએ પ્લેટફોર્મ છોડીને સ્ટેશન બહાર નીકળી રહી હતી. લોકો પણ ધીમે ધીમે ગોઠવાઈ રહ્યા હતા. જે લોકોને જગ્યા નહોતી મળી તે બધા ઊભા-ઊભા શાંતિથી પોતપોતાની વાતોમાં મસ્ત હતાં.

મારી સીટ પાસે ઊભેલા બે ભાઈઓ કંઈક એવી જ વાતોએ વળગ્યાં હતાં. દેખાવે તેમની ઉંમર 40-45 વર્ષની આસપાસ હોય એમ લાગતું હતું. ચેક્સના શર્ટ પર ભરતકામ કરેલું સ્વેટર, હાથમાં બેગ અને પગમાં પૉલિશ કરેલા બૂટ પરથી એમ લાગતું હતું કે તેઓ કોઈ કંપનીમાં સારો હોદ્દો ધરાવતા હોવા જોઈએ. કદાચ એક શહેરથી બીજા શહેર વચ્ચે નિયમિત અપ-ડાઉન કરતાં હોય તેમ પણ બની શકે. ફરીથી હું મેગેઝિન ખોલીને અધૂરો લેખ વાંચવામાં મન પરોવવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તેઓ ખૂબ પાસે ઊભા રહીને વાતો કરતાં હોવાથી મારું ધ્યાન વારંવાર એ તરફ જતું રહેતું અને મારે ન સાંભળવું હોય તો પણ તેમની વાતચીતના ફરજિયાત શ્રોતા બનવું પડતું !
‘કેમ રાકેશ, બે દિવસથી દેખાતો નહોતો ? બિમાર હતો કે શું ?’
‘ના યાર, આ અમારે મંદિરમાં ઉત્સવ હતો એટલે ત્યાં સેવા આપવા રોકાયો હતો.’
‘શેની સેવા ?’
‘ફૂલની સેવા. દિવસનો મોટો ભાગ ત્યાં રોકાવાનું થાય પછી ઑફિસ કેવી રીતે આવું ? એટલે બે દિવસ રજા લઈ લીધી.’
‘તારે તો સારું છે કે કંઈ ધરમનું કામ થાય અમારે તો કુટુંબ એટલું મોટું કે કોઈને કોઈ મહેમાન આવીને પડ્યું જ હોય. મન તો ઘણુંય થાય કે આપણે કંઈક સેવા આપીએ પણ આ સંસારની માયાજાળ કંઈ એમ છોડે ?’
‘નયન, એ તો દરેકને પોતપોતાની ‘પ્રાયોરીટીઝ’ હોય છે. પેલું કહેવાય છે ને કે “સમય મળતો નથી, સમય કાઢવો પડે છે.”
‘વાત તો તારી સાચી, પણ જવાબદારીઓ એટલી હોય છે ને કે બીજો કોઈ વિચાર જ નથી આવતો. એક કામ પૂરું કરો ત્યાં બીજા દશ કામ આવીને ઊભા હોય.’
‘હાલત તો મારી પણ એવી જ છે પરંતુ હું કોઈક રીતે મારે જોઈતો સમય કાઢી લઉં. તને ખબર છે આવતા શનિવારે સત્સંગસભામાં મારું વક્તવ્ય છે ?’
‘ઓહો ! તું શેની પર બોલવાનો છે ?’
‘ઈશાવાસ્ય ઉપનિષદ પર મારે 25 મિનિટ બોલવાનું છે.’
‘ભારે કહેવાય ! તું તો ઉપનિષદો પર બોલવા લાગ્યો ! સ્પીચ કેવી રીતે તૈયાર કરીશ ?’
‘વાંચન, નયન. વાંચન વગર આપણો આંતરિક વિકાસ કઈ રીતે થાય ? વાંચેલું ક્યારેક તો કામ લાગે જ. હું તો તનેય કહું છું કે રોજ કંઈક વાંચવાનું શરૂ કર તો આવી કોઈક પ્રવૃતિમાં તું ભાગ લઈને તારા વિચારો તું લોકો સુધી પહોંચાડી શકે….’

બંનેની વાતો બરાબર જામી હતી. વક્તા ભાઈ પોતાની તમામ સામાજિક પ્રવૃત્તિઓનું રસદર્શન કરાવીને તેના મિત્રને વાકપ્રવાહથી ભીંજવી રહ્યા હતાં. ટેકનોલોજી અને ભૌતિકતાના જમાનામાં અત્યંત વ્યસતતાભર્યા જીવનમાં આટલી ભીડ વચ્ચે ઊભેલા બે વ્યક્તિ ઉપનિષદો, વાંચન, સત્સંગસભા અને દેવસેવાની વાતો કરે એ જાણીને મને ભારે કૂતુહલ થયું અને એમની વાતોમાં રસ પડતાં હું બરાબર કાન દઈને સાંભળવા લાગ્યો.

‘જીવનમાં આખરે છે શું નયન ? જોડે શું આવવાનું ? ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું. જે આપ્યું હશે એ જ જોડે આવશે. જેની પાછળ આટલી દોડધામ કરીએ છીએ એ નોકરીમાંથી સાઈઠ વર્ષે આપણને ઘેર બેસાડી દેશે. એટલે ક્યારેક તો આ બધું છોડવાનું જ છે. દુનિયા જ એક દિવસ છોડવી પડશે એનું શું !’
‘તું તો સન્યાસીઓ જેવી ભારે ભારે વાતો કરે છે હોં !’
‘એમાં ભારે કંઈ નથી, દોસ્ત. જે સત્ય છે એ તો છે જ ને. વિચાર ન કરવાથી કંઈ એ મટી નથી જવાનું. ઉંમર તો એનું કામ કરતી રહે છે અને દિવસો વીતતા રહે છે.’
‘તારી ભાષા પરથી તારું વાંચન સારું એવું હોય તેમ લાગે છે.’
‘તું પણ વાંચ, તને ઘણું જાણવા મળશે. આ બધું ખરેખર જાણી લેવું જોઈએ.’
‘શું વાંચું ?’
‘ઘણું વાંચવા જેવું છે. ભગવદ ગીતાના ભાષ્યો વાંચ, બ્રહ્મસુત્ર અને યોગસુત્રનો અભ્યાસ કર. શંકરાચાર્યનું વિવેકચૂડામણી વાંચ. કૃષ્ણમૂર્તિને વાંચ. નવધા ભક્તિના આખ્યાનો, નારદભક્તિસુત્ર, ઉપનિષદો અને પુરાણોનો અભ્યાસ કર.’
‘તો તેં આ બધું વાંચ્યું છે ?’
‘હા. આમાંથી મેં ઘણાનો અભ્યાસ કર્યો છે અને હવે તો મારું પોતાનું વિશ્લેષણ લખી રહ્યો છું. કોઈ એક સામાયિકવાળાનો સંપર્ક કરવાની કોશિશ કરી છે, જો શક્ય બનશે તો આવતા મહિનાથી મારી કૉલમ ચાલુ થઈ જશે.’
‘જોરદાર યાર. તું તો છુપોરુસ્તમ નીકળ્યો. પછી અમારા જેવાને યાદ કરજે હોં !’ એ મિત્ર એ હસીને કહ્યું અને ઊમેર્યું ‘ચાલ આ જ વાત પર આજે નાનકડી પાર્ટી થઈ જાય. આ જો ચણાદાળ વાળો આવ્યો…’ કહી બંને મિત્રો આનંદથી ચણાદાળ ખાતા વળી પાછા વાતો એ વળગ્યાં.

ટ્રેઈન એક પછી એક સ્ટેશનો પસાર કરી રહી હતી. કેટલાક મુસાફરો ઉતરતાં તો એનાથી ડબલ વળી પાછા ચઢતાં ! ડબ્બામાં ભીડનું પ્રમાણ એક સરખું રહેતું. માત્ર બે પગ મૂકવા જેટલી જગ્યામાંથી રોજિંદો ધંધો કરનાર સીંગચણા, ચણાદાળ, ભેલ, ચા-કૉફી વાળા ફેરિયા પોતાનું સમતોલન જાળવીને માર્ગ કાપતા હતા. એટલામાં દૂરથી એક નાનો બાળક હાથમાં થેલી ભરવીને ‘ઠંડા પાની…. સાહબ ઠંડા પાની….’ એમ બૂમો પાડતો હાથમાં પાણીના પાઉચ લઈ આ તરફ આવી રહ્યો હતો. નજીક આવતાં મેં જોયું કે તે વયમાં ઘણો નાનો હતો. પાંચ-છ ધોરણમાં ભણતા બાળક જેટલી તેની ઉંમર હતી. માસુમ આંખો પરથી જાણે દિવસોનો ઉજાગરો હોય તેવો થાક દેખાતો હતો. ફાટલી બાંયનું જૂનું સ્વેટર, થીંગડાવાળું પેન્ટ પહેરીને ડબ્બામાં ખુલ્લા પગે ફરી રહ્યો હતો. થેલીમાં આશરે પચ્ચીસેક જેટલા પાઉચ હતાં.

‘ઓય છોટુ… દો પાઉચ દેના ઈધર….’ મેં અવાજની દિશામાં જોયું તો મારી બાજુમાં ઉભેલા બે મિત્રોમાંના એક તેને પાઉચ માટે બોલાવી રહ્યા હતા. મારી સીટ પાસે આવીને તે ઊભો રહ્યો. થેલીમાંથી બે પાઉચ કાઢીને પેલા ભાઈના હાથમાં મૂક્યાં.
‘પુરાના તો નહિ હૈ ના ?’ એકે પૂછ્યું.
‘નહિ સા’બ… એકદમ તાજા ઠંડા પાની હૈ…’ બાળક ઉત્સાહથી બોલ્યો.
‘કિતના હુઆ ?’ કહીને પેલા વક્તાભાઈએ પાંચની નોટ બાળકના હાથમાં આપી.
‘દો પાઉચ કા દો રૂપિયા સા’બ… લેકીન છૂટ્ટે નહીં હૈ….’ કહેતાં બાળકનું મોં કંઈ ઉદાસ થઈ ગયું.
‘અબે ઈતને પાઉચ બેચતા હૈ ઓર છુટ્ટે નહીં હૈ ?’
‘સા’બ… અભી પીછે કે સ્ટેશનસે આયા હું… દો-રૂપિયે થે લેકિન કહીં ગીર ગયે…’
‘જૂઠ બોલતા હૈ ? જા છૂટ્ટે લેકે આ તબ પૈસે લે લેના……’ કહીને પેલા વક્તાભાઈએ પેલા બાળકના હાથમાંથી પાંચ રૂપિયા ખેંચી લીધા.

બાળકનું મોં મ્લાન થઈ ગયું. ચહેરો ઉદાસ થઈ ગયો. કદાચ એના મનમાં બીક હશે કે બે રૂપિયા કમાણી થઈ એ તો ખોઈ નાખી. હવે આ સાહેબ માટે છૂટ્ટા લઈને આવું એટલી વારમાં સ્ટેશન આવે ને તે ઉતરી જશે તો એ કમાણી પણ જતી રહેશે. પૈસા ઓછા લઈને જઈશ તો ઘેર મા મારશે…. સ્વેટરની બાંયથી મોં લૂછી ભીડને ચીરતો એ ‘ઠંડા પાની…. સાહબ ઠંડા પાની….’ બોલતો આગળ નીકળી ગયો. હું ફરી પાછો મેગેઝિનમાં મન પરોવું એ પહેલા પેલા બે મિત્રોનો સંવાદ મારે કાને પડ્યો.

‘આ બધા તો ચોર હોય. આવી રીતે છુટ્ટા નથી એમ કહીને લોકો પાસે પાંચ-પાંચ રૂપિયા પડાવી લે.’ પેલા વિદ્વાન વકતાએ પાઉચ ગટગટાવતાં નિવેદન કર્યું.
‘સાચી વાત છે.’ તેના મિત્રે ટાપશી પૂરી.
‘હું તો કોઈના હાથમાં મફતના પૈસા મૂકું નહિ. એને જોઈએ તો છુટ્ટા કરાવીને આવે. ધંધાના નામે લોકો લૂંટ ચલાવતા હોય છે. શાકવાળા જે ભાવ કહે એના અડધા જ આપવાના. એ લોકો સામે આંખ કાઢીને વાત ના કરીએ તો આપણને છેતરવામાં કંઈ કસર ન છોડે. રેંકડીવાળા, ફેરિયા, મજૂરો, નોકર-ચાકરો…. સાલા બધાને રાતોરાત માલદાર થઈ જવું છે. અહીં અપ-ડાઉન કરીને રાત-દિવસ પરસેવો પાડીએ ત્યારે કમાણી થાય છે એનો એમને અંદાજ ક્યાંથી હોય ? એમને તો જે મળે એ પણ દારૂ પીવામાં જ વાપરવાનું ને !’ પેલા ભાઈનું નવું સ્વરૂપ મારી નજર સમક્ષ પ્રગટ થયું.

થોડી વારમાં પેલો બાળક ત્રણ રૂપિયા છૂટ્ટા આપીને પાંચની નોટ લઈ ગયો ત્યારે બે માંથી એક પણ જણ કશું બોલ્યા નહિ. આગળ સ્ટેશન આવતાં બંને આગામી સપ્તાહની મિટિંગો અંગે ચર્ચા કરતાં ઊતરી ગયાં. તેમના ગયા પછી મારા મનમાં વિચારોની ગતિ ટ્રેનની સ્પીડ જેટલી વધી ગઈ. હાથમાં રહેલા મેગેઝિનને બેગમાં મૂકતાં મેં વિચાર્યું કે : માનવી શા માટે આવો દ્વિસ્વભાવ ધરાવતો હશે ? જેમ લોકોને વાંચવાના ચશ્માં જુદા હોય અને દૂર જોવાના ચશ્માં જુદા હોય છે એવું આ બે મિત્રોના કિસ્સામાં બન્યું હતું. એમની માટે વેદ, પુરાણો, ઉપનિષદો વાંચવાના ચશ્માં જુદા હતાં અને દુનિયાને તો એ લોકો જે ચશ્માંથી જોવા ટેવાયેલા હોય તે રીતે જ જોતાં.

આજકાલ લોકો વાંચે છે ઘણું, મંદિરમાં નિયમિત જાય છે, જાત-જાતની જગ્યાએ વિવિધ પ્રકારની સેવાઓ આપે છે, વેદો-પુરાણો અને ઉપનિષદોની ચર્ચાઓ કરે છે, અદ્વૈતના સિદ્ધાંત પર મોટા લેખો લખી શકે છે પરંતુ આ તમામ બાબતો ક્યારેક તેમના જ જીવન સુધી પહોંચી નથી હોતી. જે વાત તે કરે છે, જે ઉપદેશ લોકોને આપે છે, જે વિચારો તે લખે છે, તે તમામ વસ્તુથી પોતે ભીંજાવાને બદલે સાવ કોરા રહી જાય છે. ધર્મ ઘણી વાર વ્યક્તિ માટે દેખાડો કરવાનું સાધન બની રહે છે. જેના સંસર્ગથી માનવી પોતાના સમગ્ર જીવનને બદલી ન શકે તો તેનો શો અર્થ છે ? વાતો સાંભળવી સારી લાગે છે પરંતુ જ્યારે તેને જીવનમાં ચરિતાર્થ કરવાની આવે ત્યારે મૂળ સ્વભાવ બદલવો ખૂબ કઠીન પડે છે. એ સમયે તો ‘દુનિયા ચાલે તેમ ચાલવું પડે’ નું સુત્ર તુરંત હોઠ પર આવી જાય છે. ઘણી વાર સમાજને બદલવા નીકળેલા લોકો પણ સમાજના પ્રવાહમાં ખેંચાઈ જાય છે. ‘ઈશાવાસ્યમ ઈદમ સર્વમ’ (આ સઘળું ઈશ્વરથી ભરેલું છે) કહીને રોજ પાઠ કરનારને એના નજીકના લોકો દુશ્મન જેવા દેખાય છે. ભલે જગતમાં આપણને ઈશ્વર ચારે તરફ ન જોઈ શકીએ પરંતુ સામેનો વ્યક્તિ આપણા જેવો એક માનવી છે એટલું દેખાય તોય ઘણું !

વ્યક્તિ જે તે ધર્મ અનુસાર પોતાની નિષ્ઠા પ્રમાણે જપ, તપ, સ્વધ્યાય, સત્સંગ જરૂર કરે પરંતુ જેમ દવા શરીર પર તેની અસર બતાવે તો જ તેનું મહત્વ છે, તેમ આ તમામ સાધનો વ્યક્તિને અંદરથી કંઈક જાગૃત કરી શકે તો જ નક્કર પરિણામ પ્રાપ્ત થાય. પ્રત્યેક સારી વાત, સારો વિચાર, સારું કાર્ય આપણને અંદરથી શુભવૃત્તિ તરફ પ્રેરે અને સદગુણોનો ઉદય કરી શકે તો કેટલું સારું ! અન્યથા તે માત્ર એક શુષ્ક કર્મકાંડ બની રહે છે. શંકર ભગવાન પર દૂધ ચઢાવતી વખતે ઝૂંપડપટ્ટીમાં દૂધ વગર વાસી બ્રેડના ટૂકડાં ખાઈને જીવતાં બાળકો યાદ આવવા જોઈએ. રેશમી વસ્ત્રોમાં કનૈયાને પારણામાં પોઢાડતી વખતે કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર ઠૂંઠવાઈને સૂતેલા ગરીબો પર આપણી દષ્ટિ જવી જોઈએ. મંદિરોમાં 1101/- ની પાવતી ફડાવીને દાનનો મહિમા ગાતા પહેલાં દિવસના પચાસ રૂપિયા માટે ટ્રેનમાં આખો દિવસ ફેરી કરતાં આ ગરીબ બાળકો આપણને ક્યારે દેખાશે ? અભાવગ્રસ્તો પ્રત્યે કરુણા ન જાગે એ વળી કયા પ્રકારનું ધર્માચરણ ?

કોઈ ગરીબ પાંચ રૂપિયા આપણી પાસેથી વધારે લઈ લે છે તો આ મોંઘવારીમાં તે સ્વાભાવિક છે. શું એને એનું ઘર નહીં ચલાવવું હોય ? એને એના બાળકોને આનંદ-પ્રમોદ માટે એકાદ રમકડું લાવી આપવાનું મન નહીં થતું હોય ? બે-બે રૂપિયાથી થયેલું શોષણ તેને વધારે ગરીબ બનાવે છે અને લાંબાગાળે તેનામાં ખરાબવૃત્તિઓ ઊભી કરીને ચોરી કરવા પ્રેરે છે. આમ, એમને ચોરી, જુગારને રવાડે ચઢાવીને દારૂની લત લગાડવા પાછળ કોઈક પ્રકારનું શોષણ જવાબદાર હોય છે.

ધાર્મિકતા અને આધ્યાત્મિકતા નિર્દોષ વ્યક્તિની આંખ કેમ જોઈ શકતી નહીં હોય ? તેની ક્ષુધા કેમ ઓળખાતી નહીં હોય ? જેઓ ઈશ્વરને ઓળખવા નીકળ્યા હોય તેમને આ વ્યક્તિ જરૂરિયાતમંદ છે કે નહિ તે કેમ ઓળખાતું નહીં હોય ? એક દલીલ એવી પણ છે કે ગરીબીના નામે લોકો બેઈમાની કરીને પૈસા પડાવે છે પરંતુ તેના લીધે સાચા ગરીબ વ્યક્તિને સહન કરવું પડે તે અયોગ્ય છે. વ્યક્તિ જો સાચો હોય, એનું દિલ સાફ હોય અને હૃદયમાં કરુણા હોય તો ઈશ્વર કોઈ સાચા જરૂરિયાતમંદને સાચા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડી દે છે. હૃદયમાં કરુણા, દયા અને પ્રેમભાવ રાખનારના પૈસા આજ સુધી કોઈ કુપાત્રના હાથમાં ગયા હોય તેમ બન્યું નથી. મુશ્કેલી ત્યાં છે કે આપણે પ્રત્યેક માનવીને શંકાની નજરે જોતા થઈ ગયા છીએ. કોઈ ખોટી રીતે પાંચ-દશ રૂપિયા લઈ જાય તો લઈ જાય…., એનાથી આપવાનું બંધ શું કામ કરવું ? આપણો હેતુ શુદ્ધ રહેવો જોઈએ.

સ્ટેશન આવતાં ટ્રેઈનમાંથી ઊતરતાં હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો હતો કે જીવનમાં વાંચન, લેખન, અધ્યાત્મ, સ્વધ્યાય, મનન, ચિંતન…. એ તમામ વસ્તુઓનો અર્થ તો જ છે જો એ આચરણદ્વારા મારા જીવનના અંતરતમ સ્વભાવને પરિવર્તીત કરી શકે. તેના અભાવમાં આ તમામ વસ્તુઓનો પૂરેપૂરો અર્થ નહીં સરે. અનુભૂતિના માર્ગે આરોહણ કરીને ‘સર્વ’ સુધી પહોંચવા માટે આપણે ‘સ્વ’થી જ શરૂઆત કરવી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રેવડી – સંકલિત
અંતરંગ ઘટનાઓ – કલ્પેશ ડી. સોની Next »   

32 પ્રતિભાવો : સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ

 1. JITENDRA TANNA says:

  ખુબ સરસ, એકદમ હકિકત.
  અનુભૂતિના માર્ગે આરોહણ કરીને ‘સર્વ’ સુધી પહોંચવા માટે આપણે ‘સ્વ’થી જ શરૂઆત કરવી રહી.
  એકદમ સાચી વાત. અભિનંદન મૃગેશભાઈ.

 2. Vallari says:

  Nice Article, No books no knowledge can help u unless u are sensitive towards the human pain prevailing in the society.

 3. sunil shah says:

  મૃગેશભાઈ..
  તમારી વાત બહુ જ ગમી..આચરણ જ સૌથી મહત્વની બાબત છે. લોકો ક્રીયાકાંડ તરફ એટલા હરખપદુડા થઈ જાય છે કે ધર્મનો સાચો મર્મ સમજવાને બદલે દંભ અને દેખાડાને જીવનનો ભાગ બનાવી દે છે. ફલાણી જાત્રા કેટલીવાર કરી કે ફલાણા ગુરુની કથા કેટલીવાર સાંભળી(..અને કેટલું બધું પુણ્ય જમા કર્યું..!) તેના હીસાબોમાં જ જીંદગી પુરી થઈ જાય છે. આચરણને નામે..?!!

 4. Ramesh Shah says:

  એક અરસા બાદ તારો લેખ વાંચ્યો. નાની ઊઁમરમાં કેટલુ સારુ વિચારી શકે છે તેનું એક ઔર દ્રષ્ટાઁત આપતો લેખ…સુંદર લખાણ અને સુંદર અભિવ્યક્તિ…અભિનંદન

 5. Paresh says:

  ખૂબ જ સાચી વાત કહી. લેખ વાંચી મને એક પ્રસંગ યાદ આવી ગયો.

  મારો એક મિત્ર એક સંપ્રદાયમાં ખૂબ જ સક્રીય છે. નોકરી સાથે આ પ્રકારનું કામ કરવું ઘણૂ જ કઠીન છે તે પણ હકીકત છે. એકવાર માસી (તેની બા)ને ઉનાળાની ગરમીમાં શાહપુરથી મણીનગર એક વ્યવહારે જવાનું થયું. તેમણે તેને સ્કૂટર કઈ સાથે આવવાનું કહ્યું. તેણે ઘસીને ના પાડી દીધી કે આવી ગરમીમાં હું ન આવું. ત્યારે માસીના મોંમાંથી જે વાક્ય સરી પડ્યું તે આજે પણ મને યાદ છે કે “હું મા છુ હમણા સંપ્રદાયમાંથી તેને જવાનું કહેને તો ઉઘાડા પગે હાલ જ મણીનગર જઈ આવે”

 6. KavitaKavita says:

  Very nice & appropriate Mrugeshbhai.

  One has to feel the pain for another human being and try to help each other.

 7. જીવનમાં વાંચન, લેખન, અધ્યાત્મ, સ્વધ્યાય, મનન, ચિંતન…. એ તમામ વસ્તુઓનો અર્થ તો જ છે જો એ આચરણદ્વારા મારા જીવનના અંતરતમ સ્વભાવને પરિવર્તીત કરી શકે. તેના અભાવમાં આ તમામ વસ્તુઓનો પૂરેપૂરો અર્થ નહીં સરે. અનુભૂતિના માર્ગે આરોહણ કરીને ‘સર્વ’ સુધી પહોંચવા માટે આપણે ‘સ્વ’થી જ શરૂઆત કરવી રહી.
  ——————
  લેખ બહુ જ ગમ્યો. આપણા સમાજમાં વધારે પડતી વધી ગયેલી, વકરી ગયેલી અને આડંબરના ભારથી નમી ગયેલી ધાર્મીકતા કરતાં નીતીના સામાન્ય નીયમોના પાલનની વધારે જરુર છે.
  વધી રહેલી સમ્રુધ્ધીની સાથે પશ્ચીમનાં બધાં ખરાબ તત્વો આપણા સમાજમાં ઘર કરી ગયા છે, તેની જગ્યાએ પશ્ચીમનાં સારા ગુણો અપનાવાય તે બહુ જરુરી છે.
  મારા જેવા કદીક દેશમાં આવે ત્યારે આવું તો ઘણું જોવા મળે છે, પણ અમેરીકા જઈને વીદેશી થઈ ગયાની છાપ પડી જવાના ભયે ચુપ રહેવું પડે છે.

  આવા લેખો આપતા રહો.

 8. smita kamdar says:

  મૃગેશભાઇ
  ધર્મ્ અને આધ્યાત્મિકતા ની સાચી વ્યાખ્યા ,એનો સાચો અર્થ બહુ જ સહજ રીતે વ્યક્ત કર્યો છે તમે.
  કાશ,આપણે અઁતરથી આચરણ માઁ આ વાત ને ઉતારી શકિયે તો ઇશ્વરને પણ એના સર્જન નો ગર્વ જરુર થશે… માનવ બનાવ્યાનો . લોકોમા જાગૃતિ જગાડતા આવાસુઁદર વિચારો પ્રગટ કરતા રહેજો.
  સ્મિતા કામદાર (મુઁબઈ)

 9. Rushil Joshi says:

  One of the best article Mrugeshbhai. I always hasitate to put money in Temple by thinking the same way you are telling. There are lots of places and people who need it rather than already rich temples. People need to create love withtin themselves for other people.

 10. Nothing says:

  સર્વાગમાનમાચારઃ પ્રથમં પરિકલ્પતે
  આચારપ્રભવો ધર્મો ધર્મસ્ય પ્રભુરચયતઃ

 11. Meera says:

  Readgujarati.com is one of the best gifts to Gujarati audience. Especially for those who are far away from their home. I visit this website daily to read all newly uploaded articles. I really thank you all the authors for contributing their stories and for keeping the language alive.

  જ્યા જ્યા રહે ગુજરાતી, ત્યા ત્યા વસે ગુજરાત્…
  Meera patel

  An Avid reader from Columbus, Ohio…..

 12. કલ્પેશ says:

  યોગાનુયોગે હું આ બાબત પર જ કેટલા દિવસોથી વિચાર કરી રહ્યો હતો.
  અને મને “ઇમાનદારીનો અભાવ – દાદા ધર્માધિકારી” નો લેખ યાદ આવી ગયો.

  એકદમ સરળ શબ્દોમા કહુ તો આપણે લોકો શબ્દો અને ગ્રંથોના ધ્યાન અને રટણ કરીએ અને એમા પારંગત બનીએ પણ એને હકીકતમા મુકતા નથી.

  દા.ત. આ લેખ પ્રમાણે વક્તા ભાઇ બધી રીતે પારંગત હોય પણ એક સાધારણ માણસ પ્રત્યેનો અવિશ્વાસ? અને દરેક જીવમાં ઇશ્વરનો વાસ છે (આપણા ધર્મગ્રંથો પ્રમાણે)

  કેવો વિરોધાભાસ?

  If I can say it in English – people in West put things in practice & grow over it (maybe they are not as “religious” as we understand the world “religious”)

  We are more of theory people. Read lots of books, memorize all the stuff. But, we don’t know how everything is applied to every day of our lives.

  Also, I feel – our religious teachers put “god” above human being. So, an idol is given bath with milk, offered with flowers, fruits, sweets etc. And, how stupid we are to close our eyes to the fact that every thing on this planet is part of the supreme.

  If we are taught such things, we really need to change our religious teachers.

  બદનસીબે, આપણે હજી પણ પછાત છીએ. સામાજિક જવાબદારીઓ આપણે ક્યારે સ્વીકારશુ?
  દાદા ધર્માધિકારીના શબ્દોમા “મને એ વાતનો ડર છે કે આપણે એક આધ્યાત્મિક દેશ છીએ”.

  🙁

 13. Lata Hirani says:

  સાવ સાચી વાત…

 14. મૂગેશભાઈ વાત સત્ય ધામિર્ક કથા સાંભળિ સાંભળિ ને ફુટ્યા કાન તોય ન આ વિયુ અન્તર ……

 15. manvantpatel says:

  એક મૂરખને એવી ટેવ….પથ્થર એટલા પૂજે દેવ;
  તુલસી દેખી તોડે પાન,.. પાણી દેખી કરે સ્નાન…

  .

 16. સાવ સાચી વાત……
  આપણે ખરેખર સિક્કાની બે બાજુ જેવુ જીવન જીવીએ છીએ….એક તરફ આધ્યાત્મિક અને એક તરફ દ્વેષી….સ્વાર્થી….

  પણ આ એક સચ્ચાઈ છે…..સુધારાને અવકાશ ખૂબ ઓછો છે…

 17. ગાંડાભાઈ વલ્લભ says:

  ખૂબ સરસ લેખ મૃગેશભાઈ. હાર્દિક અભિનંદન. કહેવાતા ધાર્મિક દાંભિકોને કંઈક સાન-ભાન આવે એવી કૃતિઓની વધુને વધુ જરૂર છે.

 18. Darshini says:

  It’s so true.
  Human being is the only creature that can feel and sensatize the pain of others and if one can not he is not allowed to be called human.

 19. Ashish Dave says:

  I totaly agree with Kalpeshbhai. Very well said…

  Unfortunately we are part of an extremely hypocrite society. It is going to take many more such articles, true actions, as well as fortunate wisdom to start a change… I am sure it is coming in generation next

  Ashish Dave
  Sunnyvale
  California

 20. અતુલ જાની (આગંતુક) says:

  જે ધર્મ ગરીબોને રોટી ન આપી શકે કે વિધવાઓના આંસુ ન લુછી શકે તે ધર્મમાં મને વિશ્વાસ નથી. —સ્વામી વિવેકાનંદ

  ગરીબી અને અજ્ઞાનમાં સબડતાં આપણાં દેશબંધુનોને જોઇને સ્વામી વિવેકાનંદની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે મંત્ર આપ્યો

  મુર્ખ દેવો ભવ, રોગી દેવો ભવ

  અને તેમણે લોકોને રોગી અને અશીક્ષિત લોકોની સેવામાં લાગી જવા માટે હાકલ કરી. આજે પણ શ્રી રામકૃષ્ણ મીશન લોકોને કુદરતી આફતોમાં સહાય રુપ થાય છે. ઉપરાંત દર્દીઓ માટે હોસ્પીટલો ચલાવે છે, વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરીઓ સ્થાપે છે તથા યુવાનોમાં દેશ-પ્રેમ અને સાહસના ગુણૉ વિકસે તેવા સતત પ્રયત્ન કરી રહ્યું છે.

  અધ્યાત્મને આચરણમાં ઉતારવાની વિદ્યા શિખવવાની આજના યુગમાં કોઈએ પહેલ કરી હોય તો મારા મતે તે સ્વામી વિવેકાનંદે કરી છે.

  મૃગેશભાઈ ની વાત અને અવલોકન ઘણું બધું કહી જાય છે. દાંભીક ધાર્મિકતા અને ખરેખરી આધ્યાત્મિકતા વચ્ચે ઘણું બધું અંતર છે.

  જ્યાં સુધી ધર્મને આચરણમાં ઉતારવાની વિદ્યા વ્યાપકરુપે શીખવવામાં નહીં આવે ત્યાં સુધી આ દાંભીક ધાર્મિકતા આપણાં સમાજ-જીવનમાં વિષમતા ઉભી કર્યા જ કરશે.

 21. dipika says:

  good article but again, the thoughts should be implemented in practice then only its worth.

 22. Mrugeshbhai,

  Vimal has already started to implement but just keep him motivated till the end …

  Thank you

 23. Hiral Thaker "Vasantiful" says:

  Really very true

 24. nayan panchal says:

  માનવધર્મ જ સાચો ધર્મ છે.આટલી સાદી વાત યાદ કરાવવા બદલ આભાર.

  નયન

 25. Veena Dave, USA says:

  ખુબ સરસ. છેલ્લો ફકરો જીવનમા ઉતારવા જેવો લાગ્યો.

 26. Chirag says:

  Kalpesh,

  I agree with you 100%.

  એક મુરખ ને એવિ ટેવ, પથ્થર દેખી પુજે દેવ….

  Thank you,
  Chirag Patel

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.