પાણીચું – ગિરીશ ગણાત્રા

ઉનાળાની આકરી બપોર પછી સમી સાંજની શીતળ લહેરો બહુ મીઠી લાગે છે. એકાદ શીળી લહેરનો અંગને સ્પર્શ થતાં ચહેરા પર સંતોષની સુરખીઓ ફરકવા લાગે. પંકજ કોટડિયાની નાની બંગલીના મોટા કંપાઉન્ડમાં ઉગાડેલાં ઝાડ-પાંદડાંઓ અને ફૂલવેલીઓને એના વૃદ્ધ પિતા પાઈપ વડે પાણી પાઈ રહ્યા હતા. કાળઝાળ તાપથી સૂકાયેલી માટી પર પાણીનો છંટકાવ થવાથી એની ભીની મહેક નાસિકામાં પ્રવેશી દિલદિમાગને વળી ઔર તરબતર કરતી હતી.

બંગલીના પોર્ચમાં અમે ત્રણ-ચાર મિત્રો પંકજનાં પત્નીની મહેમાનગતિ માણી રહ્યા હતા. એક જ ઑફિસમાં સૌ કામ કરતા હોઈએ ત્યારે વાતનો વિષય સ્વાભાવિક રીતે ઑફિસ, ઑફિસના કર્મચારીઓ, બોસ અને કામની વાતો જ હોય. એમાંયે જો બૉસ અણગમતો હોય ત્યારે આવી ટોળા-ટપ્પાવાળી મહેફિલમાં એને ‘છોલવાની’ – વગોવવાની, તક કોઈ થોડી જતી કરે ? વીસ-પચ્ચીસ વર્ષના યુવાનોની મંડળીમાં યુવાન બાળાઓની વાત વધુ ચગે, પણ ચાળીસીએ પહોંચેલા અમે, ન યુવાન ન વૃદ્ધ – બીજી કઈ વાત કરવાના ?

વાત અમારા ઑફિસ-મેનેજરની હતી.
‘એ બુઢ્ઢો તો ઑક્ટોબરમાં રિટાયર્ડ થવાનો’ નિખીલે કહ્યું.
‘તને કોણે કહ્યું કે એ આ વર્ષે રિટાયર્ડ થાય છે ?’
છેલ્લાં છ વર્ષથી પર્સોનલ ડિપાર્ટમેન્ટમાં છું. ત્યાં ઘાસ કાપવા મને નથી બેસાડ્યો. ઑફિસના લગભગ ઘણાંખરાની જન્મકુંડળીઓ મને મોઢે છે.’ નિખીલ ચોક્સીએ ગર્વથી કહ્યું.
‘તે નિખીલ, એ બુઢ્ઢો રિટાયર્ડ થશે ત્યારે એને શું મળશે ?’ ગણતરીબાજ મોદીએ કહ્યું, ‘પંદર-વીસ વર્ષ પછી આપણી પણ નિવૃત્તિની નોબત વાગશે ત્યારે આટલું જાણ્યું હોય તો ખપ લાગશે.’
‘એ તમને કહું.’ નિખીલે ચવાણાનો બુકડો મોંમા ઓરતાં કહ્યું, ‘આ ઑફિસ-મૅનેજર નાથાણીને પ્રોવિડન્ટ ફંડના ત્રણેક લાખ, ગ્રેજ્યુઈટીના એકાદ લાખ, સુપર એન્યુઈટીના બીજા એંશી હજાર વિ. ગણીને પૂરા પાંચ લાખ મળશે. આ બધું રફ કેલ્ક્યુલેશન છે. ઓગસ્ટમાં એની ગણતરીઓ શરૂ થઈ જશે ત્યારે ફાઈનલ ફીગરની ખબર પડશે.’
‘પાંચ લાખ !’ મારાથી બોલાઈ ગયું.
‘અરે ! પાંચ લાખ કંઈ નથી. ઑફિસમાં કોન્ટ્રેક્ટરોને કાતરી કાતરીને એણે જે ભેગું કર્યું છે એની સામે આ આંકડો તો ઝાંખો લાગે. બદમાશે કોઈને છોડ્યા નથી. અરે ! પોતાના ઘરનું એક્સટેન્શન કરાવ્યું એની કોન્ટ્રેક્ટર પાસેથી એડવાન્સ રસીદો લઈ લીધી છે, પણ પૈસા તો ચૂકવ્યા જ નથી….’

અમે વાતો કરતા બેઠા હતા ત્યારે પંકજ કોટડિયાના પિતા જમનભાઈ ક્યારે ગુપચુપ આવીને અમારી પાછળ બેસી ગયા હતા એની અમને ખબર જ ન પડી.
‘આપણી સર્વિસ-કન્ડિશન સારી કહેવાય. નિવૃત્ત થઈએ ત્યારે પાંચ લાખ રૂપિયા જેટલી રકમ તો મળે. જો પ્રાઈવેટમાં હોઈએ તો….તો…..’ એ રકમ આગળ બોલતો અટકી ગયો. નિખીલને ખબર હતી કે પંકજના પિતા એક ખાનગી રૂની પેઢીમાં મુનીમ હતા. ખાનગી પેઢીમાં નિવૃત્તિ વખતે કશું લાભદાયક ન મળે એનાથી એ વાકેફ હતો. કદાચ, વડીલને દુ:ખ પહોંચે એ દષ્ટિથી એ પછીના શબ્દો ગળી ગયો.
‘કેમ અટકી ગયા, ભાઈ ?’ પંકજના વૃદ્ધ પિતાએ જ નિખીલના મોંમાં આંગળાં નાખ્યાં, ‘ખાનગી પેઢીઓમાં લાભ ન મળે એવું જ તમે કહેવા માગો છો ને ?’
‘એવું નહિ’ હવે હું વચ્ચે પડ્યો, ‘ખાનગી પેઢીના માલિકની મહેરબાની પર બધો આધાર હોય છે….’
‘તમારી વાત સાચી. તમારી જેમ અમારી નિવૃત્તિવય નક્કી ન હોય. હાથ-પગ ચાલે ત્યાં સુધી નોકરી ચાલુ. પછી શેઠને લાગે કે આ ઘોડો હવે ભાર ખેંચેં એમ નથી એટલે ગાડીએથી છુટ્ટૉ. એ દિવસ એની નોકરીનો છેલ્લો દિવસ. હાંક સુલેમાન ગાલ્લી જેવી આ નોકરી. ગાડી હાલે ત્યાં સુધીની નોકરી.’

મેં હવે એક પ્રશ્ન બેધડક પૂછી જ લીધો; છાશ લેવા જવું અને દોણી શા માટે સંતાડવી ?
‘વડીલ, આપ નિવૃત્ત થયા ત્યારે શું મળેલું ?… અમારે જરા જાણવું છે કે અમારી સર્વિસ-કન્ડિશન સારી કે તમારી ? જરા સરખામણી તો કરીએ.’

વડીલ હવે પાછળની ખુરશી પરથી ઊભા થઈ હીંચકા પર બેઠા. પગ વડે હીંચકાને હળવો ઠેલો મારતાં કહ્યું : ‘જુઓ ભાઈ, બે જમાનાની સરખામણી ન થઈ શકે. તમારો જમાનો જુદો છે, અમારો જમાનો જુદો હતો, અમારે વખતે ભણતરનાં સર્ટિફિકેટો જોવાતાં નહિ…. આ જુઓને, હું ક્યાં ભણ્યો હતો ? ગામની નિશાળમાં ચાર ચોપડી ફાડી એટલે ભણતર પૂરું. હું ભણવાની વધુ સગવડ વિના ગામમાં આંટા મારતો હતો ત્યારે રૂનો ધંધો કરતા અમારા ગામવાસી શેઠ કૂળદેવીને નિવેદ ધરાવવા ગામે આવ્યા ત્યારે કોઈએ એમને મારી ભલામણ કરી. એની નજરમાં હું વસી ગયો અને મને લઈને ચાલતા થયા. કોઈ સારા માણસની ભલામણ એ અમારી લાયકાત.’
‘એ વખતે તમારી ઉંમર કેટલી હતી ?’
‘દસ વરસની. પેઢીમાં ઝાપટઝૂંપટ માટે રાખેલો. પેઢીની દુકાનમાં સૂવાનું, ગોળ-માટલાં ભરવાં, ચાનું કહેવા જવાનું, નાનાં મોટાં કામો કરવાના. એક લોજમાં મારું નામ લખાવી દીધેલું એટલે બે ટાઈમ ત્યાં જમતો. રોકડ રકમમાં કંઈ નહિ. ખુશ થાય તો મહિને વળી પાવલી વાપરવા આપે. હું પેઢીનું કામ કેટલું શીખું છું એના પર મારા ભવિષ્યનો મદાર. હું કામ શીખ્યો. નિવૃત્ત થયો ત્યારે પેઢીનો મુનીમ હતો….’
‘રિટાયર્ડ થયા ત્યારે કેવી રીતે થયા ?’
‘એક દહાડો વાતવાતમાં શેઠે કહી દીધું ‘જમનભાઈ, હવે ઘેર બેસીને આરામ કરો. આ ઉંમર હવે આરામ કરવાની છે.’ શેઠની વાત સાચી હતી. મારા બંને છોકરાઓ કામે લાગી ગયા પછી શાને ઘસડબોરો કરવો ?’
‘એટલે વડીલ, તમે નિવૃત્ત થઈ ગયા, પણ શેઠે આપ્યું શું ?’
‘પાણીચું.’
‘પાણીચું ?’
‘હા, પાણીચું શુકનવંતુ કહેવાય. પાણીચા શ્રીફળને તો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનનું એક પ્રતીક છે.’
‘એટલે કંઈ ન મળ્યું, એમ ને ?’
‘હક્કની વાત કરવા જાઓ તો કંઈ નહિ, જેટલો પગાર એટલી કમાણી. પણ અમે રહ્યા જૂના જમાનાના. જૂના જમાનાના માણસોમાં એક નીતિ હતી, શરમ-ધરમ હતાં. જે માણસે જિંદગી આખી તમારી તાબેદારી કરી હોય એને ન્યાય તો મળવો જોઈએ ને ?’

‘તમને ખબર હશે કે છોકરી જ્યારે ઉંમરલાયક થાય, ના’તી-ધોતી થાય ત્યારથી જ મા એને વળાવવા માટે આગોતરી તૈયારી કરવા માંડે. છોકરીને રસોઈ શીખવાડે. ભરત-ગૂંથણમાં પાવરધી કરે, પોતે પણ થોડું થોડું સોનું સંઘરતી જાય, વીંટી, કંદોરા, કબાટ, ગાદલાં-ગોદડાં, વાસણની વેતરણમાં પડી જાય, એ વખતના શેઠિયાઓ પણ જૂના માણસને વિદાય કરતાં પહેલાં એની મનોમન ગણતરી માંડી લે. વેપારી માણસ લેખાં-જોખાં માંડવા લાગી જાય કે પેઢીમાં કામ કરતાં આ માણસથી કેટલો ફાયદો થયો, એણે વફાદારી કેવી નિભાવી, પેઢીની કઈ કઈ રીતે સેવા કરી – આ આંકડાઓ શેઠિયાઓના મનમાં ગોઠવાતા જતા જ હોય….

હવે તમારે જાણવું છે કે શેઠે મને શું આપ્યું ? તો શેઠે આ જમીનનો ટુકડો આપ્યો કે જ્યાં તમે બેઠા છો. ઘરના સૌ માણસોની ગણતરી કરી દરેકને સોનાનો એક એક સિક્કો આપ્યો. પાછલી જિંદગી સુખમાં જાય એટલા માટે પેઢીમાં મારા નામે અમુક રકમ વ્યાજે મૂકી. આ ઉપરાંત દરેક માટે કપડાંની એક જોડ તો ખરી. હવે તમે જ ગણતરી કરી જુઓ. તમારા મેનેજરને જે મળ્યું અને મને જે મળ્યું એની સરખામણી કરો. એ જમાનામાં મને જે મળ્યું તે આજના જમાનાની સરખામણીમાં ખૂબ કહેવાય. એ વખતે આપણી કામ પ્રત્યેની લગની, ખંત, મહેનત, વિશ્વાસ, વફાદારી જોઈને અપાતું. એ કદરદાનીમાં ગૌરવ હોય, આનંદ હોય. કારણ કે એમાં આપણા પરસેવાની સુગંધ હોય છે.

જ્યારે આજે ? તમે પરસેવો ન પાડો, કામમાં દગડાઈ કરો, ઑફિસે મોડા જાઓ, વહેલા આવો, વારંવાર રજાઓ પર ઊતરો – આ બધું કરો તોયે તમને બાંધી રકમ મળવાની જ. અમને એ વખતે જે મળતું એ અધિકારની રૂએ નહિ, પણ પાડેલા પરસેવાની રૂએ મળતું, નિવૃત્તિ વખતે એ સ્વીકારવાનો આનંદ હોય, તમારા મેનેજરે શું પરસેવો પાડ્યો છે એ તમે નક્કી કરજો. બાકી મેં પાડેલા પરસેવાની કદર તમે જોઈ શકો છો….’

પેન્શન, પી.એફ. ગ્રેજ્યુઈટીના જમાનામાં અમે પેલી વફાદારી, વિશ્વાસ અને મહેનતની ગણતરીનું ગણિત માંડતા થઈ ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતરંગ ઘટનાઓ – કલ્પેશ ડી. સોની
ન વિસરાયેલી વસંત – નસીર ઈસમાઈલી Next »   

17 પ્રતિભાવો : પાણીચું – ગિરીશ ગણાત્રા

 1. કલ્પેશ says:

  સરસ લેખ !!
  મહેનતની કિમત આંકી શકાય એમ નથી અને વફાદારીનુ મૂલ્ય કોણ કાઢી શકે?

  “તમે પરસેવો ન પાડો, કામમાં દગડાઈ કરો, ઑફિસે મોડા જાઓ, વહેલા આવો, વારંવાર રજાઓ પર ઊતરો – આ બધું કરો તોયે તમને બાંધી રકમ મળવાની જ.”

  આજના સમય માટે એક વાત કહેવી – આપણે શોષણ કરતા થઇ ગયા અને લોકો એનો જવાબ હડતાળ પાડી, તોડફોડ કરી આપીએ છીએ. આમા કોનુ સારુ થઈ શકે?

  “જો બૉસ અણગમતો હોય ત્યારે આવી ટોળા-ટપ્પાવાળી મહેફિલમાં એને ‘છોલવાની’ – વગોવવાની, તક કોઈ થોડી જતી કરે” – આપણે જો ગણતરી માંડીએ તો દિવસનો કેટલો સમય લોકોને “છોલવા”, “વગોવવા” મા જતો હશે?

  આપણે કાર્યને પ્રાથમિકતા આપીએ અને કોઈને પણ ઉતારી પાડવાનુ તો છોડવુ રહ્યુ. પછી ભલે એ “ઑફિસ હોય, મિત્રો હોય, આપણા સગા-સંબંધી હોય અથવા સમાજ હોય, નેતા હોય”.

  બસ એ જ પ્રાર્થના.

 2. સરસ લેખ….આ વાત વિચાર માંગે છે…

  આપણને લોકોનું છોલવાંમાં જ રસ છે…..ઓફીસમાં સહકર્મીઓ….ઘરે પાડૉશીઓ….જ્યાંને ત્યાં આપણી આ વૃતિ દેખાય છે…એનાથી આપણી નબળાઈઓ છૂપાવવી આપણને ગમે છે.

  અને પ્રામાણીક આજના જમાનાની વ્યાખ્યા માં વેદીયો કે બબૂચક લેખાય છે….જે બીજાના માથે પગ મૂકી ઊપર ચઢીજાય તે Dynamic કહેવાય છે…

  પણ At the end of the day એ So called dynamic સંતોષ કે સુખ નથી મેળવી શકતો જે પરસેવો પાડનાર ને મળે છે…

 3. Darshini says:

  very inspirational……
  NOTHING CAN BE REPLACED TO HARDWORK.

 4. અતુલ જાની (આગંતુક) says:

  ગિરીશભાઈ ના લેખમાં હંમેશા કાંઈક નવીનતા હોવાની જ. પાણીચું ઍટલે પાણીથી ભરેલું શ્રીફળ થાય તે આજે જ ખબર પડી.

 5. Ashish Dave says:

  What you cannot say in front should never be said at the back. This is what my father has taught me.

  Ashish Dave
  Sunnyvale
  California

 6. Shreyas says:

  વાહ, બહુ જ સરસ લેખ છે. છેલ્લા બે પેરેગ્રાફ સૌથી વધારે ગમ્યા.

 7. Rajni Gohil says:

  Man who does his duty and little more always gets success. Honesty can not be measured by money. What Jamanbhai got from his boss shows his boss’s love towards his employee like Jamanbhai. Actually speaking boss did not treat him like an employee, but like a family member. It is said that Judge no one, Condemn no one, criticise no one but appreciate as many as you can.

  Thanks Girishbhai, this story teaches us good moral. What an ideal employee-employer relationship. Hope new generation will learn from this story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.