- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ન વિસરાયેલી વસંત – નસીર ઈસમાઈલી

[‘ગુજરાત સમાચાર શ્રેષ્ઠ વાર્તાઓ : 1995’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

વસંતની હવે કોઈ રાહ નથી જોતું. સિવાય કે વનવગડે વેરાતા એકલાઅટૂલા સુગંધીદાર ટહુકાઓ, જે શહેરની સીમામાં ભાગ્યે જ પ્રવેશી શકે છે. શહેરની કાળી પથ્થરી સડકોથી, ગંધાતી ગટરોથી ગૂંગળાતી ગલીઓ અને પોળોના બદહવાસ રહેવાસીઓને વસંતના વાયરા ભાગ્યે જ સ્પર્શે છે. એમની સતત દોડતી અને થાકે ત્યારે કોઈ રેસ્ટોરન્ટના અંધારિયા ખૂણામાં યા થિયેટરના અંધકારમાં ઓગળતી જિંદગીમાં વસંતને વિસામો લેવાની કોઈ જગ્યા નથી. કેલેન્ડરનાં ફાટતાં પાનાંની વચ્ચે વિરાજેલી વસંત-પંચમી ક્યારેક વસંતની યાદ આપી દે એટલું જ. આકાશની છાતી વીંધતા મિલોનાં કર્કશ ભૂંગળાઓ વચ્ચે વહેલી સવારનો સૂરજ સળગી ઊઠ્યો છે, અને કેલેન્ડરનાં પાનાં પર આજે વસંત-પંચમી વેરાયેલી દેખાય છે. ખુલ્લી બારીમાંથી ઘૂસી આવેલી વહેલી સવારની શહેરી વાસંતી હવાની ઠંડી લહેરમાં કેલેન્ડરનાં પાનાં ફરફરી ઊઠે છે. અને એની સાથે ફરફરી ઊઠે છે – વીતેલાં વર્ષોનાં વાસંતી-પાનાં, જે હજીય મારા જહનમાં એમ ને એમ જ જીવે છે….

તે દિવસે પણ વસંત-પંચમીની આવી જ શીળી હવા ફરફરાવતી વહેલી સવાર હતી, જ્યારે શરદ મને એના કર્કશ જાડા અવાજે બૂમ પાડીને ઊંઘમાંથી જગાડ્યો હતો. શરદ મારો બાળપણનો મિત્ર છે, પણ મારી અને એની વચ્ચે સ્વભાવનું, રુચિઓનું, અભ્યાસનું એટલું મોટું અંતર છે કે, અમે ફક્ત મિત્રો જ રહી શક્યા છીએ, દોસ્તો ક્યારેય નથી બની શક્યા. એસ.એસ.સીનો અફાટ સાગર કેમેય કરતા પસાર નહીં કરી શકવાથી શરદ એના પિતાની મિલોમાં બોબીન સાફ કરવાના કોન્ટ્રેક્ટરના ધંધામાં જોડાઈ ગયો અને હું કૉલેજના અભ્યાસ-જીવનમાં ગૂંથાયો. દુનિયામાં દરેક વસ્તુ ઉપયોગ અને ઉપભોગ માટે જ બનેલી છે, એવું શરદ માને છે. અને એટલે એના શરીરની જાડાઈ બુદ્ધિની જાડાઈને ક્રોસ કરીને ક્યાંય આગળ નીકળી ગઈ છે, પણ એના પૈસાની જાડાઈએ એના શરીર અને બુદ્ધિની જાડાઈને આવરી લીધેલ છે.

‘અલ્યા હેમંતિયા, ઉઠને ! આમ સવારના પહોરમાં કુંભકરણની જેમ ઘોરે છે તે !’ કહી ઝાટકો મારી એણે મને ઉઠાડ્યો હતો. ઘણા સમય પછી એકાએક સવારના પહોરમાં એને આવી ચડેલો જોઈ મને આશ્ચર્ય થયેલું.
‘અરે ભાઈ, બી.એ.નું ફાઈનલ ઈયર છે, એટલે મોડે સુધી વાંચું છું. પછી વહેલા ક્યાંથી ઉઠાય ? પણ શરદ શેઠ, તમને આટલા વખતે આ મુફલિસ મિત્રને યાદ કરવાની ફુરસદ કેમ કરીને મળી એની મને નવાઈ લાગે છે.’ મેં કટાક્ષમાં એને કહ્યું હતું.
‘અરે ભાઈ, એનું એક ખાસ કારણ છે. તું જરા ઊઠીને ઝડપભેર નહાઈ-ધોઈને પરવારી લે. આપણે બહાર જઈએ. પછી કહું છું.’ કહી એણે મારા કુતૂહલને ઉશેકર્યું હતું.

…. અને કૅનેરા કાફેના કૉર્નર ટેબલ પર, એની મોંઘીદાટ સિગારેટના ગૂંગળાવતા ધુમાડાઓ વચ્ચે એણે વાતની શરૂઆત કરી હતી.
‘જો યાર હેમંત, વાત એમ બની છે કે બે-ત્રણ મહિના પહેલાં આપણી સગાઈ થઈ છે.’
‘આપણી નહીં, મારી એમ કહે. અને આ વાત તું મને આજે જણાવે છે ?’ મેં એને અધવચ રોકતાં કહ્યું.
‘હા, પણ તું હવે વચ્ચે બોલ્યા વિના પૂરી વાત સાંભળ. આપણે તો એમ જ છોકરી જોવાની ગમ્મત કરવા ગયેલા. ઘર ખાનદાન પણ ગરીબ સ્થિતિનું અને છોકરી નિશાળમાં માસ્તરની નોકરી કરતી હતી એટલે આપણને બહુ રસ નહોતો. પણ એને જોતાંની સાથે જ આપણે તો એકદમ ફીદા થઈ ગયા. આપણે તો જોઈને જ હા પાડી દીધી. ને સગાઈ થઈ ગઈ.’ બોલતાં એની ઝીણી આંખોમાં આવી ગયેલી હવસની ચમક મને ચીતરી ચઢાવી ગઈ.
‘એ તો સારી વાત છે. અભિનંદન. શું નામ છે છોકરીનું ?’
‘વસંતલતા, પણ ટૂંકમાં વસંત. જેવું નામ એવા જ ગુણ છે. જવાનીની ખીલેલી પુરબહાર મસ્ત મસ્ત વસંત જાણે !’
‘બસ બસ ! પણ આમાં મારું શું કામ આવી પડ્યું તને ?’ મેં એના વસંતવર્ણનને આગળ વધતું અટકાવતાં કહ્યું.
‘અરે ભઈ, મુશ્કેલી એ થઈ છે કે કાલે એનો કાગળ આવ્યો છે. કહોને પહેલો પ્રેમપત્ર. પણ એવું ભારે ભારે ને અઘરું લખ્યું છે એ માસ્તરાણીએ એમાં કે મને તો સમજ જ નથી પડતી. ત્યાં જવાબ શું પથરા લખે ! તું વાંચ ને જવાબ લખી દે ને મને ! આપણે તો અક્ષરેય તું જાણે છે ને અસલ ગાંધીજી જેવા છે’ તમાકુનો મસાલો ભરેલું મોઢું હલાવતાં કહી એણે એ ખુશબુદાર લિફાફો મારા હાથમાં મૂકેલો. અક્ષરો ખરેખર મોતીના દાણા જેવા મરોડદાર અને સુંદર હતા. ભાષા નકશીદાર અને કવિતાની નાજુકાઈને સ્પર્શતી સંવેદનશીલતાથી સભર લખ્યું હતું :

મારા શીત શરદ પ્રીતમ,

રોજ તમારા પ્રથમ પત્રની રાહમાં મારો પાલવ ફરફરે છે, ને સાંજ પડતા શાંત બની પથારીમાં પોઢી જાય છે. સપનામાં તમારો સંદેશો લેવા. શરદ, આજે તો તમારી શીતળતાને મારા અક્ષરોથી ઉષ્મિત કરવાનું નક્કી કરીને જ તમને આ પત્ર લખવા બેઠી છું. મારી કુંવારી આંખોના આકાશમાં સપનાનું વાવેતર કરનાર શરદ. તમે એમાં પુષ્પ બનીને પ્રગટો એ પહેલાં મારા આ પત્ર-પુષ્પની ખુશ્બૂને સ્વીકારી તમારા પ્રેમના પમરાટને પત્ર દ્વારા મારા સુધી પહોંચાડો. મારાં રોમેરોમ એની પ્યાસમાં ચાતક બની ગયાં છે…..

લિ. વસંતલતા

અને લેખન શરૂ કરવાની પરિપકવતા ત્યારે મારામાં આવેલી નહોતી. પણ શબ્દોના સુંવાળા સસલા સાથે ગેલ કરવાનું ગમતું. વસંતના એ પ્રથમ પ્રેમપત્રનો ઉત્તર આપવાનું તો બાજુએ રહ્યું. એ સમજવાનું પણ જડબુદ્ધિ શરદનું ગજું નહોતું. સૌરાષ્ટ્રના એક નાના શહેરની નિશાળની અંડર-ગ્રેજ્યુએટ શિક્ષિકાના પ્રેમપત્રનો એવો જ સુંદર ઉત્તર ન અપાય તો એમાં મને શરદનું અને મારું બેયનું અપમાન લાગતું હતું. અને શરદના આગ્રહને વશ થઈ મેં ઉત્તર લખી આપ્યો.

મારી સ્વપ્નવસંત,

તારા તન-મનના સૌંદર્યની સુગંધ છલકતા તારા પત્રના શબ્દો મારા અસ્તિત્વના અણુએ અણુમાં વાસંતી સપનું થઈને મહોરી ઊઠ્યા છે. આ શીત શરદના રોમેરોમમાં રોજ મહેકતી વસંતને શબ્દોની ફૂલછાબમાં કઈ રીતે ઝીલવી એની મથામણમાં જ આજ સુધી તને પત્ર લખી શક્યો નહોતો. પણ વસંતની શીળી મદમાતી મહેકતી હવાની પહેલી લહેરખી જેવો તારો પત્ર મારી ક્ષણે ક્ષણને તારા પ્યારના પમરાટથી મઘમઘાવી ગયો છે. અને એ મઘમઘાટની મદહોશીએ મારી પાસે આજે એક કવિતા લખાવી છે. એ કવિતા નથી વસંત, તારા પ્રત્યેના મારા પ્યારનું કંડારેલું સજીવન શિલ્પ છે. એ શિલ્પના નાજુક નકશીકામને નીચે અક્ષરોમાં ઉતારી તને મોકલું છું. મને કહીશ એ શિલ્પમાં કંડારાયેલો મારા પ્રેમનો પમરાટ તારા ચાતક બની ગયેલા રેશમી રોમેરોમની પ્યાસ બુઝાવી શક્યો છે કે નહીં ?

વસંતની મહેકતી
મધુરરાત્રીએ
શમણાંની સોડમાં
તું પોઢી હોઈશ ત્યારે
ઉઘાડી બારીમાંથી
ઝળુંબતો ચંદ્ર
એની ચાંદનીની પીંછી ફેરવીને
તારી આંખોના આગળા
ઉઘાડી નાંખશે
અને તારી સુખ-નિદ્રાના કર્ણદ્વારે
મારા પ્રેમની મધુમક્ષિકા
ગણગણી ઊઠશે
પછી એ ગણગણાટનો તરફડાટ
આખીય રાત
તારાં પોપચાંના પોયણાંને
બિડાવા નહીં દે….

શરદે વાંચ્યા વિના જ એ પત્ર પોસ્ટ કરી દીધો. પણ ચોથે દિવસે તો એનાથીય ચડિયાતો એનો ઉત્તર આવીને ઊભો. જાણે નરી નીતરી કવિતા. અને શરદ એનો બાઘો ચહેરો દયામણો બનાવી મારી સામે આવી ઊભો રહ્યો. મને દયા આવી ગઈ.
‘ચાલ શરદ, ઉત્તર તો આનોય લખી આપું છું, અને પછીય લખી દઈશ, પણ એક પ્રોમિસ આપ કે, ક્યારેય લગ્ન પછી પણ, આ પત્રો મેં તને લખી આપ્યા હતા એવું વસંતભાભીને તું નહીં જણાવે…’ મેં કડક શબ્દોમાં ચેતવણી આપી. શરદ તો આ આફત (!) થી મુક્ત રહેવા કંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. અને પત્રોનો એ રેશમી સિલસિલો એવો સુંદર ચાલ્યો કે જો એનો સંગ્રહ કરવામાં આવે તો ગુજરાતી ભાષાનો એક શ્રેષ્ઠ પ્રેમપત્ર-સંગ્રહ થઈ શકે. શરદ તો વાંચ્યા વિના જ બંધ કવર મને આપી જતો અને હું ઉત્તરમાં શબ્દોનાં પારિજાત પોસ્ટ કરી દેતો.

શરદના લગ્નની તારીખ નક્કી થઈ અને એણે આ પત્રજાળથી છુટકારાનો દમ લીધો. આવા સુંદર પત્રો વાંચવાના હવે નહીં મળે અને ઉત્તર પણ નથી આપવાના એ વિચારથી મને સહેજ રંજ થયો. પણ પછી પરીક્ષાની તૈયારીમાં હું એ ભૂલી ગયો. શરદ વસંતલતાને પરણી ગયો. પરીક્ષાને લીધે મારાથી લગ્નમાં ન જઈ શકાયું. એકાદ વાર શરદ-વસંતને ઘેર જમવા બોલાવ્યાં ત્યારે અને બે-ચાર વાર રસ્તામાં અચાનક ભેટો થઈ જતાં વસંતભાભીના સ્મિત મઢ્યા વાસંતીસૌંદર્યનાં દર્શન થયાં ને લાગ્યું કે શરદ ખરેખર ખાટી ગયો હતો. ‘કાગડો દહીંથરું લઈ ગયો’ વાળી કહેવત યાદ આવી ગઈ.

પછી તો એમ.એ., પ્રોફેસરી, વાર્તાલેખન, સાહિત્યની સોગઠાંબાજી, અને જિંદગીના એકલ રણમાં વર્ષાની ઝરમર શરૂ થઈ. છેવટે વર્ષા સાથે લગ્ન અને એક સરેરાશ ગૃહજીવનની શરૂઆત. લગ્નજીવનના નવા અણઘડ દિવસોમાં પ્રથમ પરિચયે જ વસંતભાભીના વિનયી સ્નેહ-સૌંદર્યએ વર્ષાને જીતી લીધી. બંને સાથે હોય ત્યારે ક્યારેક હું મજાક કરી લેતો : ‘વર્ષા ને વસંત બંને ગમતી ઋતુઓ સાથે હોય ત્યારે કઈ ઋતુ સારી એ કહેવું મુશ્કેલ છે.’
‘તમે તો વર્ષાને જ સારી કહેવાના. પછી વસંત ભલેને ગમતી હોય.’ કહેતાં વસંતભાભી આંખને ખૂણેથી સ્નેહભર્યું સ્મિત કરી રૂપાળું છણકતાં અને મને થઈ આવતું ક્યાંક શરદે પેલા પ્રેમપત્રો મેં લખ્યા હતા એ વાત વસંતભાભીને કહી તો નહીં દીધી હોય ! શરદ બાઘાઈ ભરેલું હી-હી કરીને અને વર્ષા સહેજ ઈર્ષ્યાભરેલું સ્મિત કરીને રહી જતાં…’

‘આ વસંતભાભી ઉપરથી ભલે હસતાં રમતાં હોય, પણ અંદરથી બહુ દુ:ખી છે. હેમંત.’ એક દિવસ વર્ષાએ કહ્યું.
‘કેમ ?’ મેં પૂછ્યું.
‘ત્યારે વળી, શરદભાઈ દારૂબારૂ તો પીએ જ છે, ને વળી કંઈક સ્ત્રીઓનાંય લફરાં છે. લક્ષ્મી નામની કોઈ પરિણીત હરિજનબાઈ સાથે સંબંધ છે એમને. વસંતભાભી કહેતાં હતાં કે : હું તો એમના પ્રેમપત્રો વાંચીને ભૂલ-થાપ ખાઈ ગઈ. એમનું વર્તન અને વાણી જોતાં તો એ પ્રેમપત્રો લખવા જેટલી એમનામાં અક્કલ કે સમજ લાગતી નથી… હેમંત, તમે શરદભાઈને લક્મી્રનું લફરું છોડી દેવાનું ન કહી શકો ?’
હું ધ્રૂજી ઊઠ્યો. એક ચરચરાટી અંતરમાં ચીરો કરી ગઈ. મેં પૂછ્યું : ‘તેં જોયા ખરા એ પ્રેમપત્રો વર્ષા ?’
‘ના રે ! કોઈનાય પ્રેમપત્રો આપણાથી વંચાતા હશે ?’ વર્ષા છણકી ઊઠી ને મેં સહેજ નિરાંત અનુભવી.
શરદનો જવાબ નફફટ અને સાફ હતો, ‘વસંત સાથે પરણ્યાં પહેલાંથી લક્ષ્મી સાથે મારે સંબંધ છે. અને એ સિવાય પણ બીજાં લફરાં છે, પણ એની વસંતને શું ફિકર છે ? એની જરૂરિયાતો સંતોષાય છે કે નહીં ? લફરાં મર્દોને ન હોય તો કોને હોય ?’ અને વર્ષા પાસેથી જાણ્યા મુજબ એ રાત્રે શરદે ‘મિત્રોમાં મારી બેઈજ્જતી કરે છે !’ કહી વસંતભાભીને ખૂબ માર માર્યો હતો.

જ્યારે એક વસંત-પંચમીની બપોરી ઊંઘમાંથી બેબાકળી વર્ષાએ મને ઝંઝોળીને ઉઠાડ્યો હતો : ‘ઊઠો, દોડો હેમંત ! વસંતભાભીએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું છે, ને એમને હૉસ્પિટલ પહોંચતા સુધીમાં તો વસંતનું વાસંતી અસ્તિત્વ વિલાઈ ચૂક્યું હતું.

બીજા દિવસે સૌ વસંત-વિલયના શોકમાં ગરકાવ હતા, ત્યારે બપોરની ટપાલમાં આવેલા ગુલાબી લિફાફા પરના મોતીના દાણા જેવા પરિચિત મરોડદાર અક્ષરો જોઈ હું ચમકી ગયો. પત્ર વસંતભાભીનો લખેલો હતો.

હેમંત,

આ સિવાયનું સંબોધન કરવાનો મને અધિકાર નથી. ઈચ્છા હોય તો પણ. આ પત્ર તમને મળશે ત્યારે તો મારી રાખ પણ ઠરી ચૂકી હશે. પણ મારું અશરીરી અસ્તિત્વ જ્યાં હશે ત્યાં તમારી રાહમાં જલતું-ઝરતું હશે. પરણ્યાની પહેલી રાત્રે જ શરદના જડતાભર્યા વાણી-વર્તાવે મને ખ્યાલ આપી દીધો હતો કે મારા પરના પત્રો એણે તો નહોતા જ લખ્યા, અને હવસમાં પૂંછડી પટપટાવતાં એણે મને કહી દીધું હતું કે, એ તમે લખ્યા છે. તમને ખબર નથી હેમંત કે નિર્દોષતામાં તમે એક સંવેદનાભીની નારીના નેહ-નીરને કેવા ચહેરાની દિશામાં વાળવાની કમભાગી કોશિશ કરી હતી. શરદ સહારાના રણને સારું કહેવડાવે એવો ઉજ્જડ આદમી છે.

મારા સપનાનાં વાવેતર તો તમારા પ્રેમપત્રોએ કરેલાં હતાં હેમંત. પછી એમાં શરદનું ફૂલ ક્યાંથી ઊગે ? અને હેમંતનું ફૂલ વસંતમાં ઊગવું સમાજને, મારા સંસ્કારોને મંજૂર નહોતું. છતાંય એને ઊગતું રોકવાનું મારા હાથમાં નહોતું. હા હેમંત, મારી નામરજી છતાં તમે મારા અસ્તિત્વમાં ઊગતા ચાલ્યા ગયા. હું જાણતી હતી, જોતી હતી કે હેમંત, તો વર્ષા સાથે જ જોડાયેલ હોય. વસંત અને હેમંતની વચ્ચે તો શરદનું ભયંકર શીતાગાર ઊભેલું છે. હું બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક બાજુ શરીર અને સંસ્કાર શરદના જુલ્મો સહન કરતા હતા, અને બીજી બાજુ હૈયું હેમંત-હેમંત પોકારતું હતું. આખરે મારા અસ્તિત્વની આ તિરાડ ક્યારેક મારી ઉપરવટ જઈને તમારા અને વર્ષાના સહજીવનમાં તિરાડ પાડી બેસશે એ ભયે આજે વસંત-પંચમીએ મેં વસંત-વિલય કરવાનો નિર્ણય કરી લીધો છે.

મને ખબર છે, શરદ આવતી કાલે બીજી વસંત લઈ આવશે. ચાર પુત્રીઓ અને બે પુત્રોના બહોળા પરિવારમાં ગૂંથાયેલાં મારાં મા-બાપ આ વસંતને એક દહાડો વીસરી જશે. પણ તમે દર વસંત-પંચમીએ મારો આ પત્ર વાંચીને મને યાદ કરજો. હું જ્યાં હોઈશ ત્યાં તમારા એ સ્મરણનો સ્નેહસાદ મને પહોંચશે. તમારી આ વસંતનું આટલું આખરી વચન પાળશોને હેમંત ! બસ એટલું જ. જિંદગીની આ આખરી ક્ષણે, આખરી કબૂલાત ટાણે આટલી જ આખરી ઈચ્છા છે. આવજો ત્યારે….

તમારી હેમંતી વસંત

એ પછીની ન જાણે આ કેટલામી વસંત-પંચમી છે આજે. જીર્ણ થઈ ચૂકેલો વસંતનો આખરી પત્ર મારા ટેબલ પર બારીમાંથી વહી આવતી વાસંતી હવામાં ફરફરે છે. હું ગુમસુમ એ જોઈ રહ્યો છું.
‘કેમ આમ ગુમસુમ બેઠા છો ? કૉલેજ નથી જવું ? પિંકીની હાઈસ્કૂલમાં આજે રજા છે. તમારે જવાનું છે ?’ વ્યસ્ત વર્ષા ચિંતિત ચહેરે પૂછે છે.
‘આજે વસંત-પંચમી છે ને ? પણ કૉલેજ તો ચાલુ જ છે.’
‘હોય હવે. વસંત-પંચમી તો દર વર્ષે આવે ને જાય. શહેરમાં વસંત જ યાદ નથી આવતી, ત્યાં વસંત-પંચમી કોને યાદ રહે ?’ વર્ષા કહે છે.
‘હા સાચી વાત છે વર્ષા. વસંત તો આવે ને જાય. કોને યાદ રહે છે.’ કહેતાં ભીની આંખે હું વસંતના જીર્ણ પત્રને પ્યારથી ગડી વાળી ઋજુતાથી ટેબલના ડ્રોઅરમાં મૂકું છું. આવતી વસંત-પંચમી સુધી….

[કુલ પાન : 456. કિંમત : રૂ. 200. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]