- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એક વાચકનો મનોભાવ – તંત્રી

હંમેશની જેમ રાત્રિના દસ વાગ્યે હું કૉમ્પ્યુટર બંધ કરીને હાથમાં પુસ્તક પકડવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં ફૉનની ઘંટડી રણકી ઊઠી. રાત્રિનો સમય હોવાથી મને થયું કે કદાચ કોઈ ઈન્ટરનેશનલ કૉલ હોઈ શકે.
‘નમસ્તે, હું મૃગેશભાઈ સાથે વાત કરી શકું ?’ રિસીવર ઉપાડતાં સામે છેડેથી કોઈક બેનનો અવાજ સંભળાયો.
‘જી…. કહો..’ મેં કહ્યું.
‘સૌ પ્રથમ હું તમને મારો થોડો પરિચય આપું અને પછી મુખ્ય મુદ્દા પર આવું.’ એમ કહી તેમણે વાત શરૂ કરતાં કહ્યું : ‘મારું નામ મેઘના છે. મેરેજ પછી લંડનમાં રહું છું અને સમયની અનુકુળતાએ રીડગુજરાતીની મુલાકાત લેતી રહીને મારી બેટરી ચાર્જ કરતી રહું છું ! થોડા વર્ષો પહેલાં મેરેજ કર્યા બાદ અહીં લંડનમાં સ્થાયી થયે મને હજુ ત્રણેક વર્ષ થયા છે પરંતુ આખો દિવસ જોબને કારણે સમય ક્યાં જતો રહે છે તેની ખબર નથી પડતી.’

રીડગુજરાતીના તેમના અહોભાવ પ્રત્યે મેં આભાર વ્યક્ત કર્યો અને લંડનના વાચકો, ત્યાંની લાઈબ્રેરીઓ, પ્રકાશિત થતા સામાયિકો તથા ત્યાંના લોકોના વાંચનરસ વિશે તેમની પાસેથી થોડી ઘણી માહિતી મેં એકઠી કરી. ફરીથી તેમણે મુખ્યવાતનો દોર પકડ્યો.
‘મેં તમને એક ખાસ કામ માટે ફોન કર્યો છે.’
‘જરૂરથી કહો. શું આપને કોઈ પુસ્તકની માહિતી જોઈએ છે ?’ મેં આદતથી પૂછી નાખ્યું.
‘ના… ના… મારે કોઈ પુસ્તકની માહિતી નથી જોઈતી, પરંતુ મારા મનમાં એક વિચાર છે એને અમલમાં મૂકવાની શરૂઆત કરવી છે.’
‘ક્યો વિચાર ?’
તેમણે તેમના મનમાં રહેલા વિચારનો વિસ્તૃત ચિતાર આપતાં કહ્યું : ‘મારે કેટલાક જરૂરિયાતમંદોને મદદ કરવી છે. જે અભાવગ્રસ્ત છે તેમને આર્થિક સહાય કરવી છે. ખાસ કરીને મારો વિચાર મધ્યમવર્ગીય લોકોને મદદરૂપ થવાનો છે કારણ કે ગરીબ તો ‘ગરીબ છે’ તેમ કહીને ચલાવી શકે છે, ધનવાનને કોઈ જરૂરિયાત નથી હોતી પરંતુ સમાજનો મધ્યમવર્ગ નથી કોઈને કહી શકતો કે નથી સહન કરી શકતો. તેમને બંને તરફથી ભીંસાવું પડે છે. મેં જોયું છે કે ઘણી વાર આર્થિક સહાયતાના અભાવે એવા વર્ગના બાળકો પોસ્ટગ્રેજ્યુએશન નથી કરી શકતા, ટેલન્ટ હોવા છતાં પરદેશ ભણવા નથી જઈ શકતા. વર્તમાન સમયમાં દીકરીને ‘સ્કૂટી’ વગેરેની જરૂરિયાત હોવા છતાં માતાપિતા નબળી આવકને લીધે તેમને સાધન અપાવી શકતા નથી. સમાજના આવા વર્ગના બાળકો પોતાની આસપાસના ધનવાન બાળકો સાથે રહેતાં-ભણતાં હોય તેથી આ અભાવોથી તેમના મનમાં એક પ્રકારની નિર્બળતા કે અસફળતાની લાગણી ઊભી થાય છે. મારે એ વર્ગને સહાય કરીને તેમને પગભર કરવા છે.’

તેમણે પોતાના જીવનનું દષ્ટાંત આપીને કહ્યું કે : ‘હું પોતે પણ એવા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું અને હજી પણ મધ્યમવર્ગની જ છું. ફરક એટલો છે કે આજે હું ઘર ચલાવવા જેટલું તથા થોડી બચત કરવા જેટલું કમાઈ લઉં છું. પરંતુ હું જ્યારે ભારતમાં ભણતી હતી ત્યારે અમારી આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હતી. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અમને ભણાવવા મારા પપ્પાને અનેક જગ્યાએ સ્કોલરશિપ માટે તપાસ કરવી પડતી. કેટલાક લોકો સ્કોલરશિપ આપવાની ના પાડે, વળી કેટલાકને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી પડી હોય તો નિરાશ થઈને પાછા ફરવું પડે – એવા ઘણા પીડાદાયી દિવસો મેં જોયા છે. ધનવાન તો નથી જ પરંતુ ગરીબમાં પણ ન ગણાઈએ, એવી આ ત્રિશંકુ સ્થિતિ ક્યારેક બહુ ભયંકર હોય છે. તેથી મનમાં મેં ગાંઠ વાળી હતી કે હું જ્યારે થોડીક આર્થિક પગભર થઈશ કે તરત મારાથી બનતું કંઈક કરવાની કોશિશ કરીશ.’

‘તમારા વિચારો ખૂબ જ સુંદર છે.’ મેં પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું અને ઉમેર્યું, ‘પ્રત્યેક માનવી જો આમ જ વિચારે તો કેટલા સ્વસ્થ સમાજનું નિર્માણ આપણે કરી શકીએ ! કદાચ કોઈકના મનમાં આ પ્રકારના વિચારો હશે પણ ખરા, પરંતુ તમારી જેમ તેનું અમલીકરણ કરવાની તૈયારી ઘણા ઓછાં લોકો કરી શકતા હોય છે. તમને આ પ્રકારના વિચારો આપનાર કોઈ પ્રેરકબળ ખરું ?’ મેં કૂતુહલતાથી પૂછ્યું.

‘હા. વાસ્તવમાં હું પણ મારા મનના ભાવોને આકાર ન આપી શકી હોત પરંતુ દેશમાં અમારા એક પરિચિત વડીલ હતા. તેઓ ખૂબ દયાળુવૃત્તિના હતા. મેં ભાગ્યે જ એવા કોઈ માણસો જોયા છે. તેઓ હંમેશા મને કહેતા કે “તમારે કોઈને મદદ કરવી હોય તો માત્ર પૈસાની આવશ્યકતા હોવી જોઈએ એવું કંઈ જરૂરી નથી. તમારી પાસે જે ક્ષમતા કે પ્રતિભા હોય તેનાથી તમે જીવનમાં બીજાને ઉપયોગી થઈ શકો છો. તમારા અંત:કરણમાં બસ મદદરૂપ થવાની વૃત્તિ હોવી જોઈએ તો સર્વપ્રકારની અનુકૂળતાઓ તમને આપોઆપ સાંપડે છે.” તેઓ ખાલી ભાષણ કરતાં એટલું નહીં પરંતુ તેમણે તે ચરિતાર્થ કરેલું હતું. તે પોતાના વાહન પર મિનરલ વોટરની 25-30 બોટલો લઈને રસ્તા પર નીકળતા અને ઉનાળાના ધોમધખતા તાપમાં પગરીક્ષા ખેંચી જનારા મજૂરો, સામાનનો બોજ ખેંચી જતા ગાડાવાળાઓ અને તમામ મજૂરવર્ગને એ ઠંડા પાણીની એક-એક બોટલ આપી આવતા. આ એમનો રોજનો નિત્યક્રમ હતો. મને તેમના આ કાર્યથી ખૂબ પ્રેરણા મળી. એ પછી પણ મારા સંપર્કમાં આવતા કોઈ ને કોઈ લોકો પોતાની ક્ષમતા અનુસાર કંઈક ઉપયોગી કાર્ય કરી રહ્યા હોય તેવું સતત બનતું રહ્યું.

કોઈક સમાજ ઉપયોગી કાર્ય કરવાનું મારા મનમાં છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહ્યું હતું. સમય વીતતો ગયો… લગ્ન થયાં અને અહીં નવા દેશમાં આવવાનું થયું તેથી વચ્ચેના ઘણા વર્ષો જીવનને પાટા પર લાવવામાં નીકળી ગયા. રીડગુજરાતીના લેખોમાં જ્યારે એવા પ્રેરણાદાયી લેખો આવે ત્યારે ફરી પાછી આ વૃત્તિ ઊભી થાય. થોડા દિવસ કામમાં પરોવાઈ જઈએ, વળી પાછું કંઈક વાંચીએ એટલે મન ઝાલ્યું ના રહે. અંતે તો દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે તો જીવનમાં અન્યને મદદરૂપ થવાની શરૂઆત કરી જ દેવી. દિવસ-રાત વિતતા રહે છે અને આયુષ્ય આમને આમ ખર્ચાતુ જાય છે. કેટલાય અભાવગ્રસ્તો સહાય વિના રહી જતા હશે, તેમાંથી થોડા ઘણાને આપણે થોડીક રીતે મદદરૂપ થઈ શકીએ તો કેટલું સારું.’

‘જી… જરૂર. આ પ્રકારના શુભકાર્યમાં ઉપયોગી થવાનું કોને ન ગમે ? કહો, હું આપને શી રીતે આમાં મદદરૂપ થઈ શકું ?’ મેં તેમની વાતને સમર્થન આપતાં કહ્યું.
‘આર્થિક રીતે હું કાંઈ સદ્ધર નથી પરંતુ મારી થોડી ઘણી બચત સાથે મારો પરિવાર, સગાસંબંધી અને મિત્રવર્તુળ મને આ બાબતમાં મદદ કરવા તૈયાર છે. તેથી મારી ઈચ્છા એટલી છે કે એવા સાચા જરૂરિયાતમંદોની વિગતો રીડગુજરાતીના વાચકો તરફથી મળે તો હું આ શુભકાર્યની શરૂઆત કરી શકું. પરદેશમાં રહેતા હોવાને લીધે વ્યક્તિગતરીતે હું સામાજિક કાર્ય કરતી સંસ્થાઓને રૂબરૂ મળીને તેમની કામગીરી જોઈ શકું તે શક્ય નથી. વળી, મદદના નામે ચકાસણી કર્યા વગર ખોટી જગ્યાએ પૈસા પહોંચે અને તેનો ખોટો ઉપયોગ થાય એવો ભય પણ રહેલો છે. તેથી શિષ્ટ સાહિત્ય વાંચતો સમાજનો વર્ગ, આર્થિકસહાય ઈચ્છતા પરિવારોની વિગતો મારા સુધી પહોંચાડે તો હું શક્ય એટલું મારાથી બનતું કરવા પ્રયાસ કરું. માત્ર એટલું જ નહિ, લંડનમાં રહેતા કોઈ વાચક ને આ પ્રકારની ઈચ્છા હોય અને તે આ શુભકાર્યમાં જોડાશે તો મને અતિ આનંદ થશે.’ એમ કહી તેમણે તેમની વાત પૂરી કરી.

મેઘનાબેન પાસે તમામ વિગતો ઝીણવટપૂર્વક જાણી અને તેમની આ શુભપ્રવૃત્તિમાં મદદરૂપ થવાના ભાગરૂપે લખાયો આ લેખ.
વાચકમિત્રો, રીડગુજરાતીને પણ આ રીતે વાચકો તરફથી ઘણી આર્થિક સહાય મળેલી છે તે હું કેમ ભૂલી શકું ? વ્યક્તિગત આર્થિક ક્ષમતાના અભાવે હું પ્રત્યક્ષ કોઈને મદદરૂપ થઈ શકતો નથી તેથી થયું કે જો હું મેઘનાબેન જેવા મદદરૂપ થનાર લોકોને માટે એક દિશા ચીંધી શકું તોય ઘણું. તેમની ઈચ્છા એવા દરેક વ્યક્તિને મદદ કરવાની છે જે જીવનમાં આગળ વધવાની ધગશ ધરાવનાર હોય. કોઈ બાળકના માતાપિતા સ્કૂલ ફી ના ભરી શકતા હોય, ઉચ્ચ અભ્યાસ ન કરાવી શકતા હોય, અભ્યાસના પુસ્તકો ન લાવી શકતા હોય, રોજગારી માટે કૉમ્પ્યુટર ન હોય, આ ઉપરાંત કોઈ બીમાર વૃદ્ધ આર્થિક સહાયતાના અભાવે દવા ન લાવી શકતા હોય, કોઈકને લગ્નનો ખર્ચ ન પરવડતો હોય અથવા જીવનમાં આવતી દરેક વિકટ પરિસ્થિતિમાં જેને મદદની જરૂરિયાત હોય તેવા કોઈ પણ અભાવગ્રસ્ત વ્યક્તિઓની વિગત આપ તેમના સુધી પહોંચાડશો તો તેઓ બનતું કરવાની કોશિશ કરશે. સહાય ખરેખર યોગ્ય વ્યક્તિને પહોંચે તે માટે આપ તમામ વિગતો બરાબર ચકાસીને તેમના સુધી પહોંચાડશો તેવી નમ્ર વિનંતી છે.

આવો, આપણે સૌ સમાજના છેવાડાના માણસને મદદરૂપ થવાનો આપણી ક્ષમતા અનુસાર પ્રયત્ન કરીએ. મેઘનાબેન સાથે સંપર્ક કરવા માટેની વિગતો નીચે પ્રમાણે છે.

નામ : મેઘના વિજય ડોલિયા
સ્થળ : સાઉથહૉલ, મિડલસૅક્સ, લંડન.
ઈ-મેઈલ : mahi_1981@rediffmail.com