ગાર્ગી – રશ્મિ શાહ

[‘ઓળખ’ સામાયિકમાંથી સાભાર.]

આ વાત છે ગાર્ગીની. ગાર્ગી અને મયૂરની. ગાર્ગી અને…

આજે તો ગાર્ગી અને મયૂર અમેરિકાના જર્સી શહેરમાં રહે છે. શહેર ખરું પણ શહેરનો ભરચક વિસ્તાર નહિ. અમેરિકામાં જેને ‘ડાઉનટાઉન’ કહે છે એવો ગીચ વિસ્તાર નહિ. વસ્તીથી દૂર એકાંત વિસ્તાર. એવું નથી કે ગાર્ગીને એકાંત ગમે છે. પણ વરસો સુધી મુંબઈના ધબકતા વિસ્તારમાં રહ્યા પછી એકાંતનો અનુભવ કરવો એને ગમે છે. બાકી એકલતા ગાર્ગીના સ્વભાવમાં નથી. નિવાસસ્થાન એકલતાવાળા વિસ્તારમાં છતાંય શનિ-રવિ ‘વીક-ઍન્ડસ’ માં મિત્રોની ભરમારથી ધબકતું. સોમથી શુક્ર તો નોકરી હોય – એટલે ચહેરાઓની ભરમાર પણ હોય. ઘેર આવે પછી એ, મયૂર અને એક વર્ષનો નાનકડો સમીર. શનિ-રવિ ધમાલ-મસ્તી અને મિત્રોનાં ટોળાં.

ગાર્ગીનું પિયર મુંબઈમાં. મુંબઈના કફ-પરેડ વિસ્તારમાં આલિશાન ફલેટ. જીવનની સમજના વરસો એણે ત્યાં જ વીતાવ્યાં. પપ્પા વ્યવસાયી માણસ. એ, એમનો વ્યવસાય, વ્યવસાયના માણસો અને પાર્ટીઓ. મસ્તીભરી જિંદગી. છતાંય કુટુંબ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત. ગાર્ગીને એક ભાઈ. એનાં કરતાં બે વર્ષ નાનો. હાલમાં પપ્પા સાથે વ્યવસાયમાં જોડાયેલો. પરિણીત. એ પણ એક પુત્રનો પિતા. એમનો પણ સુખી સંસાર. ગાર્ગીની મમ્મી સીધી સરળ અને પ્રેમાળ. ઘરરખ્ખુ સ્ત્રી. પપ્પાના વ્યવસાયમાં શરૂઆતના તબક્કે ઘણી મદદ કરેલી. પણ એમના મિત્રો અને પાર્ટીઓની સંસ્કૃતિથી જોજનો દૂર. આ બધી વાતો એટલા માટે જરૂરી કે તો જ ગાર્ગીનો સંપૂર્ણ પરિચય મળે. ગાર્ગી નાનપણથી સ્વભાવે મોજિલી. મજાક મસ્તી એનો સ્વભાવ. આર્થિક સમૃદ્ધિમાં ઉછરેલી છતાંય દિલથી સરળ. દોસ્તી બાંધી શકે અને નિભાવી શકે એવી. એના સ્વભાવની ખાસ ખાસિયત એનો ટીખળી સ્વભાવ. નાની હતી ત્યારથી જ ટીખળ કરવાની એની આદત.

નાનાં-મોટાં સહુની મજાક કરે. એ રહેતી હતી એ ફલેટમાં બધાંની માનીતી. એના ટીખળી સ્વભાવના કારણે ઘણાંબધાં એનાં દોસ્ત અને સંખ્યાબંધ સહેલીઓ. નાનાં-મોટાં સહુને બોલાવે. હસી મજાક કરે. સાથે સાથે કોઈનાં પણ કામ હોય ત્યારે એ હાજર હોય. મુંબઈ જેવાં શહેરમાં પણ ફલેટના લોકોના હાર્ડવેરથી માંડી હોસ્પિટલ સુધીનાં કામમાં મદદ કરે. પણ કોઈની તાકાત નહિ કે ગાર્ગીને છેતરી શકે. એની રમૂજ અને ટીખળના ઘણાં કિસ્સા અને ઘણી ચર્ચાઓ. એપ્રિલ મહિનાની પહેલી તારીખે કોઈને કોઈ તો ‘એપ્રિલફૂલ’ની મજાકનો ભોગ બને. મજાક હોય પણ નિર્દોષ. ક્યો છોકરો, કઈ છોકરીનો દીવાનો છે એની એને ખબર. ક્યારેક કોઈના નામે ચિઠ્ઠી લખી સંદેશો મોકલે અને કોઈકને મલબાર હિલ તો કોઈકને હેંગિગ ગાર્ડન, કોઈકને મરાઠા મંદિર તો કોઈકને મેટ્રો થિયેટર પર મોકલે. કલાક-બે કલાક રાહ જોઈ જ્યારે આશિક પાછો ફરે ત્યારે એમના ચહેરા જોઈ હસે અને પૂછે પણ ખરી કે શું થયું ? આજે, કઈ તારીખ છે ? અને પછી ‘ટ્યુબલાઈટ’ થાય કે પોતે ગાર્ગીનાં કારસ્તાનનો ભોગ બન્યાં છે.

ગાર્ગીના ફલેટમાં ત્રીજા માળે એક કાંતાબેન રહે. શરીર થોડું ભારે. એક દિવસ લિફટનું રિપેરીંગ અને સર્વિસનું કામ ચાલે. ગાર્ગીના દિમાગમાં સળવળાટ થયો. એણે એક સાત-આઠ વર્ષના છોકરાને બોલાવ્યો. નામ એનું નીતિન. બરાબર સમજાવીને મોકલ્યો. એણે જઈને કાંતાબેનને કહ્યું કે નીચે કોઈ વૃદ્ધ એમને મળવા આવ્યા છે. લિફટ બંધ હોઈ એમનાથી ઉપર આવી શકાય એમ નથી. એટલે નીચે બોલાવે છે. બિચારાં કાંતાબેન સમજ્યાં કે એમના પિતાજી આવ્યા હશે એટલે ત્રણ દાદર ઊતરી નીચે ગયા. જોયું તો કોઈ નહિ. વોચમેનને પૂછપરછ કરી પણ વ્યર્થ. નિરાશ વદને અને ઉદાસ ચહેરે હાંફતાં-હાંફતાં ત્રણ દાદર ચઢી ઉપર આવ્યાં. નીતિનને પકડી કડક પૂછપરછ કરી. પણ નીતિન બરાબર પાઠ ભણેલો. મગનું નામ મરી પાડે જ નહિ. બિચારાં કાંતાબેન ગાળો બોલતાં-બોલતાં ચાલ્યા ગયાં. એમના ગયા પછી નીતિનની મમ્મીએ નીતિનને બરાબર ધમકાવ્યો અને પૂછપરછ કરી ત્યારે આખા બનાવના કેન્દ્રમાં ગાર્ગીનું નામ આવ્યું. નીતિનની મમ્મીએ ગાર્ગીના ઘેર જઈ એની મમ્મીને ગાર્ગીની વાત કરી. ગાર્ગીની મમ્મીએ ગાર્ગીને અંદરના ઓરડામાંથી બોલાવી ધમકાવી ત્યારે ગાર્ગીએ હસીને કહ્યું : ‘મમ્મી, મેં તો કાંતામાસીને થોડી કસરત કરાવી. આવું ઢમઢોલ શરીર લઈને બેસી રહે છે તે દિવસમાં એકાદવાર પણ ચઢઉતર કરે તો શરીર ઓછું થાય.’ ગાર્ગીની આવી નાની-મોટી હરકતોથી ફલેટના રહીશો વાકેફ. એટલે ક્યારેક એવું પણ બનતું કે ગાર્ગીની સાચી વાત પણ લોકો તપાસે ખરાં.

ગાર્ગી મોટી થઈ. બી.એ. થઈ. વળી આગળ એમ.એ થઈ. એના પપ્પાએ એના માટે મુરતિયો શોધવાની શરૂઆત કરી. ગાર્ગીના ઘરમાં ઈન્ટરનેટ સુવિધા હતી. ગાર્ગીને કમ્પ્યુટર પર શોધખોળ કરવાનો શોખ. જાતે જ મુરતિયો શોધવા લાગી. શોધતાં-શોધતાં એક દિવસ મયૂર હાથે ચઢી ગયો. ઈન્ટરનેટ પર ‘ચેટિંગ’ શરૂ કર્યું. થોડા દિવસમાં એની બધી જ વાતો જાણી લીધી. મનોમન વિચારી લીધું. છોકરો સારો છે. સરળ છે. જીવનસાથી તરીકે ઉમદા છે. એક દિવસ લગ્ન અંગે સીધો જ પ્રશ્ન કર્યો. મયૂરે જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં ભારત આવવાનો છે ત્યારે સીધો મુંબઈ આવશે. મુંબઈમાં મલાડમાં એના કાકા રહેતા હતાં. આવીને ફોન કરશે. દરમ્યાન ઈન્ટરનેટ પર સંપર્ક ચાલુ જ રહ્યો.

ડિસેમ્બર મહિનો આવ્યો. મયૂરે આવવાની તારીખ જણાવી દીધી. બેઉ જણે પોતપોતાના ઘેર વાત કરી દીધી. મયૂર મૂળ અમદાવાદનો. પપ્પા-મમ્મીને મુંબઈ બોલાવી લીધાં. આવીને એણે ગાર્ગીને ફોન કર્યો. બપોરે બેઉ જણ ચર્ચગેટની રેસ્ટોરામાં મળ્યા. રૂબરૂ મુલાકાત સારી રહી. બેઉ જણે વાત પાકી કરી લીધી. બીજા દિવસે ગાર્ગીના ઘેર કુટુંબસહિત મળવાનું નક્કી થયું. વ્યવહાર નિભાવવાનો હતો. ગોળ-ધાણાં વહેંચાઈ ગયાં. મયૂર માત્ર બે અઠવાડિયાં રોકાવાનો હતો એટલે ‘ચટ મંગની પટ બ્યાહ’ પ્રમાણે બીજા અઠવાડિયે લગ્ન નક્કી થયાં. ગાર્ગીના પપ્પા મુંબઈના જાણીતા માણસ. પૈસે ટકે પહોંચેલા. એક અઠવાડિયામાં ધામધૂમથી લગ્ન કરી નાખ્યાં. ગાર્ગી અને મયૂર ચારદિવસ માટે ‘હનીમૂન’ માટે ગોવા ફરી આવ્યાં. મયૂર અમેરિકા ચાલ્યો ગયો. એક મહિના બાદ વિસા મળતાં ગાર્ગી પણ અમેરિકા પહોંચી ગઈ. ગાર્ગી અમેરિકામાં પલાંઠી વાળીને બેસે એમ નહોતી. એમ.બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. લગ્ન થયાં. ભણતર પણ ચાલુ થયું પણ મસ્તીમજાકનો સ્વભાવ એવોને એવો જ રહ્યો.

એક દિવસની વાત છે. મયૂર અને ગાર્ગીને એક મિત્રના ઘેર સાંજે સાત વાગે પહોંચવાનું હતું. મિત્રના જન્મદિવસની પાર્ટી હતી. શનિવારનો દિવસ હતો. રાત્રે ત્યાં જ રોકાવાનું હતું. આખા દિવસની રજા છતાંય સ્વભાવની રાજાશાહી તે સાંજે સાત વાગ્યા સુધી ઘરેથી નીકળ્યા જ નહિ. સાત વાગે મિત્રનો ફોન આવ્યો. કહી દીધું કે અડધા રસ્તે પહોંચ્યા છીએ. અડધો કલાકમાં પહોંચી જઈશું. પણ મિત્રના ઘરનો રસ્તો જ પૂરા એક કલાકનો. ઝડપથી તૈયાર થઈ નીકળ્યાં. ગાડી હાઈવે પર ખૂબ ઝડપથી ભગાવી. ગતિ મર્યાદાનો ચોખ્ખો ભંગ. વીસ મિનિટ થઈ હશે ત્યાં જ પાછળથી ‘કોપ્સ’ (પોલીસ)ની ગાડીની સાયરન વાગી. મયૂર સમજી ગયો ને બોલ્યો : ‘ગાર્ગી, આજે આવી બન્યું. બસો ડૉલરની ટિકિટ (દંડ) મળી જશે. ઉપરથી પોઈન્ટ મળશે એ વધારાનાં.’ (અમેરિકામાં કાયદાના ભંગ બદલ દંડ થાય ઉપરાંત પોઈન્ટ મળે. પોઈન્ટ મુજબ બીજા વરસે વિમાની રકમ પણ વધી જાય.)

ગાર્ગીએ હસીને કહ્યું : ‘ચિંતા ના કરીશ. મારું નાટક જોયા કર. ગભરાતો નહિ. ગભરાયાનો ડોળ જરૂર કરજે.’
મયૂરે ગાડી બાજુમાં ઊભી રાખી. પાછળ પોલીસની ગાડી ઊભી રહી. પોલીસમેન ગાડીની બહાર આવ્યો. વિવેકપૂર્વક મયૂર પાસે આવી એનો ગુનો સમજાવ્યો. મયૂરે સામે જવાબ આપતાં કહ્યું : ‘યસ સર, આઈ એમ સોરી, પણ મારી પત્નીની તબિયત સારી નથી. મારે એને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી જરૂરી છે.’
પોલીસમેને બાજુની સીટ પર ગાર્ગી તરફ જોયું. ગાર્ગી બે હાથ પેટ પર વિંટાળી કણસતી હતી. અને શુદ્ધ ગુજરાતીમાં કાંઈક બોલી રહી હતી. પોલીસમેનના કાને માત્ર ‘હૉસ્પિટલ’ શબ્દ સંભળાયો. એણે પૂછ્યું : ‘શું કહે છે મેડમ ?’
મયૂરે એના દર્દ વિશે અને જલદી હૉસ્પિટલ પહોંચાડવા વિનંતી કરતી હોવાનું કહ્યું. પોલીસમેન ડઘાઈ ગયો. તરત મયૂરને કહ્યું ‘જેન્ટલમેન, બી કવીક. તમારી પત્નીને જલ્દી હોસ્પિટલ પહોંચાડો. પણ ભવિષ્યમાં ધ્યાન રાખજો. આવી તાકીદ હોય ત્યારે ગાડી ઝડપથી હંકારવાના બદલે 911 પર ફોન કરજો.’

‘સ્યોર સર’ કહેતાં મયૂરે ગાડી હંકારી. થોડે દૂર પહોંચ્યા પછી એણે ગાર્ગીને કહ્યું : ‘તું તો યાર જબરી કલાકાર છો. મુંબઈમાં હતી તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવવું હતું ને !’
‘તું પણ સારો ડાયરેકટર છે. મારી પીડાનું નાટક સમજીને તરત પોલીસવાળાને કહી દીધું કે પત્ની બીમાર છે. હોસ્પિટલ લઈ જવાની ઉતાવળ છે. ગુડ. વેરી ગુડ. ચાલ, આપણે બેઉ જણ બોલિવુડના બદલે હોલીવુડમાં પ્રયત્ન કરીએ.’ અને બેઉ જણ હસી પડ્યાં. બિચારો પોલીસમેન !…. મિત્રના ઘેર લગભગ આઠ વાગ્યે પહોંચ્યા. મિત્રએ ગુસ્સે થઈ મોડાં આવવા બદલ અને અન્યોને રાહ જોવડાવવા બદલ ઠપકો આપ્યો. જવાબમાં ગાર્ગીએ હસીને આખો પ્રસંગ કહ્યો ત્યારે હાજર બધાં જ હસી પડ્યાં.
કોઈએ કહ્યું : ‘સારો આઈડિયા છે કામ લાગશે.’
ગાર્ગીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું : ‘ડોન્ટ સ્પોઈલ ઈમેજ ઑફ ઈન્ડિયન્સ ! કોઈ નવો આઈડિયા જોઈતો હોય તો મને ફોન કરજે. આપણે બધાં અહીં પૈસા કમાવા આવ્યા છીએ રાઈટ ? એકની એક તરકીબો અજમાવી દેશનું નામ ખરાબ નહિ કરવાનું.’
‘રાઈટ’ અને બધાં ફરી હસી પડ્યાં.

પછી તો ગાર્ગી એમ.બી.એ થઈ ગઈ. એક માર્કેટિંગ કંપનીમાં સારા હોદ્દા અને પગારની નોકરી પણ મળી ગઈ. નવી નોકરી અને પોતાની ગાડી નહિ એટલે ગાર્ગીને બિચારીને જાહેર બસનો ઉપયોગ કરવો પડતો. ઘરમાં એક ગાડી હતી એ મયૂર લઈ જતો હતો. જો કે ગાર્ગી દરેક પરિસ્થિતિમાં હળવી જ રહેતી. બસમાં એની સાથે જ એક યુવાન બસ-સ્ટૉપ પરથી રોજ બેસતો હતો. એ રોજ ગાર્ગીને ધારી-ધારીને જોયા કરતો. જેવી ગાર્ગીએ તરફ નજર માંડે કે બિચારો શરમાઈને નજર ફેરવી લેતો. ગાર્ગીને મજા પડી. એનો રમતિયાળ અને મજાકીયો સ્વભાવ પાછો જાગી ઊઠ્યો. એણે સમજી લીધું કે છોકરો આશિક છે પણ સારો અને સરળ છે. થોડો શરમાળ પણ ખરો. મિત્રતા બાંધવામાં જોખમ નથી. એક દિવસ ગાર્ગી એની બાજુમાં જઈ બેઠી. એણે જોયું કે એનું બેસવું પેલાને ગમ્યું હતું. પણ શરમાળ સ્વભાવને કારણે વાતચીત નહોતો કરી શકતો. ગાર્ગીએ ધીમેથી પૂછ્યું.
‘આર યુ ઈન્ડિયન ?’
‘યસ. ગુજરાતી.’
‘ઓહ ! હું પણ ગુજરાતી છું. શું નામ તમારું ?’
‘ગૌરાંગ. આયમીન ગૌરાંગ પરીખ. વડોદરાનો છું. આપ ?’
‘હું પણ ગુજરાતી છું. મુંબઈની. ગાર્ગી શાહ. મેન્સન એન્ડ મેન્સનમાં છું. માર્કેટિંગ વિભાગમાં.’
‘આય નો. હું તમારાથી આગળ મે’ફેરમાં છું.’
‘સરસ.’

એ દિવસે ગાર્ગીએ એટલી જ વાત કરી. બીજા દિવસે ફરી એની બાજુમાં બેઠી. પેલાએ વાત શરૂઆત કરી.
‘કેમ છો મજામાં ?’
‘જી, મજામાં. તમે કેમ છો ?’
‘મજામાં’
ધીમે ધીમે મુલાકાતો અને વાતો સાહજિક થવા લાગી. એ દિવસોમાં ગાર્ગીની કંપની એક પ્રદર્શનમાં ભાગ લઈ રહી હતી. એની કંપનીનો ત્યાં સ્ટોર હતો. બે દિવસ પછી પ્રદર્શન શરૂ થવાનું હતું. પ્રદર્શન અંગેની સઘળી જવાબદારી ગાર્ગી સંભાળી રહી હતી. સ્ટોર શરૂ કરવા અંગેનો બધો સામાન ટ્રકમાં મોકલાઈ ગયો હતો. સાંજે ત્યાં જઈ ગાર્ગીએ બધી ગોઠવણ જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલાંક પૂર્જાના બે ખોખાં રહી ગયાં હતાં. એ લાવવાં જરૂરી હતાં. ખોખાં વજનદાર હતાં અને પોતાની પાસે ગાડી નહોતી. કંપનીની ગાડી મળી શકે એમ હતી, પણ નવી નોકરીના કારણે કંપનીમાં જણાવવું નહોતું કે જરૂરી પૂર્જા મોકલવાના રહી ગયા હતા. એણે મનોમન વિચારી લીધું. બીજા દિવસે નોકરી પર આવતી વખતે ગૌરાંગ પરીખની બાજુમાં બેઠક જમાવી. થોડી ઔપચારિક વાતો પછી પૂછ્યું : ‘સાંજે શું કાર્યક્રમ છે ગૌરાંગ ?’
‘ખાસ કંઈ નહિ. ઑફિસેથી સીધા ઘેર. કાંઈ કામ છે ?’ ગૌરાંગે ઉત્સાહથી પૂછ્યું.
‘હા. અનુકૂળતા હોય તો સાંજે મળીએ. બેસીશું. વાતો કરીશું. અને સાથે ચા-પાણી કરીશું.’
‘ઓહ સ્યોર. ક્યાં મળીશું ?’ ગૌરાંગે ઉત્સાહથી પૂછ્યું.
‘છૂટીને મારી ઑફિસની બહાર આવો. સાંજે પાંચ વાગે સાથે નીકળીશું.’
‘ઓ.કે.’ ગૌરાંગ ખુશખુશાલ.

સાંજે પાંચ વાગતાં ગૌરાંગ ગાર્ગીની ઑફિસ બહાર આવી એની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં ગાર્ગી આવી. એના હાથમાં મોટું ખોખું હતું. એણે ખોખું નીચે મૂકતાં ગૌરાંગ ને કહ્યું : ‘સોરી ગૌરાંગ. મારે ઑફિસના કામે બે ખોખાં પહોંચાડવા સમરસેટ બાજુ જવું પડે એમ છે. તમને અનુકૂળ હોય તો બસમાં એ તરફ સાથે જઈએ. રસ્તામાં વાતો થશે અને પાછાં ફરતાં પણ સાથે રહેવાશે. તમને સમય ના હોય તો… ફરી….’
‘અરે એ શું બોલ્યાં ? મને સમય જ છે. ચાલો, હું સાથે આવું છું.’
‘ઠીક ત્યારે. એક કામ કરો. આ પાર્સલ જોજો. હું બીજું લઈ આવું.’
‘સ્યોર.’ ગૌરાંગે સસ્મિત કહ્યું.

ગાર્ગી થોડીવારમાં બીજું ખોખું લઈ આવી. બસસ્ટોપ પર જતાં ગૌરાંગે એક પાર્સલનું ખોખું લઈ લીધું. પછી ધીમેથી ગાર્ગીને કહ્યું, ‘બીજું પણ આની ઉપર મૂકી દો. હું બંને લઈ લઈશ. તમે ના ઊંચકશો.’
‘નહિ… નહિ એવું હોય ? ખોખાં વજનદાર છે. તમે એક લઈને મારો બોજ અડધો કરી નાંખ્યો.’
‘વાંધો નહિ. તમારો પૂરેપૂરો બોજ હું ઉઠાવી શકીશ. પ્લીઝ, મૂકી દો. તમે બોજ ઊંચકો એ સારું ન લાગે.’
‘ઠીક છે.’ કહેતાં ગાર્ગીએ બીજું ખોખું પણ મૂકી દીધું. મનોમન બિચારાની સરળતા અને સહાનુભૂતિ માટે હસી રહી. ગાર્ગી અને ગૌરાંગ પ્રદર્શન સ્થળે પહોંચ્યા. કલાકેકમાં કામ પતાવી બેઉ પાછા વળ્યાં.
રસ્તામાં ગૌરાંગે પૂછ્યું : ‘ગાર્ગી રસ્તામાં ક્યાંક રેસ્ટોરામાં જમીશું ? ભૂખ લાગી છે.’
‘ભૂખ તો મને પણ લાગી છે ગૌરાંગ. પણ આ પ્રદર્શનના કારણે મારે ઘેર જઈ બોસ સાથે વાત કરવાની છે. આપણે પ્રદર્શન પત્યા પછી સોમવારે નિરાંતે મળીએ. બહાર જમીશું પણ ખરા.’
‘ભલે.’ ગૌરાંગે ઉદાસ ચહેરે કહ્યું. ગાર્ગી મનોમન બિચારાની દયા ખાતી હતી.

ઘેર પહોંચી ગાર્ગીએ મયૂરને સઘળી વાત કરી અને હસીન કહ્યું, ‘બિચારો ગૌરાંગ ! દયા આવે છે બિચારાની. એટલો સરળ છે કે જ્યારે ખબર પડશે કે હું પરણેલી છું અને એને બેવકૂફ બનાવું છું ત્યારે કેવી હાલત થશે ?’
‘ઓહ નો ગાર્ગી. ડોન્ટ પ્લે વિથ સમબડીઝ સેન્ટીમેન્ટ્સ. કોઈની લાગણી સાથે રમત નહિ. ફરી ક્યારે મળવાની છું ?’
‘સોમવારે.’ ગાર્ગીએ કહ્યું.
‘ઓ.કે. એને સોમવારે ખુલાસો કરી દેજે. હવે તું નાની નથી. છ સાત-માસ પછી એક બાળકની મા બનવાની છે. તારા આવા છોકરવેડા સારા નથી લાગતાં. પ્લીઝ ગાર્ગી નો મોર ફન !’
‘ઓ.કે. ડાર્લિંગ ! આર યુ જેલસ અબાઉટ મી ?’
‘નોટ એટ ઓલ ! સત્ય જાણ્યા પછી પણ એ મિત્રતા રાખશે તો મને ગમશે.’ એટલું બોલી મયૂર હસી પડ્યો.

સોમવારની સાંજે ગૌરાંગ, ગાર્ગીની ઑફિસ બહાર ઊભો હતો. ગાર્ગીને જોઈ ખુશ થયો. સીધો સવાલ કર્યો : ‘આજે સવારે બસમાં જોયાં નહિ એટલે થોડો મૂંઝાયો. મને અનેક વિચારો આવી ગયા.’
‘આજે મારે વહેલા પ્રદર્શન સ્થળે જવાનું હતું. એટલે વહેલી નીકળી હતી. સોરી. ચાલો જઈશું ?’
‘જી. ચાલો.’
બંને જણ બસ સ્ટોપ પર ચાલવા માંડ્યા. ગાર્ગીએ ધીમેથી પૂછ્યું,
‘આપણે અહીં જ કોઈ રેસ્ટોરામાં બેસીશું ?’
‘સ્યૉર. પણ આટલા વહેલાં જમવાનું ફાવશે ?’
‘જમવાનું તો ઠીક. ચા-કૉફી પીશું. આપણે તો વાતો જ કરવી છે ને !’
‘ભલે.’

બેઉ જણ એક રેસ્ટોરાંમાં બેઠા. કોફીનો ઑર્ડર આપી ગાર્ગીએ વાત શરૂ કરી.
‘ગૌરાંગ મારે એક વાતનો ખુલાસો કરવો છે.’
‘બોલો.’ ગૌરાંગે કહ્યું.
ગાર્ગીએ ધીમેથી વાત શરૂ કરી. ‘ગૌરાંગ, મેં માત્ર મજાક ખાતર તમારી સાથે મિત્રતા બાંધી છે. ઈનફેક્ટ આઈ એમ મેરીડ વુમન. હું પરણેલી છું. મજાક કરવાનો મારો સ્વભાવ છે. લગ્ન કરીને અમેરિકા આવ્યા પછી પણ મેં આવી મજાક કરી એ ઠીક ના કહેવાય. પણ તમે બસમાં વારંવાર મારી સામે જોઈ લેતાં હતાં એટલે મને મજાક કરવાનું મન થયું, એમાં વળી બે દિવસ પહેલાં પેલાં વજનદાર કાર્ટુન મારે લઈ જવાનાં હતાં એટલે થયું કે……’
‘તમે મારો ઉપયોગ કર્યો…. એમ આઈ રાઈટ ?’
‘રાઈટ. બટ આઈ એમ રીયલી સોરી….’
ગૌરાંગ ખડખડાટ હસી પડ્યો. પછી બોલ્યો : ‘મેડમ, મને ખબર છે તમે પરિણીત છો. શું પરિણીત સ્ત્રી ગમતી હોય તો મિત્રતા ના થઈ શકે ? થઈ શકે ને ! બાય ધ વે તમારી કમ્યુનિટી પાછળ જે લેઈક વ્યુ ડ્રાઈવ છે ને, હું ત્યાં જ રહું છું. ઘણી વાર રાત્રે તમને તમારા પતિ સાથે ફરવા જતાં જોઉં છું.’
‘તમને કઈ રીતે ખબર કે એ મારા પતિ છે ?’ ગાર્ગીએ સહસા સવાલ કર્યો.
ગૌરાંગે હસીને જવાબ આપતાં કહ્યું : ‘કારણ કે તમે ચાલતાં-ચાલતાં બહુ ગંભીરતાથી વાતો કરતા હો છો. મજાક નથી કરતાં હોતાં એટલે.’

ગાર્ગી એની સમજ પર વારી ગઈ. હસીને બોલી : ‘વાહ ગુરુ માન ગયે !’
કૉફી પતાવી બેઉ બહાર નીકળ્યા. બસ સ્ટોપ પર આવ્યાં. બસમાં બેસી ઘર તરફ આવ્યાં. ઘર તરફ વળતાં ગૌરાંગે કહ્યું : ‘બાય ગાર્ગી, ગુડનાઈટ. કાલે, સવારે પાછાં બસ-સ્ટૉપ પર મળીએ છીએ…’
‘બસ-સ્ટૉપ પર જ ને ?’ ગાર્ગીએ વળી મજાક કરી.
‘જી હા. પહેલાં બસ સ્ટૉપ પર. પછી બસમાં. અને સાંજે તમારી ઑફિસના દરવાજે. પેલાં ખોખાં લાવવાનું ભૂલતાં નહિ !’ ગૌરાંગ હસતાં-હસતાં આગળ નીકળી ગયો.

ગાર્ગી જીવનમાં પહેલીવાર મ્હાત થઈ ગઈ. છે ને શેરને માથે સવાશેર !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક વાચકનો મનોભાવ – તંત્રી
વડલાની શીતળ છાયામાં – ડૉ. રૂપા શાહ Next »   

18 પ્રતિભાવો : ગાર્ગી – રશ્મિ શાહ

 1. Dhaval B. Shah says:

  I was just imagining the end of the story after a group of lines and found the end to be a different one. Nice ending!!!

 2. all “Read gujrati friends Happy valentiin Day”હાસ્ય સાથે લેખ સુન્દર ,આવિ મિત્ર તા હોવિ જોઈએ જે ખરિ વેલેન્ટાઈ કહે વાય.વચ વાનિ મજા આવિ……

 3. અતુલ જાની (આગંતુક) says:

  વાહ ભાઈ, શેરને માથે સવાશેર મળ્યો ખરો.

  હું બધા જ Readગુજરાતી ના વાંચકોને ઓફર કરું છું કે શું તમે મારા વેલેન્ટાઈન બનશો? હું તો દરેકનો વેલેન્ટાઈન બનવા તૈયાર છું. અને હા પરણેલા લોકોનો પણ આમાં બાધ નથી.

  Happy Valentine Day.

 4. નટખટ ગાર્ગીની સુંદર વાર્તા ગમી.

 5. madhusudan says:

  very good story, i like this story but in last step if you write guarang is also married and he was also joking with gargi so very funny story and we enjoy more

 6. jharna says:

  dear Rashmi….this is to inform you that I have translated your story “Gargi” into Bengali which will be online on mid of October 08….

  I simply love this one… n was very much happy while worked on it….

  best of luck….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.