- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વડલાની શીતળ છાયામાં – ડૉ. રૂપા શાહ

પિયર અને સાસરું એ શું ફક્ત શાબ્દિક અર્થઘટનનો ફેર છે ? મા તો બન્ને ઠેકાણે છે ! પણ એક મા, બીજી સાસુ કેમ ? પણ અંગ્રેજી ભાષામાં તો સાસુ એટલે ઉપહાસ ! જોઈએ તેટલાં જોક્સ મળે.

ઘર ભણી વળીએ તો સાસુ એટલે કોણ ? જેને જોઈને શ્વાસ ઊડી જાય, એ સાસુ ! લગ્ન સમયે ફટાણામાં પણ પિયર માવતર અને સાસુમાનાં ઘણા વિભિન્ન ઉલ્લેખો જોવામાં આવે છે. એક હકીકત તો છે જ કે સાસુ તો લગ્નને કારણે જ ધારણ થાય છે અને વર, ઘરની સાથે સાસુ-સસરા જેવા સંબંધોનો જન્મ થાય છે. અસલથી આજ સુધી દીકરીને કહેવાતું રહ્યું છે કે ‘સાસુને સંભાળજે’. અને સાસુને કહેવાય…. ‘જોજો હં… પહેલેથી જ એને એની સીમા બતાવી દેજો, નહીં તો આજની છોકરીઓ હાથમાં નહીં રહે.’

ખરેખર તો સમાજને એ પૂછવું છે કે દીકરીની વિદાય વખતે એમ કેમ કહેવાતું કે ‘બેટા, તું તારી માથી છૂટી પડે છે, પણ ત્યાં પણ તારી એક મા ઘણી આતુરતાથી રાહ જુએ છે.’… – એવી જ કંઈ મારી વાત છે. માતા-પિતાની નાખુશી હોવા છતાં, એમની ભાવનાઓને ધક્કો પહોંચાડીને લગ્ન કર્યાં હોય, મામા-મામીએ પીઠી ચોળી હોય અને વળાવી કન્યાદાન કર્યું એ રૂપા પરણીને સાસુને પગે લાગી ત્યારે મને કહ્યું : ‘ચિંતા ન કર, અમે બધા જ તારા છીએ, તું એકલી નથી ભાઈઓ, બહેનો બધું જ કુટુંબ આપણું જ છે.’ ત્યારથી એ મારાં બા બની ગયાં. અને સલાહ પણ બાએ જ આપી કે મમ્મી-ડેડી પાસે જા, એમના આશીર્વાદ લઈ આવો. તારાબહેન અને કાંતિભાઈ (મારાં માતા-પિતા) ઘણાં સમજુ છે. જોજે, પગે લાગે ત્યારે ફકત આશીર્વાદ જ લેજે, બાકી આપણી પાસે બધું જ છે.’

બાનો આ પહેલો અનુભવ !
લગ્ન પછી ઘર તો માંડવાનું જ હતું. બાએ પોતાની પાસે રહેલાં વાસણો મેડીએથી ઉતરાવ્યાં, સાફ કરાવડાવ્યાં, ખાલી બાટલીઓમાં મસાલા-અથાણાં કાઢી આપ્યાં ને કહે : ‘ચોમાસામાં તું મસાલા-અથાણા ક્યાંથી કાઢવાની ?’ ત્યારે, આજથી ચાલીસ વર્ષ પહેલાં વીમ અને ઓડોપિકનું ચલણ નહોતું. બાએ મને ખાલી ડાલ્ડાના ટિનમાં રાખ ભરી આપી. કહે : ‘બહારથી રાખ ન લેતી, કેવી આવે ખબર ન પડે, આપણે ત્યાં તો સગડીની રાખ થાય ને એટલે ખાલી થાય એટલે ફરી લઈ જજે.’ મારે ઘર ભરેલું હતું, વસ્તીવાળું હતું. નવ નણંદો અને ચાર દિયર, જેઠ. જાણે રેફરી સાથેની ક્રિકેટ ટીમ. લોટ પણ હું બા પાસેથી લાવતી. ત્યારે ઘરઘંટીનો જમાનો ન હતો. બા મારું ઘર ચલાવતાં. આને શું કહેવું માવતર જ ને. બાએ માત્ર શબ્દથી નહીં, વર્તનથી વધાવી લીધી હતી, કહે : ‘એને મનમાં તો ઓછું આવવું જ ન જોઈએ. રૂપાનો પગ પિયરમાં તો ભારે થઈ ગયો છે, એટલે બાકીનું આપણે જ બધું સંભાળી લેવાનું.’ આનાથી વધુ ઉષ્માભર્યો આવકાર શું હોઈ શકે ? આ આવકારની ફક્ત એક ઝલક ન હતી. બાએ અમારું ઘર તો વસાવ્યું પણ ચલાવ્યું પણ ખરું. આ પરીકથા પહેલી દીકરી જન્મી ત્યાં સુધી ચાલી. લગ્નનાં દોઢ વર્ષ થોડો વિશ્વાસ પણ આવી ગયેલો અને બા ઘર ચલાવે તે શરમ પણ આવતી. મિત્રો પણ કહેતા : ‘રૂપાને તો બધું એની બા મોકલે છે ને – એને સાસું ક્યાં છે ?’ અને ત્યારે પણ બા કહે : ‘તને બેબીને લીધે ન ફાવે ને તો મને કહેજે, હું બધું મોકલાવી દઈશ.’ પણ, પછી મને પણ ચલાવવાની હોંશ જાગેલી.

ક્યા પુણ્યનો આ ફાળો હતો કે ઈશ્વરી વરદાન ખબર નહીં, પણ આ સાસરે આવીને માતૃત્વના આશીર્વાદથી હું તો ધન્ય હતી. પછી તો મમ્મી સાથે પણ સુલેહ થઈ ગઈ. ત્યારે મમ્મી કહેતી : ‘તને તારી બાએ બગાડી મૂકી છે. ઘરની તો કંઈ પડી જ નથી તને !’ હું જ્યારે પરણીને ઘેર આવી ત્યારે ઘરમાંથી સૌપ્રથમ લગ્ન મારાં થયાં હતાં. હું મારી નવ નણંદોને કહેતી – પુણ્ય કરો, પ્રાર્થના કરો કે મારાં સાસુ જેવી સાસુ મળે. ‘બા’ શબ્દનો ખરો અર્થ મને લગ્ન પછી સમજાયો, બાકી મમ્મી તો તાગડધિન્ના કરવા માટે હતી જ, પરણ્યાં ત્યાં સુધી જ !

નવાં નવાં લગ્ન થયેલાં ત્યારે સસરા પસાર થાય તો આદર અને અદબને કારણે માથે ઓઢતી. મારી બાએ હસીને કહ્યું, ‘મારી નવ ભેળી તું દસમી છે. તારા બાપુજીને તો ખ્યાલ પણ નથી કે આ છોકરીઓ ભેગી એમના દીકરાની વહુ પણ અહીં બેઠી છે, માટે ચિંતા કરવી નહીં.

મારાં લગ્ન જુલાઈમાં થયેલાં. જેવું ચોમાસું પૂરું થવા આવ્યું અને પાલિતાણાનો ડુંગર ખૂલ્યો. સાસુજી જાત્રાએ ગયાં. પાછાં આવ્યાં તો દસ સાડીઓ સાથે. કાયમ, જાત્રાની સાડી તો હોય જ ! બાનો કાયદો કડક. કોઈને પહેલી પસંદગી નહીં. અમારે ત્યાં ચિઠ્ઠી નાખવાની, જેનું નામ આવે, એને પહેલી પસંદગીનો ચાન્સ મળે. એક પછી એક લાઈન ચાલે ને પોતપોતાની ચોઈસ પ્રમાણે સાડી લેવાની. ચિઠ્ઠી નાખી. પહેલી વારમાં જ મારું નામ આવ્યું. વિવેકથી મેં મારો ટર્ન જતો કર્યો – મને મનમાં ક્ષોભ થયો, કે હું નવી આવીને આ લહાવો કેવી રીતે લેવાય ? ત્યાં તો આ વાત બાને ખબર પડી, તરત જ રસોડામાંથી આવીને વઢ્યાં. ‘રૂપા, ગાલાવેલી થામાં, બીજી વાર તારો વારો છેલ્લો આવશે, ત્યારે તને આ કોઈ એનો વારો નહીં આપે ! છોકરાંઓ, ભાભીને જે ગમે ઈ લઈ લેવા દો.’ નવ દીકરીઓને બાજુએ મૂકીને, નવી આવેલી વહુને એનો હક્ક દઢતાપૂર્વક પ્રેમથી આપવો, એ મારે માટે પ્રેમનો દરિયો હતો. મેં આ વાત ઘેરે આવીને ભોગીલાલને કરી. મને થોડો છાનો ડર પણ લાગવા માંડ્યો કે હું આ આચરણ વર્તનમાં મૂકી શકીશ કે નહીં. આટલી તટસ્થતા જાળવવી એ કેટલી કપરી હશે ? લેવું તો સહુને ગમે, પણ આપવામાં કસોટી થાય. બાના દૈવત્વનું પ્રતીક હતું.

એક વાર પાપડની સીઝન હતી. સાંજે બાને ત્યાં જમવા ગયેલાં, ત્યારે બહેનોએ (નણંદોએ) કહ્યું : ‘બા કાલે ભાભી માટે એક આરસિયો – પાપડ વણવા માટે પાટલો ખૂટશે, સામેથી લઈ આવીએ ?’ બાએ હા પાડી, ને કહ્યું, સવારથી અહીં આવી જજે. સવાર પડી કે હું બાને ત્યાં હાજર, આંખો સૂજેલી, મોઢું પડી ગયેલું. બાએ જોયું અને પૂછ્યું : ‘ભગુ, રૂપા કેમ ઢીલી લાગે છે ?’ જવાબ મળ્યો : ‘આખી રાત રડી છે, કારણ કે એને પાપડ વણતાં આવડતું નથી. જોયું જાણ્યું નથી. બહેનોને તો કેટલું બધું આવડે…. એ પોતાની અણઆવડત કેમ કરીને કહે ?’ બા તરત જ અંદર આવીને મને કહે : ‘લે, આ તો બોઉ હારું, તું ટેબલ પર બેસ, ગુલ્લાં ખા, અને પાપડ સૂકવવા જજે, આ છોકરીઓને બેહી રહેવું છે, કોઈ હાલમાં ઊઠીને સૂકવવા જવા તૈયાર નથી, તું એ કરજે, એમાં આટલો જીવ બાળવાનો હોય, હાવ ગાંડી છે, છોકરીઓ હવે જુઓ, તમને મારે કહેવુંય નથી, મારી રૂપા તૈયાર છે, તમે હવે ફટા-ફટ વણવા માંડો, ભાભી ફક્ત સૂકવશે અને તેલ ને ગુલ્લા આપી દો.’ બે શબ્દ બોલવાને બદલે મેણું ન માર્યું, વાત વાળી લીધી. દીકરીઓને પણ ભાભીની ઊણપ દર્શાવ્યા વગર બાએ મને સમાવી લીધી. કોણ કહે સાસુમામાં મા શોધવી પડે છે ?

ફરી એક વાર પ્રેગ્નન્સી આવી. ઊલટીઓનો પાર નહીં. બાએ ભોગીલાલને કહ્યું – ‘ઑફિસે જાય ત્યારે તું અહીં મૂકતો જજે, છોકરીઓની કંપની રહેશે, બે કોળિયા ખાઈ શકશે.’ બાને ત્યાં કંપની તો મળી જ રહે. મોટી નણંદો જૉબ પર જતી, પણ નાની ચાર કૉલેજોમાં એટલે સાથીદારો તો મળતાં જ. વળી, મારે બહેન એકેય નહીં. ભાઈ સાત વર્ષ નાનો, એટલે પિયરમાં કંપની જ ન હતી. કોઈ ફિલ્મ જોવા જવું હોય, ભાભીનો સાથીદાર થવા કોઈ ને કોઈ તો તૈયાર જ. ખાવા-પીવામાં પણ એવું જ. ઢોંસા, પાણીપૂરીના મૂડવાળું કોઈ ને કોઈ તો હોય જ…. જ્યારે આખો દિવસ ઊલટીઓ થઈ હોય ત્યારે બા કહેતાં ‘તારી ભાભી આખો દિવસ ભૂખી છે – એને ક્યાંક લઈ જાવ ને.’ ત્યારે ચાર વાગે પાણીપૂરીની રેંકડીવાળો આવતો – ત્યારે બાને વિનવણી કરીને એક વાર અમે બધાએ એ ખાધી અને ઊલટી ન થઈ ! પછી તો એમને કારણ મળી ગયું – કે ભાભીના પેટમાં પાણીપૂરી ટકે છે. એ બહાને નણંદોને પણ પાણીપૂરી ખાવા મળતી. બાકી બા બહારની પાણીપૂરી ખાવા ન દે.

હું પરણીને જૈન થઈ. બા ભારે ધર્મચુસ્ત. દેરાસરમાં ઘણો જ આગળ પડતો ભાગ લેતાં. સહવાસની અસર થવા માંડી હતી. છતાં, બાએ ક્યારેય મારે જૈન ધર્મ પાળવો જ તેવો આગ્રહ સેવ્યો નહોતો. ઘણી વાર કહે : તું દર્શન કરવા આવીશ ? પર્યુષણમાં છોકરાંઓને ગમશે, સ્વપ્નાં ઉતારશે. એ બધું. બસ એટલું જ. વિશેષ કંઈ નહીં. એ વાત જ મને સ્પર્શી જતી. કદાચ એ જ કારણસર હું જૈન ધર્મ વિશે તેમને પૂછતી થઈ. રસ લેતી થઈ. અઠ્ઠાઈઓ, છઠ, અઠ્ઠમ, ક્ષીરસમુદ્ર, આયંબિલ જેવા તપ જાણતી, કરતી થઈ ગઈ. અને ઓહોહો…. બાનો ઉત્સાહ અને ગર્વથી ભરેલો ઉલ્લાસ જોવા જેવો હતો. કોઈ પણ વ્રત વખતે મને બોલાવી લે કે હું ક્યાંક ભૂલ ન કરું. શાતા પૂછે. અરે !! બા અને બાપુજી ચંદન પણ લગાડે, ને પગ પણ દાબી આપે. મને એટલો ક્ષોભ થાય, કે અરે ! એ વડીલો કેમ કરે ? પણ લાગણી અને પ્રેમ રેડાય, ત્યાં બધું જ શક્ય છે. મારા જુવાનજોધ ભાઈનું નિધન થયું. ફક્ત તેત્રીસ વર્ષની વયે…. ત્યાર પછીની ભાઈબીજ, રક્ષાબંધનના પ્રસંગો મારે માટે ઘણા કપરા બની ગયા હતા. એટલે ફોન કરીને કહે : ‘રૂપા, ભગુ ભલે બહેનોને ત્યાં જાય, તું ઘેર આવી જા. સાથે જમીશું અને પ્રતિક્રમણ કરીશું, તું ઘરે બેસીને જીવ ન બાળતી.’

બે દીકરીઓ ફુલટાઈમ સ્કૂલે જતી થઈ પછી મેં કારકિર્દી શરૂ કરી. ઘરમાં મારા સિવાય બધાં જ ભણીગણીને નોકરીએ લાગી ગયાં હતાં. જ્યારે નોકરી શરૂ કરી ત્યારે બા કહેતાં, ‘જો, જો, હવે રૂપાનું ભણતર દેખાશે.’ ત્યારે ખબર નહોતી કે આ આશીર્વાદ મને વાઈસ ચાન્સેલર પદ સુધી પહોંચાડવાના હતા. છત્રીસ વર્ષની ઉંમરે શરૂ કરેલી કારકિર્દીમાં આશીર્વાદ વિના ટોચ પર પહોંચી જ ન શકાય ને ! 1977થી ટી.વી. પર ‘ઘેર-બેઠાં’ પખવાડિક પોગ્રામ કરતી હતી. સાત-આઠ વર્ષ સુધી કર્યા, વચ્ચે ક્યારેક અંગ્રેજી પ્રોગ્રામો પણ કરતી. બા એટલાં હરખાય. ‘આજે દેરાસરમાં બધાએ રૂપાનો પ્રોગ્રામ જોયેલો.’ પછી તો ખબર પડી કે બા મારા અંગ્રેજી પ્રોગ્રામ પણ જોતાં. દેરાસરથી પાછા આવે એટલે કહે : ‘બધાએ રૂપાને જોઈ, અને બધાય કહે છે કે શું આ તમારી રૂપા છે ?’ કદાચ મારી મમ્મી પણ આટલું ગૌરવ નહોતી લઈ શકતી.

આવા તો કેટકેટલાય પ્રસંગો જીવનમાં ગૂંથાઈ ગયા છે. નણંદો પરણી, દેરાણી આવી, જેઠાણી આવ્યાં પણ બાના વર્તનમાં કોઈ ફરક ન પડ્યો. પ્રેમનું સાતત્ય જળવાયું હંમેશ માટે. પારકાને પોતાના કરવાની જવાબદારી આવનાર પર નહીં, મારા પર છે તેવી બાની વિચારસરણી. બાનાં જે જીવનનાં મૂલ્યાંકનો હતાં – એ સદભાગ્યે મારે ભાગે બાનો રોષ જોવાનું આવ્યું જ નહીં. ક્યાંથી આવે ? એ ક્રોધ કરે તો ને ? ક્યારેક વ્યથિત હોય તો પેટની વાત કરતાં, ને બે આંસુ સારી લેતાં, જીવન છે. આટલું મોટું કુટુંબ, પણ તેને મહેકતા પુષ્પગુચ્છની જેમ કેમ રાખવું તે એમને આવડતું.

ક્યારેક મનમાં વિચાર આવે છે કે ભગવાને સારું છે બે દીકરી જ આપી છે, દીકરો આપ્યો હોત તો મારી કસોટી જરૂર થઈ જાત ! બા જેવી સાસુ હું બની શકી હોત કે નહીં ? એ પ્રશ્ન મને હંમેશ થાય છે.

(ડૉ. રૂપા શાહ, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર તથા મીઠીબાઈ કૉલેજનાં પ્રિન્સીપાલ રહી ચૂક્યાં છે. શિક્ષણક્ષેત્રે અગ્રગણ્ય નામ લેખાય છે.)