ધીરજનાં ફળ મીઠાં : સુધીર દેસાઈ

આપણે ઘણી વાર જીતવાની અણી ઉપર આવી ગયા હોઈએ, આપણને એ ખબર ન હોય, અને આપણે પ્રયત્ન છોડી દઈએ અને ગુમાવી દઈએ. જીત એ હારની અવળી બાજુ છે. છેડો આવતાં વાત બદલાવાની જ હોય છે. પણ આપણે ધીરજ નથી રાખતાં અને પછી જિંદગીભર પસ્તાઈએ છીએ.

અંગ્રેજીમાં એક કહેવત છે કે જે પથ્થર ગબડયા જ કરે છે એના પર લીલ બાઝતી નથી. આપણે મરીએ નહીં ત્યાં સુધી છોડવાનું નથી. મુશ્કેલીઓ આપણને વધારે શકિતશાળી બનાવે છે. અને એનાથી જ યશ મળે છે. નાનકડા કાર્ય માટે કોઈ યશ આપે નહીં. આ રાહ જોવાની વાત છે એ જમાનામાં  છે એ જ મહાન છે. એ જ પોતાના લક્ષને પ્રાપ્ત કરી શકે છે. જે અધિરીયા છે એ બદનામ થાય છે. વાતને બગાડી મૂકે છે અને નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. 

સ્વ. વાસુદેવ હરેદવ ત્રિવેદીની એક વાર્તા ગુજરાતી સાહિત્યપરિચય પુ. બીજામાં છે જેનું શીર્ષક છે : બહુ ગઈ : થોડી રહી. આ કથા પ્રાચીન જૈનરાસ આંબડ કથા માં એક આડ કથારૂપે છે. આ વાર્તા કંઈક આ પ્રમાણે છે.
વિશાલા નામની નગરી છે. તેમાં વિમલકીર્તિ નામે રાજા રાજ કરે છે. રાજાને વિદ્યા અને કળા માટે ઘણું માન છે. રાજા પ્રજામાં પ્રિય છે. રાજાને ધવલકીર્તિ નામે એક જ સંતાન છે.

          એક દિવસ દક્ષિણમાંથી નટોની મંડળી એના રાજ્યમાં આવી. રાજાએ નટોના નાયકને એમની કલાનું પ્રદર્શન કરવા કહ્યું.
          પ્રયોગને દિવસે સાયંકાળ પછી નગરશેઠ, મહાજન, વ્યાપારીઓ તથા અનેક પ્રેક્ષકોથી રંગમંડપ ઉભરાઈ ગયો. રાજા એની રાણી વિધુત-પ્રભા અને કુંવર ધવલકીર્તિને લઈને આવી પહોંચ્યો. નટોના નાયકે બધાનું સન્માન કરી ને નાટયપ્રયોગ શરૂ કર્યો. નાટક જોતાં બધાં પ્રસન્ન પ્રસન્ન થઈ રહ્યાં હતાં. ત્યાં એક અસામાન્ય પ્રસંગ બન્યો.

           એક નટી રંગભૂમિ ઉપર તેની ઉત્તમ અભિનયકલાનું પ્રદર્શન કરતી હતી. એના નૃત્યથી જોનારાં હદય આનંદથી નાચી રહ્યાં હતાં. રાત્રિના ત્રણ પહોર વીતી ગયા. નટી શ્રમિત થવા લાગી. ભૂમિને સ્પર્શ કરતાં લજવાતી હોય એમ ચપલતાથી નાચતી તેની રતુમડી કોમળ પાનીઓ, ધીરે ધીરે મંદ પડવા લાગી. તેનો ભાલ પ્રદેશ પ્રસ્વેદથી શોભવા લાગ્યો. તેની મદભર આંખો ઘેરાવા લાગી. થાક અને નિદ્રાંથી તે વિવશ બની ગઈ. તેની આ સ્થિતિ જોઈ પ્રેક્ષકો ચિંતાતુર થયા.

           નટાચાર્ય પ્રસંગ પામી ગયો. એણે નટીને ઉદેશીને નીચે નો દુહો સંભળાવ્યો :

બહુ ગઈ થોડી રહી : હવે થાકે વણસે કામ;
એહવું સમજી સુંદરી ! સુધારી લ્યો ધરી હામ.

          નટાચાર્યની આ વખતસર સુચના સાંભળી નટીમાં હિમ્મત આવી. તેણે નૃત્ય પૂર્વવત્ ચાલું રાખ્યું. તેનું કાર્ય પૂરું થતાં જ પ્રેક્ષકોએ નટીને આનંદના એક ઉદ્દગારોથી વધાવી લીધી. પ્રયોગ પૂરો થયો.

           પ્રયોગપૂર્ણ થતાં તે સમયના રીવાજ મુજબ નટાચાર્ય પાત્ર લઈ દ્રવ્ય ઉધરાવવા પ્રેક્ષકો પાસે ગયો. નટાચાર્યને દાનમાં અનેક કિંમતી ભેટો મળી. તેવામાં એક આશ્ર્ચર્ય બન્યું.

           એક વણિકપુત્રે નટાચાર્યના પાત્રમાં જોડે બેઠેલા પોતાના બાપના માથાના વાળની લટ કાપી લઈ ભેટ તરીકે પાત્રમાં મૂકી. તેણે આ લટ કાપીને પાત્રમાં નાખતાં તેના પિતા પોતાને માથે હાથ દઈ આનંદથી ત્યાં જ નાચવા લાગ્યો !
          આ દ્દશ્ય જોતાં રાજાને અને પ્રેક્ષકોને બહુ કુતૂહલ થયું બધાંને થયું આ વાણિયાની ડાગળી ખસી ગઈ કે ભૂત વળગ્યું ?
         
          રાજાએ નટાચાર્ય ને તેનું પાત્ર લાવવા કહ્યું.
         
          નટાચાર્ય પાત્ર લાવ્યો. તેમાં નજર નાખતાં રાજાની આંખો આશ્ર્ચર્યથી ઠરી ગઈ. બીજી અનેક ભેટો ઉપરાંત બે અમુલ્ય કૂંડળો, બે રત્નજડિત કંકણો, એક જીર્ણ કથા અને અને વાળની લટ રાજાએ જોઈ. રાજાને નટાચાર્યને આ ભેટો કોણે કોણે આપી હતી તે જણાવવાં કહ્યું.

           નટાચાર્યે જણાવ્યું કે કૂંડળો રાજકુમારે, કંકણો નગરશેઠની પુત્રવધુએ, કથા એક સંન્યાસી અને વાળની એક લટ વણિકપુત્રે આપી હતી.

           રાજાએ આ ભેટો આપનારની વૃત્તિ જાણવાની ઈચ્છાથી પ્રથમ કુમારને બોલાવ્યો. અને એને પુછયું, કુમાર !, આ નાટકમાં એવો ક્યો ભાગ તમને સૌથી વધુ ગમ્યો જેથી તમે તમારા કુંડળો દાનમાં આપી દીધાં ?

           રાજકુમાર માથું નીચું નમાવીને ક્ષણભર ચુપ રહ્યો. આખરે ઊંચું જોઈને તે બોલ્યો, પિતાજી ! એ વાત જાણવી સારી નથી.
          ગમે તે હોય, હું એ વાત જાણવા ઈચ્છું છું. રાજાએ સત્તાદર્શક અવાજથી કહ્યું.
         
          કુમાર મંદસ્વરે કહેવા લાગ્યો, પિતાજી, મારો અપરાધ ક્ષમા કરો. હું આજે ખુબ પસ્તાઉં છું. મારાં દુર્ભાગ્યે કેટલાય વખતથી મને રાજા બનવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી. એ ઈચ્છાથી મેં આપના મરણની કેટકેટલી નિષ્ફળ રાહ જોઈ ! પણ ફોગટ ! હું કંટાળ્યો આખરે સાહસ કરવા તૈયાર થયો. આજે મેં આપનું અંહીથી ગયા બાદ ખૂન કરવાનો નિશ્ર્ચય કર્યો હતો. તેવામાં નટીને વિવશ બનેલી જોતાં નટાચાર્ય ગાયેલો દુહો સાંભળીને મને લાગ્યું કે મને જ લાગુ પડે છે. તમે જેટલો કાળ કાઢયો છે એટલો તો કઢવાના નથી તો થોડીક વધુ ધીરજ રાખવાથી મારી ઈચ્છા સહેજમાં ફળશે.

           હે પિતા ! આમ આ નિન્દ્ય અને પાપી કર્મ કરતાં હું બચ્યો. તેના આનંદમાં મેં મારા અમૂલ્ય કૂંડળો નટાચાર્યને આપી દીધાં. મેં આપને મારા મનની ખરેખરી હકીકત કહી દીધી છે. મારા અપરાધ માટે જે દંડને લાયક હોઉં તો સ્વીકારવા ખુશી છું.

            રાજકુમારની વાત સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. પણ રાજા હસી પડયો.

           પછી એણે નગરશેઠની પુત્રવધુને બોલાવી. ભરયૌવનમાં મ્હાલતી સૌંદર્યમાં દેવાંગના ને શરમાવતી રત્નમાળા રાજારાણી સમીપ આવી નમન કરી ઊભી રહી.           મહારાણીએ તેનો હાથ પકડી આસન ઉપર બેસાડી પૂછયું, બેટા ! તેં આ તારા અમૂલ્ય રત્ન-કંકણ શા ઉદેશીથી નટાચાર્યને અર્પણ કરી દીધાં. તે તુ અમને જણાવ. અમે સત્ય હકીકત જાણવા આતુર છીએ..

          રત્નમાળાએ પ્રણામ કરી કહ્યું, હે માતુશ્રી ! હું સત્ય જ કહીશ. અવિનય માફ કરશો. મારું લગ્ન ધનપાલ શેઠના પુત્રરત્ન સાથે થયું છે. મારા પતિદેવ કેટલાક સમયથી વિદેશ વ્યાપાર કરવા પદ્યાર્યા છે. તેમની ગેરહાજરીમાં હું શાસ્ત્રમાં બતાવેલા પતિવ્રતાના સર્વ કઠિન ધર્મોનું પાલન કરી, તેમના આગમનની પ્રતિક્ષા કરતી.

           પ્રતિક્ષા કરતાં હેમંત ઋતુ ગઈ, શિશિર પણ ગઈ અને વસંત ઋતુ બેઠી તોયે મારા પતિદેવ આવ્યા નહિ. મને થયું જ્યારે આખું જગત સુખી છે ત્યારે હું એકલી જ શા માટે ઝૂરું છું ? આવા વિચારો કરતી નાટક જોવા આવી હતી. અંતભાગમાં શ્રીમિત અને નિદ્રાવ્યાકુળ નટને ઉદેશીને કહેલા શ્લોકથી હું મોહમાં પડેલી જાગી ગઈ. જેટલા દિવસ વિરહ-દુ:ખ વેઠયું તેટલું હવે કાંઈ વેઠવાનું નથી. ઘણા સમયથી વિદેશ ગયેલા પતિ હવે ટૂંક સમયમાં આવ્યા વિના રહેશે નહિ. આમ આ શ્લોક્થી માનવ-નિર્બળતાને વશ થતી હું અટકી તેના સહેજ બદલા ખાતર, આ કંકણો મેં નટાચાર્યને ભેટ કરી દીધાં.
         
          હવે રાજાએ કથા અર્પણ કરનાર સંન્યાસીને રાજાએ કથા માટે પ્રશ્ન કર્યો.

          રાજાને આશિષ આપી સંન્યાસીએ કહ્યું, રાજન્ ! હું એક ધનાઢય પિતાનો પુત્ર છું. હું યોગ્ય વયનો થતાં મારા પિતાએ મને વિદ્યાભ્યાસ માટે એક પ્રખ્યાત ગુરૂને ત્યાં મૂક્યો. બાર વર્ષ અભ્યાસ કરીને મેં સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. પિતા અને ગુરૂની આજ્ઞા લઈ મેં સંન્યસ્તની દીક્ષા લીધી. મારે માથે પળીયાં આવવા લાગ્યાં. મેં ધર્મનું યથાર્થ પાલન કર્યું છે. પણ પ્રકૃતિને વશ થઈ મને લાગવા માંડયું કે જગતનાં સ્ત્રીપુરૂષો ગૃહસ્થધર્મમાં વધારે સુખી છે. એમનું આ સુખ જોઈને મેં ગૃહસ્થાશ્રમી બનવાનું વિચાર્યું. ત્યાં આજે આ વિખ્યાત નટાચાર્યનું નાટક જોવાનું મન થયું. એમણે નટીને કહેલ દૂહો મને સ્પર્શી ગયો, આટલી ઉંમર સંન્યાસીના કઠીન ધર્મો પાળ્યા અને હવે થોડાક જીવન માટે એ સર્વ ઉપર પાણી ફેરવવા તૈયાર થઈ ગયો છું તેનો ખ્યાલ આવ્યો. હું તો સંન્યાસી છું. મારી પાસે કંઈ નથી ભેટ આપવા. આ એક કથા હતી તે મેં આપી દીધી, મારી જિંદગીની મૂડી બચાવવા માટે.

          રાજા આ સાંભળીને પ્રસન્ન થયો હતો. તેણે પેલા વણિક કુમારને એ જ પ્રશ્ન કર્યો, વાળની લટ માટે.

વણિકકુમાર કહે, રાજાજી ! મારા પિતાએ મને ભણાવ્યો નથી એટલે દુહાનો અર્થ હું સમજી ના શક્યો. એટલે મેં આવેશમાં આવી પિતાના વાળની લટ કાપી એ જ ભેટ તરીકે આપી. આ વાત સાંભળી બધાંને હસવું આવ્યું.

          રાજાએ વણિકપુત્રના બાપને પુછયું, મહાજન ! તમારા પુત્ર તમારી લટ કાપી ત્યારે તમે કેમ નાચ્યા ?

            ત્યારે વણિક બોલ્યો, હે રાજન ! પિતા તરીકે હું મારી ફરજ ચુક્યો મારે એને ભણાવવો જોઈએ. એટલે જ એ મુર્ખ રહ્યો છે. એણે માત્ર મારા વાળની લટ જ કાપી છે. વાળ તો ફરી ઊગી જશે. મારું માથું કાપ્યું હોત તો એ કંઈ ફરી ઊગત નહીં ! મારો જીવ બચી ગયો માટે મને આનંદ થયો અને હું નાચી ઉઠયો.

           રાજા આ વાત સાંભળીને પ્રસન્ન થયો. નટાચાર્યને હીરાનો કીમતી હાર આપ્યો. બધા નટનટીઓનું સન્માન કર્યું. થોડા દિવસ પછી પોતાન પુત્ર ધવલકીર્તિને રાજ્ય સોંપી રાજારાણીએ વાનપ્રસ્થ ધર્મ સ્વીકાર્યો. આમ વાર્તા પૂરી થાય છે.
          આ વાર્તામાં પણ રાહ જોવાની, ધીરજ રાખવાની જ વાત છે. આપણા પૂર્વજો આવી વાર્તાઓ આપણા વિકાસ માટે, જીવનને સફળ બનાવવા લખી ગયા છે. આવી વાર્તાઓ જ આપણને ભૂલ કરતી વખતે યાદ આવે છે ને અટકાવે છે. આજે આપણે વાંચવાનું છોડી દીધું છે. એટલે રસ્તામાં જે સામો મળે છે એ અકળાયેલો જ જોવા મળે છે. કામ કરતાં ધીરજ રહેતી નથી અને અકળાઈ જાય છે પોતે હેરાન થાય છે અને બીજાને હેરાન કરી મૂકે છે. આવાં પુસ્તકો વસાવીએ તો આપણે અને આપણા ઘરની વ્યકિતઓ ભૂલ કરતી અટકે અને ઘરમાં આનંદનું વાતાવરણ સ્થપાય.

           આજે કામ નથી થયું તો કાલે થશે, એવું વિચારવાનું જ આપણે ભૂલી ગયા છીએ. ધીરજના ફળ મીઠાં છે. એ વાત માત્ર જીભ ઉપર જ રહી ગઈ છે. જીવનમાં ઉતારીએ તો ? તો સ્વર્ગ અહીં જ છે. જો અધીરિયા થઈ આપણે નરકની પરિસ્થિતિ આપણી આજુબાજુ ઊભી નહીં કરીએ તો. માત્ર કામમાં જ મન પરોવીએ તો ?

          કુરાનમાં કહ્યું છે એ લોકો નસીબદાર છે જેમની પાસે પોતાનું કામ છે. કામને ગાળો દેવાથી કે છોડી દેવાથી સફળતા ક્યારેય નહીં મળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

13 પ્રતિભાવો : ધીરજનાં ફળ મીઠાં : સુધીર દેસાઈ

 1. alpa parikh says:

  I have read .like it appreciated. iam also in some trouble .this reading gave me some push.But sir a single lady cannot fight for long time .humanlife wants some rest (breath) at the age of 45yrs.In India & hinduism always teach to (dheerajna fal meetha)But all humans are not so capable to bear problems .Most of the ladies do suicide .No other solution.ONly to say is very easy.in real life it is impossible.women liberation only is on media.

 2. nayan panchal says:

  “બહુ ગઈ થોડી રહી : હવે થાકે વણસે કામ;
  એહવું સમજી સુંદરી ! સુધારી લ્યો ધરી હામ.”

  એડિસને સફળ બલ્બ બનાવવા માટે ઘણા પ્રયોગો (લગભગ ૧૬૦૦) કર્યા હતા. જ્યારે ૧૦૦૦ નિષ્ફળ પ્રયોગો પછી કોઇએ તેમને વાર્યા તો તેમણે કહ્યુ કે મને ખબર પડી ગઈ કે આ ૧૦૦૦ ઓપ્શન સાચા નથી, ખોટા વિકલ્પોની સંખ્યા ઘટી રહી છે અને દરેક નિષ્ફળ પ્રયોગની સાથે હું સફળતાની વધુ નજીક જઈ રહ્યો છું.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  હંમેશા તમારા આદર્શને પકડી રાખો, એક હજાર વાર નિષ્ફળ જાઓ તો ૧૦૦૧ મી વખત પ્રયત્ન કરો. — સ્વામી વિવેકાનંદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.