- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વિગીલેન્ડ પાર્ક – ભારતી રાણે

[‘નવનીત સમર્પણ’ જાન્યુ-2008 માંથી સાભાર.]

પૃથ્વીના ગોળાના પિંજરમાં મધ્ય રાત્રીના ઉજ્જવળ સૂર્યને કેદ કરીને બેઠું હોય તેવા નોર્થકેપના સ્મારકના ફોટા જોયેલા, ત્યારથી એ જગ્યા મનમાં વસી ગયેલી. ધરતીને છેડે યુરોપના આ ઉત્તરતમ બિંદુએ ઉભા રહી, ઉત્તર ધ્રુવ તરફ મીટ માંડવાની ઝંખના મનના છાના ખૂણે ઊછરતી રહી. તેમાંય, આર્કટિક વર્તુળની ઉપર ઉત્તરધ્રુવ વૃત્તના શીત કટિબંધમાં પૃથ્વીની ટોચ ઉપર છેક દૂર સુધી વિસ્તરેલ નોર્વે અને ફિનલેન્ડના ઉત્તરતમ પ્રદેશનું મનમાં અનન્ય આકર્ષણ હતું. જ્યાં છ મહિનાની રાત ને છ મહિનાનો દિવસ હોય તેવા ધ્રુવપ્રદેશના કોઈ સાવ અજાણ્યા સ્થળે થોડો નિરાંતવો સમય વિતાવવો હતો. ત્યાંની આબોહવાનો, ત્યાંની ધરતીનો, વૃક્ષોનો, ફૂલોનો અને વન્ય સૃષ્ટિનો સ્પર્શ માણવો હતો. છ મહિનાના લાંબા દિવસના અખૂટ અજવાસને અને મધ્યરાત્રિએ ઝળહળતા સૂર્યને મન ભરીને નિહાળવો હતો. નોર્વેના ઉત્તર-પશ્ચિમ કિનારે વિસ્તરેલા, સહૃદય ઈન્સાન જેવા સદાય હૂંફાળા, આર્કટિક મહાસાગરમાં, જળપ્રવાસ કરતાં કરતાં, કોઈ અજાણ્યા ટાપુ પર ઊતરી પડી; કોઈ અજાણ્યા માછીમારના ઘરમાં મહેમાન બનવું હતું. દુનિયાને છેડે વસેલા કોઈ શાંત-નિવાંત દ્વીપ પર મધરાતનાં અજવાળાં પીવાં હતાં. ધ્રુવપ્રદેશની ઉનાળુ સાંજે સાતેસાત રંગનાં ઘોડાપૂર, મેઘધનુષના કિનારા તોડી, આખાયે આભમાં ફરી વળે, ત્યારના સપ્તરંગી ઉજાસમાં મનભર નાહવું હતું.

હજાર-પંદરસો વર્ષ પહેલાં છેક ધ્રુવપ્રદેશમાં વસતા વાઈકિંગ જાતિના સાગરખેડુ યોદ્ધાઓ વિશે વાંચ્યું હતું. સ્કેન્ડિનેવિયાના આ જાંબાઝ સાહસિકો છેક ઈ.સ. 793 થી 1066ના ગાળામાં ટોચ ઉપર રાક્ષસનું માથું કોતરેલી લાકડાની કલાત્મક, લાંબી, પાતળી હોડીઓમાં દરિયો ખેડીને બ્રિટન, સ્કોટલેન્ડ, યુરોપ, એશિયા અને અમેરિકાખંડ સહિત આખા વિશ્વમાં ફરી વળ્યા હતા. દરિયા પર અને જમીન ઉપર આતંક ફેલાવી પોતાની સર્વોપરીતા સાબિત કરનાર પરીકથાનાં પાત્રો જેવા વાઈકિંગ લોકોનાં પગલાં અમારે સૂંઘવાં હતાં; એમનાં જહાજો વિશે, એમની સફરો વિશે, એમની સંસ્કૃતિ વિશે જાણવું હતું. છ મહિના લાંબી અંધારી રાતોમાં નિર્ભય ફરતાં ને છ મહિનાનો દિવસ ઊગતાં જ સૂર્યપ્રકાશમાં પથ્થર બની જતાં લાંબા નાકવાળાં ‘ટ્રોલ’ નામનાં વેંતિયાં પ્રેતોની દંતકથાઓનો રહસ્યમય દેશ અમારે જોવો હતો.

એક દિવસ ખરેખર આ બધું જ શક્ય બન્યું. પ્રવાસ તો અનેક કર્યા, કેટલાયે દેશ ઘૂમી વળ્યાં, પણ ધ્રુવપ્રદેશનો આ પ્રવાસ અનોખો હતો; જેમાં અનેક અકલ્પ્ય અનુભવો થયા. અપેક્ષા કરતાં ઘણો વહેલો સ્વપ્નનો સાક્ષાત્કાર તો થઈ ગયો, પણ સાકાર થયેલું સપનું પલક ઝપકતાં વીતીય ગયું. આજે આકાશકુસુમવત સ્મૃતિઓને સંકોરું છું, તો કોઈ પરવશ પ્રણય અનુબંધથી બંધાઈને જાણે અસ્ત થવાનું ભૂલી ગયેલા સૂર્યનું સ્મરણ થઈ આવે છે. અખૂટ ઉજાસભર્યા એ દિવસો મધરાતના સૂર્યની જેમ સ્મૃતિમાં હંમેશ ઝળહળતા રહેશે.

ભારતીય પ્રવાસીઓ દ્વારા પ્રમાણમાં ખૂબ ઓછો ખેડાયેલો એવો, યુરોપખંડની ટોચ ઉપર સ્થિત-નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક અને આઈસલેન્ડને આવરી લેતો નોર્ડિક દેશોનો સમૂહ અથવા સ્કેન્ડિનેવિયા તરીકે ઓળખાતો આ પ્રદેશ અનેક રીતે વિશિષ્ટ છે. અહીં મનુષ્યે પર્યાવરણને અકબંધ જાળવ્યું છે. આ પ્રદેશના દક્ષિણમાં સુંદર શહેરો છે, જેમાં દેશની મોટા ભાગની વસતિ વસે છે. ઉત્તરમાં એવો પ્રદેશ છે, જ્યાં છ મહિનાનો લાંબો શિયાળુ અંધારપટ ને છ મહિનાનો ઉજમાળો ગ્રીષ્મ પ્રજળે છે, જ્યાં શિયાળે અંધારી રાતોમાં ચમકતા સફેદ બરફનું સામ્રાજ્ય ને ઉનાળે હરિત અરણ્યોની લીલા રચાય છે. ધ્રુવપ્રદેશમાં હોવા છતાં, ગલ્ફસ્ટ્રીમના ઉષ્ણ પ્રવાહોને કારણે અહીંનો દરિયો કાતિલ શિયાળામાં પણ થીજતો નથી ! એટલે જ અહીં મત્સ્ય ઉદ્યોગ અને સાગરખેડુઓની એક પરંપરા વિકસી છે.

‘ધ અનએક્સપ્લેઈન્ડ મિસ્ટરીઝ’ નામના એક પુસ્તકમાં ધ્રુવપ્રદેશનાં જળપંખી આર્કટિક ટર્નની વિસ્મયકારક અદ્દભુત સફર વિશે વાચેલું. આ પક્ષીઓ દર વરસે આર્કટિક સર્કલની ઉપરના ઉત્તરધ્રુવ વૃત્તના એમના વતનથી સ્થળાંતર શરૂ કરે, ત્યાંથી છેક દક્ષિણ ધ્રુવ સુધી જાય અને પછી વર્ષને અંતે આર્કટિક સર્કલના પોતાના ઉત્તરધ્રુવીય વતનમાં પાછાં ફરે. ગણવા બેસીએ તો 22000 માઈલ (36000 કિ.મી.) ની એમની આ ખેપ માટે તેમણે 8 મહિના સુધી રાતદિવસના 24 કલાક ઊડતાં જ રહેવું પડે ! આ પંખીઓ શા માટે ખેડતાં હશે આટલી લાંબી સફર ? એવું તો કયું બળ હશે એમની નાનકડી પાંખોમાં ? ડાર્વિન કહે છે, આવી અસામાન્ય ઘટનાઓનાં મૂળમાં જીવમાત્રની જિજીવિષા રહેલી હોય છે. જળપંખીની આ પ્રવાસપ્રીતિ સાથે ક્યાંક તો અમારા પ્રવાસપ્રેમનું અનુસંધાન હતું જ. એટલે જ પ્રવાસની ઝંખના સાથે જેની જિજીવિષા એકાકાર થઈ ગઈ હોય તેવા જળપંખીઓના દુર્ગમ દેશમાં એક દિવસ અમે જઈ ચડ્યાં.

નોર્વેની રાજધાની ઓસ્લોથી શરૂ કરી, અમારે ઉત્તરોત્તર પ્રવાસ ખેડવાનો હતો. ઓસ્લો (ત્યાંના સ્થાનિક લોકો એનો ઉચ્ચર ઓઝ્લો એવો કરે છે.) આધુનિક છતાં શાંત શહેર છે. સદીઓ પહેલાં ધ્રુવપ્રદેશનો આદિમાનવ ફિયોડને કિનારે કિનારે હૂંફાળું હવામાન શોધતો અહીં ઓસ્લોની ભૂમિ પર આવી પહોંચ્યો હશે. આ વિશાળ ઓસ્લો ફિયોડને કિનારે કિનારે લંબાયેલ ફ્રેડરિક્સ્ટેડ અને શ્જેબર્ગ વચ્ચેના રસ્તાને રોડ ઑફ ધ એન્શિયન્ટસ – આદિમાનવનો માર્ગ કહેવાય છે. આ રૂટ પર બ્રોન્ઝયુગના શિલાલેખો અને આદિજાતિ વાઈકિંગોનાં દફનસ્થાનો જોવા મળે છે. સદીઓ પહેલાંના આદિમાનવના આગમનથી શરૂ થઈને આજે મારા અહીં હોવા સુધીનો આ સ્થળનો ઈતિહાસ ઓસ્લો ફિયોડને નિહાળતી એ શાંત ક્ષણે નજર સામે તરવરવા લાગ્યો.

આજનું ઓસ્લો શહેર તો આદિમાનવ અહીં વસતો થયો એ પછી ઘણા લાંબા સમયખંડ બાદ છેક અગિયારમી સદીના મધ્યાંતરે વાઈકિંગ રાજાએ વસાવ્યું, જોકે ત્યારે પણ એ એક નાનકડું ગામડું જ હતું. અને પછી છેક ઈ.સ. 1300માં હાકોન પાંચમાના રાજમાં એને રાજધાનીનો દરજ્જો મળ્યો. બીજા કોઈ પણ શહેરની જેમ ઓસ્લોએ પણ ઈતિહાસના ચગડોળે અનેક ચડતીપડતી જોઈ. અઢારસો ચોવીસમાં તો લાકડાથી બંધાયેલું આ આખેઆખું નગર ભયંકર આગમાં બળીને ભસ્મ થઈ ગયું એ પછી ક્રિશ્ચિયન ચોથાએ એને ફરી વસાવી પોતાના નામ પરથી ક્રિસ્ટિયાના નામ આપ્યું. સો વરસ પછી ઓસ્લોવાસીઓએ ફરી એના જૂના નામને જીવતું કર્યું. પહેલાં એ ડેન્માર્ક સાથે જોડાયેલું હતું, પછી એનાથી છૂટું પડી સ્વીડન સાથે જોડાયું ને છેલ્લે 1905માં સ્વતંત્ર થયું. આજે અહીં સંસદીય રાજાશાહી છે.

નોર્વેનું આ મોટામાં મોટું શહેર, ખરા અર્થમાં નોર્વેનું એકમાત્ર મેટ્રોપોલીસ છે. સ્કેન્ડિનેવિયાની આ સૌથી જૂની રાજધાની ઓસ્લો વિશ્વની બીજી બધી રાજધાનીઓ કરતાં વિશિષ્ટ છે. ધમધમતા અદ્યતન મહાનગરના અને શાંત ગામડાના વાતાવરણનો સુભગ સમન્વય અહીં જોવા મળે છે, કારણ કે એક તરફ ઓસ્લો ફિયોડ અને બીજી તરફ ટેકરાળ અરણ્યો છે. શહેરનો બાર ટકા ભાગ અદ્યતન નગર તરીકે વિકસ્યો છે, જ્યારે બાકીના ભાગમાં કુદરત અને માનવનું સુંદર સહજીવન જોવા મળે છે. ચારસો પચાસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ શહેર ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વનું મોટામાં મોટું શહેર છે; કારણ કે, આ સંસ્કૃત શહેરે પોતાની વચ્ચોવચ હરિયાળાં ક્ષેત્રો સાચવ્યાં છે, જ્યાં અહીંનાં લોકો હળવાશનો સમય માણે છે. કદાચ એટલે જ, અહીંની પ્રજાનું જીવન વિશ્વનાં અન્ય મહાનગરોના લોકો જેવું તાણભર્યું અને ધમાલિયું નથી. નવથી અગિયારમી સદીમાં અહીંની ખતરનાક વાઈકિંગ પ્રજાથી વિશ્વઆખું ધ્રૂજતું; જ્યારે આજે એ જ નોર્વેની પ્રજા અત્યંત શાંતિપ્રિય, મૈત્રીપૂર્ણ અને સૌજન્યશીલ ગણાય છે. વિપરીત અને કઠિન હવામાનનો સામનો કરીને પણ જે સંસ્કારિતા એમણે વિકસાવી છે, તે બેમિસાલ છે. ઊંચા, એથ્લીટ જેવા સશક્ત બાંધાવાળા, સોનેરી વાળવાળા ને ભૂરી આંખવાળા નોર્વેજિયનોની એક આગવી પ્રતિભા છે. અહીં સાક્ષરતાનો આંક, નવ્વાણુ ટકા છે. લોકો ખરા અર્થમાં સુખી છે. વળી વિશ્વમાં સૌથી લાંબું આયુષ્ય ધરાવતી પ્રજા આ જ છે. અહીંની સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય 81 વર્ષ છે અને અહીંના પુરુષો સરેરાશ 74 વર્ષ જીવે છે ! અને એ સૌની સરેરાશ માથાદીઠ આવક છે, દર મહિને આશરે પિસ્તાળીસ હજાર રૂપિયા !!

એક દિવસ વહેલી સવારે અમે ઓસ્લોનો ખૂણેખૂણો ખૂંદી વળવા ઓસ્લો સિટીપાસ લઈને નીકળી પડ્યાં. યુરોપનાં શહેરોમાં ફરવા માટે આવા એક કે એકથી વધુ દિવસના સિટીપાસ ખૂબ ઉપયોગી થાય છે. આ પાસથી શહેરની તમામ બસ, ટ્રામ, મેટ્રો ટ્રેન, બોટફેરી બધાંમાં મનફાવે તેટલી મુસાફરી થઈ શકે; વળી શહેરનાં ઘણાંખરાં મુખ્ય આકર્ષણો જેવાં કે મ્યુઝિયમ, પાર્ક વગેરેનો પ્રવેશ પણ પાસઘારકો માટે મફત અથવા સસ્તો હોય. સરક્યુલર રૂટની જે ટ્રામ સૌથી પહેલી આવી તેમાં અમે ગોઠવાઈ ગયાં. શહેર હજી સવારની સુસ્તી ઉડાડી રહ્યું હતું. થોડી વારમાં એનાઉન્સમેન્ટ થયું : ‘નેક્સ્ટ સ્ટોપ, વિગીલેન્ડ પાર્ક…’ ઓસ્લોનું સૌથી આકર્ષક સ્થળ પહેલું જ આવી મળ્યું. ખુશ થઈ અમે ખોળામાં પાથરેલા નકશા સંકેલી ઊતરવાની તૈયારી કરી.

વિગીલેન્ડ પાર્કના લોખંડના તોતિંગ પ્રવેશદ્વારમાં ઊભા રહો, એટલે જમણી બાજુ ફૂલક્યારીની વચ્ચે આ પાર્કના સર્જક શિલ્પી ગુસ્તોવ વિગીલેન્ડનું આદમકદ પૂતળું જોવા મળે, ને સીધું જોઈએ તો બંને બાજુ પર સુંદર શિલ્પકૃતિઓથી શોભતા પુલસોંસરવું છેક દૂર ઊભેલું વિશ્વવિખ્યાત મનોલીતેનનું, એક જ પથ્થરમાંથી કોતરેલું ઊંચું સ્તંભાકાર શિલ્પ જોઈ શકાય. નોર્વેના આ મહાન કલાકારે એકલે હાથે કરેલું આ વિપુલ સર્જન અમે ચકિત થઈ જોતાં રહ્યાં. વિશાળ પાર્કનાં બધાં જ શિલ્પનું સર્જન તેણે કોઈ મદદનીશ કલાકાર કે પોતાના કોઈ વિદ્યાર્થીની મદદ વિના એકલે હાથે કર્યું એ હકીકત જ આશ્ચર્યપ્રેરક હતી ! સાથેસાથે એ વાત પણ અહોભાવપ્રેરક હતી કે શહેર અને સરકારે પણ આ મહાન કલાકારની ઉચિત કદર કરી. વિગીલેન્ડ પાર્કના પરિસરમાં જ સરકારે એમને એક સ્ટુડિયો બાંધી આપ્યો, જેના ઉપલા માળે ગુસ્તાવની રહેવાની વ્યવસ્થા હતી. અહીં રહી તેમણે વરસો સુધી આ પાર્કનાં બધાં જ, કુલ બસોને બાર શિલ્પનું સર્જન કર્યું. પાર્ક સંપૂર્ણ થયેલો જોવા તો ગુસ્તાવ જીવ્યા નહીં, પણ મૃત્યુ પર્યંત એ અહીં જ રહ્યા અને એમની અંતિમ ઈચ્છા અનુસાર એમનાં અસ્થિ પણ આ મકાનના ટાવરમાં જ મૂકવામાં આવ્યાં. ગુસ્તાવના મૃત્યુ પછી એમનો સ્ટુડિયો તથા રહેઠાણના આ મકાનને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યું. સર્જન માટે ગુસ્તાવને મળેલી સગવડો અભૂતપૂર્વ હતી, જેના બદલામાં ઓસ્લો નગરપાલિકા સાથે કરેલા કરાર અનુસાર એમણે જે કાંઈ સર્જન કર્યું, એ બધું જ ઓસ્લો શહેરને અર્પણ કર્યું; અને આમ સર્જાયું વિશ્વમાં અજોડ શિલ્પકૃતિઓનું ઉપવન વિગીલેન્ડ પાર્ક.

વિગીલેન્ડ પાર્ક એંસી એકર જમીન પર ફેલાયેલો છે. તેમાં ગુસ્તાવ વિગીલેન્ડે સર્જેલાં તમામ બસો ને બાર શિલ્પ ગોઠવેલાં છે. એમનાં સર્જનોમાં સ્ત્રી-પુરુષનો સંબંધ, મૃત્યુની વિભાવના, ઉદાસી, એકાકીપણાથી માંડીને ઊંડો સ્નેહ અને આશ્લેષના રોમાંચ સુધીના મનુષ્યની લાગણીના હર એક રંગ જોવા મળે છે. ઘેઘૂર વૃક્ષો અને રંગબેરંગી ફૂલક્યારીઓથી શોભતો આઠસો પચાસ મીટર લાંબી ધરી પર રચાયેલો આ પાર્ક પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે : પ્રવેશદ્વાર, બ્રિજ, ફુવારો, મોનોલીથ પ્લેટો, અને વ્હીલ ઑફ લાઈફ. લોખંડ ઢાળીને બનાવેલ ભવ્ય પ્રવેશદ્વારની ડિઝાઈન પણ ગુસ્તાવે પોતે બનાવી છે. પાર્કનો લે આઉટ, લેન્ડસ્કેપ, બધું જ એમની પરિકલ્પના અનુસાર રચાયું છે.

પાર્કના દ્વિતીય વિભાગ, બ્રિજની બંને તરફ ગ્રેનાઈટના પ્લેટફોર્મ પર સમાન અંતરે આકર્ષક લેમ્પપોસ્ટ અને બ્રોન્ઝનાં અદ્વિતીય પૂતળાં મૂકેલાં છે. બ્રોન્ઝના શિલ્પ પર ગુસ્તાવ જે ભાવ મૂકી શક્યા છે, તે અદ્દભુત છે. ઊંચે આકાશમાં કાંઈક વિસ્મયપૂર્વક નિહાળતાં બે બાળકો, ગુસ્સે થયેલું બાળક, શિશુને સ્નેહપૂર્વક રમાડતી સ્ત્રી, અનેક બાળકોથી પજવાઈને ખીજવાઈ ગયેલો પુરુષ, જિંદગીના હરએક પહેલુને ગુસ્તાવ સ્પર્શ્યા છે. પુલની નીચે બાળકોનું ક્રીડાંગણ બનાવ્યું છે, આ નાનકડા ગોળ મેદાનમાં બ્રોન્ઝમાંથી બનાવેલાં બાળકોનાં આઠ શિલ્પ છે, અને ક્રીડાંગણની વચ્ચોવચ ગ્રેનાઈટમાં કંડારેલું ગર્ભસ્થ શિશુનું શિલ્પ છે !

પુલ પસાર કરીને આગળ જઈએ એટલે પાર્કનો ‘ધ ફાઉન્ટન’ નામનો વિભાગ આવે. કહેવાય છે કે પહેલાં આ ફુવારાને પાર્લામેન્ટભવન સામે મૂકવાનો પ્રસ્તાવ હતો, પછી ટેકરી ઉપર કે રાજમહેલની સામે, અંતે એ વિગીલેન્ડ પાર્કની શાન બની રહ્યો. ખરેખર તો, એ એક સામાન્ય ફુવારો નથી, અનેક જટિલ શિલ્પોનો સમૂહ છે; જેનું ફુવારાઓ સાથે સંયોજન કરવામાં આવ્યું છે. આ શિલ્પસમૂહની ગુસ્તાવની વિભાવના પણ અદ્દભુત છે. ફુવારામાં વચ્ચોવચ છ રાક્ષસોએ મળીને ઊંચકેલા વિરાટ પાત્રનું ઊંચું શિલ્પ છે, જેની ચારેકોર વૃક્ષાવલીની રચના કરી છે. અહીં એમણે વૃક્ષોનાં એવાં વીસ જૂથનું સર્જન કર્યું, જેને છાંયડે પારણાથી માંડીને કબર સુધી વિસ્તરેલા માનવજીવનના વિવિધ પહેલુઓ ઉજાગર કર્યા છે. સર્જક આ શિલ્પથી જાણે કહી રહ્યા છે કે, આપણો પૃથ્વી ઉપર વિતાવેલો સમય તો એક એવા શાશ્વત અખંડ ચક્રનો અંશમાત્ર છે, જેને ન તો કોઈ શરૂઆત છે, ન તો કોઈ અંત ! એક ચિરંતન સંદેશની કેવી કલાત્મક અભિવ્યક્તિ ! વૃક્ષોના સમૂહ પછી એક શિલ્પ છે, સમય સાથે કોહવાઈ રહેલા હાડપિંજરનું અને પછી મૂક્યું છે, અસંખ્ય બાળકોથી લદાયેલું એક વૃક્ષ. સૂચન છે, મૃત્યુમાંથી જ પાંગરતું નવજીવન ! આ પછી મહોરી ઊઠેલા નવજીવનને સૂચવતી અન્ય બ્રોન્ઝકૃતિઓ ફુવારાની બહારની બાજુએ શોભે છે.

ફુવારાથી આગળ ને આગળ, પગથાર ચડતા જાઓ એટલે ઢાળેલા લોખંડના બનેલાં આઠ દ્વારથી ઘેરાયેલી એક ઊંચી સમથળ જગ્યા આવે, જેના પર જીવનની વિવિધ પરિસ્થિતિઓને વર્ણવતાં છત્રીસ શિલ્પસમૂહ છે. ધ્યાન ખેંચેં એવી વાત એ છે કે, આ પૂતળાં માત્ર સૌંદર્યને જ નહીં, વાસ્તવિકતાને પણ આલેખે છે. આમાં વૃદ્ધ સ્ત્રીપુરુષો પણ છે, રુગ્ણ અને કમજોર વ્યક્તિઓ પણ છે, પેટ અને સ્તન લચી પડેલાં હોય તેવી આધેડ સ્ત્રીઓ પણ છે. ચારે તરફ છૂટાંછવાયાં પૂતળાં મૂકેલાં છે. આ વિભાગને મોનોલીથ પ્લેટો કહે છે. આ પ્લેટોની વચ્ચોવચ મોનોલીથ નામનું ઊંચું સ્તંભાકાર શિલ્પ છે. મોનો એટલે એક અને લીથો એટલે પથ્થર. આમ, ગ્રેનાઈટના એક જ પથ્થરમાંથી રચાયેલા આ સ્તંભને મોનોલીથ કહે છે. આ સ્તંભ છપ્પન ફૂટ ઊંચો છે.

એક જ શિલામાંથી કંડારેલા આ સ્તંભના શિલ્પમાં કોતરેલી એકસો એકવીસ આકૃતિઓમાં ગુસ્તાવ એક અલગ જ વિષયને સ્પર્શ્યા છે. અહીં કંડારી છે, માણસના મનની આત્મા અને પરમાત્માને પામવાની ઝંખના; કોઈ અગમ્ય અગોચર તત્વને ઓળખવાની મનીષા ! એકબીજાનું ઘનિષ્ટ અવલંબન લઈને મોક્ષ તરફ પ્રયાણ કરતા માનવ સમુદાયને આલેખતાં કલાકારે દર્શાવ્યું છે કે, સ્વર્ગ તરફનો માર્ગ માત્ર માનવજીવનની વ્યથા અને મનુષ્યે સહી લીધેલાં દુ:ખોમાંથી જ પસાર નથી થતો, એ એક આશાભરી આનંદયાત્રા પણ છે !

મોનોલીથથી પશ્ચિમે લંબાતી ધરી પર છેલ્લો વિભાગ છે, વ્હીલ ઑફ લાઈફ. એકબીજાના હાથમાં હાથ ગૂંથેલાં સ્ત્રી, પુરુષ અને બાળકોની બનેલી એક માળા સ્વરૂપે રચાયેલું આ ચક્ર, જીવનના ચિરંતન અમરત્વનું પ્રતીક છે. ખરું પૂછો તો આ ચક્ર, પાર્કનાં સમગ્ર સર્જનોનો સારાંશ છે; જે નિરંતર સુખ, દુ:ખ, સપનાં અને અનંત આશાઓમાંથી પસાર થતી, પારણાથી શરૂ થઈ કબર પર પૂરી થતી મનુષ્યની જીવનયાત્રાને વ્યંજિત કરે છે.