બહેનોનો વાંચનરસ – ભગવતીકુમાર શર્મા

ગુજરાતી નવલકથાઓની ઉપયોગીતા વિશે કેટલાક સાહિત્ય-વિવેચકો છેક હમણાં સુધી એમ કહેતા હતા કે ગુજરાતણો બપોરે જમી-પરવારીને હીંચકે ઝૂલતાં ઝૂલતાં કે પલંગમાં આડાં પડીને જેમાં બહુ બુદ્ધિ ન ચલાવવી પડે અને ભરપૂર વાર્તારસ મળી રહે તેવી ગુજરાતી નવલકથાઓ વાંચવાનું પસંદ કરે છે, જેથી મનોરંજનનું મનોરંજન મળી રહે, સમય પસાર થઈ જાય અને વાંચતાં વાંચતાં ઊંઘનું સરસ મજાનું ઝોકું આવી જાય તોયે વાંધો નહિ !

વિવેચકોએ આવી વાત ભલે કટાક્ષમાં કરી હોય, પરંતુ એ તો એક હકીકત હતી કે ગુજરાતી બહેનો, બહુ ભણેલી કે ઓછુ ભણેલી ગરવી ગુજરાતણો સામાન્યત: ગુજરાતી નવલકથાઓ વાંચવાનું પસંદ કરતી હતી. અર્થાત્ બપોરની નવરાશનો સમય તેઓ પુસ્તક-વાચનને સહારે વિતાવતી હતી. બધી બહેનો ત્યારે કદાચ આવું નહિ કરતી હોય, પણ ગણનાપાત્ર સંખ્યાની સ્ત્રીઓમાં વાચનરસ વિકસેલો હતો.

મને મારી માનું દષ્ટાંત યાદ આવે છે. ચાર ગુજરાતી ચોપડી ભણેલી મારી મા નખશિખ ઘરરખ્ખુ ગૃહિણી હતી. ભરત-ગૂંથણનો કશો શોખ નહિ કે તેવી આવડત નહિ. એ જમાનામાં સ્ત્રીઓને રજોદર્શનને કારણે મહિને ત્રણ કે ચાર દિવસ ફરજિયાત આરામ કરવો પડતો. ધાર્મિક બાધની માન્યતાને લીધે ત્યારે સ્ત્રીઓ ઘરને એક ખૂણે પડી રહેતી; ન કોઈને કે કશાને અડકી શકે, ન કોઈ કામ કરી શકે. મારી માની યે એ જ હાલત હતી, પણ મારા બાળપણ અને કિશોરાવસ્થામાં હું જોતો કે એ દિવસો દરમિયાન કંતાનની ખરબચડી ગોદડી પર સૂતી સૂતી મોટે ભાગે કાંઈકને કાંઈક વાંચ્યા કરતી હોય ! માનો એ વાચનરસ જીવનભર જળવાઈ રહ્યો હતો. અખબાર, સામાયિકો, પુસ્તકો વગેરેમાંથી કશુંક તેના હાથમાં હોય, આંખે ચશ્માં ચઢાવેલાં હોય અને આખી બપોર તે વાંચ્યા કરે, વાંચતાં વાંચતાં ઝોકાં પણ આવી જાય. ચશ્માં નાક પર નીચાં સરી જાય. છાપું કે પુસ્તક હાથમાંથી પડી જાય, છતાં વાંચનરસ અખૂટ અને અતૂટ.

આજે પરિસ્થિતિ ઘણે અંશે બદલાઈ ગઈ છે. હવે આધુનિક સ્ત્રીઓ માત્ર ઘર પૂરતી મર્યાદિત રહી નથી. ઘણી ખરી બહેનો ઘર સંભાળવા ઉપરાંત ઘરની બહાર નોકરી કે બીજાં નાનાં-મોટાં કામ કરે છે. ‘બપોરના સમયની નવરાશ’ હવે ઘણી બધી સ્ત્રીઓની હથેળીમાંથી સરકી ગઈ છે. આનું પરિણામ એ આવ્યું છે કે એકંદરે બહેનોનો વાચનરસ ઘટતો જાય છે. આજની વર્કિંગ વીમેનને ‘ટાઈમ જ ક્યાં છે ?’ ની સાચકલી ફરિયાદ કરવાનો અધિકાર છે જ. સવાર ઘરકામમાં, પછી સાંજ સુધીનો સમય ઑફિસમાં, મોડી સાંજથી રાત સુધી ફરીથી ઘરનો મોરચો સંભાળવાનો, થાક્યાં-પાક્યાં ટી.વી. પર એકાદી સિરિયલ ઝોકાં ખાતાં ખાતાં જોઈ ન જોઈ કે પથારીભેગા અને વહેલી પડજો સવાર ! રવિવાર કે રજાના બીજા દિવસો થોડીક નવરાશ અને હળવાશ લઈને આવે, ત્યારે પણ ઘરનું ચઢેલું કામ આટોપવું પડે. બપોરે આરામ કરવાની ઈચ્છા થાય અને સાંજે ફરવા કે મિત્રો-સગાંસંબંધીઓને ત્યાં જવાય અથવા તેઓ આવી ચઢે તો તેઓનું સ્વાગત કરવાનું. રાતનું ભોજન તો ‘બહાર’ જ રાખવું પડે – હવે તમે જ કહો, આમાં વાંચવાના કે એવા કોઈ બીજા સારા શોખને કઈ રીતે પોષવો ?

વાત સાચી છે, છતાં બહેનો વાચનરસ કેળવે, ખીલે, વિકસાવે એ આવશ્યક છે; તે તેઓના જ નહિ, સમગ્ર પરિવારના પણ હિતમાં છે. આજની બહેનો બિલકુલ વાંચતી નથી એમ કોઈ જ નહિ કહે. મારે પણ એવી ફરિયાદ નથી જ કરવી. આજે યે કેટલીક સમજુ બહેનો વાંચે છે. હવે તો સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. સુશિક્ષિત, સમજદાર સ્ત્રીઓને વાચનનું મહત્વ, તેની ઉપયોગિતા સમજાવવાનાં હોય જ નહિ. કેટલીયે બહેનો એવા જોબ કરે છે કે તેઓને પોતાના ક્ષેત્રનું અને ક્ષેત્ર બહારનું પણ વાંચવું જ પડે. કેટલીયે બહેનો ગમે તે રીતે સમય કાઢીને કંઈક તો વાંચી લેતી જ હોય છે. સુરત શહેરમાં પુસ્તકમેળો યોજાય છે ત્યારે તેની મુલાકાત લેનારાઓમાં બહેનોની સંખ્યા કાંઈ ઓછી હોતી નથી. કેટલીક દષ્ટિવંત સન્નારીઓ તો પોતાનાં બાળકોને સાથે લઈને પુસ્તકમેળામાં આવે છે અને બાળકો માટે બાળસાહિત્યનાં પુસ્તકો પસંદ કરી કરીને ખરીદે છે. આવી બહેનોને તો ધન્યવાદ જ આપવા પડે.

પરંતુ મારી છાપ એવી છે કે મહિલાઓમાં વાચનરસ ઘટતો જાય છે. આમાં માત્ર બહેનોનો દોષ જોવાનું યોગ્ય નથી. સમગ્રપણે આપણી પ્રજાનો પુસ્તકપ્રેમ ઘટ્યો છે તેવી ફરિયાદ વધારે ને વધારે વ્યાપક બની છે. પુરુષો યે કેટલું વાંચે છે અને શું વાંચે છે એ પ્રશ્ન તો રહે જ છે. ‘સમય નથી મળતો’ ની ફરિયાદ પુરુષો વાસ્તવિક સ્તરે કેટલા પ્રમાણમાં કરી શકે ? વાચનરસમાં છેદ મૂકનારું એક આંશિક સત્ય તે ટી.વી.નું ઘેરઘેર થયેલું આગમન છે તેનો ઈનકાર થઈ શકે તેમ નથી.

પતિ, પત્ની, બાળકો, દાદા, દાદી વગેરે સહુ પુસ્તકો પાસે જવા કરતાં ટી.વી.ના રિમોટનું સંચાલન કરવામાં વધારે ઓતપ્રોત રહેતાં હોય એ વાત હવે લગીરેય નવી કે આશ્ચર્યપ્રેરક રહી નથી. વાચન, મેદાની રમતો, ખુલ્લી હવામાં હરવું-ફરવું વગેરે છોડીને ટી.વી.માં જકડાઈ જવાના વ્યસનનાં માઠાં પરિણામો હવે તો આપણા સમાજમાં સાકાર પણ થવા લાગ્યાં છે. આ એક વ્યાધિ જેવી સમસ્યા છે, પણ મને લાગે છે કે ગૃહજીવનને સંબંધ છે ત્યાં સુધી તેનો ઉપાય પુરુષ કરતાં સ્ત્રીના હાથમાં વધારે છે. બહેનો જો ઉત્કટ વાચનરસ કેળવે તો ધીમે ધીમે તેની સાનુકૂળ અને સકારાત્મક અસર પરિવાર પર પડી શકે. ટી.વી. સિરિયલ જોવાની લાલચ છોડીને બહેનો એક ખૂણે બેસી પુસ્તકમાં ડૂબી જાય તો જતે દહાડે ખાસ કરીને ઘરનાં બાળકો તે તરફ આકર્ષાયા વિના ન રહે. શાણી અને સમજુ મમ્મી પોતાનાં બાળકોમાં વાચનપ્રેમ ખીલવવાના પ્રયત્નો અચૂક કરે જ, કરતી પણ હોય છે. શરૂઆતમાં તે પોતે બાળકોને કાંઈક ને કાંઈક સારું વાંચી સંભળાવે અથવા પોતે જે ઉમદા વાચન કર્યું હોય તેની કરવા જેવી વાત બાળકો સમજી શકે, તેઓને રસ પડે તેવી ભાષા અને શૈલીમાં તેઓને કરે, પછી બાળકોના હાથમાં ચૂંટી ચૂંટીને પુસ્તકો મૂકે, બાળકો મોટાં થાય એટલે તેઓને પુસ્તકાલયમાં જવાની, તેનાં સભ્ય બનવાની પ્રેરણા આપે, તે માટેનું પ્રોત્સાહન આપે. આ સર્વનો બાળકના સુંદર, સમુચિત ઘડતર પર અચૂક સારો પ્રભાવ પડશે જ. પરંતુ આવું સુભગ પરિણામ ત્યારે શક્ય બને જ્યારે સ્ત્રીઓએ પોતે સમજપૂર્વકનો વાચનરસ વિકસાવ્યો હોય.

હું નવો નવો લેખક બન્યો અને મારે ઘેર મોટી સંખ્યામાં પુસ્તકો આવતાં થયાં ત્યારે મારા મહોલ્લાની કેટલીયે પરિચિત બહેનો મારે ઘેર આવીને હકપૂર્વક પુસ્તકો માગતી અને હું તેઓને કશી દિલચોરી વિના તેઓ માગે તે પુસ્તકો આપતો. એમાંના કેટલાંક પુસ્તકો જરૂર પાછાં ફરતાં. બહેનો વાંચેલાં પુસ્તકો પાછાં આપી જતી વખતે અને નવાં પુસ્તકો લઈ જતી, પણ ક્યારેક તેવું ન પણ બનતું. પુસ્તકો પાછાં ન ફરતાં. આ રીતે મારાં લખેલાં કેટલાંય પુસ્તકો અટવાઈ ગયાં હશે અને કેટલાંક પુસ્તકોની એક પણ નકલ મારી પાસે બચી ન હતી, છતાં એ વાતનો મને આજ લગી ક્યારેય કશો વસવસો થયો નથી. ઊલટું મને ત્યારે એવો સંતોષ થતો કે ચાલો, બહેનો પુસ્તક વાંચે છે તો ખરી ! પુસ્તકો વંચાય તો ખોવાય પણ ખરાં !

પરંતુ પછી અને આજ સુધી વસવસો એ વાતનો રહ્યો છે કે હવે ભાગ્યે જ કોઈ બહેન મારી પાસે વાંચવા માટેનાં પુસ્તકો લેવા આવે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વડલાની શીતળ છાયામાં – ડૉ. રૂપા શાહ
વિગીલેન્ડ પાર્ક – ભારતી રાણે Next »   

16 પ્રતિભાવો : બહેનોનો વાંચનરસ – ભગવતીકુમાર શર્મા

 1. અતુલ જાની (આગંતુક) says:

  વાત કડવી પણ સાચી છે. પહેલા માત્ર ચાર ચોપડી ભણેલી બહેનોમાં પણ વાંચનરસ રહેતો જ્યારે હવે ઘણું ઉચ્ચ શિક્ષણ મેળવેલ બહેનોમાં પણ વાંચનરસ ઘટતો જાય છે અને તે વાસ્તવિક ચીંતાનો વિષય છે.

  વાંચનથી સમજણ વિકસે છે, બુદ્ધિ ખીલે છે, કલ્પનાશક્તિ વિસ્તરે છે, સર્જનાત્મક ભાવનાઓ સ્ફુરે છે, બાળકોના વિકાસને વેગ મળે છે, ઘરમાં સંવાદિતા વધે છે, સ્વસ્થ સમાજનુ નિર્માણ થઈ શકે છે આ બધું સમજતી હોવા છતાં કેટલી બહેનો વાંચે છે?

  અલબત ભાઈઓ પણ આ વાંચનરસ ધીરે ધીરે ગુમાવી રહ્યા છે અને તે પણ એટલી જ ચીંતાનો વિષય છે.

 2. Rajni Gohil says:

  Thank God that I am able to read a lot my whole life. I hardly missed a day without reading something. I read even when travelilng.

  I not only read, but also encourage friends and family members to read. I also send many informative emails to them. I have many good books on positive thinking, I give them to read.

  At the age of 75, my mother learned to read. And was reading till she died at the age of 93.

  It is a sad fact that younger generation and ladies are reading less. We people do not read and blame lack of timing. Which is half true. Lack of time is due to improper time management. If we makeup our mind not to go to bed without reading good books (off copurse reading with interest) no matter what. Have trust that God will provide us with time. And what we think, comes into reality when our heart is pure.

  Hope ladies will start reading good books after reading good article by Bhagawatikumar Sharma.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.