ડાહ્યો થવાની ના – કાકા કાલેલકર

[‘સ્મરણયાત્રા’ પુસ્તકમાંથી સાભાર.]

છેક નાનપણથી કેશુનો (મારો મોટોભાઈ) મારા તરફ ખાસ પક્ષપાત. તેથી મારા ઉપર એ કંઈક વાલીપણું પણ ચલાવતો. એને સંતોષ થાય એટલી મારે કસરત કરવી, એ કહે એ કામ કરવું, એને પસંદ હોય તે ચાહવું, એને જેની સાથે દુશ્મની હોય તેની મારે નિંદા કરવી, તેની છાની વાત ગમે ત્યાંથી મેળવી કેશુને કહેવી. વળી કેશુ મને મારે તોયે એની તકરાર ન કરવી એટલું જ નહીં, પણ માર ખાતી વખતે જો કોઈ મારી દયા ખાઈ છોડાવવા આવે તો મારે એને કહી દેવું કે ભલે કેશુ મને મારે, તમારે વચમાં પડવાની જરૂર નથી ! આવા આવા અનેક પાઠ મારે ભજવવા પડતા. અને એ બધા હું એક જાતની રાજીખુશીથી ભજવતો. સેનાપતિનો હુકમ ઉઠાવતાં સૈનિકને જે કર્તવ્યપાલનનું સમાધાન મળે છે તે મેં કેળવેલું હતું. કેશુમાં શુદ્ધાચારનો ઊભરો આવે ત્યારે મારે મરજાદી વૈષ્ણવ જેવા થઈ જવું; એને શૃંગારી પદો ગાવાની લહેર ચડે ત્યારે મારે પણ રસિક બનવું; અને તેમાંથી જ્યારે એને પશ્ચાત્તાપ થાય ત્યારે એ જ ઘડીએ મારે પણ પશ્ચાતાપ ધારણ કરવો; એવું અપૂર્વ અને આદર્શ અનુયાયીપણું મેં કેળવ્યું હતું. આમાં જેટલો સારો ભાગ છે તે હજીયે મારી પાસે છે; અને કેટલીક માઠી અસર પણ હજી મારામાં રહી હશે. આવી સાધનામાંથી એક પરિણામ તો આજે હું સ્પષ્ટ જોઈ શકું છું કે કોઈ માણસ મારી સાથે વાતો કરે તો તરત જ એના પ્રત્યે સમભાવ ધારણ કરી એનું કહેવું હું બરાબર સમજી લઉં છું અને એની મનોવૃત્તિ પારખી શકું છું એટલું જ નહીં, પણ અરધી ધારણ પણ કરી શકું છું. આથી દરેક પક્ષની બાજુ અને એની ખૂબી સામાન્ય લોકો કરતાં મારા ધ્યાનમાં ઝટ આવે છે. પરિણામે, જ્યાં સુધી પ્રયત્નપૂર્વક કેળવું નહીં ત્યાં સુધી, કોઈને વિશે મારા મનમાં ચીડ જામતી નથી.

કેશુનું અનુયાયીપણું હું જેમ જેમ કેળવતો ગયો તેમ તેમ એનું જોહુકમીપણું પણ વધતું ગયું. પ્રેમ સ્વભાવે જ સુલતાન હોય છે. અને તેમાં વળી ‘યથેચ્છસિ તથા કુરુ’ એવી વૃત્તિવાળો મારા જેવો અનુયાયી મળે તો આપખુદીને બીજું પોષણ કયું જોઈએ ? આમ અનુભવથી હું શીખી ગયો કે જાલિમ જાલિમ બને છે એનું કારણ ગુલામની ગુલામી વૃત્તિ જ છે. એક નરમ રહે તો બીજો ગરમ કેમ ન થાય ?

આ મારા નાનપણના અનુભવને લીધે મને બીજા ઉપર હકૂમત ચલાવવાનું જરાયે ગમતું નથી. બીજાનો વિકાસ થાય એટલા માટે હંમેશ હું પોતાને સંકોચ કરું છું. મારા આ સ્વભાવને લીધે કેટલાય પોતાની મર્યાદા ઓળંગી મારા પર સવાર થાય છે. કેમ કે, દુનિયા બે જ વૃત્તિ જાણે છે : સવાર થવું અથવા બીજાની સવારી કબૂલ રાખવી. કાં તો ડરીને બીજા તરફ ઊંચું જોવું અથવા અમલદાર બની બીજા તરફ તુચ્છતાથી નીચે જોવું. સમાન ભાવે સમાન જોવું અને પોતાની મર્યાદા રાખવી એ કળા થોડા લોકોમાં હું જોઉં છું. જ્યાં મળે ત્યાં ગેરલાભ લેવો અને જ્યાં ન ચાલે ત્યાં નરમ થઈ બીજાને તાબે થવું એજ સર્વત્ર નિયમ દેખાય છે. Looking up અને Looking down એ બે વસ્તુ સર્વત્ર દેખાય છે. Looking Level એ બહુ જ ઓછું જણાય છે. આને પરિણામે મારે હમેશાં કાં તો કેળવેલો સંબંધ ઓછો કરવો પડે છે અથવા તો સાવ તોડી દેવો પડે છે. આમ કરતાં પ્રેમની સ્થિરતા બગડી જાય છે એનું મને માઠું લાગે છે. કોઈની સાથે એક વાર સંબંધ બાંધ્યો તો એ આખી જિંદગી સુધી બરાબર ટકાવવો એ મારો ખાસ આદર્શ છે. એના પર તાણ પડે છે ત્યારે અત્યંત દુ:ખ થાય છે, અસહ્ય વેદના થાય છે. પણ દુનિયાનો સ્વભાવ હું કેમ બદલાવી શકું ?

કેશુની આટઆટલી ગુલામી કર્યા પછી મારે એની સામે બેઠો બળવો કરવો પડ્યો. બાની શિખામણો તો એવી કે મોટાભાઈઓની આમાન્યામાં રહેવું. પોતાના કરતાં ઉંમરે જે મોટા તે બધા ગુરુજન; તેમને વશવર્તી રહેવું. તેમનું અપમાન થાય તેવું કશું કરવું કે બોલવું નહીં. એટલે જ્યારથી મારા મનમાં બગાવત પેઠી ત્યારથી સવિનય બળવો કેમ કરવો એનો હું વિચાર કરવા લાગ્યો. કેશુ કંઈ હુકમ કરે અને મને એ પસંદ ન હોય તો અત્યંત નમ્રતાથી હું એને કહેતો કે મારાથી આ થશે નહીં. કેશુને આખા ઘરમાં અવજ્ઞાનો અનુભવ હતો જ નહીં. એને તો મારો જવાબ માનભંગ જેવો લાગે, એટલે ચિડાઈને મને મારે. ગાલ ઉપર એવી તો ચૂંટી ખણે કે લોહી જ નીકળે. કોક વાર ઉપવાસ કરવાની સજા ફરમાવે. ધિક્કાર અને તિરસ્કાર કરે એ તો સહેજ વાત. હું એ બધું ખમતો. બીજી જ ક્ષણે કાંઈ સાદી આજ્ઞા કરે તો તે બમણા ઉત્સાહથી ઉઠાવતો. ઘણી વાર કેશુનું માથું દુખતું. મને મારીને એ પથારીમાં જઈ પડે કે તરત જ એનું માથું દબાવવા જતો. કેશુનો સ્વભાવ મહાદેવ જેવો શીઘ્રકોપી પણ આશુતોષ; પણ વિચાર તો નહીં જ. એટલે દર વખતે એ જ નાટક ફરી ફરી ભજવાતું.

પણ આખરે મારી ધીરજનો વિજય થયો. મને મારી સ્વતંત્રતા મળી ગઈ. એમાં બીજું પણ કારણ હતું. નાનપણમાં ઘરમાં બધાં મને ઠોઠ નિશાળિયો ગણતાં. જ્યારે ભણતરમાં કેશુએ મારી બુદ્ધિની ચમક જોઈ ત્યારે એ જરા પીગળ્યો. અંગ્રેજી કવિતા તો એના કરતાં મને વધારે સમજાય છે, એવું જ્યારે એણે જોયું ત્યારે તો એ સાવ નરમ પડ્યો. આખરે એને લકવાનો ભારે રોગ લાગુ પડ્યો. પછી તો એ અસહાય બાળક જેવો થઈ ગયો; અને એને મારું જ નર્સિંગ (માવજત) ગમતું. મનની દરેક જાતની મૂંઝવણ એ મારી આગળ ઉઘાડી કરતો, અને મારી વાતોથી એને આશ્વાસન મળતું. માંદો માણસ ચીડિયો તો બને જ. જે વખતે ઘરમાં એ બધા ઉપર ચિડાયો હોય ત્યારે એને શાંત પાડવાનું કામ મારું. એના આખા જીવનના ગુણદોષો અને પ્રમાદો હું જાણું છતાં, અથવા તેથી, અમારો સંબંધ ભાઈ ભાઈ કરતાં પણ વધારે ગાઢ થયો. એને હું જિગરથી ચાહતો. એની સેવા કરવામાં મને પરમ આનંદ મળતો. પણ એની જીવનપદ્ધતિ મને કોઈ કાળે પસંદ પડી નહીં. એના ઘણાખરા મિત્રો મારી દષ્ટિએ કાંઈક ઊતરતા દરજ્જાના હતા. એના બધા જ અભિપ્રાયો ઉતાવળે બાંધેલા હતા. એ ઝીણી ઝીણી વાસનાને સહેજે વશ થતો. અને નાનપણથી એનાં લાડ થયેલાં હોવાથી એનામાં આત્મપ્રીતિ વિશેષ હતી. જે માણસ પોતાને જ દુનિયાનું મધ્યબિંદુ કલ્પે છે તેને ભાગે હમેશાં દુ:ખ જ હોય છે. પૃથ્વીને મધ્ય કલ્પીને રચેલું જ્યોતિષશાસ્ત્ર જેમ ખોટું, તેમ પોતાને મધ્ય કલ્પી બાંધેલી જીવન વિશેની કલ્પના પણ ખોટી હોય છે. અને આવે ખોટે નકશે જે ચાલે એને તો ડગલે ને પગલે અથડાવાનું જ હોય.

કેશુ સામે મેં જેટલા મીઠા બળવાઓ કર્યા છે, તેમાંના કેટલાક મને યાદ છે. પણ બધા જ કંઈ સ્મરણયાત્રામાં નોંધાય ? માટે જ આટલા વિસ્તારથી એ બધા પ્રસંગોનો સાર અહીં આપી દીધો છે. મારા બધા ભાઈઓમાં મારો વિશેષ પ્રેમ કેશુ પ્રત્યે જ હતો. એ હંમેશ મારા હિતની ચિંતા કરતો. અને એ રાજી રહે એમાં જ આખર સુધી મારો સંતોષ હતો એટલે અહીં મેં જે નોંધ્યું છે તે એક કીમતી અનુભવ તરીકે જ નોંધ્યું છે, કેશુને ઉતારી પાડવા ખાતર નહીં.

એક સરસ અને રમૂજી પ્રસંગ જણાવું. હું મરાઠી ભણતો, કેશુ અંગ્રેજી ભણતો. એક દિવસે એને મન થઈ આવ્યું કે ચાલો આપણે દત્તુને (મારું ઘરનું નામ) અંગ્રેજી ભણાવી હોંશિયાર બનાવીએ. કોણ જાણે શાથી, તે વખતે મને અંગ્રેજી ન ભણવાનું મન થઈ આવ્યું ! મેં એને બીતાં બીતાં કહ્યું કે અંગ્રેજી નિશાળે જઈશ ત્યારે અંગ્રેજી શીખીશ; આજે શી ઉતાવળ છે ? એણે મને અંગ્રેજીનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો. લાંબુ વ્યાખ્યાન આપ્યું. અંગ્રેજીને દુનિયામાં માન છે વગેરે વગેરે બધું સમજાવી દીધું. હું આગળ બોલ્યો નહીં. એટલે કેશુ સમજ્યો કે એની વાત મારે ગળે ઊતરી છે. એણે ભાષાંતર પાઠમાળા મારી આગળ મૂકી અને કેટલાક શબ્દો ગોખી કાઢવા મને કહ્યું. આજે પાઠ આપે અને કાલે એ તૈયાર માગે એ તો નિશાળની પ્રથા. કેશુને ઉતાવળે આંબા પકવવા હતા. એણે કહ્યું કે : ‘આ શબ્દો હમણાં મારા દેખતાં જ ગોખી કાઢ.’ મને એ શાનું રુચે ? કાચબો જેમ પોતાના પગ અને માથું પોતાની અંદર ખેંચી લે છે તેમ મેં મારું ચિત્ત અંદર ખેંચી લીધું અને મનમાં કહ્યું : ‘લે, હવે મારી પાસેથી જે લેવું હોય તે લે. હું પણ જોઉં કે તારું કેટલું ચાલે છે.’ અંગ્રેજી 26 અક્ષરો તો મને આવડતા હતા. મરાઠી અંકલિપિ સાથે હું શીખ્યો હતો. એટલે બેઠો ગોખવા :

એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં

થોડો વખત ગયા પછી કેશુએ પૂછ્યું, ‘સિટ એટલે શું ?’ પણ મને જવાબ શાનો આવડે ? કેશુ ચિડાયો. એણે કહ્યું કે આ એક જ શબ્દ પચીસ વાર ગોખી કાઢ. જમણા હાથની આંગળી આગળ કરી હું એ ગણવા લાગ્યો અને ગોખવા લાગ્યો :

એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં

પચીસ વખત પૂરા થયા. કેશુએ ફરી પૂછ્યું, ‘સિટ એટલે શું ?’ હું તો પહેલાં જેટલો જ નિર્દોષ. જવાબ શાનો આપું ? મારી જાંઘમાં એક ચૂંટી ખણી કેશુએ કહ્યું : ‘હવે સો વાર ગોખી કાઢ.’ સો વાર ગણવા માટે તો બંને હાથની આંગળીઓ વાપરવી જોઈએ. એટલે મૂર્તિની પેઠે બંને હાથ આગળ કરી હું ગણવા લાગ્યો અને ગોખવા લાગ્યો :

એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં

સો વાર પૂરા થયા. કેશુએ પૂછ્યું, ‘સિટ એટલે શું ?’ હું નાઈલાજ થયો. મોઢામાંથી નીકળી ગયું : ‘બેસણેં’ એટલે કેશુને કાંઈક આશા આવી અને એણે પૂછ્યું : ‘સિટનો સ્પેલિંગ શો ?’ આવો અવળો કૂદકો કંઈ ધ્યાન વગર મરાય ? હું શૂન્ય નજરે એના તરફ જોતો જ રહ્યો. આ વખતે કેશુએ ખૂબ જ ધીરજ રાખી. મારવાને બદલે એણે મને વખત આપ્યો અને કહ્યું કે, ‘જો સિટ ઉચ્ચાર કયા ક્યા અક્ષર મેળવવાથી થઈ શકે છે ? સિટમાં ક્યા ક્યા ઉચ્ચારો સમાયેલા છે ?’

મારે ભેજું તો વાપરવું હતું જ નહીં. હોઠ હલાવીશ, મોઢામાંથી અવાજ કાઢીશ, અને બહુ બહુ તો આંગળીઓ ચલાવીશ; એટલી જ મારી તૈયારી હતી. વિચાર કરવો એ ક્યાં મેં કરારમાં ગણાવ્યું હતું ? હું તો શૂન્ય નજરે જોવા જ લાગ્યો. મારી નજરમાં ન હતી બીક, ન હતી અકળામણ, કે ન હતી શરમ. દિલગીરીનુંયે નામ ન મળે. એ તો વેદાંતીઓના પરબ્રહ્મ જેવી, નિરાકાર, નિર્ગુણ, નિશ્ચલ, નિર્વિકારી શૂન્યદષ્ટિ. પથ્થરના બાવલામાં આવી દષ્ટિ સહન થાય, પણ જીવતા માણસમાં કંઈ આવી દષ્ટિ સહી જાય ? કેશુ ક્ષણેક ભોંઠો પડ્યો અને બીજી જ ક્ષણે ઊછળ્યો. એણે મારું માથું ઝાલી નીચે નમાવ્યું અને બીજે હાથે પીઠ પર કેટલાયે મુક્કા લગાવ્યા ! ક્રોધની વરાળ ક્રિયા દ્વારા કંઈક નીકળી ગયા પછી એ મોઢામાંથી નીકળવા લાગી : ‘રડ્યા, મહારડ્યા, તું કે દી ભણવાનો હતો ? સાવ નંદીબેલ છે.’ આવું કેટલુંયે ચાલ્યું. મારે ક્યાં એની ગણતરી રાખવી હતી ? આખરે કેશુએ કહ્યું કે ‘હવે ત્રણસો વાર ગોખી કાઢ !’ મારું મશીન ફરી ચાલ્યું :

એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં

આ વખતે મેં મારા યંત્રમાં એક સુધારો કર્યો કે આંગળીઓ ક્યાં ગણવા બેસું ? કેશુની ધીરજ કરતાં આપણી ધીરજ લાંબી છે. એ ફરી શબ્દ પૂછે ત્યાં સુધી છોને યંત્ર ચાલ્યા જ કરે :

એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં

હવે તો મારે ચોપડી તરફ જોવાપણું પણ રહ્યું ન હતું. ગમે તે દિશાએ જોઉં, મનમાં ગમે તે તરંગ ચલાવું, સમુદ્રનાં મોજાં સંભળાતાં તે ધ્યાનપૂર્વક સાંભળું, પાસેથી બિલાડી પસાર થાય તો એના તરફ મારી પેન્સિલ ફેંકું. મોઢું ચાલે એટલે બસ; બાકી તો આપણે સાવ સ્વતંત્ર એટલે આ તો ખૂબ ફાવતું આવ્યું. આંખની પાંપણ ચાલે, નાકમાં શ્વાસ ચાલે, શરીરમાં લોહી ફરે તેમ મોઢું ચાલ્યા કરે :

એસ આય ટી સિટ મ્હણજે બસણેં
એસ આય ટી સિટ મ્હણજે બસણેં

કોણ જાણે આમ કેટલો વખત વહી ગયો. આખરે કેશુએ ફરી પૂછ્યું કે, ‘બોલ’. મેં તરત જ બોલી સંભળાવ્યું : ‘એસ આય ટી સિટ મ્હણજે બસણેં’ મને ઊંઘમાં બોલાવત તોયે હું એ બરાબર બોલી બતાવત એટલું એ પાકું થઈ ગયું હતું. મૂઠી વાળતાં જેમ એ ને એ જ કરચલીઓ હથેળીમાં પડે છે તેમ જીભ અને હોઠને ટેવ પડી ગઈ હતી. પણ દર્દૈવ કેશુનું, કે એણે મને ફરી અવળો સવાલ પૂછ્યો : ‘બેસણેં માટે શબ્દ કયો ?’ મગજનાં બધાં જ બારીબારણાં બંધ રાખેલાં હતાં, ત્યાં આવા અટપટા સવાલનો જવાબ ક્યાંથી ઉદ્દભવે ? કેશુ સાવ નિરાશ થયો. મેં ઠંડે પેટે એને પૂછ્યું, ‘ફરી ગોખી કાઢું ?’ હવે તો ધોધમાર માર વરસશે અને આખા શરીરની ચામડી ઝેર જેવી લીલી થશે એમ મેં માન્યું હતું. આંખ કાંઈક મીંચીને, છાતી કેડમાં દબાવીને અને માથું ખભાની અંદર ખોસી ઘાલીને મેં મારના સ્વાગતની તૈયારીઓ પણ પૂરતી કરી. હા, વિલંબ કર્યે શો લાભ ? જે થવાનું છે તે ઝટ પતી જાય એ શું ખોટું ? પણ દુનિયામાં ઘણીવાર અણધાર્યું જ બને છે. ચીડ, નિરાશા અને ક્રોધ એટલાં બધાં વધી ગયાં કે કેશુ આંધળો થવાને બદલે એકદમ શાંત થઈ ગયો. એ બોલ્યો (અને એ અવાજમાં જરાયે જોર ન હતું), ‘ઠીક, તું જા.’ હું પણ જાણે કશું થયું જ નથી એમ શાંતિથી ઊઠ્યો, પૂંઠ ફેરવી અને ચાલતો થયો.

તે દિવસથી કેશુએ મારી આગળ અંગ્રેજીનું નામ ન લીધું. આગળ જતાં ઘણાં વર્ષ પછી જ્યારે એણે એક દહાડો રાત્રે મારા ઊંઘી ગયા પછી મારા ટેબલ પર મારો એક સુંદર અંગ્રેજી નિબંધ જોયો ત્યારે એણે પોતાની પ્રતિજ્ઞા તોડી. બીજે દિવસે સ્ટેશન પર જઈ, વ્હીલર કંપનીના સ્ટૉલમાંથી સ્કૉટનું ‘માર્મિયન’ ખરીદી, એણે મને ભેટ તરીકે આપ્યું ! હજી એ ચોપડી મારી પાસે છે, અને જ્યારે જ્યારે તેના પર નજર પડે છે ત્યારે ત્યારે મને નાનપણના એ દિવસો યાદ આવે છે. ‘માર્મિયન’માંથી કેટલાયે સારા સારા ફકરાઓ મોઢે કરી મેં કેશુને સંભળાવ્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિગીલેન્ડ પાર્ક – ભારતી રાણે
સત્યઘટનાઓનો સંપુટ – સંકલિત Next »   

8 પ્રતિભાવો : ડાહ્યો થવાની ના – કાકા કાલેલકર

 1. અતુલ જાની (આગંતુક) says:

  કાકાસાહેબ કાલેલકરનો કોઈ પણ લેખ વાંચીએ તેમાં હળવાશની સાથે જીવનની ફીલસૂફી ભારોભાર ભરેલા હોય.

  એક થી વધારે બાળકો ઘરમાં સહ – અધ્યયન કરતા હોય ત્યારે મોટા બાળકને પોતાનો અભ્યાસ કરવા કરતા નાના બાળકને અભ્યાસ કરાવવાની ધૂન સવાર થાય છે. તેવે વખતે કોઈ વડીલ આવી ચડે અને બંનેને પોતપોતાના અભ્યાસમાં લગાડે તો વાંધો નહી બાકી તો કેશુ અને દત્તુ જેવા જ દ્રશ્યો સર્જાય.

  બીજો એક સુંદર માનસશાસ્ત્રનો એક સિદ્ધાંત આ લેખમાંથી જડી આવ્યો કે અબાલ-વૃદ્ધ કોઈને પણ જો પોતાની અંદર શીખવાની ઈચ્છા હોય તો જ તે શીખે છે બાકી પરાણે કોઈને કશું શીખવી શકાતુ નથી.

 2. kazimraza says:

  બહુઝ સારુ

 3. પારિજાત સુરેંદ્ર શાહ says:

  સુંદર લેખ મારા બાળપણ ના દિવસો યાદ કરાવી જાય છે. હું ઘરમાં મોટો એટલે મારા માટે કેશુનું પાત્ર આબેહુબ મારા આદરણિય પિતા એ ભજવ્યું હોઈ દત્તુની મનોદશા સાથે તાદાત્મ્ય કેળવવું મારા માટે નૈસર્ગિક સહજતા ભર્યું નિકળ્યું.

  દત્તુ જેવા સર્વે બંધુઓને મારી અંતરની શુભેચ્છા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.