- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સત્યઘટનાઓનો સંપુટ – સંકલિત

[1] રઘુપતિરાઘવ – અરુણભાઈ ભટ્ટ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી અરુણભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

એક વાર ગામડાંની કોઈ એક શાળાની મુલાકાતે જવાનું થયું. ત્યાં જવાનો મુખ્ય ઉદ્દેશ શાળાના સંચાલકો, શિક્ષકો અને આચાર્યને મળવાનો હતો.

બપોરે હું શાળાના પ્રાંગણમાં પહોંચ્યો. એ વખતે પ્રાર્થનાનો સમય હતો. બે વિદ્યાર્થીનીઓ મંચ પાસે જઈને પ્રાર્થનાના વિવિધ સ્તોત્રો ગાઈ રહી હતી અને નાનાં-નાનાં ભૂલકાંઓ ભીંસ પૂર્વક આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યા હતા. કેટલાક વળી અળવીતરાં ઝીણી આંખે આજુબાજુ કોણ આવ્યું છે એમ જોઈ લેતાં. એવામાં ‘રઘુપતિરાઘવ રાજારામ…. પતિતપાવન સીતારામ’ ની ધૂન શરૂ થઈ. બધા એક સ્વરમાં એકસાથે બોલવા લાગ્યાં અને આખું વાતાવરણ જાણે બાળકોના નિર્દોષ ધ્વનિથી ગૂંજી ઊઠયું.

હવે બન્યું એવું કે મારી નજીક એક ટાબરિયું ઊભું હતું એ પોતાની મસ્તીમાં મનફાવે એમ ગાતું હતું. એનો ઉચ્ચાર હતો : ‘રઘુપતિરાઘવ રાજારામ…. પતિ-પતાવન સીતારામ….’ પહેલાં તો હું સાંભળીને હસી પડ્યો ! પછી થયું કે બાળક ભૂલ કરે તો સ્વાભાવિક છે કે વડીલોએ તેને ભૂલ બતાવીને સાચો શબ્દ શીખવાડવો જોઈએ. મને પણ એમ કરવાનું મન થયું, પરંતુ આ તો સાવ નિર્દોષ ભોળું ભૂલકું ! શિક્ષકે જે શીખવાડ્યું હોય એ પ્રમાણે કેવી શ્રદ્ધાથી બે આંખ મીંચીને એ પોતાના લયમાં લીન થઈ ગયો હતો ! મેં ધ્યાનથી તેને સાંભળ્યા કર્યું…. પતિ-પતાવન સીતારામ…. પતિ-પતાવન સીતારામ…

અચાનક મારા હ્રદયમાં એ શબ્દોનો અર્થ સ્ફૂર્યો. મને થયું કે એની પ્રાર્થનાનો ઉચ્ચાર આમ જુઓ તો સાચો જ છે; કારણ કે ઈશ્વરનું નામ માનવીના હૃદયમાં રહેલું પતિપણું છે એને પતાવી નાખે છે. પતિપણું એટલે અહંકાર, માલિકીની વૃત્તિ અથવા તો અહં. એ પતિપણું કોઈમાં પણ હોઈ શકે; પુરુષમાં પણ હોઈ શકે, સ્ત્રીમાં પણ હોઈ શકે. આ પતિપણાનો અહંકાર જે છે, તે પ્રભુના નામ લીધા વગર પતી શકે તેમ નથી. મને એ બાળકે પ્રાર્થનાનો નવો અર્થ આપ્યો.

તેની ભૂલ બતાવવા કરતાં, હું તો એ બાળકે મને શીખવાડેલા નવા અર્થનું જ સ્મરણ કરતો રહ્યો ! રઘુપતિરાઘવ રાજારામ… પતિ-પતાવન સીતારામ….

[2] પાનની પીચકારી – નીતા કૉટેચા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી નીતાબેનનો (ઘાટકોપર, મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો neetakotecha_1968@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

એકવાર એક પ્રસંગમાં જવા માટે હું તૈયાર થઈને ઘરની બહાર નીકળી. નજીકના બસ સ્ટેન્ડ તરફ જવાનું હોવાથી હું ફૂટપાથ પર ચાલી રહી હતી. થોડેક આગળ હું ગઈ ત્યાં પાસે એક રીક્ષાવાળો ઊભો હતો. બરાબર હું એની રીક્ષા પાસેથી પસાર થઈ ત્યારે મોંમા પાન ચાવતાં ને કોઈની સાથે વાતો કરતાં બેધ્યાનપણે એ મારી તરફ થૂંક્યો અને મારી ભારે સાડીનું કલ્યાણ થઈ ગયું !

મેં જરા આંખો કાઢી એની તરફ જોયું એટલે તેને તરત એની ભૂલ સમજાઈ.
‘સોરી બેન…. સોરી….’
‘ભાઈ, તેં મને આજે તો સોરી કહી દીધું, અને હું માફ કરી પણ દઈશ, પરંતુ એક શર્ત છે. જો તું એ માને તો….’ મેં કહ્યું. બીચારાની હાલત થોડી ગભરાયા જેવી હતી એટલે તેણે કોઈ પણ વાત મંજૂર રાખી.
મેં કહ્યું : ‘ઠીક છે. તો સાંભળ. તું રોજ આ ધરતી પર થૂંકે છે પરંતુ એ કોઈ દિવસ તને ફરિયાદ કરે છે ? હવે તું જેટલી વાર થૂંકે એટલીવાર તારે એની માફી માંગવાની. તું મને વચન આપ તો હું તને માફ કરું.’

થોડી વાર તો એ મારી સામે જોઈ રહ્યો. બરાબર સમજ્યો નહીં. એટલે મેં આગળ ચલાવ્યું.
‘જો ભાઈ, તું નાનો હતો ત્યારે તારી માના ખોળામાં મળમુત્ર બધું કરી નાખતો. તારી માતા તારી પ્રેમથી સંભાળ લઈને બધુ સાફ કરી નાખતી હશે. પણ જો તેં કોઈ દિવસ એના મોં પર થૂંક્યું હોત તો એ તને તમાચો ઠોકી દેત. એવી રીતે, આ ધરતીમાતાના મુખ પર રોજ કેમ આટલું થૂંકે છે ? તારો એ આટલો ભાર ઉપાડે છે અને તું ઉપકાર માનવાના બદલે હજી આવો ગેરવર્તાવ કરે છે ? એ નીચું મોઢું કરીને મારી વાત સાંભળી રહ્યો. થોડો કોલાહલ સાંભળી ત્યાં આસપાસ ભીડ જમા થઈ ગઈ. એમાં કેટલાક ગુજરાતીઓ મોંમા મસાલાના ડુચ્ચા રાખી ઊભા હતા. મેં જોયું તો કેટલાક લોકોએ એ બધું ગળા નીચે પધરાવી દીધું.

મનમાં થયું ચલો બોલવું કંઈક સફળ તો થયું ! આવતીકાલે યાદ રહેશે કે ખબર નહિ પરંતુ આજનો દિવસ સુધરે તોય ઘણું. આપણી આજુબાજુ તો આવું કેટકેટલુંય થતું હશે પરંતુ આપણે આંખ આડા કાન કરીએ છીએ. તો શું આપણે તેમની જેટલાં જ ગુનામાં નથી ? આપણે વિચારીએ છીએ કે આપણો દેશ બહારનાં દેશ જેટલો સાફસુથરો નથી, તો કરવામાં આપણી કંઈ જવાબદારી ખરી કે નહિ ? જ્યારે આપણા બાળકો બહારનાં દેશોમાં એકવાર જઈને પરત આવે છે ત્યારે એમને ભારત દેશ ગમતો નથી. આ બાબતમાં ખાલી સરકારને દોષ દેવાથી કંઈ નહિ વળે. બધાએ સાથે મળીને કંઈક કરવું જોઈએ. કદાચ બહારના લોકો સાથે આપણે સ્વચ્છતાની ચર્ચામાં ન ઉતરીએ પરંતુ આપણે આપણા સગાસંબંધી અને મિત્રવર્તુળ સાથે બેસીને આ પ્રકારની સમસ્યાઓ વિશે કંઈક વિચારી તો શકીએ ને ?

આપણો ભારત દેશ સંસ્કૃતિથી તો મહાન છે જ પરંતુ તેને સ્વચ્છતાથી વધારે સુંદર બનાવવો છે. આ માટે સમજીને જો બધા થોડી થોડી જવાબદારી ઉપાડી લે તો કેટલું સારું !

[3] ઝૂમ ઈન – મૃગેશ શાહ

એક સાંજે હું આણંદથી લોકલ ટ્રેનમાં વડોદરા તરફ આવી રહ્યો હતો. તે વિસ્તારમાં કૉલેજના વિદ્યાર્થીઓ ભણતા હોવાથી ડબ્બામાં કૉલેજિયનોની ભીડ વધારે હતી. મારી બાજુમાં તેમજ સામેની સીટ પર એક વિદ્યાર્થીઓનું ગ્રુપ બેઠું હતું. કોઈ ક્રિકેટની તો કોઈ ફિલ્મોની વાતો-મસ્તી કરી સમય પસાર કરી રહ્યા હતા.

એવામાં ટોળામાંના એક વિદ્યાર્થીએ પોતાનો N70 મોબાઈલ કાઢીને એના બાજુવાળાને કહ્યું :
‘જો’લા, તને કંઈક બતાઉં…..’
‘બતાવ… બતાવ….’ પેલો ઉત્સુકતાથી બોલ્યો.
એણે મોબાઈલના કંઈક બટનો દાબીને એક છોકરીનું ચિત્ર પેલાને બતાવ્યું અને પૂછ્યું : ‘આ કોણ છે તને ખબર છે ?’
પેલો બાઘાની જેમ જોઈ રહ્યો : ‘મને શું ખબર. તારી કોઈ ફ્રેન્ડ હશે….’
‘અરે બબૂચક, આ શીતલ છે… આપણી સાથે બારમા ધોરણમાં ભણતી હતી એ…..’
‘ના હોય… હું નથી માનતો….’
‘અલ્યા, એ જ છે. એ તો લોકો ન્યુઝીલેન્ડ જાય અને ત્યાં ભાતભાતના વ્યંજનો ખાય એટલે સ્કીન થોડી બદલાઈ જાય…’
‘પણ તોય કંઈ આમ ન હોય… મને વિશ્વાસ નથી બેસતો. તેં કોઈ ઈન્ટરનેટથી ફોટો-બોટો કોપી કરી લીધો હશે અને હવે મને ઉલ્લુ બનાવે છે….’ જોનાર હજી અસંમત હતો.

‘અલ્યા સુરેશ, નયન, ભૌમિક…. બધા જુઓ તો….’ એમ કહીને એણે વારાફરતી બધાને મોબાઈલ આપ્યો,
‘અને કહો જોઈએ આ શીતલ જ છે ને ?….’ બધાએ તસ્વીર જોઈને એની ‘હા’ માં ‘હા’ કહી… પણ પેલો હજી અસમંત હતો.
‘અચ્છા ચલ, હું તને એક ઉપાય કહું. જો એમ કરીશ તો તને સો ટકા ખાતરી થઈ જશે કે એ શીતલ જ છે.’
‘એમ ? તો સાબિતી બતાવ…..’
બતાવનાર છોકરો ઊભો થઈને એની પાસે બેઠો. એના કાનમાં કંઈક વાત કહી ને એના હાથમાં ફરી મોબાઈલ આપ્યો….
‘હા અલ્યા…. આ તો શીતલ જ છે…. ઓય માય ગોડ ! હું તો ઓળખી જ ના શક્યો….’ હવે એ તરત ઓળખી ગયો. સામે બેઠેલા છોકરાઓ બધા સ્તબ્ધ થઈ ગયા. (હું પણ જાણવા ઉત્સુક થઈ ગયો કે પેલા એ એવું તે શું કહ્યું હશે કે આ ભાઈ તરત માની ગયા !) ટોળામાંના એકે મારા મનની વાત પૂછી…
‘તે હેં સુધીરિયા, આને એવું તે શું કાનમાં કહ્યું કે આ એક મિનિટમાં માની ગયો ?’

‘એ જ તો વાત છે…. બોસ !’ કહીને છોકરો આંખ મીંચકારી થોડું હસ્યો અને પછી રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું કે : ‘મેં આને કહ્યું કે તું જરા ફોટો zoom In કરીને શીતલનું માથું જો. એના માથમાં હજી ‘જુ’ (જુ-લીખ) દેખાય પછી તો માનીશ ને કે આ ફોટો શીતલનો જ છે !!’ અને બધા ખડખડાટ હસી પડ્યાં. હું મારું હસવું માંડ રોકી શક્યો.

[4] અમેરિકન માજી ! – જિગીષ પરીખ


[રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે જિગીષભાઈનો (ઓસ્ટીન, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. તેઓ વિદ્યાર્થી છે અને સાહિત્યક્ષેત્રે લેખનનો શોખ કેળવી રહ્યા છે. આપ તેમનો આ સરનામે parikhjigish@gmail.com સંપર્ક કરી શકો છો.]

૧૧ ડિસેમ્બેરની વહેલી સવાર, દેશ રહ્યો અમેરિકા એટલે સાચાં કૂકડાં તો મળે નહીં !! ઈલેક્ટ્રીક કૂક્ડાં(એટલે કે એર્લામ)થી ઊંઘ ઊડી. ખરું કહો તો આંખોમાં આખી રાત ઊંઘ હતી જ ક્યાં ? બે વરસે જ્યારે પરદેશથી વતનમાં પરત જવાનું હોય ત્યારે તેનો ઉત્સાહ આગલી રાતની નિંદરને પણ હરી લે, એ તો અનુભવે જ સમજાય ! કેટકેટલાં વિચારો મગજમાં દોડતાં હોય…. કોની સાથે શું વાતો કરીશ ? પેલાં ફલાણાં માસીને બાબો આવ્યો છે એને પહેલાં રમાડવાં જઈશ, એ પછી ફલાણાં ભાઈની સગાઈ થઈ છે એનો હરખ કરાવવા જઈશ. કોઈના માટે કંઈ લેવાનું તો રહી નથી ગયું ને ? નાની તો નાની પરંતુ દરેક ‘કઝીન’ માટે ગિફ્ટ કે ચોક્લેટો આવી ગઈ ને ? આવી કેટલીય ગણતરીઓ મગજમાં ચાલતી હોય.

લગભગ સાતેક વાગ્યા સુધીમાં હું અને મિત્ર દેવેન્દ્ર તૈયાર થઈ ગયા. આગલી રાતથી હું એના ઘરે આવી રોકાયો હતો જેથી મને સવારે એરપોર્ટ મૂકવા આવવાનું તેને સરળ પડે. મારી ફલાઈટ 11:30ની હતી પરંતુ દેવેન્દ્રને કામે જવાનું હોવાથી મને વહેલી સવારે જ એરપોર્ટ પર છોડી ગયો. લગેજ ચેક-ઈન કરી, સિક્યુરીટીના નામે હાથ-પગ ઊંચા-નીચા, આઘા-પાછા કરવાની થોડી કસરત કરીને છેવટે વેઈટીંગ લોબીમાં જઈને બેઠો. લોબી તો સાવ ખાલી ! મારા સિવાય ચક્લુંય હતું નહીં. મારાં જેવા વાતોડિયાને તો આવી એકલતા અસહ્ય થઈ પડે. મેં આજુબાજુ ડાફોળીયાં મારવાનું ચાલું કર્યું. બધી ડ્યુટી-ફ્રી દુકાનો અને ચા-કોફીની કીટલીવાળાં હજુ ખૂલ્યાં નહોતાં. છેવટે મારી નજર એક સ્ત્રી ઉપર પડી. મનમાં થયું, હાશ ! હવે ૩ કલાક નીક્ળી જશે… મેં જ સામેથી પહેલ કરી અને મારો પરિચય આપ્યો. એણે એની ઓળખાણ આપી. Tara Parkinsons એનું નામ. મારા પ્લેનનો સમય થવા સુધી એણે મને કંપની આપી. વાતવાતમાં એણે કીધું કે એનું કમ્પ્યુટર બગડ્યું છે. મેં તરત જ જાણીતા ભારતીય વિવેક બતાવતાં કહ્યું : ‘એમાં શું ? મૈં હું ના ! હું તમને વિના મૂલ્યે કરી આપીશ.’ આમ તો અમેરિકન કે કોઇ ધોળી ચામડીવાળા આપણી જોડે જલદી હળે-ભળે નહીં પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તેણે ઓફર સ્વીકારી લીધી અને મને એના ઘરનું સરનામું આપ્યું. વિદાય લેતી વખતે તેણે કહ્યું કે ‘ઈન્ડિયાથી પાછો આવે ત્યારે ચોક્કસ આવજે.’ મેં હા કહીને પ્લેનનો સમય થતાં વિદાય લીધી.

ભારતમાં વેકેશનના દિવસો જતાં વાર ન લાગે. સગા-વહાલાં, મિત્રો, પ્રસંગો અને થોડી ખરીદી પૂરી કરો એટલામાં તો પરત જવાનો સમય થઈ જાય. વેકેશન પૂરું થતાં હું અમેરિકા પરત ફર્યો. અહીં આવ્યા પછી હું સતત એ વિચારતો હતો કે પેલા મેડમને ફોન કરવો કે નહિ ? શું ખરેખર એને મદદની જરૂર હશે ? શું તે ખરેખર ઈચ્છતી હશે કે હું તેના ઘરે જઈને તેનું કોમ્પ્યુટર રીપેર કરી આપું ? અત્યાર સુધીમાં તો કદાચ કરાવી પણ લીધું હોય ! પણ પછી મનમાં વિચાર આવ્યો કે આપણે એમાં ક્યાં કંઈ ગુમાવવા જેવું છે ? લાવ ને, ફોન તો કરવા દે !

ફોન પર વાત કરતાં ખ્યાલ આવ્યો કે તારા ખરેખર મારા આવવાની રાહ જોઈ રહી હતી ! તેની સાથે સમય નક્કી કરીને હું શનિવારે એના ઘરે ગયો. બે કાર સમાઈ શકે તેવા ગેરેજવાળું સરસ ટેનામેન્ટ ઘર હતું અને એથી યે મોટો બગીચો હતો. તેના એક નહિં, બે નહિં, પરંતુ પૂરા ચાર કૂતરાંઓએ એકસાથે ભસીને મારું ભાવભીનું સ્વાગત કર્યું ! ચારેનાં કદ, રંગ, રૂપ કે આકાર એકેયમાં સરખાપણું નહીં. તારાએ ઘણાં હોંશથી મને ચારેયનો ઈતિહાસ કહ્યો અને એમની પ્રજાતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી. જો કે એમાંનું મને અત્યારે કશું યાદ નથી !

થોડી મહેનત બાદ મેં તેના કોમ્પ્યુટરમાં રહેલી ટેકનિકલ ક્ષતિ શોધી કાઢી અને કોમ્પ્યુટર ચાલુ કરી આપ્યું. જરૂરી સાધનો ટૂલબોક્સમાં પાછાં મૂકીને હું જવાની તૈયારી કરતો હતો ત્યારે તારા એ મને વાત કરી કે તેની મમ્મીના કમ્પ્યુટરમાં પણ લોચા છે. થોડું રોકાઈને સંકોચ સાથે તેણે પ્રેમપૂર્વક પૂછ્યું કે, ‘શું તું એમના ત્યાં આવીને એ પણ રીપેર કરી આપીશ ?’ એક ક્ષણ માટે મને એમ થયું કે આ તો આંગળી આપો તો પોંચો પક્ડે એવી વાત થઈ ! થોડું વિચારતા લાગ્યું કે આમ પણ શનિ-રવિ ઘરમાં બેસીને ઈન્ટરનેટ પર ફ્રી સાઈટોમાં મોં નાખીને હિન્દી ફિલ્મો જોઈ મન બગાડવું એના કરતાં કોઇને મદદ કરું એ વધુ સારું. તેથી મેં હસીને તેને હા પાડી.

એના પછીના અઠવાડિયે અહીં ઓસ્ટીનથી લગભગ ૩૦ માઈલ દૂર હું અને તારા એની મમ્મીના ઘરે પહોંચ્યા. પચ્ચીસ હજાર એકરમાં ખાસ ઊભી કરાયેલી-ફેલાયેલી એ ટાઉનશીપમાં માત્ર સિનિયર સિટિઝન જ ઘર ખરીદી શકે. તારા એ જણાવ્યું કે ત્યાં ઘણાં બધાં હોલીવુડ કલાકારોના માતા-પિતા રહે છે. તારાનાં મમ્મી Janet Cash આશરે સાઠ વરસનાં વિધવા હશે. ઉંચાઈ સારી એવી. ઉંમરના લીધે જે સ્વાભાવિક વજન વધ્યું હોય એવું સહેજ જાડું શરીર પણ બીજા અમેરિકન જેવા મદમસ્ત નહીં. આંખે બેંતાલાના ચશ્માં, ટીશર્ટ-પેન્ટ સ્ટાઈલના કપડાં હતાં. એમનું ઘર ઘણું જ વ્યવસ્થિત હતું. સજાવેલો મોટો સભાખંડ, એમાં મોટું ટી.વી. અને એની સામે મોટો સોફા. અત્યાર સુધીમાં મેં જોયેલા ટીપિકલ અમેરિકન સભાખંડ જેવો જ. એવી જ બીજી એક વસ્તુ હતી ‘ફોટો-ફ્રેમ’. એમાં બધાં ફેમીલી-મેમ્બરોનાં ફોટાં. જો કે આ ફોટો-ફ્રેમની ખાસિયત એ હોય છે કે તેમાં વિભક્ત થયેલા કુટુંબના સભ્યો પણ હોય. જેમ કે, એમના પહેલા વર અને પહેલા છોકરાં, બીજા વરથી થયેલી છોકરીના એના પહેલાં વર સાથેના છોકરાં, એ જ છોકરીને બીજા વરથી થયેલા છોકરાં…… વગેરે વગેરે. છોડો….એ બધું જવા દો, આમ પણ અમેરિકન ફેમીલી ગણિત બહુ ભારે છે. મારા-તમારાં માટે સમજ્વું મુશ્કેલ છે.

એ જ સભાખંડના ખૂણામાં પાળેલાં કૂતરાં-બિલાડાં માટેના પાણી અને ખાવાના બિસ્કિટ માટેના બાઉલ પડ્યા હતા. એ પણ મેં અત્યાર સુધીના અમેરિકન ઘરોમાં નોંધેલી ટીપિકલ વસ્તુ ! આ બધું જરૂરી-બિનજરૂરી બારીક નિરિક્ષણ કર્યા પછી મારું ધ્યાન ગયું કે માજી લાકડીના ટેકે ચાલે છે, એમને પગે ખોડ છે. રીપેરકામ કરીને પાછાં ફરતાં મેં તારાને ગાડીમાં પૂછ્યું કે બાને પગે ખોડ છે ? એનો જવાબ વિસ્મિત કરી દે એવો હતો. એણે કહ્યું કે હું મમ્મીના પહેલાં વરથી થયેલી દીકરી છું. માના બીજવર બહુ જ ભયંકર માણસ હતાં. તે હમણાં થોડા સમય પહેલાં જ અવસાન પામ્યા. સારું થયું કે તે મરી ગયા કારણકે તેઓ મારી માને બહુ જ માનસિક અને શારિરીક ત્રાસ આપતાં હતાં. પગની ખોડ એનું જ પરિણામ હતું. વધુમાં જાણવા મળ્યું કે મૂળ માજી બહુ ભણેલાં નહીં અને પહેલું લગન નિષ્ફળ ગયેલ હોઈ આવકનું કોઇ સાધન ન હોવાથી માજીએ ઘણું બધું ભોગવીને, પીડા સહન કરીને પણ બીજવરના મૃત્યુ સુધી લગ્ન જીવન ટકાવી રાખ્યું. મમ્મીની બીજા છૂટાછેડા થવાની બીકે તેમજ વચ્ચે નહીં પડવાની વિનંતીના લીધે તારા કે એનો ભાઈ કંઈ કરી શક્યા નહીં અને દુ:ખી હૃદયે માને વર્ષો સુધી હેરાન થતી જોઈ રહ્યા. કહેવાતાં સભ્ય અને સુશિક્ષિત અમેરિકન સમાજની આ વાત સાંભળીને હું છ્ક થઈ ગયો !

ઘરે આવીને વિચારતાં આ સમગ્ર પ્રસંગમાંથી મને બે વસ્તુ જાણવા મળી. એક તો અસંસ્કારી, અસભ્ય અને ક્રૂર માણસોને નાત, જાત, ધર્મ, રંગ કે શિક્ષણ સાથે કોઈ સંબંધ હોતો નથી. એવા લોકો ખાલી આપણા દેશના નાના ગામડાઓમાં વસતા હતા, સાવ એવું નથી. તેઓ વિકસિત દેશોના મહાનગરોમાં પણ હોઈ શકે છે. મેં ઘણાંને એમ કહેતા સાંભળ્યા છે કે અમેરિકનોને લગ્નની કંઈ પડી નથી હોતી. આ કિસ્સાથી મને બીજી એ વાત જાણવા મળી કે તેઓને પણ આપણા સમાજની જેમ લગ્નજીવન કોઈ પણ ભોગે ટકાવી રાખવું હોય છે. તેમને પણ આપણી જેમ જ કુટુંબવ્યવસ્થા એટલાં જ વ્હાલાં છે. આજે ભારતીય સ્ત્રી ઉંબર બહાર પગ મૂકી રહી છે ત્યારે 360 ડિગ્રીનું વર્તુળ પૂરું કરીને કુટુંબવ્યવસ્થાનું મહત્વ સમજી પાછી ફરી રહેલી અમેરિકન નારીના અનુભવો પ્રત્યેક વિકાસશીલ દેશોની નારીએ જાણવા જેવા છે.