તમારા સુખની ચાવી – ડૉ. જન્મેજય શેઠ

[તબીબીના વ્યવસાય સાથે ડૉ. જન્મેજયભાઈ સાહિત્યપ્રેમી છે. નિજાનંદ માટે કંઈક લખતા રહેવાની સાથે જે ઉત્તમકૃતિઓ વાંચી તેમાંથી પ્રેરણા મેળવીને વાચકમિત્રો માટે તેમણે ‘અતીત’ નામનું પુસ્તક જાતે સંપાદિત કરીને પ્રકાશિત કર્યું છે. આ સમગ્ર પુસ્તક આપ અહીંથી (ડાઉનલોડ વિભાગ) કલીક કરીને ડાઉનલોડ કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે જન્મેજયભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

atitતમારી આજુબાજુ તમે એવા ઘણા લોકોને જોયા હશે જે વધુ ને વધુ મેળવવાની દોડમાં જ પોતાનું આયુષ્ય પૂરું કરે છે. આજનાં નાસભાગવાળા જમાનામાં માણસની હાલત કેવી છે તેનો ચિતાર નીચેના શેર પરથી આપણને જાણવા મળે છે –

‘માણસ આમતેમ ભટકી રહ્યો છે રસ્તા પર,
જાણે કોઈ કાગળ હોય સરનામા વગર;
કેવી અજબગજબની છે જિંદગાનીની સફર,
જાય છે મંઝિલ તરફ તો ય મુસાફર બેખબર !’

જો માણસે ખરેખર સુખી થવું જ હોય તો ઈશ્વરે આપણને જે હાલતમાં રાખ્યા છે તેનો હૃદયપૂર્વક ખુલ્લા મનથી સ્વીકાર કરવો. આપણાથી વધારે સુખી માણસોને જોઈને નાહકનાં દુ:ખી ન થાવ પણ આપણાથી વધારે દુ:ખી માણસોને જોઈને આશ્વાસન લો કે આપણી હાલની સ્થિતિ એટલી ખરાબ નથી કે આપણે આટલા દુ:ખી થવું પડે ! હવે આપણે બીજા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ –

A. HEALTH – તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો.

આપણા વડવાઓ કહી ગયા છે ‘પહેલું સુખ તે જાતે નર્યા !’ આપણે જીવનને સારી રીતે જીવવું હોય અને આનંદથી માણવું હોય તો દરેક માણસે પોતાની તબિયતની કાળજી લેવી જ જોઈએ; આ બાબતમાં થોડી પણ બેદરકારી કોઈવાર ભયાનક પરીણામ લાવી શકે છે.

(1) દરેક માણસે દર વર્ષે કોઈ પણ મોટી હોસ્પિટલમાં General Check up કરાવી ત્યાંના જ મોટા દાક્તરની સલાહ લેવી જોઈએ. આમ કરવાથી ઘણીવાર આપણને ભવિષ્યમાં થનાર ડાયાબીટીસ, બ્લ્ડપ્રેશર, હૃદયરોગ અથવા કેન્સર જેવી મોટી માંદગીનો અણસાર મળી જાય છે અને યોગ્ય સમયે સારવાર કરવાથી મોટી આપત્તિમાંથી બચી પણ શકાય છે. વિશેષમાં સ્ત્રીઓમાં ખાસ કરીને Cervical Pepsmear અને Memography ની વધારાની તપાસ કરાવવી જરૂરી છે અને પુરુષોમાં Prostate ગ્રંથીની ખાસ તપાસ કરાવવી આવશ્યક છે. આ જાતની તપાસને કારણે કેન્સરનું પ્રાથમિક અવસ્થામાં નિદાન કરી શકાય છે અને તાત્કાલિક ઉપચાર ચાલુ કરવાથી મહામારીમાંથી બચી શકાય છે.

(2) Diabetes, High B.P., હૃદયરોગ અથવા દમ જેવી જુની બિમારી હોય તો તેની વખતોવખત તપાસ કરાવી નિયમિતપણે દવા લેવાથી માણસ સ્વસ્થ રહી શકે છે.

B. FOOD – તમારા ખોરાકનું ધ્યાન રાખો.

માણસનું સ્વાસ્થ્ય જાળવવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે. આ વિષયમાં આયુર્વેદમાં સ્પષ્ટ લખાણ છે કે દરેક માણસે જમતી વખતે પોતાની હોજરીનો બે તૃતિયાંશ ભાગ ખોરાકથી ભરીને બાકીનો ભાગ વાયુ અને પાચકરસ માટે ખાલી રાખવો અને ખાધા પછી લગભગ અડધો કલાક ડાબા પડખે સૂઈ રહેવું ! આ પ્રમાણે વામકુક્ષી કરવાથી ખાધેલા ખોરાકનું પાચન સારી રીતે થાય છે. આ પ્રસંગે મેં વાંચેલા એક હોસ્પિટલનાં નોટીસબોર્ડ પર લખેલા બે સૂત્રોનો ઉલ્લેખ કરવાનું મને મન થાય છે :

(1) Have your Breakfast like a king, Lunch like a commoner and Dinner like a pauper ! મતલબ કે સવારનાં પેટભરીને નાસ્તો કરવો, બપોરનાં જમણમાં સામાન્ય માણસની જેમ સાદો ખોરાક ખાવ અને રાત્રે ભિખારીની જેમ કાચોકોરો હલકો ખોરાક લો.
(2) Say No to Puris because they act like villains e.g. મદનપુરી, ઓમપુરી, અમરીશપુરી, સેવપુરી, ભાજીપુરી વગેરે !!

આપણા શાસ્ત્રોમાં ‘આહાર’ના વિષય પર વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. દરેક માણસે સ્વસ્થ રહેવા માટે કેવો, ક્યારે અને કેટલો ખોરાક ઋતુ અનુસાર લેવો તેની પણ શાસ્ત્રોમાં ચર્ચા કરવામાં આવી છે. ચાલો આપણે ટૂંકમાં આહારવિષેના સામાન્ય નિયમો જોઈએ.

[1] હંમેશા તાજો રાંધેલો ગરમાગરમ ખોરાક લેવો; વાસી ખોરાક ન ખાવો.
[2] નિયમિતપણે સવાર સાંજ નિશ્ચિત સમયે ખોરાક લેવાનું રાખો; કવેળા જમવાનું ટાળો.
[3] બરાબર ચાવીચાવીને ખોરાક ગળામાંથી નીચે ઉતારો અને ભૂખ કરતાં બે કોળિયા ઓછા ખાવ; ઉતાવળે ન ખાવ.
[4] બહાર હોટલ, લારી કે ધાબા પરનો ખોરાક ન લો; ના છુટકે બહાર ખાવું જ પડે (દા.ત. લગ્નપ્રસંગ, પ્રવાસ વગેરે) તો પેટ ભરીને ન ખાવ.
[5] તીખું તમતમતું અને ચટાકેદાર ખાવાનું બંધ કરો. દા.ત. પંજાબી ફુડ, ચાઈનીઝ ફુડ, ધાબા પરનો ખોરાક વગેરે.
[6] બને ત્યાં સુધી જમવાનાં અડધો કલાક પહેલાં અને ખાઈ લીધા પછી એક કલાક સુધી પાણી પીવાનું ટાળો.
[7] વધુ પડતા ચા, કોફી અને ઠંડા ખાણાપીણા લેવાનું બંધ કરો; ખાસ કરીને જમવાના આગળ પાછળ તો ન જ લો.
[8] તમાકુ-છીંકણી, બીડી-સિગારેટ અને દારૂનાં વ્યસનથી દૂર રહો.
[9] ઋતુ પ્રમાણે બજારમાં મળતા શાકભાજી અને ફળફળાદિનો પાણીથી બરાબર સાફ કરીને ભરપૂર ઉપયોગ કરો.
[10] દૂધની બનાવટ સાથે ખોરાકમાં ખટાશવાળી વસ્તુઓ ન ખાવી. દા.ત, ફ્રુટસલાડ, દુધપાકની સાથે રાયતું, કઢી વગેરે; આયુર્વેદમાં આને વિરુદ્ધ ખોરાક કહેવામાં આવે છે.

આહાર વિષેનાં ઉપર જણાવેલા સામાન્ય નિયમોનું બરાબર પાલન કરવાથી દરેક માણસ સ્વસ્થ અને નિરોગી રહી શકે છે એ નિર્વિવાદ છે.

C. EGO – અહંકારથી દૂર રહો.

કોઈ પણ માણસની પ્રગતિની આડે આવતો મોટો અંતરાય માણસનો અહંકાર છે. આપણને અહંકારના ઘણા સ્વરૂપો જોવા મળે છે જેવા કે માણસને પોતાની સત્તા, સિદ્ધિ યા સંપત્તિનો કેફ, આત્મશ્લાઘા યા વાતવાતમાં બીજાને ઉતારી પાડવાની મનોવૃત્તિ વગેરે. આ બધા જ લાંબા ગાળે દુ:ખ આપનારા હોવાથી સ્વભાવમાં નમ્રતા લાવી અહંકારને હૃદયપૂર્વક દૂર કરવામાં જ શાણપણ છે. નરસિંહ મહેતાએ કહેલી આ વાત સાચે જ બધાએ યાદ રાખવા જેવી છે.
‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’

દરેક માણસને ભગવાને દિલ અને દિમાગ બન્ને આપેલા હોય છે; આમાંથી કોનો, ક્યારે અને કેટલો ઉપયોગ કરવો તે માણસ પર આધાર રાખે છે. કોઈ પુરુષની પત્નિ જ્યારે બેગમ મટીને ‘દે ગમ’ દુ:ખ આપનારી બની જાય છે ત્યારે બિચારા પતિ Husband ‘હસના બંધ’ થઈને જીવન દોઝખ બની જાય છે. આવી આપત્તિ ટાળવાનો મારી પાસે એક રામબાણ ઈલાજ છે – તમારા અહંભાવ અને તમારી બુદ્ધિને બાજુ પર રાખી તમે તમારા જીવનસાથીને પૂરેપૂરા તન અને મનથી સમર્પિત થઈ જાવ ! કોઈ પણ પુરુષ જ્યારે નોકરીધંધા પરથી ઘેર આવે ત્યારે દિમાગનાં દરવાજે તાળું મારી દઈ તેણે નિશ્ચિંતપણે ઘરમાં દાખલ થવું. પત્ની સાથે હળવાશથી મોકળા મનથી વાતચીત કરવી અને પોતાનાં બાળકો સાથે પણ છૂટથી હળીમળી મોજમસ્તી કરવી. દિમાગને તાળું મારેલું હોવાથી તમારે તમારી પત્નિ સાથે કોઈ દલીલબાજી થશે નહીં અને ઘરમાં ઝઘડો થવાનો પ્રશ્ન પણ નહીંવત રહેશે. તમે ભૂલથી પણ ઘરમાં બુદ્ધિ વાપરવા માંડશો તો વાતવાતમાં મતભેદ, ખોટી દલીલબાજી અને વાત આગળ વધતાં તમે જ ઘરમાં ઝઘડાને લાવશો ! તમારા દિમાગને તમે ઑફિસ માટે સાચવી રાખશો, ત્યાં દિમાગથી કામ કરશો તો તમારા કામની કદર થશે. બોસ પણ તમારા પર ખુશ થશે અને ભવિષ્યમાં તમને પ્રમોશનનો ચાન્સ પણ મળશે. તમારે ઑફિસમાં દિલથી કામ લેવાનું નથી અને જો દિલથી કામ કેવા જશો તો તમારી ‘પતિ, પત્ની અને વો’ જેવી હાલત થશે ! તમારા અહંકાર અને બુદ્ધિને બાજુ પર રાખીને એકવાર તમારા ઘરમાં આ અખતરો કરી જુઓ અને પછી તમે જોશો કે તમારું જીવન કેટલું રસમય અને આનંદથી તરબતર થઈ જાય છે.

D. ANGER – ક્રોધ પર કાબુ મેળવો.

ક્રોધ એ માણસનો મોટામાં મોટો દુશ્મન છે; દુર્વાસા જેવા ઋષિ આનાથી ન છૂટી શક્યા તો આપણા જેવા પામર માનવીની શી વિસાત ! જ્યાં ક્રોધ હોય છે ત્યાં પ્રેમ ટકી શકતો નથી; જ્યાં પ્રેમનો અભાવ છે ત્યાં ક્રોધનો પ્રભાવ હોય છે, માટે ક્રોધને પ્રેમથી જીતો ! દરરોજ નિયમિત ધ્યાન કરવાની આદત કેળવવાથી માણસનું મન શાંત પડતું જાય છે, ધીમે ધીમે ગુસ્સો ઓછો થાય છે અને ગુસ્સા પર કાબુ મેળવી શકાય છે. ક્રોધનાં ક્ષણિક આવેશને દબાવવા નીચે જણાવેલા નાના નાના નુસખા અજમાવા જેવા છે :

[1] એ જગ્યા છોડીને બીજા ઓરડામાં ચાલ્યા જાવ અને ઠંડુ પાણી પીઓ.
[2] બન્ને હાથની મુઠ્ઠીઓ જોશથી વાળી રાખો અને દશથી એકની ઉંધી ગણતરી કરવા માંડો.
[3] બન્ને આંખો બંધ કરીને 15 થી 20 લાંબા ઊંડા શ્વાસ લો.
[4] તમારી મનગમતી પ્રવૃત્તિ દા.ત. લેખન, સંગીત, ભજન, સત્સંગ વગેરેમાં ધ્યાન પરોવવા પ્રયત્ન કરો.

ઘડપણમાં માણસની જીભનો ન ખાવા પર કાબુ રહે છે કે ન બોલવા પર; આહારનો નિયમ છે કે કમ ખાવ અને સંસારનો નિયમ છે કે ગમ ખાવ. આથી જ સંત કબીરે કહ્યું છે :

શબદ શબદ હર કોઈ કહે, શબદ કે હાથ ન પાંવ,
એક શબદ ઔષધ કરે, એક શબદ કિરે ઘાવ.

E. FROM ATTACHMENT TO DETACHMENT – આસક્તિમાંથી વિરક્ત થઈ જાવ.

દરેક માણસે ઘડપણ તેમ જ મરણ માટે માનસિક રૂપે તૈયાર રહેવું જરૂરી છે. દરેક માણસને ઘડપણ તો આવવાનું જ છે; તમે ચાહો કે ન ચાહો કુદરતનો આ એક શાશ્વત ક્રમ છે.

કહું છું જુવાનીને તું પાછી વળી જા, મારું ઘડપણનું સગપણ આવી ગયું છે,
મનને મુંઝવતું ને ટાળ્યું ન ટળતું, એક અણગમતું વળગણ આવી ગયું છે !

ઘડપણ આવે ત્યારે તમે જેટલું શરીર અને મનથી છોડશો એટલા તમે વધારે સુખી રહેશો. અત્યાર સુધીની મોટા ભાગની જિંદગી આપણે માયા મમતા અને લાગણીઓના બંધનમાં પસાર કરી આપણા કુટુમ્બની અનેકવિધ જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી બજાવી (Attachment) હવે ઘડપણ આવ્યું જ છે તો ચેતી જાવ; મોહ અને મમતાથી પોતાની જાતને દૂર રાખવા હૃદયથી પ્રયત્ન કરો. તમારા જીવનમાં કોઈ પણ પ્રસંગને અધિકારથી નહીં પણ અલિપ્તભાવે તટસ્થરૂપે જોવાનો પ્રયાસ કરો (Detachment) વળી જેટલી બની શકે તેટલી તમારી પોતાની જરૂરિયાતો ઘટાડો; માણસની જેટલી જરૂરિયાતો ઓછી એટલી વધારે માનસિક શાંતિ, થોડામાં સંતોષ માનો. માટે જ કહ્યું છે કે સંતોષી નર સદા સુખી ! આ સંસારરૂપી નાટકને પોતાની જાતને સંડોવ્યા વગર ત્રાહિત રૂપે તટસ્થ પ્રેક્ષકભાવથી જોવાનો પ્રયત્ન કરો. આ દરેક ઘરડા માણસે લેવા જેવો અનુભવ છે. આ કારણસર જ આપણા વડીલો કહી ગયા છે – કમ ખાવ અને ગમ ખાવ; જોઈશેના બદલે ફાવશે એવો મનોભાવ રાખો ! ઘડપણમાં સુખી થવાનો આ પણ એક સચોટ ઈલાજ છે.

જન્મ અને મરણ આ પ્રકૃતિનાં અફર નિયમ છે. મરણ એ જીવનનો જ એક ભાગ છે કારણ કે જીવનના પડછાયામાં જ મૃત્યુ છુપાઈને બેઠું હોય છે. યમરાજાનું વર્તન પણ આપણી સમજની બહાર છે – અમીર હોય કે ગરીબ, નાની ઉંમરનું હોય કે મોટું જેને પણ મૃત્યુદેવ પસંદ કરે છે તેને એ ગમે ત્યારે ઓચિંત ઉપાડી જાય છે ! અકાળ મૃત્યુ આ શબ્દ જ નકામો છે કારણ કે કાળ આવતાં મૃત્યુ થાય જ છે. મૃત્યુ એ ડરવા જેવી કે શોક કરવા જેવી નહીં પણ સ્વીકારી લેવા જેવી હકીકત છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, જ્યાં જીવન છે ત્યાં મૃત્યુ છે; બન્ને એકમેક સાથે જોડાયેલા છે. જેમ દુ:ખ પછી સુખ આવે જ છે તેમ મૃત્યુથી કંઈ અટકી જતું નથી પણ મૃત્યુ પછી એક નવું જીવન હોઈ શકે છે. મરણ એ જીવનનો અંત નથી પણ બીજી નવીન યાત્રાનો પ્રારંભ છે આવું માનીને દરેક માણસે મોત માટે માનસિક રૂપે તૈયાર રહેવું જરૂરી છે; આ માટે શવાસન, પ્રાણાયામ અને ધ્યાન આપણને ઘણા મદદરૂપ થઈ શકે છે.

આ પ્રસંગે મને એક અંગ્રેજી વાક્ય યાદ આવે છે – You can not add years to your life but you can certainly add life to your years ! Yesterday is Histroy, Tomorrow is Mystery, then what is Today ? Today is Life so enjoy it fully to your heart’s content ! જીઓ ઓર જી ભરકે જીઓ. ભૂતકાળની વાતો યાદ કરીને દુ:ખી ન થાવ, આવતી કાલની ફિકર ન કરો અને આજનો દિવસ ભગવાને જે આપણને આપ્યો છે તે પૂરા દિલથી માગી લો કારણ કે કાલ કોણે દીઠી છે ? ‘મરીઝ’ નાં આ શેર સાથે મારો લેખ હું પુરો કરું છું –

જિંદગીનો રસ પીવામાં જલ્દી કર ઓ ‘મરીઝ’
એક તો ઓછી મદીરા છે, વધુમાં ગળતું જામ છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધાક – રમેશ ઠક્કર
લગન લગન મેં ફેર હૈ… – નિરંજન ત્રિવેદી Next »   

16 પ્રતિભાવો : તમારા સુખની ચાવી – ડૉ. જન્મેજય શેઠ

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખરેખ્ર ડો. ની દવા કામ આવે એવી છે.
  “You can not add years to your life but you can certainly add life to your years ! Yesterday is History, Tomorrow is Mystery, then what is Today ? Today is Life so enjoy it fully to your heart’s content ! જીઓ ઓર જી ભરકે જીઓ.”

 2. sudhakar hathi says:

  khub sarash lekh dr sheth kam khao ne gum khao e shutra aapanavava jevu chhe old age ma ganu chhodvanu chhe death is certain accept it dr sudhakar hathi

 3. ડોકટર સાહેબ લેખ અનુકરણ મા મુકવા જેવો ,વાત સાચિ સંતોષ માનવ નુ આભુષણ ,સંતોષિ જિવ સદા સુખિ આવસ્યકતા ઓછિ તેટલા સુખિ ,કઠિન પણ અભ્યાસ થિ પ્ર્યત્ન કરુ છુ ,,તમારો લેખ વાચિ ને ટોનિક મલ્યુ ,,,

 4. lata and ashwin thakkar says:

  khoob khoob abhinandan

 5. sujata says:

  મગ ખાઓ ગમ ખાઓ………ક્મ ખાઓ પણ સાચુ …..અતિ ઉત્ત્મ લે ખ………..

 6. Himsuta says:

  અત્યન્ત સુન્દર લેખ બદલ મ્રુગેશ્ભૈ અને જન્મેજય્ભઈ ને હાર્દિક અભિનન્દન્….ખુબ જ્જ સરસ્

 7. pragnaju says:

  બેખબર મુસાફરને સુખની મંઝિલ સરળ રીતે સમજાવવા બદલ ધન્યવાદ

 8. Jinal says:

  Very nice article. It inspires us to do what we know already but do not try to implement in our lives.

 9. અતુલ જાની (આગંતુક) says:

  સુખની સુંદર ચાવીઓ બતાવવા બદલ ડોક્ટર સાહેબ ખુબ ખુબ આભાર.

  અહી સુખ માટેની પાંચ સુંદર ચાવીઓ આપીને ડોક્ટર સાહેબે આપણને સુખ ભરેલી તીજોરી કેમ ખોલવી તે સારી રીતે સમજાવ્યું હવે ચાવી કેવી રીતે અને ક્યારે કઈ લગાડવી તે આપણા હાથની વાત છે. જુના જમાનાની વાર્તામાં જેમ એક પછી એક દરવાજો ઉઘાડતા જઈએ અને છેલ્લે રાજકુમારી મળી આવે તેમ સહુથી પહેલો દરવાજો સ્વાસ્થ્યનો ખોલવાનો છે. ત્યાર પછીનો દરવાજો આહારનો, ત્રીજો દરવાજો અહંકારને ભગાડવાનો , ચોથો ક્રોધ ઉપર કાબુ રાખવાનો અને છેલ્લો અને પાંચમો આસક્તિ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો અને બસ આ પાંચ ચાવી સારી રીતે લગાડી ઍટલે સુખ આપણી હથેળીમાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.