દીકરી મોટી શા માટે થતી હશે ? – દિલીપ પટેલ
અમારા જીવનમાં એ આવી 17 સપ્ટેમ્બર, 1977ના રોજ, ઋષિપંચમીના દિવસે. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના દિવસો પૂરા થયા ત્યારથી હું અને મારી પત્ની ઉષા એના આવવાની તૈયારી કરતાં હતાં, રાહ જોતાં હતાં. હરિ તારાં હજાર નામની માફક અમે એને જુદાં જુદાં નામથી સંબોધીએ છીએ. પણ એનું ખરું નામ છે, રાધા. ઋષિપંચમીના દિવસે જન્મી તેથી દાદાએ આ નામ પસંદ કર્યું.
જન્મથી આજ સુધી એ અમારા જીવનમાં વિસ્તરતી રહી છે. રાધા નાની હતી ત્યારથી અમે એને ખૂબ લાડ લડાવ્યા છે. પ્યાર અને દુલારમાં ઊછરેલી દીકરીનો સ્વભાવ પહેલેથી જ ખૂબ મૂડી. જીદ પણ ભારે કરે. પપ્પા વગર ચાલે નહીં. પપ્પા ગુસ્સો કરે એ ચાલે નહીં. ત્યારે એની ઉંમર સવા વરસની હશે. રાજકોટના બસ સ્ટેશનમાં અમે હતાં. ચોકલેટ મારા હાથમાં હતી અને હું બસ શોધવાની ચિંતામાં હતો. તેણે ચોકલેટ માગી. મેં સહેજ જોરથી કહ્યું : ‘આપું છું ને ?’ બસ. બહેનબાને એ ઉંમરમાં માઠું લાગી ગયું. ફેંકી દીધી ચોકલેટ. નથી ખાવી. રડવાનું શરૂ. બહેનને મનાવવાં પડ્યાં. પપ્પાથી ગુસ્સે થવાય જ કેમ ?
એના આગમન પછી જિંદગી ખૂબ જ જીવવા જેવી લાગે છે. રાધા અમથી અમથી વહાલી લાગે. એના બાળપણમાં હું એને બાળકોના ફિલ્મ ફેસ્ટિવલમાં લઈ જતો. એની હઠ પ્રેમની હોય. એણે અમારી પાસેથી બીજું કંઈ માગ્યું નથી. એ આપતી જ રહી છે. એના બાળપણમાં એની સાથે ગુજારેલા દિવસો યાદ આવે છે ત્યારે મન એક હળવો નિસાસો મૂકે છે, કે ક્યાં જતા રહ્યા એ દિવસો ? રાધા એટલે પ્રેમ, આદર અને સમજણનો સુમેળ. એનાથી બે વરસ નાના ભાઈ બ્રિજેશની ચિંતા કરે, એને ટપારે, શિખામણ આપે. રાધાને મૂલ્યોમાં મેરુ પર્વત જેવી અડગ શ્રદ્ધા. મને આ દીકરીની એ ચિંતા છે કે એ વ્યવહારુ, પ્રેક્ટિકલ પ્રમાણમાં ઓછી છે અને આદર્શવાદી ખૂબ છે. આજનો સમાજ આવા લોકોને સહેલાઈથી સાંખી લેતો નથી, સહી લેતો નથી.
મારાથી લાંબો સમય દૂર રહેવાના પ્રસંગો ઓછા આવ્યા છે. દોઢેક વરસની હશે ત્યારે હું દાઢી પર શેવિંગ ક્રીમ લગાડું એટલે એને ખબર પડી જતી કે દાઢી કરીને પપ્પા હંમેશા બહાર જાય છે; એટલે જીદ કરીને રડે, ‘દાઢી નહીં, દાઢી નહીં’ દાઢી કરે તો પપ્પા એને મૂકીને બહાર જાયને ? અમે વરસો પહેલાં કાંદિવલીમાં રહેતાં હતાં ત્યારે હું ઑફિસે જવા નીકળું અને એ સાથે આવવાની જીદ પકડે. એ કજિયે ન ચડે તે માટે મારા ઑફિસ જવાના સમયે રાધાને મારી નાની બહેન નીલા, બાલ્કનીમાં લઈ જતી. એક દિવસ રાધાએ નીલાને બાલ્કનીમાં કહ્યું, ‘ચાલો હવે ઘરમાં. હવે પપ્પા જતા રહ્યા હશે.’ લ્યો કરો વાત ! જે કારણથી અમે એને દૂર રાખતાં હતાં એ કારણની એને ખબર હતી. બાળકોની ગ્રહણશક્તિ ખૂબ તેજ હોય છે. રાધાની ગ્રહણશક્તિ આજે પણ એટલી જ તીવ્ર છે. એચ.એસ.સી.માં વિજ્ઞાનના વિષયોમાં 96 ટકાથી વધુ માર્ક્સ લઈ આવી. શરૂઆતમાં એની ઈચ્છા બાયોટૅકનોલોજી વિષયમાં સ્નાતક થવાની હતી, પણ થોડી અમારી ઈચ્છા અને થોડી એની ઈચ્છાથી એણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ક્ષેત્ર પસંદ કર્યું અને અત્યારે છેલ્લા વરસમાં છે. પણ ક્યારેક એને કંટાળો આવે ત્યારે હું દિલથી કહું કે છોડી દે, નથી આવી ચિંતા કરવી. નથી આવું ટેન્શનવાળું ભણવું. પણ ફરીએ મૂડમાં આવી જાય છે ને ભણવા લાગી જાય છે. એના મિજાજમાં ચડાવ-ઉતાર વધારે આવે, પણ એની લાગણીમાં હંમેશા ચડાવ જ હોય. અગાઉ એ પેઈન્ટિંગ્સ સરસ કરતી હતી. અત્યારે સિતાર પણ કુશળતાપૂર્વક વગાડે છે. નાનો બ્રિજેશ ગિટાર વગાડે છે. એટલે ક્યારેક ઘરમાં સંગીતમય વાતાવરણ બની જાય છે.
રાધાનો મૂડ હીંચકે ચડે ત્યારે હું સંભાળી લઉં. પાસે બેસાડું. વાતો કરું. આજના સ્પર્ધાલક્ષી સમાજમાં બાળકોને એમના સમોવડિયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી સફળ થવાનું દબાણ ઘણું હોય છે. રાધા એવા ક્ષેત્રમાં છે જ્યાં કારકિર્દીની તકો ખૂબ જ ઊજળી છે. એની લાયકાત (ક્વોલિફિકેશન)ના કારણે એની કારકિર્દીની મને ચિંતા નથી. અત્યારે રાધા છેલ્લા વરસમાં છે અને અત્યારથી જ સારી સારી કંપનીઓ વિદ્યાર્થીઓને રોકી લેતી હોય છે. રાધાને મનપસંદ હોય એવી કંપનીની ટેસ્ટમાં એ સફળ ન થાય તો એનો મૂડ બગડી જાય, હતાશ થઈ જાય. પણ એ તબક્કો માત્ર અડધો કલાક ચાલે. એણે ધાર્યું હોય એ પ્રમાણે વાંચી ન શકાય તો પણ મૂડ બગડે. બાળકોને માનસિક રીતે ખૂબ તૈયાર કરવાની જરૂર હોય છે. હું સપ્તાહમાં લગભગ દસેક કલાક બાળકોને આપવાની કોશિશ કરું છું. મારે મન આ એક લહાવો છે. રાધાને એ પણ કહું છું કે માણસે કોઈ કામની સૂગ રાખવી ન જોઈએ. વિકસિત રાષ્ટ્રોમાં બધા પોતાનું કામ પોતે જ કરી લેતા હોય છે. કામ કરવાથી વ્યક્તિ વહીવટમાં દક્ષ બને છે. મેનેજમેન્ટ, ઈકોનોમિક્સ અને એજ્યુકેશન એ મારા વિષયો હોવાથી અમારા ઘરમાં પણ તેની ચર્ચા થતી રહે છે જે ક્યારેક હીટેડ ડિબેટમાં પરિણમે છે. મેનેજમેન્ટ તથા અન્ય વિષયોને લગતાં થોડાં પુસ્તકો રાધાએ વાંચ્યાં છે.
રાધાનું પોતાનું જીવન શિસ્તબદ્ધ છે. સખત મહેનત કરી શકે છે અને કરે છે. રાત્રે મારે કંઈક કામ હોય તો મારી સાથે જાગે. મને પૂછે, ‘પપ્પા, ચા બનાવી આપું ? હું કોઈ ચિંતામાં હોઉં તો ચહેરાના હાવભાવથી કળી જાય અને મને પૂછે, ‘પપ્પા, શેનું ટેન્શન છે ?’
આ પપ્પાને હવે જુદું જ ટેન્શન, જુદી જ ચિંતા છે. દીકરી જેટલાં વરસ સાથે રહી એટલાં વરસ હવે નથી રહેવાની. ક્યારેક મનમાં ડર લાગી જાય કે દીકરીથી અલગ થવાની એ પળ મારાથી કેમ સહન થશે ? ક્યારેક મન એવું પણ વિચારવા માંડે કે, દીકરી મોટી શા માટે થતી હશે. દીકરી મોટી ન થાય તો ન ચાલે ? દીકરી નાની જ રહે તો કેમ ?
મને યાદ છે કે અગિયારેક વરસની ઉંમરે એ મારી બહેન નીલાને ત્યાં અમદાવાદ ગઈ હતી. નર્મદા સિમેન્ટ કંપનીમાં મારે મેનેજમેન્ટને લગતું વ્યાખ્યાન આપવા સુરત જવાનું થયું હતું. મેં સાંજે સુરતથી અમદાવાદ ફોન કર્યો ત્યારે રાધાએ સૌપ્રથમ મને એ જ પૂછ્યું કે, ‘તમારો પ્રોગ્રામ કેવો રહ્યો ?’ મને એની એ ખેવનાથી ઘણો આનંદ થયો હતો. હવે એ મોટી થઈ છે, મને ઠપકો આપવા જેવડી, મને સાચો રાહ ચીંધવા જેવડી. હમણાં એક પ્રસંગમાં મારે મારા સ્વીકૃત સિદ્ધાંતમાં થોડી બાંધછોડ કરવી પડે એમ હતું. હું દ્વિધામાં હતો. રાધાને આ ખબર પડી. એ પછી આવી બન્યું મારું. એ રડતી જાય, ગુસ્સો કરતી જાય અને મને પાઠ ભણાવતી જાય. મને કહે : ‘તમે શા માટે મૂલ્યોમાં બાંધછોડ કરવા તૈયાર થયા ? તમારાં વીસ વરસ પાણીમાં ગયાં.’ ખૂબ જિદ્દી છતાં હેતાળ, પ્રેમાળ આ દીકરીને મનાવવી એ પણ એક લહાવો છે. એની આગળ હું મારાં બધાં જ શસ્ત્રો હેઠાં મૂકી દઉં છું. મને ઘણી વાર કહી દે કે તમારામાં અહમ આવી ગયો છે. ટેલિફોન પર તમે બરાબર વાત નથી કરતા. આ દીકરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા ઘણી વાર હું મારી જાતને અસમર્થ અનુભવું છું. આટલી નાની ઉંમરમાં દીકરીએ મને જે આપ્યું છે તે ઓછું છે ?
(લેખક પરિચય : પ્રોફેસર દિલીપ પટેલ દેશની પ્રથમ દસ પૈકીની એક એવી શ્રી. એસ.પી. જૈન ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ ઍન્ડ રિસર્ચના જોઈન્ટ ડિરેક્ટરપદે હતા. હજી તેઓ સંસ્થા સાથે સંકળાયેલા છે અને હાલમાં અભિયાન પ્રેસ એન્ડ પબ્લિકેશન લિમિટેડના ડિરેક્ટર છે. મેનેજમેન્ટના નિષ્ણાત તરીકે એમણે એલ એન્ડ ટી, સિમેન્સ, ગોદરેજ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, નોસિલ, એક્સેલ વગેરે નામાંકિત કોર્પોરેશનોને વહીવટી અને પ્રશાસનને લગતી વિશિષ્ટ સેવા પૂરી પાડી છે. આ ઉપરાંત આ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને વહીવટી તાલીમ પણ પૂરી પાડી છે.)
[કુલ પાન : 208. કિંમત રૂ. 225. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]
Print This Article
·
Save this article As PDF
સરસ.
સરસ… આ પુસ્તક ખરેખર વસાવવા જેવુ છે…
આ પુસ્તક મારી પાસે ઘણા વર્ષોથી છે અને એને કેટલીય વાર વાંચો તો પણ વારંવાર વાંચવાનુ મન થાય..
રીડ ગુજરાતી પર એમાંથી લેખ પ્રસિધ્ધ થયેલો જોઇને ઘણો આનંદ થયો…
એના જેવુ જ અન્ય પુસ્તક ” થેંક્યુ પપ્પા” પણ વાંચવા અને વસાવવા જેવુ છે… એના લેખ પણ અહિં આપશો એવુ સુચન કરીશ… અમે એ પુસ્તક અમારા પપ્પાને ભેટમાં આપ્યુ છે..
Really very touching and true story for each and every Father & daughter.
સરસ વાચવા જેવુ પુસ્તક અને વસાવવા જેવુ સુન્દર પુસ્તક પુસ્તક ના બીજા લેખ મુક્વા વિનતી
આ પુસ્તક મારા ગમતા પુસ્તકોમાં નું એક છે.. મારા મમ્મી-પપ્પાજી ને મેં ભેટ માં આપ્યું છે.. પણ અમારા ત્રણેય માં થી કોઇ પણ હજી સુધી આખું પુસ્તક વાંચવા માં સફળ નથી થયા..!!! ખુબ જ ભાવુક છે..
I am agree with Dhwani. It’s a nice book but very immotional. Very hard to read at a time.
લોકોની માનસિકતા ધીરે ધીરે બદલાઈ રહી છે અને દીકરી સાપના ભારાની બદલે વહાલનો દરીયો બની રહી છે તે ઘણી જ આનંદની વાત છે.
દીકરી એટલે દીકરી બસ બીજુ કાંઇ જ નહી..ેની સરખામણી ન થાય્..કોઇ સાથે..
મારે બે દીકરી ઓ છે અને એટલે નમને બહુ અનુભવ છે..હુ તો અત્યારથી મારી દીકરી ઓ ને કહુ છુ કે હુ તમારી વિદાય માં હાજર નહી રહુ.. એ શક્ય નથી મારી માટે..
લેખ ખુબ જ સરસ છે…
દીકરી એટલે દીકરી બસ બીજુ કાંઇ જ નહી..ેની સરખામણી ન થાય્..કોઇ સાથે..
મારે બે દીકરી ઓ છે અને એટલે મને બહુ અનુભવ છે..હુ તો અત્યારથી મારી દીકરી ઓ ને કહુ છુ કે હુ તમારી વિદાય માં હાજર નહી રહુ.. એ શક્ય નથી મારી માટે..
લેખ ખુબ જ સરસ છે…
દિકરી શબ્દનો અર્થ જીવતા મારા પિતા “વિદાય” શબ્દ સ્ત્રી વાચક ના હોવો જોઇએ એમ દ્રઢ પણે કહેતા.
“િદ્ક્રી વ્હાલ નો દરિયો”, “થેંક્યુ પપ્પા” અને “શત ઋપા સાસુજી”
ત્રણે એક હરોળ ના પુસ્ત્કો….
દિકરી બહુ મુલ્લ્યવાન હોય ઍનુ મુલ્લ્ય માતાપિતા સિવાય કોઇ સમજે ?
આજે હુ પણ મારા માતાપિતા ની એક દિકરી..છુ, હુ સમજુ છુ મારા માતાપિતા ને મારી “વિદાય”
હજુ તાજિ છે અને એ ભુલવવુ એમના માટે શક્ય નથી …………..દીકરી
દિકરી શબ્દનો અર્થ બહુ મુલ્ય વાન હોય છે.હુ પણ્ મારા મારા પિતાની લાડકિ દિકરી છુ .
મારા વિદાયની ઘડિ આજે પણ તેઓને યાદ છે. અને એ ભુલવુ શક્ય નથી…
મારા પિતાની દિકરી …..”દીકરી મોટી શા માટે થતી હશે ?”
સુન્દર પુસ્તક