નાની પણ મોટી વાતો – હરીશ નાયક

[ મોટરાંઓને પણ વાંચવી ગમે તેવી બાળવાર્તાઓના પુસ્તક ‘101 નાની પણ મોટી વાતો’ માંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એક હાથની ખાનદાની

પરચૂરણની તંગીના જમાનામાં આ સાચો પ્રસંગ જરૂર કીમતી પ્રેરણા આપી રહેશે. ઉનાળાની રજાઓ. લોકો થોકેથોક આબુ ઊપડતા હતા. આબુ ઉપર જ્યાં મોટર ઊભી રહે છે ત્યાં મજૂરોનો પાર નહિ. ‘બહેન મને સામાન આપો, ભાઈ મને સામાન આપો’ કરતાં મજૂરો ઘેરાઈ વળે.

એક બહેનની પાસે સામાન ઘણો હતો. માત્ર એક હાથવાળો એક મજૂર આગળ આવ્યો : ‘બહેન ! હું લઈ લઉં ?’
બહેન કહે : ‘પણ તારે તો એક જ હાથ છે.’
મજૂર કહે : ‘ભલેને એક હાથ રહ્યો, સામાન નહિ છોડું.’
બહેને એ જ મજૂરને સામાન સોંપ્યો. નવાઈની વાત તે કે મજૂરે સિફતથી સામાન ઉપાડી લીધો. આખું કુટુંબ હોટલ સુધી ઊપડ્યું. બહેને મજૂરને 10 રૂપિયા આપી દીધા અને બધાં અંદર ચાલ્યાં ગયા. તરત મજૂરે બૂમ પાડી : ‘અરે બહેન ! આ બે રૂપિયા તો લેતા જાવ.’
સામાનની મજૂરી આઠ રૂપિયા જ નક્કી થઈ હતી પણ એક હાથવાળા મજૂર પર દયા આવવાથી બહેને બે રૂપિયા પાછા લીધા ન હતા.
બહેન કહે : ‘અરે પરચૂરણની આટલી તંગી છે ત્યાં તું છૂટા કાઢે છે ? રહેવા દે તારી પાસે.’
‘પરચૂરણની ભલેને તંગી રહી’ એક હાથના મજૂરે કહ્યું : ‘સત્યની કંઈ તંગી થોડી જ છે ? લો આ બે રૂપિયા.’

પ્રવાસીબહેન એક હાથવાળા આ ખાનદાન મજૂરને જોઈ જ રહ્યાં.

[2] મૃત્યુ મરી ગયું રે લોલ

મૃત્યુ તો જિંદગી સાથે લાગેલું જ છે. જન્મ લેનાર દરેકને વહેલું મોડું મરવું જ પડે છે. પણ બાળક માર્કંડેયની વાત ગજબની નીકળી. એક બાજુ તેનો જન્મ થયો, બીજી બાજુ તેના મૃત્યુની દોડ શરૂ થઈ ગઈ. જિંદગીની પાછળ મૃત્યુ પડી જ ગયું. જન્મ વખતે પિતાજીએ ગ્રહો જોવડાવ્યા. પિતા જાતે મોટા ઋષિ હતા. છતાં તેમણે પોતાનાથી વધુ જ્ઞાની જ્યોતિષીઓને બોલાવ્યા હતા. જ્યોતિષી કહે : ‘છોકરો કાઢે તો બારે લોકમાં નામ કાઢે…’
પિતાએ પૂછ્યું : ‘કાઢે તો નામ કાઢે એ વળી શું ?’
ડરતાં અચકાતાં જ્યોતિષી કહે : ‘એટલે કે છોકરો ઘણો તેજસ્વી છે પણ તેની આયુષ્યરેખા ઘણી નબળી છે. તે સાત વર્ષની ઉંમર પછી એક ક્ષણ પણ જીવી શકે તેમ નથી.’

પિતાને પણ એ ડર તો હતો જ. એ ડર સાચો પડ્યો. અરેરે ! હવે શું થાય ? શું આવો હેમ જેવો રૂડો-રૂપાળો પુત્ર માત્ર સાત જ વર્ષની ઉંમરમાં મૃત્યુ પામશે ? તેમણે જ્યોતિષીના પગ પકડ્યા. પૂછ્યું : ‘મહારાજ, મૃત્યુ નિશ્ચિત છે એ હું જાણું છું. પણ આટલી નાની વયમાં બાળક મરી જાય એ મારાથી સહન થતું નથી. એ કંઈક બને, કંઈક કરે, સમાજ તથા દુનિયાને ઉપયોગી થાય, પોતાને જે મુશ્કેલી પડી છે એમાંથી દુનિયાને માર્ગ બતાવે, બસ એટલું કરીને મરે તો વાંધો નથી. માણસે જીવીને ઠાલા મરવું જોઈએ નહિ. સંસાર માટે એણે કંઈક તો કરવું જ જોઈએ. પોતે પોતાનું જીવન જીવીને મરે એ પણ સ્વાર્થી છે. બીજાને માટે જીવીને મરે એવું એ કંઈ કરી શકે, એટલું આયુષ્ય એને બક્ષો. એ માટેનો કોઈ માર્ગ બતાવો.’

જ્યોતિષી કહે : ‘ઋષિરાજ ! આપે કેટલી સુંદર જ્ઞાનવાણી ઉચ્ચારી છે ! આપને મળીને તો અમે ધન્ય થઈ ગયા. આપનું જ્ઞાન ખરેખર અદ્દભુત છે પણ જિંદગી અને મોતના ગ્રહો પર કોઈનું કંઈ ચાલી શકે છે ? છતાં… આશીર્વાદમાં મહાન શક્તિ છે. એથી બીજું તો અમે શું કહીએ ?’ ઋષિ પિતાને જ્યોતિષીઓને ખુશ કરીને વિદાય કર્યા. પણ તેમણે બાળકને જીવાડવા માટે એક જ મંત્ર અમલમાં આણ્યો : આશીર્વાદમાં મહાન શક્તિ છે. એટલે જે કોઈ તેમને મળવા આવતા તેમના ખોળામાં તેઓ બાળકને મૂકી દેતા. છોકરો ખૂબ આનંદી હતો. ખોળામાંના બાળકને જોતાં જ મહેમાન બોલી ઊઠતા : ‘કેવો આનંદી છોકરો છે ! બેટા, સો વર્ષનો થજે !’

એ રીતે બાળક માર્કંડેય આશીર્વાદ ઉપર આશીર્વાદ મેળવતો ગયો. પિતાજી એને સાથે જ રાખતા. કોઈકના ચરણકમળમાં તેને ગોઠવી દેતા, કોઈના ખોળામાં, કોઈના હાથમાં આપી દેતા અને કોઈને ખભે મૂકી દેતા. એ બધાંના મોઢામાંથી શબ્દો નીકળી જતા : ‘બેટા, સો વર્ષનો થજે.’ એમ કરતાં કરતાં બાળક માર્કંડેય જાતે પણ ચાલતો-બોલતો થયો. હવે તે જાતે જ નમન-વંદન કરતો. પિતાએ તેને એક જ વાત શિખવાડી હતી : ‘નમ્યા તે સહુને ગમ્યા. નમન કર બેટા. વંદન કર. આશીર્વાદ જેટલા ભેગા થશે એટલો લાભ વધુ મળશે.’ માર્કંડેય તો આશીર્વાદ મેળવતો મોટો થવા લાગ્યો. જે કોઈ તેને જોતું તે રાજી રાજી થઈ જતું. ઓહો ! કેટલો ભલો છોકરો છે ! કેટલો નમ્ર ! કેટલો વિવેકી !

સાત વર્ષ સુધીમાં તો માર્કંડેય દુનિયાભરનો લાડીલો બાળક બની ગયો. પણ હવે જ ચિંતા શરૂ થતી હતી. માર્કંડેયને તો એના પિતાએ કંઈ જણાવ્યું જ ન હતું; એટલે એ તો હસતો રમતો જ મોટો થતો હતો. એનું તો એક જ કામ હતું, નમન, વંદન કરવા અને આશીર્વાદ મેળવવા. આમ, સાતમું વર્ષ શરૂ થયું. ધીરે ધીરે આગળ વધવા લાગ્યું અને પૂરું પણ થવા લાગ્યું. આનંદી બાળકના દેહમાં કોઈ રોગ ન હતો. તાવતરિયો નહિ, અસુખ નહિ, અરે માથાનો દુખાવોય નહિ. મોતનાં કોઈ ચિહ્ણ દેખાતાં ન હતાં. છતાં ગ્રહોની માયાને કોણ સમજી શક્યું છે ? પિતાની ધડકનો તો વધતી જ જતી હતી. જેમ જેમ પુત્ર વધુ હસતો તેમ તેમ તેઓ વધુ મુરઝાઈ જતા. તેમને થતું કે : આ બધું હવે થોડા સમયનું છે. આ હસતું વદન હવે થોડી ઘડી પછી હસતું બંધ થઈ જશે. મારો આવો સરસ, સૂરજના તેજ અને ચંદ્રની ચાંદનીમાંથી બનેલો બાળક, જોતજોતામાં મૃત્યુ પામશે. તેઓ આવી વ્યથા અનુભવતા હતા ત્યાં જ તેમને બારણે ચાર ઋષિ આવ્યા. ઓહોહો ! એ ઋષિઓ તો ખરેખરા ઋષિઓ હતા. બલકે ઋષિઓમાં શ્રેષ્ઠ, તપસ્વીઓમાં શ્રેષ્ઠ અને પંડિતોમાં શ્રેષ્ઠ.

‘સનકાદિ’ જેવા નામ ધરાવતા એ ઋષિઓની કીર્તિગાથા ખુદ નારદે વીણામાં લલકારી હતી. નારદ રહ્યા વિનોદી માનવી. સ નામવાળા ચાર ઋષિના નામ એમને વારંવાર ઉચ્ચારવાં ફાવે નહિ, એટલે એમણે ચારે નામને એક કરી નાખ્યાં. એ ઋષિઓના નામ હતાં : સનક, સનંદન, સનત્કુમાર અને સનાતન. આ ચારે ઋષિ પોતપોતાની રીતે મહાજ્ઞાની, મહાપંડિત હતા. પણ ચારે ભેગા હોય ત્યારે તો પૂછવું જ નહિ. નારદ તેમને માટે સનક-આદિ : ‘સનકાદિ’ એટલે કે ‘સનક વગેરે’ જેવો ગમ્મત ભરેલો પ્રયોગ કરતા. એ વગેરે વગેરે ઋષિઓએ જ્યારે માર્કંડેયને ત્યાં પધાર્યા ત્યારે માર્કંડેયે તો એમના ચરણકમળમાં શીશ ઝુકાવી દીધું ! ચારે જણાથી એક સાથે બોલી જવાયું : આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ, દીપ્તિવાન ભવ, તેજવાન ભવ.’

સનકાદિ ઋષિઓ જે કંઈ બોલતાં તે કદી જૂઠું પડતું નહિ. તેમને માટે કહેવાતું કે તેમનો ગ્રહો પર પણ પ્રભાવ છે. બાળક માર્કંડેયને તેમણે આશીર્વાદ તો આપી દીધા પણ બાળકના નસીબમાં તો કંઈક બીજું જ હતું. બાળકે તો અજાણપણે ઋષિ મહેમાનોની ખૂબ સેવાચાકરી કરી. મહેમાનો પણ તેમને આશીર્વાદ આપતા જ ગયા. છેવટે તેઓ જવા લાગ્યા ત્યારે પિતાએ વાત ખૂલ્લી મૂકી. તેઓ કહે : ‘મહર્ષિઓ ! આપનું કથન હંમેશાં સત્યકથન સાબિત થાય છે. આપના શબ્દો તો સૂર્ય અને ચંદ્રની ગતિ ફેરવી શકે છે. પણ આ બાળકને તો મૃત્યુ લાગેલું છે. હવે શું થશે ?’ બાળક માર્કંડેય થોડે દૂર મહેમાનોની જવાની તૈયારી કરતો હતો. તેમને માટે જરૂરી સામાન બાંધતો હતો. અત્યારે કામની વચમાંય તેના ચહેરા પર આનંદ વરતાતો હતો. જે સેવા કરવી તે આનંદભરી રીતે કરવી એ વાત માર્કંડેયે જીવનમાં ઉતારી હતી. એ તરફ જોઈને સનકાદિ ઋષિઓ કહે : ‘મહાશય ! જ્યોતિષીએ જે કંઈ કહ્યું હતું એ સાચું જ કહ્યું હતું. પણ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે આશીર્વાદમાં મહાન શક્તિ છે. તેમની એ વાત સાચી છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જે બાળક નિયમિતરૂપે પોતાનાથી મોટાઓને નમન વંદન કરે છે, જાતે ખુશ રહી ભલાઈ, ઉદારતા અને પરોપકારનાં કામો કરી આશીર્વાદો મેળવે છે, એ બાળક આયુષ્ય, બળ, વિદ્યા અને યશ લાભ પ્રાપ્ત કરે છે. અને એ લાભની માત્રા એટલી વધારે હોય છે કે જેની કોઈ ગણતરી જ કરી શકતું નથી.’

મહેમાન ઋષિઓએ પિતાને કહ્યું : ‘જ્યોતિષીની વાત જૂઠી નથી તો શાસ્ત્રોની વાત પણ જૂઠી નથી.’ બાળક માર્કંડેય એટલામાં આવી પહોંચ્યો. મહેમાનો માટેનો સામાન ઉપાડી તે તૈયાર થઈને આવ્યો હતો. તેણે ફરીથી વગેરે વગેરે ઋષિઓને નમન કરીને કહ્યું : ‘પધારો મહારાજ ! આપની વિદાયનો સમય થઈ રહ્યો છે.’ સનકાદિ ઋષિઓએ ફરીથી પ્રફુલ્લિત થઈને આશીર્વાદ આપ્યા : આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ !’ માર્કંડેય તેમને દૂર દૂર સુધી મૂકી આવ્યો.

તેમના ગયા પછી કંઈ કેટલાય ઋષિઓ આવ્યા અને ગયા. અરે ઋષિઓની ક્યાં વાત કરો છો, માર્કંડેયે તો સંસારીઓની પણ સેવા કરી. દીનદુખિયા, અપંગ, વૃદ્ધ તમામની સેવા કરી, પીડાતાં રિબાતાં પશુ-પંખીઓની પણ સેવા કરી, એ બધી સેવા હસતે મોઢે જ કરી. એ દરેક સેવાના બદલામાં તેને એક જ પ્રસાદ મળતો : ‘સો વર્ષનો થજે બેટા અને સહુનું ભલું કરજે !’

રહી વાત સાત વર્ષ પૂરાં થવાની. અરે માર્કંડેય જાતે એવો કામમાં રચ્યોપચ્યો રહેતો કે એને સમય ક્યાં જાય છે એની જ ખબર રહી નહિ. તે તો કામ અને અભ્યાસ, પઠન-પાઠન અને પરોપકાર, સેવા અને શ્રમમાં એવો લાગી ગયો કે જાણે આ જ કામ માટે આવ્યા છીએ. કંઈ બીજું કરવાનું ન હોય. ત્યારે તે બાગબગીચામાં રોકાઈ જતો. ફૂલઝાડને પાણી પાતાં પાતાં શ્લોકો યાદ કરતો. સમયની ક્ષણે ક્ષણને તે સાર્થક બનાવતો હતો. સમયના કણેકણને તે શ્રમના તાણાવાણામાં ગૂંથી લેતો હતો. તેની એ ગૂંથણીમાં સાત વર્ષ ક્યારે પૂરાં થઈ ગયાં તેનીય તેને ખબર રહી નહિ. અરે સાતમું ગયું અને આઠમું વર્ષેય ગયું, નવમું ગયું અને દશમુંય ગયું. વર્ષો એક પછી એક શુભ કાર્ય હેઠળ પસાર થતાં જ રહ્યાં.

માર્કંડેયને તેના ભલા કામના બદલામાં એટલા બધાં અસંખ્ય આશીર્વાદો મળ્યા કે એ આશીર્વાદે બૂરા ગ્રહોને પણ બદલી નાખ્યા. અરે એ બૂરા ગ્રહો પણ ભલા થઈ ગયા અને ખુદ તેમણેય આશીર્વાદ આપી દીધા : આયુષ્યમાન ભવ ! કીર્તિમાન ભવ ! કહે છે કે આવા આશીર્વાદોની કૃપાથી માર્કંડેય પછી તો સેંકડો વર્ષોથીય વધુ જીવ્યા. તેમણે તેમના જમાનામાં જે ભલાં કામો કર્યાં તેની જોડ નથી. તેમણે રચેલું ‘માર્કંડેય-પુરાણ’ આજે પણ વાંચવા જેવું છે. એ પુરાણ દ્વારા તે તથા તેમની કીર્તિ આજે પણ જીવંત છે એમ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ.

એનો અર્થ તો ખરેખર એ જ થયો કે મૃત્યુ ટળી શકે છે અને આશીર્વાદમાં મૃત્યુને પણ ઊભી પૂંછડીએ ભગાડવાની શક્તિ રહેલી છે. ત્યારે બાળકો ! તમને આવા આશીર્વાદ મેળવવા ગમે ? તમને માર્કંડેયની જેમ આયુષ્યમાન, બળવાન, વિદ્યાવાન થવું ગમે ? તો આજથી જ ખુશખુશાલ હૈયે ભલાઈ, ઉદારતાનાં કામ શરૂ કરો. પરોપકાર, પરિશ્રમ અને પઠન-પાઠનને જીવન-મંત્ર બનાવો. નમ્રતા અને વિવેક કેળવી બસ આશીર્વાદનો જથ્થો મેળવે જ જાવ. જુઓ, ચમત્કાર થઈને જ રહેશે. લો, અમારા આશીર્વાદ તો અમે અત્યારે જ આપી દઈએ છીએ : આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ, બલવાન ભવ, વિદ્યાવાન ભવ !

[કુલ પાન : 192. કિંમત : રૂ. 200 પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરી મોટી શા માટે થતી હશે ? – દિલીપ પટેલ
સાહિત્યમાં જીવનદર્શન – મૃગેશ શાહ Next »   

15 પ્રતિભાવો : નાની પણ મોટી વાતો – હરીશ નાયક

 1. komal says:

  very very nice!!! Good advise for kids as well as adults. Thanks.

 2. માણસ ને જીવવા માટે કેટલું જોઈએ……ધારે તો એ વિશ્વને માર્ગ બતાવી શકે છે…..
  સરસ લેખ…..

 3. sujata says:

  આ વાર્તા ને આશિવાર્દ્ રુપે લઇએ…….

 4. અતુલ જાની (આગંતુક) says:

  નાની લાગતી આ વાતો ખરેખર ઘણી મોટી છે. વાંચન માટે નાની પણ જીવનમાં આચરણ માટે ઘણી મોટી.

 5. ભાવના શુક્લ says:

  બન્ને મોટા ગજાની નાનકડી વાતો પ્રેરણાદાયી છે.

 6. Jina says:

  મને તો આ બહુ જ ગમયુ!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.