સાહિત્યમાં જીવનદર્શન – મૃગેશ શાહ

ઉનાળાનો ધોમધખતો તાપ હોય ત્યારે જો મધ્યાનના સમયે આપણે ક્યાંક દૂર જવાનું થાય તો રસ્તામાં શેરડીનો રસ પીવાનું મન સહેજે થઈ આવે. આજકલ બજારમાં ઠંડાપીણાઓ સર્વત્ર ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં કુદરતી રસથી તૃષા નિવૃત્તિ થાય, તેવી કોઈ બીજાથી થવી શક્ય નથી.

ઘણા વિસ્તારો એવાં હોય છે કે દૂર સુધી રસની કોઈ લારીઓ દેખાતી નથી. બળબળતા બપોરે કામકાજ અર્થે નીકળેલા વ્યક્તિને શેરડીના રસના અભાવમાં પાણીના પાઉચ કે ઠંડાપીણાથી પોતાની તરસ છીપાવવી પડે છે. ક્યાંક વળી અમુક વિસ્તારોમાં એકલ-દોકલ શેરડીના સંચાવાળા મળી આવે છે, પરંતુ તેમની પાસે ઘરાકો વધુ હોવાથી લાંબો સમય રાહ જોઈને ઊભા રહેવું પડે. કોઈક સંચાવાળા તો ગુસ્સામાં બડબડતા હોય, કોઈક ગાળો બોલતા હોય તો ક્યાંક વળી પુષ્કળ ગંદકી હોય અને માખો બણબણતી હોય છે. પોતાની તરસ છીપાવવા માટે ન છૂટકે વ્યક્તિને રસનો પ્યાલો લઈને દૂર જઈ ઊભા રહેવું પડે છે.

સૌથી મજાની વાત તો એ છે કે અમુક રસઘર આખા શહેરમાં પ્રસિદ્ધ હોય છે. કંઈ જ કામ ન હોય તો મનમાં એમ થાય કે ‘સ્પેશિયલ’ આંટો મારીને પણ એકવાર ફલાણા રસઘરનો શેરડી-રસ તો પીવો જ ! એ લોકો આટલા બધા પ્રસિદ્ધ શા માટે હશે ? ત્યાં જઈને જોઈએ તો આ રહસ્ય તુરંત ધ્યાનમાં આવે. તમે પહોંચો એટલે સ્મિત સાથે તમને આવકારે : ‘બોલો સા’બ, ઠંડા ચાહિયે આ સાદા ? કિતને ચાહિએ ? બેઠો સા’બ.’ આજુબાજુ નજર ફેરવતાં જાણે સ્વચ્છતાનો પદાર્થપાઠ શીખવા મળે ! કૂચા નાખવા માટે મોટું ડ્રમ. ગ્લાસ મુકવા માટે સરસ મજાનું સ્ટેન્ડ. ઘરાકોને બેસવા માટે યોગ્ય પ્રકારના ટેબલો. આજુબાજુના વિસ્તારમાં છાંયો રહે માટે તાડપત્રીની છત. માલિકને જુઓ તો એય… મજેથી હસતો જાય, વાતો કરતો જાય અને સંચો ફેરવતો જાય. બરફના કકડા કરે, મસાલો છાંટે, સ્ટ્રો મૂકીને રસથી ભરપૂર પ્યાલો આપણા હાથમાં હસતાં હસતાં મૂકે. – એ પછી જ્યારે તમે એ વિસ્તારમાંથી નીકળો ત્યારે તેના રસઘરની મુલાકાત લીધા વગર જઈ ન શકો. એનું રસમાધુર્ય તમને સતત ખેંચી લાવે !

ઉપર આપેલું શેરડીનું રૂપક, મૂળમાં તો સાહિત્યમાં જીવનદર્શનની વાત છે. વ્યક્તિની જવાબદારીઓ, સામાજિક કાર્યો, વ્યવસાય, રોજગારી અને જીવનમાં આગળ વધવા માટે કરવી પડતી સખત મહેનત ક્યારેક ઉનાળાના બળબળતા બપોર જેવી આકરી હોય છે. રોજ સાંજે થાકી પડતા શરીર સાથે ક્યારેક મન પણ થાકી પડે છે. જીવનમાં ક્યારેક નિષ્ફળતાઓનો તાપ અસહ્ય બને છે. દુ:ખ અને પીડાથી માનવીના રોમ રોમ સળગી ઊઠે. ‘જીવનમાં કંઈક ખૂટે છે’ એવી તૃષાથી તેનું ગળું સૂકાય. આ તરસ છીપાવવા તે આમતેમ ફાંફાં મારે છે. ટી.વી., કલબો અને મનોરંજનના તમામ સાધનો ઠંડાપીણા અને પાણીના પાઉચ જેવા છે. થોડોક સમય તેનાથી રાહત જરૂર મળે છે પરંતુ આંતરિક તૃષાની નિવૃત્તિ થતી નથી. જીવનમાં તૃપ્તિનો ઓડકાર તો માત્ર સાહિત્ય કે સંગીત જેવી કોઈ કલાની સંન્નિકટતા કેળવવાથી આવી શકે છે. તેથી સાહિત્ય શેરડીનો મીઠો રસ છે.

જે પ્રદેશમાં સાહિત્ય નથી ત્યાં માનવીનો કોઈ વિકાસ નથી. પ્રત્યેક પ્રદેશને પોતાનું લોકસાહિત્ય છે. કોઈ પણ ભાષામાં સાહિત્ય એ જે તે પ્રદેશની સંસ્કૃતિનું વાહક છે. સંસ્કૃતિ, વિચારો, લોકરીતી અને મહાપુરુષોના ચિંતન સાહિત્યના માધ્યમથી સચવાઈ રહે છે. તેનું સ્વરૂપ ભલે ગમે તે હોય – ગઝલ, છપ્પા, ભજન, લોકગીતો, વાર્તા, નવલિકા, નવલકથા, પ્રવાસવર્ણન, અધ્યાત્મ-ચિંતન, વ્યક્તિ-વિકાસ, નિબંધ કે ગમે તે. પરંતુ એ છે તો ‘રસો વૈ સ:’ અર્થાત્ સંપૂર્ણ રસરૂપ. જેના પાનથી માનવીને આંતરિક શીતળતા મળે અને જીવનમાં સંતોષનો અનુભવ થાય તે સાહિત્યરસ વિશે બીજું તો શું કહેવું ? એના જેટલી મીઠાશ બીજે ક્યાંથી મેળવવી ?

આજની વ્યસ્તતા ભરી જિંદગીમાં અમુક પ્રદેશોમાં આવા રસઘરો દૂર દૂર સુધી દેખાતાં નથી. સમાજની વિટંબણાઓથી ત્રસ્ત વ્યક્તિને કંઈક સારું વાંચવું હોય તો પણ કશું ઉપલબ્ધ હોતું નથી અથવા તો એ પ્રકારનું વાંચન ક્યાંથી મળી શકે તેનું માર્ગદર્શન આપનાર કોઈ નથી. કૅરિયર બનાવવાની દોડમાં કોઈને જીવન બનાવવાનો સમય રહેતો નથી. નીરસ પ્રદેશમાં કોઈક જાગૃત વ્યક્તિ તેની પર્યાપ્ત શોધ છતાં રસ મેળવી શકતો નથી. આ બધા સંજોગોના પરિણામ સ્વરૂપ સમાજમાં એક એવો વર્ગ છે જેને શુભ વાંચવું છે, જીવનપ્રેરક સાહિત્ય મેળવવું છે પરંતુ તેના અભાવમાં તે ટી.વી. સિરિયલો અને મનોરંજનના સામાયિકોથી ન છૂટકે પોતાની તૃષા સંતોષવા પ્રેરાય છે. અને બસ, આમ જ મનોરંજન માધ્યમનોનો પ્રચાર થતો રહે છે અને સાહિત્યરૂપી રસનો અભાવ વધતો જાય છે.

સંત વિનોબા કહેતા કે ‘વર્તમાન સમયમાં વિજ્ઞાન અને સાહિત્ય બંનેની જરૂર છે. વિજ્ઞાન તમને ઝડપ આપશે અને સાહિત્ય તમને જીવનની દિશા આપશે. માત્ર એકલી ઝડપ હશે તો એ વિનાશનો માર્ગ નોંતરશે. ઝડપની સાથે તેની યોગ્ય દિશા હશે તો ગંતવ્ય સુધી સરળતાથી પહોંચી શકાશે.’ સાહિત્ય મનની ભાવનાઓને ઉન્નત કરીને માનવમાં માનવતાને અંકુરિત કરે છે. માત્ર અંકુરિત કરે છે તેમ નહિ, વારંવાર અનેક રસદર્શન કરાવીને તેની સુપેરે માવજત કરે છે. વૃદ્ધિને વિકાસમાં પરિવર્તીત કરે છે. બાળક હોય તો તેમાં કલ્પનાનો રસ જાગૃત કરે છે, યુવાનો માટે પરિસ્થિતિઓનો સામનો કરતા વીરરસથી ભરી દે છે અને વડીલો માટે અધ્યાત્મ-પથદર્શક બની રહે છે. પુસ્તકો, લાઈબ્રેરીઓ એના રસઘર છે. થોડે થોડે અંતરે આવા રસઘર સમાજમાં બનતા રહે અને માનવીને આંતરિક શીતળતા પ્રદાન કરે તે કોઈ પણ સમયની એક આવશ્યક જરૂરિયાત છે.

સાહિત્યસાથે નજીકનો સંબંધ ધરાવનાર વ્યક્તિ સર્જક છે. સર્જક કલમદ્વારા જન જન સુધી પહોંચી શકે છે. કલમ ચલાવનાર અહીં રસઘરનો સંચાલક છે. ઘણીવાર વાચકને સજર્કની કૃતિ અને સર્જકના વ્યવહારમાં આસમાન-જમીનનો ભેદ દેખાય છે. કૃતિ પ્રત્યેના અહોભાવથી પ્રેરાતા વાચકને સર્જકનો ચરણસ્પર્શ કરવાની ઈચ્છા થઈ આવે છે, પરંતુ પાસેથી જોતાં ક્યારેક તેની કલ્પના કરતાં ઊલટું દ્રશ્ય હોય છે ! શેરડીનો મધ જેવો મીઠો રસ આપનાર સંચાલક ગાળો બોલતો હોય, સ્પર્ધામાં પડ્યો હોય, આત્મપ્રશંસામાં અટવાયો હોય, અભિમાનનો નશો ચઢ્યો હોય તેમ બની શકે છે ! વાચકે ધ્યાન રાખવું કે જેમ શેરડી તેને પીલનારના હાથથી નથી બનતી તેમ દુનિયાની કોઈ પણ કૃતિ જે તે સર્જકના હાથથી નથી લખાતી, એ તો પરમના પ્રવાહને પૃથ્વી પર અવતરિત કરવા માટે નિમિત્ત બની જાય છે. ઉત્તમ સાહિત્ય લખનાર વ્યક્તિ જો તેમાંથી પોતાની આંતરખોજ કરે તો અવશ્ય પોતે ઉત્તમ માનવી બની શકે, પરંતુ તેના અભાવમાં જો પરિસ્થિતિ વિપરીત હોય તો તેમાં કશું આશ્ચર્યજનક નથી ! રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે “તમારે તમારા પ્રિય સાહિત્યકારને રૂબરૂ મળવાની બહુ ઉતાવળ ન કરવી..” કોઈ વિપરિત સ્વભાવ જોઈને વાચક મૂંઝવણમાં મુકાઈ જાય કે જેમના લેખ/વાર્તા માટે મારા મનમાં આટલો આદર છે તે વ્યક્તિ શું સાવ આ પ્રકારના સ્વભાવવાળો છે ?

માણસના વિચાર અને વર્તન વચ્ચે ભેદ હોઈ શકે છે. એ માનવસહજ નબળાઈ છે. ઘણી વાર આપણને ઉત્તમ વિચારો આવતા હોય છે પરંતુ આપણે તે અમલમાં નથી મૂકી શક્તાં તેથી આમ થવું સહજ છે. સર્જક આ ઉત્તમ વિચારોના પ્રવાહને કાગળ પર ઉતારીને જનતા સમક્ષ મૂકે છે તેથી લોકોને તેમના પ્રત્યે આદરભાવ સ્વાભાવિક રીતે જાગે છે. સાહસકથાઓ લખનાર ગરોળીથી બીતો હોય તેમ બની શકે છે. વાનગીનું પુસ્તક લખનારને જમવાનું બનાવવાનો કંટાળો આવે તેવું પણ હોઈ શકે. ઉત્તમ અધ્યાત્મ સાહિત્ય લખનાર કદાચ વાત-વાતમાં ગુસ્સે થઈ જતા હોય તો એ તેમની માનવસહજ પ્રકૃતિ છે – આ તમામ બાબતો ઉત્તમ નથી, પરંતુ સાવ કાઢી નાખવા જેવી પણ નથી. તેમાંથી વિવેકપૂર્વક મધ્યમમાર્ગ કાઢી શકાય તેમ છે. પોતપોતાના મતોનો ઘોંઘાટ થતો હોય, સ્પર્ધાની માખીઓ બણબણતી હોય, જૂથવાદની ગંદકી જ્યાં ફેલાયેલી હોય, તેની સમીપ રસ પીવાનો એટલો આનંદ નહીં આવે તેથી વિચાર અને વર્તનમાં ભેદ દેખાય ત્યારે વાચકે રસનો પ્યાલો લઈને થોડે દૂર ઊભા રહેવું વધુ હિતાવહ છે !

કોઈ કદાચ એમ વિચારે કે ‘આજે આ સર્જકનો સાચો સ્વભાવ મેં જોઈ લીધો, હવે હું તેમના પુસ્તકો શું કામ વાંચું ?’ તો તે વ્યક્તિ રસને ગુમાવે છે. વરસાદ કોઈ દિવસ ખાડો, ટેકરો, મકાન, ફેક્ટરી વગેરે જોઈને નથી પડતો. એ તો બસ વરસે છે ! વરસવું એ તેનો ગુણધર્મ છે. તેવી રીતે ઉત્તમ વિચારો દેશ, કાળ, પરિસ્થિતિ, ખરાબ કે સારો માનવી જોઈને નથી આવતા…. એ તો બસ આવે છે. કોઈને કોઈ માધ્યમ દ્વારા એનું પ્રાગટ્ય થાય છે. ઘણી વાર ઉત્તમ ખાતર નાખવા છતાં છોડનો ઉછેર નથી થતો, તો ક્યારેક ભીંત ફાડીને પણ પીપળો ઊગી શકે છે ! અહીં હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદ જન્મી શકે છે. સારામાં સારો માનવી ક્યારેક અધમ વિચારો કરી બેસે છે, અને અધમમાં અધમ માનવીને ક્યારેક ઉત્તમ વિચારો સ્ફૂરે છે. કોને દોષ દેશો ? વાચકની ખરી જાગૃતિ એ છે કે જ્યાં મળે ત્યાંથી સાહિત્યરસનું પાન કરીને પોતાના જીવનને ઉન્નત કરવું. કોઈ પણ પ્રકારના વાદ-વિવાદ, ચર્ચાઓ અને સભાઓથી દૂર રહીને માત્ર અર્જુનની જેમ પક્ષીની આંખનું દર્શન ઉત્તમ વાચકે કરવું રહ્યું. અન્ય વસ્તુઓથી આપણે શું પ્રયોજન છે ?

સૌથી આદર્શ સ્થિતિ છે ઉત્તમ સર્જક અને ઉત્તમ કૃતિની. જ્યાં રસ મીઠો હોય અને તે પીવડાવનાર વ્યક્તિનું જીવન પણ મીઠાશથી ભરપૂર હોય. તેની વાણી સાંભળતા એમ લાગે કે જણે બસ સાંભળ્યા જ કરીએ ! ઉત્તમ જીવન જીવતા માનવીના હાથે જ્યારે સાહિત્યનું સર્જન થાય ત્યારે એ સાચો સત્સંગ બની રહે છે. આ પ્રકારના સાહિત્યકારો માત્ર ‘સાહિત્ય લખતા નથી’ પરંતુ ‘સાહિત્યને જીવી જાણે છે’. તેઓના લખાણમાં ભાષાની ચમત્કૃતિ કરતાં અનુભૂતિની સત્યતા વધારે પ્રમાણમાં હોય છે. કહેવાતી ઉત્તમ કૃતિઓ કરતાં, ઉત્તમ જીવન જીવતા માનવીની સાદી અને સરળ વાતો સમાજ પર પોતાની ઊંડી છાપ છોડે છે. તેમની કૃતિઓને એવોર્ડના સન્માનની જરૂર નથી પડતી, એમની કૃતિ સાથે જોડાઈને એવોર્ડ પોતે સન્માનિત થઈ ઊઠે છે. ગાંધીજી ક્યાં સાહિત્યકાર હતા ? તેમ છતાં આજે તેમના પુસ્તકો વિશ્વની જેટલી ભાષામાં અનુવાદિત થયા છે એટલા ભાગ્યે જ કોઈ સાહિત્યકારના થયા હોય.

500 પાનાની નવલકથા ન કરી શકે તેટલું કામ આ પ્રકારના સર્જકની પાંચ લીટી કરી શકે છે. તેમની પ્રત્યેક લીટીઓ તમને વિચારવા પર મજબૂર કરી દે છે. તેમની લખાણમાં હૃદયની વાતો અને નાભીનો નાદ હોય છે. તે માત્ર લખે છે એ નહીં, તે જે કહે છે, બોલે છે, આચરે છે – એ તમામ વસ્તુ સાહિત્ય બની જાય છે. તેમના જીવન સાથે જોડાયેલ પ્રત્યેક ઘટના અને પ્રસંગ સાહિત્ય બની રહે છે. પેલા શેરડીવાળાની જેમ તે પ્રત્યેકને સ્મિતથી આવકારે છે. આત્મચિંતન દ્વારા પોતાની નિત્યશુદ્ધિ કરીને સ્વછતાનો ખ્યાલ રાખે છે. પુરાણો, ઉપનિષદોની મૂળ વાતોને સામાન્ય દષ્ટાંતનો મસાલો છાંટીને એવી રીતે આપે છે કે પીનારને તેનો ચસકો પડી જાય ! તેમનું લખવું માત્ર ‘સ્વાન્ત: સુખાય’ નિજાનંદ માટે હોય છે. પોતાના અભ્યાસને વાગોળવાના ભાગરૂપે તેઓ કંઈક લખતા રહે છે. તેમનું લખાણ સર્વને સુધારવા માટે નહીં પરંતુ ‘સ્વ’ને સુધારવાના લક્ષ્યથી લખાયું હોય છે. તેમની ભાષા વ્યક્તિને પ્રભાવિત કરનાર નહિં, પરંતુ પ્રકાશિત કરનાર હોય છે. તેમના સાનિધ્યમાં રહેનારને આપોઆપ લખવાનું સ્ફૂરણ થાય છે. એવા શેરડીવાળાને શહેર આખું ઓળખતું હોય છે ! તેને પોતાના પ્રચારની કોઈ જરૂર નથી હોતી. ‘પ્રચાર’ અને ‘સ્પર્ધા’ નામના શબ્દો તેમના શબ્દકોષમાં હોતા નથી. આવો સર્જક શબ્દાતીત તત્વને શબ્દમાં ઊતારી શકે છે. તેઓ તેમના ચૈતસિક પ્રવાહમાં લખતા હોય છે. પરમ ચેતનાની અનુભૂતિથી લખાતી તેમની કૃતિ આપોઆપ જગપ્રસિદ્ધ બની જાય છે. ટૂંકમાં, આ છે ઉત્તમ રસ અને ઉત્તમ સર્જનની આદર્શ સ્થિતિ.

વાચક જ્યારે અમુક સર્જકના બે-ચાર પુસ્તકો વાંચે છે ત્યારે તેના મનમાં પોતાના ગમતા સાહિત્યકારની એક મનોકૃતિ ઉપસે છે. તેને એમ થાય છે કે આટલું સુંદર લખનાર વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેમ જીવતા હશે ? કેવી રીતે લોકોને મળતા હશે ? કેવી રીતે વાતો કરતા હશે ? શેમાંથી પ્રેરણા મેળવતા હશે ? વાચક જ્યારે સર્જકને રૂબરૂ મળવા આવે ત્યારે સર્જકનું કર્તવ્ય ઘણું વધી જાય છે. આ સુક્ષ્મ વસ્તુને ન સમજતા ઘણા સાહિત્યકારો, વાચક મળવા આવે ત્યારે પોતાના પ્રમાણપત્રો, મંડળો, સંસ્થાઓ અને સિદ્ધિઓનું વર્ણન કરતા હોય છે. વાચક સર્જકનું નેટવર્ક જાણવા નથી આવતો, એ તો આવે છે પોતાના હૃદયના સિંહાસને બિરાજતા એ સાહિત્યકાર પાસે જીવનનું સત્ય મેળવવા. એ એટલા માટે આવે છે કે કદાચ તેમનો સંગ પોતાનામાં સાહિત્યનું બીજારોપણ કરી શકે. કોઈક એવી વસ્તુ પ્રાપ્ત કરે જે તેના જીવનની દિશા બદલી શકે. સાહિત્ય લખીને જીવનારે ખરેખર બહુ સાવધ રહેવું પડે છે. આ કંઈ કાચાપોચાના ખેલ નથી. વ્યક્તિનું લખાણ ક્યારેક તો એના મૂળ સ્વભાવનું દર્શન કરાવી દે છે તેથી સાહિત્યમાં જીવનદર્શન કરીને તેને આત્મસાત કરવું તે પ્રત્યેક સર્જકની સર્વોત્તમ અવસ્થા છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાની પણ મોટી વાતો – હરીશ નાયક
એક અકેલા થક જાયેગા ? – જિતેન્દ્ર શાહ Next »   

24 પ્રતિભાવો : સાહિત્યમાં જીવનદર્શન – મૃગેશ શાહ

 1. કલ્પેશ says:

  મૃગેશભાઇ, તમારા કી-બૉર્ડથી લખાયેલ તમારા મનની અભિવ્ય્ક્તિ ઘણી સુંદર છે.
  અને, ગાંધીજીનુ જીવન માનવજીવનના મૂલ્યો પર આધારિત હતુ અને સાહિત્ય તો જીવનમાથી જ ઉપજે છે ને?

 2. ગાંડાભાઈ વલ્લભ says:

  સરસ ચિંતન મૃગેશભાઈ.
  વાંચીને કે વિચારીને નહિ પણ પોતાના જીવનની અનુભૂતિથી સર્જાયેલું સાહિત્ય જ કદાચ વધુ અસરકારક નીવડે.

 3. મૃગેશભાઈ તમે અમ ને ” રિડ ગુજરાતિ ” દ્વવારા શેરડી નો રસ પિવડાવિ તેમા મસાલા નાખિ આપણા ગુજરાતિ સાહિત્યકારો નુ સાહિત્યનુ દ્શન કરાવિ શેરડી ના રસ કરતા પન મિઠા રસનુ પાન દરેક લેખ મા નવા વિસય સાથે કરવો .છો

 4. pragnaju says:

  સંત વિનોબા કહેતા કે ‘વર્તમાન સમયમાં વિજ્ઞાન અને સાહિત્ય બંનેની જરૂર છે. વિજ્ઞાન તમને ઝડપ આપશે અને સાહિત્ય તમને જીવનની દિશા આપશે. માત્ર એકલી ઝડપ હશે તો એ વિનાશનો માર્ગ નોંતરશે. ઝડપની સાથે તેની યોગ્ય દિશા હશે તો ગંતવ્ય સુધી સરળતાથી પહોંચી શકાશે.’આ ગહન જ્ઞાન સરળતાથી સમજાવવા બદલ મૃગેશને ધન્યવાદ

 5. sujata says:

  વ્યકિત નુ લખાણ ક્યારેક તો એના મૂળ સ્વ્ભાવ નુ દૅર્શનૃ ………………ઊત્ત્મ્………

 6. Rajan says:

  We, audience, belong to the category where we have good thoughts, but can not express effectively in notes.

  Nice article Mrugeshbhai…..keep it up….

 7. Jignesh says:

  જ્યાં રસ મીઠો હોય અને તે પીવડાવનાર વ્યક્તિનું જીવન પણ મીઠાશથી ભરપૂર હોય. તેની વાણી સાંભળતા એમ લાગે કે જણે બસ સાંભળ્યા જ કરીએ

  સાચી વાત છે મૃગેશભાઈ……..તમારી તો અમૃતરસની ગંગા છે, તમે વહાવો અને અમે હાથ પગ બોળીએ………….મજા અને આનંદ….

 8. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર રૂપક દ્વારા વર્ણવાયેલ સાહિત્યમાં જીવનદર્શન રુપી લેખ ને માણવાની મજા પડી. રસ મીઠો છે, રસવાળા પણ મજાના છે. વળી, અમે તૃષાતુર તો છીએ જ. તેથી વારંવાર રસ પીવા માટે આવ્યાં કરશું.

 9. Lata Hirani says:

  મનુભાઇ પઁચોળીએ કહ્યુઁ હતુઁ કે ચોવીસ કલાક દર્શક બની રહેવુઁ કઁઇ સહેલુઁ નથી..

 10. ભાવના શુક્લ says:

  શેરડીના રસની જેમ જ મૌલીક વિચાર રસ મનને શાતા આપી જાય છે.

 11. nayan panchal says:

  ખૂબ જ સરસ.

  પ્રિય લેખક તો વાચકના હીરો જેવા હોય છે, અને તેથી તેમની જવાબદારીઓ પણ વધી જાય છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.