એક અકેલા થક જાયેગા ? – જિતેન્દ્ર શાહ

ચાર-પાંચ દાયકા પહેલાંની આ વાત બિહારના ગયા જિલ્લાના દશરથ માંઝીની છે, દૂબળો-પાતળો ભૂમિહીન વીસ વર્ષનો તે ગરીબ ખેડૂત. તેનું નામ ગેહલોટ ઘાટી – ગયા જિલ્લાના પર્વતીય વિસ્તારમાં આવેલું. કોઈને ગામથી દૂર શહેરમાં જવું હોય, અરે ! પોતાના ખેતરમાં પણ જવું હોય તો ત્રણસો ફીટ ઊંચા ઘાટને – પહાડને પાર કરીને જ જઈ શકાતું અને આ કારણે જ ગામ ગેહલોટ – ગેહલોટ ઘાટી તરીકે જ પ્રસિદ્ધ હતું. આડે આવેલા પહાડને કારણે શહેરી સભ્યતા અને સંસ્કૃતિનાં ફળ ખાવાનાં કે ચાખવાનાં દૂર રહ્યાં, તેની સુગંધ માત્ર પણ ગહેલોટના ગ્રામજનોને દુર્લભ હતી – જાણે તેઓ સભ્ય સમાજથી દૂર ફેંકાઈ ગયા હતા !

દશરથની નસોમાં વહેતાં ગરમ ખૂનને આ વાત બિલકુલ મંજૂર નહોતી પરંતુ આ ‘ઘાટીલી’ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે આવી શકાય તેની આ જુવાન ખેડૂતને સમજ નહોતી પડતી.

એક પ્રભાતે દશરથની પત્ની વિજયા ઘાટને પેલે પાર કોઈના ખેતરમાં કામ કરતાં પતિને બપોરનું ભોજન આપવા નીકળી. ખડકાળ ધરતી પર ચાલવાને અનુભવી હોવા છતાં તેનો પગ લપસ્યો અને તે જમીન પર પટકાણી. ઠીકાઠીકનો માર લાગ્યો અને જીવનભરની અપંગતા તેણે વહોરી લીધી. હવે દશરથની કમાન છટકી. પત્નીની અપંગતા જોયા પછી તેને ઝાલ્યો રાખવો અશક્ય હતો. સરકારી સહાય મળે તો પણ ઠીક – ન મળે તો પણ ઠીક તેમ વિચારી તેણે પહાડમાંથી જાતે માર્ગ તૈયાર કરવાનું નક્કી કર્યું. પાસેના વઝીરગંજ શહેર સુધી પહોંચવા એકથી દોઢ કિલોમીટર લાંબો રસ્તો કોતરવો જરૂરી હતો. પહાડ કોતરવા માટે પહાડ જેવી જ દઢ નિર્ણયશક્તિ જરૂરી હતી અને સહુના સદભાગ્યે તે દશરથ પાસે હતી.

આ ‘મહાભારત’ કાર્યને પાર પાડવા માટે પહેલાં તો તેણે સરકારી સહાય મેળવવાનો વિચાર કર્યો પરંતુ અન્ય ગ્રામજનો જે રીતે આ જ કાર્ય પાર પાડવા સરકારી તુમારશાહીને ટલ્લે ચઢી ગયા હતા તેનો અનુભવ લીધા પછી તેણે તે સહાયનો વિચાર મગજમાંથી સાવ ખંખેરી નાખ્યો. આ કાર્ય સહુનું હતું – આ પહાડ જેવી મુશ્કેલી સહુની હતી એટલે સરકારી સહાય ન મળે તો પણ અન્ય ગેહલોટવાસી પોતાની વહારે આવશે જ તેવી શ્રદ્ધા તેના મનમાં ધરબાયેલી હતી. તેણે પોતાની યોજના ગ્રામજનોને સમજાવી અને મૃગજળ જેવી તે સહાયનો ખ્યાલ છોડી દેવાની આગ્રહભરી વિનંતી કરી.

પહાડ કોતરીને સરકારી સહાય વિના જાતે રસ્તો બનાવવાની દશરથની યોજના સાંભળીને ગ્રામવાસીઓ હસી-હસીને બેવડા વળી ગયા. ગામના કહેવાતા શાણા માણસોને લાગ્યું કે, ‘આ માણસ પર પાગલપનનો હુમલો આવ્યો હતો ! ‘એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’ નો સંદેશ ગામના લોકો સુધી પહોંચ્યો નથી તેની ખાતરી થતાં તેણે એકલાએ જ આ ‘મહાભારત’ કાર્યને પાર પાડવાનું નક્કી કર્યું. નિર્ણય લેવો એક વાત છે અને તેનો અમલ કરવો તદ્દન જુદી વાત છે. ગ્રામજનોનો સહકાર ન મળ્યો તે ઓછું દુ:ખદ હોય તેમ દશરથની પત્ની અને તેના નિકટના કુટુંબીજનોએ પણ તેની યોજનાનો જબરદસ્ત વિરોધ કર્યો.

તે સંયુક્ત કુટુંબમાં રહેતો હોવાથી પોતાની અથવા પત્ની-બાળકીની ખાધા-ખોરાકીનો તો કોઈ પ્રશ્ન ઊભો નહોતો થતો પણ પહાડ તોડવા માટે જોઈતી હથોડીઓ-છીણી તથા દોરડાં જેવાં કંઈ કેટલાં સાધનો લાવવા ક્યાંથી ? તે પ્રશ્ન ઊભો થયો. ‘where there is will, there is a way’ પ્રમાણે તેણે પોતાની પાસેના થોડાં ઘેટાબકરાઓને બજારમાં વેચીને જરૂરી સાધનો વસાવી લીધાં. પોતાનું ઘર છોડીને પહાડની તળેટીમાં એક ઝૂંપડી તૈયાર કરી લીધી જેથી પહાડ તોડવાનું કામ રાત અને દિવસ ચાલુ રહે. કોઈ દિવ્ય હસ્તીએ જાણે તેનો કબજો લીધો હોય તેમ તેણે હિંમતભેર પહાડને કોતરવાનું શરૂ કરી દીધું. તે કહે છે : ‘ઘણી વાર હું ખાવા-પીવાનું પણ વીસરી જતો અને મારા કાર્યમાં જ રચ્યોપચ્યો રહેતો !’

ઈ.સ. 1960માં તેણે પહાડ તોડવાનો પ્રારંભ કર્યો. સમયની કોઈ પણ પાબંદી સ્વીકાર્યા સિવાય તે રાત-દિવસ પોતાના અભિયાનને વળગી રહ્યો. એક-બે-ત્રણ નહીં પરંતુ જીવનમાં કીમતી એવાં દસ વર્ષો સુધી તે એકલો-અટૂલો ઝઝૂમતો રહ્યો. બસ ઝઝૂમતો રહ્યો. દસ વર્ષ બાદ પહાડમાંથી રસ્તો નીકળવાની શરૂઆત થતાં જ લોકોને તેના અભિયાનમાં રસ પડવા લાગ્યો. પોતાની સ્મૃતિઓને સંકોરતા તે કહે છે : ‘મને પાગલ માનતા લોકો પણ હવે મારું કાર્ય જોવા આવવા લાગ્યા. કેટલાકે તો રીતસર મારા કાર્યમાં મને તન-મન-ધનથી મદદ આપવી શરૂ કરી.’ બાવીસ વર્ષોની આકરી અને શરીરને નિચોવી નાખતી મહેનત પછી 1982માં તેણે સોળ ફીટ પહોળો માર્ગ તૈયાર કર્યો. જેને કારણે પહાડ કોરીને માર્ગ તૈયાર કરવાની પ્રેરણા તેને મળી હતી તે પત્ની વિજયા – જડ પર ચેતનાનો, દેહ પર આત્માનો – આ વિજય જોવા હાજર ન હતી. રસ્તો તૈયાર થયો ન હતો ત્યારે યોગ્ય-સમયસરની સારવારના અભાવે તેણે દમ તોડી દીધો હતો.

દોઢ કિલોમીટર લાંબો રસ્તો પાર કરીને તે પહેલી વાર પહાડને બીજે છેડે ગયો ત્યારે ગ્રામવાસીઓએ ફળો-ફૂલોથી તેનું શાનદાર સ્વાગત કર્યું. એક ગ્રામજન રામાવતાર યાદવના શબ્દો સાંભળવા જેવા છે : ‘પહાડને તોડતા માણસની વાર્તાઓ અમે પુસ્તકોમાં વાંચી હતી – આજે અમે તેવા માણસને સદેહે આંખો ભરીને જોઈ રહ્યા છીએ.’ તે સમયના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવે તેની કદર કરી દશરથને પાંચ એકર જમીનની ભેટ આપી અને હાલના મુખ્ય પ્રધાન નીતિશકુમારે તેને વચન આપ્યું છે કે તારો કોતરેલો રસ્તો હવે સરકારી મદદથી મોટરકાર પણ હસતાં-રમતાં પસાર થઈ શકે તેટલો પહોળો અવશ્ય થશે ! સાતમા દાયકામાં પ્રવેશ કરતો દશરથ મુખ્ય પ્રધાને આપેલ વચન ખરેખર કાર્યમાં પરિણમે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે !

આ કથા સત્યઘટનાત્મક છે તે કહેવાની જરૂર ખરી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહિત્યમાં જીવનદર્શન – મૃગેશ શાહ
પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત Next »   

17 પ્રતિભાવો : એક અકેલા થક જાયેગા ? – જિતેન્દ્ર શાહ

 1. gopal parekh says:

  દશરથના કર્મયોગને શત શત વઁદન

 2. અતુલ જાની (આગંતુક) says:

  સામાન્ય રીતે કોઈ પણ નવા વિચારને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે.
  ૧. ઊપહાસ ૨. વિરોધ ૩. સ્વિકાર

  જે પત્નિની મુશ્કેલીમાંથી પ્રેરણા લઈને દશરથદાદાએ રસ્તો કંડારવાનો નિર્ણય કર્યો તે પત્નિએ તેને સહકાર ન આપ્યો અને બે દાયકાથી પણ વધારે વખત ચાલેલા આ મહાઆભિયાનની સફળતા જોવા મળે તે પહેલા જ આ ધરાધામમાંથી વિદાય લીધી.

  કદાચ નીચેનું મુક્તક આવા કોઈક મહામાનવને સંબોધીને જ કહેવાયું હશેઃ
  “અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો”

 3. meghna says:

  Realy nice story.

  i really liked this sentance “WHERE THERE IS WILL THERE IS A WAY”

 4. Jatin Gandhi says:

  ‘ઘણી વાર હું ખાવા-પીવાનું પણ વીસરી જતો અને મારા કાર્યમાં જ રચ્યોપચ્યો રહેતો !’
  – જે લોકો કઇક કરિ બતાવે છે તેઓ આવા જ હોય છે. થોમસ આલ્વા એડીસન વિશે પણ એવુ પણ કેહવઇ છે કે તે પણ કામ મા આવિ જ રિતે તલ્લિન થઇ જતો.

 5. Vaishali says:

  આ માર્ગ નુ નામ દશરથ માર્ગ કે દશરથ કેનાલ રાખવામા આવે તો સારુ. આ માનસ ને હ્જી મોટુ સમ્માન મલ્વુ જોઇયે.

 6. Shreyas says:

  ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી વાર્તા છે.

 7. Tejas says:

  Unfortunately the ‘Mountain Man’ died suffering from cancer of gall bladder at the age of 80.

  He was given a state burial by the Government of Bihar.

  Please have a look at his story and photo at

  http://coolbihari.blogspot.com/2007/08/tribute-to-dashrath-manjhi.html

 8. A real hero… Man’s man…

 9. i like this stoy .
  very good meaning ful story.

 10. piyush patel says:

  ખૂબ સુંદર મનનીય લેખ. આભાર.

 11. sarang shah says:

  very nice and useful article. thank you.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.