પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર.]

કુમુદે પ્રવીણ સાથે લગ્ન કર્યાં હતાં પણ કોને ખબર કેમ પ્રવીણ એને ગમતો નહોતો. કદાચ એ પોતાની જાતને પ્રવીણ કરતાં ખૂબ ચડિયાતી માનતી હતી. પ્રવીણને જોઈને એ હરખાતી નહીં. એની સામે જોઈને હસતી નહીં. એની સાથે હોંશથી વાત કરતી નહીં. જાણે એને વરની જરૂર જ નથી. વર એના જીવનમાં વણનોતર્યો આવી ચડ્યો છે. એ પોતાનામાં મસ્ત રહેતી.

પત્નીનું અતડાપણું પ્રવીણને બેચેન બનાવી મૂકતું. પત્નીનું દિલ જીતવા એ જાતજાતની ભેટ લઈ આવતો પણ કુમુદ ભેટ પર એક નજરે નાખ્યા વગર બાજુ પર મૂકી દેતી. ધડકતા હૈયે અચકાતાં અચકાતાં પ્રવીણ કહેતો, ‘ખોલીને જો તો ખરી, અંદર શું છે ?’
‘મારે જોઈતી ચીજ હું મારી મેળે ખરીદી શકું છું.’ ભાવહીન સૂરે કુમુદ બોલતી.
‘આ ચીજ માત્ર તારે ખપમાં આવે એટલે નથી આપી, આ તો પ્રેમના પ્રતીક તરીકે હું આપું છું.’ પ્રવીણ કહેતો.
‘તો એ હું તમને સાભાર પરત કરું છું.’ લાગણીહીન, નિર્જીવ સૂરે કુમુદ કહેતી.
‘માત્ર આભાર જ ? સાથે પ્રેમ નહીં ?’ સંવાદ લંબાવતાં આતુર પ્રવીણ સ્નિગ્ધ કંઠે પૂછતો. એ કોઈ પણ રીતે નવોઢા પત્નીનું દિલ જીતવા માગતો હતો. કુમુદે કરેલી અવગણના લક્ષમાં ન લેતો.
‘આભાર તો વિવેક ખાતર કહેવું પડે એટલે કહ્યું, પરંતુ એનાથી વધારે મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો.’ ધડ કરતું કુમુદે કહ્યું. જાણે પ્રવીણ સાથે એને કોઈ સંબંધ જ નથી.

લગ્ન પહેલાં પ્રવીણ કુમુદના રૂપ પર મુગ્ધ થયેલો હતો, પણ ઓ રે ! આવા સુંદર મુખમાં આવી કડવી વાણી ? આઘાત પામીને પ્રવીણ જતો રહ્યો. થોડા દિવસ પછી પ્રવીણને શુંય ઉમળકો આવ્યો કે કુમુદને પૂછ્યું :
‘આપણે પિકનિક પર જઈશું ? મારો મિત્ર ભાવેશ ને રૂમાભાભી પણ આવશે.’
‘નિશાળનાં છોકરાં પિકનિક પર જાય, આવડા મોટા ઢગા નહીં.’
‘તું કહેતી હોય તો આબુ જવાનું ગોઠવીએ.’ પ્રવીણ કુમુદને ખુશ કરવા તત્પર હતો.
‘મિત્રોનો સંઘ લઈને આબુ જવાનું ?’ કુમુદે પૂછ્યું.
‘ના રે, આપણે બે એકલાં જઈશું. બોલ, આવતા અઠવાડિયે જઈશું ?’ ઉત્સાહથી પ્રવીણે પૂછ્યું.
‘ના, આવતા વીકમાં તો મારી ફ્રેન્ડની બર્થ ડે છે.’
‘તો તું કહે, ક્યારે જઈશું ?’ આટલી વાતચીતથી પ્રવીણમાં આશાનો સંચાર થયો હતો.
‘આબુ ગયેલાં જ છીએ ને !’ બગાસાં ખાતાં કુમુદ બોલી, ‘હું તો આબુ છપ્પન વાર જઈ આવી છું.’ કુમુદનાં એ વેણમાં જાણે ચાબખાનો માર હતો. પ્રવીણ સ્વમાની હતો. એક જ ઝાટકે એણે એનું મન કુમુદ તરફથી વાળી લીધું. પહેલાં એ કુંવારો હતો ને જે રીતે એ જીવતો હતો એ રીતે એણે જીવવા માંડ્યું. પુસ્તકોની દુનિયામાં પોતાને ખૂંપાડી દીધો. હવે એ કુમુદ સામે જોતો જ નથી. જો કે કુમુદને ય એની પરવા નથી. એના તાનમાં એ મસ્ત છે.

પ્રવીણ એકલો પડી રહે એમાં જાણે એને ખુશી થાય છે. પરંતુ પ્રવીણના કપાળે એકલતાનો અભિશાપ નહીં લખાયો હોય તે એને એક દિવસ લાઈબ્રેરીમાં વિનિતાનો પરિચય થયો. વિનિતા પરિણીત છે. એનો પતિ વકીલ છે. એ આખો દિવસ એની વકીલાત, કોર્ટ અને અસીલમાં જ ડૂબેલો રહે છે. વિનિતા મનમાં અફસોસ કરતી કે શું આવી રીતે જીવવા મેં લગ્ન કર્યાં છે ! કુંવારી હતી ત્યારે કેવી મસ્ત જિંદગી હતી ! અત્યારે તો સાવ સૂની સૂની જિંદગી. ત્યાં એને પ્રવીણનો પરિચય થયો.

બેઉને જિંદગીનો પ્રથમ પ્રેમ મળ્યો હોય એમ બેઉ મહોરી ઊઠ્યાં. પોતાના જીવનસાથી સાથે બેવફાઈ કરે છે એવો અપરાધભાવેય ન અનુભવ્યો કારણ કે બેઉનાં જીવનસાથી એમની તરફ બેદરકાર હતાં. બેઉમાંથી એકેને કોઈ ભૌતિક ચીજવસ્તુની અપેક્ષા ન હતી, માત્ર પ્રેમ આપવો હતો ને પ્રેમ પામવો હતો, હૃદય ભરીને પ્રેમ કરવો હતો. પ્રવીણ બોલે ત્યારે વિનિતા એકાગ્રચિત્તે, સમગ્ર અસ્તિત્વથી એની વાત સાંભળતી અને વિનિતા બોલે ત્યારે પ્રવીણ પણ એકચિત્તે એનો શબ્દે શબ્દ આત્મસાત્ કરતો. વાતો કરવામાં એમને ત્રણે ભુવનનું સુખ લાગતું. એમના પ્રેમમાં કોઈ કામના નથી, મલિનતા નથી; નિષ્પાપ પ્રેમ છે. આ પ્રેમે બેઉનાં હૈયાં સભર બનાવ્યાં, જીવનમાં રંગ-રસ આવ્યાં. હવે બેઉ પ્રસન્ન રહે છે.

કુમુદે પતિમાં આ ફેરફાર જોયો ને ચમકી. આને એવો તો ક્યો અમૃતકુંભ લાધ્યો છે કે હવે મારી સામે જોતોય નથી ! મારા વગર હિજરાતો નથી ને પ્રસન્ન રહે છે ! આજ સુધી જે પતિને કુમુદ ધૂત્કારતી હતી એને બીજી સ્ત્રીએ અપનાવી લીધો છે. પતિ બીજી સ્ત્રીનો થઈ ગયો આ જાણીને કુમુદ ઈર્ષાથી સળગી ઊઠી. પોતે પ્રવીણને સાચવે નહીં, ગણકારે નહીં, ધ્યાન ન આપે તોપણ એની પર સંપૂર્ણ હક એનો જ રહેવો જોઈએ. એ બીજા કોઈનો ન થવો જોઈએ, એવું એ દઢપણે ઈચ્છતી હતી.

પતિને બીજા પાસે જતો રોકવા એ જાતજાતના નુસખા અજમાવવા માંડી, પણ હવે પ્રવીણને કુમુદ માટે કોઈ આકર્ષણ ન હતું. હવે એ રોક્યો રોકાય એમ ન હતો. એક સામાન્ય સર્વવિદિત સત્ય અને અનુભવ એ છે કે સાત ફેરા ફરવાથી સ્ત્રી-પુરુષ પતિ-પત્નીનો દરજ્જો મેળવે છે, પરંતુ પ્રેમ પામવા તો પોતાની જાતને અન્યમાં ઓગાળી દેવી પડે.

કુમુદે પહેલાં અક્કડ રહી પતિના પ્રેમનો પ્રતિભાવ ન આપ્યો. એના મધુર આમંત્રણનો કોઈ સ્વીકાર ન કર્યો. પ્રતિઘોષ ના આપ્યો. પતિ એના સંગ માટે ઝૂરતો હતો ત્યારે એ દૂર રહી અને હવે એ ઝનૂનમાં આવી ગઈ છે. ગઈકાલે જે એનું હતું એ આજે પણ કાયદેસર તો એનું જ છે, પણ એની સાચી સ્વામિની બીજી બાઈ વિનિતા છે અને કુમુદ વંચિતા નારીની જેમ પસ્તાવાની આગમાં જલ્યા કરે છે. ઈર્ષામાં બળ્યા કરે છે. પોતે ભૂલ કરી હવે પસ્તાય છે. પરિણીત સ્ત્રી કે પુરુષે સમજવું જોઈએ કે સાથીદાર પ્રેમનો પોકાર પાડે ત્યારે એને જવાબ આપવો જ જોઈએ. જો એક સાથી બેદરકાર રહે તો દામ્પત્યજીવન ખંડિત થઈ જાય છે. એક વાર મન તૂટે પછી સંધાતું નથી.

પ્રેમ સાતત્ય અનુભવે, સદા ચેતનવંતો કે જીવંત રહેશે એમ ઈચ્છતાં હો તો ભાવનાઓનું જતન કરો. પ્રથમ ક્ષણથી પ્રિયજનની ભાવનાને માન આપો. સુખનો આધાર માલમિલકત, સત્તા પ્રતિષ્ઠા પર નહીં પણ આપણે જેમને ચાહતાં ને સન્માનતાં હોઈએ એમની સાથેના સંબંધ પર રહે છે. એ સંબંધમાં મજાક ન ચાલે, અવહેલના કે અવગણના ન ચાલે. પ્રેમ માગે છે નિષ્ઠા.

[કુલ પાન : 174. કિંમત. 110. પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક અકેલા થક જાયેગા ? – જિતેન્દ્ર શાહ
બે આંખો – વ્રજેશ આર. વાળંદ Next »   

20 પ્રતિભાવો : પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત

 1. Jignesh says:

  સરસ…..જીવન રસ્તો શોધી જ લે છે……અને પ્રેમ પણ

  પણ પ્રેમ નો જવાબ પ્રેમથી મેળવવા ધીરજ જોઈએ….

  આ લેખ મને ગમ્યો…

 2. Bhajman Nanavaty says:

  પતિને પ્ત્ની પ્રત્યે સાચો પ્રેમ હોય તો અતડાપણાનું કારણ ન શોધવું જોઇએ ? આ તો પરસ્ત્રીગમનનું સહેલું બહાનુ મળી ગયું !ં સુખી દામ્પત્યજીવન નો પાયો પરસ્પરનો વિશ્વાસ છે. પ્રેમ માગે છે નિષ્ઠા.

 3. Meera says:

  I really appreciate all the articles from Mrs Avantika Gunvant. She has the precise art of articulating day today topics of marietal life. But, in this article I have different prospective.
  I agree with Mr Nanavati. આ તો એક બહાનુ જ થયુ. લગ્નજિવન મા એક વાર્ મા હતાશ ન થૈ જવાય.

  Nevertheless, Nice story from one of my favourite authors.

 4. pragnaju says:

  “પ્રેમ સાતત્ય અનુભવે, સદા ચેતનવંતો કે જીવંત રહેશે એમ ઈચ્છતાં હો તો ભાવનાઓનું જતન કરો.પ્રેમ માગે છે નિષ્ઠા.”સરસ િવચારની સરસ રજુઆત.
  જો કે પ્રેમ તો શરતી નથી હોતો.તેમાં ઈર્ષા નથી હોતી.કોઈ બીજી સ્ર્તી પોતના પિતને ચાહે તો તે વીચારે છે કે બીજાના પ્રેમાસ્પદ તે તેનો પિત છે! આ પ્રેમની વાત છે…
  સાંસારીક સબંધો નીભાવવાની વાત તે ‘પ્રેમ’ નથી

 5. અતુલ જાની (આગંતુક) says:

  જો આપણે ગાય, કુતરા વગેરે પ્રાણીઓને પણ અવગણીએ તો તે બીજી જગ્યાએ ચાલ્યાં જાય છે અને જો પ્રેમથી બોલાવીએ તો જીવનભર આપણી સાથે પ્રેમ-પુર્ણ વ્યવહાર કરે છે. તો પછી માણસજાત અવહેલના ક્યાં સુધી સહન કરી શકે? અને પોતાનું પ્રિયજન અથવા તો સહજીવન યાત્રાનો ભાગીદાર જો અવહેલના ચાલુ રાખે તો તે હરગિઝ સ્વિકાર્ય નથી બનતું. હા તેના ઉપાય તરીકે માણસ કોઈ બીજી વાતમાં મન પરોવે છે પણ અંદરથી તો તે ઘણો જ રોષ અનુભવે છે. માનવજાત કદાચ અછતમાં ચલાવી લઈ શકે, છત વગર પણ ચલાવી લઈ શકે પરંતુ પ્રેમ વગર તો મુરજાઈ જ જાય.

 6. saurabh desai says:

  Very good story.. I think it is 2nd story from this book. Both are very fine and author has described it in very well manner.

 7. HETAL kOTAK says:

  nice article.. spouse should be responsible to give love.

 8. rita saujani says:

  I agree with Mr Nanavaty

  A Hindu Marriage is for life but If that does not work out then one need to go through Divorce before going for another partner.

  There is no need to find a fault with woman only.

 9. અતુલ જાની (આગંતુક) says:

  અહીં સ્ત્રીનો કે પુરુષનો દોષ જોવાની વાત નથી પરંતું જો પ્રેમનો યોગ્ય જવાબ ન મળે તો માનવી અન્ય સ્થળે પ્રેમ શોધે છે અને જ્યાંથી તે મળે તે તરફ ઢળી જાય છે. એવું પણ નથી કે પત્નિ તરફથી પ્રેમ ન મળે તો તે અન્ય સ્ત્રી તરફ જ આકર્ષાય તે કોઈ મિત્ર સાથે સંસ્થા સાથે કે અન્ય મનગમતા વિષયો સાથે જોડાઈ જાય છે. તેવી જ રીતે પત્નિને પણ જો પતિ તરફથી પુરતો પ્રેમ ન મળે તો તે પણ અન્ય બાબતો તરફ ઢળી જાય છે કે જ્યાંથી તેને લાગણી કે હુંફ મળે પછી તે કોઈ અન્ય પુરુષ જ હોય તેવું જરુરી નથી. તેની માતા, બહેન , સખી કે અન્ય રસના વિષયો પણ હોઈ શકે.

  ટુંકમાં પ્રેમનો જો પુરતો પ્રતિસાદ મળે તો તે મહોરી ઊઠે છે નહીં તો તે અન્ય સ્થળે પ્રેમનો પ્રતિસાદ શોધે છે.

 10. Hiral Thaker "Vasantiful" says:

  Really very true…!

 11. Rajni Gohil says:

  It is human nature that nobody can bear ignorance. If we do not pay attention, newborn will cry, kids will scream and cry and adult will become angry. Some people may not express anger outside by words or action but they are angry inside and will take revenge when they get chance. Opportunity never get lost, if you loose it, somebody will have it.

  Marriage is an empty box, it remains empty unless we put more than we take. Love is the only law of life. If we think of ourselves only, this nice story shows us the result. If we do not learn from stories like this then our sweet life may go sour.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.