- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સફળયાત્રા – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]

એક ભાઈએ પત્ર લખ્યો છે. એમણે એક સવાલ કર્યો છે. તેઓ લખે છે : ‘મોટા માણસોની વાત સૌ કોઈ કરે, મોટા માણસો વિષે આપણને જાણવા-સમજવાનું પણ ગમે, પણ ખરેખર મોટા માણસોની સંખ્યા કોઈ પણ સમયે કેટલી હોઈ શકે ? બહુ મોટા મોટા અને ઠીક ઠીક મોટા એવા માણસોને બાદ કરો તો બાકીના અસંખ્ય સામાન્ય લોકોનું શું ? આવા સામાન્ય લોકોની જિંદગી કંટાળાજનક કિતાબ જેવી હોય છે. જન્મ, લગ્ન અને મૃત્યુના ત્રણ મુખ્ય બનાવો અને બાકીનું પણ બધું તદ્દન સામાન્ય. આવો વિચાર કરીએ ત્યારે પામરતાની – અલ્પતાની એક તીવ્ર લાગણી પેદા થાય છે. સામાન્ય માણસને વાજબી રીતે એમ લાગે છે કે આ પૃથ્વી પર આપણી જિંદગી એક ફોગટના ફેરા જેવી છે. કોઈકે મજાક કરીને આપણને આ ખોટો ધક્કો ખવરાવ્યો છે. આપણે કોઈની મજાક કરવા માગતા હોઈએ ત્યારે તેને કહીએ કે જા, પેલી જગાએ અમુક કિંમતની વસ્તુ દાટેલી છે. પેલો માણસ ત્યાં જાય અને કોઈ દાટેલી વસ્તુ તો ન મળે પણ તેને ઠેર ઠેર જાતજાતના ખાલી ખાડાઓ જ જોવા મળે ! મોટાભાગે સામાન્ય માણસની જિંદગી આવી ખાલી ખોજ બની રહેતી હોય છે, ખરી વાત કે નહીં ?’

અલબત્ત, આવી લાગણી કોઈ પણ માણસને સંભવી શકે છે, પણ ખરી વાત આ નથી. એક સામાન્ય માણસની જિંદગી કંટાળાજનક કિતાબ જ બની રહે તેવું અનિવાર્ય નથી. આપણે જેને મહાન માણસ તરીકે પિછાનીએ છીએ, અગર અમુક માણસના અમુક કાર્યને મહાન કાર્ય કહીએ છીએ ત્યારે પાયાની એક હકીકત યાદ રાખવાનું ભૂલી જઈએ છીએ કે કોઈ પણ માણસે ‘મહાન’ ના દરજ્જા સાથે જિંદગી શરૂ કરી હોતી નથી અને કોઈ પણ માણસે જ્યારે ‘મહાન’ કાર્ય કર્યું છે, ત્યારે તેણે પોતાનું આ કાર્ય મહાન પુરવાર થશે જ તેવી ખાતરી સાથે તે કર્યું નથી. આવી ખાતરી કોઈને મળી હોતી જ નથી. અલબત્ત, તેને એવી શ્રદ્ધા હોય છે કે પોતે જે કામ કરી રહ્યો છે તેમાંથી કશુંક મહત્વનું કે મૂલ્યવાન નીપજી શકે છે. માણસ ગમે તેવા મોટા મહેલમાં જન્મ્યો હોય કે માણસ લક્ષ્મીની છોળો વચ્ચે ઊછર્યો હોય તેની જિંદગીની કોઈ પણ શાખા કે કોઈ પણ ફૂલ કે પર્ણનો કોઈ જ વીમો ઊતરી શકતો નથી. એટલે કે દરેક માણસની મર્યાદાઓ બીજા કોઈ પણ માણસ જેટલી જ હોય છે અને એવી જ રીતે દરેક માણસના વિકાસની શક્યતાઓ પણ બીજા કોઈ માણસ જેટલી જ હોય છે. એવું બન્યું કે કેટલાક માણસોએ પોતાની શક્યતાઓના ખાતામાં એવો સંગીન હિસાબ રજૂ કર્યો છે કે આપણને તેમની મર્યાદાઓનું ખાનું જોઈને તાજુબી થાય ! આટઆટલી મર્યાદાઓ છતાં આ માણસે પોતાની આટલી બધી વિશેષતાઓ પ્રગટ શી રીતે કરી હશે તેનું જ આપણને આશ્ચર્ય થાય.

માણસ ગમે તેટલો સામાન્ય હોય, તે પોતાની જાત માટે અસામાન્ય જ છે અને જે સામાન્ય માણસ પોતાની આ અસામાન્યતાની પૂરી કદર કરીને તેને સિદ્ધ કરવા મથે છે તે માણસ પોતાનું જીવન એક સફળ યાત્રામાં પલટાવી શકે છે. તેને કોઈને કીર્તિ, નામના કે માનચાંદ મળે કે નામ મળે, તેની કોટિ બદલાઈ જાય છે. તે એક ખાસ કક્ષમાં દાખલ થઈ જાય છે. એક સામાન્ય માણસ ગમે તેવાં બંધનો વચ્ચે પણ પોતાની અંગત જીવનની આરઝી હકૂમત સ્થાપી શકે છે. આ આઝાદ હકૂમતના કર્તાહર્તા તરીકે તે જે કંઈ કરે, જે કંઈ વિચારે, જે કંઈ અનુભવે તેમાં તે પોતાનો ઊંચો નાદ પ્રગટ કરી શકે છે. આવી રીતે માત્ર પોતાના ‘ઘેરા રંગ’ ને કારણે જ કેટલા બધા સામાન્ય માણસોનાં નામ લોકવાયકામાં, સાહિત્યમાં કે ઈતિહાસમાં ગૂંથાઈ ગયાં છે ! કોઈક સામાન્ય માણસે એવો પ્રેમ કર્યો કે તે પ્રેમની એક અમરકથાનો નાયક બની ગયો ! કોઈક માણસે એવી દોસ્તી બાંધી કે દોસ્તી એક દષ્ટાંત બની ગઈ. કોઈ માણસે પોતાના સાથીદાર પ્રત્યે એવી વફાદારી બતાવી કે એ અસામાન્ય વફાદારીને કારણે જે એ માણસનો એક સિક્કો પડી ગયો. કોઈકે અસામાન્ય માતૃભક્તિ દ્વારા, કોઈકે અસાધારણ ભ્રાતૃપ્રેમ દ્વારા, કોઈકે અનન્ય બલિદાનવૃત્તિ દ્વારા, કરુણા કે દાનવૃત્તિ દ્વારા આવું ચરિત્ર નિપજાવ્યું છે. કોઈકે પોતાના હૈયાની ખુશી માટે ગમે તે ભોગ આપવાનું કે ગમે તેવું કઠિન સાહસ ખેડવાનું પસંદ કર્યું અને તેની જિંદગીમાં હૃદયની શોભા ફેલાઈ ગઈ. કોઈકે વળી ધરતીના કોઈ ખૂણાની, સાગરના કોઈ તળિયાની, આકાશના કોઈક કૂંડાળાની ખોજમાં પોતાની જિંદગીને કામે લગાડી, અને તેની જિંદગીનું પાત્ર છલકાઈ ગયું ! આવી રીતે કોઈકે પુરાતત્વમાં, કોઈકે ઈતિહાસમાં, કોઈકે સાહિત્યમાં કે કોઈકે ધર્મ અગર તત્વજ્ઞાનમાં પોતાનું જીવનવસ્ત્ર ઝબોળીને જ્યારે તેને બરાબર રંગ-તરબોળ કર્યું છે ત્યારે તેને પોતાનું સાવ અસામાન્ય વસ્ત્ર પણ બદલાઈને કોઈક ઊંચી જાતના કાપડમાં પલટાઈ ગયેલું પ્રતીત થયું છે.

માણસની જિંદગી એટલે ખરેખર શું ? બહુ જ લાંબો પટ એટલે ખરી જિંદગી ? બહુ જ પહોળો પટ એટલે શું સાચી જિંદગી ? માણસની જિંદગીમાં બેસુમાર બનાવો, તરેહતરેહના પ્રસંગો, એકદમ ચીલઝડપ એટલે શું ‘સમૃદ્ધ’ જિંદગી ? મોટો કારોબાર અને મોટી મિલકત એટલે શું દળદાર જિંદગી ? આવું તો કોઈ કહી જ નહીં શકે, કેમ કે ઘણા માણસો નેવું કે એકસો વર્ષ જીવે છે અને આટલો લાંબો પટ પણ ખાલીખમ નદી જેવો જ નીવડે તેવું બને છે. કેટલાક માણસોએ પાંચ-દસ શહેરોમાં પોતાની જિંદગીનો પથારો કર્યો હોય તેવું બન્યું છે અને છતાં તેમાં તેમના વ્યક્તિત્વની કોઈ મોટી છત્રી ખૂલી નથી. એક ગુનેગારની જિંદગીમાં ભરચક પ્રસંગો હોઈ શકે છે અને એને એક નિરાંતના શ્વાસનું સુખ પણ નસીબ ના થાય તેવું બની શકે છે. જિંદગીમાં જાતજાતના મોટા કારોબાર ચલાવનારા કેટલાકના જીવનમાં નરી શુષ્ક્તા અને નીરસતા જ ભરી હોય તેવું બન્યું છે. મોટી મિલકતવાળાઓ મિલકતને જ જિવાડવા-ટકાવવા જતાં જાતે જીવવાનું ભૂલી ગયા હોય તેવું પણ બન્યું છે.

એટલે જેવું કિતાબના કદ અને વજનનું છે તેવું જ માણસની જિંદગીનું છે. કોઈક ચોપડી અસાધારણ કદની અને ભારે વજનદાર હોય અને તેની બાંધણી-પૂઠું મજબૂત હોય પણ અંદર કંઈ જ કસ ન હોય, એક ચોપડી નાનકડી હોય અને તેની અંદર ત્રણે કાળનું જ્ઞાન હોય ! દુનિયામાં આવી દૂબળી અને છતા પાણીદાર કિતાબ પણ છે અને માત્ર પસ્તીવાળાણું જ માન પામે તેવાં તગડાં ટીપણાં પણ છે. ચોપડી કેવડી મોટી કે કેવા કાગળ-છપાઈની છે તેની કિંમત નથી, તેની અંદર શું છે તેનું મૂલ્ય છે. માણસની જિંદગીનું પણ એવું જ છે.

કિતાબની અંદર શું છે તેમાં તેનો કસ છે. માણસની જિંદગીમાં તેણે શું કર્યું છે તેનો જ ખરો કસ છે. માણસ પોતાની જિંદગીની કિતાબ જાતે લખે છે. તેની કહાણીનું એક કિસ્મત હોઈ શકે છે. આ કિસ્મત તેના હાથની બાબત નથી હોતી તેવી દલીલ મંજૂર છે, પણ આ કહાણી તો તેણે જ લખવાની છે. આપણે બધા આપણી પોતપોતાની જિંદગીની કિતાબ લખવા બેઠા છીએ. કેટલાંક પાત્રો અને કેટલાંક પ્રસંગો આપણને બધાને સરખાં મળ્યાં છે. આ પ્રસંગને દરેક પોતપોતાની રીતે આલેખી શકે છે. દરેકની માવજત જુદી જુદી હોઈ શકે છે. કેટલાકે ઝેર પણ હસીને પીધું છે અને તેનું બયાન પણ એટલું જ હૃદયસ્પર્શી રીતે આલેખ્યું છે. બીજા કેટલાક સાધારણ દવાને પણ ઝેરની જેમ હોઠે ધરે છે. એટલે માણસની જિંદગીનો પ્લોટ વિધાતાએ ઘડ્યો હોય તોપણ તેની કથા તો તમારે જ લખવાની છે.

માણસ ભણેલો હોય કે અભણ હોય, તે શ્રીમંત હોય કે ગરીબ હોય, તે તંદુરસ્ત અને તાકાતવાન હોય કે બીમાર અને નિર્બળ હોય તેણે સ્વયં વિધાતા થવાનું જ છે. ભાગ્યના વિધાતા તરીકે ભગવાન કે ગ્રહો કે જેને માનવા હોય તેને માનજો પણ તમારી જાતનું ઘડતર તમે જાતે કરવાની જવાબદારી કબૂલ રાખો તે ખૂબ જરૂરી છે. તમે ગમે તેટલા નાના હશો, નમ્ર હશો, શાંત કે શરમાળ હશો પણ આ કામ તમારે જાતે જ માથે લેવું પડશે. તમે જ તમારા વ્યક્તિત્વના શિલ્પી છો. તમારે પથ્થરમાંથી તમારી મૂર્તિ બનાવવાની છે. તમારા મિત્રને આરસપહાણ મળ્યો છે. તમારા બંધુને સોનું કે ચાંદી મળી છે. આપણે બધાએ આપણને મળેલા આ કાચા માલમાંથી એક મૂર્તિને કંડારી કાઢવાની છે. એક માણસ પથ્થરમાંથી મહાન પ્રતિમાનું નિર્માણ કરશે. બીજો માણસ આરસ કે સોનામાંથી પણ કોઈ સાચી પ્રતિમા કંડારી નહીં શકે. એક શિલ્પવિધાન તરીકે તેની કોઈ કિંમત નહીં અંકાય.

તમારી જિંદગીનું બહારનું ખોળિયું એક ઝૂંપડી જેવું કે એક મહેલ જેવું હોઈ શકે છે. આ ખોળિયામાં વસનારો તમારો રામ ‘મોટો જીવ’ હોઈ શકે અગર ‘નાનું જંતુ’ હોઈ શકે. ઝૂંપડીમાં રહ્યા છતાં તમને સાચા માણસ અને મોટા માણસ ગણવામાં કોઈ વાંધો ન લે અને લાખો રૂપિયાના મહેલમાં રહેનારો એક કોડીની કિંમતનો ઠરે એવું બની શકે છે. તમારી કિંમત સુધારવા-વધારવાનું તમારા હાથમાં છે. તમારા સાચા મૂલ્યની આ વાત છે. બજારો બદલાતા રહે છે. લાચારી અને ગરજના ભાવતાલનું કોષ્ટક પણ નડતું હોય છે, પણ અહીં બજારભાવની કે બજારકિંમતની વાત નથી. માણસ પોતાની અસલ કિંમતમાં ઉત્તરોત્તર કંઈ ને કંઈ વધારો કરી શકે છે, કોઈ કહેશે કે આવી મૂલ્યવૃદ્ધિથી શું ? તમારા પોતાના વ્યક્તિત્વની વિકાસપોથીમાં ગમે તેટલું લખો પણ તેથી શું ? આવો સવાલ કરનારને આપણે કહીશું કે મૂળમાં રેડેલાં પાણી અને નાખેલા ખાતરની કિંમત છોડનાં પુષ્પો ને વૃક્ષની શિખરશાખાને પૂછશો તો તે સાચો જવાબ આપશે.