વિધાયક રીતે વિચારીએ – ડંકેશ ઓઝા

આપણને એવું માનવું ગમે છે કે અગાઉનો સમય બહુ સારો હતો અને હાલનો સમય ખૂબ ખરાબ છે. ભૂતકાળ વધુ સારો હતો, વર્તમાન બહુ ખરાબ છે અને પછીનો તર્ક તો કલ્પી શકાય એવો જ છે કે ભાવિ અંધકારમય છે. હવે, શાંત ચિત્તે આ બાબતે વિચાર કરીએ તો જણાશે કે આ તો અસ્વસ્થ થવાની પાકી દવા જ છે. વર્તમાન વિશે નકારાત્મક અભિગમ રાખીને કોઈ પેઢી સારું પ્રદાન કેવી રીતે કરી શકે ? તેમ છતાં, સમાજમાં આવું માનનારા જાણે બહુમતીમાં ન હોય એ રીતે આવી વાતો આપણને વારંવાર સાંભળવા મળે છે.

વ્યક્તિએ અને સમાજે સ્વસ્થ અને નિરામય રહેવું હોય તો કાચી પળે આ માનસિકતા ત્યજવાની જરૂર છે. આપણું માનસ જ જો સ્વસ્થ ન હોય તો આપણું સ્વાસ્થ્ય સારું કેવી રીતે રહેશે ? આપણે ભલે ગમે તેટલું કામ કરીએ પરંતુ મૂળમાં, પાયામાં પેલી માનસિકતા જ પડી રહી હશે તો પ્રયત્નોનું, પુરુષાર્થનું, પરિણામ સારું આવવાનો સંભવ નહીંવત્ છે. સૌથી પહેલી વાત નકારાત્મક વલણને છોડવાની છે. આ થશે તો તમને જીવવાની મજા આવશે. કુદરતના ખોળે તમને આનંદ મળશે અને તમારી આસપાસના લોકોમાં તમે એક આનંદી ઊર્જાનો સંચાર કરી શકશો. લોકો તમને બોલાવશે અને તમને લોકોને મળવું ગમશે.

રામાયણ અને મહાભારતનો કાળ જો સારો હોય તો આ ‘રામાયણ’ થઈ જ ન હોત કે આ ‘મહાભારત’ સર્જાયું જ ન હોત ! અંગ્રેજોનો શાસનકાળ સારો હોત તો આઝાદીની લડતનાં પગરણ મંડાયાં જ નહોત. ‘આજના ધોળિયાઓ કરતાં, પેલા ધોળી ચામડીવાળા સારા હતા’ એવું જ્યારે સાંભળીએ છીએ ત્યારે સમજાતું નથી કે આ લોકો કંઈ સમજી-વિચારીને બોલે છે ખરા કે ? બુદ્ધ અને મહાવીરનો કાળ પણ સારો હતો એવું કેવી રીતે માનવું ? બન્નેને અહિંસાનો ઉપદેશ આપવો પડ્યો તે જ તો બતાવે છે કે સમાજમાં કેટલી બધી હિંસા પ્રવર્તમાન હશે ! વળી, મહાવીર તપ કરતા હોય અને લોકો જંગલમાં જઈને પણ તેમને પરેશાન કરી આવે એવી કથા આપણે ભણ્યા છીએ. જો એકાંતમાં પણ કોઈને પોતાની ઈચ્છા મુજબની પ્રવૃત્તિ વિનાવિરોધે કરવા ન દે એવો સમાજ સારો તો કઈ રીતે કહેવાય ?

આ બધો કે આવો વિચાર કર્યા વિના જ આપણે માની બેસીએ છીએ કે આપણે ખરાબ સમયમાં છીએ અને અગાઉનો સમય સારો હતો. ગાલિબે એ મતલબનો શેર કર્યો છે કે આપણે જાતને ખરાબ કહી શકતા નથી, તેથી કહીએ છીએ કે જમાનો ખરાબ છે. રાજીવ ગાંધીએ ‘મેરા ભારત મહાન’ સૂત્રનો અતિપ્રચાર કરાવ્યો ત્યારે લોકો કહેતા હતા કે ‘સો મેં સે નિન્યાન્વે બેઈમાન, ફિર ભી મેરા ભારત મહાન’ આ નવ્વાણું એટલે બીજા બધા અને સોમો હું એકલો. હું એકલો સારો અને જગત આખું ખરાબ.

આજે તાલીમનું મહત્વ ખૂબ વધ્યું છે. સારામાં સારી તાલીમ આપનારા એ યુક્તિ પ્રયોજે છે કે, ‘આપણે જે કંઈ વાત કરી રહ્યા છીએ તે બહારના લોકોની છે. ખંડમાં બેઠેલા તો બધા જ, અપવાદ વિના, સારા જ છે.’ માણસને આવું સારું સારું સાંભળવું ગમતું હોય છે. કોઈ એને સારો કહે તો અસમાજિક તત્વ મનાતી વ્યક્તિને સુદ્ધાં ગમતું હોય છે. કેટલાક લોકો આવો વિધાયક પ્રયોગ કરતા હોય છે. પછી પેલું ‘અસામાજિક તત્વ’ ગામ આખાને પીડે છે પરંતુ જે વ્યક્તિએ તેને સારી માની છે ત્યાં તે પોતાની ઈમેજ સાબૂત રાખવા પ્રયત્નશીલ બને છે. પછી પેલા વિધાયક અભિગમવાળા છાતી કાઢીને કહી શકે છે કે ‘બીજા સાથે એ જે કરતો હોય તે પરંતુ અમને એનો ખરાબ અનુભવ નથી. અમારી સાથે તો તે સીધો જ ચાલે છે.’ અંગ્રેજીમાં એક અતિ જાણીતી ઉક્તિ છે : Improve yourself and one rascal man will lessen from the world’ તમારી જાતને સુધારો તો આ જગતમાંથી એક લફંગો તો ઓછો થઈ જ ગયો. માની લો કે જગત આખું તમે કહો છો તેટલું ખરાબ છે અને કદાચ તેથી વધુ ખરાબ છે. પરંતુ તેમાં તમે સુધરો તો એક તો ઓછો થઈ જ ગયો ને ! પરંતુ તે વખતે આપણી દલીલ એ હોય છે કે જગત પહેલાં સુધરે પછી હું સુધરું અથવા તે દિશામાં કંઈક વિચારું ! આ જ નકારાત્મકતા છે. Charity begins at home. શરૂઆત તો પોતાનાથી જ થવી જોઈએ ને ?

ગણિતમાં પણ બે ઓછાનો સરવાળો વત્તામાં થાય છે. નકારાત્મકતા કરતાં વિધેયાત્મકતા સારાં પરિણામો લાવી આપે છે. ‘તમે બધાં માટે જેટલું કરો છો, તેટલું બીજા તમારા માટે કરતાં નથી.’ આ વાક્ય સાંભળવું પ્રત્યેક વ્યક્તિને ગમતું હોય છે. જ્યોતિષીઓનો ધંધો જ આના પર ચાલે છે. આવું સાંભળીને સાંભળનાર વ્યક્તિ કહે છે કે જોશી બધું સાચું કહી દે છે. આપણા મનની વાત તે જાણી જાય છે વગેરે વગેરે… પરંતુ કોઈ જોશી તો શું પણ માનસશાસ્ત્રી પણ એવું કહેતો નથી કે, ‘ભાઈ, દોષ તારામાં જ છે. તું ક્યાં કોઈનું સારું ઈચ્છે છે કે કરે છે કે જેથી બીજા તારું ભલું ઈચ્છે કે કરે.’ આવી નકારાત્મક વાત, સાચી હોય તો પણ, કરવી એ વ્યાવસાયિક નીતિમત્તાથી વિરુદ્ધની વાત મનાઈ છે. તમે ગમે ત્યાં દષ્ટિપાત કરો, નકારાત્મક વાત કરવાની ક્યાંય સલાહ આપવામાં આવી નથી. હા, મૅનેજમેન્ટનો એક સિદ્ધાંત છે કે Don’t say ‘yes’ when you want to say ‘no’. પરંતુ એ તો તમને સ્પષ્ટવકતા બનવા અને ભવિષ્યની પળોજણમાંથી મુક્તિ મેળવવા માટેની શીખ આપનારો છે. એમાંય નકારાત્મક વલણની કોઈ વાત નથી.

અત્યાર સુધી બહુ નકારાત્મક ચાલ્યું. હવે જાગ્યા ત્યારથી સવાર કરીએ. કોઈ પણ વ્યક્તિ આપણે માટે ખરાબ પુરવાર ન થાય ત્યાં સુધી એને ખરાબ માનીને ચાલવાની શી જરૂર છે ? આપણે તો જેનો પરિચય સુદ્ધાં નથી, એને પણ ખરાબ માની લઈએ છીએ. કોઈને માટે ખરાબ વ્યક્તિ, આપણે માટે પણ ખરાબ થઈ જ જાય છે. ઘણી બધી વખત આપણી નકારાત્મક માનસિકતા આપણને એવા કળણમાં ફસાવી દે છે, અને પછી આપણે તેના એવા ભોગ બની જઈએ છીએ, કે મહામહેનતે પણ તેમાંથી ઊગરી શકતા નથી.

પહેલાં ‘ધૂમ્રપાન કરવાની મનાઈ છે’ એવાં સૂત્રો કે પાટિયાં લગાડેલાં જોવા મળતાં. અધિકારીઓની ઑફિસની બહાર લખાતું કે No admission, without permission. હવે હકારાત્મક અભિગમને કારણે નકાર સભાનપણે ટાળવાનો પ્રયત્ન થાય છે. ધૂમ્રપાન ન કરવા બદલ આભાર. Thank you, for not smoking. અથવા તો Admission with permission. આમાં વાત તો એની એ જ છે. પરંતુ સામેની વ્યક્તિને ગુનેગાર માનવાને બદલે પુખ્ત અને આદરપાત્ર માનીને તેની સાથે ઉદાહરણરૂપ વર્તન આચરવાનો પ્રયાસ આરંભાયો છે.

જગત સુધરી રહ્યું હોય ત્યારે આપણે પાછળ રહી જઈએ એ કેમ ચાલે ? આજના સમયમાં જે પર્યાવરણીય સભાનતા, માનવહકો અને વંચિતો પ્રત્યેની જવાબદારીની સભાનતા, ઘરેલુ હિંસાને ડામવા માટેની પ્રતિબદ્ધતા, વંચિતો-દલિતોને-મહિલાઓને જાહેર ક્ષેત્રમાં લાવવાની ચિંતા અને જોગવાઈઓ, પ્રાણીઓ અને સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેની સમસંવેદના, નકારાત્મક કે દોષાત્મક શબ્દાવલીઓ કે શબ્દસમૂહો ટાળવાની જાગ્રતિ જેવાં અનેક પાસાં એવાં છે જે કદાચ આજના સમયને વિકસિત અને જાગ્રત સાબિત કરવા પર્યાપ્ત છે. આ વૈચારિક માહોલ માત્રથી સંતુષ્ટ થઈ ન જવાની અને વધુ કાર્યશીલ બનવાની જરૂરત ભલે હોય પરંતુ તેથી કરીને આજનો સમય ખરાબ હોવાની વાતને બળ મળતું નથી. પ્રશ્નો વ્યાપક અને વિકટ બન્યા હોય તો સભાનતા, સંવેદના અને જાગ્રતિ જેવાં અનેક પાસાં એવાં છે જે કદાચ આજના સમયને વિકસિત અને જાગ્રત સાબિત કરવા પર્યાપ્ત છે. આ વૈચારિક માહોલ માત્રથી સંતુષ્ટ થઈ ન જવાની અને વધુ કાર્યશીલ બનવાની જરૂરત ભલે હોય પરંતુ તેથી કરીને આજનો સમય ખરાબ હોવાની વાતને બળ મળતું નથી. પ્રશ્નો વ્યાપક અને વિરાટ બન્યા હોય તો સભાનતા, સંવેદના અને જાગ્રતિ સુદ્ધાં વધ્યાં જ છે. આવા સારા માહોલમાં વિધાયક અભિગમવાળી વ્યક્તિઓ વધુ સારું પ્રદાન કરીને પોતાનું યોગદાન આપે તો તે યોગ્ય દિશાની પ્રગતિને પોષક જ નીવડવાનું છે એ નિ:શંક છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળયાત્રા – ભૂપત વડોદરિયા
મહિમા – નાથાલાલ દવે Next »   

19 પ્રતિભાવો : વિધાયક રીતે વિચારીએ – ડંકેશ ઓઝા

 1. Maharshi says:

  Thank you, for not smoking. અથવા તો Admission with permission.

  Wat gami…

 2. pragnaju says:

  ઘણીવાર પોઝીટીવ થીંકીંંગ અંગે ઉલ્લેખ થાય છે પણ ‘વિધાયક રીતે વિચારીએ’—
  આ સર્વાંગ સુંદર રીતે ઓછા સમજાવી શકે છે. આની વારંવાર યાદ અપાવવા જેવો િવચાર
  “પ્રશ્નો વ્યાપક અને વિરાટ બન્યા હોય તો સભાનતા, સંવેદના અને જાગ્રતિ સુદ્ધાં વધ્યાં જ છે. આવા સારા માહોલમાં વિધાયક અભિગમવાળી વ્યક્તિઓ વધુ સારું પ્રદાન કરીને પોતાનું યોગદાન આપે તો તે યોગ્ય દિશાની પ્રગતિને પોષક જ નીવડવાનું છે એ નિ:શંક છે.”

 3. કલ્પેશ says:

  થોડા ઘણા અંશે હુ માનુ છુ કે – “પહેલા બધુ સારુ હતુ”. એનુ એક ઉદાહરણ – ફિલ્મી સંગીત.
  પણ અગર ન્યાયથી વિચારુ તો આજે પણ સારા ગીત સાંભળવા મળે છે. કદાચ, રણમા પાણી મળી જાય એ રીતે.

  તો, ફરક એટલો છે કે સમય બદલાયો છે અને ગઇકાલ અને આજમા તફાવત કરવાથી કંઇ મળે તેમ નથી. આજમા પણ કંઈ સારુ છે જે હુ કદાચ પુર્વગ્રહને કારણે જોઇ શકતો નથી.

  ચાલો – જાગ્યા ત્યારથી સવાર અને “હુ સારો બનુ” એવી પ્રાર્થના.

 4. Amit Lambodar says:

  earlier 50Rs was enough for family of 5, today even 5000 is not enough, see how much more i spend today? earlier people were taking less medicine and today people live on medicine, how better? we have more medicine in our house? earlier there were less anti-social elements, now we have MORE, aren’t we progressing?

  We have everything or more 🙂

  The issue is not what is complain about weather it is better today than yesterday. The issue is….. people today don’t recognize “good” things of past and build on it. If you are building a house and you keep changing mason, every mason keeps digging foundation and want to raise thier own foundation, buidling can never be completed. It is required that the “weaker” sections of “old construction” are replaced with better and keep constructing on OLD founddation.

  MORAL: Sun was and is always shining; problem is with eyes!!

 5. gopal parekh says:

  બધું જ હંમેશા સારું કે ખરાબ હોતું નથી,જે સારુ છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો એજ શાણપણ છે.

 6. ૨૧ મિ સદિ હકારાત્મ્ક તર્ફ જે”thank you for not smoking”વાક્ય દ્વારા જોવા મલે આજ ના બાળકો નુ આયકયુ લેવલ પણ બદલા યુ છે, આજ નો યુગ કોમપ્યુટર ,ટેલિવિઝન ,કોમુનેકેસન થિ આગળ નિ કળી ગયો છે ,જે આપણા દેશ ને પણ દુનિયા સામે બહુ આગળ લાવ્યુ આજના યુગ થિ આપણૅ પણ દુનિયા ના સમાચાર ,”રિડ ગુજરાતિ ” વગેરે થિ સ્ંપ્ર્ગ મા રહિ એ છિએ ,વિધાયક તરિકે મને તો ૨૧ મિ સદિ ને સલામ કરવિ ગમે ,,, જુનુ એટલુ સોનુ વાત સાચિ પયાવરણ ને સાદુ જિવન વગેરે પણ સમય પ્રમાણે બદ લાવુ જોઇએ,,,,

 7. ભાવના શુક્લ says:

  સમયાંતરે “સારુ શુ છે” ના માપદંડો બદલાતાજ રહે છે. નવાબીબામા સ્વાભાવિક ઢળી જનારને દરેક વખતે કઈક સારુ હાથ ચડે બાકીના ગાયા કરે “અમારા સમયમા તો આમ હતુ ભાઈ…”

 8. Apeksha Hathi says:

  મુ ડંકેશ ભાઇ,

  આપનો લેખ ” વિધાયક રીતે વિચારીએ” માં નકારાત્મક સુચનો ને અર્થ બદલ્યા વગર હકારાત્મક બનાવવાથી કેટલી બધી વિધાયક અસરો થાય તેની સદ્રશ્ટાન્ત વાત આપે કરી.

  આપનો આભાર….

  Apeksha hathi…(Gandhinagar)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.