બે આંખો – વ્રજેશ આર. વાળંદ

‘સાહેબ, આપણે અહીં રોકાવું જ પડશે.’ ડ્રાઈવરે કારનું બોનેટ ઉઘાડી નિરીક્ષણ કરતાં કહ્યું, ‘ફોલ્ટ નથી પકડાતો. મિકેનિકને બોલાવવો પડશે !’
‘ચાલો પ્રોફેસર સાહેબ ! જરા પગ છૂટા કરી લઈએ !’ કારમાંથી બહાર નીકળી, આળસ મરડતાં, મારા સહ પ્રવાસી પ્રો. નરેન્દ્ર પટેલ બોલ્યા. હું સહેજ કચવાટ સાથે બહાર આવ્યો. ‘મિટિંગમાં મોડું તો નહીં પહોંચાય ને ! મનમાં ફડક પેઠી.

હું અને પ્રો. નરેન્દ્ર મોરબીથી સવારે સાત વાગે નીકળ્યા હતા. ભાષા-તજજ્ઞોની એક મિટિંગને સંબોધવા હું રાજકોટ જઈ રહ્યો હતો. અગિયાર વાગે તો ત્યાં અચૂક પહોંચી જવું પડે એમ હતું. ઘડિયાળમાં નજર કરી. સાડા આઠ થયા હતા. રાજકોટ વહેલા પહોંચાય તો એક સ્નેહીને અલપઝલપ મળી, મિટિંગમાં સમયસર ઉપસ્થિત થવાની યોજના હતી.

મોરબી મારું મોસાળ હતું. મારા તોફાની બાળપણે અનેક વેકશન આ મનોહર નગરીમાં ગાળેલાં. મોરબીની પડખે, રાજકોટ જતાં માર્ગમાં લજાઈ આવે. એ મારા વડવાઓનું મૂળ વતન. હજી મારા પિતરાઈ કાકા ત્યાં રહે છે. જ્યારે ત્યાં જાઉં ત્યારે નેહ-હેલીની ત્રમઝટ બોલાવે છે. આ વેળા સમયના અભાવે એમને મળ્યા વિના બારોબાર જઈ રહ્યો હતો એ મનમાં શૂળની જેમ ચૂભતું હતું. મામાના હેતનીય શી વાત કરવી ! એમનો નિર્ભેળ સ્નેહ આજે પાંત્રીસ વર્ષની ઉંમરેય મને મોરબી જવા વિવશ કરે છે. એમને નિરાંતે મળી શકાય એટલે એક દિવસ અગાઉ મોરબી આવી ગયો હતો. બીજે દિવસે સવારે પ્રો. નરેન્દ્ર સાથે એમની કારમાં જવા નીકળ્યો. જૂના મોડલની કારે અધવચ્ચે પોત પ્રકાશ્યું ‘આના કરતાં તો કાર લજઈ પાસે ખોટકાઈ હોત તો સારું થાત. કાકાને ઊભાઊભ મળી તો શકત !’ વિચારમાં ને વિચારમાં નરેન્દ્રભાઈથી હું સહેજ પાછળ રહી ગયો. મને આમ પાછળ રહી ગયેલો જોઈ તેઓ ઊભા રહી ગયા.
‘કેમ, શા વિચારમાં ખોવાઈ ગયા, સાહેબ ? કોઈ નવી ગઝલનો મત્લા સ્ફૂર્યો કે શું ?’ એમણે હસતાં હસતાં હળવી રમૂજ કરી.
‘કાંઈ નહીં, અમસ્તો જ !’ કહી હું એમની સાથે થઈ ગયો.
‘જુઓ, આ સામે બસ-સ્ટૉપ દેખાય છે ને ? એ મારું ગામ ! ચાલો, જરા આંટો દઈ આવીએ !’ કહી ઉષ્માપૂર્વક એમણે મારો હાથ દાબ્યો. ને પછી આગળ વધ્યા : ‘ચા…આ…લો ત્યારે !’ કહી મેં એમનું અનુસરણ કર્યું.

પચાસેક ડગલાં ચાલતાં જ હાઈવેની ડાબી બાજુએ ગામના નામવાળું પાટિયું આવ્યું. નામ વાંચતાં જ રક્તમાં અકથ્ય ઝણઝણાટી વ્યાપી ગઈ. રોમેરોમ રોમાંચિત થઈ ગયો. હર્ષાવેશમાં સહસા હું બોલી ઊઠ્યો : ‘અરે, આ તો ગવરીદડ !’ મારો હર્ષાવેગ કેમેય શમતો ન હતો. ગવરીદડના પાટિયા પાસે હું ક્ષણિક થોભ્યો. ‘હા, ગવરીદડ !’ આછું મલકતા નરેન્દ્રભાઈએ મારી વાતને સમર્થન આપ્યું ને અમે ગામના રસ્તે પગ ઉપાડ્યા. કોણ જાણે કેમ. પણ બાળપણથી જ મને આ નાનકડા ગામનું ભારે ઘેલું લાગેલું. મોરબીથી રાજકોટ જવાનું ઘણી વાર થતું. માર્ગમાં આવેલા આ ગામ પાસેથી જ્યારે જ્યારે પસાર થતો ત્યારે એક્સપ્રેસ બસમાંથી અલપઝલપ દેખાતા આ ગામને હું ઉત્સુકતાથી નીરખી રહેતો. રસ્કિન બૉન્ડની વિખ્યાત નવલિકા ‘ધ સલાસ્ટ ટ્રેન એટ ડેઓલી’ ના તરુણ કથાનાયકની ઉત્તેજનાથી મને ત્યાં ઊતરી જવાનું મન થતું. ગામાં અમસ્તો જ એક આંટો મારીને ગામને ઉપકૃત કરવાનું મન થઈ આવતું. અને હા, આ તો વળી એ જ ગામ જ્યાં…!

…ને મેં મારી નાનકડી, રમ્ય સ્વપ્નનગરીમાં પ્રવેશ કર્યો. ગામ ખરે જ રળિયામણું હતું. નરેન્દ્રભાઈને આખું ગામ ઓળખતું હોય એમ લાગ્યું. બધા હાથ ઊંચો કરીને કે ‘રામરામ’ કહીને એમનું અભિવાદન કરતા હતા. હું ચકળવકળ આંખે, ચારે બાજુ નજર ફેરવતો, એમની સાથે ચાલી રહ્યો હતો. પાંત્રીસ વરસના તનમાં રહેલું મન તારુણ્ય તરંગોમાં ઊછળવા લાગ્યું. કેટલાંય વર્ષો બાદ એનું કપિત્વ ઠેકડા મારવા લાગ્યું. જે અનુભૂતિ વર્ષોથી સુષુપ્તવત હતી એને ‘ગ…વ..રી…દ…ડ’ શબ્દે ઝંઝોળી નાખી હતી. ચોકમાં આવેલા નાનકડા ચબૂતરા પાસે પગ ખોડાઈ ગયા. આ સ્થળ સાથે ગત જન્મનો નાતો હોય એવી પ્રતીતિ મનને થવા લાગી. મન-વીણાના તારમાં અનેરી સરગમ ગુંજવા લાગી. ચબુતરા પાસેથી ચાર રસ્તા ચાર અલગ અલગ દિશામાં ફંટાતા હતા. મારાથી થોડે દૂર ચાલ્યા ગયેલા નરેન્દ્રભાઈ મારી આકસ્મિક સ્થિતપ્રજ્ઞતાથી આશ્ચર્યચકિત થઈને મારી પાસે આવ્યા. ‘ચાલો, સાહેબ ચાલો ! આ કંઈ પેરિસનો ઍફિલ ટાવર નથી કે આટલા મંત્રમુગ્ધ થઈ જવાય !’ કહી ખડખડાટ હસી પડ્યા. મને હાથ પકડીને સાથે લીધો. દસેક ડગલાં ચાલીને એક મોટા દેખાતા ઘર તરફ અંગુલિનિર્દેશ કરી એ બોલ્યા : ‘જુઓ, ઓલ્યું મારું ખોરડું !’ ને પોતે પ્રયોજેલી તળપદી પદાવલી પર પોતે જ ફિદા થઈ ગયા હોય એમ પુન: હસી પડ્યા. મારું હૃદય અનઅનુભૂત સ્પંદનો અનુભવવા લાગ્યું. વીસેક વર્ષ પહેલાં લજાઈમાં મારી હેડીના મારાં ચંપાફોઈએ કહેલું વાક્ય કાળના અનેક પડળો વીંધી કાનમાં ગુંજવા લાગ્યું : ‘ગવરીદડમાં બરાબર ચબૂતરાની સામે જ એનું ખોરડું…!’

….ને ચબૂતરા સામેના એમના ઘરમાં નરેન્દ્રભાઈ ભાવપૂર્વક મને દોરી ગયા. ફળિયું વાળતી કામવાળીને એમણે પૂછ્યું : ‘ચંચી, તારાં કાકી ક્યાં છે ?’
‘ખેતરે ગ્યાં છે. અબ ઘડી આવી પૂગશે !’ કહેતાં, આવકાર વચનો સાથે એ અમને અંદર દોરી ગઈ. નરેન્દ્રભાઈએ લાઈટ-પંખો ચાલુ કરી મને બારણા સાથેની દીવાલને છેક છેડે આવેલી ખુરશી પર બેસાડ્યો. એ જૂના જમાનાની પણ મજબૂત અને અત્યંત આરામદાયક આર્મચેર હતી. પોતે બરાબર મારી સામે બારણાની બીજી તરફ આવેલા હિંડોળા પર બેઠા. ઠેસ મારીને હિંડોળો ચલાવતાં એમણે વાત શરૂ કરી :
‘બાળકો વેકેશનમાં મોસાળ ગયાં છે. મારાં પત્ની જમીનની દેખરેખ રાખવા અહીં જ રહે છે. બાળકો ભણવા રાજકોટ અપ-ડાઉન કરે છે…’ એ દરમિયાન ચંચી ચા-પાણી આપી ગઈ. નરેન્દ્રભાઈએ ચાને ન્યાય આપતાં આગળ ચલાવ્યું : ‘મારાં પત્ની એક ખમતીધર ને પ્રયોગશીલ ખેડૂતની પુત્રી છે. બચપણથી ખેતી અંગેનું સારું એવું જ્ઞાન ધરાવે છે. મારે ખૂબ લાંબી, પહોળી ખેડ છે. બાળકોને ભણાવવા અને ખેતીની દેખરેખ રાખવા એ અહીં જ રહે છે.’ ને પછી હસતાં હસતાં, બગાસું ખાતાં ઉમેર્યું.. ‘..ને આપણા રામને રોજનું અપડાઉન સદતું નથી તેથી મોરબીમાં જ અઠે દ્વારકા કર્યું છે. અઠવાડિયે, દસ દિવસે અહીં આંટો મારી જાઉં છું !’ ને ટેવ મુજબ હસી પડ્યા.

ચા-પાણી પતાવ્યા બાદ હિંડોળા પરથી ઊઠતાં એ બોલ્યા : ‘એમ કરો ,સાહેબ ! તમે થોડી વાર બેસો. હું બીજી કારનો બંદોબસ્ત કરી આવું. કોઈ પણ હિસાબે તમને અગિયાર પહેલાં રાજકોટ ભેગા કરી જ દેવા છે. આ હમણાં ગયો ને હમણાં જ આવ્યો સમજો !’
‘પણ નરેન્દ્રભાઈ ! હું એકલો….’ કહી એમને અટકાવું એ પહેલાં જ મારી વાત કાપતાં એ બોલી ઊઠ્યા : ‘અરે, તમને જરાય એકલું નહીં લાગે !’ ને બારણા પાસે જઈ પગરખામાં પગ નાખતાં, કાંડા ઘડિયાળ તરફ નજર કરતાં બહાર નીકળતા નીકળતા બોલ્યા : ‘એ અબ ઘડી આવી જ સમજો ! તમને જરાય એકલવાયાપણું નહીં લાગવા દે ! તમે જો જો તો ખરા ! તંદુરસ્તીમાં મને ને તમને ક્યાંય આંટી દે એવી છે. વા સાથે વાતો કરે છે ! ભણી છે ચોપડી માત્ર દસ પણ દલીલમાં એણે મને કદી જીતવા દીધો નથી. બસ, એનાં આવવાનાં એંધાણ વરતાઈ રહ્યાં છે…’ ને ઉતાવળે ચાલી, ડેલીના બારણાને ઠાલું વાસતાં, ‘ચંચી ! સાહેબનું ધ્યાન રાખજે !’ કહી મને કે ચંચીને બોલવાની તક આપ્યા વિના ઝપાટાભેર બહાર નીકળી ગયા.

નરેન્દ્રભાઈ છેલ્લાં પાંચેક વર્ષથી મારા સંપર્કમાં આવ્યા હતા. સાહિત્યગોષ્ઠિઓમાં અવારનવાર મળવાનું થતું. તેઓ મોરબીના નીકળ્યા એટલે આત્મીયતા વધી. મોરબી મામાને ત્યાં આવું ત્યારે એમને અચૂક મળતો. મારાથી વયમાં એ ત્રણેક વર્ષ મોટા, પરંતુ ભાષાવિદ અને ગઝલકાર તરીકેની મારી ભારે નામનાને કારણે અને મારા અનન્ય ચાહક હોવાને નાતે મને અદકેરું માન આપતા અને પ્રોફેસર સાહેબ કહીને જ બોલાવતા. મેં પ્રેમાનંદના વીર ક્ષેત્ર વડોદરાને મારી કર્મભૂમિ બનાવી હતી.

હું એકલો પડ્યો એટલે ખુરશીમાં આડો પડ્યો. ખુરશી પરથી ટિપાઈ સુધી પગ લંબાવી છાપું ઊથલાવવા લાગ્યો. પણ અચાનક લાઈટ ચાલી ગઈ તેથી સાવ નિષ્ક્રિય થઈને બેસી રહ્યો. પછી શુંય સૂઝ્યું કે એકલતા ટાળવા બહાર ફળીમાં આવ્યો. ડેલીની વંડી ખાસ ઊંચી ન હતી. મેં ચારે બાજુ નજર દોડાવી. હું વિચારી રહ્યો : ‘ચબૂતરાની આસપાસ ક્યાંક એનું ઘર હશે !’ ડેલીમાંથી બહાર નીકળી આજુબાજુના ઘરોમાં ડોકિયું કરવાનો ગાંડો વિચાર આવી ગયો, પણ પછી પાછો ઘરમાં આવ્યો. પુન: ખુરશીમાં લંબાવી એના વિચારોમાં લીન થઈ ગયો. ત્યાં જ ડેલીનું બારણું ખખડ્યું. મારી ખુરશી બારણાથી દૂર છેક છેડે હતી. જે હશે તે અંદર આવશે એમ વિચારી બેસી રહ્યો.
ત્યાં તો ‘કોણ આવ્યું છે, ચંચી ?’ નો મૃદુ લહેકો સંભળાયો. ‘તારા સાહેબ મને હમણાં જ મારગમાં મળ્યા. કે’તા’તા કે ઝટ ઘર ભેળી થા. મારા ખાસમખાસ મેમાનને બેસાડીને આવ્યો છું. ક્યાં છે મેમાન ?’ ને એક જાજ્વલ્યમાન, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા નારી-દેહે ઘરમાં પ્રવેશ કર્યો. આજુબાજુ નજર કરતાં, મને જોતાં ‘કેમ છો !’ કહી હસીને મારું અભિવાદન કર્યું. પછી પંખાની સ્વિચ ઓન કરવા ગયાં પણ એ તો અગાઉથી જ ઓન હતી તેથી હિંડોળા પર ગોઠવાયાં. ચંચી પાણી આપી ગઈ. ગામડાના મોટાં અને લાંબા ઘરોમાં અંદરના ભાગે સહેજસાજ અંધારું હોય છે. ચહેરા પરથી માણસ સહેજમાં ન કળાય. એ સાડીનો છેડો પસીનો લૂછવા ગાલ પર થપથપાવવા લાગ્યાં ને સામે ઊભેલી ચંચીને કહેવા લાગ્યા : ‘તું તારે હવે જા, ચંચી. તારે હટાણું કરવાનું મોડું થશે !’ ને ચંચી ચાલી ગઈ. મને થયું કે એમને પૂછી લઉં ! કદાચ એ એને ઓળખતાં હોય. એય ચબૂતરા સામે જ રહે છે ને !’ એમને કાંઈ પૃચ્છા કરું એ પહેલાં જ ઔપચારિક વાતચીત એમણે શરૂ કરી :
‘જુઓ ને ! નવ વાગતામાં જ કેવો આકરો તાપ પડે છે ! મૂઈ લાઈટ પણ ખરે તાકડે જ રૂસણાં લે છે ને !’
હ-અ-અમ કહી મેં સંચિતનો સૂર પુરાવ્યો. તેઓ શ્વાસ લેવા થંભ્યાં. મેં તક ઝડપી લીધી. ‘તમારી આસપાસ કોઈ….’ પણ મારી વાત કાપતાં એ ફરી બોલી ઊઠ્યાં : ‘એ કે’તા’તા કે તમે એમના ખાસમખાસ દોસ્તાર છો. તે ક્યાંથી આવો છો ?’
‘મોરબીથી’ ટૂંકમાં પતાવી છાપાનો પંખો કરી હવા ખાતાં ખાતાં મેં ફરી વાતનો દોર મારા હાથમાં લેવાનો પ્રયત્ન કરતાં હોઠ ખોલ્યા. પણ એ તરત પાછાં શરૂ થઈ ગયાં : ‘ના, ના મોરબીના તો તમે નથી જ લાગતા. મોરબીના એમના બધાય દોસ્તાર મારી મે’માનગતિ માણી ચૂક્યા છે.’ મને લાગ્યું કે એ સહેલાઈથી છાલ નહીં જ છોડે. આમેય ઝાઝું જુઠાણું ચલાવવાનો કોઈ અર્થ ન હતો. કોઈ કારણ પણ ન હતું.
મેં સ્પષ્ટતા કરતાં કહ્યું : ‘આમ તો હું વડોદરાનો છું. પણ મોરબીથી નરેન્દ્રભાઈ સાથે આવ્યો છું. એમનો મિત્ર છું.’ ને પોતાનું અનુમાન સાચું પડવાથી ખુશ થઈને એ હસી પડ્યાં. ‘હું તો સાદ સાંભળતાં જ માણસને ઓળખી જાઉં ! મને થતું તું જ કે તમે મોરબીના નથી !’ લગીર ગાલ પર સાડીનો છેડો થપથપાવતાં કશું યાદ આવ્યું હોય એમ ફરી બોલ્યાં : ‘પણ તમારો સાદ મેં પહેલાં….’ ને લાઈટ આવી. બધું ઝળાંહળાં થઈ ગયું. તેઓ પરસેવો લૂછવામાં વ્યસ્ત હતાં. અચાનક મારી નજર એમના ચહેરા પર પડી. હું ચોંકી ગયો. પણ નીચેથી ધરતી ખસતી લાગી. ‘અરે, આ તો એ જ !’ મન ચિત્કારી ઊઠ્યું. હાથમાંથી છાપું નીચે સર્યું. મેં ત્વરિત ગતિએ એને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. વિચલિત મનોદશાને કારણે છાપું બેત્રણ વાર હાથમાં આવીને છટકી ગયું. ઉપાડતાં વાર થઈ. પણ જેવું હાથમાં આવ્યું કે તરત મોં છુપાવવાનો પ્રયત્ન કર્યો. મને આશંકા થઈ કે એમણે મારો ચહેરો અલપઝલપ જોઈ લીધો છે. એમના મુખ પર આશ્ચર્યનો ભાવ પ્રગટ્યો હોય એમ મને લાગ્યું.
‘નામ શું તમારું ?’ એમણે સ્વરમાં સ્વસ્થતા અને સ્વાભાવિકતા લાવવાનો પ્રયત્ન કર્યો.

પંખો ફુલ સ્પીડે ચાલતો હોવા છતાં મને પરસેવો વળી રહ્યો હતો. મોં પર અજ્ઞાત તાળું વસાઈ ગયું. હોઠ ખૂલવાનું નામ લેતા ન હતા. ને હું બોલું તો શું બોલું ? મારા મૌનથી અકળાઈને મને જાણે ઠંડો ડામ દેતાં હોય એમ એ બોલ્યા : ‘મને તો એમ હતું કે માણસ માત્રને નામ હોય છે પણ તમને તો એય…’
‘શું કરવું છે નામ જાણીને તમારે લલિતાબહેન ?’ છાપાનું આવરણ ચહેરા પરથી ફગાવી, એક ઝાટકે નજર ઊંચી કરી, એકીશ્વાસે હું બોલી ગયો. પરંતુ બીજી જ પળે વર્ષો પહેલાં, એક નિર્દોષ મૃગલી શી ભોળી ગ્રામ્ય તરુણીના કુમળા મન સાથે આચરેલા ક્રૂર વિશ્વાસઘાત બોજથી મારી નજર પુન: નત થઈ ગઈ. ‘તેઓ હવે શું બોલશે !’ હું એ દહેશતથી આતંકિત થઈ મનોમન ફફડી રહ્યો. પળ બે પળ ઉભય વચ્ચે અણપ્રીછ્યું મૌન સર્જાયું. એ પળો મને યુગ સમી લાંબી લાગી. છેવટે એમણે જ અગાઉની જેમ પહેલ કરી.
‘હં-અ અ, તો એ તમે છો, એમને !’ આંસુમાં ઝબકોળાઈને આવતો એમનો પ્રત્યેક શબ્દ તીર બની હૈયે ભોંકાઈ રહ્યો હતો. ‘વરસો પહેલાં કશાય વાંક ગુના વિના તરછોડેલી આ લલીની સુધ લેવાની છેક આજે નવરાશ મળી, કાં !’
ઓહ ! એ શબ્દ હતા કે શબ્દ બાણ ! બોલે બોલે કાળજું કોરાતું જતું હતું. ‘બસ, બસ બહુ થયું લલિતાબહેન ! મને માફ કરો. તમારો ગુનેગાર છું. કહો તે સજા ખમવા તૈયાર છું !’ મેં કાકલૂદી કરતાં કહ્યું. ‘સજા તો કહો તોય તમને શું દેવાની હતી હું !’ હળવા ડૂસકા સાથે એ બોલ્યાં : ‘આ લલીના નામ પાછળ ‘બહેન’ શબ્દનું સલાડું તમે લગાડ્યું એટલે ખબર પડી જ ગઈ કે તમે મને કેટલી આઘી હડસેલી મૂકી છે ! આંખથી દૂર એ હૈયાથીય દૂર, કાં !’
‘હજી કેટલા ચાબખા મારવા છે, લલી ?’ મારાથી ‘લલી’ કેમ બોલાઈ ગયું એની મને ખુદનેય ખબર ન પડી. મારા એ ઉચ્ચારણથી એમના હોઠ પર મરકલડાનો મોર બેઠો ન બેઠો ને ઊડી ગયો. થોડી વાર નજર ઢાળીને એ બેસી રહ્યાં. પછી મારા સમગ્ર અસ્તિત્વને માપતી વેધક નજરે બોલ્યાં : ‘કાંઈ ખબર અંતર નહિ, વાવડ નહિ, મારા એકેય કાગળનો જવાબ નહિ. શું થઈ ગયું’તું તમને હેં !’
‘નસીબ લલી, નસીબ !’ મેં ગળગળા સાદે કહ્યું. ‘બાપુનું ઓચિંતુ અવસાન, આખા ઘરની જવાબદારી, નાની બહેનનાં લગ્ન બધું એકસાથે સાથે પડ્યું !’
‘ચંપાએ મને એ વાત કરી હતી.’ એમણે નિસાસો નાખતાં, સ્થિર નજરે કહ્યું.
મેં આગળ ચલાવ્યું : ‘તમારા પત્રો મળ્યા હતા. પણ એ વેળા હું જીવતી લાશ જેવો હતો. ચંપાફોઈ સાસરે ગયાં પછી કોના સરનામે તમને પત્ર લખું ?’ તેઓ મારી સામે અપલક મીટ માંડી મારી વાત સાંભળી રહ્યાં હતાં… ‘ને સાચું કહું તો હું શું સુખ તમને આપી શકવાનો હતો ? તમે લાડકોડમાં ઊછરેલાં, મોટા ઘરનાં છોરું. હું એક સામાન્ય…’
‘પ્રેમ કરતાં પહેલાં એ ન’તું વિચાર્યું ?’ મારી વાત કાપતાં ધારદાર નજરે એ બોલ્યાં. એમની સાદની ભીનાશ મારા હૈયાને દઝાડી રહી હતી. આંસુઓથી તગતગતી એમની આંખોના પ્રશ્નની ભાષા જેમ જેમ ઉકેલાતી જતી હતી તેમ તેમ મારી વ્યથાનો વ્યાપ વિસ્તરી રહ્યો હતો. માંડ રુદન ખાળી હું બોલ્યો : ‘લલી ! આજે ભગવાને પુનિત-પાવની પશ્ચાત્તાપ ગંગામાં સ્નાન કરવાની મને તક આપી છે. હું એને ગુમાવવા નથી માંગતો. મને મારા અપરાધ બદલ ક્ષમા કરો !’ ને ધ્રૂજતા હાથ માંડ ભેગા કરી મેં એમની સામે જોડ્યા. ‘હજી એવા જ પાણી-પોચા રહ્યા !’ કહી સ્મિત રેલાવતાં એમણે આંખો લૂછી. થોડી વાર અજાણ્યા પ્રવાસીઓની જેમ બંને ચૂપ રહ્યાં. હજીય એમની સામે નજર મેળવવાની હિંમત ચાલતી ન હતી. છતાં માંડ માંડ બોલ્યો : ‘લલી ! તમે સુખી તો છો ને !’
‘અરે, સુખના તો વનનાં વન ઊગી નીકળ્યાં છે. ખૂબ સુખી છું. ખૂ…ઉ…બ સુખી !’ એ લહેકો કરતાં ગજબના આરોહ અવરોહ સાથે બોલ્યાં.
‘પણ સુખી હું તેથી કો’ને શું, દુ:ખી હું તેથી કોને શું !’ એમનો આ લહેકો ફરી મને અતીતની કામણગારી કુંજગલીમાં દોરી ગયો. ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું આ અત્યંત હૃદયસ્પર્શી ગીત મેં જ એમને પહેલી વાર સંભળાવેલું. એમને એ ખૂબ જ ગમી ગયેલું. મેં એમને એ ગાતાં પણ શીખવેલું. અને હા, ઘણી વાર અમે બંનેએ સાથે ગાયેલું પણ ખરું. મેં અનાયાસ એમના લહેકામાં સૂર પુરાવ્યો. ‘સુખી હું તેથી કો’ને શું, દુ:ખી હું તેથી કો’ને શું !’ પછી તો ગીત ગાવામાં જાણે જગત ભુલાઈ ગયું. વર્ષો બાદ મન મૂકીને અમે સાથે ગાયું. બંનેની આંખમાં આંસુ, હોઠ પર સ્મિત ! ને પછી બંને મુક્ત મને હસી પડ્યાં. મને ક્ષમા મળી ચૂકી હતી.

કાંઈ યાદ આવ્યું હોય એમ હિંડોળેથી અચાનક એ ઊઠયાં : ‘તમે લગીર બેસો. હું અબઘડી જ આવું છું.’ કહી અંદર ગયાં. મેં ક્ષણિક આંખો બીડી. બંધ આંખો સમક્ષ અતીત પુન:સજીવન થયો. દર વેકેશનમાં મામાને ત્યાં મોરબી જવું. ત્યાંથી અદાને ત્યાં લજાઈ જવું. બાળપણમાં લલી સાથેની નિર્દોષ મસ્તી, હસવું-ખેલવું, તારુણ્યના આગમને એકબીજાથી શરમાવું, અરસપરસનું તીવ્ર ખેંચાણ, પ્રણયાંકૂરનું પ્રાકટ્ય, ઉભય પક્ષે પ્રણયનો ફફડતાં હૃદયે સ્વીકાર, વૅકેશનમાં આગમન સમયે હર્ષનાં આંસુ, વિદાય વેળા વિરહવ્યથા. એના ખેતરમાં ચાલતા કોસ દ્વારા કૂવાના થાળામાં ઠલવાતાં પાણીના શોર વચ્ચે સૂરજચાંદાની સાખે એકમેકના થવાના કોલ… ને પછી અવશપણે ક્રૂર નિયતિને વશ થવું… ને… ને એમના પદચાપે મારી સ્વપ્નસૃષ્ટિ રોળાઈ ગઈ. પણ મેં જેનું આખું જીવન રોળી નાખ્યું હતું એની પીડા સામે મારી સ્વપ્નસૃષ્ટિની શી વિસાત !

‘લો, સંભાળો તમારી અમાનત !’ કહી એક પીળી, રેશમી કોથળી એમણે મારા હાથમાં મૂકી.
‘શું છે એમાં ?’ મેં ઉત્સાહપૂર્વક પૂછ્યું.
‘તમે જ જોઈ લો ને !’ આટલું કહેતાં તો ષોડશીની જેમ એમના ગાલ પર શરમના શેરડા ફૂટી નીકળ્યા. મેં કોથળી ખોલી. એમાં ઉત્કટ પ્રણયોર્મિ વ્યકત કરતા, લલી પર લખેલા મારા પત્રો હતા. એના પર રચેલાં મારાં ગાડાંઘેલા કાવ્યો હતાં. સંખેડાના લાખકામવાળી હાથીદાંતની મારી આપેલી બે ચૂડીઓ હતી. સંખેડાથી મારું ગામ બહાદરપુર ખૂબ નજીક છે. ખૂબ જતનથી ખાસ ઓર્ડર આપીને મેં બનાવડાવી હતી. ભાવપૂર્વક મેં કોથળી બંધ કરી. ભાવવિભોર થઈ આંખે અડાડી ને ખૂબ કાળજીથી મારી બ્રીફકેસમાં મૂકી. આંસુ ભરી આંખે કુતૂહલપૂર્વક એ મારો કાર્યકલાપ નિહાળી રહ્યાં હતાં. હિલોળે ચડેલી આંખો લૂછતાં મેં કહ્યું : ‘થોડું પાણી આપશો ?’ ને એ અંદર ગયાં.

‘….ચા… આ લો પ્રોફેસર સાહેબ, કાર મળી ગઈ છે !’ કહેતાં ડેલીનું ખાલી વાસેલું બારણું ખોલતાં નરેન્દ્રભાઈએ મને બૂમ પાડી.
‘તૈયાર જ છું, નરેન્દ્રભાઈ !’ કહી પળમાં સ્વસ્થતા ધારણ કરી, બ્રીફકેસ પકડી હું તૈયાર થયો. દરમિયાન એ પાણી લઈને આવ્યાં. મારા હાથમાં પ્યાલો આપીને, સાવ અજાણ્યાની જેમ મોં ફેરવીને ઊભાં રહ્યાં. પસાર થઈ ગયેલાં તોફાનથી તદ્દન અનભિજ્ઞ, નરેન્દ્રભાઈ પોતાની આગવી ઢબે હસતાં હસતાં બોલ્યા : ‘એણે તમને બોર તો નથી કર્યા ને ! ભારે ભડભાડિયણ છે !’
‘ના, ના ખૂબ મજા આવી !’ કહી મેં હસવાનો વૃથા પ્રયાસ કર્યો. પતિ-પત્નીએ થોડીક વાર વ્યાવહારિક વાતો કરી. ત્યાર બાદ ‘ચાલો સાહેબ’ કહી નરેન્દ્રભાઈએ મારી બ્રીફકેસ ઊંચકવાનું સૌજન્ય દાખવવા ‘લાવો !’ કહી મારા તરફ હાથ લંબાવ્યો.
‘ના, ના’ કહી મેં એમને વાર્યા. એમાં જાણે મારી મહામૂલી મતા હોય એમ પ્રતિક્રિયામાં મેં એ છાતી સરસી ચાંપી દીધી. નરેન્દ્રભાઈ મારા આ વિચિત્ર વર્તનથી સહેજ ડઘાઈ ગયા. પણ પછી ‘ચાલો ત્યારે !’ કહી આગળ ગયા. હું એમને – મૂક થઈ અનુસર્યો. પાછળથી સંભળાતા પદચાપથી પામી ગયો હતો કે એય અમારું મૂક અનુસરણ કરી રહ્યાં છે. પાછું ફરીને છેલ્લી વાર એમની ઝલક જોવાની અદમ્ય ઈચ્છા થઈ આવી, પરાણે દાબી. જેવો ડેલીની બહાર નીકળ્યો કે સડસડાટ ચાલીને નરેન્દ્રભાઈની આગળ થઈ ગયો. હૈયે ગીત રમી રહ્યું હતું : ‘સુખી હું તેથી કો’ને શું, દુ:ખી હું તેથી કો’ને શું !’

રોડ પર આવીને કારમાં બેસતાં સુધી મને સતત લાગી રહ્યું કે બે અશ્રુ છલકતી આંખો પીઠ પાછળ સતત મારો પીછો કરી રહી છે. મારી પીઠને વીંધી રહી છે. હા, હવે મોરબી રાજકોટ માર્ગની મુસાફરી મોટે ભાગે ટાળું છું અને અનિવાર્યપણે મુસાફરી કરવી જ પડે ત્યારે એક ચોક્કસ ગામના પાટિયા પાસે આંખો અનાયાસ બંધ થઈ જાય છે. બે-ચાર અશ્રુબિંદુઓ ટપકી જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત
નિર્મિશ ઠાકર સાથે મુલાકાત – મૃગેશ શાહ Next »   

23 પ્રતિભાવો : બે આંખો – વ્રજેશ આર. વાળંદ

 1. JITENDRA TANNA says:

  Touching.

 2. anamika says:

  nice……..

 3. અતુલ જાની (આગંતુક) says:

  સુખી હું તેથી કોને શું ?
  દુઃખી હું તેથી કોને શું ?
  જગતમાં કંઈક રહ્યા જીવો,
  સુખી કંઈક છે દુઃખી કંઈક છે.

  આ પંક્તિઓ ઘણી વખત ગણગણાવી છે પરંતુ એકલા જ કોઈની સાથે બેસીને નહીં.

  પરંતુ આપણા અને અન્યના સુખ અને દુઃખની ઘણી અસરો થતી હોય છે.

  વ્રજેશ વાળંદની બે આંખોને અભિવ્યક્ત કરવાની કળા ગમી.

 4. कतरा कतरा आंशु बहेते रहे,
  और हम उन्हे सूखा ना पाए,
  इस से बड़ी वफ़ा की मिशाल क्या होगी,
  वो रोए हमसे लिपटकर किसी और के लिए,
  और हम मना भी ना कर पाए…….

  આ સાચો વેલેન્ટાઈન ડે ઊજવ્યો મૃગેશભાઈ….

  સરસ……..Touching

 5. Maharshi says:

  ખુબ ખુબ સરસ!!!

 6. Nims says:

  સરસ્? એક્દમ સરસ અને સુન્દર્ આલેખ્.

 7. girish valand says:

  બહુજ સ્રરસ ખુબજ મજા આવિ .વાલન્દ તરિકે પ્રાઉદ થયો.

 8. girish valand says:

  very good keep it up vrajeshbhai

 9. ભાવના શુક્લ says:

  નિરંતર લાગણીના કોઇ કશા ભારણ તો ના રહે,
  અને આંગળી મુકી શકો તેવા કારણ છો ના રહે.

 10. Dhiren says:

  વાલદ સર્,

  હુ તમારો વિધાથ્રિ, ધિરેન શાહપટેલ!! પ્રતાપ school no

  બહુજ સરસ article che, મને હજુ યાદ છે તામારિ bahaldalpur ni vaat tame English na class ma kari hati e…

  Bahu ‘Chestika'(tamari laakdi) khaadhi che..english sikhta…

  Thanks for everything, if you can see this message please email me at dhirensap@gmail.com

 11. Suchita says:

  very touching story……

 12. Rashmi Shah says:

  even i m in love with some1, so i better know staying apart from 1 you love is so painful….

  Really heart touching story!!!

 13. varta vachta bhootkalni ander dupki lagi gai.ghani bhulaveli wastuwo samaysar yad ave chhe. “INSAAN JO CHAHTA HAI WO SHAYAD HI PAATA HAI”. a to badaa vidhi na lekh chhe. “na janyu janki nathe ke kale su thavanu chhe”. jivan ni a palo manushya jeevan ma avar navar avti rahe
  chhe, ane “kabhi na mitnewala wo zakhm de jati hai jo insaan chahkar bhi nahi bhula pata hai”. I AM REALY VERY GLAD TO READ YOUR WRITTEN STORY; MR. VRAJESHKUMAR. RAVJIBHAI. VALAND.
  ASHA RAKHU CHHU KE BHAVISHYA MA PAN AVI “DIL KO CHHU JANEWALI AUR JAZBATO SE BHARPUR KAHANI AAP KE CHAHKO KO DETE RAHA KARENGE. MERI DILI SHUBH KAMNAYE AAP KE SATH HAI.
  WITH ALL THE BEST IN FUTURE.
  WITH REGARDS,

  YOUR`S ONE OF THE BEST STUDENT,
  SAIYAD RAZAIMAM, GERMANY. E-MAIL , rsfa4@yahoo.de

 14. A very nice article Vrajeshbhai. I know you very well. I hope you will not remember me. I am also a Bahadarpurvasi, cousin of Vasudev – your friend, Vishnu and Jay Prakash. Presently I am at Delhi working in IndianOil. And one more olkhan, I am a ex neighbour of your close friend – Ambalal Rana at Akshardham Society, Nizampura.
  I really loved your article. Is it a true story or just an article……..
  If u read this message, kindly write to me at my email address. I will be happy to hear from you. I dont remember that you were a teacher in Pratap High School, Kadak Bazar, Sayajigunj, Vadodara. Because I also was studying in that school from 8th to 11th standard (old SSC) during 1968 to 1972.
  Anyways nice to read your article again.

 15. Ankil Patel says:

  બહુજ સરસ !!!

  તમારિ ક્રુતિ અચાનક જોઇને ભૂતકાલ ની યાદ આવી ગયી.

  તમારુ ભનાવેલુ અન્ગ્રેજી …. આજે અહિ અમેરિકા મા અન્ગ્રેજો ની સામે તટ્ટાર ઉભા રહેવા ની શક્તિ આપે છે.

 16. Ami says:

  જેણે પ્રેમ કર્યો હોય અને વિરહ સહન કર્યો હોય એ જ સમજી શકે કે આવી આકસ્મિક મુલાકાતો કેવી પરિસ્થીતિ સર્જે છે.!!

 17. nayan panchal says:

  જીવનનો પ્રથમ પ્રેમ તો કેમ કરીને ભૂલાય! જેમને પ્રથમ પ્રેમનો આજીવન સાથ મળે છે તેઓ ખરેખર નસીબદાર હોય છે. જો આવુ નસીબ ન હોય તો તેને હ્રદયના એક ખૂણામાં સાચવીને રાખી મૂકવાનુ, ક્યારેક એકલા એકલા તેના સંસ્મરણો વાગોળવાની પણ મજા આવે છે.

  અને એ પ્રથમ પ્રેમ સાથે જ્યારે ફરી મળવાનુ થાય ત્યારે થાય છે કે સમયના ચક્રને રીવર્સમાં લઈ જઈએ.

  નયન

 18. Jinal says:

  ખુબ જ સરસ વાર્તા..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.