નિર્મિશ ઠાકર સાથે મુલાકાત – મૃગેશ શાહ

nirmishbhai1ગુજરાતી સાહિત્યને જેમણે પોતાની આંખે જોયું હોય, લોકહૃદયમાં ચાહના મેળવી હોય અને સ્વાભાવિક રીતે પ્રસન્ન અને સહજ જીવન જીવી રહ્યા હોય તેવા કેટલાક સાહિત્યકારોની રૂબરૂ મુલાકાતો લેવાનો સીલસીલો હમણાં ચાલુ કર્યો છે. ઘણા સમયના નિયમિત વાંચનને લીધે અમુક સાહિત્યકારોની એકથી વધુ કૃતિઓ વાંચવામાં આવી હોય અને તે આપણી ચેતનાને ઊંડે સુધી સ્પર્શી ગઈ હોય, આપણા મનને પ્રસન્નતાથી ભરી શકી હોય, જીવનના કોઈ પરમ સત્યને આપણા મનને સમજાય તેવી સરળ રીતે રજૂ કરતી હોય… એ બધું અનુભવતાં ક્યારેક મનમાં થઈ આવે કે હું કોઈક દિવસ આ સર્જકને મળી શકું તો કેટલું સારું ! આમ, રીડગુજરાતીના ઑફિશિયલ કાર્ય તરીકે નહીં પરંતુ માત્ર મારા વ્યક્તિત્વ વિકાસ અને નિજાનંદ માટે મને એવા સાહિત્યકારોને મળવું ગમે. વળી, આ મુલાકાતોમાં મને એટલું બધું જીવનદર્શન પ્રાપ્ત થાય છે કે તે આપ વાચકો સુધી વહેંચ્યા વિના રહી શકાતું નથી ! તેથી આવો, આજે આપને એક એવી જ મુલાકાત કરાવું.

‘નિર્મિશ ઠાકર’ નામ સંભળાય એટલે કદી હસ્યા ન હોય તેવા સજ્જડ વ્યક્તિના ચહેરા પર પણ સ્મિત મ્હોરી ઊઠે ! એમાંય જો એમનું કોઈ પુસ્તક હાથમાં આવી ગયું તો તો પત્યું ! કલાકથી મોં ચઢાવીને બેઠેલો માણસ હોય તો પણ બે-મિનિટમાં ખડખડાટ હસવા માંડે. રસ્તે ચાલતા જો એમના પુસ્તકનું કોઈ એકાદ વાક્ય તમને યાદ આવી જાય તો હસવું રોકવાનું ભારે થઈ પડે ! કોઈક તમને દીવાલ કૂદીને આવેલા વ્યક્તિ સમજી બેસે તેવો ભય રહેલો છે ! આમ, ભવિષ્યમાં તેમના પુસ્તકો જાહેરમાં વાંચવા પર પ્રતિબંધ આવી જાય તો નવાઈ નહીં !! નિર્મિશભાઈના સાહિત્યસર્જન વિશે શું કહેવું ? મૂળ સાહિત્ય-પ્રકારોના અર્થો અને વ્યાખ્યાઓ બદલવી પડે એવું કંઈક અનોખું રચનાત્મક કામ તેમણે કર્યું છે. હાસ્યરસનો માત્ર લેખો પૂરતાં મર્યાદિત ન રહેવા દેતાં તેમણે ‘તઝમીન’, હાસ્ય-ઉખાણાં, અવળ વિવેચન, અવળ કથન, પ્રતિકાવ્યો, હાસ્યનવલકથાઓ, હઝલો (હાસ્ય ગઝલો) અને કંઈ કેટલાય પ્રકારોથી તેમણે વાચકોને સાચા અર્થમાં હાસ્યરસમાં તરબોળ કર્યાં છે.

માનવીય સ્વભાવ, સામાજિક વાતાવરણ, દેશ-દુનિયામાં બનતી ઘટનાઓ વગેરે પરથી હાસ્યલેખ, હઝલ કે હાસ્યનવલકથા લખવી એ તો એમના માટે ડાબા હાથનો ખેલ છે; કારણ કે તેમનો જમણો હાથ પીંછી પકડીને અદ્દભુત કહી શકાય તેવા કાર્ટુનો દોરવામાં રોકાયેલો છે. જી હાં, નિર્મિશભાઈ સાહિત્યકાર તો પછીથી છે, પરંતુ મૂળમાં તેઓ ‘કાર્ટુનિસ્ટ’ છે. તેમના કટાક્ષચિત્રો અને વ્યંગચિત્રો જગપ્રસિદ્ધ છે. ગુજરાતી ગઝલકારોના કાર્ટુનચિત્રોનું ‘નિર્મિશીકરણ’ અને ગુજરાતી સાહિત્યકારોના કટાક્ષચિત્રોના પુસ્તકની રચના કરીને તેમણે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહી, પરંતુ આંતરાષ્ટ્રીયસ્તરે લગભગ કોઈએ ન કર્યું હોય તેવું અજોડ કાર્ય કરીને ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધાર્યું છે. અરે ! આ તો હજી શરૂઆત છે, નિર્મિશભાઈ એક અચ્છા તબલાવાદક છે. તેમણે રેડિયોપર અનેક પ્રોગ્રામો આપ્યા છે. ટી.વી ચેનલો પર ‘ગમ્મત ગુલાલ’ અને ‘હસગુલ્લા’માં કાર્યક્રમ આપી લોકોને ખડખડાટ હસાવતા ‘હાસ્ય-વક્તા’ પણ છે. 35થીયે વધુ પુસ્તકો લખનાર 47 વર્ષીય નિર્મિશભાઈની સર્જનયાત્રા આપણા જેવા વાચકો માટે ખરેખર પ્રેરણાદાયી છે.

નિર્મિશભાઈ સાથે મારી પહેલી મુલાકાત ‘અસ્મિતાપર્વ’ માં મહુવા ખાતે થઈ. અમે બંને એક જ રૂમમાં રોકાયેલા પરંતુ એકમેકથી સાવ અજાણ ! એક જાણીતા ગઝલકારે અમારો પરિચય કરાવ્યો પરંતુ તે સમયે મેં માત્ર તેમના કેટલાક લેખો અખબારના માધ્યમથી વાંચેલા; તે સિવાય કોઈ વિશેષ પરિચય ન હોવાથી વધુ વાર્તાલાપ થઈ શક્યો નહોતો. મહુવામાં રાત્રે અમે બધા રૂમમાં ભેગા થતાં ત્યારે એમની હાસ્ય-મહેફિલ જોરદાર જામતી. એ પછી જેમ જેમ તેમના પુસ્તકો વંચાતા ગયા તેમ તેમ તેમના વિરાટ સર્જનકાર્યની વિસ્તૃત માહિતી મળતી ગઈ અને સાથે સાથે મનમાં જન્મ્યો તેમને રૂબરૂ મળવાનો મોહ !

આખરે એ દિવસ આવ્યો. તા. 17મી ફ્રેબુઆરીના સવારે 11 વાગે સૂરતની ઓ.એન.જી.સી ટાઉનશીપમાં આવેલા તેમના ફલેટના દરવાજે પહોંચી ડોરબેલ વગાડ્યો ત્યાં તો પ્રસન્નમુદ્રા સાથે નિર્મિશભાઈ હાજર !
‘આવો મૃગેશભાઈ, ઘર શોધવામાં તકલીફ તો નથી પડી ને ?’
‘જરાય નહિ’ કહીને અમે વાતોએ વળગ્યાં. રીડગુજરાતી પર તેમના પ્રકાશિત થયેલા લેખોના પ્રતિભાવોની પ્રીન્ટ મેં તેમને આપી. અમારાં ‘અસ્મિતાપર્વ’ના થોડાક સંસ્મરણો, રીડગુજરાતી વિશેની કેટલીક વાતો, સાહિત્યક્ષેત્રની ઘટનાઓ અને તેમનાં વ્યવસાય વિશે થોડી માહિતી મેળવીને મેં મુખ્ય વાર્તાલાપ શરૂ કર્યો.

પ્રશ્ન : ‘નિર્મિશભાઈ, આપ પેન અને પીંછીં – એમ બંનેના કલાકાર છો અને બંને ક્ષેત્રમાં અદ્વિતિય કાર્ય કરો છો; વળી, સાથે સાથે સંગીતના પણ સમ્રાટ છો… તો તમને આ ત્રણમાંથી વધારે શું ગમે ?’
ઉત્તર: ‘હું માનું છું કે દરેકનું સ્થાન અલગઅલગ છે. બધી જ કલાઓ પોતપોતાની રીતે બરાબર છે. વ્યક્તિ પોતાની સર્જનાત્મકતા કોઈ પણ માધ્યમદ્વારા રજૂ કરી શકે છે તેથી મારા માટે આ ત્રણેય સરખાં છે અને પ્રિય છે. કોઈ ઉપર કે નીચે નથી, તમામ સમાન છે. પોતના વિચારો અને હૃદયના ભાવ વ્યક્ત કરવા માટે મને આનાથી મોકળું મેદાન મળી રહે છે અને વિવિધ કલાના ઉપયોગથી પૂર્ણ આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન : આપના જીવનમાં સૌ પ્રથમ ચિત્રકલાનો પ્રવેશ થયો, સંગીતનો કે પછી સાહિત્યનો ?
જવાબ : આમ તો સૌથી પહેલા કાર્ટુન દોરવાનું શરૂ કર્યું પરંતુ એ સાથે સાથે સંગીત અને સાહિત્યનો શોખ સમાંતરે કેળવાતો ગયો. ત્રણેય ક્ષેત્ર મને કદી જુદા લાગ્યા નથી. એકસરખી એકાગ્રતાથી હું તેમાં કાર્ય કરી શકું છું.

પ્રશ્ન : નિર્મિશભાઈ, આપનું બાળપણ કેવી રીતે પસાર થયું એની થોડી માહિતી આપશો ?
જવાબ : વાત એમ છે મૃગેશભાઈ કે અમારું કુટુંબ ખૂબ ગરીબ હતું. બે-ત્રણ પેઢીથી ગરીબાઈ હતી. અમે સખત ભૂખમરો વેઠ્યો છે. આર્થિક સ્થિતિ સાવ નબળી. એ સમયે અમે અમદાવાદ રહેતા હતા. અમદાવાદના સન્યાસ આશ્રમ સામે અમુક દિવસે ભિખારીઓને અનાજ આપવામાં આવે છે. મારી મમ્મી એ લાઈનમાં ઊભી રહેતી અને હું કોઈ જોઈ ન જાય એ માટે આજુબાજુ આંટા મારતો. ગમે તેમ કરીને ક્યાંકથી અનાજ મેળવતા. પપ્પા શાળામાં શિક્ષક તરીકે પરંતુ એ જમાનામાં પગાર ટૂંકા. કમાનાર એક વ્યક્તિ હોય અને ખાનાર અનેક જણ.

લગભગ 17 વર્ષની ઉંમરથી મેં કમાવવાનું શરૂ કર્યું. કંપનીઓમાં, પેઢીઓ પર કે આઈસ ફેકટરીમાં મજૂર તરીકે મેં નોકરી શરૂ કરી. સખત પરિશ્રમના એ દિવસો. ભણવાનું અને રોજગારી સાથે સાથે ચાલે. ધોરણ બાર સુધી હું ભણ્યો પરંતુ ટકા ઓછા આવતા મને બી.ઈ. એન્જિનિયરિંગમાં એડમીશન ન મળ્યું. તેથી દસમા ધોરણના આધારે મેં ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યો અને ડિપ્લોમા મિકેનિકલ કર્યું. અભ્યાસના વર્ષો પૂરા થયાં બાદ ઘણા સમયે મને ઓન.જી.સી.માં નોકરી મળી અને પછી ધીમે ધીમે જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ.

પ્રશ્ન : આટલા સંઘર્ષના દિવસોમાં આ સર્જનાત્મક કાર્યનો વિચાર આપને કેવી રીતે આવતો ? શેમાંથી પ્રેરણા મળતી અને કોણ એમાં આપને સહયોગ કરતું ?
જવાબ : મને પહેલેથી જ સર્જનાત્મક વિચારો આવતા. કોઈ દિવસ મેં નકારાત્મક વિચાર્યું નથી. દરેક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને હું વધારે મજબૂત બન્યો છું. કલાનો રસ કુદરતી રીતે મારા મૂળમાં પડેલો હતો. નાનો હતો ત્યારે પિતાજી સ્કૂલમાંથી ‘ઝગમગ’ નામનું સામાયિક લાવતા. તેમાં આવતા કાર્ટુનો જોવાની મને મજા પડતી. ‘મિયાંફૂસકી’, ‘છકો અને મકો’ જેવી વાર્તાઓના પાત્રોમાં મને અદ્દભુત રસ પડતો. એ પાત્ર કેવી રીતે બોલે છે, કેવા હાવભાવ કરે છે… એ બધું હું ધ્યાનપૂર્વક નોંધતો. પાત્રોના જે ચિત્રો આપ્યા હોય તે હું જાતે દોરવા પ્રયત્ન કરતો. વાર્તા પ્રમાણે તેમાં એક-બે ચિત્રો તો આપ્યા હોય પરંતુ હું વાર્તાના સંવાદો વાંચીને એના પરથી મારી રીતે હું તેના નવા કાર્ટુનો દોરતો. પિતાજીએ મારા આ રસને ઓળખ્યો. તેઓ એક શેઠને ત્યાં ટયૂશન આપવા જતાં. એ શેઠના ઘરમાં તેમની પોતાની અંગત લાઈબ્રેરી હતી. એમાં બાળવાર્તાઓના ઘણા પુસ્તકો હતાં. પિતાજીએ શેઠને મારા રસ વિશે વાત કરી અને મને મળ્યો પુસ્તકોનો ખજાનો ! આટલા બધા પુસ્તકો મેં મારા જીવનમાં પહેલીવાર જોયા. એક-એક કરીને હું પુસ્તક તેમને ત્યાંથી લાવતો, રાત-દિવસનું ભાન ભૂલીને વાંચતો અને પરત કરીને પાછા બીજા પુસ્તકો લઈ આવતો. મારા મનમાં બસ કંઈક કરી દેખાડવાનું ઝૂનુન હતું અને અંદરથી આગળ વધવા માટે એક સખત પ્રેરકબળ મળ્યા કરતું.

એકવાર મને બાળવાર્તા લખવાનું ખૂબ મન થયું. એ વખતે તો મને એ પણ ખબર નહીં કે અન્ય કોઈ લેખકે સર્જેલા પાત્રોનો ઉપયોગ કરીને આપણાથી વાર્તા ન લખાય. એ સમયે ઝગમગમાં યશવંતભાઈ મહેતાની બાળવાર્તાઓ આવતી. તે બાળવાર્તાના પાત્રોનો ઉપયોગ કરીને મેં સૌપ્રથમ બાળરહસ્ય કથા લખી. કૃતિ તૈયાર કરીને મેં ‘ઝગમગ’ માં મોકલી આપી. યશવન્તભાઈએ મારા રસને ઓળખ્યો અને તેને દિશા આપી. મારી કૃતિમાં પોતે સર્જેલા પાત્રોનો ઉપયોગ થયેલો જોવા છતાં મારા નામથી એ પાત્રો સાથેની કૃતિ તેમણે છાપી…. અને મારા જીવનમાં એક નવા અધ્યાયનો આરંભ થયો. તેમના માર્ગદર્શનથી મને જાણકારી મળી કે પાત્રોની રચના કેવી રીતે થાય, વાર્તા કેવી રીતે લખાય અને સંવાદો કેવી રીતે રજૂ કરાય.

nirmishbhai2

આ દરમિયાનમાં કાર્ટુનો દોરવાનું તો સતત ચાલુ જ હતું. મને જે મન થાય તે રીતના કાર્ટુનો હું દોર્યા કરતો. એ વખતે ‘રંગતરંગ’માં વિષ્ણુભાઈ પંડ્યા તંત્રીપદે હતાં. તેમની પાસે હું મારા કાર્ટુનના નમૂનાઓ લઈને ગયો અને તેમને યોગ્ય લાગે તો છાપવા વિનંતી કરી. અન્ય કોઈ હોત તો મારી ઠેકડી ઉડાવત અથવા તો મારી ઉપેક્ષા કરી દેત, પરંતુ વિષ્ણુભાઈએ મારા રસને ગંભીરતાથી નોંધ્યો. તેમણે મને નાસીપાસ ન કરતાં કલાને વિકસાવવા પ્રોત્સાહિત કર્યો. તેમણે મને કહ્યું કે પ્રેસમાં આપવા માટે કાર્ટુનો પેન્સિલથી ન દોરાય, તેમાં ઈન્કપેનનો ઉપયોગ તારે કરવો જોઈએ. એ પછી મને પ્રેસમાં લઈ જઈને છાપકામની પદ્ધતિ અને બીબાંઓ બતાવ્યા. કેવી રીતે છપાય છે તેની સમગ્ર પદ્ધતિથી મને વાકેફ કર્યો. મારા માટે આ એક નવી જ દિશા ખૂલી. મૂળમાં તો કાર્ટુનદોરવાની કલા પડી હતી તેથી પેન્સિલથી દોરું કે ઈન્કપેનથી તેનો મને કોઈ ફરક નહોતો. મેં એક પછી એક કાર્ટુનો દોરીને રંગતરંગમાં આપવા માંડ્યા. એ પછી ઘણા નવા નવા પ્રયોગો કર્યા. કાર્ટુન સાથે તેના પરિચય માટે હાઈકુ લખવું. કાર્ટુન સાથે કોઈ રમુજી કાવ્ય. ‘વ્યંગ કવન’ શીર્ષક હેઠળ મારા અનેક હાસ્ય-કાવ્યો તેમાં પ્રકાશિત થયા. કોઈ એક અંકમાં તો તેમણે દશ થી પણ વધારે મારા કટાક્ષચિત્રો પ્રકાશિત કર્યા. એ પછી લોકસત્તા, સંદેશ, ગુજરાત સમાચાર…. એમ સર્જનયાત્રા આગળ વધતી રહી અને તે સાથે સાથે નવા નવા ક્ષેત્રો ખૂલતા ગયા.

પ્રશ્ન : અભ્યાસકાળમાં તો બરાબર પરંતુ નોકરીમાં જોડાયા પછી આપ આ રસને કેવી રીતે જાળવી શક્યા ?
જવાબ : કૉલેજના પ્રથમ વરસ દરમ્યાન પિતાજીનું અવસાન થયું. ઘરના છ સભ્યોના ભરણપોષણની જવાબદારી મારા પર આવી પડી. ભણતર પૂરું કરતાની સાથે જ નોકરી શોધવાની ફરજ પડી. એ સમયે ડિપ્લોમા એન્જિનિયરોને સારા પગાર સાથે ઓ.એન.જી.સી.માં ઑફિસર તરીકેની નોકરી આપતાં. પરંતુ કોઈક કારણસર કેટલાક લોકોને તેમણે માત્ર ‘ઑપરેટર’ તરીકેની જોબ આપી. તેમાંનો હું એક હતો. એક નવો સંઘર્ષ મારા માટે શરૂ થયો. ‘ઓપરેટર’ એટલે ખેતરોમાંથી જે ગેસલાઈનો જતી હોય ત્યાં જઈને કામ કરવાનું. ખનીજતેલ વગેરેની સ્થિતિ જાણવા માટે ડ્રીલિંગ કરીને જમીનમાં 30-40 ફૂટ ઊંડે વિસ્ફોટ કરવાનો. એનાથી ધરતી ધ્રૂજે એટલે તેના રીડિંગ લેવાના, રીંગ ઈન્સ્ટોલ કરવાની વગેરે…. એ બધાં કામો એટલા જોખમી હતા કે તેમાં કેટલાય લોકોનો જીવ જતો. પરંતુ ઈશ્વરકૃપાથી હું સ્વસ્થતાપૂર્વક વિના કોઈ તકલીફે બધું કરી શકતો.

‘ઓપરેટર’ તરીકેની મારી ફરતી નોકરી હતી. મારા લગ્ન થયા એ પછી પણ મારે આ રીતે ફરતા રહેવાનું હતું. આજે કચ્છમાં તો કાલે સૌરાષ્ટ્રમાં, તો વળી ત્રીજે દિવસે દક્ષિણ ગુજરાતમાં…. ગમે ત્યાં… કંઈ જ નક્કી નહીં… આ રીતે જીવનના દસ વર્ષ મેં ખેતરના તંબૂમાં રહીને વિતાવ્યા છે. ગામડાના વિસ્તારો હોય એટલે રાત્રે લાઈટો પણ ન હોય. આખો દિવસ મજૂરી કરીને રાત્રે હું તંબૂમાં ફાનસના અજવાળે કાર્ટુનો દોરું. થાકથી આંખો ઘેરાય એટલે સૂઈ જઉં. વળી પાછો મધરાતે જાગું અને એકલો બેસીને કાર્ટુનો દોર્યા કરું. મારી અંદર કોઈ એવું બળ હતું જે મને સતત સર્જનાત્મક કામો કરવા પ્રેરતું. જીવના જોખમ વચ્ચે રહેવા છતાં મને આ શક્તિ સર્જનાત્મક વિચારો આપતી. મારા પાંચથી છ પુસ્તકો પ્રકાશિત થયા એ પછી પણ હું ખેતરોમાં રહીને જીવતો હતો. જેમ જેમ મુશ્કેલીઓ વધે તેમ તેમ જીવનમાં હાસ્યરસ વધારે ને વધારે ખીલતો જતો. હાસ્યલેખો, કાવ્યો, હાસ્યનવલકથાઓ વગેરેનું ઘણું મોટું સર્જનમેં ખેતરો વચ્ચે રહીને કર્યું છે. અખબારની કોલમો મેં કુદરતના ખોળે રહીને લખી છે.

સમય વીતતાં ઑફિસ યુનિયને ‘ઓપરેટરો’ માટે મેનેજમેન્ટ સાથે સંઘર્ષ કર્યો. તે પછી અમને બધાને ક્લાસ-ટુ ઑફિસર તરીકેની નિમણૂંક મળી અને પછીથી જીવનમાં આર્થિક સદ્ધરતા આવી. આજે ઓ.એન.જી.સી.માં કલાસ-વન ઑફિસર તરીકે છું પરંતુ મારું મૂળ કાર્ય તો એટલી જ દ્રઢતાથી હું કરું છું જેટલું ખેતરોમાં રહીને કરતો. મારે મન આર્થિક સદ્ધરતાનું એટલું મૂલ્ય નથી જેટલું સર્જનાત્મક કાર્યનું છે.

પ્રશ્ન : સાહિત્ય, કલા અને નોકરી…. આ બધા વચ્ચે આપ સંતુલન કેવી રીતે કેળવી શકો છો ?
જવાબ : દિવસના પાંચ-છ કલાકની ઊંઘ અને બે કલાક નિત્યકાર્યોને બાદ કરતાં, બાકીના સમયની પ્રત્યેક સેકન્ડનો હું ઉપયોગ કરું છું. ઑફિસમાં પણ કામની વચ્ચે જો મને બે મિનિટની ફૂરસદ મળતી હોય તો હું જે વિષયપર લખવાનું હોય એના મુદ્દા નોંધી રાખું છું, નાના હાઈકુ બનાવું છું, કોઈ પ્રતિકાવ્યોની રચના કરું છું અથવા હાસ્યનવલ માટેના પાત્રો વિચારી રાખું છું. સર્જન કરવા માટે મને કોઈ વાતાવરણની જરૂર રહેતી નથી. ખેતરોમાં ફાનસના અજવાળે લખી શકતો હોઉં તો અહીં તો પૂરી સગવડ છે !

મારા મનમાં કોઈ સર્જનાત્મક વિચાર આવે એટલે હું તેની પર બરાબર સંશોધન કરું છું. મારી પ્રત્યેક હાસ્ય-વ્યંગ રચનાઓને હું એક પ્રોજેક્ટ તરીકે લઉં છું. એ માટે ગુજરાત લેવલ પર, રાષ્ટ્રીય કક્ષાએ અન્ય ભાષાઓમાં અને આંતરાષ્ટ્રીય કક્ષાએ ક્યા ક્ષેત્રમાં શું લખાયું છે, ક્યા પ્રકારનું હાસ્ય લખાયું છે, ક્યા પ્રકારના કટાક્ષચિત્રો દોરાયા છે તેની વિસ્તૃત માહિતી એકઠી કરું છું. આ માટે ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. પ્રોજેક્ટ અનુસાર દિવસો સુધી મારા મન પર એ પ્રકારની ધૂન સવાર રહે છે. દાખલા તરીકે હાસ્ય નવલકથા લખવાની હોય તો મહિનાઓ સુધી હું તેમાં ઓતપ્રોત થઈ જાઉં છું. કોઈ નવો પ્રકાર સર્જવાનો હોય ત્યારે મારી સમગ્ર શક્તિ એક જ જગ્યા પર કેન્દ્રિત થઈ જાય છે. બસ, કોઈ પણ રચના કરતી વખતે જાણે હું તેમાં ડૂબી જાઉં છું.

પ્રશ્ન : નિર્મિશભાઈ, તમે ખરેખર અદ્દભુત રીતે કાર્ય કરી રહ્યા છો. સામાન્ય વ્યક્તિ શું આ રીતે કરી શકે ?
જવાબ : મૃગેશભાઈ, કેમ ન કરી શકે ? હું તો માનું છું કે ચોક્કસ કરી શકે. સર્જનાત્મક કામ કરવા માટે કોઈ ઉંમરનો બાધ હોતો નથી. ગમે તે ઉંમરે શરૂ કરી શકાય. કેટલાક મોટા ઑફિસરોને મેં એમ કહેતા સાંભળ્યા છે કે ‘અબ તો વો દિન નહીં…. અબ તો વો દિન ચલે ગયે…. ઉસ સમય હમ કવિતા કર લીયા કરતે થેં… અગર હમને યે કિયા હોતા તો….’ એ તમામ સાથે હું અસંમત છું. લાખો રૂપિયાનો પગાર લોકોને સ્થૂળ અને સ્થગિત કરી દે છે. વ્યક્તિ સાચી રીતે જાગૃત હોય તો કોઈ પણ રીતે પોતાની કલા વિકસાવી શકે છે. કુદરત આપણને તક અને મોકળાશ આપતી જ હોય છે પરંતુ આપણે તેનો સદઉપયોગ નથી કરતાં. ઉત્સાહ હોય તો 50 વર્ષે પણ કરાટે શીખી શકાય છે. કશું જ અશક્ય નથી પરંતુ તે માટે સખત મહેનત એટલી જ જરૂરી છે.

પ્રશ્ન : તમે ‘હાસ્યરસ’ ને કઈ રીતે જુઓ છો ?
જવાબ : બહુધા સાહિત્યના ક્ષેત્રમાં વ્યક્તિ એક ચોકઠામાં ફિટ થઈ જતો હોય છે. અમુક પ્રકારે, અમુક નિયત કરેલા પાત્રો દ્વારા લગભગ વર્ષોના વર્ષો સુધી એક જ પ્રકારની વાતો લઈને હાસ્ય પીરસાતું હોય છે. હું હંમેશા કંઈક નવી રીતે કરવાનું વિચારું છું. જેમ કે વિવેચન ગંભીર વિષય છે પરંતુ તેમાં પણ મને હાસ્યરસ દેખાય છે અને તેમાંથી સર્જાય છે ‘અવળ વિવેચન’ ! જુદા જુદા ક્ષેત્રોમાં હાસ્યતત્વને શોધીને તેને હાસ્યનું સ્વરૂપ આપું છું અને પરિણામે જે વૈવિધ્ય સર્જાયું છે તે સૌની નજર સમક્ષ છે. આ અગાઉ આ પ્રકારનું કાર્ય અન્ય કોઈ રીતે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં થયું હોય તેવું મારા ધ્યાનમાં નથી. ‘નિર્મિશાય નમ:’, ‘નિર્મિશીકરણ’, ‘શબ્દોના શીર્ષાસન’ વગેરે તેના પ્રત્યક્ષ ઉદાહરણો છે. મને મનોરંજનથી લઈને વ્યંગ સુધી તમામ પ્રકારનું સર્જન કરવું ગમે છે. સર્જન માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત રાખવું મને રુચતું નથી. વ્યંગ એટલે એકદમ ધારદાર વાત ! દેશ-દુનિયામાં કોઈ ઘટના બને તેનો તીવ્ર પ્રત્યાઘાત તમે વ્યંગથી આપી શકો. તેના દ્વારા તમે તમારા વિચારો વધુ સારી રીતે રજૂ કરી શકો. એક રીતે જોતા વ્યંગ-રચનાઓ કે વ્યંગચિત્રોનું સર્જન કરવું તે એક પ્રકારની સમાજસેવા જ છે.

પ્રશ્ન : છેલ્લો મારો પ્રશ્ન એ છે કે યુવાનો અથવા આવતી પેઢીના બાળકો તમારી જેમ કલાતત્વને કેવી રીતે વિકસિત કરી શકે ? શરૂઆત કેવી રીતે કરવી ?
જવાબ : મૃગેશભાઈ, મારું માનવું છે કે કલાકાર જન્મથી જ કલા સાથે લઈને આવતો હોય છે. પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ કલાતત્વ હોય છે. તેને જરૂર હોય છે યોગ્ય વાતાવરણ આપવાની. લોકો કહે છે કે ટી.વીએ દાટ વાળ્યો છે…. પરંતુ હું નથી માનતો. આપણી પાસે શ્રેષ્ઠ વસ્તુ હોય તો આપણે આપણા બાળકોને શ્રેષ્ઠ વસ્તુ ચોક્કસ આપી શકીએ. અને એકવાર જો તે ઉત્તમ સાહિત્ય અને કલામાં રસ લેતો થાય તો અયોગ્ય વસ્તુ તરફની તેની વૃત્તિ આપોઆપ છૂટી જાય. આમ છતાં, સાચો કલાકાર હશે એ તો ગમે ત્યાંથી પ્રગટ થવાનો જ છે. એને કોઈ રોકી શકવાનું નથી. જેનામાં બીજરૂપે એ તત્વ પડ્યું હશે એને તમે ડોક્ટર બનાવો કે એન્જિનિયર બનાવો….. જેવો એ થોડો સ્થાયી થશે કે તરત એના પગ સર્જનની દિશામાં ગતિ કરવા માંડશે. અંત:કરણમાં પડેલી કલા ક્યારે અને કઈ રીતે બહાર આવશે એ કહેવું અશક્ય છે. તેની યોગ્ય માવજત કરી તેને વિકસિત કરવા માટે તમારી વેબસાઈટ, લાઈબ્રેરીઓ, નિયમિત વાંચન વગેરે માધ્યમો ખૂબ અસરકારક નીવડી શકે છે.

આમ, એક સર્જકના જીવન અને સાહિત્યને નજીકથી જોવાનો એક પ્રયાસ પ્રેરણાદાયી રહ્યો. ગમે તેટલી મુશ્કેલીઓ વચ્ચે વ્યક્તિએ સમાજને ઉત્તમ કૃતિઓ આપતાં રહેવું જોઈએ તેવી લાગણી મનમાં થઈ આવી. તેમના ‘નિર્મિશીકરણ’ અને ‘સાહિત્યકારોના કટાક્ષચિત્રો’ : એમ બે પુસ્તક ભેટરૂપે મેળવીને ધન્યતા અનુભવી. બસ, નિર્મિશભાઈ આ રીતે તેમની અવનવી રચનાઓ દ્વારા આપણને હસાવતાં રહે તેવી રીડગુજરાતી તરફથી શુભેચ્છાઓ.

[નિર્મિશ ઠાકર. બી-9/31, ઓ.એન.જી.સી. કોલોની. PH-1, મગદલ્લા, સુરત-394518. મોબાઈલ : 9427504245. ઈમેઈલ : nirmish1960@hotmail.com]

(સુરતની અન્ય એક મુલાકાત માં ‘રીનાબેન મહેતા’ ને મળીશું આવતા સપ્તાહે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે આંખો – વ્રજેશ આર. વાળંદ
સફળયાત્રા – ભૂપત વડોદરિયા Next »   

48 પ્રતિભાવો : નિર્મિશ ઠાકર સાથે મુલાકાત – મૃગેશ શાહ

 1. સ-રસ મુલાકાત.

  નિર્મિશભાઈના હાસ્ય અને સંઘર્ષ વિશે સર્વ પ્રથમ વખત જાણવા મળ્યું.

 2. dipak says:

  ખુબ જ સરસ ……..

 3. આપના કારણે ગમતા લેખક ને જાણવાનો આવો અનેરો અવસર મળ્યો!!! સાચુજ કહ્યુ છે “ઉત્સાહ હ્યદય મા હોય તો સર્જનાત્મક પ્રવૃતિ કોઈ પણ ઊમરે અને પરિસ્થિતી મા થઈ શકે”
  ખુબ ખુબ આભાર મૃગેશભાઈ!!


  હેમંતગીરી ગોસ્વામી

 4. dineshtilva says:

  Mrugeshbhai, Interview nu audio athva video pan muko… to aur maja pade…. lekh vachi khub maja padi… dhanyavad….aavjo…

 5. salim says:

  pls read in Gujrati.

  aapno intervuh vachee ne khrekhr khushee thai
  kala mathana manvee dhre to shu` n karee shke te mate aapno dakhlo jrur aapee shkay
  hu maree jamtna temj bharna megezenoma kyarek kyare veecharo ane lekho lkhu chu a mara maze aapnee vato prrnarup bnee rheshe.

  khub khub dhnyvad aape apna job sathe aapnee asmeeta ane aapnee agvee shaileene shchvee shkya cho.
  sadruddin batada

 6. BHAUMIK TRIVEDI says:

  very nice …

 7. kauahik says:

  મને તમરો લેખ વાચિને આનદ થયો. ગુજરાતિ વચવાનુ મને બહુ ગમે છે.

  આભાર.

 8. Utkantha says:

  ખુબ જ સરસ્.. શ્રી નિર્મિશભાઈનું એક અલગ જ પાસું જાણવા મળ્યું. આભાર..

 9. JITENDRA TANNA says:

  ખુબ સરસ તેમ જ પ્રેરણાદાયિ લેખ. નીમીશભાઈને મળવાની મજા આવી. આભાર મૃગેશભાઈ આ રીતે ગુજરાતિ સાહિત્યના મોટા ગજાના લોકોની મુલાકાત કરાવવા બદલ. આપે કેટલાક સાહિત્યકારોની રૂબરૂ મુલાકાતો લેવાનો જે સીલસીલો ચાલુ કર્યો છે એ અમોને ખુબ જ ગમ્યુ છે.

 10. Dr. Bharat Parikh says:

  Enjoyed the interview!
  Got touched, moved and inspired!!
  Thanks.
  Bharat Parikh

 11. Shailesh says:

  સૌ પ્રથમ ખુબ ખુબ આભાર…

  આ મુલાકાતને કારણે એક આનંદ સાથે મારા એક લાંબા સમયથી મનમાં ઘુમરતા પ્ર્શ્નનુ નિરાકરણ આવી ગયુ.
  અને એ છે સમયનુ… હું ઘણા વખતથી મારા માટે સમય કેમ નિકાળવો તે બાબતે અસમંજસ મ હતો. જે મને આ મુલાકાતમાંના નિર્મિશભાઈના સમય સંતુલનના જવાબથી હલ થઇ ગયો. ફરીવાર ખુબ ખુબ ધન્યવાદ…

 12. NILESHKUMAR S. SURATI says:

  IDEAL AND FINE.

 13. suresh says:

  મ્રુગેશભઇ,
  ખુબ આભાર ,
  નિર્મિશ ભઇ ની મુલાકાત માણી,તેમનુ મેઇલ એડ્રેસ મ ળ તા ધ્ન્ય થયો.
  મારુ કામ સ ર લ થયુ……….બિજિ સુધિ આવ્જો…..

 14. તેમનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ.

 15. shouryaa says:

  i would like to congratulate nirmishbhai for his achievements inspite of so much struggle in his life , hats off to him!
  thanks mrugeshbhai for a truly touching interview.
  what an answer to the last question!

 16. Chirag Patel says:

  Excellent life, and truly prove, life is like flow of water thru’ road of rocks!

 17. pragnaju says:

  ‘સ્વાભાવિક રીતે પ્રસન્ન અને સહજ જીવન જીવી રહ્યા હોય તેવા કેટલાક સાહિત્યકારોની રૂબરૂ મુલાકાતો લેવાનો સીલસીલો હમણાં ચાલુ કર્યો છે.’
  આ િવચાર ઘણો ગમ્યો.
  લેખ વાંચીને આનંદ થયો.
  ઈચ્છીએ કે સૂરત પ્રદેશમાંમાં તો આ િસલસીલો વર્ષો સુધી ચાલશે!
  મુશાયરાઓ પણ માણશો

 18. અતુલ જાની (આગંતુક) says:

  રસપ્રદ મુલાકાત

  જ્ઞાની સે જ્ઞાની મીલે કરે જ્ઞાનકી બાત
  ગદ્ધે સે ગદ્ધા મીલે કરતે લાતાલાત

  એક સાહિત્યકાર જ્યારે અન્ય સાહિત્યકારને મળે ત્યારે તેમાંથી જે સાહિત્ય પ્રગટ થાય તે ઘણું જ મુલ્યવાન હોય છે.

  નિર્મિષભાઈનો છેલ્લો જવાબ ઘણો ઉત્સાહપ્રેરક છેઃ-
  “મૃગેશભાઈ, મારું માનવું છે કે કલાકાર જન્મથી જ કલા સાથે લઈને આવતો હોય છે. પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ કલાતત્વ હોય છે. તેને જરૂર હોય છે યોગ્ય વાતાવરણ આપવાની.”

 19. Nilam Nagar says:

  ખુબ જ સરસ……
  પહેલિ વખત આવુ કાંઈ વાંચવા મલ્યુ….

 20. Ashish Dave says:

  Love to read such interviews. Must salute to the fighting spirit of Nirmishbhai

  Sunnyvale,
  California

 21. Mrugesh bhai,
  Very good going…..

  મને આ લેખ વાંચીને ખૂબ જ આનંદ થયો…..આ રીતે જો તમે અમારા મનગમતા લેખકોની મુલાકાતો કરાવતા રહેશો તો આની ક્યાંક ટેવ ના પડી જાય….

  એક કલાકારે તેની કલાને માવજત આપવા કરેલી મહેનત અને ત્યાગ તે જ તેની કલા પ્રત્યેની સાચી લગની બતાવે છે. અને મને નિર્મિશભાઈની એક વાત ખરેખર સાચી લાગી…

  સાચો કલાકાર હશે એ તો ગમે ત્યાંથી પ્રગટ થવાનો જ છે. એને કોઈ રોકી શકવાનું નથી. જેનામાં બીજરૂપે એ તત્વ પડ્યું હશે એને તમે ડોક્ટર બનાવો કે એન્જિનિયર બનાવો….. જેવો એ થોડો સ્થાયી થશે કે તરત એના પગ સર્જનની દિશામાં ગતિ કરવા માંડશે

  મેં મારા ધણા એન્જીનીયર મિત્રો ને જોયા છે…..પ્રસ્તુત સમય માં લોકો તેમને ગુજરાતી સાહિત્ય ગમે છે કે તે વાંચે છે એમ કહેશે તો લોકો તેના પર હસશે તેમ માની લોકો પોતાનો શોખ દબાવી રાખે છે…..

  પણ હવે બ્લોગના માધ્યમ થી આ વાત જરા સરળ થઈ ગઈ છે….કમસે કમ મારા ત્રણ સહકર્મીઓને મે બ્લોગ બનાવતા શીખવ્યું……અને જુઓ મજા……તેમની નિકલ પડી છે…..

  સરસ……..નિર્મિશભાઈ વિષે વાંચીને આનંદ થયો…

 22. neetakotecha says:

  તેમણે મારા રસને ઓળખ્યો અને તેને દિશા આપી.

  બસ આ દિશા આપનારા ઓ ની જ જરુરત છે.

  તમે ડોક્ટર બનાવો કે એન્જિનિયર બનાવો….. જેવો એ થોડો સ્થાયી થશે કે તરત એના પગ સર્જનની દિશામાં ગતિ કરવા માંડશે.

  આ બહુ સરસ વાત કહી છે ‘નિર્મિશભાઈ એ..

  મ્રુગેશ ભાઈ આપના કારણે ગમતા લેખક ને જાણવાનો આવો અવસર મળે છે અને અમને માર્ગદર્શન મળે છે..આપનો ખુબ ખુબ આભાર..

 23. chetu says:

  અંત:કરણમાં પડેલી કલા ક્યારે અને કઈ રીતે બહાર આવશે એ કહેવું અશક્ય છે. તેની યોગ્ય માવજત કરી તેને વિકસિત કરવા માટે તમારી વેબસાઈટ, લાઈબ્રેરીઓ, નિયમિત વાંચન વગેરે માધ્યમો ખૂબ અસરકારક નીવડી શકે છે.

  સાવ સાચેી વાત ..!

  અભિન્ંદન મૃગેશભાઈ …નિર્મેીશભાઇ..!…

 24. Manan says:

  ખુબ જ સરસ! ખુબ ખુબ શુભેચ્હા!

 25. meghna says:

  really touchy story.
  there is so much we can learn from this article.

  thank you so much mrugeshbhai.

 26. nilamhdoshi says:

  સરસ ઇન્ટરવ્યુ..સરસ મુલાકાત…વાંચવાની અને માણવાની મજા આવી… આભાર….મૃગેશભાઇ..

 27. Lata Hirani says:

  આ બહુ સરસ કામ કર્યુ તમે..આંમ પણ સરસ કામો જ કરો છો.. નિમેષભાઈ વિશે વાચવાની મજા આવી…

  લતા હિરાણી

 28. dinesh patel says:

  મૃગેશભાઈ,

  પહેલુ તો ઈ-મેઈલ માટે ખૂબ આભાર..

  બહુ જ સરસ લેખ છે અને એટલો જ inspirational..

  અનંત શુભેચ્છાઓ આપને !

 29. Vikram Bhatt says:

  “જેમ જેમ મુશ્કેલીઓ વધે તેમ તેમ જીવનમાં હાસ્યરસ વધારે ને વધારે ખીલતો જતો.”
  ખુબ સરસ વિધાન.

 30. […] # તેમની સાથે એક રસપ્રદ મુલાકાત […]

 31. સુંદર મુલાકાત-લેખ… વાંચવાની ખૂબ જ મજા આવી.
  નિર્મિશભાઈ વિશે આટલું બધું જાણવા મળ્યું એ માટે મૃગેશનો ખૂબ ખૂબ આભાર… અને આ અંગત મુલાકાત-લેખોનો સીલસીલો ચાલુ કરવા માટે અભિનંદન.

 32. ભાવના શુક્લ says:

  નિર્મિશભાઈને હાસ્ય નિરુપણોતો વાચ્યા જ હતા, આજે તેમના અંગત વિચારો પણ જાણવા મળ્યા. અનેક તકલોફોનો પ્રમાણિકતાથી સ્વિકાર અને સામનો કરનારા નિર્મિશભાઈને અને તેમની કલાને ખરેખર પ્રણામ્.

 33. રસપ્રદ મુલાકાત……………………………….
  લેખ વાંચીને આનંદ થયો……………

 34. Saiyed Kazimraza says:

  મને ગુજરાતિ વાનુ બહુજ ગમે ક..

  સૈયદ કાઝીમરઝા

 35. Hiral Thaker "Vasantiful" says:

  Thank you very much for sharing your visit with Mr Nirmish Thaker.

 36. […] મૃગેશ શાહની નિર્મિશભાઈ સાથેની મુલાકાતમાંથી એમના વિશે ઘણું બધુ પ્રથમવાર […]

 37. saiyed kazim says:

  આજે World Reader ( Book ) Day અને શેક્સ્પિયર નો જનમિદ્વસ . હુ બ્ધા ને ખુબ ખુબ
  અિભ્ન્દ્ન પાથ્વુ …..

 38. nirlep bhatt says:

  Nimishbhai has done a remarkable work in gujarati literature……..it’s heartening to note that he has managed to do work despite, going through all thick & thin in lilfe……..khub saras lekhak, hasyakar ane etla j saras manas. thanks, Mrugeshbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.