અંતવેળાએ – ઈશા-કુન્દનિકા

antvelae[કુન્દનિકાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘અંતવેળાએ’માંના કેટલાક અંશો અહીં રજૂ કરવામાં આવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ કુન્દનિકાબેનનો (નંદિગ્રામ, વલસાડ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે.]

[1]
મૃત્યુ તો ઈશ્વર તરફથી મળેલું વરદાન છે.
મૃત્યુમાં જે દુ:ખ માનવામાં આવે છે તે વાસ્તવમાં જીવનનું દુ:ખ છે. રોગાદિથી થતું દુ:ખ એ મૃત્યુનું ફળ નથી, જીવનના અસંયમનું ફળ છે. મૃત્યુ તો આપણને તેમાંથી છોડાવે છે. એ પીડાની સાથે મૃત્યુને કંઈ લેવાદેવા નથી. એ તો મૃત્યુને માથે ચડાવેલું નાહકનું આળ છે.

મૃત્યુનાં કુલ ચાર દુ:ખ છે : શરીર-વેદનાત્મક, પાપ-સ્મરણાત્મક, સુહૃન્મોહાત્મક અને ભાવચિંતનાત્મક. એના ઉપાય ક્રમાનુસાર આ પ્રમાણે છે : નિત્યસંયમ, ધર્માચરણ, નિષ્કામતા અને ઈશ્વરમાં શ્રદ્ધા.

મૃત્યુના દુ:ખને ટાળવા માટે મૃત્યુને હંમેશાં યાદ રાખવું, બુદ્ધિમાં મરણ-મીમાંસા દ્વારા નિ:સંશયતા પેદા કરવી અને રોજ રાતે સૂતાં પહેલાં મરણનો અભ્યાસ કરવો; આમ આવી ત્રેવડી સાધના કરતાં રહેવું. – વિનોબા ભાવે.

[2]
મૃત્યુ અસ્તિત્વનો નિયમ છે; શાણા લોકો એના અપવાદને જીવન કહે છે. દરેક વૃદ્ધિ પામતી વસ્તુ વિલય પામે છે, દરેક ઊગવાનો અંત ખરવામાં આવે છે, દરેક મિલન જુદાઈમાં પરિણમે છે. ખરે જ, દુનિયાનો આ નિયમ છે. – યોગવાસિષ્ઠ

[3]
મૃત્યુ એટલે શરીરનું ખરી પડવું, નહિ કે વ્યક્તિગત અસ્તિત્વનું ભૂંસાઈ જવું. માણસ બીજા દેશમાં જાય અને તે દેશની આબોહવાને અનુરૂપ પોતાનાં કપડાં બદલી નાખે, એથી તે મૃત્યુ પામતો નથી. આધ્યાત્મિક સાધક માટે મૃત્યુ એ ફકત એક જીવનમાંથી બીજા જીવનમાં પસાર થવાનો માર્ગ છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામતી નથી પરંતુ વિદાય લે છે.

અપરિપક્વ ઉંમરમાં ઓચિંતો અકસ્માત અથવા ભયંકર મૃત્યુ, જે પૃથ્વી પરના ટૂંકા ગાળાનું અસ્તિત્વ જેને જીવન કહીએ છીએ તેનો દોર કાપી નાખે, તે ખાસ કરીને દુ:ખદાયક અને કમનસીબ લાગે છે. પરંતુ જે વ્યક્તિ બાહ્ય દેખાવથી પર થઈ જાય છે તે જાણે છે કે આત્માની પ્રગતિમાં જે કાંઈ વસ્તુ બને છે તેનો કોઈક અર્થ, કોઈક જરૂરિયાત હોય છે. તે વ્યક્તિ જાણે છે કે દિવ્ય નિયતિમાં જે કાંઈ બને છે તે ઉત્તમ માટે જ હોય છે, પછી ભલે તે મનને ભિન્ન રીતનું લાગતું હોય.

જે વસ્તુ બની ગઈ છે તેને એક નિયત વસ્તુ તરીકે અને આત્માની જન્માંતરની પ્રગતિ માટેની ઉત્તમ વસ્તુ તરીકે શાંતિથી સ્વીકારી લેવી જોઈએ. મૃત્યુ પામેલા માણસ માટે શોક કરીને અથવા તેમને ઝંખ્યા કરીને તેમને અહીં પૃથ્વી પર ખેંચી રાખવાનું કાર્ય ન કરવું જોઈએ. આપણે એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જે તેમને પૃથ્વીની નજીક ખેંચી રાખે, અથવા તેમની આગળ જવાની મુસાફરી વિલંબમાં નાખે. મૃત્યુ પામેલા માણસો માટે દુ:ખ કે શોક કરવો એ તેમની પ્રગતિને અટકાવે છે અને તેમના માર્ગમાંથી તેમને પાછા ખેંચી રાખીને પૃથ્વીના વાતાવરણ સાથે બાંધી રાખે છે. ઘણા લાંબા સમય સુધી ચાલુ રાખેલો શોક મૃત આત્માને તેની મુસાફરીમાં મદદ નથી કરતો, પણ તેની મુસાફરીને ઢીલમાં નાખે છે. – શ્રી અરવિંદ

[4]
જીવન અને મૃત્યુ એ બે અલગ બાબતો નથી. શું દરેક ક્ષણ માટે આપણે જીવીએ છીએ તેમ આપણે મરતા પણ નથી ? મૃત્યુ અજ્ઞાત છે એટલે તેનો ડર લાગે છે. ખરેખર તો જ્ઞાતનો ડર હોવો જોઈએ, અજ્ઞાતનો નહિ, કારણ કે તેની તો આપણને ખબર જ નથી. ડર લાગે છે જ્ઞાતને ગુમાવવાનો. મૃત્યુ આપણાં સુખોને છીનવી લે છે તેનો ડર લાગે છે, માલિકીભાવનો અંત આવશે તેનો ડર લાગે છે.

જગતમાં સર્વત્ર જીવન-મૃત્યુની પ્રક્રિયા ચાલે છે. ફૂલ ખીલે છે, ખરી પડે છે. જીવનની આ સમગ્ર ગતિને સમજવાની જરૂર છે. બાળકોને પણ મૃત્યુને સમજતાં શીખવવું જોઈએ. મૃત્યુમાં કશું જ ડરામણું નથી. મૃત્યુ કોઈ સાઠ, સિત્તેર કે સો વર્ષે બનતી ઘટના નથી. એ દરરોજ બનતી બાબત છે. તેના સહજ સ્વીકાર અને સમજથી મૃત્યુનો ભય નાશ પામે છે. – જે. કૃષ્ણમૂર્તિ

[5]
મરણ એ ઈશ્વરે આપણને આપેલું ઉત્તમ વરદાન છે. મરણ ન હોત તો આપણી શી દશા થઈ હોત ? અનંતકાળ પર્યંત જીવતાં જ રહેવાનું, જીવતાં જ રહેવાનું ? એથી શું માણસ હેરાન ન થાય ? ક્યાંક તો જીવનનો અંત આવે જ ને ? ગાંધીજી કહેતા કે જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુ:ખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઈ જાય છે, તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ.

માણસ પાસે પ્રસન્નતા હોય તો, તેને જેવી ઉત્તમ રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પૂરું કરતાં પણ આવડવું જોઈએ. મરણનું સ્મરણ જો ઉત્કટતાથી જાગ્રત રહે તો માણસ ઘણી ઘણી ભૂલો અને ગુનામાંથી પોતાને ઉગારી શકે. તેના જીવનમાં ઊંડાણ આવે. નકામી વાતોમાં તે પોતાનો સમય બરબાદ નહિ કરે. જીવનને કૃતાર્થ બનાવવાના તેના પ્રયત્નોમાં તેને સફળતા મળશે. મરણ અનિવાર્ય જ છે. તો પછી તેને જ આપણે આપણા જીવનનો ચોકીદાર કેમ ન બનાવવો ? જીવન માટે મરણ આવશ્યક છે, અનિવાર્ય છે. મરણ વિના જીવનની પૂર્તિ થઈ શકતી નથી, તેમ જ જીવનમાં પ્રગતિ માટે, નવા નવા ઉન્મેષ માટે અવકાશ જ રહેતો નથી. મરણના ચમત્કાર વગર જીવન જડ અને નીરસ બને છે. મરણ છે તો તાજગી છે, ઉત્સાહ માટે અવકાશ છે. હું તો એટલે સુધી કહું કે મરણ વિના જીવનમાં આસ્તિકતા પણ નહિ રહે.

મરણને પણ, જો ન્યાય કરવો હોય તો તેને મનુષ્યનો પરમ મિત્ર કહેવો જોઈએ. મોટા મોટા ધન્વંતરિ અને મનોવૈજ્ઞાનિકો પણ જે શાંતિ અને સાંત્વન માણસને આપી નથી શકતા, તે આ પરમ સખા નિશ્ચિત અને સ્થાયી રૂપે આપે છે. ખરેખર તો મરણમાં દુ:ખ નથી. જેને આપણે મરણનું દુ:ખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠી જીવવાનું દુ:ખ છે. એ દુ:ખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુ:ખમાંથી છુટકારો કરે છે. દુ:ખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. – કાકા કાલેલકર

[6] મૃત્યુ પરત્વે જાગૃતિનો અભ્યાસ કરવા માટે કેટલાક સુત્રો.

1. દરેકનું મરણ.
2. આપણું આયુષ્ય સતત ઓછું થઈ રહ્યું છે.
3. મનનો વિકાસ કરવા માટે જે સમય ખર્ચ્યો છે તે ઘણો જ થોડો છે. મૃત્યુની ક્ષણ સાવ અનિશ્ચિત.
4. મનુષ્યની આવરદા કેટલી તો અનિશ્ચિત છે !
5. મૃત્યુ થવા માટે ઘણાં કારણો હોય છે.
6. મનુષ્યદેહ સહજમાં તૂટી જાય તેવો છે.
7. આપણા આનંદપ્રમોદ અને આપણી માલિકીની વસ્તુઓ આપણને મદદ કરી શકે તેમ નથી.
8. આપણા પ્રિયજનો મદદ કરી શકે તેમ નથી.
9. આપણું પોતાનું શરીર મદદ કરી શકે તેમ નથી.

[7]
હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે દરેક સ્ત્રી
અને દરેક પુરુષ સત્યનો પ્રકાશ પામવા મથશે અને સર્વના
કલ્યાણ માટે સાદાઈ અને શાણપણભર્યું
જીવન જીવશે, કર્મના બંધનમાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવશે
અને મૃત્યુના આગમનથી ઉદ્દભવતાં પીડા અને શોકથી
કોઈનેય સહન કરવું નહિ પડે. માણસે ફકત પોતાના તાર
મેળવતાં શીખવાનું છે અને વિશ્વના સંગીત સાથે તેના
સૂર સંવાદી બનીને વાગે તે જોવાનું છે. પછી મૃત્યુ
એ હાલરડાનું મધુર સંગીત બની રહેશે. – સ્વામી રામ.

[8] મૃત્યુ : ભગવાનની દેણ

દેવલીનો એક છોકરો પરમ દિવસે અહીં દવાખાનામાં ગુજરી ગયો. એનું મૃત્યુ બોધદાયક છે. ઝાઝું ભણ્યોગણ્યો નહોતો. મિત્રો સાથે મળીને એણે એક વ્યાયામશાળા ખોલી હતી. ત્યાં કુસ્તી લડતાં એની ડોકનું હાડકું તૂટી ગયું અને શરીરનો ઉપરનો કે નીચેનો ભાગ અલગ થઈ ગયા. ઉંમર 22-23 વર્ષની હશે.

એક દિવસ સાંજે, પ્રાર્થના આશ્રમમાં કરવાને બદલે ઈસ્પિતાલમાં એના ઓરડામાં કરી. ગીતાઈના 5, 6 અધ્યાય એને યાદ હતા, તે એ બોલ્યા કરતો હતો. મને જોઈને ખૂબ આનંદ થયો અને જ્યારે એ ખૂબ ઉત્સાહથી બોલ્યો કે હું સાજો થવાનો જ છું, ત્યારે છોકરો ગફલતમાં ન રહે એ સારું મેં કહ્યું, ‘સાજા થવું ન થવું, એ તો ભગવાનના હાથમાં છે, એની ચિંતા આપણે શા માટે કરવી ?’ ત્યારે તે બોલ્યો : ‘કોઈ ચિંતા નહિ. કર્તવ્ય કરવાનો આપણો અધિકાર છે, ફળ એના હાથમાં છે. અનાસક્તિનું આચરણ એ જ આપણો ધર્મ છે.’

એને પૂછ્યું કે કોઈ સંદેશો કહેવો છે ? ત્યારે તેણે જે સંદેશા દીધા તે બોધપ્રદ છે. પત્નીને સંદેશો દીધો : ‘બીજાં લગ્ન કરી લેજે અને આનંદથી રહેજે.’ મિત્રોને સંદેશ મળ્યો : ‘મારી આવી સ્થિતિ જોઈને કુસ્તી લડવાનું છોડી ન દેતા. છોડવાનું કોઈ કારણ નથી.’ હકીકતમાં મૃત્યુ તો ભગવાનની દેણ છે. આપણો પ્રેમ સાચો હશે અને સેવાની વ્યાકુળતા હશે તો દેહત્યાગને કારણે આપણે મિત્રોથી દૂર ન જતાં વધુ નજીક પહોંચીશું. – વિનોબા ભાવે.

[કુલ પાન : 114. કિંમત રૂ. 85. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો રસભર થઈએ – અનિલ ચાવડા
રસિકતા અને વિદ્વત્તાનો સુયોગ – રઘુવીર ચૌધરી Next »   

9 પ્રતિભાવો : અંતવેળાએ – ઈશા-કુન્દનિકા

 1. કહે છે કે જીવન સફર છે અને મ્રુત્યુ એ મંઝીલ છે, સફર શરુ થઈ છે તો પૂરી તો થશેજ….?
  બસ આપણને સફર માં જ મજા માણવી છે…..મંઝીલના આનંદને આપણે વિચારતા જ નથી
  અને એટલે જ સફરમાં એટલી આસક્તી થઈ જાય છે કે આપણે ભૂલી જઈએ છે કે મંઝીલ રોજે રોજ નજીક જ આવે છે…..

  આવા વિચારો તો સંત હ્રદયજ આપી શકે…..કુન્દનિકાબહેનનો ખૂબખૂબ આભાર

  ઘણા લોકો પોતાના પુસ્તકો વંચાવવા માટે પ્રચાર કરે છે, પણ એ વાંચવા નથી ગમતાં.
  અને તદન થોડા લોકોના પુસ્તકો અને ખાસ તો એમના વિચારો વાંચવા આપણે પસંદ કરીએ છીએ કારણ કે એ ઘણી વાર જીવન માર્ગ પર મુસાફરીની સાચી માહીતી આપે છે…..આવા મૂલ્યો આપવા બદલ પણ કુન્દનિકાબહેનનો ખૂબખૂબ આભાર….

  And mrugesh bhai……repetation of this sentence may be many thousand times for you each day…..”Good work….keep it up please”

 2. અંતકાળમા આપેલા (6) સુત્રો મુર્ત્યુ પરત્વે જાગુર્તિનો અભ્યાસ કરવા માટે ઉપયોગિ છે, છોકરા નુ મ્રુત્યુ બોધદાયક મા તેના મુખે થિ કુન્દનિકાબેને સારો બોધ આપ્યો, કોઈ ચિતા નહિ કર્ત્વ્ય કરવાના આપણૉ અ ધિકાર ફળ એના હાથ મા છે,અનાસકતિનુ આચરણ એજ આપણૉ ધર્મ કુન્દનિકા બેન નો લેખ બહુ ગમ્યો આવા લેખ આપતા રહો ,,, તમારો આભાર…..

 3. pragnaju says:

  તમને મૃત્યુનો ભય છે?…
  જેને જૉયું નથી, જાણ્યું નથી તેનો ભય કેવી રીતે હોઈ શકે?
  મનને એનાથી મુકત કરી દઈએ તો ભય ટળી જાય.
  તમારે એક જ કલાક જીવવાનું હોય તો તેની પળેપળ તમે પૂર્ણતાથી જીવશો. તેવું જ સમજીને જીવનની પળેપળ જીવો તો તમને મૃત્યુનો કોઈ જ ભય લાગશે નહીં? —
  આવો પરોપદેશે પાંડીત્ય લાગે તેવી વાત ખૂબ જ સુંદર રીતે સમજાવી છે.
  તેનૂ મનન ચીંતન કરતા શાન્તી લાગે છે
  ધન્યવાદ

 4. sudhakar hathi says:

  please read kaka kalelkarnu param sakha mrutu death is a deep shanti it is a deep sleep fear of death it gives money to doctor and dharam guruno body knows about death accept it and enjoy it dr sudhakar

 5. Jatin Gandhi says:

  ઉત્તમ્…,
  જિન્દગિ ના બ્દ્દધા રસ્તા મોત તરાફ જાય છે,
  તમારે ક્યા જવાનિ ઉતાવળ છે..,

 6. અતુલ જાની (આગંતુક) says:

  મૃત્યુ વીશે સુંદર અને મનનીય વિચારો.

  ભારતીય તત્વ-ચિતંકો અને આધ્યાત્મિક મહાપુરુષોએ મૃત્યું વિશે ઉંડુ ચિંતન કરેલ છે અને તેના પરિપાકરુપે મૃત્યુ વિષે સમજણ આપેલ છે.

  આપણા તત્વચિંતકો અને શાસ્ત્રના મત પ્રમાણે પ્રત્યેક જીવાત્મા એક નહી પણ ત્રણ શરીર ધરાવે છે. જેને તેઓ ૧.સ્થુળ શરીર ૨. સુક્ષ્મ શરીર અને ૩.કારણ શરીર તરીકે ઓળખાવે છે.

  સામાન્ય રીતે સુક્ષ્મ શરીરનો સ્થુળ શરીરથી થતો વિયોગ મૃત્યું તરીકે ઓળખાય છે. પરંતુ જ્યાં સુધી સુક્ષ્મ શરીર (વાસનાઓ – ઇચ્છાઓ) નું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી તે ફરી પાછું નવું સ્થુળ શરીર ધારણ કરે છે.

  વાસનાત્મક અથવા સુક્ષ્મ શરીરની ઉત્પત્તિ કારણ શરીરમાંથી થાય છે. કારણ શરીર અવિદ્યામાંથી ઉત્પન્ન થાય છે. અવિદ્યા માયામાંથી ઉત્પન્ન થાય છે. માયા તે પરમાત્માની એક અચિંત્ય શક્તી છે જેને પરમાત્માની કૃપા વગર સમજી શકાતી નથી.

  શ્રીમદ ભગવદ ગીતાના ૨ જા અધ્યાયમાં મૃત્યુ વીશે સુંદર સમ્જુતી આપવામાં આવી છે.

  જન્મે તે મરતુ સદા – મરેલ જન્મે તેમ
  તેવો જગનો નિયમ છે – દુઃખી થવુ તો કેમ (સરળગીતા)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.