રસિકતા અને વિદ્વત્તાનો સુયોગ – રઘુવીર ચૌધરી

[જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીના શિક્ષક શ્રી ભોળાભાઈ પટેલને ચાલુ વર્ષે ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળ્યો, ત્યારબાદ તા. 19-1-2008ના રોજ દર્શક ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય એવોર્ડ (2007) પ્રાપ્ત થયો અને એ પછી પદ્મશ્રી જાહેર થયો. આ પ્રસંગને વધાવતાં ‘ઉદ્દેશ’ સામાયિક ફેબ્રુ-08 ના અંકનો આ લેખ સાભાર પ્રકાશિત કરવામાં આવે છે. સાથે સાથે શ્રી ભોળાભાઈ પટેલને રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન.]

bholabhaiભોળાભાઈ પટેલ (જ.તા. 7-8-1934) ના પ્રસન્ન વ્યક્તિત્વની ખૂબી એ છે કે ઉંમરે એમની તાજગીને ઝાંખી પાડી નથી. એમની સહૃદયતા પાંડિત્યના ભારથી દબાઈ ગઈ નથી. એમનું હાસ્ય ‘ત્ર્યંબકના અટ્ટહાસ્ય’ નો વારસો ધરાવે છે. એમની પૂર્વસંમતિ વિના કેન્દ્ર સરકારે પદ્મશ્રીનું સન્માન જાહેર કર્યું છે પણ એમનો સ્વભાવ કશું નકારવાનો નથી, તેથી કદરની લાગણી સાથે એ સ્વીકારશે. અભિનંદન !

સહૃદય વાચકો મળ્યા એ પહેલાં ભોળાભાઈને વિદ્યાર્થીઓ મળ્યા. યોગ્યતા હોય તેને આ બંને મળે જ. શિક્ષક તરીકેની ભોળાભાઈની યોગ્યતા જાણે કે જન્મજાત ન હોય ! કડી સર્વવિદ્યાલયમાં શ્રી મોહનલાલ પટેલ જેવા ગુરુઓએ સાહિત્યનો રસ જગાવ્યો, ભાષાઓ પ્રત્યે પ્રેમ કેળવ્યો. મેટ્રિક થઈ તેઓ શિક્ષક થયા. ઉમંગથી ભણાવતા. ભણાવવાની સાથે એવું ભણ્યા કે જોતજોતામાં બી.એ. એમ.એ. થઈ અધ્યાપક થયા. (1960) પછી ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દીના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે કામગીરી કરી. (1968થી 94) 1977માં ‘અજ્ઞેયજી એક અધ્યયન’ વિષય પર તેમણે પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.

નગીનદાસ પારેખ પાસેથી શિષ્યભાવે બંગાળી શીખ્યા. તેમની સાથે 1964થી 78 સુધી બંગાળી સાહિત્યનું વાચન કર્યું. ઉપયોગી થવાતું હોય તો થવાની ભોળાભાઈ પટેલની તૈયારી હોય છે. ગુજરાત વિદ્યાસભાની કારોબારીમાં હતા, હવે પ્રમુખ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના 1998 થી 2003 સુધી અધ્યક્ષ રહ્યા. 1974 થી 2000 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક ‘પરબ’ ના તંત્રી-સંપાદકની જવાબદારી સંભાળી કે.કે. બિરલા ફાઉન્ડેશનના તુલનાત્મક ભારતીય સાહિત્યના ફેલો તરીકે (1996 થી 98) કામ કર્યું તો શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીએ તેમને 1983માં ફેલો તરીકે નિમ્યા. બંગાળીમાં વાત કરી શકે તેવી તેમની સજ્જતા છે. દિલ્હી સાહિત્ય અકાદમીના વહીવટમાં સક્રિય રહ્યા, પરંતુ સ્પર્ધાનો ભાવ નહિ.

એમની સ્મૃતિ અદ્દભુત છે. સંસ્કૃતનાં આખાં ને આખાં પુસ્તકો હાથમાં રાખ્યા વિના ભણાવે. જર્મન અને ફ્રેંચ ભાષા શીખ્યા છે. ભાષાવિજ્ઞાનમાં અનુસ્નાતક ડિપ્લોમા ધરાવે છે. હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં એમ.એ. (1970) કર્યું છે. ઉડિયા-અસમિયામાંથી અનુવાદો કર્યા છે. ‘વનલતા સેન’, ‘ચાર અધ્યાય’, ‘સમકાલીન અસમિયા કવિતા’, ‘સૂરજમુખીનાં સ્વપ્ન’, ‘ઈયારુઈંગમ (જેને શ્રેષ્ઠ અનુવાદનો પુરસ્કાર (1998) મળેલો છે.)’, ‘નગ્નનિર્જન હાથ’ વગેરે એમણે કરેલા જાણીતા અનુવાદો છે. તો રઘુવીર ચૌધરી સાથે ઉમાશંકરના ‘નિશીથ-પ્રાચીના’ નો હિન્દીમાં અનુવાદ કર્યો છે. એમના પ્રવાસનિબંધોને સમજવામાં આ ભૂમિકા ઉપયોગી થાય તેવી છે.

કવિતા એમને અન્ય કળાઓની સંનિકટ લઈ ગઈ. હિમાલયમાં એમને ભવ્યતા, દિવ્યતા અને સુંદરતાનો સમન્વય સુલભ થયો છે. એમની સંવેદનશીલતા સંકુલતા અને સૂક્ષ્મતા દાખવે છે તેનાં દષ્ટાંતો એમના પ્રવાસનિબંધોમાં ઠેરઠેર મળશે. એમના પ્રવાસનિબંધોમાં નિબંધ અને ડાયરીના સ્વરૂપનો સંગમ થયેલો છે. હરીન્દ્ર દવેએ યોગ્ય જ કહ્યું છે કે વિવેચક ભોળાભાઈની વિદ્વતામાં રસિકતા છે અને પ્રવાસવર્ણનની રસિકતામાં વિદ્વતાની સરવાણી છે. કાકાસાહેબ કાલેલકર, સુરેશ જોષી, દિગીશ મહેતાએ ગુજરાતી લલિત નિબંધને આગવી રીતે સમૃદ્ધ કર્યા છે, તેમાં ભોળાભાઈ પ્રવાસનિબંધનું એક નવું પરિમાણ ઉમેરે છે. સાહિત્યિક સંદર્ભોના વિનિયોગની દષ્ટિએ તેઓ સુરેશ જોષી સાથે છે અને રખડપટ્ટીના બહોળા અનુભવની દષ્ટિએ તે કાકાસાહેબ સાથે છે. વિદિશા (1980), પૂર્વોત્તર (1981), કાંચનજંઘા (1985), રાધે તારા ડુંગરિયા પર (1987), બોલે ઝીણા મોર (1991), શાલભંજિકા (1992), દશ્યાવલી (2000) અને યુરોપ અનુભવ (2004) એનાં ઉત્કૃષ્ટ દષ્ટાંતો છે. દેવોની ઘાટી (1983)નું સાહિત્ય અકાદમી દિલ્હીના ઍવોર્ડથી (1993) અને દેવાત્મા હિમાલય (1990)નું ઘનશ્યામદાસ શરાફ પુરસ્કારથી ગૌરવ થયેલું છે.

સહૃદય સાથેની ભાગીદારીનું તત્વ પ્રવાસનિબંધોમાં ઉપકારક નીવડ્યું છે. ‘વિદિશા’ નિબંધ પ્રવાસનિબંધનો અપૂર્વ અને અનન્ય નમૂનો છે. લેખક લૌકિક ધરાતલ પર ઊભા છે, પરંતુ નિબંધ યુધિષ્ઠિરના રથની જેમ દશાંગુલ ઊંચે ચાલે છે. ‘દેવાત્મા હિમાલય’, ‘દેવોની ઘાટી’ અને ‘કાંચનજંઘા’ પુસ્તકો એક સાથે વાંચવા જેવાં છે. તેમાં ભારતનાં સૌંદર્યસ્થાનોનું પાન છે. નિરંજન ભગત કૃત ‘પ્રવાલદ્વીપ’ અને ‘બોદલેર’નાં નગરકાવ્યો વિશેનો એમનો લેખ ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયો (1963). એણે ભોળાભાઈને ગુજરાતી સાહિત્ય-જગતમાં સીધો પ્રવેશ અપાવ્યો. પ્રૌઢ વિવેચક ઠર્યા. અધુના (1973), ભારતીય ટૂંકી વાર્તા (1973), પૂર્વાપર (1976), કાલપુરુષ (1979), આધુનિકતા અને ગુજરાતી કવિતા (1987) સાહિત્યિક પરંપરાનો વિસ્તાર આદિ પુસ્તકોમાં ભોળાભાઈ વિવેચક કરતાં વધુ તો આસ્વાદક છે.

ભોળાભાઈ કર્તવ્યથી પ્રેરાઈને વિવેચક બન્યા અને નિરંજન આદિ વડીલોના આદેશથી નિબંધકાર બન્યા છે. હંર એમને પ્રતિભાશાળી શિક્ષક કહું છું ત્યારે વિદ્વતા, વકતૃત્વ અને વાત્સલ્ય ઉપરાંત ભોળાભાઈની ભાવયિત્રી પ્રતિભાનો પણ નિર્દેશ કરું છું. ભોળાભાઈ પટેલનું અન્ય પુરસ્કારો દ્વારા પણ ગૌરવ થયેલું છે. ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા સૌહાર્દ પુરસ્કાર (1989), ગુજરાતી સાહિત્યસભા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક (1995), ભારતીય ઉપન્યાસ પરંપરા માટે કેન્દ્રીય હિન્દી સંસ્થાનનો પુરસ્કાર (2002) તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સ્વામી સચ્ચિદાનંદ પુરસ્કાર (2005) તેમને એનાયત થયેલા છે.

એવા ભોળાભાઈ પટેલને 2007ના વર્ષનો શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય ઍવોર્ડ નિબંધ અને વિવેચન સાહિત્યમાં આપેલા વિશિષ્ટ પ્રદાન માટે હમણાં અપાયો છે. એની સાથે ‘પદ્મશ્રી’ ઉમેરાય છે એ શુભ ઘટના છે, સમાજ અને સંસ્કૃતિ માટે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતવેળાએ – ઈશા-કુન્દનિકા
અબોલની સંવેદના – મીનાક્ષી દેસાઈ Next »   

15 પ્રતિભાવો : રસિકતા અને વિદ્વત્તાનો સુયોગ – રઘુવીર ચૌધરી

 1. ભોળાભાઈને મારા તરફથી હાર્દીક અભિનંદન…….

 2. કલ્પેશ says:

  ગુજરાતી સાહિત્યના આ આકાશમા (ભોળાભાઇ જેવા) કેટલા વિરલ તારાઓ છે, એ જાણવુ રહ્યુ.
  ભોળાભાઇ દ્વારા લખાયેલ કોઇ લેખ મૂકવા વિનંતી.

 3. આપણા ગુજરાતિ કવિ અને લેખક ના જિવન અન સ્ંવાદ અને સાહિત્ય પુરસ્કાર વગેરે “રિડ ગુજરાતિ”દ્દ્રારા સારુ જાણ વા મલે છે,આભર મૃગેશભાઈ ભોળાભાઈ ને અમારા અભિન્ંદન…….

 4. ભાવના શુક્લ says:

  આદરણીય ભોળાભાઈને અભિનંદન અને એમનો ઉંડો પરીચય કરાવવા બદલ મૃગેશભાઈને પણ એટલાજ અભિનંદન્.

 5. અતુલ જાની (આગંતુક) says:

  રસિક અને વિદ્વાન એવા ભોળાભાઈ ખરે જ ભોળાનાથ જેવા જ ભોળા લાગે છે. જેમ ભોળાનાથ બધા જ દેવોમાં મહાદેવ તરીકેનો એવોર્ડ ધરાવે છે તેમ શ્રી ભોળાભાઈ અનેક એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી નો ખિતાબ મેળવીને સાહિત્યકારોની વચ્ચે મહાદેવની જેમ જ શોભાયમાન થઈ રહ્યા છે. ભોળાભાઈને ખુબ ખુબ અભીનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.