- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અબોલની સંવેદના – મીનાક્ષી દેસાઈ

[‘અખંદ આનંદ’ ફ્રેબુ-08માંથી સાભાર.]

‘અરે શૈલા, તારો અહીં આવવાનો ફોન તો લગભગ સવા કલાક પહેલાં આવ્યો હતો, તો બેટા, ક્યાં રોકાઈ ગઈ હતી ?’ તરત જ શૈલા કહે : ‘મમ્મી, અમારા ઉપરવાળા શાંતિકાકાને ગઈકાલે જ હોસ્પિટલમાંથી ઘેર લાવ્યા ને ? એટલે હું એમને ત્યાં…. એને તરત અટકાવી એની મમ્મીએ પૂછ્યું : ‘અને પેલો ટોમી…કૂતરો ? હજી પણ એમની ખબર કાઢવા….’

‘કોણ શાંતિકાકા અને ટોમી… ?’ શૈલાની નાની બહેન નિશા જે અત્યાર સુધી ચૂપ બેઠી હતી તેને આશ્ચર્ય થતાં પૂછ્યું. શૈલા કહે : ‘તું તો ન્યૂયોર્કથી છસાત વર્ષે આવી છે એટલે આ શાંતિકાકાને તું ક્યાંથી ઓળખે ? એ અમારી ઉપરના ફલેટમાં રહે છે અને મારા સસરાના ગુજરી ગયા બાદ અમારા ઘરના બધા જ એમને વડીલ માની, ઘરનાં નાનાં-મોટાં જવાબદારીભર્યાં કામમાં એમની જ સલાહ લઈએ છે. અને જો, આ ટોમી – કૂતરાની વાત તો તને કહીશને તો તારા આશ્ચર્યનો અચંબો ઉતારીને, રસ્તામાં કોઈને પણ અકસ્માત થયેલો જુએ તો ભાગવા જ માંડે. ‘આપણે શું ? પોલીસ સ્ટેશને જવું પડશે’ એમ વિચારે, પરંતુ આ ટોમીએ તો શાંતિકાકાનું જે ઋણ અદા કર્યું છે તે શ્વાનનો જન્મ લઈ માનવતાનો બોધપાઠ ટોમી જ આપી શકે.

જો, શાંતિકાકાનો દરરોજ સવારે મોર્નિંગવૉક માટે જવાનો નિત્યક્રમ. પરંતુ પોતાના ઘેરથી એ સાઈકલ ઉપર જાય. થોડાક જ અંતરે પેલું ‘અમર દુગ્ધાલય’ આવે છે ને, ત્યાં એ પોતાની સાઈકલ મૂકે, દુગ્ધાલયમાંથી દૂધ લઈને દરરોજ એમના ટોમીને પીવડાવે. ટોમી તો સવાર પડે એટલે શાંતિકાકાની વાટ જોતો જ નીચે બેઠો હોય અને એમની પાછળ પાછળ જાય. દુગ્ધાલયવાળા ભાઈએ એક તૂટેલી માટલીનો નીચેનો ભાગ એક ખૂણામાં રાખી મૂક્યો હતો અને એમાં દૂધ નાંખે, જેથી ટોમી પી શકે. શાંતિકાકા દુકાન પાસે જ પોતાની સાઈકલ મૂકી ચાલતાં ચાલતાં ‘એકતા’ ગાર્ડન સુધી જાય, ત્યાં ત્રણ-ચાર રાઉન્ડ મારે. એમના જેવા વડીલો ત્યાં ભેગા થાય અને સવારના છાપાના સમાચારોની થોડી આપ-લે થાય. ત્યાર બાદ તેઓ ચાલતાં ચાલતાં જ પાછા ફરે. ટોમી એટલો સમય ગાર્ડનની બહાર આંટાફેરા કરે, પછી તો કાકાના પડછાયાની માફક એમની પાછળ પાછળ આવે. સાઈકલ લઈને શાંતિકાકા ઘેર પાછા આવે ત્યારે એ દોડતો દોડતો ઘર સુધી કાકાને મૂકી જાય. લગભગ છેલ્લા બે વર્ષથી તો આ નિત્યક્રમ હતો અને હવે તો ટોમી એમનો સ્વજન બની ગયો.

એવામાં, થોડાક દિવસ ઉપર શાંતિકાકા સાઈકલ પર બેસીને પાછા આવી રહ્યા હતા, ત્યાં જ સામેથી એક ખટારો ધસમસતો આવી એમની સાઈકલ સાથે અથડાયો. કાકા એક બાજુ પડી ગયા અને સાઈકલ પણ એમની ઉપર જ પડી. સવારે પણ એ રસ્તા ઉપર તો વસ્તી હોય જ. કેટલાક લોકોએ માંડમાંડ કાકાને બેઠા કર્યા. અને શાંતિકાકાનું સરનામું પૂછી, પોતાની ગાડીમાં બેસાડી કાકાને એમને ઘેર લાવ્યા. ટોમી તો તરત જ ગાડી આવે તે પહેલાં જ અમારા ફલેટ તરફ દોડતો દોડતો આવી પગથિયાં કૂદાવી કૂદાવીને કાકાના ફલેટનું બારણું ખુલ્લું હતું તે ત્યાં કાકાના દીકરા સંગમભાઈના ખાટલા પાસે જઈ એમનો ઓઢવાનો ચારસો ખેંચે, અને પછી એમનો પાયજામો ખેંચે, ધીમું ધીમું એ તો રડતો પણ જાય. એવામાં અમારા પાડોશીઓએ હંસાકાકીને બૂમો પાડી, ‘કાકી, જલદી નીચે આવો, કાકાને એક્સિડન્ટ થયો છે, અને એક ભાઈ ગાડીમાં એમને લઈને આવ્યા છે. જલદી આવો.’

સંગમને આજે રજા હોવાથી એ તો અડધી ઊંઘમાં, અને ટોમી એના કપડાં ખેંચે. એને થાય ‘આ કૂતરો મારા રૂમમાં સવાર-સવારમાં આવ્યો જ કેવી રીતે ? અને આ શું કરે છે એ ?’ પરંતુ એ આગળ કંઈ પણ વિચારે તે પહેલાં જ નીચેની બૂમો સાંભળી ઝડપભેર મા-દીકરો નીચે દોડી આવ્યાં. ગાડીમાં લાવનાર ભાઈનો ખૂબ આભાર માની, શાંતિકાકાને નીચેના જ ફલેટમાં સુવડાવી, બાજુમાં જ રહેતા ડોક્ટર સુધીર માંકડને તરત જ બોલાવ્યા, એમની સલાહ મુજબ, પાસેની જ ડો. વિશાલ શાહની હોસ્પિટલમાં કાકાને લઈ ગયા, જ્યાં એમની તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. કાકાને ફ્રેક્ચર તો થયું જ પણ સાથે સાથે બ્લ્ડપ્રેશર પણ ‘લૉ’ થઈ જતાં બાટલા ચઢાવવાનું શરૂ થયું. આ તમામ કાર્યવાહી દરમિયાન ટોમી તો બિચારો હોસ્પિટલને દરવાજે જ ઊભો રહ્યો. માનવીથીયે અધિક સંવેદનશીલ આ પ્રાણીને હોસ્પિટલમાં કોણ ઘૂસવા દે ? એ પણ સમજે કે આખરે હું તો ચારપગો પ્રાણી જ ને ? મને મારા માલિક પ્રત્યે અપાર લાગણી ભલે હોય, પણ મને તો સહુ બહાર હાંકી જ કાઢે ને ?’

શાંતિકાકાને થોડા દિવસ હોસ્પિટલમાં રાખવા પડે એવી પરિસ્થિતિ હતી. સંગમ ત્યાં જ રોકાવાનો હતો. ચારેક કલાક બાદ હંસાકાકી ઘરે જવા નીકળ્યાં, કે તરત જ ટોમીએ એમના સાડલાનો છેડો પકડી લીધો અને ધીમું ધીમું રુદન શરૂ કર્યું. કાકી તો સમજે કે ટોમી એમના પતિને મન સ્વજનથીયે વિશેષ હતો. ભલે પશુ, પણ એની આ લાગણીસભર ચેષ્ટાથી કાકીની આંખો પણ છલકાઈ ઊઠી. એમનાં સગાં-સંબંધીઓને તો ખૂબ જ આશ્ચર્ય થયું. કાકીએ હળવેકથી ટોમીને પંપાળી કહ્યું : ‘ટોમી બેટા, હવે તારા માલિકને સારું છે હોં ? તું રડ નહિ હોં ? ચાલ, આ રિક્ષામાં મારી સાથે બેસી જા.’ એમ કહી રિક્ષા તરફ એમણે આંગળી ચીંધી, પરંતુ ટોમી તો રિક્ષામાં ના બેઠો તે ના જ બેઠો. અને રિક્ષાની પાછળ પાછળ દોડતો જ આવ્યો. અમારા ફલેટ પર આવી ગયો એટલે કાકીએ એને ઉપર બોલાવવા નિશાની કરી કહ્યું : ‘ચાલ બેટા, ટોમી, ઉપર ચાલ.’ ટોમી ઉપર તો ગયો પરંતુ કાકીએ એને જ્યારે દૂધ અને બ્રેડ ધર્યાં ત્યારે તો એણે તરત જ મોં ફેરવી લીધું અને હળવે હળવે નીચે જવા માટે તૈયાર થયો. આજે ટોમીને એના માલિકની પરિસ્થિતિ જોઈ કાંઈ પણ ભાવે ? એની આ લાગણી માનવી ક્યાંથી સમજી શકે ? એની દ્વિધા તો એક જ હતી કે, ‘કેમ કરીને એ એના માલિકને મળી શકે ?’ દિવસભર એ તો અમારા ફલેટના મોટા દરવાજાની બહાર આંટા મારે અને હંસાકાકીના હોસ્પિટલ જવાના સમયે એમની રિક્ષાની પાછળ પાછળ દોડતો જાય.

કાકી એને રિક્ષામાં બેસાડવા લાખ પ્રયત્નો કરે પણ ટોમી માને ? પરંતુ જેવા કાકી રિક્ષામાંથી હૉસ્પિટલની અંદર જવા આગળ જાય કે તરત જ એ એમની સાડીનો છેડો પકડે. કાકીથી ટોમીનું આ દુ:ખ સહન ન થતાં, એમણે હૉસ્પિટલના હેડનર્સને વિનંતિ કરી કે ફક્ત એક વાર જ આ ટોમીને એમના પતિ પાસે લઈ જવાની પરવાનગી આપે. ફક્ત બે જ મિનિટમાં પોતે પાછા આવીને એને દરવાજા બહાર મૂકી જશે.’ માંડ માંડ એમને હેડનર્સે એ પરમિશન આપી. બસ, ફક્ત એક જ વખત ટોમી શાંતિકાકા પાસે ગયો, પોતાની નજરે એણે કાકાને જોયા, કે એની આંખોમાંથી દડદડ આંસુ સરી પડ્યાં. કાકાએ એને ખાટલા પાસે બોલાવી પંપાળ્યો અને કહ્યું : ‘ટોમી બેટા, હવે મને તદ્દન સારું છે હોં ? તું ચિંતા ના કરીશ, જા, શાંતિથી જા, જા હોં ? અને પછી હંસાકાકીને કાકા પૂછે, ‘તમે એને દરરોજ બોલાવી દૂધ આપો છો કે નહિ ?’
‘અરે, પહેલે જ દિવસે તમને જ્યારે પેલા ભાઈ ગાડીમાં લાવ્યા ત્યારે એ તમારી ગાડીની પાછળ પાછળ દોડતો જ આવ્યો હતો. હું એને ઉપર લઈ ગઈ હતી અને દૂધ અને બ્રેડના કટકા પણ ધર્યા પણ એણે તો તરત જ મોં ફેરવી લીધું….’ કાકીને બોલતાં જ અટકાવી કાકાએ કહ્યું, ‘આ મૂક પ્રાણીની લાગણી માનવીની લાગણી કે માનવતા કરતાં ઘણે અંશે વધુ ઉદાત્ત હોય છે, એ તો તમને સમજાય છે ને ? ત્યારે જાતે નીચે જઈ, એ જ્યાં બેઠો હોય ત્યાં જ જઈને, પંપાળીને એને દૂધ અને બ્રેડ જ ધરવાં જોઈએ, આખરે એ મારે મન સ્વજનથીયે વિશેષ છે એ તો હવે તમને સમજાયું ને ?’

પાંચ-છ દિવસ બાદ કાકાને હોસ્પિટલમાંથી એમને ઘેર લાવ્યા. હવે કોઈની પણ રોકટોક વિના જ્યારે કાકાની ખબર કાઢવા એમનાં કોઈ સગાસંબંધી ના આવ્યા હોય, ત્યારે ટોમી ઉપર જઈ, એમના ખાટલા પાસે બેસીને મૂક વદને એમની સામે ટગર ટગર જોઈ, પોતાની વ્યથા વ્યક્ત કરે છે, હંસાકાકી એને પંપાળીને દૂધ-બ્રેડ ખવડાવવા પ્રયત્ન કરે, કાકાથી બેઠા ના થવાય છતાં પણ વિનંતી કરે અને થોડુંક પણ લેવા ટોમીને આગ્રહ કરે, પરંતુ આ માયાળુ મૂક પશુએ તો જાણે બાધા જ લીધી હોય કે એના માલિક જ્યાં સુધી હરતા-ફરતા ના થાય ત્યાં સુધી માલિકના ઘરનું અન્નજળ- એને માટે વર્જ્ય હોય ? એમ જરા પણ અડે પણ નહિ. મોં ફેરવીને પાછો ફરી જાય છે. પરંતુ પોતે નિયમિત હાજરી તો પુરાવે જ છે.

આ આખીયે ઘટના સાંભળીને નિશાની આંખો પણ છલકાઈ ઊઠી અને બોલી, ‘શ્વાનની વફાદારીની તો અનેક વાતો અત્યાર સુધી સાંભળી છે, પરંતુ આ અબોલની સંવેદના કેટલી અદ્દભુત અને ઉદાત્ત હોય છે એ તો આજે જ જાણ્યું.’

[સત્ય ઘટના પર આધારિત. – કથાબીજ : સુભદ્રા ભટ્ટ]