- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કેટલાક નિબંધો – નવનીત

[ તા.10મી માર્ચથી ધોરણ 10 તેમજ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે રીડગુજરાતીના વિદ્યાર્થીમિત્રો માટે કેટલાક નિબંધો ‘નવનીત ગુજરાતી નિબંધમાળા’ માંથી આપવામાં આવ્યા છે. સાથે સાથે સૌ વાચકમિત્રો પોતાના બાળપણમાં કેવા નિબંધો લખતા તેનું પણ સ્મરણ કરી લેવાય તેવો હેતુ છે ! પ્રત્યેક નિબંધ જોડે કૌંસમાં આપેલો આંકડો ધોરણ-12ની જે તે પરીક્ષાનું વર્ષ સૂચિત કરે છે. રીડગુજરાતી તરફથી સૌ વિદ્યાર્થીઓને ‘ઑલ ધ બેસ્ટ’ ]

[1] ત્રાસ્યા આ જાહેરાતોથી (વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2001)

આજકાલ ટેલિવિઝન મનોરંજનનું એકદમ હાથવગું અને અત્યંત લોકપ્રિય સાધન છે. બી. બાયર્ડે ઈ.સ. 1926માં તેની શોધ કરી, ત્યાર પછી ટેલિવિઝનના ઉત્પાદનમાં અને પ્રસારણોમાં પણ સતત ક્રાંતિ થતી રહી છે. જ્ઞાન સાથે ગમ્મત, સંસ્કાર અને મનોરંજન આપવા માટે સર્જાયેલું ટેલિવિઝન આજે બેસુમાર જાહેરાતોનું પ્રસારણ કરીને અઢળક નાણું કમાવાનું સાધન બની ગયું છે.

ભારતમાં ટેલિવિઝનનું આગમન ઈ.સ. 1959માં થયું. અને રાષ્ટ્રિય તથા પ્રાદેશિક પ્રસારણોની ક્રમશ: શરૂઆત થઈ. પ્રારંભમાં કોઈ પણ કાર્યક્રમના આરંભે તથા અંતમાં જ જાહેરાતોનું પ્રસારણ થતું. સમય જતાં ખાનગી નિર્માતાઓની ચૅનલોની શરૂઆત થઈ અને તે વૈવિધ્યભર્યા કાર્યક્રમોનું પ્રસારણ કરવા લાગી. આવા ખર્ચાળ કાર્યક્રમોના ખર્ચ કાઢવા માટે ખાનગી ચૅનલો વધુ જાહેરાતો પ્રસારિત કરવા લાગી. તેમના આ ધંધાદારી વલણને કારણે કાળક્રમે જાહેરાતોનું પ્રસારણ ખૂબ જ વધી ગયું ! એક કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ કેટલી જાહેરાતો મૂકી શકાય, તેની કોઈ આચારસંહિતા રહી નહિ. આજે ચેનલ માલિકો મન ફાવે ત્યારે અને મને ફાવે એટલી જાહેરાતોનો ખડકલો કરી દે છે. કાર્યક્રમનો રસ બરાબર જામ્યો હોય ત્યાં તો જાહેરાત શરૂ થાય અને દર્શકોનો રસભંગ થાય છે. મોટા ભાગના દર્શકો જાહેરાતો શરૂ થાય કે તરત ચેનલ બદલી નાખે છે. જાહેરાતો પ્રત્યેનો દર્શકોનો આવો તીવ્ર અણગમો હજુ ચૅનલ માલિકો સુધી પહોંચ્યો હોય, એવું લાગતું નથી.

ટીવી કાર્યક્રમો તૈયાર કરતી એક ચેનલ ચલાવવી અને સારા કાર્યક્રમોનું પ્રસારણ કરવું એ ખરેખર ખર્ચાળ કામ છે. ચૅનલ માલિકો એમાં ધંધાદારી વલણ રાખે તે સ્વાભાવિક છે. એટલે વિવેકપૂર્વક પ્રસારિત થતી જાહેરાતો સામે કોઈનેય વાંધો ન હોઈ શકે. પણ કાર્યક્રમ ઓછો અને જાહેરાતોનો મારો વધુ હોય એ સ્થિતિને કેવી રીતે સાંખી શકાય ? વળી આ બધી જાહેરાતોમાં તથ્ય કેટલું ? તેમાં ઘણી નકામી અને હાનિકારક વસ્તુઓની પ્રશંસાભરી રજૂઆતો કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી હોય અને દારૂનાં ઉત્પાદનોની જાહેરાતો થાય એ શું યોગ્ય છે ? ‘સંડે હો યા મંડે, રોજ ખાઓ અંડે’ જેવી જાહેરાત ટીવીના માધ્યમ વડે કરવી શું ઉચિત ગણાય ? ઉત્પાદનમાં જે ગુણવત્તા હોય એ કરતાં તેનું અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરવામાં આવે. ચોકલેટ કે આઈસ્ક્રીમને પ્રણયસંબંધ બાંધવામાં ઉપકારક ગણવામાં આવે, પંખાની જાહેરાતમાં રૂપાળી મૉડલના દેહસૌંદર્યને દર્શાવવામાં આવે કે સાબુની જાહેરાત કરવા માટે સ્નાન કરતી નારીને દર્શાવવામાં આવે એ કેટલું ઉચિત ગણાય ? ચૅનલ માલિકો શું વિવેકપૂર્વકની જાહેરાતોની પસંદગી ન કરી શકે ?

જાહેરાતોથી મોટી સંખ્યામાં દર્શકો ગેરમાર્ગે દોરાય છે. જાહેરાઓથી પ્રેરાઈને કેટલીક વાર તે બિનજરૂરી સાબુ, વૉશિંગ પાઉડર, ટેલ્કમ પાઉડર, હેરઑઈલ, ક્રીમ, દવાઓ વગેરેની ખરીદી કરવા પ્રેરાય છે. આવી ખરીદી કર્યા પછી ગ્રાહકે પસ્તાવાનો વારો આવે છે; કેમ કે એ વસ્તુઓમાં, જાહેરખબરમાં વર્ણવેલા ગુણો હોતા નથી. જાહેરાતોના ભારે ખર્ચને લીધે વસ્તુની કિંમતો ઊંચી જાય, છતાં પણ જાહેરાતના સતત આક્રમણને લીધે ગ્રાહક એવી મોંઘી વસ્તુ ખરીદવા લલચાય છે. વિવિધ ચૅનલોમાં યુવાવર્ગને પ્રભાવિત કરે એવી અનેક જાહેરાતો પ્રદર્શિત થયા કરે છે. એમાં ગુટખા, સૌંદર્ય પ્રસાધનો, દારૂ, ઠંડા પીણાં, ઘરવપરાશની વિવિધ વસ્તુઓ, હોઝિયરી, ફેશનેબલ પોશાકો વગેરેની જાહેરાતો મુખ્ય હોય છે. આવી જાહેરાતોમાં શૃંગારિક દશ્યો અને અશ્લીલ સંવાદોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. યુવાનોનું માનસ કલ્પનાશીલ હોવાથી, તેમના પર આવી જાહેરાતોની રંગીન સૃષ્ટિનો તરત જ પ્રભાવ પડી જાય છે. જાહેરાતોથી દોરવાઈને કેટલા બધા યુવાનો ધૂમ્રપાન, દારૂ અને ગુટખાના સેવન તરફ આકર્ષાતા હશે ? મધ્યમવર્ગના લોકોનો કેટલો બધો પૈસો નિરર્થક ચીજોની ખરીદી પાછળ વેડફાઈ જતો હશે ?

આથી ચૅનલ માલિકો અને પ્રસારભારતી, ટીવી પરથી જાહેરાતોનું પ્રસારણ કરતી વખતે વિવેક દાખવે એ જરૂરી છે. ઉપભોક્તાને ગુમરાહ કરે એવી, અશ્લીલ અને હલકી જાહેરાતો પ્રસારિત ન કરવી જોઈએ. જાગ્રત નાગરિકોએ પણ આવી જાહેરાતો સામે વિરોધ નોંધાવવો જોઈએ.

.

[2] વાયરા વાયા વસંતના (સામાન્ય પ્રવાહ માર્ચ-2000-01, એપ્રિલ-2002)

‘આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના;
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.’ – મનોજ ખંડેરિયા

કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો ને ચોમસું એ ત્રણ મુખ્ય ઋતુઓ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ છ પેટાઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે.

શિશિરઋતુ પછી વસંતઋતુનું આગમન થાય છે. વસંતઋતુની શરૂઆતથી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટામાં મંજરીઓ મહોરી ઊઠે છે. ખાખરાનાં વૃક્ષો પર કેસૂડાંનાં લાલચટક ફૂલો ખીલી ઊઠે છે. કમળનાં ફૂલોથી સરોવરો શોભી ઊઠે છે. આમ, વસંતઋતુમાં ભાતભાતનાં પુષ્પો ખીલે છે. તેમનાં મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર, વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઊઠે છે.

વસંતઋતુ માનવહૃદય પર અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવમન આનંદવિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટીના ઉત્સવો ધામધૂમથી ઊજવાય છે. આ તહેવારોમાં ચોમેર ઊછળતાં અબીલ-ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતાં વસંતનાં ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ શબ્દચિત્ર આપ્યું છે :

‘મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના’

વસંતઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહિ. શરદનું પોતીકું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે. વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે. વસંતઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર, વસંત ઋતુરાજ છે.

.

[3] વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો (વિજ્ઞાનપ્રવાહ માર્ચ-2000-02, સામાન્ય પ્રવાહ માર્ચ-02)

આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતાં. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું. વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વન્સ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું.

રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યાં છે : ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’, વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા-વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

આપણા દેશમાં વનમહોત્સવ ઊજવાય છે. તે નિમિત્તે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં બાળકોને મોટા પ્રમાણમાં જોડી દરેક બાળકને એક-એક વૃક્ષ વાવવાનું પ્રોત્સાહન આપવું તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણના જટિલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. દરેક બાળકને પ્રોત્સાહન આપી આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે. આપણે નિશ્ચય કરીએ કે, દરેક બાળક દર વર્ષે, એક-એક વૃક્ષ તો ઉગાડે જ. આ માટે એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ. આથી બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે. વાતાવરણ લીલુંછમ થશે અને પ્રદૂષણ ઘટશે.

.

[4] શિયાળાની ગુલાબી સવાર (વિજ્ઞાનપ્રવાહ માર્ચ-1999)

‘ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું
નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ.’ – રમેશ પારેખ.

કોઈ પણ ઋતુની સવાર આહલાદક જ હોય છે, પરંતુ શિયાળાની સવાર તો અપૂર્વ આનંદદાયક હોય છે. શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે. આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. રાતભર કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતી રહેલી વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલાં પક્ષીઓ જાગી ઊઠે છે અને મીઠાં ગીતો ગાઈ ઊગતી પરોઢનું સ્વાગત કરે છે.

શિયાળાની રમણીય સવાર સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક હોય છે. ગામડામાં વહેલી સવારે લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. મહિયારીઓ મહી મથવાની કામગીરીમાં લાગી જાય છે. ઘમ્મર વલોણાં ગાજી ઊઠે છે. ‘દૂધ લ્યો રે, દૂધ’ નો પોકાર કરતી રબારણો ઠંડીની પરવા કર્યા વિના શેરીએ શેરીએ ઘૂમે છે. વૃદ્ધો ને મોટેરાંઓ તાપણાંની આસપાસ ગોઠવાઈને અલકમલકની વાતો કરે છે. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી ગામડાનું વાતાવરણ જીવંત બની જાય છે.

શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે. જો કે કેટલાક ‘સૂર્યવંશીઓ’ સવારની આવી તાજગીને માણવાને બદલે રજાઈ-કામળા ઓઢીને નિરાંતે સૂઈ રહે છે ! ઘણા લોકો શિયાળાની સવારે તેલમાલિસ કરાવે છે. વહેલી સવારે કડકડતી ટાઢમાં ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગે છે. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવે છે.

પરંતુ, મોટાં શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. વાહનવ્યવહારનો ઘોંઘાટ, જાહેર નળો પર થતો બાલદીઓનો ખખડાટ અને મિલોનાં ભૂંગળાંનો શોર દરેક ઋતુમાં સાંભળવા મળે છે. આમ છતાં, શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને પણ નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. શાળાઓ અને કૉલેજોનાં પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે.

શિયાળામાં જાતજાતનાં ફળો અને લીલાંછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું ને જલેબી ખાવાનો ખાસ રિવાજ છે. ઘણા લોકો શિયાળામાં અડદિયા પાક અને જાતજાતનાં વસાણાંનું સેવન કરે છે. આમ, શિયાળાની સુંદર સવાર માનવજાતને તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો આપે છે. તે મનુષ્યને ઉલ્લાસ અને સ્ફૂર્તિથી ભરી દે છે.

.

[5] હાય રે ! મોંઘવારી (સામાન્ય પ્રવાહ માર્ચ-98, જુલાઈ-99, માર્ચ-2000, વિજ્ઞાન પ્રવાહ-માર્ચ-99)

વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનાજ, કઠોળ, ચા, ખાંડ, શાકભાજી કે સાબુ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે. નિરંકુશપણે વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્રને પણ ખોરવી નાંખે છે. આપણા દેશની સિત્તેર ટકાથી પણ વધુ વસ્તી ખેતી પર નભે છે. છતાં દુષ્કાળ કે અતિવૃષ્ટિને કારણે અનાજની અછત ઊભી થાય છે, ત્યારે અનાજનાં કાળાંબજાર અને સંગ્રહખોરી ફૂલેફાલે છે. અનાજના ભાવ વધે તેની સીધી કે આડકતરી અસર તમામ ઉદ્યોગધંધા પર થાય છે. કામદાર વર્ગ મોંઘવારીભથ્થામાં વધારો માગે છે. એ ખર્ચને પહોંચી વળવા માટે ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનોની કિંમતો વધારે છે. આમ, મોંઘવારીનું વિષચક્ર ક્રમશ: બધા ક્ષેત્રોને આવરી લે છે.

ઘણી વાર આંતરાષ્ટ્રીય બજારમાં ભાવોની વધઘટ પણ દેશમાં મોંઘવારી માટે કારણભૂત બને છે. દા.ત., આરબ દેશો ખનિજ તેલના ભાવોમાં અવારનવાર વધારો કરતા રહે છે. તેથી આપણા દેશમાં પણ પેટ્રોલ, ડીઝલ વગેરે આદિના ભાવો વધે છે. આની સીધી અસર વાહનવ્યવહાર ઉપર થાય છે. રિક્ષા, ટેક્સી, ટ્રકો વગેરેનાં ભાડાં વધે છે. પરિણામે સમગ્ર બજાર પર મોંઘવારીની અસર થાય છે.

શાળા-કૉલેજમાં પ્રવેશ અને ભણતરના ખર્ચા વધ્યા છે. ઉપરાંત ગણવેશ અને પુસ્તકો ખરીદવા માટે પણ વાલીઓએ ઠીક ઠીક ખર્ચ કરવો પડે છે. આમ, દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી સામાન્ય માનવી માટે કોઈ જીવલેણ રોગ જેવી ભયાનક બની ગઈ છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ ભેગા કરતા કરોડો મધ્યમવર્ગીય લોકો મોંઘવારી વધતાં કઈ વસ્તુઓના વપરાશમાં કાપ મૂકવો, એની વિમાસણમાં મુકાઈ જાય છે. ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના બનાવોના મૂળમાં કેટલીક વાર મોંઘવારી પણ જવાબદાર હોય છે.

મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે ખેતીના વિકાસને અગ્રતા આપવી જોઈએ. દુકાળ કે અતિવૃષ્ટિના સમયે ખેતી પર વિપરીત અસર ન થાય એવા ઉપાયો યોજવા જોઈએ. કાળાંબજાર, સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર જેવા અપરાધો સામે કડક હાથે કામ લેવું જોઈએ. મોજશોખની વસ્તુઓના ઉત્પાદન કરતાં જીવનજરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે વિશેષ પ્રયાસો કરવા જોઈએ. ગૃહઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોના વિકાસ દ્વારા ઉત્પાદન અને રોજગારીની તકો વધારીને પણ મોંઘવારીને અંકુશમાં લઈ શકાય. હડતાલો, બંધ, કામચોરી વગેરેથી દૂર રહીને લોકોએ સહકારની ભાવના કેળવવી જોઈએ. વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજીને ભાવસપાટીને સ્થિર રાખવા શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ.

મોંઘવારી આપણા સૌનાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્રુ છે. એ અંકુશમાં આવશે તો જ દેશનો સર્વાંગી વિકાસ થશે.

[કુલ પાન : 268. કિંમત રૂ. 45. પ્રાપ્તિ સ્થાન : નવનીત હાઉસ, ગુરુકુળ રોડ, મેમનગર , અમદાવાદ – 380052. ફોન : 91-79-66305000 ]