મમ-વિશ્વ – પલ્લવી ભટ્ટ

[થોડા સમય અગાઉ ડૉ. પલ્લવીબેન(પેટલાદ, ગુજરાત)ના ‘લાવણ્ય’ પુસ્તકમાંથી કેટલીક કૃતિઓ આપણે માણી હતી. આજે આપણે તેમના અન્ય પુસ્તક ‘મમ-વિશ્વ’ માંની કેટલીક રચનાઓ માણીશું. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2697 251793. ]

mamavishva[1]
વૃક્ષોના રંગો, એનો વિસ્તાર, એમાંથી પ્રગટતી શાખાઓ એક પ્રકૃતિનું અદ્દભુત સૌંદર્ય બનીને ચાક્ષુષ થાય છે. ઋતુ પ્રમાણે વાતો મલય લહરે, એના પર્ણોની શાખ વિસ્તરે છે. વર્ષાના આગમન પછી પે’લી સુગરીરાણી એવી કોઈ વૃક્ષની શાખ પર એનો માળો બાંધે છે, ત્યારે લગીર મનમાં એક વિચાર જન્મે છે. આપણા ઘરના નકશામાં આપણે ઘણું ઘણું ગોઠવીએ છીએ. ભૂમિતિ અને વાસ્તુશાસ્ત્રના પરિણામોથી ઘરની દિશા, ગર્ભદ્વાર, તેના અંદર-બહારના આકારો નક્કી કરીએ છીએ. એ માટે તત્વવિદોને રોકીએ છીએ. ત્યારે લાગે છે. આપણા સહુના બાહ્ય અવલંબનો કેટલા બધા છે !

આ સુગરીના માળાને ન તો તત્વવિદની જરૂર છે, ન બાહ્ય મૂર્હતની. ઝીણી ઝીણી રેશાઓથી માળો બાંધે છે. એ માળો મોહક હોય છે. તેની બખોલમાં કોઈ તજજ્ઞ જેટલી જ બારીક સૂઝ આપણે જોઈ શકીએ છીએ. વૃક્ષની શાખે સુગરીનો માળો ઝૂલતો હોય તો ક્યારેક એમાં ઉપરનીચે અથવા નીચે એક બખોલ જોવા મળેલા. એમાં આરામથી નાનકડા સુગરીનાં બચ્ચાં સલામત રહી શકે એવું આયોજન હોય છે. આ આયોજન માટે સુગરીએ ભલા ક્યાં કોઈ તાલીમ લીધી છે ? એણે તો અનન્ય ભાવે પ્રકૃતિના દતકને સ્વીકાર્યો છે. આપણી સલામતી પણ પૂર્વજોના સમયે આવી જ હતી જ્યાં સુધી ચિનાર, દેવદાર, શિશિર, શિમળો, સરુ, લીમડો, પીપળો, પીપળી જેવા વૃક્ષો વચ્ચે આપણું જીવન હતું, ત્યારે આપણી આસ્તા એ અદષ્ટ પ્રકૃતિનું અમરગીત ગુંજતું હતું એ બધું ફરી ફરી અંતરમાં ભરવાની ખેવના કરીશું તો એ બધું પેલા કે’વાતા પ્રદૂષિત હવાથી આપણે આંતર બહિર તાજ્યની સેર આપણી યાત્રામાં પ્રશસ્ત બનશે.

[2]
ઘરની બારી સવારે ખોલતી વેળા મેં અનુભવ્યું છે કે આછો સુવર્ણ તડકો ઘરની છત પરની ચારે કોર સ્પર્શે છે. સામે રહેલ નાળિયેરી અને રામફળીના વૃક્ષ પર બેઠેલા પંખી બિલકુલ શાંત છે. બારી ખુલતા નાનકડી થાળીમાં ઘઉં, બાજરી, ચોખા મૂકું છું, અને કેવું સ્પંદન થાય છે ? ન તો અક્ષર પહોંચે છે, ન તો સાદ પહોંચે છે. પણ પે’લા મિત્રો ફર, ફર, ફર કરતાં થરના ડાઈનિંગ ટેબલપર ગોઠવાય છે. શિયાળો હોય ત્યારે વિદેશથી આવેલ યજમાન પક્ષીઓ પણ ભળે છે.

તેમની ગૌરવભરી ચાલે ડાઈનિંગ ટેબલ પર અત્રતત્ર સર્વત્ર ફરે, ચણ લે એકબીજા પંખીઓ પણ ભળે, અરસપરસ ગેલ કરે. એમની ચાંચ અન્ય પક્ષીની ચાંચમાં પરોવે એકબીજાની પાંખ એક બીજાની સાથેની પાંખમાં લે ત્યારે એક પક્ષી જરા ડોકુ નીચું કરી અન્યને મારે, તેમાં પ્રેમની પ્રસન્નતા અને મૈત્રીનો પમરાટ સ્પષ્ટ આંદોલિત થાય. એ વેળા મને લાગે કે અહીં મૌનની ભાષામાં કેટલું કેટલું અક્ષુણ્ણ સચવાયેલું છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના વ્યવહારમાં આવી ભાષા ગોઠવાઈ જાય તો જીવન કંઈક વધુ ઊર્ધ્વગતિએ આરોહિત બની શકે !

પક્ષી રંગ-રૂપ, જાતે અલગ અલગ દેશ સ્થળના હોવા છતાં ચણ ચણતી વખતે એક વૃંદ બને છે. એ વૃંદ એમની સામૂહિક ચેતનાની, ઉત્સાહની આરોહિત ગતિ જાણે ‘સ્વ’થી ‘સર્વ’ તરફની આરાધનાની ક્ષણ બને છે. આપણી આરાધના માટે આ આરસી આવે તો…..

[3]
નાનકડી પાંદડ રોજ બગીચામાં પાણી રેડવા આવે, અને વૃક્ષો પર હેતથી હાથ ફેરવતા બોલે, ‘બુન… ઈ પાન’ ની સસોટી કરું ? મનમાં આ વાત ગોઠવાય નહીં. ભલા સિસોટી બજારમાં મળે, આની પાસે એવું કયું જાદુ છે ?

આશ્ચર્યથી આંખો મોટી કરી કહું, ‘કર જોઈએ…. લી…. ઈમાં શી વાર….’ અને જાસુદના પાન, કેન્યાના પાન હાથમાં લે, ગોળ આકાર આપે અને એના બે હોઠ વચ્ચે રાખી સુર ભરે. એના નાનકડા હાથ વડે બોલે, બુન તું જો વે’છકીની ? તું જોવે તો હું કરું. નઈ તો મેલી દું. આ તો અમારા ડુંગરાની વાત….

તેને પોરસ ચડાવવા કહું, ‘હા… હા… તારું સંગીત સાંભળીશ બસ.’ કહી પગથિયે બેસું. અપલક એની સામે જોઈ રહું. બરોબર જાસુદના પાનને ગોળ કરે, વચ્ચે પાનની રેષા હોય તેના અંતભાગે કાણું કરી ગોળ કરે. બે હોઠ અને દાંત વચ્ચે ગોઠવી અવાજ આપે. જાણે શુદ્ધ પંચમ એ પાન દ્વારા મારા કાને અફળાય. પછી કેન્યાનું પાન લે. હું બોલું : અરે… પાંદડ…. આ તો બહુ મોટું પાન છે.
અરે ઈ’મા શી વાર ? તને ઈ ના આવડે. અમે જાણીએ – કહીને એની જ્ઞાતા દષ્ટિથી મને નિરીક્ષરનો ખિતાબ આપી દે. ત્યારે એનું ભોળપણ પ્રકૃતિ સાથેનું તાલગાન મારા અંતરને ભીંજવે.

લાંબી પીપુડી જેવું બનાવે અને એમાંથી એક જ કાળીમાં (સુરમાં) દૂદૂંભિનો સૂર કાઢે ત્યારે લાગે કે શું સંગીતની તાલિમની જરૂર છે. આ પ્રકૃતિ સાથેની લયબદ્ધતાએ અનેક સ્વરો આપણે આ ધરતી પર મૂકી શકીએ છીએ. માત્ર ધરતીબાળ હોવાની આપણી પૂર્વ તૈયારી હોવી ઘટે.

[4]
વૃક્ષોની સંવેદના હંમેશ દરેક વ્યક્તિ અનુભવતી હોય છે. એના સંવેદનો બિલકુલ પારદર્શક હોય છે. રોજ વૃક્ષ નીચે સવાર-સાંજ બેસીશું, તો એમની ભાષા અને સંવેદનો અનુભવાય છે. ઘણા વનસ્પતિ તજજ્ઞો કેટલીક ગુઢવાતો કહેતા હોય છે. જેમકે કુંવાર પાઠું, ઘરમાં છત પર લટકાવો તો મચ્છર ન આવે અને કોઈ અપરોક્ષ ગૂઢ પ્રહાર મનુષ્ય પર આવવાનો હોય ત્યારે એ છોડ પોતે જ્યાં સુધી લીલોછમ હશે ત્યાં સુધી વ્યક્તિનો બચાવ કરશે. તેમજ તુલસી અને ડમરો એ પ્રદૂષિત હવાને ઘરમાં પ્રવેશવા દેતા નથી.

સવાર-સાંજ આંગણામાં તુલસીની સુગંધથી પણ વાતાવરણમાં પવિત્રતા અને પ્રસન્નતા અનુભવાય છે. વૃક્ષો એના ગમા-અણગમા વ્યક્ત કરે છે. એ એના પાનની રેષા અને એના થડની જીવંતતા પરથી અવલોકી શકાય છે. બાહ્ય કોઈપણ પરિબળો આવવાના હોય છે ત્યારે ગમે તેટલું આ વૃક્ષોનું જતન કરો તોય તે કરમાય છે અને મુરઝાય છે. ચ્યુમેચ્યાશી નામના પ્રકૃતિવિદ (એક જાપાનીઝ) આ અંગે ઘણી ઘણી રસપ્રદ ઘટનાઓ કહી છે.

એટલે તો આપણે આપણી શાંતિ-પ્રાર્થનામાં આપણા વૃક્ષ માટે પણ શાંતિ-મંગલની પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના જલ, થલ, વાયુ, અગ્નિ, અંતરિક્ષ માટે પળ પળ બને છે, ત્યારે એક સુંદર વિશ્વ આપણી સમક્ષ તૈયાર થાય છે. જેનો શિલ્પી અદષ્ટ સૃષ્ટા છે.

[5]
ચાવડી બજાર (પેટલાદ)ના ઘરમાં અમે રહેતા હતા ત્યારે ઘરની બરોબર સામે એક ભીંત હતી, એટલે રોડને અડીને અંદરની બાજુ શેરી છે. એ શેરીના ઘરની રોડ પર પડતી ભીંત પર સુંદર ચિત્રો હાથે દોરેલા દષ્ટ થાય છે. આ ચિત્રો લગભગ તેરમા ચૌદમા શતકના છે. આજના રંગોનાં માધ્યમો નથી.

એ જમાનામાં તો જુદા જુદા રંગોની ચિરોટી હોય. એમાં ગુંદર સરેસ મેળવી રંગ બનાવવામાં આવે. એમાં દષ્ટ થતી કળાકારની કલ્પનાનું જગત પણ અદ્દભુત છે. ભીંત એટલી ઊંચી છે કે પ્રશ્ન થાય કે આટલી ઊંચી ભીંત પર આટલા મોટા વ્યાપમાં આટલી ધીરજ, આટલા ખંત, ઉત્સાહથી, દોરનારને ધન્યવાદ દેવા ઘટે. જોકે એણે જે રીતે ચૌદમા શતકની ચિત્રકળાનો પરિચય આપ્યો છે તે માટે ધન્યવાદ ઓછા પડે.

આ દશ્ય જોઈને મારા મનમાં આંતરગોષ્ટિ થાય છે કે કલાકાર એની કલાસાધના માટે બધું જ દાવ પર લગાડે છે. એમાંથી નિપજતું એના અંતરનું શાશ્વત સૌંદર્ય બાહ્ય જગતને સભર કરે છે. કોઈપણ કળાકાર એના રંગ, રૂપ કે દેહયષ્ટિથી ભલે સાવ સામાન્ય હોય, જોવો ન ગમે તેવો હોય, પણ જ્યારે તેનામાં બેઠેલો સર્જક તેની ચેતનાનું તેજ સ્ફુબ્લિંગને બાહ્ય સપાટી પર લાવીને મૂકે છે ત્યારે અનંતના રંગોની પીંછી ભરી ભરીને જગત પર ઠાલવે છે; અને તે ચિર સૌંદર્યને પ્રાપ્ત કરે છે. એની અંદર પ્રસન્ન બને છે. એનો નારી જેવો ગોપીભાવ એને કમનીય, મનમોહક બનાવે છે, એ નિ:શંક વાત છે.

[ કુલ પાન : 60. કિંમત : રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ડૉ. પલ્લવીબેન ભટ્ટ, અભીપ્સા, 22, ગોકુલ સોસાયટી, સાઈનાથ રોડ. પેટલાદ 388 450. ફોન : +91 2697 251793. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યનું હુલ્લડ – સંકલિત
એક વિરામ – તંત્રી Next »   

9 પ્રતિભાવો : મમ-વિશ્વ – પલ્લવી ભટ્ટ

 1. jignesh says:

  સર્જકની કૃતિ કાયમ સુદર જ હોવી ધટે, એમાં બે મત નથી. અંતરનું શાશ્વત સૌંદર્ય બાહ્ય જગતને સભર કરે છે. એ વૃંદ એમની સામૂહિક ચેતનાની, ઉત્સાહની આરોહિત ગતિ જાણે ‘સ્વ’થી ‘સર્વ’ તરફની આરાધનાની ક્ષણ બને છે.

  ખરેખર સાચી વાત….

 2. malay oza says:

  Very nice. Author tries to understand the nature and birds made by the great god. Birds who lives pure naturely rather than man. It inspires me to be naturel and normal like birds.

 3. pragnaju says:

  સુંદર રચનાઓ
  આ વાત હ્રુદયને સ્પ્ર્શી ગઈ…
  ‘અનંતના રંગોની પીંછી ભરી ભરીને જગત પર ઠાલવે છે; અને તે ચિર સૌંદર્યને પ્રાપ્ત કરે છે. એની અંદર પ્રસન્ન બને છે. એનો નારી જેવો ગોપીભાવ એને કમનીય, મનમોહક બનાવે છે, એ નિ:શંક વાત છ’

 4. shivshiva says:

  કુદરતની માહિતી તેમજ પક્ષીઓની માહિતી ખૂબ સરસ લાગી. કુંવાર પાઠું મચ્છરને રોકે છે એ વાતની આજે ખબર પડી. ખૂબ આભાર.

 5. અતુલ જાની (આગંતુક) says:

  પ્રકૃતી સાથે મેળવેલ તાલમેલ અને ઝીણવટભર્યા નીરીક્ષણને કલમ દ્વારા સુંદર રીતે અભીવ્યક્ત કરાયું છે.

  સુઘરીનું સ્થાપત્યનું વંશ-પરંપરાગત જ્ઞાન, જુદા જુદા રંગના અને જુદા જુદા સ્થળેથી એકત્ર થયેલા પક્ષીઓનું સમુહભોજન, નિસર્ગ સાથે તાલમેલ મેળવી ચુકેલી પાંદડનું જુદા જુદા પાંદડામાંથી બનાવેલ પીપુડી-વાદન,સંવેદનશીલ વૃક્ષોની ભાત-ભાતની સંવેદનાઓ, બાહ્ય દેખાવની પરવા કર્યા વગર પોતાના આંતરજગતથી પોતાની કલાના માધ્યમથી જગત પર છવાઈ જતા કલાકારો – આ સર્વને માણવાની ખુબ મજા પડી.

  નોંધઃ કુંવારપાઠુ, ધૃતકુમારી અથવા અંગ્રેજીમાં EloeVera નામથી ઓળખાતો છોડ ઘણા બધા ઔષધિય ગુણ ધરાવે છે. તેના જુદા જુદા ભાગનો યોગ્ય રીતે પ્રયોગ કરવાથી ઘણાં બધા અસાધ્ય રોગો આસાનીથી મટે છે.

 6. ભાવના શુક્લ says:

  અહી મમ વિશ્વ જાણે સર્વ વિશ્વ બને છે.
  સુંદર વૃક્ષ વિશ્વની વાતો…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.