- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઠેકાણું પડ્યું – આનંદરાવ લિંગાયત

[થોડાક મહિનાઓ અગાઉ શ્રી આનંદરાવભાઈની (લૉસ ઍન્જલસ, અમેરિકા) એક કૃતિ આપણે માણી હતી. આજે માણીએ વધુ એક કૃતિ ‘કંકુ ખર્યું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.]

બાપુજી ગુજરી ગયા એટલે હવે બા દેશમાં એકલી પડી ગઈ. મારા ભાઈઓએ બાને પણ અમેરીકા બોલાવી લેવાનો નિર્ણય લીધો. આમ તો બા મજબૂત અને અડીખમ છે. નખમાંય રોગ નથી. આ બાઈને બ્યાશી વર્ષ થયાં છે એવું કહો તો કોઈ જલ્દી માને નહીં. ઘડપણને એણે એવી રીતે સંતાડી રાખ્યું છે કે શરીર ઉપર ક્યાંય દેખાતું નથી.

મારા ત્રણે ભાઈઓ વર્ષોથી અમેરીકામાં આવી વસ્યા છે. બધા ભણેલા,ગણેલા, પૈસે ટકે સુખી છે. જુદી જુદી ઉમ્મરનાં કુલ સાત ભત્રીજાં મારે છે. મારા ભાઈઓનાં આ બધાં છોકરાં પણ ભણવામાં હોશિયાર છે. બે ભાઈની પત્નીઓ નાની મોટી ‘જોબ’ કરે છે. આર્થિક રીતે કોઈ જરૂર નથી તો પણ કરે છે. સૌથી મોટા ભાઈની પત્ની નથી કરતાં. એ નથી કરતાં એનું કારણ વળી જુદું જ છે. એ વાત ફરી કોઈ વાર.

હું ઈન્ડિયામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. પગાર સારો હતો. સમાજમાં માન, પ્રતિષ્ઠા… બધું હતું. એક યા બીજા કારણસર ચીલાચાલુ સંસારની વિટંબણાઓમાં મને કોઈ રસ જ નહોતો. એટલે લગ્ન કરવા પ્રત્યે મને કોઈ આકર્ષણ નહોતું. પરણીએ એટલે એ છોકરાં…. એમને ઉછેરવાં….સાજાં માંદા થાય એની સદા ચિંતા… એમને ભણાવવાં… એમાંથી કોઈ રખડેલ પાકે તો પાછી આબરૂ જાય… એ મોટાં થાય એટલે એમના લગ્નનો મેળ પાડવો…. પતિને કાંઈક થાય તો પાછી આફત… લગ્નની સાથે ઓચિંતા જ ઊભાં થતાં સાસરી પક્ષનાં નવાં નવાં સગપણ…. એમાંથી ઊભી થતી ખટપટો….. ના ભાઈ ના. મારે એ બધું નહીં જોઈએ. એટલે લગ્ન નહીં કરવાનો મક્કમ નિર્ણય મેં લઈ લીધો હતો. મારા ભાઈઓ અને ભાભીઓએ પણ મારા આ નિર્ણયને સ્વીકારી લીધો હતો. હવે લગ્ન બાબત એ મને કશું કહેતા ન્હોતાં. વચલી ભાભી તો ઉલ્ટાનું કહેતી કે નણંદબા, તમે જે નિર્ણય લીધો છે એ ઉત્તમ છે. મારું ચાલત તો હું પણ એમ જ કરત.

પણ મારી બા ?! કુંવારા રહેવાનો મારો નિર્ણય એને મન તો !! જવા દો… સ્ત્રી જિંદગીભર એકલી કુંવારી રહી શકે એ એની કલ્પના બહારની વાત હતી. એ સ્વીકારવા જ એ તૈયાર ન્હોતી. ભાઈઓ બધા પરણી ગયા અને એની દષ્ટિએ ‘હું રહી ગઈ’ એ વાતનું બાને મોટામાં મોટું દુ:ખ હજુ પણ છે. એને જીવનમાં કોઈ વાતનું દુ:ખ નહોતું. ફક્ત હું પરણી ‘શકી નહીં’ એ જ એના જીવનનો મોટો આઘાત છે. કુંવારા રહેવાનો મારો નિર્ણય એ સહન કરી શકતી નથી. આ નિર્ણયને લીધે ક્યારેક તો એ મારા ઉપર ખૂબ ખીજાઈ જાય છે. ભાઈઓએ ઈન્ડિયાની મારી નોકરી છોડાવી અને મને પણ અહીં અમેરીકા બોલાવી લીધી. અહીંનું થોડું ભણી એટલે મને પણ જુનિયર કૉલેજમાં ભણાવવાની સારી નોકરી મળી ગઈ અને એક નાના એપાર્ટમેન્ટમાં હું મારી રીતે આનંદથી મારી જિંદગી જીવું છું.

હવે બાને પણ અમેરીકા બોલાવી લેવાનું ભાઈઓએ નક્કી કર્યું. પણ બા અમેરીકા આવવા તૈયાર જ નહોતી. એનાથી એના એ ફળિયાની મમતા છૂટતી નહોતી. હું એમાં એનો જરાય દોષ જોતી નથી. આખી જિંદગી જે ઘરમાં વીતી હોય, જે ઘરની એક એક દિવાલ, જે ઘરનો એક એક ગોખલો, એક એક જૂનું કબાટ અને એકે એક પટારો સતત બોલાવ્યા કરતાં હોય એ ઘર એમ કેવી રીતે છૂટે ! એ તમને છોડે નહીં. તમે પરાણે છોડો તો એ બધી નિર્જીવતાની આંખમાં પણ આંસુ આવી જાય. જે ફળિયામાં ત્રણ ત્રણ પેઢીનાં છોકરાં પોતાની આંખ આગળ મોટાં થતાં જોયાં હોય એ બધાંની મમતા બા કેવી રીતે છોડી શકે ! આડોશી-પાડોશીઓ, સગાંવ્હાલાં બધાં ઘણું સમજાવતાં. પણ બા એકની બે થતી નહીં.

મારી જૉબ ઉપરથી એક મહિનાની રજા લઈ ઈન્ડિયા જવું અને કોઈ પણ સંજોગોમાં બાને મારે મારી સાથે લઈને જ આવવું એવો કડક આદેશ મારા ભાઈઓએ મને આપી દીધો. એ લોકો સમજતા નથી કે એ ઘર અને એ ફળિયા ઉપર સતત સાઠ-પાંસઠ વર્ષથી ચઢેલા વિવિધ સ્મૃતિઓના થર બા એકદમ કેવી રીતે ઉખેડી શકે ! મારા ભાઈઓને ગળે આ નાજુક સંવેદનશીલતા ઉતરે એમ હતી જ નહીં. એ લોકોને લાગણીઓના આ નાજુક તાંતણા દેખાય પણ નહીં અને સમજાય પણ નહીં.

હું ઈન્ડિયા પહોંચી ગઈ. શિયાળાની સવારના મીઠા તાપમાં હું અને બા અમારા ઘરના એ જ જુના ઓટલા ઉપર બહાર બેઠાં હતાં. એ જ ફળિયું જ્યાં હું ઉછરી હતી. હજુ પણ કેટલાંકના આંગણામાં ભેંસો બાંધેલી હતી. ભેંસો જોઈને મારા મનમાં અમસ્તો જ એક વિચાર આવ્યો…. અમેરીકામાં તો ભેંસનું દૂધ મળે પણ નહીં. હિન્દુસ્તાનમાં ગાયોની પૂજા કરવામાં આવે છે, ખૂબ જ મહત્વ ગાવામાં આવે છે છતાં દૂધના ઉત્પાદન માટે તો ભેંસોનો ઉપયોગ થાય છે. ગાયના દૂધની ચા પણ કોઈને ભાવતી નથી ! શહેરમાં તો ગાયો બિચારી કેવી માંદલી અને અતંદુરસ્ત હાલતમાં ફરતી હોય છે ! રસ્તા ઉપર ફેંકાયેલા ગમે તેવા પ્લાસ્ટીકના ટુકડા, અને એવો બધો નૂકશાનકારક કચરો બિચારી ચાવ્યા કરતી હોય છે ! આ કેવું ?

થોડીવાર માટે મને મારું બાળપણ યાદ આવી ગયું. આ જ રીતે આ જ ઓટલા ઉપર બેસાડીને બા મારા માથામાં ખૂબ તેલ ઘસતી. આજે પણ બધું એનું એજ રહ્યું છે. માત્ર મારું બાળપણ ચાલ્યું ગયું છે. મારા માથામાં બા તેલ ઘસવાને બદલે હું બાના પગે માલીસ કરી રહી હતી. છોકરાંની દોડાદોડ અને કોલાહલ જબરો હતો. ફળિયામાં બધાં આડોશી પાડોશીઓ સૌ પોત પોતાનું રોજનું કામ કરતાં હતાં. કોણ શું કરી રહ્યું છે એ પણ સૌ જાણતાં હતાં. કશું ખાનગી નહીં. ક્યાં અમેરીકાના મારા એપાર્ટમેન્ટનું એકલવાયુ ‘પ્રાયવસી’વાળું જીવન અને ક્યાં આ સદા સૌથી ઘેરાયેલું, સદા ખુલ્લુ ફળિયાનું જીવન ! બને રીતનું જીવન મને તો ગમે છે. કયું વધારે ગમે છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. ક્યારેક માત્ર બંન્નેનો અતિરેક થઈ જાય છે. આ બંન્ને જીવન-રીતનું બરાબર યોગ્ય પ્રમાણમાં મિશ્રણ થઈ શકતું હોત તો કેવું સારું !

ધીમે રહી મેં અમેરીકા જવાની વાત કાઢી….
‘બા, હવે તું અહીં રહું એ ભાઈઓને કે મને ગમતું નથી. ન કરે નારાયણ અને સાજી માંદી થઉ તો તારું કોણ કરે ? પડોશીઓ કરી કરીને કેટલું કરશે ? સૌને પોતપોતાની માયા જંજાળ તો હોય ને ? એટલે તું હવે અમેરિકા ચાલ. છેવટે ચાર-પાંચ મહિના માટે ચાલ. પછી હું તને પાછી મૂકી જઈશ. છેવટે, ભાઈઓનાં બધાં છોકરાંને તો મળ. એ બધાં તને ખૂબ યાદ કરે છે.’…. છોકરાંને મળવાની વાતથી બા પીગળી ગઈ. Grandchildren ને મળવાનું એનું વાત્સલ્ય ખળભળી ઊઠ્યું. થોડા મહિના માટે આવવા એ તૈયાર થઈ ગઈ. બાને પીગળાવવાના મારા પ્રયત્નોમાં મને સફળતા મળી એ વાતનો મને જબરો આનંદ થયો. મારા આનંદનો નશો શમે એ પહેલાં જ બા બોલી :
‘તું પણ પૈણી ગઈ હોત તો કેવાં મઝાનાં બે-ત્રણ ભાણીયાં ઘરમાં હોત ! આ બાવી બનવાનું છોડ…. હજુ ય વખત છે… ઠેકાણું પડી જશે.’ હું બા તરફ તાકી રહી. મને બેંતાળીસ વર્ષ થયાં છતાં બાને હું હજુ નાની જ લાગતી હતી. હું ભણીગણી છું, સારી કૉલેજમાં નોકરી મેળવી ઠરીઠામ થઈ છું. છતાં બાની દષ્ટિએ હજુ મારું ‘ઠેકાણું પડ્યું’ નથી. એના આ શબ્દોમાં હજુ પણ મારા લગ્ન વિષેની એની ઊંડી ચિંતા મને દેખાતી હતી. મને બોલવાનું મન થઈ આવ્યું કે બા, વખત બદલાયો છે. યુગ પલટાયો છે. આ તારી પેઢીનો જમાનો નથી. સ્ત્રીઓ પણ હવે ધીમે ધીમે સ્વતંત્ર રીતે જીવવા માંડી છે… પણ આ બધું ભાષણ બા પાસે કરવાનો કોઈ અર્થ મને દેખાતો નહોતો.
‘સારું બા….’ એટલું કહી હું ચૂપ રહી.

થોડા દિવસોમાં હું અને બા અમેરીકા આવી ગયાં. બા થોડો વખત ભાઈઓને ત્યાં, થોડો વખત મારે ત્યાં, એમ એને મન ફાવે ત્યાં રહેતી. અવાર નવાર બધાં છોકરાં ભેગાં થતાં. છોકરાંને જોઈને બાના હરખનો પાર નહોતો રહેતો. જ્યાં રહેતી ત્યાંના ઘરની રસોઈનું મોટાભાગનું કામકાજ બા જ ઉપાડી લેતી.

એક દિવસ, મોટાભાઈના ઘરે, ન્હાવાના બાથ ટબમાં બા લપસી પડી. એના થાપાના હાડકામાં ભારે ફ્રેકચર થયું અને એક હાથને પણ સારી એવી ઈજા થઈ. ખાસ્સા દિવસ હોસ્પિટલમાં રાખી પાટા પીંડી કરાવી. મોટી ઉમ્મરને લીધે હાડકાને રૂઝાતાં બહુ વાર લાગશે એટલે ઓછામાં ઓછા બે મહિના એ ઈજા થયેલા હાથ અને પગ ઉપર ભાર ન આવે એવું ડૉક્ટરે કહ્યું. બાનું સ્વતંત્ર રીતે ચાલવાનું બંધ થઈ ગયું. હાથનું હલન ચલન પણ બંધ થયું. સડસડાટ બધે ફરી વળનારી બાને આ મોટામાં મોટી સજા, મોટામાં મોટી જેલ થઈ પડી. બાને અમેરીકા લાવ્યાની ભૂલ અંગે મને પસ્તાવો થવા લાગ્યો. બાને અમેરીકા લાવવાના ભાઈઓના આગ્રહને લીધે આ બન્યું એવો ગુસ્સો પણ મને ભાઈઓ ઉપર આવ્યો. પણ થવા કાળ હશે તે થયું એમ કરીને મન મનાવી લીધું. બધાં છોકરાંએ બાના પગના પ્લાસ્ટર ઑફ પેરિસના કાસ્ટ ઉપર નામ લખ્યાં અને તારીખો લખી. હવે હું બા સાથે સૌથી વધારે વખત ગાળવા લાગી. આ ઓચિંતી આવી પડેલી અપંગતાથી બા બહુ ઢીલી પડી ગઈ હતી. ન્હાવા ધોવાની અને ખાવા પીવાની બાબતમાં પણ એ પરાવલંબી બની ગઈ એનો મોટો માનસિક આઘાત એને લાગી ગયો હતો. હાડકું રૂઝાવાને બદલે અંદર બીજું જ કાંઈ કોમ્પ્લીકેશન, બીજી જ કાંઈ તકલીફ શરૂ થઈ ગઈ હતી. એટલે બાની તબિયત પણ વધારે લથડવા માંડી હતી. એનું વજન ઘટવા માંડ્યું હતું. થોડા ડગલાં ચાલવામાં પણ હવે એને હાંફ ચઢી જતો. પાકટ ઉમ્મરને લીધે ડોક્ટરો પણ હવે કાંઈ કરી શકે એવું ન્હોતું. અમને સૌને હવે એની તબિયત વિષે ભારે ચિંતા થવા લાગી હતી.

રવિવારની એક બપોરે મેં બાને મારા હાથે થોડું ખવરાવ્યું અને એનું મોઢું લૂછી ધીમે રહી હાથ પકડીને પાછળના વાડામાં થોડું ચલાવી લાવી જેથી તાજી હવા મળે. પછી ધીમે રહી પાછી પથારીમાં સૂવાડી હું એની બાજુમાં બેઠી અને થોડી આડા અવળી વાતો કરી. બીજા કામે જવા હું ઊભી થઈ ત્યાં ઓશિકા ઉપર માથું ટેકવતાં બા બોલી : ‘તારો મોટોભાઈ કહેતો હતો કે કોઈ સુધીર નામના એના ભાઈબંધ સાથે તારું ગોઠવાયું છે. હમણાં આ સુધીર ઈન્ડિયા ગયો છે. એ પાછો આવે એટલે તરત મારી હાજરીમાં જ તારું લગ્ન પતાવી દેવાનો છે. તો આ સુધીર પાછો ક્યારે આવવાનો છે ?’
બાની વાત સાંભળીને પહેલી ક્ષણે તો મને મોટો શૉક લાગ્યો. આ સુધીર કોણ ? અને મારું આ ગોઠવ્યું કોણે ? ક્યારે ગોઠવાયું ? લગ્ન સુધી વાત પહોંચી ગઈ અને મને પોતાને જ કાંઈ ખબર નહીં ! આ બધું શું છે ? પણ બીજી જ ક્ષણે મને ખ્યાલ આવી ગયો કે મોટાભાઈએ આ ગપ્પુ મારીને બાના મનને શાંત કર્યું હોવું જોઈએ. પણ મોટાભાઈએ આ ગપ્પા વિષે મારે કાને વાત તો નાખી દેવી હતી ! કોઈ મોટો ગોટાળો તો ના થઈ જાય. હું ધર્મસંકટમાં મૂકાઈ ગઈ. બાને શું જવાબ આપું ? મેં હિમ્મત કરીને સમયસૂચકતા વાપરી.
‘હા બા, હું તને એક બે દિવસમાં કહેવાની જ હતી. સુધીર મોટી કંપનીમાં એન્જીનીયર છે. તું હવે થોડી વાર શાંતિથી આરામ કર અને ઊંઘી જા. ખોટી ચિંતા ના કર્યા કરીશ. મારું પણ હવે તો સરસ જગાએ ઠેકાણું પડી ગયું છે.’ મેં બાને બ્લૅન્કેટ ઓઢાઢયું. મારી વાત સાંભળીને એના મોઢા ઉપર સંતોષનું જબરૂ સ્મિત ફરક્યું. હું પણ હસી પડી. મને તો ચિંતા થવા માંડી કે હવે કોઈ બનાવટી સુધીર ઊભો ન કરવો પડે તો સારું. ઓશિકા ઉપર એનું માથું બરાબર ગોઠવી, એનો બેડરૂમ બંધ કરી, હું રસોડામાં ગઈ. ત્યાં છોકરાં બધાં ભેગાં થઈને આઈસ્ક્રીમ ખાતાં હતાં. સૌની સાથે બેસીને તોફાન મસ્તી કરતાં કરતાં મેં પણ થોડો આઈસ્ક્રીમ ખાધો. એકાએક બાને થોડો આઈસ્ક્રીમ ખવરાવવાનું મને મન થયું. એક કપમાં થોડો કાઢી હું પાછી બા પાસે આવી.

‘બા, આ લે આ આઈસક્રીમ થોડો ખા… સરસ છે.’ પથારીમાં બેસી એના મોઢા આગળ મેં ચમચી ધરી. પણ ચમચી મારા હાથમાં જ થીજી ગઈ. મારાથી મોટી ચીસ પડાઈ ગઈ. બા ચાલી ગઈ હતી. એકાએક આ શું થયું ? મારા ઠેકાણે પડવાની ચિંતામાં જ એ જીવી રહી હતી ?! એ સમાચાર સાંભળતાં જ એ સંતોષથી ચાલી ગઈ ?!

થોડા દિવસ કામ ઉપર રજા પાડી હું ઘેર રહી. બે અઠવાડિયાં પછી, થોડી સ્વસ્થતા કેળવી, પાછી રાબેતા મુજબ હું કૉલેજમાં કામે ચઢી. મારી ગેરહાજરી દરમિયાન મારા વર્ગમાં વીસેક વર્ષનો, ફાંકડો દેખાતો, એક નવો ઈન્ડીયન વિદ્યાર્થી દાખલ થયો હતો. રીસેસમાં એ મારી પાસે આવ્યો. મેં સહજ એને પૂછ્યું :
‘What is your name ?’
‘સુધીર…’ એણે તરત જવાબ આપ્યો. બહુ ભારે પ્રયત્નો કરીને મેં મારું હસવું દાબી રાખ્યું. નવા વિદ્યાર્થી તરીકે હસતે મોંએ એને અભિનંદન આપી મેં વિદાય કર્યો. ચાલીને દૂર જતા એ સુધીરની પીઠ તરફ હું થોડી વાર તાકી રહી. ઉપર બેઠી બેઠી પણ બા હજુ મારો પીછો છોડતી નથી લાગતી…

મારા મનમાં એકાએક એક ચિનગારી ઝબકારો મારી ગઈ….
આ સુધીરની ઉમ્મર હજુ બીજાં વીસેક વર્ષ વધારે હોત તો !

[કુલ પાન : 158. કિંમત : $ 7.95. પ્રાપ્તિ સ્થાન : Sangam Publications and Productions. c/o 4914. Crenshaw Blvd. Los Angeles, CA 90043.]