અમર આશા – મણિલાલ દ્વિવેદી

મણિલાલ દ્વિવેદી કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે.

ઝખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
કતલમાં યે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લુંટાઈ છે.

ફના કરવું, ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર દિલબરની દુહાઈ છે.

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપતે તૂટતા અંદર ખડી માશુક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશીદ ગયા માશુકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મુઆ એવી કલામો સખ્ત ગાઈ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શબ્દનો સ્વયંવર – દિનેશ પંચાલ
અહિંસાનો પ્રભાવ Next »   

9 પ્રતિભાવો : અમર આશા – મણિલાલ દ્વિવેદી

 1. manvant says:

  વાહ! અભેદમાર્ગના પ્રવાસી વાહ!હદ કરી તમે તો આવું સર્જન કરીને !ગુજરાતી તમને કાયમ યાદ રાખશે ! મારા મુંગા પ્રણામ સ્વીકારજો !તંત્રીશ્રી નો પણ આભાર આ કાવ્ય ને સ્મૃતિમાં લાવવા બદલ !..મનવંત.

 2. nayan panchal says:

  મૃગેશભાઈ,

  એક નમ્ર વિનંતી છે કે જ્યારે તમે આવા કાવ્યો રજૂ કરો ત્યારે સાથે સાથે એના અઘરા શબ્દોના અર્થ પણ આપશો, તો મારા જેવો વાચક પૂરી રીતે સમજી શકે.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
  ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

  ખફા – ક્રોધ, ગુસ્સો, નારાજી,
  ખંજર – જમૈયો, છરી, મોટી કટાર
  સનમના – દિલગીરી, ઉદાસિનતા
  રહમ – કૃપા, કરૂણા

  જુદાઈ જિંદગીભરની કરી રો રો બધી કાઢી,
  રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.

  વસ્લ – મિલન

  ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
  હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે.

  સનમ – પ્રિયતમા

  ઝખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
  કતલમાં યે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

  ઝખમ – ઘાંવ
  જબાન – જીભ, મોઢાંમાંથી નીકળેલ શબ્દ
  કતલ – ઘાત, હત્યા
  કદમબોસી – દંડવત કરવા, નમસ્કાર
  ક્યામત – ખ્રિસ્તિ, યહુદિ અને મુસલમનોની માન્યતા મુજબ સૃષ્ટિનો છેલ્લો દિવસ કે જ્યારે મુડદા બધા બેઠા થશે અને પોતાના કર્મોના હિસાબ ખુદાને આપશે.
  ખુદાઈ – ઈશ્વરી, ખુદાનું, ખુદા સંબધિ

  શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
  અગમ ગમની ખરાબીમાં મઝેદારી લુંટાઈ છે.

  શમા – દિવાની જ્યોત
  પરવાના – પતંગિયુ
  શીરી અને ફરહાદ – અમર પ્રેમીઓ
  અગમ – અગમ્ય, હદ વગરનું
  ગમ – શોક
  મઝેદારી – આનંદ, મનને સુખાનંદ અનુભવવા તે

  ફના કરવું, ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
  મરીને જીવવાનો મંત્ર દિલબરની દુહાઈ છે.

  ફના કરવું – ઉડાડી નાખવું, નાશ કરી નાખવો, પાયમાલ કરી નાખવો
  ફના થાવું – નાશ પામવું, પાયમાલ થાવું, મરી જાવુ
  ફના – ક્ષય, નાશ, વિનાશ, પુર્ણ નાશ, બરબાદી
  શહ્ – અમીરાત, ખાનદાની, શાહી, બાદશાહી
  દિલબર – સનમ્ માશુક, પ્રિયા
  દુહાઈ – આણ, કસમ, સોગન, શપથ

  ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
  સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.
  ઝહર – ઝેર
  જામ – પવાલુ, પ્યાલો, દારુ પીવાનું રત્નજડિત વાસણ
  રફાઈ – પ્યાલી પીવાની ક્રિયા, ગળામાં, પેટમાં તથા આંખમાં હૂલ ખાનાર કે છરી ભોંકનાર રફાઈલની પ્યાલી પીવે છે અને તે પ્યાલી પીવાની ક્રિયાને રફાઈ કહે છે.

  સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
  તડપતે તૂટતા અંદર ખડી માશુક સાંઈ છે.

  રાહ – રસ્તો, માર્ગ
  રોશન – પ્રકાશિત, ઉજાસમય
  સાંઈ – ખુદા, પરમેશ્વર, પ્રભુ, ભેટવું, આલિંગન આપવું

  ચમનમાં આવીને ઊભો ગુલો પર આફરીં થઈ તું,
  ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.
  ચમન – બગીચો
  ગુલ – ફુલ, પુષ્પ
  આફરીં – ખુશ, પ્રસન્ન, કુરબાન, ફિદા, વારી જવુ
  ખાર – કંટક, ઈર્ષા, અદેખાઈ
  બદનગુલ – ગુલાબ જેવું શરીર હોય એવું

  હજારો ઓલિયા મુરશીદ ગયા માશુકમાં ડૂલી,
  ન ડૂલ્યા તે મુઆ એવી કલામો સખ્ત ગાઈ છે.
  ઑલિયા – સંત, ફકીર
  મુરશીદ – ધર્મનો ઉપદેશ કરનાર, ધાર્મિક ઉપદેશક
  કલામો – ઈસ્લામ નું ફરમાન

  ઉપરના બધા અર્થો ભગવદગોમંડળ માંથી શોધ્યા છે. હવે કદાચ આ ગઝલનો અર્થ કાંઈક સ્પષ્ટ થશે. ભગવદગોમંડળ ગુજરાતી ભાષાનો મહાન શબ્દકોશ છે. જે નીચેની લીંક ઉપર ક્લિક કરવાથી ખોલી શકાશે.

  http://bhagavadgomandalonline.com/

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.