- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દીવાથી દીવાદાંડી : એક યાત્રા – જિતેન્દ્ર શાહ

તેની પાસે પાંચ દિવસ ચાલે તેટલો જ ખોરાક હતો. ‘બાઈબલ’ – ‘પિલગ્રિમ્સ પ્રોગેસ’ જેવાં બે પુસ્તકો હતાં. સ્વરક્ષણ માટે એક હથોડી હતી. થોડાં વસ્ત્રો હતાં અને ઠંડીથી બચવા એક બ્લેન્કેટ હતું. આ બધું તો હતું જ તેની પાસે, પરંતુ તે સિવાય પણ તેની પાસે કંઈક હતું – તેની આંખોમાં એક શમણું હતું. દિલમાં એક અભીપ્સા હતી. ‘કરેંગે યા મરેંગે’ નો મંત્ર તો તેણે ક્યાંથી સાંભળ્યો હોય ? તે છતાં તે મંત્ર ન જાણે કેમ તેની રગરગમાં ઊતરી ગયો હતો.

આફ્રિકા ખંડના ન્યાસાલૅન્ડનો તે વતની. ગામડાગામમાં રહેતાં ગરીબ-અભણ મા-બાપનું તે સંતાન. નામ લેગસન કાયિરા. તેની પાકી જન્મતારીખ તો તેનાં મા-બાપ પણ જાણતાં ન હતાં. છતાં તે પંદર-સોળ વર્ષનો ગણી શકાય તેમ સહુ કહેતા હતા. ગામડામાં રહીને ધૂળી નિશાળમાં જનાર તે છોકરાનું શમણું હતું અમેરિકાની કૉલેજમાં જઈ સ્નાતક થવાનું. બિચારાં અભણ મા-બાપને તો જરા પણ ખ્યાલ ન હતો કે ધરતીના કયા છેડે અમેરિકા વસેલું હતું. કાયિરા પોતે પણ અમેરિકા વિશે શું જાણતો હતો ? મિશનરી શાળામાં ભૂગોળનો જે કંઈ અભ્યાસ કર્યો હતો તે અને શાળાના શિક્ષકોએ અમેરિકા વિશે જે વાતો કરી હતી તેથી વિશેષ જ્ઞાન તેની પાસે ન હતું. આ સમય હતો ઓક્ટોબર, 1958નો.

મા-બાપે ભારે હૈયે અમેરિકા જવાની સંમતિ તો આપી, પરંતુ તે બિચારાં જીવ સંમતિ સિવાય શું આપી શકે તેમ હતાં ? સંપત્તિ સિવાય શું આપી શકે તેમ હતાં ? સંપત્તિ તો હતી જ નહીં એટલે તે આપવાનો પ્રશ્ન જ ક્યાં હતો ? તો સ્વપ્નભૂમિ અમેરિકા પહોંચવું કઈ રીતે ? કોઈ પણ જાતનું ટિકિટભાડું તો તે ખરચી શકે તેમ હતો નહીં એટલે તેણે નક્કી કર્યું કે જાતે ‘ચરણ-દાસ’ બનીને – મતલબ ચાલતાં ચાલતાં જ પૂર્વ આફ્રિકાનાં જંગલો ચીરતાં ઉત્તરમાં ઈજિપ્તના કેરો નગરે પહોંચવું અને તે બંદરેથી બોટ પકડી અમેરિકા પ્રયાણ કરવું. અમેરિકા જવાની કહેવાતી યોજના કે કલ્પના ભલે સાવ કોરી હોય, અણઘડ પણ હોય, પરંતુ તેને બહુ ફિકર નહોતી કારણ હૈયામાં એક વગદાર હામ હતી – નયનોમાં એક નમણું સપનું હતું. આંસુભીની આંખોની માફક જ શમણાભીનાં નયનો કંઈ બધું જ સ્પષ્ટ જોઈ શકતાં નથી.

તે ભૂલી ગયો કે તેનાં ગજવાં – તેનું ખીસું સાવ ખાલી જેવું જ હતું. કેરો પહોંચતાં સુધીમાં જો માત્ર ખાધાખોરાકીમાં જ તેની પાસેની રકમ પૂરી થઈ ગઈ તો બોટભાડા જેટલી કમાઈ કરવા માટે તેણે કેટલો સમય ત્યાં રહેવું પડે ? તેને તે વાતનું પણ વિસ્મરણ હતું કે અમેરિકાની કોઈ કોલેજમાં હજી સુધી તેને દાખલ કરવામાં આવ્યો ન હતો. દાખલ કરશે કે કેમ તે પણ તે ક્યાં જાણતો હતો ? તેને એટલો પણ ખ્યાલ ન હતો કે કેરો નગર ત્રણ હજાર માઈલ દૂર પડ્યું હતું. વચ્ચે કમસે કમ પચાસ જેટલી વિભિન્ન ભાષાઓ બોલતી સેંકડો અલગ અલગ આફ્રિકન જાતિઓ વસતી હતી. વધારે નહીં તો પચાસ જ ભાષાઓ ગણીએ તો પણ તે તેમાંની એકપણ ભાષા જાણતો ન હતો. ઘણું ઘણું તે ભૂલ્યો હતો તે સાવ સાચું, પરંતુ અમેરિકન યુનિવર્સિટીમાં જઈ શિક્ષણ મેળવવાનું સ્વપ્નું તે ક્યાં વીસરી શકે તેમ હતો ?

તેની ભીતરમાં સ્વપ્નાનો સૂર્યોદય થયો તે પહેલાં તે એક માત્ર ઢીલો-પોચો છોકરો હતો. ભયંકર ગરીબાઈને કારણે અભ્યાસને તે એક અનિવાર્ય આપત્તિ સમજી શાળામાં હાજરી આપતો હતો. તેની સાથે જ ‘અભ્યાસ’ કરતા અન્ય વિદ્યાર્થીઓની માફક તેને પણ લાગતું હતું કે ગામડાગામના ગરીબ છોકરા માટે વિદ્યાભ્યાસ પાછળ ખર્ચેલ સમય એ સમયના વેડફાટ સિવાય બીજું કશું જ ન હતું.

આ ગાળામાં શાળાના પુસ્તકાલયમાં અબ્રાહમ લિંકન અને બૂકર ટી. વૉશિંગ્ટનનાં જીવનચરિત્ર તેના વાંચવામાં આવ્યાં. આ વાંચનને પરિણામે તેના મનોજગતમાં જાણે ધરતીકંપ જ થયો ! તેને લાગ્યું કે મુઠ્ઠી હાડકાંનો માણસ ગાંઠ વાળી લે તો તે ધારે ત્યાં પહોંચી શકે તેમ હતો ! તેને જ્ઞાન લાદ્યું કે ગરીબ મા-બાપનું સંતાન નામે અબ્રાહમ શિક્ષણના બળે અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન બની ગુલામીપ્રથા નાબૂદ કરી શકે, અશ્વેત બૂકર ટી. વૉશિંગ્ટન ગુલામીની જંજીર તોડી એક મહાન સુધારક અને શિક્ષણશાસ્ત્રી બની શકે તો સારું શિક્ષણ મેળવી પોતે પણ આભને સરળતાથી આંબી શકે ! તેના મનમાં બરાબર ઠસી ગયું કે ન્યાસાલૅન્ડના ખોબા જેવડા કૂબામાં રહી સલામતીને વળગી રહેવામાં શાણપણ ન હતું. ગગનગામી બનવાનો પડકાર ઝીલવામાં શાણપણ પણ હતું અને શૌર્ય પણ હતું ! બસ કેરો થઈને અમેરિકા પહોંચવાનું અભિયાન શરૂ થયું !

ઊબડખાબડ આફ્રિકન ધરતી પરની પહેલા પાંચ દિવસની પદયાત્રા પછી તે માત્ર પચીસ માઈલ અંદાજે પચાસ-પંચાવન કિલોમીટર જેટલું જ અંતર કાપી શક્યો. ખીસાખરચી તો ખાસ હતી જ નહીં અને સાથેનાં ખોરાકપાણી પૂરાં થવા આવ્યાં હતાં. બાકીના 2975 માઈલની યાત્રા કેવી રીતે પૂરી કરવી અથવા પૂરી કરવી કે પાછા ફરી જવું તે પ્રશ્ન તેની ભીતરમાં સળવળવા લાગ્યો. પાછળ હટી જવાની વાત એટલે શરણાગતિની વાત અને સ્વમાની કાયિરાને શરણાગતિ ક્યાં મંજૂર હતી ? તેણે આગળ ધપવાનો દઢ નિર્ણય કર્યો અને મનોમન નક્કી કર્યું કે હવે કાં તો અમેરિકા પહોંચવું અને ન જ પહોંચી શકાય અને અધવચ્ચે જ દેહ પડી જાય તો પડવા દેવો, પરંતુ પાછા ફરવાની વાતને મનના મંડપમાં ફરી ફરકવા નહીં દેવાની. અને ફરી પદયાત્રા શરૂ થઈ. તેણે એકલા તો ચાલવું જ પડતું હતું, પરંતુ ક્યારેક સાવ અજાણ્યા અને ભેદી લાગતા માણસો સાથે પણ તેને ચાલવું પડતું. કોઈ પણ નવા ગામની સીમમાં દાખલ થતાં જ તે સાવધ થઈ જતો – તેને ખ્યાલ નહોતો આવતો કે અપરિચિત ગ્રામજનો તેને આવકારશે કે ધિક્કારશે ? તેઓ મિત્ર બની રહેશે કે શત્રુ સાબિત થશે ?

ક્યાંક કરુણાભીના ગ્રામજનો મળી જાય તો તે ત્યાં થોડું રોકાણ કરી લેતો અને થોડું નાનું-મોટું કામ કરી જોઈતા પૈસા રળી લેતો. પરંતુ જ્યારે જંગલોમાંથી પસાર થવાનું આવતું ત્યારે તેની કસોટી થતી. રાતની મુસાફરી છોડી તે દિવસના જ મુસાફરી કરી લેતો જેથી જંગલી જાનવરોનો મુકાબલો બને ત્યાં સુધી ટાળી શકાય. ત્યાં તેણે પત્ર-પુષ્પ અને ફળો પર જ ટકી રહેવું પડતું અને તારાના બુટ્ટાવાળી આકાશની ચાદર ઓઢી નિદ્રાદેવીને શરણે જવું પડતું. નિયમિત અને પોષણવાળો ખોરાક નહોતો મળતો એટલે તેનું શરીર ઘસાતું ચાલ્યું. એક વાર તો તે સાવ તાવગ્રસ્ત થઈ ગયો. ક્યાંક કોઈક ગામના દયાળુ જનોએ તેને દેશી ઓસડિયાં આપ્યાં અને માંદગીમાં આરામ આપવા કામચલાઉ રહેવાની પણ વ્યવસ્થા કરી આપી. માંદગીમાં લાગેલા તન-મન પરના જોરદાર ધક્કાને કારણે તેને એક વાર તો ઘરે પાછા ફરવાની ફરી તીવ્ર ઈચ્છા થઈ આવી. તેને લાગ્યું કે જિંદગીને દાવ પર લગાવી અભ્યાસાર્થે અમેરિકા પહોંચવું નરી મૂર્ખતા હતી. પરંતુ હતાશા અને નિરાશાની તે પળમાં તેની સહાયે આવ્યાં પેલાં બે પુસ્તકો- ‘બાઈબલ’ અને ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’. તે પુસ્તકોમાં સચવાયેલા જીવંત શબ્દોએ તેની ભીતરમાં રહેલી ચેતનાને સંકોરી અને તેણે પોતાની યાત્રા જારી રાખી.

જાન્યુઆરી 19, 1960ના રોજ તે યુગાન્ડા દેશની રાજધાની કંપાલા શહેર પહોંચ્યો. શ્યામ વાદળની રૂપેરી કોર જેવી હકીકત એ હતી કે મુસાફરીની વિપત્તિઓએ તેને ઢીલોપોચો કરવાને બદલે ખડતલ અને ખમતીધર બનાવી દીધો. બરાબર છ મહિના તે કંપાલા રોકાણો અને પૈસા મેળવવા માટે જે કામ-નોકરી હાથ પર આવી તે કરવા માંડી અને કામ ન હોય ત્યારે જાહેર પુસ્તકાલયમાં જઈ – ભૂખ્યા માણસ જેમ ખોરાક પર તૂટી પડે તેમ – તેને ગમતાં પુસ્તકો પર તૂટી પડતો. આ રીતે તે પુસ્તકો ઉથલાવતો હતો ત્યાં એક પુસ્તક પર તેની નજર ચોંટી જ ગઈ. તે હતું અમેરિકન કૉલેજની વિગતવાર માહિતી આપતું માર્ગદર્શક પુસ્તક. અનેકાનેક કૉલેજોની છબીવાળાં ચિત્રો સહિત તે પુસ્તકમાં અમેરિકન યુનિવર્સિટીને લગતી ભરપૂર માહિતી હતી. તેને તો જાણે ખજાનો મળી ગયો તેવો આનંદ થયો.

એક કૉલેજની છબી તેની આંખો વાટે તેના દિલમાં વસી ગઈ. તે કૉલેજ હતી માઉન્ટ વરનોન, વૉશિંગ્ટનની સ્કાગિટ કૉલેજ. નીલા-ભૂરા ગગનની નીચે, ફુવારા અને હરિયાળીથી ભરપૂર જાણે પોતાના વતન ન્યાસાલેન્ડમાં આવેલ હોય તેવાં પર્વતીય શિખરોની વચમાં તે કૉલેજ આવી હતી. અમેરિકન કૉલેજનું જ્યાં ઝાંઝવાનાં જળ જેવું લક્ષ્ય હતું ત્યાં તેને પહેલી જ વાર સ્કાગિટ કૉલેજના રૂપમાં કંઈક ચોક્કસ – કંઈક સ્પર્શક્ષમ ચીજ હાથ લાગી. તેણે કાગળ હાથમાં લીધો, પેન ઉઠાવી અને તે જ કૉલેજના ડીન પર પત્ર લખી પોતે ક્યા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો હતો અને શા માટે તે જ કૉલેજમાં તેને પ્રવેશ જોઈતો હતો તેની સમજ આપી. તેણે સ્કોલરશિપ માટે પણ આગ્રહભરી વિનંતી કરી. ઉત્તર ન આવે અથવા તેની વિનંતી અમાન્ય થાય તો તે માટે પણ તેણે તૈયારી રાખી. તેણે પેલા માર્ગદર્શક પુસ્તકમાંથી સરનામાં મેળવી અન્ય કૉલેજો પર પણ પત્રો લખ્યા. પરંતુ તે પત્રો બિનજરૂરી સાબિત થયા. સ્કાગિટ કૉલેજના ડીન કાયિરાના પત્રથી ખાસા પ્રભાવિત થયા. તેણે કાયિરાને યોગ્ય કારવાઈ પછી કૉલેજ-પ્રવેશ માટેનો સંમતિપત્ર મોકલ્યો અને સ્કોલરશિપ માટે કૉલેજ હોસ્ટેલનો વધારાનો ખરચો તે કાઢી શકે તે માટે ‘જોબ’ની વ્યવસ્થા કરી આપવાનું વચન પણ તેમણે તે પત્રમાં આપ્યું.

અમેરિકાની કૉલેજમાં તેને પ્રવેશ મળ્યો તે સાચું, પરંતુ આ વિધ્નદોડનો માત્ર પ્રારંભ હતો. હજી તો કેટકેટલાં વિધ્નો તેણે વટાવવાનાં હતાં ! પ્રથમ તો પોતાના વતન ન્યાસાલૅન્ડમાંથી તેણે પોતાનો પાસપોર્ટ મેળવી લેવાનો હતો અને જ્યાં સુધી અધિકૃત જન્મ-દાખલો હાથ ન આવે ત્યાં સુધી તેણે પાસપોર્ટ માટે ત્રિશંકુની દશામાં લટકતા રહેવાનું હતું. ખાસ તો વીઝા મેળવવા માટે જે ભંડોળ જોઈએ તે ક્યાં હતું તેની પાસે ? અમેરિકા ઊડીને પહોંચી શકાય તેટલું ભંડોળ ભેગું થાય તો જ વીઝાની વ્યવસ્થા થઈ શકે તેમ હતી. તોફાન સામે લડી લેવા આ કુળદીપક – આ યોદ્ધો તૈયાર જ બેઠો હતો. તેણે પોતાના ન્યાસાલૅન્ડની મિશનરી શાળાના આચાર્યને પત્ર લખ્યો અને પાસપોર્ટ-વીઝા મેળવવા માટેની મુશ્કેલીઓ વર્ણવી. કાયિરા અને તેના સ્વજનોથી તો આચાર્ય પરિચિત હતા જ, પરંતુ તેનું અડગ મનોબળ પણ આચાર્યથી અજાણ્યું ન હતું. તેમણે પોતાના અનેકાનેક સંપર્કોનો ઉપયોગ કરી કાયિરાનો પાસપોર્ટ તો ગમે તેમ કરી મેળવી લીધો. હવે વ્યવસ્થા વીઝાની કરવાની હતી.

કોઈ જાતના ખચકાટ સિવાય કાયિરાએ કેરી સુધીની મુસાફરી ચાલુ રાખી. તેને શ્રદ્ધા હતી કે કેરો પહોંચી નાનાં-મોટાં કામો કરી તે પોતાને જોઈતું ભંડોળ અવશ્ય મેળવી લેશે. કેરોમાં નોકરી મેળવી અમેરિકા પહોંચવા બાબત તે એટલો બધો આશાવાદી હતો કે સ્કાગિટના પ્રવેશદ્વારમાં ખુલ્લા પગે દાખલ થવું ન પડે તે માટે પોતાની પાસે જે કંઈ બચત હતી તે તેણે સારી ગુણવત્તાવાળા જોડા ખરીદવા ઉપર લગાવી દીધી ! એક બાજુ મહિનાઓ પસાર થતા ગયા અને બીજી બાજુ અખબારી અને ટેલિવિઝન જેવા પ્રચારમાધ્યમો મારફત તેની સંઘર્ષમય યાત્રાના સમાચારો અમેરિકામાં પ્રસરતા ગયા. સુદાન દેશની રાજધાની ખાર્ટુમ શહેરમાં પહોંચ્યો ત્યારે તેનાં ગજવાં ખાલી હતાં – વેશ સાવ નિસ્તેજ અને થાકથી ભરપૂર હતો.

અમેરિકન માધ્યમોએ આ ‘હીરો’ ના સમાચારોને જે પ્રસિદ્ધિ અપાવી તે સ્કાગિટ કૉલેજના શિક્ષણજગત સુધી પહોંચી. વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ અને કેટલાક નાગરિકોએ ભેગા મળી 650 ડૉલરનું ભંડોળ તૈયાર કરી કાયિરાને ખાર્ટૂમ પહોંચતું કર્યું. પોતાને મળેલી પ્રસિદ્ધિથી છલકાઈ જવાને બદલે તે આનંદ અને આભારની લાગણીથી ઘૂંટણિયે પડ્યો અને પરમ પિતા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી.

ડિસેમ્બર 1960માં – ન્યાસાલૅન્ડ છોડ્યાને બરાબર બે-સવા બે વર્ષ બાદ તે સ્કાગિટ કૉલેજના પ્રવેશદ્વારમાં દાખલ થયો. તેની સાથે તેનું શ્રદ્ધાબળ તો હતું જ, પરંતુ તે સિવાય તેને પ્રેરણા આપતાં પેલાં બે પુસ્તકો પણ તેની સાથે જ હતાં. કૉલેજમાંથી સ્નાતક થયા બાદ પણ તે અટક્યો નહીં. તે સાચા અર્થમાં અનિરુદ્ધ- unstoppable સાબિત થયો. પોતાના અભ્યાસની પ્રવૃત્તિ આગળ વધારતાં વધારતાં તે કેમ્બ્રિજ યુનિવર્સિટી (U.K.) માં રાજકારણના વિષયમાં પ્રોફેસર થઈ ગયો અને અનુભવ-સમૃદ્ધ લખાણો દ્વારા એક લેખક પણ બની ચૂક્યો.

આ યાત્રા માત્ર ન્યાસાલૅન્ડથી અમેરિકાની નહોતી. આ તો એક જીવનયાત્રા હતી – દીવાથી દીવાદાંડી બનવાની. (સત્યઘટનાત્મક અંગ્રેજી કથા પર આધારિત.)