- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આપણા હાથની વાત – શાંતિલાલ ડગલી

[ ઈન્ટરનેટ અને ઈ-મેઈલ મારફત મળતા સદગુણ પ્રેરક પ્રસંગોનો ભાવાનુવાદ કરીને ‘ગમતાનો ગુલાલ’ કરતા પુસ્તક ‘આપણા હાથની વાત’ માંથી સાભાર. માત્ર રૂ. 10ની કિંમત ધરાવતું આ પુસ્તક એટલું લોકપ્રિય છે કે 1999 થી લઈને 2007 સુધી દર વર્ષે એમ કુલ 11 આવૃત્તિઓ સાથે 40,000 થી વધુ નકલો વેચાઈ ચુકી છે. પ્રકાશકની વિશેષ યોજના હેઠળ 100 નકલ લેનારને આ પુસ્તક રૂ. 5 માં મળી શકે છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મનની ખીંટી

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ‘ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે.’

ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ‘ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?’

‘અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે, જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.’

.
[2] એ માત્ર અરીસો નથી

સભામાં વક્તાનું ભાષણ પૂરું થયું એટલે એક શ્રોતાએ ઊભા થઈને પૂછ્યું : ‘સાહેબ, જીવનનો અર્થ શું ? જરા સમજાવશો ?’ સામાન્ય રીતે બને છે તેમ સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને શ્રોતાઓ ઊભા થઈ ચાલવા લાગ્યા, પણ વક્તાએ હાથ ઊંચો કરી સૌને સહેજ થોભી જવા વિનંતી કરી.

પ્રશ્ન પૂછનાર તરફ તેમણે એક ઊંડી નજર કરી. ‘હું એમના પ્રશ્નનો જવાબ આપું છું.’ એમ કહી વક્તાએ પાકીટ કાઢ્યું અને એક રૂપિયાના સિક્કા જેવડો અરીસાનો નાનો ગોળ ટુકડો કાઢ્યો. મખમલના કપડામાં સાચવીને મૂકેલો હતો. પછી વક્તાએ પોતાની વાત માંડી : ‘ખૂબ દૂરના એક ગામડામાં અમે રહેતા હતા. અમે બહુ ગરીબ હતા. એક વાર એવું બન્યું કે મોટર સાઈકલના અરીસાના ટુકડા મેં રસ્તા પર પડેલા જોયા. બધા ટુકડા ભેગા કરી આખો અરીસો બનાવવા મેં પ્રયત્ન કર્યો પણ એ બને એમ ન હતું. એટલે મેં સૌથી મોટો ટુકડો લઈ લીધો. એને પથ્થર સાથે ઘસી ઘસીને ગોળ બનાવી દીધો. મેં રમકડાં તરીકે એનાથી રમવા માંડ્યું. આ ટચૂકડા અરીસાની મદદથી પ્રકાશનું પરાવર્તન કરવાની મને ભારે મજા પડતી. જ્યાં સૂર્યનો પ્રકાશ કદી પહોંચી શકે એમ ન હોય એવા અંધારા ખૂણામાં, ખાંચામાં કે અંધારિયા ભીંતકબાટમાં દર્પણની મદદથી પ્રકાશ ફેંકી શકવાથી મારા આશ્ચર્યનો અને આનંદનો પાર રહ્યો નહીં. સૂર્યનો પ્રકાશ કેમેય પહોંચે એમ ન હોય એવી જગ્યાઓમાં પ્રકાશ પહોંચાડવાની રમત હું બહુ રમતો.’

‘હું મોટો થતો ગયો તોય આ ટચૂકડું દર્પણ મેં છોડ્યું નહીં. જ્યારે ફુરસદ મળતી ત્યારે એનાથી જાત જાતની તરકીબો કરી રમતો. હું પુખ્ત વયનો થયો ત્યારે મારામાં એક એવી સમજ ઊગી કે આ કાંઈ બાળકની રમત નથી, પણ જીવનમાં શું કરી શકાય તેનો આમાં સંકેત છે. ભલે હું પોતે પ્રકાશ નથી કે પ્રકાશનું મૂળ પણ નથી પણ પ્રકાશનું અસ્તિત્વ તો છું જ. સત્ય, સાચી સમજ અને પ્રેમરૂપી આ પ્રકાશ હું મારા આચરણ દ્વારા પરાવર્તિત કરું તો ? અંધકારભર્યા ઘણાં સ્થળોએ પ્રકાશ પહોંચાડી શકાય.’

‘જે મહાન દર્પણનો હું અંશમાત્ર છું એના સમગ્ર આકાર વિશે ભલે મને કશું જ્ઞાન ન હોય છતાં મારી પાસે જે છે એ દ્વારા હું આ જગતની અંધારી જગ્યાઓમાં પ્રકાશ જરૂર ફેંકી શકું. મતલબ કે માણસોના હૃદયમાં જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પહોંચાડી શકું અને અમુક લોકોમાં તો કેટલીક બાબતો બદલી પણ શકું. મારું આ કાર્ય જોઈ કદાચ બીજા પણ આમ કરવા લાગે. હું તો આમ કરતો રહું છું. મારે મન જીવનનો અર્થ આ છે.’
.

[3] અનોખી તક ગુમાવી, પણ…

અમેરિકાની બે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ વિશેની આ વાત છે.

એક મહિલા અને એમના પતિ ટ્રેનમાં એક સવારે બોસ્ટન આવ્યાં. મહિલાએ રંગ ઊડી ગયેલા સુતરાઉ કાપડનો જૂનો લાગે એવો ડ્રેસ પહેર્યો હતો. એમના પતિએ જાડા કાપડનો જૂનો થઈ ગયેલો સૂટ પહેર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષને મળવા આ પતિપત્ની બોસ્ટન આવ્યાં હતાં. એમણે મળવા માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લીધી ન હતી એટલે સંકોચ સાથે એમની ઑફિસમાં પ્રવેશ્યાં. આ દંપતીનો પહેરવેશ જોઈને અધ્યક્ષના સેક્રેટરીને થયું કે આવાં ગમાર ગામડિયાં અહીં ક્યાંથી આવ્યાં ? એનાં ભવાં ચડી ગયાં.

સેક્રેટરીનું આવું વલણ જોઈ બન્ને ડઘાઈ ગયાં અને થોડા ગભરાઈ પણ ગયાં. પણ પતિએ હિંમત એકઠી કરી મૃદુ સ્વરે કહ્યું : ‘અમારે અધ્યક્ષને મળવું છે.’
‘એ તો આખો દિવસ બહુ કામમાં છે.’ સેક્રેટરીએ કહ્યું, ‘જેટલી રાહ જોવી પડે તેટલી રાહ જોવા અમે તૈયાર છીએ.’ પત્નીએ કહ્યું.
ધીરજપૂર્વક કલાકો સુધી એ બન્ને બેસી રહ્યાં. આ સમય દરમિયાન સેક્રેટરીએ એમના તરફ કાંઈ ધ્યાન આપ્યું નહીં. આખરે કંટાળીને નિરાશ થઈ એ ચાલ્યાં જશે એવા ખ્યાલથી સેક્રેટરીએ એમની ઉપેક્ષા કરી, પણ એ પતિ-પત્ની તો ધીરજથી બેસી જ રહ્યાં એટલે સેક્રેટરીએ નછૂટકે અધ્યક્ષને ડિસ્ટર્બ કરવાનું નક્કી કર્યું. આવું કોઈ વાર કરવું પડતું હોવા છતાં સેક્રેટરીને આમ કરવું ગમતું નહીં.

સેક્રેટરીએ અંદર જઈને અધ્યક્ષને કહ્યું : ‘એક દંપતી આપને મળવા ઈચ્છે છે, આપનો વધારે વખત નહીં લે, મળીને થોડીક વારમાં જ જતાં રહેશે.’ અધ્યક્ષે કંટાળાભર્યા ભાવે ઈશારાથી હા પાડી. આમ તો આવા લોકોને મળવાનો યુનિવર્સિટીના અધ્યક્ષને સમય હોતો નથી. વળી, લઘરવઘર કપડાં પહેરેલાં લોકો પ્રત્યે એમને ખાસ અણગમો હતો. પતિ-પત્ની અંદર આવ્યાં ત્યારે અધ્યક્ષે શિષ્ટાચાર ખાતર ઊભા થઈને એમને આવકાર્યા. પણ હોદ્દાની કડકાઈ એમના ચહેરા પર દેખાતી હતી.

પત્નીએ વાત શરૂ કરી : ‘અમારો દીકરો અહીં હાર્વર્ડમાં એક વરસ ભણ્યો હતો. એને આ યુનિવર્સિટી પ્રત્યે બહુ પ્રેમ હતો. અહીં ભણવું એને બહુ ગમતું હતું, પણ એકાદ વરસ અગાઉ અકસ્માતમાં એનું અવસાન થયું. એના પપ્પા અને હું અહીં કૅમ્પસ પર એનું સ્મારક ઊભું કરવા ઈચ્છીએ છીએ.’
અધ્યક્ષે કહ્યું : ‘મેડમ, અહીં હાર્વર્ડમાં ભણી ગયેલા અને પછી મૃત્યુ પામેલા દરેક જણની પ્રતિમા અહીં મૂકી શકીએ નહીં. આમ કરીએ તો તો અહીં કબ્રસ્તાન જ ઊભું થઈ જાય.’
આ સાંભળી મહિલાએ સ્પષ્ટતા કરવા તરત કહ્યું : ‘અરે, ના, ના, અમારે અમારા દીકરાનું પૂતળું અહીં નથી મૂકવું. અમે તો એની સ્મૃતિમાં એક મકાન બંધાવી આપવા ઈચ્છીએ છીએ.’
અધ્યક્ષે આંખ ઊંચી કરી આ દંપતીના પહેરવેશ પર નજર નાખી અને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું : ‘એક મકાન બાંધી આપવાની વાત તમે કરો છો પણ એક મકાન બાંધવામાં કેટલો ખર્ચ થાય તેની તમને કાંઈ ગતાગમ છે ખરી ? અહીં તમે જે મકાન જુઓ છો તે બાંધવામાં એકાદ કરોડ ડૉલર જેટલો ખર્ચ થયો છે.’

આ સાંભળી એ મહિલા એકાદ ક્ષણ કાંઈ બોલી નહીં એટલે અધ્યક્ષને થયું કે ચાલો, બલા ટળી. પછી એ મહિલાએ એના પતિ તરફ જોઈને હળવેકથી કહ્યું કે એક યુનિવર્સિટી ઊભી કરવામાં આટલો જ ખર્ચ થાય ! તો પછી આપણે આપણી એક યુનિવર્સિટી જ કેમ ઊભી ન કરીએ ?
પતિએ હકારમાં માથું હલાવ્યું.
આ સાંભળી અધ્યક્ષનું મોઢું પડી ગયું અને તે વિચારમાં પડી ગયા. તે પછી તરત શ્રી અને શ્રીમતી લિલેન્ડ સ્ટેન્ફર્ડ ઊભાં થઈ ચાલવા માંડ્યાં. ત્યાર બાદ તેઓ સીધા કેલિફોર્નિયાના પાલો આલ્ટો ગયાં અને ત્યાં એક યુનિવર્સિટી ઊભી કરી. એમના દીકરાની સ્મૃતિમાં ઊભી કરાયેલી આ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી આજે ઘણાં ક્ષેત્રોમાં વિશ્વભરમાં અજોડ ગણાય છે.

પહેરવેશ જેવી બાબતના પૂર્વગ્રહને કારણે હાર્વર્ડના અધ્યક્ષે માણસને પારખવામાં ભૂલ કરી તેથી હાર્વર્ડ યુનિવર્સિટીએ કેવી અનોખી તક ગુમાવી !
.

[4] બધો પ્રતાપ તો….

એક અજાણ્યા પણ દુ:ખી માણસને જોઈને તેણે તેની સામે સ્મિત કર્યું. આથી એને ઘણું સારું લાગ્યું અને ભૂતકાળમાં તેના એક મિત્રે બતાવેલો સ્નેહભાવ તેને યાદ આવ્યો. એટલે એ મિત્રને તેણે આભાર માનતો પત્ર લખ્યો.

આ આભારપત્રથી તે મિત્ર બહુ ખુશ થયો અને રેસ્ટોરાંમાં લંચ લીધા પછી તેણે વેઈટ્રેસને મોટી ટિપ આપી. આટલી મોટી ટિપથી વેઈટ્રેસને વિશેષ આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું. વેઈટ્રેસે આખી રકમ ઘોડાની રેસમાં લગાડી દીધી. બીજે દિવસે એને ખબર પડી કે સારી એવી રકમ જીતી છે. જીતની રકમમાંથી થોડી રકમ એણે રસ્તામાં એક ગરીબ માણસને આપી. તે ભારે આભારવશ બન્યો. તેણે બે દિવસથી કાંઈ ખાધું ન હતું એટલે બાજુના રેસ્ટોરાંમાં જઈ એણે પેટભરીને રાતનું ભોજન લીધું. પછી એ એની અંધારી ગંધાતી ખોલી પર જવા નીકળ્યો. પેટભર ખાવાનું મળ્યાની ખુશીમાં એ મસ્ત હતો. આગળ શી મુશીબત આવવાની છે એનો એને કાંઈ ખ્યાલ ન હતો. રસ્તામાં તેણે ઠંડીમાં ધ્રૂજતાં એક કુરકુરિયાને જોયું. એણે એને ઉપાડી લીધું અને ઘર તરફ ચાલવા માંડ્યો. ઘેર જઈને કુરકુરિયાંને પોતાની પડખે સુવાડ્યું. ઘરની હૂંફ કુરકુરિયાને ઘણી ગમી.

મધરાતે મકાનમાં એકાએક આગ લાગી એટલે કુરકુરિયું ભસવા માંડ્યું. ત્યાં રહેતાં સૌ જાગી ગયાં ત્યાં સુધી કુરકુરિયાએ ભસવાનું ચાલુ રાખ્યું. આમ સૌ મોતના મુખમાંથી ઊગરી ગયાં. જે બચી ગયાં એમાંનો એક છોકરો મોટો થઈને અમેરિકાનો પ્રમુખ બન્યો !

આ બધો પ્રતાપ હતો પેલા સાદા સ્મિતનો, જેના માટે એક પૈસાનો ય ખર્ચ થયો ન હતો.
.

[5] ડૂમો ભરાઈ આવ્યો

આઈસ્ક્રીમ બહુ સસ્તો મળતો હતો ત્યારની આ વાત છે. દસ વરસનો એક છોકરો આઈસ્ક્રીમ ખાવા હોટલમાં ગયો. વેઈટ્રેસે ટેબલ પર પાણીનો ગ્લાસ મૂક્યો અને છોકરાએ પૂછ્યું : ‘કોનવાળા આઈસ્ક્રીમના કેટલા પૈસા ?’
‘પચાસ સેન્ટ’ વેઈટ્રેસે કહ્યું.
એ છોકરાએ ખિસ્સામાંથી બધા સિક્કા કાઢી ગણી જોયા. પછી એણે પૂછ્યું : ‘સાદા આઈસ્ક્રીમના કેટલા પૈસા ?’ ટેબલ ખાલી થાય એની થોડા લોકો રાહ જોતા હતા એટલે વેઈટ્રેસ અકળાઈ હતી. તેણે ઉતાવળે કહ્યું : ‘પાંત્રીસ સેન્ટ.’
એ છોકરાએ ફરી બધા પૈસા ગણી જોયા અને કહ્યું : ‘મને સાદો આઈસ્ક્રીમ જ આપો.’ વેઈટ્રેસ આઈસ્ક્રીમ લાવી અને બિલ ટેબલ પર મૂકીને ચાલી ગઈ. આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી છોકરો કેશિયરને પૈસા આપીને જતો રહ્યો.

જ્યારે વેઈટ્રેસ એ ટેબલ લૂછવા આવી ત્યારે એણે જે જોયું એથી એનો ડૂમો ભરાઈ આવ્યો. ખાલી ડિશ પાસે પાંચપાંચ સેન્ટના બે અને એકએક સેન્ટના પાંચ સિક્કા ગોઠવીને મૂકેલા હતા – વેઈટ્રેસને ટીપ પેટે.

[કુલ પાન : 32. કિંમત રૂ. 10. પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]