પાનખરનાં પર્ણ – રમેશ ઠક્કર
[‘પાનખરનાં પર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]
[1] સહપ્રવાસી
હકડેઠઠ ભરાયેલી બસમાં એકમાત્ર સીટ જાણે મારે માટે જ ખાલી હતી.
‘કોઈ આવવાનું નથી ને ?’ ખાલી સીટ પર બેઠક જમાવતાં બાજુમાં બેઠેલા મારી જ ઉંમરના નવયુવાનને મેં પૂછ્યું. નકારમાં તેણે ફક્ત માથું ધુણાવ્યું.
‘થેંક યુ !’ પડખે બેઠક જમાવતાં હું બોલ્યો. યુવાનના ચહેરા પર આકર્ષક સ્મિત ફરકી ગયું.
‘ભાવનગર જવું છે ?’ થોડી વારે મૌન તોડતાં તે બોલ્યો.
‘હા આપને ક્યાં જવાનું ?’
‘ભાવનગર સુધી જ. મારો ત્યાં બિઝનેસ છે.’ તેણે પૂરક માહિતી આપતાં કહ્યું.
મને રસ પડ્યો. યુવાનનો બાહ્ય દેખાવ તથા રીતભાત ખાતરી આપતાં હતાં કે તે સફળ બિઝનેસમેન હશે.
‘આપ શું કરો છો ?’
તેના પ્રશ્નથી હું થોડોક સંકોચમાં પડ્યો. ‘બેકાર છું’ એમ કહેતાં જીવ ના ચાલ્યો. હિંમત કરીને કહી દીધું : ‘લેકચરર છું, અમદાવાદમાં.’
તે ખુશ થઈ ગયો. મને પણ મજા આવી ગઈ. ભાવનગર આવતાં જ અમે છૂટા પડ્યા. હું ઝડપથી કલેક્ટર ઑફિસ પહોંચી ગયો, કલાર્કની જગ્યા માટે ઈન્ટરવ્યૂ આપવા મારા જેવા બેકારોનો ત્યાં મેળો હતો. અજાણ્યા માણસો વચ્ચે હું ગૂંગળામણ અનુભવતો હતો, ત્યાં તો – દૂર પેલા યુવાનને ફાઈલમાં મોં દબાઈને વાંચતો જોયો. અચાનક તેનું ધ્યાન પણ મારી તરફ ગયું. અમે બંને તુરત એકબીજાને ઓળખી ગયા !
‘કેવીક તૈયારી ચાલે છે ?’ મેં હિંમતથી પૂછી નાખ્યું.
‘બરાબર, તમારે કેવીક છે ?’
‘તમારા જેવી જ !’ મેં તેની તરફ આંખ મિચકારતાં કહ્યું. અમને બંનેને હવે ખાતરી થઈ ચૂકી હતી કે અમે સાચા અર્થમાં સહપ્રવાસી હતા !
[2] આંચકો
રજાનો દિવસ કેમ પસાર કરવો તે શરદભાઈ માટે પ્રશ્ન થઈ પડ્યો. આજે આખો દિવસ શું કરશો ? પત્નીએ જ્યારે આવું પૂછ્યું ત્યારે અનાયાસપણે તેમનાથી બોલાઈ ગયું આ લીમડો કપાવી નાખીએ તો…. ફળિયામાં ઊભેલો લીમડો આ સાંભળી થરથર ધ્રૂજી ગયો.
‘સાહેબ શું કામ આવું કરો છો ? ખરાબ લાગશે… બિચારા પંખીઓ…’ લીમડો પાડનારે કહ્યું. લીમડાને કારણે મકાન શોભતું હતું. વળી હૂંફાળી છાયા…. પંખીઓનો કલરવ એ બધું તો ખરું જ !
‘તું ના સમજે આ કાગડાઓ આ આખો દિવસ કકળાટ કરી મૂકે છે…. તું તારે સાવ બુઠ્ઠો કરી નાખ…’ શરદભાઈનો દઢનિર્ધાર જોઈ પેલાએ લીમડાને આખેઆખો ઝૂડી નાખ્યો. લીલીછમ ડાળીઓ, જાતજાતનો કચરો, પંખીઓના માળા બધું સાફ થઈ ગયું.
‘આ કામ સરસ થયું લ્યો’ પત્નીએ પ્રમાણપત્ર આપ્યું અને શરદભાઈ બાકીની સાફસૂફીમાં પડ્યા. લીમડાને કારણે એમની તકલીફો વધી ગઈ હતી. ચોમાસું શરૂ થઈ ગયું હતું. કમ્પાઉન્ડમાં પંખીઓની વિષ્ટા તથા કચરો ગંદકી ફેલાવતા હતાં. આજે સરસ કામ થઈ ગયું. છેક સાંજે તે નવરા પડ્યા. પત્નીએ ગરમાગરમ ચા બનાવી. બંને જણા ખુરશીમાં બેસી નિરાંતે ચાની ચુસ્કી લેતાં હતાં ત્યાં જ ડોરબેલ રણકી ઊઠ્યો….. જોયું તો તેમની એકની એક દીકરી બેગ-બિસ્તરા સાથે રડમસ ચહેરે દરવાજા વચ્ચે ઊભી હતી.
‘શું થયું ?’ પતિ-પત્ની એક સાથે બોલી ઉઠ્યાં.
‘કાઢી મૂકી… મારા પતિએ… સાસુ સસરાનો ત્રાસ….’ દીકરી માંડ બોલી શકી.
પોતાની લાડલી દીકરીના ઘરભંગ થવાની કલ્પનામાત્રથી પતિ-પત્ની બંનેએ જબરજસ્ત આંચકો અનુભવ્યો….
.
[3] યાચક
અચાનક દરવાજામાં આવી ઊભેલા ભિખારી જેવા છોકરાને તેણે તતડાવી નાખ્યો.
‘પણ સાહેબ સાંભળો તો ખરા…’
‘નથી સાંભળવું. તું નીકળ અહીંથી….’ તે બરાબર ગુસ્સે થઈ ગયો હતો.
‘સાહેબ આપની આ વસ્તુ….’
તે જરાક ઢીલો પડ્યો તેણે જોયું તો ભિખારી જેવો લાગતો છોકરો તેને કશુંક આપી રહ્યો હતો.
‘સાહેબ તમે જતા હતા ત્યારે તમારા ખિસ્સામાંથી આ પાકીટ પડી ગયું હતું…’ આમ કહી પેલાએ નોટોથી ભરેલું પાકીટ તેના હાથમાં મૂકી દીધું. અને ઝડપભેર ચાલવા માંડ્યો. તે ઓઝપાઈને જોઈ રહ્યો. ચાલ્યો જતો છોકરો તેને અમીર જેવો લાગતો હતો જ્યારે તેની આગળ પોતે….!
.
[4] કરામત
‘સામે દેખાય છે એ સૂકાં ઝાડ જોયાં ?’ અરુણે સડકની સામેની તરફ આંગળી ચીંધતા મને પૂછ્યું. સડકની એ તરફ સુંદર હોટલ તૈયાર થઈ રહી હતી. વચ્ચે નીલગીરીનાં સુંદર વૃક્ષો હતાં. પણ અત્યારે એ કોઈકનો કોપ લાગ્યો હોય તેમ તમામ એકસાથે સૂકાઈ ગયાં હતાં. સાચું કહીએ તો બળી ગયાં હોય તેવું લાગતું હતું. આજુબાજુ દૂર સુધી ઘણા વૃક્ષો હતા પણ આવું ક્યાંય જોવા મળ્યું નહિ. તો પછી નીલગીરીના આ વૃક્ષો જ કેમ નજરાઈ ગયાં હશે ?
‘ખરું કહેવાય ! જો ને કેવું ખરાબ લાગે છે ! આ વૃક્ષોને લીધે સડક કેવી દીપી ઉઠતી હતી !’ મારાથી બોલાઈ ગયું.
‘સડકની શોભા તો હવે ખીલી ઉઠશે. ઠૂંઠાં જેવા વૃક્ષો પાછળ વિકસી રહેલી પેલી હોટલ જોઈ ?’ અરુણે મારાથી આંખ મિલાવતાં કહ્યું. મને તેની વાતમાં કશી ગતાગમ પડી નહિ.
‘એ તો ઠીક પણ આ વૃક્ષો ફરીથી પાંગરે એવું તને લાગે છે ?’ મેં વળતો સવાલ કર્યો.
‘એ જ તો તને કહું છું, પણ તું ક્યાં સમજે છે ?’ તે હસતાં હસતાં બોલ્યો : મને હવે તે રહસ્યમય લાગવા માંડ્યો હતો.
‘તું પણ શું યાર ! સીધી વાત કરને….’ અસહાયપણે હું બોલ્યો.
‘તો સાંભળ… પાછળ પેલી વિશાળકાય હોટેલ ઊભી થશે ત્યારે સડક પરથી પસાર થનારને તે સ્પષ્ટ દેખાવી જોઈએ કે નહિ ?’
‘હા…. પણ તેનું શું ?’
‘વચ્ચે નડતાં આ વૃક્ષો….’
‘બરાબર, એટલે…’
‘એટલે એ જ કે નીલગીરીનાં આ વૃક્ષો પર….’
‘પણ…. આવું કોણ કરે ?’
‘ધંધા માટે માણસ શું નથી કરતો ?’
.
[5] સંબંધ
મારું નામ પારુલ છે. કોણ જાણે કેમ પછી લોકો મને અતડી વ્યક્તિ તરીકે ઓળખે છે. હકીકતમાં મને માણસો ખૂબ ગમે છે. માણસોનો પ્રેમ, તેની હૂંફ, વાતચીત બધું જ મને ગમે છે. એટલું જ નહિ ખરેખર કહું તો આ બધા માટે તડપું છું. એકાંતમાં ક્યારેક તરફડું છું. પરંતુ મારી આસપાસની, નજીકની કહી શકાય તેવી વ્યક્તિઓએ મને કારણ વગર બદનામ કરી નાખી છે. લોકોએ તેમના સ્વાર્થ ખાતર મને અભિમાની વ્યક્તિ તરીકે ચિતરી દીધી છે.
આમ તો હું મારા વિષે ક્યારેય કશું જ કહેતી નથી. હું માનું છું કે જેને મારા માટે સાચે જ પ્રેમ હશે તેની સમક્ષ મારે કશું જ કહેવાનું રહેતું નથી. અને જે વ્યક્તિને મારા માટે પ્રેમ જ ના હોય તેની આગળ ખુલાસા કરવાનો પણ શો અર્થ ? સંબંધોની ખુશ્બુ આપોઆપ પ્રગટતી હોય છે. ખુલાસા કરવા પડે તેને સંબંધ ના કહેવાય તેવું હંસ માનું છું ! મને એકાંત ગમે છે. ક્યારેક હું મારી મસ્તીમાં માણસ સિવાયની દુનિયા એટલે કે પશુપંખી, વૃક્ષો, આકાશ વગેરેમાં પણ રસ લઉં છું. મારી આ ચેષ્ટા કોઈકને બાલીશ પણ લાગે ! મને રોજબરોજની નીરસ વાતોમાં રસ પડતો નથી. છીછરા પ્રકારની હસાહસ કે ટોળટપ્પાથી હું દૂર રહું છું. પણ તેથી કાંઈ હું કોઈનું અહિત કરતી નથી ! છતાં ઘણી વાર લોકોની ટીકા સાંભળું છું.
‘ના જોઈ હોય તો… શું સમજતી હશે પોતાની જાતને !’ અને હું મનોમન વલોવાઈ જાઉં છું. શું કહેવું લોકોને ? હું મારી જાતને કશું સમજતી નથી. પણ શું મને મારા આંતરજગતમાં એકલા ફરવાનો પણ હક્ક નથી ? ક્યારેક મને થાય છે કે લોકો કારણ વગર મને ડંખે છે. હું ચૂપચાપ સહન કર્યે જાઉં છું કારણ કે હું એક સ્ત્રી છું !
‘પારુલ તું કેમ એકલી છે ?’ એવું કોઈ મને પ્રેમથી પૂછે તો મને ગમે. હું જવાબ પણ આપું. પરંતુ એવી હિંમત કે નિખાલસતા લોકોમાં ક્યાં છે ? હું કેમ એકલી છું ? એવા પ્રશ્ન પાછળ તર્કવિતર્ક અને ગુસપુસ ! લોકોને ખબર નથી કે મેં સમજી વિચારીને એકલા રહેવાનું પસંદ કર્યું છે. મારે લગ્ન ના કરવા એવું મેં પોતે જ નક્કી કર્યું હતું. બાકી મારામાં કે મારા કુટુંબમાં એવું કોઈ કારણ નથી કે મને મનગમતું ઘર ના મળે ! કૉલેજકાળથી જ એકાદ અનુભવથી મેં પુરુષ જાતનું માપ કાઢી લીધું હતું અને આજીવન એકલા જ રહેવું તેવું નક્કી કર્યું હતું. સદભાગ્યે મને શિક્ષિકા તરીકેની મનપસંદ નોકરી મળી ગઈ. વાંચવાનો મારો શોખ અને વિદ્યાર્થીઓ સાથેની મનગમતી કંપની મને અનાયાસે મળી ગઈ ! અંગત સંબંધોના નામે ઘણું બધું છે પણ જ્યાં મારું મન માને ત્યાં જ હું જાઉં છું. ‘કેમ મળતી નથી ?’ એવા વ્યવહારુ પ્રશ્નોના ગોઠવેલા જવાબ આપવામાં મને રસ પડતો નથી. હું મારી જિંદગીથી ખુશ છું. મને આ જગત વિષે કોઈ ફરિયાદ નથી.
‘તને આજે શું થયું છે પારુલ ?’ મારા મનમાંથી જ પ્રશ્ન ઉદ્દભવે છે. સાચે જ હું આજે ઘણું બોલી ગઈ છું. સંબંધોની ભાતીગળ દુનિયા મને ગમે છે. માનવીય સંબંધોથી પ્રગટતી સુવાસની હું ચાહક છું. આપોઆપ રચાતા સંબંધો અને તેની સાહજિક અભિવ્યક્તિમાં હું માનું છું. બાકી, ખુલાસાઓના ટેકાથી નભતા સંબંધોમાં મને રસ નથી !!
Print This Article
·
Save this article As PDF
સરસ વાતો,
કદાચ જીવન રસ આમ જ ટપકતો હશે….
આજે તો આનંદ મંગલ કરાવી દીધું મૃગેશભાઈ…
પંચામૃત જેવા ‘પાનખરનાં પર્ણ’માંના પાંચેય પ્રસંગો ગમ્યાં-
ધન્યવાદ
સુંદર પ્રસંગો!
સહપ્રવાસીઓ હૃદયને સ્પર્શી ગયા!
પોતાની નબળાઇઓ કેટલી સહજતાથી તેમણે સ્વીકારી લીધી,
અને સાચા મિત્રો બની ગયા!
સુંદર પ્રસંગો…
પાનખરના પ્ર્ણ – રમેશ ઠકકર ની આ ટૂકી વાર્તાઓનો સંગહ
ખરેખર હદયને હલાવી દે છે. આવી વારતાઓ લખવા બદલ ખરેખર તમોને અભિનંદન.
મારી ઓળખાણ પ્ડી. હું તમારો સેકટર-ર૩ નો જુનો સાથી છુ. યાદ આવે તો મને ઇમેલ થી જવાબ લખશો. બાકી તમારી આ રીડગુજરાતી ડોટ કોમ પ્રની વારતાઓ ખરેખર માણવા લાયક છે. આ સાઇટ બનાવનાર ખરેખર ગુજરાતી ભાષાની સારી સેવા કરે છે તેમ કહી શકાય. ઇમેલઃ vmnpatel@yahoo.com
વિક્રમ પટેલ ગાંધીનગર