વીજળીનો દીવો – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ તંત્રીનોંધ : ડૉ. આઈ. કે. વીજળીવાળાના જીવનની ઘટનાઓ જેટલી હૃદયસ્પર્શી છે એટલા જ તેમના વિચારો પણ હૃદયસ્પર્શી છે. હમણાં ફોન પર તેમણે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે : ‘આ માર્ચ મહિનામાં મારે બારમા ધોરણની પરીક્ષા છે !’
‘તમારે ? બારમા ધોરણની પરીક્ષા ?’ મેં પૂછ્યું.
‘જી હાં. મારે 50 વર્ષની ઉંમર પછી આર્યુર્વેદનું ભણવાનું શરૂ કરવું છે અને એ ભણવા માટે બારમું ધોરણ ‘સંસ્કૃત’ સાથે પાસ કરેલું હોવું જરૂરી છે. હું જ્યારે ભણ્યો ત્યારે મેં અન્ય વિષય લઈને બારમું પાસ કર્યું હતું તેથી અત્યારે 2008ની પરીક્ષામાં સંસ્કૃતનું પેપર આપી રહ્યો છું !’
‘તમે તો કંઈક અલગ જ વિચારો છો !’ મેં કહ્યું
‘જી. માત્ર હું નહિ, અમે ઘરના બધા જ જણ ‘something different’ કરવામાં માનીએ છીએ !’ તેમણે જણાવ્યું.

એવા આ ડૉક્ટર સાહેબને બારમા ધોરણની પરીક્ષાની શુભેચ્છાઓ સાથે આજે માણીએ તેમના તાજેતરના પુસ્તક ‘સમયને સથવારે’ માંથી વધુ એક લેખ સાભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો.]

.

સવારના નવ વાગ્યા હતા. જિંથરી ટી.બી. હૉસ્પિટલમાં ઈન્ટર્ની ડૉક્ટર તરીકે મને ફાળવવામાં આવેલ ટેબલ પર બેસી હું મારું સવારનું કામ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરાબર તે વખતે જ હૉસ્પિટલના સિનિયર ડૉક્ટર આવી પહોંચ્યા. મેં ‘ગુડમોર્નિંગ’ કહ્યું. જવાબમાં ગુડમોર્નિંગ કહી એ મારી સામે જોઈને હસ્યા અને પછી પોતાની જગ્યાએ બેસતાં મને પૂછ્યું : ‘અલ્યા ! તારી ઝૂંપડીમાં લાઈટ ફિટિંગ થઈ ગયું ?’
‘હા સાહેબ ! બસ થોડા દિવસ પહેલાં જ લાઈટ આવી.’ મેં જવાબ આપ્યો.
‘વીજળીવાળાના ઘરમાં જ સૌથી છેલ્લી વીજળી આવે એ પણ નસીબની બલિહારી જ કહેવાય ને ? બસ, હવે કરી નાખો ઘાસલેટના દીવાની જગ્યાએ વીજળીના દીવાથી આખા ઘરના ખૂણે ખૂણે અજવાળું !’ હળવી રમૂજ કરતા સિનિયર ડૉક્ટર બોલ્યા. ત્યાં ઉપસ્થિત અન્ય બે ડૉક્ટર્સ આ સાંભળી હસી પડ્યા. હું પણ હસ્યો.

અમારા ઘરે મારી એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને ઈલેક્ટ્રિસિટી કનેક્શન બંને જોડે આવ્યાં. અમે બધાં ભાઈબહેન ઘાસલેટના દીવા અને ફાનસના અજવાળે વાંચીને જ ભણ્યાં છીએ. એટલે આમ જોઈએ તો ઘરમાં લાઈટ ફિટિંગ થયું એ પહેલાં જ ભણતરનું અજવાળું ફેલાઈ ચૂક્યું હતું. બસ એક જ ફરક લાગતો હતો : ઘાસલેટના દીવાની જગ્યાએ વીજળીના દીવાનું ઝળાંહળાં તેજ જોવું તો ગમતું જ હતું ! સૌરાષ્ટ્રમાં આવી નાની વાતોનો પણ બધા હરખ કરે. મારી ધારણા મુજબ એ ન્યાયે જ મારા સિનિયર ડૉક્ટરે મને પૂછ્યું હોવું જોઈએ. અમને બધાને પણ વરસોનાં વરસો ઝાંખા અજવાળામાં વિતાવ્યા પછી વીજળીના બલ્બની ચમક ગમતી હતી. અરે ! એક છૂપો આનંદ પણ થતો હતો. સાચા અર્થમાં વીજળી આવ્યાની ખુશી અમારા ઘરના દરેકના મનમાં વ્યાપી ગઈ હતી.

મને જેમના હાથ નીચે ઈન્ટર્ની તરીકે કામ સોંપવામાં આવેલું એ સિનિયર ડોક્ટર અત્યંત કુશળ હતા. લગભગ પચાસ વરસની આસપાસની ઉંમર, તેજસ્વી ચહેરો, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ખુમારીભરી ચાલ અને વાત કરવામાં અત્યંત નમ્રતા એ એમના વ્યક્તિત્વની આગવી ઓળખ હતી. ક્યારેય કોઈને નડ્યા હોય કે કોઈની સાથે ઊંચા અવાજે બોલ્યા હોય એવું પણ યાદ નથી. સ્વભાવે અત્યંત પ્રેમાળ અને હસમુખા. એમની પાસેથી મેડિકલના જ્ઞાન ઉપરાંત બીજું ઘણું બધું હું શીખી શકીશ એવું લાગવાથી હૉસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે મને એમના જુનિયર તરીકે એમની ચેમ્બરમાં જ ટેબલ ફાળવ્યું હતું. દાકતરીનું ભણવું અને દાક્તર તરીકે ઘડાવું એ બંને તદ્દન અલગ બાબતો છે. હું પણ આ નવા સ્ટેટ્સની ટેવ પાડવાની મારાથી બનતી બધી કોશિશ કરી રહ્યો હતો.

એ દવાખાનામાં સાંજે ચાર વાગ્યા પછી બહારના દર્દીઓનું કામ બંધ કરવામાં આવતું. એ પછી મેડિકલ રીપ્રેઝેન્ટેટિવ્સ – દવાની કંપનીના માણસો ડૉક્ટર્સને મળવા આવતાં. એ લોકો એમની કંપનીની દવાની વિગતોથી અમને વાકેફ કરે અને જતી વખતે દવાના ફ્રી સેમ્પલ્સ મૂકતા જાય. એ સેમ્પલ્સ પર લખેલું આવે છે કે ‘Physician’s sample; Not to be sold’ એટલે કે આ દવાઓ વેચવા માટે નથી. એ દવાની અસર અંગે ડૉક્ટર જાણી શકે એ માટે દર્દીઓને ફ્રી આપીને જોવા માટે કંપનીઓ આ સેમ્પલ્સ આપતી હોય છે. હું એ સેમ્પલ્સ ભાગ્યે જ મારા ઘરે લઈ જતો. મને એ દવાઓ ફ્રીમાં મળતી હતી એટલે હું પણ એ ઢગલો એક દવાઓ ગરીબ દર્દીઓને આપી દેતો. જાણીતું કે અજાણ્યું, કોઈ પણ દર્દી હોય, એને બહારથી દવા તો જ ખરીદવી પડે, જો મારી પાસે ફ્રી સેમ્પલ્સ ન હોય ! જોકે મને એમાં કંઈ અજુગતું કે ખાસ પણ ન લાગતું. મારે એમ જ કરવાનું હોય એટલે જ હું એમ કરતો હતો. એ કાંઈ મોટું કે મહાન કર્મ નહોતું. મારી એક સામાન્ય નૈતિક ફરજ માત્ર હતી. ઊલટાનું એમ કરવામાં એક અદ્દભુત આનંદ મળતો.

એવા જ એક દિવસે સાંજે દવાની કંપનીના માણસોનો ઝમેલો થઈ ગયેલો. એ દિવસે મારા ટેબલ પર લગભગ પાંચસો રૂપિયાનાં સેમ્પલ્સ મુકાયાં હશે. (એ વખતે ઈન્ટર્ની ડૉક્ટર તરીકે મારો મહિનાનો પગાર ફક્ત પાંચસોને પચીસ રૂપિયા હતો !) પરંતુ બીજે દિવસે સવારના દસ વાગતા પહેલાં મેં એ બધાં સેમ્પલ્સ ગરીબ દર્દીઓને આપી દીધાં. એ દિવસે મન ખુશ થઈ ગયું હતું. એ વખતે સૌરાષ્ટ્રમાં ઉપરાછાપરી દુષ્કાળ પડતા. લોકોને ખાવાનાં પણ સાંસાં પડતાં. એવે વખતે આવી નાનકડી મદદ પણ લોકોને ખૂબ મીઠી લાગતી. દવાનું સેમ્પલ મારા હાથમાંથી એ લોકો સ્વીકારતા ત્યારે એ જ મીઠાશ એમની નજરમાંથી મારા સમગ્ર અસ્તિત્વમાં જાણે કે ઊતરી જતી હોય એવું હું અનુભવતો. એ આનંદ મને ભાવવિભોર કરી દેતો. મારા સિનિયર ડૉક્ટર પણ એમના ટેબલ પરથી આ આખો ઘટનાક્રમ જોઈ રહ્યા હતા.

એ દિવસે બપોરની વાત છે. ઈન્ટર્ની ડૉક્ટર હોવાના કારણે મારે બપોરે 2:30 વાગ્યે હોસ્પિટલ પહોંચી જવું પડતું. સિનિયર ડૉક્ટર્સ સાંજે ચાર વાગ્યે આવતા. અનુસ્નાતક કક્ષાએ બાળરોગ નિષ્ણાત બનવાનું સપનું હતું એટલે હું બાળકોના શાસ્ત્રની ચોપડી સાથે જ રાખતો. દર્દીઓ જોવામાંથી વચ્ચે થોડોક સમય મળે એટલે હું વાંચવામાં મશગૂલ થઈ જતો. મેં હજુ તો બે-ત્રણ દર્દી જ એ દિવસે જોયા હશે. પોણા ત્રણ પણ નહોતા વાગ્યા ત્યાં જ મારા સિનિયર ડોક્ટર જેની નીચે હું ઈન્ટર્ની તરીકે કામ કરતો હતો – એ આવી પહોંચ્યા. મને ખૂબ નવાઈ લાગી.
‘કેમ સાહેબ, અત્યારમાં ?’ મારાથી પુછાઈ ગયું.
બેચાર ક્ષણ એ કંઈ ન બોલ્યા. મારી સામે જોઈ રહ્યા. પોતાના ટેબલ પર જઈ પાકીટ મૂક્યું. થોડી વાર એમ જ ઊભા રહ્યા. પછી મારી સામેની ખુરશી પર બેઠા અને કહ્યું : ‘મારે તારી સાથે થોડી વાત કરવી છે.’ હવે મને ખરેખર આશ્ચર્ય થતું હતું. સાથોસાથ થોડીક બીક પણ લાગતી હતી. થતું હતું કે ક્યાંક કોઈક દર્દી બાબતે મેં અક્ષમ્ય લોચો તો નહીં મારી દીધો હોય ને ? સાહેબ ખૂબ ગંભીર લાગતા હતા. મારા ધબકારા વધી ગયા. (ઈન્ટર્ની એટલે કે ટ્રેઈની ડૉક્ટર તરીકે લોચા વાગવા એ ખૂબ સહજ હોય છે. પરંતુ હું ભૂલ કરું તો એ માટેની જવાબદારી જેની નીચે મને મૂકવામાં આવ્યો હોય એ ડોક્ટરની ગણાય, એટલે મને વધારે બીક લાગતી હતી.)
‘હા સાહેબ ! બોલો, શું વાત કરવાની છે ? મારી કાંઈ ભૂલ થઈ છે ?’ વિનમ્રતાથી મેં પૂછ્યું.
‘બારણું બંધ કરી દે. પટાવાળાને કહી દે કે હમણાં કોઈને મોકલે નહીં.’ એમણે કહ્યું.

પટાવાળાને સૂચના આપી મેં બારણું બંધ કર્યું. પછી મારી જગ્યાએ આવીને બેઠો. સાહેબનું વર્તન, બારણું બંધ કરાવવું, એમના ચહેરા પર રહેલી ગંભીરતા, એ બધું જ મને રહસ્યમય લાગતું હતું. આમેય સામેની વ્યક્તિ રહસ્ય ખોલવામાં જેમ જેમ વાર લગાડે તેમ તેમ આપણી તાલાવેલી વધતી જતી હોય છે. મારા સિનિયર ડોક્ટર પણ એ દિવસે એવું જ કરી રહ્યા હતા.
‘તેં આજ સવારે પાંચસો રૂપિયા જેટલી કિંમતના દવાના સેમ્પલ્સ દર્દીઓને આપી દીધાં ?’ એમણે પ્રશ્ન પૂછ્યો.
‘હા સાહેબ ! તમે સામે જ બેઠા હતા.’ મેં જવાબ આપ્યો. મારા પેટમાં ફાળ પડી. એ દવાખાનાના નિયમો કંઈક અલગ હશે ? મારે એ સેમ્પલ્સ જમા કરાવી દેવાના હશે ? કે કોઈ રાહતનિધિમાં આપી દેવાના હશે ?
‘કેમ સાહેબ ? મારી એ ભૂલ કહેવાય ? મારે એ સેમ્પલ્સ ક્યાંય જમા કરાવવાનાં હોય ?’ બીતાં બીતાં મેં પૂછ્યું. પરંતુ સાહેબે જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો, ‘તને એ સેમ્પલ્સ વેચીને પૈસા ઊભા કરવાનો વિચાર કેમ ન આવ્યો ? તું તો આટલો ગરીબ છે. ડૉક્ટર હોવા છતાં ઝૂંપડી જેવા ઘરમાં રહે છે. તારી પાસે ફકત બે જ જોડી કપડાં છે. તમારું કુટુંબ આટલું બધું દેવામાં ડૂબેલું છે, તો પણ તને એવો વિચાર કેમ ન આવ્યો કે આ સેમ્પલ્સ વેચીને પાંચસો હજાર રૂપિયા બનાવી લઉં ?’

હું હવે બરાબરનો ગૂંચવાઈ રહ્યો હતો. મને એમની વાતમાં કે પ્રશ્નો પાછળના આશયમાં કંઈ કરતા કંઈ જ સમજ પડતી નહોતી. સાહેબ શું કહેવા અને પૂછવા માંગતા હશે એની સમજ ન પડવાથી હું બાઘાની માફક હા એ હા કરતો હતો. સાહેબના સવાલનો જવાબ આપતાં મેં કહ્યું : ‘પરંતુ સાહેબ, એના પર તો લખેલું હોય છે ને કે એ વેચી ન શકાય, પછી એ વેચવાનો વિચાર જ કઈ રીતે આવે ? એ વેચીને મેળવેલ પૈસા તો અણહક્કના કહેવાય. એ વેચવાનો આપણને અધિકાર જ નથી એવું હું માનું છું. આજે તો શું, ભવિષ્યમાં પણ હું ક્યારેય સેમ્પલ વેચવાનો વિચાર નહીં કરી શકું !’ મારા આત્માએ મને જે સુઝાડ્યું તે મેં કહી દીધું.

‘તો વીજળીવાળા, હું એવો વિચાર શું કામ કરી શકું છું ? હું શું કામ સેમ્પલ વેચી શકું છું ? મને કેમ એ પૈસો અણહક્કનો લાગતો નથી ? હું તો મારી જાતને ભગવાનનો ભક્ત માનું છું તો પણ ફ્રી સેમ્પલની દવા ફ્રીમાં શા માટે નથી આપી દેતો ?’ બસ, એ આટલું જ બોલી શક્યા, પછી મારા ટેબલ પર ઢગલો થઈ ગયા. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ઘણી બધી વાર રડ્યા પછી મારો હાથ પકડીને બોલ્યા : ‘ભાઈ ! હું ક્યાંક ચૂકી ગયો છું. આજે તને જોઈ મને સમજાયું છે કે ધર્મની મોટી મોટી વાતો કરવા કરતાં આવી રીતે જિંદગી જીવવી એ વધારે યોગ્ય ગણાય. હવે તું જ મને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ !’ એ માંડ બોલી શક્યા.

હું તો સ્તબ્ધ બની ગયો હતો. ફક્ત બાવીસ જ વરસની કાચી ઉંમરે મેં જે કાંઈ કર્યું હતું એ મારી સાદી સમજણ અને ગુરુકુલના તથા માબાપે આપેલ સંસ્કારને કારણે હતું, પરંતુ કોઈને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવવાની મારી કક્ષા નહોતી કે એવી સમજણ પણ મારી પાસે નહોતી. મારા ગજા બહારની એ વાત હતી. એ તો કોઈ સંત જ કરી શકે. સાચી વાત તો એ હતી કે મારું સાવ સહજ વર્તન મારા સાહેબને આટલું બધું અસર કરી જશે એ મને ખબર નહોતી. હું કાંઈ કોઈને અસર કરાવવા કે ઈમ્પ્રેસ કરવા માટે સેમ્પલ નહોતો આપી દેતો. પરંતુ અણહક્કનું ન લેવું એવા મારા આદર્શનું હું ફકત પાલન જ કરી રહ્યો હતો. એટલે હું દિગ્મૂઢ થઈ ગયો હતો. મારા સિનિયર ડોક્ટરને આમ હૈયાફાટ રડતા જોઈને સાચા અર્થમાં હું બેબાકળો થઈ ગયો હતો. થોડી વાર પછી સહેજ સ્વસ્થ થઈને હું બોલ્યો, ‘સાહેબ, હું એવી કોઈ લાયકાત કે કક્ષા ધરાવતો નથી કે તમને માર્ગ બતાવી શકું. બસ, એટલું જાણું છું અને શીખ્યો છું કે જે કંઈ મારા હક્કનું ન હોય તે મારા ઘરમાં ક્યારેય ન આવવું જોઈએ. પછી એ એક રૂપિયો હોય કે એક લાખ રૂપિયા. બાકી રહી વાત ઝૂંપડી જેવા ઘરની, તો જે ઝૂંપડી જેવા ઘરમાં બાવીસ વરસ કાઢ્યાં છે એમાં બેચાર વરસ વધારે કાઢવામાં અમને કોઈને કંઈ જ તકલીફ પડે તેમ નથી.’ એનાથી વિશેષ કંઈ પણ બોલવાનું મને ન સૂઝ્યું. સાવ અચાનક બની ગયેલા આવા વિચિત્ર પ્રસંગે મારી વાચા પણ જાણે કે હરી લીધી હતી. હું ચૂપચાપ બેઠો રહ્યો. સિનિયર ડૉક્ટર ખાસ્સી વાર સુધી રડતા રહ્યા. લગભગ પચીસેક મિનિટ પછી એ શાંત થયા. મારી સામે હસી, મારી પીઠ થાબડી એ પોતાના ટેબલ તરફ ગયા પછી પોતાનું પાકીટ લઈ બહાર જતા રહ્યા.

મારા એક નાનકડા આચરણની આવી મોટી અસર થશે એ હું હજુ નહોતો માની શકતો, પરંતુ એ હકીકત બની ગઈ હતી. એ ઘટનાની પ્રચંડ અસર નીચે હું શાંતિથી મારું કામ કરતો રહ્યો. એ સાંજના ચાર વાગીને ત્રીસ મિનિટ થઈ તોપણ મારા સિનિયર ડોક્ટર ડ્યુટી પર ન આવ્યા. મારું કામ પતી જાય તો સાડા પાંચ વાગ્યે નીકળી જવાની મને છૂટ હતી. બરાબર સાડા પાંચ વાગ્યે હું એ વિચિત્ર અનુભવને વાગોળતો ઘર તરફ વળ્યો. પરંતુ મારા ઘરે જવાના રસ્તા પર થોડે દૂર પહોંચ્યો ત્યાં જ મારા સિનિયર ડોક્ટર મને સામે મળ્યા. એમની જોડે એક પટાવાળો માથે મોટું પોટલું ઉપાડીને ચાલતો હતો.
‘કેમ સાહેબ, આજે રજા મૂકી દીધી ?’ મેં પૂછવા ખાતર જ પૂછ્યું.
‘અરે ભઈલા ! પછી કાંઈ કામનો મૂડ ઓછો આવે ?’ એકદમ હળવાશથી તેઓ બોલ્યા. પછી જોડે ચાલી રહેલા પટાવાળાના માથા પરના પોટલા તરફ આંગળી ચીંધીને કહે કે, ‘જો વીજળીવાળા ! આ પોટલામાં દવાના ફ્રી સેમ્પલ્સ છે. આજે એકે એક ગરીબ દર્દીના ખાટલે જઈને એ આપી દેવા છે. સાવ ફ્રી હોં ! મને લાગે છે કે એ પછી જ આજે હું નિરાંતે સૂઈ શકીશ. ચાલ ત્યારે, હું જાઉં ! સાડા પાંચ તો વાગી ગયા છે.’ મારી સામે એક સ્નેહભરી નજર નાખીને એ હોસ્પિટલના જનરલ વોર્ડ તરફ ચાલતા થયા. એમની પાછળ એમનો પટાવાળો સેંકડો ગરીબ દર્દીઓને મદદરૂપ થાય એટલી બધી દવાઓના સેમ્પલ્સનું પોટલું ઉપાડીને જઈ રહ્યો હતો.

હું ન સમજાય તેવા આનંદ સાથે ઘરે પહોંચ્યો. શિયાળાના અંતિમ દિવસો હોવાથી દિવસ વહેલો આથમી ગયો હતો. મારા ઝૂંપડી જેવા ઘરમાં અંધારું લાગતા મેં નવી નવી ફિટ થયેલી લાઈટની સ્વીચ પાડી. ચાંપ પાડવાની સાથે જ વીજળીનો દીવો પૂરા તેજ સાથે સળગી ઊઠ્યો. મને મારા ઘરની દરેકે દરેક દીવાલ ઝળહળતી લાગી. ખબર નહીં કેમ, પણ આજે મને એ પ્રકાશ અને વીજળીનો દીવો કંઈક અલગ જ લાગતા હતા. વધારે ઝળાંહળાં, વધારે પ્રકાશિત !

(થોડા ફેરફારો સાથે એ ઝૂંપડી જેવા ઘરમાં જ અમે બીજા નવ વરસ કાઢ્યાં હતાં. આજના દિવસે પણ મને મળતા લાખો રૂપિયાના સેમ્પલ્સ ગરીબ તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને આપવાનો મારા દવાખાનાનો નિયમ એમ જ જળવાઈ રહ્યો છે.)

[કુલ પાનાં : 86. કિંમત રૂ. : 60.00 પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિલન – કિરીટ ગોસ્વામી
ભાવતા ભોજન – સંકલિત Next »   

37 પ્રતિભાવો : વીજળીનો દીવો – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. jignesh says:

  મૃગેશભાઈ………..મને આ વાંચીને જે ઝણઝણાટી થઈ છે તે વર્ણન કરવા હું નાનો પડું. મેં આ ૨૮ વર્ષ માં કેટલાય ડોક્ટર જોયા છે…(ભગવાને મને ડોક્ટર ના દવાખાના ચાલે એટલે જ પાતળો ને નબળો બનાવ્યો એમ કોઈક વાર લાગે છે…હું ના હોત તો આ લોકો કેમ નિભાવત??) અને આ ખૂબ સામાન્ય લાગતી પ્રેક્ટીસ છે….દવાના સેમ્પલ વેચી દેવા કે મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ સાથે “સેટીંગ” કરી ને ભાવ બોલાવવો….મારો મિત્ર એમ આર છે એટલે મને ખબર છે.
  પણ આ પહેલા એવા ડોક્ટર જોયા જે સામાન્ય લાગતી વાતો માં ય અસામાન્ય “વીરતા” બતાવે છે….અને ખાસ કરીને એમના ધરની પરિસ્થિતિ વાંચીને તો આ વાત અશક્ય પછીની જ લાગે…..આ માટે ડોક્ટર સાહેબ…તમે અભિનંદન નહિં પણ ધન્યવાદને પાત્ર છો…તમારા જેવા લોકોના લીધે જ કદાચ હજી સામાન્ય માનવનો ડોક્ટર પર વિશ્વાસ ટકી રહ્યો હશે…..

  તમે આ કામ કરી શકવા માટે ખરેખર બહાદુર છો ડોક્ટર સાહેબ….

 2. Himanshu Zaveri says:

  After read earlier story re: dr saheb’s life, i had bought this book while i was in india last month, each chapter of this book are so touchy and really give you inspiration to go forward in life without complaining. so really appreciate mrugesh bhai for to putting such nice articles everyday on website.

 3. JITENDRA TANNA says:

  એક બાજુ ચિત્રલેખાની હમણા પુરી થયેલી મેડિકલ થ્રિલર “વિષ-અમૃત”માં ડોકટરો વિશે વાચ્યું અને એક આપણા આ ડોક્ટર શ્રી વિજળીવાળા. કેટલો વિરોધાભાસ છે. ખુબ સરસ ડો સાહેબ.

 4. કલ્પેશ says:

  ડૉ સાહેબ – પ્રભુએ સમજીને જ તમને વિજળીવાળા અટક આપી છે. તમે વિજળી વિનાના ઘરમા વર્ષો વિતાવ્યા પણ અંતરના દિવા હંમેશ પ્રજ્વલિત રાખ્યા છે. અને, એવી જ રીતે પોતાના ચરિત્રનો પ્રકાશ ફેલાવ્યો છે.

  અને એક સરળ (અલબત્ત મુશ્કેલ) સિદ્ધાંતના ઉદાહરણ દ્વારા તમે બધા વાચકોના અંતરમા દિવા પ્રગ્ટાવ્યા છે.

  આપને બારમા ધોરણની પરિક્ષા માટે મારા તરફથી “All the best”.

 5. Nayan Panchal says:

  Dear Vijaliwalasaheb,

  I have read that article earlier when I bought your book. Then also I read it again. In fact, I always keep some books handy and that includes your book. Whenever I feel depressed, being cheated/used, I read random articles from your book and feel much better afterwards. This is one of those articles which explains importance of small things in life which give internal n eternal happiness.

  All the best for your 12th Exam.

  Nayan

 6. suresh says:

  શુ ડોક્ટ્રર લ ખે ????
  તેમ્ના ઘ્ન લેખો વચ્યા ,ખબર આજે પડી કે તેઓ ખરેખર ડો. ચ્હે.
  ધન્યવાદ , ત્મોને ને ડો. ઇવ્જ્લિલને પણ્…..
  ડો. ભગ્વાન પણ બની શકે…..મનેવિષ્વાશ ચ્હે,

 7. Trupti Trivedi says:

  Dr. as usual all your articles rather events are very emotional. I always love to read those events and anticipate for more such events. Thank you.

 8. અતુલ જાની (આગંતુક) says:

  એક પ્રગટેલ દીવો બીજા અનેક દીવા પ્રગટાવી શકે છે.

 9. Dhaval B. Shah says:

  Hats off to you, sir!!
  આવી વાતો ઘણુ શિખવી જાય છે…

 10. shahbipins says:

  હુ ખુબ ખુશ થયો અભિનન્દન આવુ બિજા ક્રરે તો કેવુ સારુ

 11. Kavita says:

  I always look forward to read Dr. Vijaliwala’s article on read gujarati. Is it possible to get the listing of all the books written by doctor. I am going to india this month and would like to buy them. Thank you.

 12. preeti says:

  I was in tears when I read this article… we go to temple to take glimps of God but today I feel it is in the hearts of people like Dr. Vijaliwala and doing such great things in such materialistic world where only money is everything… and what it shows that he does not realise also that he is doing something extraordinary work but he is so natural by doing this. Salute Dr. Vijaliwala

 13. Hiral Thaker "Vasantiful" says:

  કવિતાબેન આપના માટે મને ખબર છે તેટ્લા પુસ્ત્કોના નામ્….જે ડો આઇ કે વીજળી વાળાના છે.

  ૧. સમયને સથવારે
  ૨. મનનો મોતીચારો
  ૩. અનતર નો ઉજાશ્

 14. અતુલ જાની (આગંતુક) says:

  આ ઉપરાંત એક પુસ્તક
  ૪. સાઈલન્સ પ્લીઝ !

 15. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપણા પ્રિય લેખક શ્રી વીજળીવાળા સાહેબે વિશેષ રૂપે ફોન કરીને આપ સૌ વાચકમિત્રોનો આ પ્રતિભાવો માટે આભાર માન્યો છે તેમજ તેમની પ્રસન્નતા વ્યક્ત કરી છે. સંસ્કૃતની પરીક્ષા માટે આપ સૌએ આપેલ શુભેચ્છાઓનો સ્વીકાર કરીને સૌ વાચકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

  સમયની વ્યસ્તતાને કારણે પ્રત્યેક વાચકને રૂબરૂ પ્રત્યુત્તર આપવાનું શક્ય ન હોવાથી તેમણે રીડગુજરાતીના વાચકોને આ સંદેશો પાઠવ્યો છે.

  લિ. તંત્રી.
  રીડગુજરાતી.

 16. ashish doshi (ashishdoshi_9@yahoo.co.in) says:

  the wonderful books by dr. i.k.vijdiwala are as under

  1. moticharo

  2. man no mado (amazing books which turn my 100% life,,)

  3. silence please

  4.antar no ujas

  5. samay na sathvare

 17. ashish doshi says:

  wonderful books by dr i k vijdiwala are as under.

  1. Mothicharo

  2. Man no mado. (amazing books which turn my 100% life)

  3. silince please

  4. antar no ujas

  5. samay na sathvare

  all books worth rs. 250 to 300 and this is not expenses but investment… read and let your children frineds patents to read..
  i gift man no mado to my fathers and since that time my father realise abt me that how my son is.. what a test he has since that he was being my good friedn . so such kind of incedient happen in life ..

  never think lots of abt to pur book or not .. we never think abt purchasing jwellery on ocassion , mobile, vechicle or many more so y r u thinking abt such wonder ful book. i will give u surity that if u r man અને હા જો થોદિ પન સવેન્દના હસે રદય મા તો radvu જરુર આવ્સે dil kholi ne dhruske dhruske jo radi sake ne aaj no eklo atulo insan to pan nasibvanto che karan aaje eva sara mitro pan nathi madta ke jeni pase dil kholi ne radi sakie…….. bas aa pustko aaj to kam kare che sacha ane sara mitro banvanu.. so my dear reader dont think long the matter is only rs 300..

  and ya mrugesh bhai ne to jetla dhanyavad aapie etla ocha che priya vanchko mrugesh bhai ne any madad na kari sasko to aatli jarur karjo aa website ni bharpur advertise karo…. max loko ne link forward karo jo sahiyaro prayas thay ne to muskelio jaji nathi takti ane aakhere gujration same muskeli nu gaju pan ketlu bas jarur che ek sahiyara prayas ni jeno aarambh to “shri mrugesh bhai e kari didho che” aapne to matra dhako j marvano che ally gujju o rah san juo che atyare j vadhare ne vadhare loko ne link forward karo. 12 j mahina ma sahity rasiko no graph aasman ne pan vatavi jase

  aabhar sah……..

 18. pragna says:

  what a wonderful job by dr vijlivala. you have truly enlighten the lamp of huminity, the sentence ” dharayati iti dharma” is true with this incident.

 19. hatim hathi says:

  આપ ઉમદા વ્યકતિ તેમજ સારા વિચારક રેહસો હમેસા એવિ દુઆ અમારિ

 20. henil says:

  hi sir,
  really its mindbloing, wonder ful
  i m a big fan of u
  all d books r really such a nice, i hv ur all d books.tnx for giving such a nice gift to the world

 21. Veena Dave, USA says:

  wow, salute Dr.Vijliwala.

 22. ડૉ.વિજળીવાળાના જીવનમાં ઘટેલી આ ઘટના પરથી મારા દિવંગત કાકા જે ડૉકટર હતા તે યાદ આવી ગયા.
  મારા કાકા હંમેશા દદીઁઓને બિનજરુરી દવા-ગોળી આપવાનું ટાળતા. ઘણીવાર દદીઁઓ મીઠો આગ્રહ કરતા તો કાકા એમ કહીને ટાળતા કે આ ગોળીઓ તો ઝેર છે..જેટલી ઓછી લેવાય તેટલું વધારે સારું.

  માનવતાના આવા દિવડાઓથી ગુજરાત રુડું છે.

  ધન્ય ધન્ય ધરા ગુજૅર.

 23. Dear Sir,
  Hats off to u.
  U have proved the defination of a “”Doctor””

 24. asma marfani says:

  dear doctor, hu ahi bhavnagar maj rahu chhu, aapne ghani var malya pan chhe, hu tamne etluj kaheva magu chhu ke aap atla badha samajsevana kamo karo chho maherbani kari thelesemia na balko ne sir.t. hospital bhavnagarma je taklifo pade chhe enathi tamo vakef chho to pachhi ek evu unit kem ubhu nahti karta ke jethi teo sahelaithi mafat blood chadhavi shake? aapni jan mate hu dar 3 mahine temne mate blood apu chhu ane mari maryada ek muslim houesife tarike bahu nani pade chhe aap to mota gajan doctor chho please kai karo.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.