- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ભાવતા ભોજન – સંકલિત

[1] પૂરણપોળી

સામગ્રી :
એક વાટકી તુવેરની દાળ,
એક વાટકી સાકર,
અડધી ચમચી એલચીનો ભૂકો,
દોઢ વાટકી લોટ, બે ચમચા તેલનું મોણ,
ચોપડવા માટે ઘી.

રીત :
સૌ પ્રથમ થોડુંક પાણી નાખી તુવેર દાળને કુકરમાં બાફી લો. હવે એને ગેસ પર મૂકી પાણી ઊડી જાય ત્યાં સુધી હલાવો. એમાં સાકર અને એલચી નાખી એકદમ ઘટ્ટ થવા દો. ઠંડું પડ્યે પૂરણના નાના નાના ગોળ લૂઆ કરવા. દોઢ વાટકી લોટમાં તેલ ચોળવું. પછી પાણી નાખી લોટ બાંધવો. એના એકસરખા રોટલી જેવડા લૂઆ કરવા. રોટલી થોડી વણીને ઉપર પૂરણ મૂકી એનો લૂઓ બનાવી હળવે હાથે વણવી. રોટલીની જેમ એને તવા પર બન્ને બાજુ શેકવી. પૂરણપોળી પર સરખું ઘી ચોપડી ગરમાગરમ પીરસવી. ગળપણ માટે સાકરને બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકાય.

[2] પાત્રા

સામગ્રી :
અળવીનાં પાન નંગ 6,
ચણાનો લોટ 200 ગ્રામ
બે લીંબુનો રસ,
ચાર ચમચી સાકર,
વાટેલાં લીલાં મરચાં (તીખાશની જરૂરિયાત પ્રમાણે),
અડધી ચમચી ખાવાનો સોડા,
બે ચમચી તેલ,
મીઠું સ્વાદ પ્રમાણે,
અડધી ચમચી રાઈ,
અડધી ચમચી તલ, હિંગ.

રીત :
સૌ પ્રથમ ચણાના લોટમાં એક કપ પાણી નાખી એનો ઘોળ તૈયાર કરવો. એમાં મીઠું, મરચું, સાકર નાખી મિક્સ કરવું. અળવીનાં પાન લઈ એને ધોઈને લૂછી નાખવાં. છરી વડે એની નસો કાઢી નાખવી. એક પાન સીધું મૂકી એના પર ઘોળ લગાવવો. એના પર બીજું પાન ઊંઘું મૂકી એનો ગોળ વીંટો વાળવો. આ વીંટાઓને ચારણીમાં મૂકીને બાફી લેવા. પાતરાંને ઠંડાં પડવાં દઈ એના પાતળા ટુકડા કાપવા. એક કડાઈમાં બે ચમચા તેલ મૂકી રાઈ, તલ, હિંગથી વધાર કરવો. વધારમાં કાપેલાં પાતરાં નાખી હલાવવું. પાતરાંને ડિશમાં કાઢી એના પર કોથમીર, કોપરું નાખી, તીખી-મીઠી ચટણી સાથે પીરસવાં.

[3] પાનકી

સામગ્રી :
200 ગ્રામ ચોખાનો લોટ,
1 કપ મોળું દહીં,
મીઠું સ્વાદ પ્રમાણે,
1 ટી સ્પૂન જીરું,
2 ટી સ્પૂન કોથમીર,
6-7 લીલાં મરચાં સમારેલાં,
1 ટી સ્પૂન ઘી (optional),
કેળાના પાન.

કોપરાની ચટણી :
1 કપ ખમણેલું તાજું કોપરું,
2 ટી સ્પૂન દાળિયા, મીઠું, 2-3 લીલાં મરચાં,
થોડીક કોથમીર, 2 ટી સ્પૂન તાજું દહીં. આ બધી વસ્તુ મિક્સ કરી, મિક્સરમાં વાટી તેની પેસ્ટ બનાવવી. આ રીતે કોપરાની ચટણી તૈયાર થઈ જશે.

રીત :
પાનકીની સામગ્રી બધી મિક્સ કરીને અડધો કલાક પલાળીને ખીરું રાખી મૂકવું. આ ખીરાને નોન-સ્ટીકમાં રેડીને પણ બનાવી શકાય. અથવા, કેળાનાં પાન લેવાં. તેમાં ઘી અથવા તેલ ચોપડવું. તેની ઉપર ખીરું પાથરવું. ન બહુ જાડું કે ન બહુ પાતળું અને ત્યાર બાદ તેની ઉપર બીજુ કેળાનું પાન મૂકી ઉપરથી ઢાંકી દેવું અને વરાળમાં બાફી દેવું. આ પાંચ મિનિટમાં થઈ જશે. પાનકીને થતાં બહુ વાર લાગતી નથી. પચવામાં હલકી, કેળનાં પાનમાં થાય તો તેનો ગુણ ઉત્તમ છે અને વળી સરળતાથી બની જાય છે. તે ગરમ ગરમ તેલ નાખીને ચટણી સાથે સર્વ કરવી.

[4] મગની દાળનો શીરો

સામગ્રી :
1 કપ મગની દાળ (ફોતરાં વિનાની),
1 કપ ઘી,
2 કપ દૂધ,
સવા કપ સાકર,
1/8 ચમચી કેશર,
1/4 ચમચી એલચીનો ભૂકો,
1 બદામ અને 2 પિસ્તાની કતરી.

રીત :
સૌ પ્રથમ મગની દાળને 3-4 કલાક પાણીમાં પલાળવી. સહેજ કરકરી વાટવી. વાટેલી દાળને ગળણી પર નિતારવી, જેથી વધારાનું પાણી નીતરી જાય. હવે કઢાઈમાં 2-3 ચમચા ઘી લઈ વાટેલી દાળ ધીમે તાપે શેકવી. ત્યારબાદ થોડું થોડું ઘી નાખતા જવું અને શેકતા જવું. ઘેરો બદામી રંગ થાય ત્યારે તેમાં દૂધ નાખવું. દૂધને બદલે પાણી પણ ચાલે. દૂધનો ભાગ બળી જાય પછી જ સાકર નાખીને ધીમા તાપે હલાવવું. ઘી છૂટવા માંડે ત્યારે વાટેલું કેશર તથા એલચી નાખી નીચે ઉતારી લેવું. ટ્રેમાં અથવા થાળીમાં ઢાળી બદામ પિસ્તાની કતરી પણ ભભરાવી શકાય.

નોંધ : મગની દાળના શીરાને ઘીમાં શેકતાં ઠીક વાર થાય છે તે ધ્યાનમાં રાખવું. મગની દાળના કરકરા લોટનો આવો જ શીરો થઈ શકે. ઉપર જણાવેલી રીત મુજબ જ કરવો. કેટલાક શેકેલી મગની દાળમાં (દૂધ કે પાણી રેડતાં પહેલાં) માવો છૂટો કરીને જરા વાર શેકે છે. પછી દાળ ચઢાવવા માટે પાણી રેડે છે.