- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બાના આશીર્વાદ – ફાધર વાલેસ

હું વિમાનમાં બેઠો. જાતજાતના લોકો અંદર જતા હતા એમની સાથે હું અંદર જઈને બેઠો. બારી પાસેની બેઠક મેં પસંદ કરી ને એ પણ ડાબી બાજુની. મેં ધ્યાનથી જોયું હતું કે વિમાનની ડાબી બાજુ વિમાનમથકના મકાન સામે હતી, અને તેથી વિમાનમથકનું ધાબું ત્યાંથી જોઈ શકાશે. એટલા માટે મેં એ બાજુ પસંદ કરી અને બારી પાસે જઈને બેઠો. ત્યાંથી મેં વિમાનમથકના ધાબા તરફ જોયું. એમાં એક નાજુક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. એ મારાં બા હતાં. ત્યાંથી એ મને જોઈ શકતાં નહોતાં. વિમાનની અંદર શું છે એ બહારથી દેખાતું નથી. જોકે અંદરથી બહાર બરાબર જોઈ શકાય. એણે મને થોડીક મિનિટ પહેલાં હું નિસરણી ચડીને એક પળ ઊભો રહ્યો હતો ને જરા પાછળ વળ્યો હતો ત્યારે જોયો હતો. હવે હું એમને અંદરથી જોતો હતો, પણ એ મને જોતાં નહોતાં, તો પણ હું અંદર બેઠો છું અને એને જોઈ રહ્યો છું એ શ્રદ્ધાથી તે વિદાયમાં હાથ હલાવતાં રહ્યાં ને હું એની તરફ જોઈ રહ્યો.

વિમાનમાં ઉતારુઓ ગોઠવાઈ જતા હતા. સૂચનાઓ અપાતી હતી. દૈનિકો, માસિકો વહેંચાતાં હતાં, મૃદુ સંગીત વાગતું હતું, પણ મારું ધ્યાન એમાં નહોતું. મારું આખું ધ્યાન વિમાનમથકના ધાબા ઉપર ઊભી રહેલી ને મારી તરફ જોતી ને હાથ હલાવતી એ પ્રેમની મૂર્તિમાં હતું. વિમાનને ઊડતાં વાર લાગી. અંદર આવ્યા ત્યારથી લગભગ વીસ મિનિટ લાગી. ઉતારુઓ ગોઠવાય, ગણાય, કોઈ વધારાનું નથી એની ખાતરી થાય, એન્જિનની તપાસ થાય, નિસરણી ખેંચાય ને વિમાનનાં બારણાં બંધ થાય. એ વીસ મિનિટ મને વસમી લાગી. હું બાને જોતો હતો, એમનો એ ઉત્સુક ચહેરો જોતો હતો, વિદાયમાં ઊંચો કરેલો એમનો હાથ જોતો હતો; પણ એનો જવાબ હું આપી ન શક્તો. મેં વિમાનમાં બેઠાં બેઠાં હાથ તો ઊંચો કર્યો, પણ તે એ જોઈ ન શકે એ નિરાશાથી એ પાછો ખેંચ્યો. મારો છેલ્લો પ્રેમનો સંદેશ હું એને પહોંચાડી ન શકું એ કેવું દુર્ભાગ્ય !

એટલામાં વિમાન ઊડવા તૈયાર થયું. એન્જિનના રુદ્ર અવાજ સાથે એ દોડ્યું, પૂરા જોર સાથે ને જાણે મરણિયો હુમલો કરીને એ લાંબી સપાટ વજ્રપટ્ટી ઉપર દોડ્યું. મને થયું : હા, એ ભયંકર જોર સિવાય એ અમને અહીંથી ક્યાં લઈ જઈ શકવાનું હતું ! દિલનું બંધન તોડવા આટલું બધું જોર જોઈએ ને ! છેલ્લે વિમાન ઊડ્યું. એક ચક્કર મારીને ઊંચે ચઢ્યું. હજુ ઊંચેથી, આકાશમાંથી વિમાનમથકનું એ ધાબું દેખાતું હતું. મેં એ તરફ છેલ્લી વખત જોયું, પણ હું કશું જોઈ ન શક્યો. મારી આંખમાં આંસુ ભરાયાં હતાં.

બે મહિના પહેલાં હું યુરોપની યાત્રા કરીને બાની પાસે થોડો સમય રહેવા ગયો હતો. એમની તબિયત સારી નહોતી, છેલ્લો શિયાળો સારો ગયો નહોતો. ડોક્ટરે દવા આપી હતી ને સાથે સાથે સલાહ પણ આપી હતી. જો દૂર ભારતમાં રહેતો દીકરો આવે ને થોડો સમય સાથે રહે તો સ્થિતિ સુધરે : ધર્મ સમજીને હું એમની પડખે હાજર થયો. અને બાના પુણ્ય સાન્નિધ્યમાં એ મંગળ સમય ગાળી શક્યો. સાથે રહેવાનું, સાથે બેસવાનું ને સાથે ધીરેથી ફરવા જવાનું. સાથે મંદિરમાં જવાનું ને પૂજામાં બેસવાનું ને સાથે લાંબી વાતો, દિલની વાતો, જીવનની વાતો કરવાની. એવો સત્સંગ મને કદી મળ્યો નહોતો ! એમાં એ ઘણી વાર ભારત વિશે પૂછે, મારા કામ વિશે પૂછે, મારા વિદ્યાર્થીઓ વિશે પૂછે, ને હું એની ઘણી વાતો કરું ને પ્રસંગો આપું, ને હું ઓળખું એવાં ઘણાં છોકરા-છોકરીઓનો એને પરોક્ષ પરિચય કરાવું, એમના પ્રશ્નો સમજાવું, એમના વિચારો જણાવું. ને એ મમતાથી સાંભળતાં રહે, એ કામ એમનું હોય, એ છોકરાઓ એમના પોતાના દીકરાઓ હોય એ મમતાથી સાંભળતાં રહે.

કોઈ વાર એ મારું કોઈ ગુજરાતી પુસ્તક (દરેકની એક નકલ તો હું એને હમેશાં મોકલું છું.) ધીરેથી હાથમાં લે અને પાનાં ફેરવે. હું એને મજાકમાં પૂછું, ‘શું બરાબર સમજણ પડે છે ?’ ને એ કહે : ‘એક અક્ષર પણ ઉકેલાતો નથી. વિચિત્ર ભાષા લાગે છે, પણ તારું લખાણ છે એ સમજણ મારે માટે પૂરતી છે.’ ને પ્રેમથી પાનાં ઉથલાવતાં રહે. પછી એનું ભાષાંતર કરીને એને બધું સમજાવું એવી વિનંતી કરે. ‘શું હું એકલી, તારી બા થઈને તારાં પુસ્તકોના લાભ વિના રહું ?’ એ મીઠી ફરિયાદ કરે. મારી કસોટી થાય. સંકોચાઈને થોડું જેમ તેમ સમજાવું. ને તે ધન્ય ભાવે એ સાંભળે. ને મને એમ થાય કે હવે આ પુસ્તક બીજા વાંચે કે ન વાંચે એની પરવા નથી. મારું વળતર તો મને પૂરું મળી ચૂક્યું છે….. એ પ્રેમની દવા ચાલી. શાંતિથી. સરળતાથી અને એ ટૂંકા સમય પછી જ્યારે ફરી ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી ને નિદાન માગ્યું ત્યારે ડોક્ટર પોતે માની ન શક્યો કે એ ટૂંકા સમયમાં આટલો સુધારો થયો હોય ! હસીને કહ્યું : ‘એવી અકસીર દવા મારા દવાખાનામાં નથી !’

….ને એ સંતોષ લઈને હું હવે પાછો ફરતો હતો. એક પુણ્ય કામ થયું હતું એની ધન્યતા દિલમાં હતી, ને હવે નવી જવાબદારીથી ને નવી ગંભીરતાથી જૂનું કામ હાથ પર લઈશું એ નિર્ણય પણ મનમાં હતો. વચ્ચે વિદાયનો એ કારમો પ્રસંગ ખરો. પણ બાની આજ્ઞા પણ હતી : ‘મને હવે સારું થયું છે. તારું કામ ચાલુ રાખ. એ યુવાન લોકોની તારાથી બને એટલી સેવા કરતો રહે.’ માટે એ યુવાન લોકોને ફરીથી મળવા અને શિક્ષણને સંવાદને લખાણો દ્વારા એમની બને તેટલી સેવા કરવા હું એ આજ્ઞા લઈને પાછો આવતો હતો.

ઉડ્ડયનના કલાકો કેમ પસાર થયા એનું મને ભાન જ રહ્યું નહીં. હૃદયની વેદના સતત હતી, અને સાથે સાથે હવે પછી વધારે ઉત્સાહથી કામ કરીને એ વેદનાને સાર્થક બનાવવાનો નિશ્ચય પણ મનમાં લેવાતો હતો. ભોગ આપીએ તો એનું ફળ જ લાવવા માટે ને ! એટલામાં વિમાનના કપ્તાનનો અવાજ આવ્યો : મુંબઈ નજીક આવી ગયું છે. થોડીક મિનિટમાં એમાંથી ઊતરીશું. હાશ ! દિલને થયું કે પાછા ઘેર આવ્યા. હા, એક ઘર છોડ્યું હતું, પણ બીજું અહીં રાહ જોઈ બેઠું હતું. ને છેલ્લે એ ઘર આવ્યું. ઉમળકાની સાથે જૂની રૂમમાં દાખલ થયો. એક જ પળમાં આખું વાતાવરણ જાણે મન ઉપર ઠસી ગયું. જાણે બે મહિના પહેલાં નહીં, પણ આગલે દિવસે જ હું નીકળ્યો હોઉં એમ લાગ્યું. ને આનંદથી કામની તૈયારી કરવા બેઠો.

ટેબલ ઉપર કાગળોનો ઢગલો હતો. હું એ તપાસવા લાગ્યો. ટપાલમાં હમણાં આવેલો એક પત્ર હતો. એના ઉપર મારું ધ્યાન ગયું. બાનો પત્ર હતો. મને આશ્ચર્ય થયું. યુરોપથી આવતાં ટપાલને ચારપાંચ દિવસ લાગે, અને હું તો ગઈકાલે જ ત્યાંથી નીકળ્યો હતો, પછી આ કાગળ આટલો જલદી અહીં કેમ પહોંચી શક્યો હશે ? ખોલીને અંદર જોયું. કાગળ તો ચાર દિવસ પહેલાંનો જ હતો. હું હજી બાની પાસે હતો ત્યારે જ લખેલો પત્ર હતો, એમાં ખુલાસો પણ હતો : ‘તું મારી સામે બેઠો છે ને હું તને આ પત્ર લખી રહી છું. ચાર દિવસ પછી તું જવાનો છે. માટે આ કાગળ હું આજે ટપાલમાં નાખીશ જેથી તું ત્યાં પહોંચીશ ત્યારે તરત જ એ તને મળે. ગમશે ને ? આ દિવસોની શી વાત કરું ? ભગવાનનો આભાર માનીએ કે આપણને ભેગાં કર્યાં ને આટલા દિવસ સુધી સાથે રાખ્યાં. એનો પ્રસાદ છે. તારા જવાથી મને હવે કેટલું દુ:ખ થશે એ તો તુંય સમજી શકવાનો નથી, પણ ભગવાનના હાથમાંથી જેમ સુખ લીધું છે તેમ દુ:ખ પણ હવે સ્વીકારીએ, મારી ચિંતા ન કર. તું એ લોકોની વચ્ચે રૂડું કામ કરી રહ્યો છે એ હું જાણું છું. એ યુવાનોની સારી સેવા કરી રહ્યો છે એ ચાલુ રાખજે. બેટા, એ યુવાનો પણ મારા દીકરાઓ છે, એમને માથે પણ મારો આશીર્વાદ છે. એમને ખબર ન હોય, પણ હું એમને માટે રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. અને તારા હાથે એ પવિત્ર કામ થાય એ મારા જીવનનો મોટામાં મોટો આનંદ છે. આ દેહનો હવે ભરોસો નહીં, મોહ પણ નહીં. પણ તું એ કામ કરી રહ્યો છે એ આનંદ સાથે હું હજી જીવીશ, અને ભગવાન બોલાવે ત્યારે એ આનંદ સાથે જઈશ. તું હવે ત્યાં પહોંચી ગયો હશે એટલે તરત ફરીથી કામે લાગજે. હા, એ કામ છોડીને તું અહીં મારી સંભાળ લેવા આવ્યો એ માટે મને એક વાર તો તારો આભાર માનવા દે. ભગવાન તારું ભલું કરે, બેટા. તારા કાગળની રાહ જોઉં છું. હવે તો કાગળની જ રાહ જોવાની રહી ને ! જરૂર લખજે.’

એનો જવાબ મેં તરત લખ્યો, પણ બાનો એ પત્ર તો સાચવીને રાખ્યો. અને હું જીવીશ ત્યાં સુધી એ પત્ર મારી પાસે રાખીશ.