- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શતાયુ થવાનો ઉત્તમ રસ્તો – બકુલ ત્રિપાઠી

હમણાં જ મને વિચાર આવ્યો ‘સો વર્ષ જીવીએ તો કેવું !’ વિચાર સારો છે, નહીં ? બીજું તો શું ? મઝા આવે. બીજા બેચાર મિત્રોને પૂછ્યું. બધાને મન છે, સો વર્ષ જીવવાનું. સવાલ એ છે કે સો વર્ષ જીવવું કેવી રીતે ? જૂનો સવાલ છે. પણ એનો ઉત્તર શોધવાનો ઉત્સાહ હમણાંનો વધારે દેખાય છે !

મેં વિચાર કરવા માંડ્યો. આપણી આસપાસમાં કોઈ છે ? સો નું નહીં તો ચાલે, નવ્વાણું, પંચાણુંનું પણ ચાલશે. નજીકમાં તો ગંગામા છે. ઉંમર ખબર નથી. પૂછીશું. કદાચ સોયે હોય ! જાપાનમાં, કોરિયામાં, રશિયામાં આવી 100 કે 110 વયની મહિલાઓ (કે વડીલો)ની મુલાકાતો લઈને પત્રકારો દુનિયાભરનાં છાપાંઓમાં છપાવે છે. મારી એવી કોઈ ધંધાદારી મહત્વકાંક્ષા નહીં પણ જોઈએ કોઈ ચાવી, કોઈ સિક્રેટ મળી જાય તો….

મેં જઈને પૂછ્યું : ‘ગંગામા, કેમ છો ?’
‘હેં ? શું કહ્યું ભાઈ ?’ એમણે કાને હાથ મૂક્યો : ‘આવ ભઈ ! તેં કંઈ પૂછ્યું ?’
‘પૂછું છું, કેમ છો ? તબિયત કેમ છે ?’
‘હમણાં જ ચૌટામાં ગઈ ! શાક લેવા.’
‘માજી, તમારી વહુનું નથી પૂછતો, તમારી તબિયત કેમ છે ?’
‘રીંગણાં હતાં, પણ બટાટા નહોતા. ઘરમાં તો કે’ લઈ આવું.’ ગંગામાએ માહિતી આપી.
‘માજી….’ મેં ફરીથી વાત શરૂ કરવા પ્રયત્ન કર્યો.
‘કહી ગઈ છે કે ઊભી ઊભી પાછી આવું છું. કોઈ આવે તો બેસાડજો.’
‘એ બરાબર ગંગામા, પણ હું તો તમને જ મળવા આવ્યો છું.’
‘દળવાનું તો કાલે જ પતાઈ દીધું એણે. ઘંટી અહીં પાસે જ છે.’
‘માજી…. હું… તમને… મળવા… આવ્યો છું.. મ….ળ…વા ! તમારી તબિયત કેમ છે ?’
‘હમણાં જ પાછી આવશે. ચ્હા બા પીને જજે, ભઈ !’

ગંગામાં (1) વહુ શાક લેવા ગઈ છે (2) કોઈ આવે તો બેસાડવાનું કહીને ગઈ છે અને (3) દળવાનું તો એ ગઈકાલે જ પતાવી આવી… એ મુદ્દાઓથી આગળ મને વધવા દેતા જ ન હતા ! હું તો થાકી ગયો. વળી એમ થયું કે કંઈક ઉપાય કરવો પડશે. એમ થાકી ગયે નહીં ચાલે. છાપાનું ભૂંગળું કરીને ગંગામાના કાનમાં બોલીએ તો ?

‘ગંગામા, છાપું ક્યાં છે ?’ મેં મોટેથી પૂછ્યું : ‘ઘરનું છા….પું ! રોજ ફેરિયો નાંખી જાય છે તે ? એ છા….પું !’
‘વિકરમના બાપુ તે ગયા ને તો વર્ષો થઈ ગયા ભઈ !’ ગંગામા એ મને સમજાવ્યું, ‘બચાડા બહુ સારા હતા. આમ તમસ બહુ, પણ દિલના સારા…..’
‘ગંગામા, ન્યુઝ પેપર… ! ન્યુ…..ઝ…..પે….પ…ર….. ! મારે એનું ભૂંગળું કરવું છે ! છા…પું…’
‘મને કાચી કેરી બહુ ભાવે. તે એ ય ને. બજારમાં કેરીઓ આઈ નથી ને એ મારે માટે લાયા નથી ! બહુ સારા વિકરમના બાપુ…. આમ… તમસ બહુ… પણ……’ હું ગંગામાને બોલતાં રાખીને ઊઠ્યો. ખાંખાંખોળા કરીને છાપું શોધી કાઢ્યું. એનું ભૂંગળું બનાવીને મેં મારા મોં આગળ રાખીને મોટેથી એમના કાન સોંસરવો મારો અવાજ જાય એમ ફરી ચર્ચા શરૂ કરી.
‘તમારી તબિયત કેમ રહે છે, ગંગામા ?’
હસી પડ્યા ગંગામા ! ‘લે ! તેં તો વાજું વગાડવા માંડ્યું ! હારો નથી લાગતો ! ભૂંગળાંના વાજાં કોણ વગાડે ? નાનાં છોકરાં ! તું ય ખરો છે ! આવડો મોટો ઢાંઢા જેવડો થયો…..’
‘ગંગામાં !’ મેં કહ્યું, ‘હું ભૂંગળામાં વાજું નથી વગાડતો…. પણ તમને સંભળાવવા…..’ પણ તરત મારા ધ્યાનમાં આવ્યું… મને થયું, મારે બોલવા અને એમને સાંભળવા એમ બે ભૂંગળાની વ્યવસ્થા અજમાવવી પડશે.

મારો ઉત્સાહ કાયમ હતો. પેલું ભૂંગળું ત્યાં જ મૂકીને હું બીજું છાપું લેવા ઊપડ્યો. એમની પુત્રવધૂ સંસ્કારી અને વ્યવસ્થિત. જૂનું છાપું બહાર ન રહેવા દે. પસ્તીના પૈસા પૂરા આવે એ માટે સંભાળીને રોજ રાત્રે લઈ લે. એટલે આમ તેમ જૂનું છાપું રખડતું ના મળે. થયું, અંદરના રૂમમાં કદાચ, દાદર નીચે કે ડામચિયા નીચે, ક્યાંક જૂના છાપાંની થોકડી જડી આવશે.
‘ભઈઈઈ….’ બહારથી ગંગામાનો અવાજ આવ્યો. હું ચમક્યો ! શું થયું હશે ? દોડતો દોડતો બહાર આવ્યો. ગંગામા ઘણા વહાલસોયાં. મને પ્રેમથી કહે : ‘ભઈ, આ જો….’
‘શું ગંગામા ?’
‘આ તારું ભૂંગળું અહીં રહી ગયું !’
‘ઓહ ! ગંગામા ! મારે આ ભૂંગળાનું કામ નથી. મારે બીજું ભૂંગળું બનાવવું છે એટલે વાત કરીએ ત્યારે એક ભૂંગળું મારા મોં આગળ રાખું અને બીજું તમારા કાન આગળ રાખું !’
પણ ગંગામાનો ઉત્સાહ અદમ્ય હતો, મને ભૂંગળું પાછું આપવાનો ! કહે : ‘લઈ જા ભઈ ! અહીં પડી રહેલું તે મેં કીધું ભઈ ભૂલી ગયો છે. લઈ જા. તારું જ છે.’

મને થયું, સાઈન લેંગ્વેજ, હાથના, આંગળાની ભાષામાં સમજાવું ! મેં એક હાથે ભૂંગળું, હવે તો એ છુટ્ટું છાપુ થઈ ગયું હતું લગભગ, એ ઊંચું રાખીને બતાવ્યું અને બીજા હાથે ‘બે’ ની સંજ્ઞા-સાઈન કરવા બે આંગળીઓ બતાવી.
ગંગામા ફરીથી હસી પડ્યા.
‘તો ભઈ, પેલા રૂમમાં કેમ ગયેલો ? બાથરૂમ તો આ બાજુના રૂમમાં આઈ !’ મને થયું, આ બે આંગળીઓ બતાવી એમાં ગંગામાએ ગેરસમજ કરી ! એમના જમાનાની કન્યા શાળાઓમાંય, આપણી આજની ગામડાની પ્રાથમિક શાળાઓની જેમ, શિક્ષકની રજા લેવા માટે એક આંગળી અને બે આંગળીની ‘સાઈન’ ચાલતી હશે. ગંગામાએ ઉમેર્યું : ‘ભઈ, અંદરથી કડી બરાબર વહાતી નથી; એટલે ધ્યાન રાખજે. કઈ નહીં. એ તો હું અહીં બેઠી છું ને ? ધ્યાન રાખીશ.’
મને થયું, ઝાઝી ચર્ચા કર્યા વિના અંદર જઈને, ગમે ત્યાંથી બીજું છાપું શોધી લાવું અને પૂરી ‘ટેકનિકલ ઈક્વિપમેન્ટ’ થી સજ્જ થઈને ‘ઈન્ટરવ્યૂ’ શરૂ કરું. હું અંદર ગયો. ત્યાં પાછો બહારથી ગંગામાનો વહાલભર્યો અવાજ આવ્યો.
‘એ પાણી રેડજે, ભઈ !’
‘શું કહ્યું, ગંગામા ?’
‘કહું છું, પાણી રેડજે, ભઈ !’ વિક્રમને એની કચકચ બહુ છે. લોહી પી જાય છે.
‘હો !’ મેં અંદરથી બૂમ પાડી. છાપાં અંદર ટેબલ નીચે જ પડેલાં.
‘અને…. ભઈ…..’
‘હં, ગંગામા ? આવ્યો….’
‘ચકલીમાં પાણી ન આવતું હોય તો બહારથી ડોલ ભરી જજે….’ મેં જવાબ ન આપ્યો. હું બહાર આવ્યો. બીજું છાપું મળી ગયું હતું.
‘ડોલ ના જડી ? નાની ડોલ બંબા જોડે જ હશે. જરા ધ્યાનથી જોજે.’
‘ગંગામા,’ મેં હવે ઝાઝો વિલંબ કર્યા વિના બે ભૂંગળા બનાવી, એક મારા મોંએ રાખીને બીજું ભૂંગળું માજીને કાન આગળ ધરવા આપીને વાર્તાલાપ શરૂ કર્યો.
‘ગંગામા…..’
‘હં, ભઈ….’
‘સંભળાય છે ?’
‘હં… ભઈ…..’
મેં મારું ભૂંગળું મારા જમણા હાથમાં હતું તે ડાબા હાથમાં ફેરવ્યું અને જમણે હાથે પેન લીધી. કાગળનું પેડ જમીન પર રાખ્યું.
‘ગંગામા, તમને કેટલા વરસ થયા ?’
ગંગામાની આંખ ચમકી. મને થયું હવે અનુસંધાન થયું !
‘મારે તઈણ દીકરા અને તઈણ દીકરી !’ ગંગામાએ હરખભેર કહ્યું.
‘ગંગામા, ઉમ્મર…. ઉમ્મર પૂછું છું, ઉ…મ….મ….ર’
‘વિકરમ સૌથી નાનો. મોટો ભગીરથ. એના પછીની દીકરી… ભઈલા…. દોઢ વરસની થઈ ને ગુજરી ગઈ. એવી રૂપાળી હતી. પરી જેવી હોં. ડૉક્ટર નખ્ખોદિયાએ ઈંજેક્શન આપ્યું….’
‘દાક્તરોનું તો એવું જ ગંગામા…. તે વખતે વૈદો હતા ?’
‘કોણ ?’
‘વૈદો ! આયુર્વેદવાળા ! પડીકી આપેને ? એવા…. વૈ…દ્ય….’
‘ઈંજેકશન આપેલું.’
‘પણ વૈદ ? વૈદો ખરા એ જમાનામાં ? કઈ સાલમાં બહેન ગુજરી ગઈ ?’
‘નખ્ખોદિયો દાગતરનું ભણેલો નહીં, પણ દાગતરનું પાટીયું લગાડીને બેઠેલો.’

મેં વૈદ્યો ખલદસ્તાથી દવા વાટે એનો અભિનય કર્યો. ‘વૈદ્ય…. વૈદ્ય…’ મેં એક હથેલીમાં ખલ બનાવ્યો (પેલું ભૂંગળું બાજુએ મૂકી દીધું. અને બીજા હાથની મુઠ્ઠીથી દસ્તો બનાવીને ખલદસ્તાથી વાટતો હોઉં એવો અભિનય કરી બતાવ્યો.)
‘છોડી તો એવી નમણી હતી ! રૂપ રૂપનો અંબાર !….’ ગંગામાએ માહિતી આપી, ‘તોય ઈંજેક્શન આલ્યું.’
‘ગંગામા, તમારા મોટા દીકરાનો જન્મ ક્યારે થયેલો ?’ મારે ગમે તે રીતે ગંગામાની ઉમ્મર અને તે વખતની દવા ખોરાક આરોગ્યની વાતો કઢાવવી હતી. મને એમ કે મોટા દીકરાની જન્મસાલ મળે તો એમાં 14-15 વર્ષ ઉમેરીએ એટલે ગંગામાની ઉમ્મર હાથમાં આવી જાય ! એટલે મેં હાથ ઊંચો કરી, ઊંચાઈ દર્શાવવા હથેલી આડી કરીને પૂછ્યું : ‘ગંગામા, તમારો મોટો મો….ટો…. દીકરો જન્મ્યો….’ મેં એક હાથ ઊંચો રાખીને બીજા હાથે મૂછ પર તાવ દીધો. છોકરો કે પુરુષ દર્શાવવા ભરતનાટ્યમ્ વગેરેમાં કરાય છે તેમ મેં મૂછે તાવ દેતાં પૂછ્યું.
‘ગંગામા, મો….ટો….. મોટો દીકરો…. સમજાયું ?’
‘હં’ માજીએ માથુ હલાવ્યું.
‘એનો જન્મ કઈ સાલમાં ?’
‘હાલમાં ? હાલમાં મુંબઈ છે ! મોટી કંપનીમાં હતો. રિટાયર છે. એ જન્મયો ત્યારે મારી પાસે જ હતો. મુંબઈ તો પછીથી ગયો….’
મેં બંને ભૂંગળાં ઊકેલી ને મૂકી દીધાં.
‘ગંગામા, થેંક્યું.’ મેં કહ્યું.
‘શું કહ્યું ?’
‘જઉં છું !’
‘કેમ ભઈ ? આયો તે કંઈ કામ હતું ?’
‘કામ… થઈ ગયું…. ગંગામા ! થેંકયું’ મેં કહ્યું.
‘વહુ હમણાં જ આવશે. કહે ઘરમાં રીંગણાં તો છે બટાટા લઈ આવું. રીંગણા બટાટાનું શાક સારું બનાવે છે વહુ.’

મને સમજાઈ ગયું ! બરાબર સમજાઈ ગયું ! જેને રેડિયો ટીવીના વિજ્ઞાપનોની મદદથી શતાયુ થવું હોય તેણે તેમ જ કરવું. પણ મને અંગત રીતે તો સમજાઈ ગયું છે કે… શતાયુ થવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણી ઉંમર ભૂલી જવી !! અને સૌના ઉપર ખૂબ વહાલ રાખવું. (સિવાય કે ડૉક્ટરો પર) અને દુનિયાનું સંભળાય એટલું સાંભળવું ને ના સંભળાય તેટલું ના સાંભળવું અને મગનમાં રહેવું. મોજથી…. આપણી અંદરની દુનિયામાં !