મધ્યાહનના તાપમાં શૈશવ બેઠું – ભારતી ભટ્ટ

[ ‘અખંડ આનંદ’ માર્ચ-2006માંથી સાભાર.]

balpanમધ્યાહનના બપોરમાં કામ અંગે જવું એટલે શૈશવની સુગંધનું આવાગમન. કાળઝાળ ગરમીમાં શિશુ જ ઉન્નત મસ્તકે ચાલી શકે. બપોરને બાળકની સાથે જ સાયુજ્ય અને દોસ્તીનો નાતો. બપોરના તાપ સાથે હું ગોષ્ઠી કરતી હોઉં ત્યારે હું નાની સાત-આઠ વર્ષની બાલિકા બની જાઉં. ઊડી જાઉં પરી-જગતમાં અને જીગરી દોસ્ત તડકા સાથે સંતાકૂકડી રમવા લાગું. અત્યારે બધાં જ બારી-બારણાં બંધ કરી, પડદા ઢાળીને ચંદ્રની શીતળ ચાંદનીમાં રહેતા હોઈએ તેમ આયાસપૂર્વક વ્યવસ્થા કરી છે ત્યારે પેલું શિશુહૃદય વારંવાર અનપેક્ષિત રીતે ડોકિયું કરી કરીને મારા આંતરમનને જગાડે છે. આમ પણ મધ્યાહ્નનો બપોર એટલે સૂર્યની સોનેરી નગરી. બધી જ દિશાઓમાંથી સોનેરી કિરણો આશ્લેષે ત્યારે એમ લાગે કે જાણે આપણે સૂર્યમુખીના વનમાં પ્રવેશી રહ્યા છીએ. કાળીઘમ ડામરની સડકો ધૂળના વંટોળિયા વડે ઢંકાઈ જાય છે અને તેને ભૂખરો રંગ અનાયાસે મળે છે. લીલાછમ લીમડાના વૃક્ષોનો વટ આ સમયે અનેરો હોય છે તેથી તે થોડો ગર્વીલો અને અહંકારી પણ બને છે. લીલાછમ ગુલમોરનાં નજાકત ભરેલાં પાંદડાંઓની વચ્ચે કેસરી રંગના ગુલમોર પોતાની હયાતી દર્શાવે છે ત્યારે ઈશની સર્જનાત્મકતા ઉપર આપણને અચરજ થાય છે. ફેરિયાઓ પણ પોતાનાં ભટૂડાંઓને હાથલારીની નીચે સાડીના ઘોડિયામાં ઢબૂરી દે છે અને વૃક્ષની નીચે તેઓ પણ ઘડીક આરામ ફરમાવે છે.

આ ઋતુમાં રાજાધિરાજ સમો વાયરો પોતાનો વિસ્તાર કરતો જ જાય છે. વાયરો વાય, ધૂળનું આક્રમણ થાય, આંખોમાં ધૂળનો પ્રવેશ થાય અને સમગ્ર વાતાવરણને ધૂંધળા અસ્તિત્વની ભેટ મળે. મધ્યાહ્રનના બપોરનો સૂર્ય વિશ્વામિત્ર, દુર્વાસા કે પરશુરામ જેવો કોપિત લાગે છે પણ શિશુને તો તેમાં નરી વત્સલતા જ દેખાય છે. યાદ આવી જાય છે જૂનાગઢનું મારું બાળપણ. તે બાળપણ મેં અડીકડી વાવ અને નવઘણકૂવાના ગોખમાં સંતાડી દીધું છે, રખેને કોઈક લઈ ન જાય ! માતાની ચિંતા અને શોર વચાળે તાપના ઝૂલે ઝૂલવા માટે સખીઓની સાથે હું જઈ પહોંચતી. છોકરાનાં વસ્ત્રો સજી તાપને આવાહન આપતાં અમે બાળકો ધગધગતી ધૂળમાં રમતા. ગરમીમાં તો સહેજ છાંયો દેખાય અને જાણે શાખવાળી કેરી આંબાની ડાળી પરથી ધડિમ દઈને હાથમાં પડી હોય તેમ લાગે. લાય બળતા પગે છાંયડામાં જઈએ અને હાશકારો અનુભવીએ.

બાળપણના વનમાં છોકરાં-છોકરીઓ વચ્ચેની દીવાલ ન હતી. સ્લીપર પહેરી હોય તો પણ પગ દઝાય. ગિલ્લી-દંડાની રમતમાં સમય ક્યારે હાથ-તાળી આપીને ચાલ્યો જાય તેની ખબર પણ ન પડે. પછી રમીએ લખોટી. જેમતેમ જમીને આવીએ અને મિત્રો વચ્ચે રાયણ અને ગુલાબજાંબુની મહેફિલ માણીએ. લાલ, લીલી, પીળી, પચરંગી, નાની, મોટી લખોટી એ અમારો અદ્દભુત ખજાનો. જીતીએ તો પગ થનગનવા માંડે અને હારીએ તો પગમાં રાજાધિરાજ મુંજાલને જેવી વજનદાર બેડી પહેરાવેલી તેવી વજનદાર બેડી જેવું મન હતાશ થાય. કોઈક વખત ઉનાળામાં જ સક્કરબાગની મુલાકાત લઈને હવા ખાવાના સ્થળે ગયાં હોઈએ તેવો આનંદ અનુભવાય. વડની વડવાઈએ હીંચકા ખાતાં એમ જ લાગે કે આપણો તો જાણે શંકુતલાનો જ પરિવેશ. છાંયડે છાંયડે ચાલીને કાળવાચોકન પુલને વટાવીને સખી શોભાને ત્યાં તેના ઉપવનમાં ચીકુ અને દાડમ ખાવા જઈએ. વાનરની જેમ ડાળી ઉપર બેસીને સૃષ્ટિને નિહાળીએ ત્યારે લાગે કે શ્રીરામના આપણે પણ અનુચરો તો ખરા જ. વળતી વખતે ચાલતાં ઘેર આવીએ અને ગાય કે ભેંસે જે તાજો જ પોદળો કર્યો હોય તેની શીતળતા મળે એટલે ચંપલ એક બાજુ મૂકીને બંને પગ તેના પર મૂકી દઈને અનેરો આનંદ માણીએ.

શૈશવ એટલે દેવોનું જીવન. ગિરનારના દાતારમાં પગથિયાં ચડતાં ચડતાં નીચેના વનમાં છુપાઈને મોટે મોટેથી બોલીએ જે પડઘા સ્વરૂપે દિગંતમાં વ્યાપે. એમાં જો કોઈ વનરાજાની ત્રાડ સંભળાય તો ભયથી પરસેવો છૂટી જાય. વનરાજી પર ગ્રીષ્મના બપોરે પહેલેથી જ કૃપા કરી છે. ત્યાં બળબળતા તાપને બદલે શાંત શીતળ હવા જ માનવમનને હૂંફ અને સખ્યભાવ આપે છે. ખાટી ખાટી શાખ કેરી ખાવી અને દોડવું તે મારા શૈશવનું અભિન્ન અંગ. સક્કરટેટી, તરબૂચ, જાંબુ, ગૂંદા, કાતરા, ગોરસ આંબલી અને કરમદાં ખાવાની જે મજા આવે તે આ ઋતુમાં જ.

સવારનો ગ્રીષ્મ તડકો મધુર લાગે. ધીમે ધીમે તે ધરતી પર અવતરે ત્યારે પ્રકાશપુંજ જેવો લાગે. હિમાલયનાં બરફીલાં ઉત્તુંગ શિખર જેવો તડકો જ્યારે રમ્ય પરીની જેમ હાલતો હોય ત્યારે અમે સખીવૃંદમાં દોરડી દાવ રમવાનું શરૂ કરી દઈએ. તેમાં નવીનવી રીતો પણ હોય. થાકનું તો નામનિશાન નહીં. હારવાની તો વાત નહીં. ત્યાર પછી સખીઓની વચ્ચે હુંશાતુંશી થાય પાંચીકા દાવની. મોટી મોટી આંખો ઉપર દષ્ટિ કરે, નીચે કરે, પાંચીકો ઉપર ને ઉપર જતો જાય પણ તે ધરતી પર ન પડતાં હાથમાં જ પડે. નાના નાના હાથ, નમણી આંગળીઓ વચ્ચે એવી રીતે નભને સ્પર્શવા ગતિ કરે જાણે કે હવા વગરનો ફુગ્ગો. પછી ‘ગુલામચોર’ પત્તાંની રમત શરૂ કરીએ અને જીતવાનો અમારો ચક્રવ્યૂહ શરૂ થાય. આ ચક્રવ્યૂહમાં નીતિ અને પ્રમાણિકતાને તો ચોક્કસ સ્થાન હોય જ. રમી રમીએ અને એનો પણ આનંદ મેળવીએ.

કોઈક વખત શિશુમન જ્યારે ખિન્નતાનો અનુભવ કરે, કોઈ સખી કે મિત્ર નજીક ન હોય ત્યારે ગ્રીષ્મના તડકાની સાથે ઈટાકીટા કરી નાખીએ અને ઘરની ચાર દીવાલો વચ્ચે શાંત કોલાહલમાં ખંડના એક ખૂણામાં ઓશીકાના ઓશિંગણથી ‘ઝગમગ’ કે ‘ભીમ’ વાંચીએ. વાંચ્યા પછી જ્યારે બહાર દષ્ટિ કરીએ ત્યારે એવો અહેસાસ થાય જાણે કે મધ્યાહનનો બપોર રૂઠેલા ક્રોધે ભરાયેલા શિશુની જેમ ગુપચુપ અદશ્ય થઈ રહ્યો છે અને સાંજનું આગમન થઈ રહ્યું છે. મનોમન નક્કી કરી નાંખીએ કે દોસ્ત, તારા પ્રાંગણમાં, દીવાલથી દૂર અમે તારા સામ્રાજ્યમાં રમવા આવીશું, તારા અબોલા તોડાવશું અને ગલીપચી કરીને તને પ્રસન્નતાનું વરદાન આપીશું. આમ તો કાકાસાહેબને પણ ગ્રીષ્મના તડકાની સાથે ભારે લગાવ. તેમનો તેના તરફનો નિર્વ્યાજ પ્રેમ. તો કવિવર રવીન્દ્રનાથ ટાગોર તો લોબીમાં ખુરશી મૂકી તડકાસ્નાન કરતા. પરસેવે રેબઝેબ ટાગોરને ત્યારે જ તડકાની હયાતીની પ્રતીતિ થતી.

શૈશવ એટલે કોતરોમાં વહેતું ખળખળ ઝરણું. સોનેરી તાપ સાથે ખળખળ વહેતાં ઝરણાનાં શીતળ પાણીમાં શરીર ડુબાડી દઈએ એટલે સૂર્ય સાથેની સંતાકૂકડી ચાલુ. સોનેરી કિરણો ઘુનામાં પડે અને જળ ચાંદી જેવું બને, તેના તરંગોમાં વિવિધ આકારો રચાય અને અણદીઠી લિપિ જળમાં ચિત્રાંકિત થઈ જાય. જળ જેટલું પારદર્શક લાગે છે તેટલું જ તે મીંઢું છે. તેની ઊંડાઈ અનંતાની ખીણ છે. તેના કિનારા પર તેણે જ સર્જેલાં છીપ, કાંકરા અને પાંચીકા, રેતી અને માટી તેનાં સંતાન સમાન છે. જૂનાગઢમાં વહેતી કાળવર નદી જળવિહીન ઊંડા કોતરોમાં ઉષ્માવિહીન ઉપેક્ષિત નારીની જેમ નહીંવત્ જળ સાથે વહે છે ત્યારે તેનો આક્રોશ સૂર્યના બળબળતા તાપ પર જ હોય છે. તેને અહેસાસ થાય છે કે તેણે જ તેના જળને બાળકની જેમ સૂકવી દીધું છે.

આજે પચાસ વર્ષ પછી મધ્યાહનના બપોરની સાથે દોસ્તી કરવાની હામ નથી. હા, મારા માહ્યલામાંનો શિશુ કોઈક વખત મારી મનની બારીમાં ડોકિયાં જરૂર કરે છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા આંખે ગોગલ્સ, માથા પર સ્કાર્ફ અને ધીમી ગતિ વડે અમદાવાદની શેરીઓની ધૂળને સ્પર્શીએ છીએ ત્યારે પણ મારી દષ્ટિ તો છાંયડો જ શોધે છે. તાપથી દૂર રહેવાની પ્રબળ ઈચ્છા થાય છે. નસીબજોગે મૃગજળ સમો કોઈક લીમડો હવામાં વીંઝાતો જોવા મળે તો મન હર્યુંભર્યું બની જાય છે. કોઈ બાળકને જોતાં મારામાંનું શિશુ હરણફાળ શું બહાર આવવા તલસાટનો અનુભવ કરે છે. સામાન્ય એવી હું કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જેમ પરસેવા-સ્નાન કરવાની ક્ષમતા ધરાવતી નથી. ‘પડતપ્પો’ લાગી જશે તેવી ચિંતાથી મન તપ્ત બને છે અને અચાનક શરીર દોડીને મકાનના હૂંફાળા શીતળ પગથિયા પર બેસી જાય છે.

જૂન મહિનાના આગમન સાથે નવાં પાઠ્યપુસ્તકો નજર સમક્ષ આવે ને ગોરંભાયેલાં વાદળો આકાશમાં દેખાય ત્યારે અનાયાસે તડકાને હાથ ઊંચા કરીને ‘આવજો’ કહેવાનું મન થાય, એ વચનની સાથે કે આવતા વર્ષે આપણી એકસો એક ટકા મુલાકાત તો ખરી જ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શતાયુ થવાનો ઉત્તમ રસ્તો – બકુલ ત્રિપાઠી
મેળામાં – બકુલ બક્ષી Next »   

21 પ્રતિભાવો : મધ્યાહનના તાપમાં શૈશવ બેઠું – ભારતી ભટ્ટ

 1. અતુલ જાની (આગંતુક) says:

  શૈશવ યાદ આવી ગયું. શૈશવની ખરી કિંમત શૈશવ વીતી ગયા પછી જ સમજાય છે અને તે સારુ જ છે કારણકે જે કિંમતોની આંટીઘુંટીમાં પડતો નથી તે જ ખરો શિશુ છે.

  * શૈશવ એટલે દેવોનું જીવન

  * શૈશવ એટલે કોતરોમાં વહેતું ખળખળ ઝરણું.

  શૈશવની બે સુંદર વ્યાખ્યાઓ જાણીને આનંદ થયો.

 2. jignesh says:

  ખરેખર એ સુંદર શૈશવ કાળ યાદ કરાવી દીધો….
  વડલે ક્યારેક રમતા તો ક્યારેક હીંચકા ખાતા

  હવે તો વ્હાઈટ કોલર થઈ ગયો છે ભાઈ…આમ કરાય ને આમ નો કરાય…
  પણ એ સમય ખરેખર અમૂલ્ય હતો
  જગજીતસિંગ નું પેલુ ગીત છે ને….વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની…

  ધન્યવાદ

 3. pragnaju says:

  સરસ લેખ
  શૈશવ યાદ કરાવતા જ કાંઈ કેટલાં કાવ્યો ગુંજી ઉઠ્યા
  આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
  ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે
  એક એવું આંગણું કે જ્યાં મને;
  કોઈપણ કારણ વગર શૈશવ મળે !
  પ્રભુનાં પુષ્પ સમ નાનાં મલકતાં બાળ એમાં હો,
  દીસે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું હો,
  ધન્યવાદ

 4. Pinki says:

  અને એ તાપમાં શૈશવનું બાષ્પીભવન થઈ ગયું ….!!
  એ નિખાલસતા, નિર્દોષતા, ચંચળતા,
  એ બચપણ આંખ સામે તરવરી ગયું….. !!

 5. Jayesh says:

  Reminded me of an old classic of Hemant Kumar

  ” Bhala tha kitna apna bachpan, bhala tha kitna”

  I could readily connect with the experience of Mrs. Bharti Bhatt. Remembered the afternoons of summer vacation spent playing ” ghar- ghar” and other innocent games which gave immense pleasure. The scorching heat never bothered then.

  “Kash woh din koi vapas dilayen”( At least I wish I could revisit my Shaishav for a day)

 6. NIDHI.UPADHYAY says:

  NICE THOUGHT…THANK U.

 7. Dhiren says:

  એક વિચાર આવ્યો, મધ્યાહ્ન અને બપોર બન્ને સમાનાર્થી શબ્દ ન કહેવાય? મધ્યાહ્નનો બપોર પ્રયોગ પહેલી વખત વાંચ્યો..!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.